Ardh Asatya - 32 in Gujarati Detective stories by Praveen Pithadiya books and stories PDF | અર્ધ અસત્ય. - 32

Featured Books
Categories
Share

અર્ધ અસત્ય. - 32

અર્ધ અસત્ય.

પ્રકરણ-૩૨

પ્રવીણ પીઠડીયા

અભયની છઠ્ઠી ઇન્દ્રિય કોઇ અલગ સંકેત આપતી હતી. કંઇક એવું હતું જે તેને ક્યારનું ખટકી રહ્યું હતું. પેલી ફાઇલમાં જે હકીકત લખાયેલી હતી એ કોઈ મોટા ઘણની માફક તેના દિમાગમાં ઠોકાતી હતી. સ્ટોરરૂમમાં તે તલાશી તો કરી રહ્યો હતો પરંતુ તેનું મન તો હજું પણ એ ભિલ કન્યામાં જ અટવાયેલું હતું. રાજગઢ સ્ટેટની પાછળ આવેલું જંગલ અને એ જંગલમાં વસેલો એક ભિલ કબિલો, એ કબિલામાંથી એક સોળ- સત્તર વર્ષની ભિલ કન્યાનું એકાએક ગાયબ થઇ જવું, આ તમામ ઘટનાઓ તેને પરેશાન કરી રહી હતી.

એકાએક તેના હાથ અટકયા અને ઉતાવળે તે એ ફાઇલ જ્યાં મૂકી હતી ત્યાં પાછો ફર્યો. તેને કશુંક યાદ આવ્યું હતું. એક બહું જ મહત્વનો પોઈન્ટ હતો જે ચેક કરવાનો રહી ગયો ગયો. એક પોલીસ અફસર થઇને તે ભૂલી ગયો હતો એનું આશ્વર્ય તેને ખુદને ઉદભવ્યું હતું. ઝડપથી તેણે લીલા પૂંઠાવાળી ફાઇલ ફરીથી હાથમાં લીધી અને એ કેસ કઇ તારીખે નોંધાયો હતો એ ચેક કર્યું. ૧ નવેમ્બર ૧૯૯૨. તે ચકરાઇ ઉઠયો. અનાયાસે તેના હોઠ ગોળાકારમાં વંકાયા અને તેમાથી ધીમી સીસોટી જેવો અવાજ નિકળ્યો. તેને યાદ હતું કે પૃથ્વીસિંહજી ૧૯૯૨ની સાલમાં જ ગુમ થયા હતા એવું અનંતસિંહે તેને જણાવ્યું હતું. મતલબ કે એક જ સાલમાં બે વ્યક્તિઓ ગુમ થયા હતા. અને એ પણ એક જ વિસ્તારમાંથી! આ થોડો વધારે પડતો જોગાનુંજોગ હતો અને એટલે જ તે ક્યારનો પરેશાન હતો. આ દુનિયામાં ઘણાં એવા કિસ્સાઓ કે ઘટનાઓ બનતી હોય છે જે સામાન્ય માનવીની સમજથી પરે હોય છે. અરે કેટલીક ઘટનાઓ તો એટલી અવિશ્વસનિય અને હૈરતઅંગેજ હોય કે તેને તાર્કિક રીતે સમજાવવી પણ અશક્ય હોય છે. અભયને આ બન્ને ઘટનાઓ પણ એવી જ લાગતી હતી. પૃથ્વીસિંહજી રાજગઢમાંથી અને ભિલ કન્યા રાજગઢની પાછળ આવેલા જંગલમાંથી ગાયબ થયા હતા એ ભલે કદાચ એક કુદરતી ઘટના હોય, તેમછતાં તેમાં ભારોભાર રહસ્ય છૂપાયેલું હતું. એ રહસ્ય શું હતું અને આ બન્ને ઘટના વચ્ચે કોઇ કનેકશન હતું કે નહીં, એ બાબતનું સત્ય અભય શોધવા માંગતો હતો.

વળી, આખો સ્ટોરરૂમ તેણે જોઇ નાખ્યો હતો પરંતુ હજું સુધી પૃથ્વીસિંહજીનાં કેસની ફાઇલ તેને હાથ લાગી નહોતી. મતલબ કે કદાચ તેમની ફાઇલ બે વર્ષ પહેલા જે આગ લાગી હતી તેમાં નષ્ટ પામી હોવી જોઈએ. જો ખરેખર એવું થયું હોય તો બની શકે કે આ ભિલ યુવતીનો કેસ પૃથ્વીસિંહજીના કેસમાં કંઇ મદદરૂપ થઇ શકે. અભયે ફોન કાઢયો અને અનંતસિંહનો નંબર ડાયલ કર્યો. સામા છેડે રિંગ ગઇ અને થોડીવાર બાદ ફોન ઉઠાવાયો.

“હેલ્લો.” અનંતસિંહનો ઉંઘરેટિયો અવાજ સંભળાયો. કદાચ હજું તે ઉઠયો જ હોવો જોઇએ.

“અનંત, અભય બોલું છું. પૃથ્વીસિંહજી ગાયબ થયા એ તારીખ કઇ હતી?”

“તારીખ તો મને પણ ખબર નથી. મોટા બાપુને ખ્યાલ હશે, એક મિનિટ, હું તેમને પુંછીને તને જણાવું. પણ તું છે ક્યાં! ગઇકાલનો દેખાયો જ નથી.” અનંતે પૂછયું.

“એ રૂબરૂ મળીશ ત્યારે જણાવિશ. તું ફક્ત મને એ તારીખ જાણીને કહે. થોડું અર્જન્ટ છે એટલે ઉતાવળ કરજે.” અભય બોલ્યો. હજું સવારનાં નવ જ વાગ્યાં હતા. આ અનંતનો ઉઠવાનો સમય હતો એ તે જાણતો હતો એટલે તેણે ચોખવટથી કહ્યું.

“મારી ઉતાવળથી શું થશે! મોટા બાપુ જાગીને નીચે આવે નહી ત્યાં સુધી તો રાહ જોવી જ પડશે.”

“ઓહ, ઓ.કે. પણ જેટલું જલ્દી જાણવા મળે એટલું સારું. તું મને ફોન કરજે. આપણે બપોરે મળીશું ત્યારે નિરાંતે તને જણાવીશ.” અભય બોલ્યો અને અનંત વાતને લંબાવે નહી એ આશયથી તેણે ફોન કટ કર્યો. હવે તેનો ફોન આવે નહી ત્યાં સુધી ધીરજ ધરવાની હતી. તે પાછો બાકી રહી ગયેલી ફાઇલોના ઘુંચળામાં ખોવાઇ ગયો.

@@@

“હેલ્લો, એની બડી ઈનસાઈડ?” બંસરીએ સ્ટોરરૂમમાં પગ મૂકયો અને ચારે તરફ નજર ઘૂમાવતાં સાદ પાડયો. કિરણ તેની આગળ હતો અને તે સ્ટોરરૂમમાં અભયે ફેલાવેલી અરાજકતા નિહાળી રહ્યો. આખો સ્ટોરરૂમ અભયે ઉથલ-પાથલ કરી નાખ્યો હતો. ઠેર-ઠેર ફાઇલોના ઢગલાં અને ખૂલ્લા પડેલા પોટલાઓ નજરે ચડતા હતા. હવામાં ઝિણી રજકણો અને ધૂળનાં કણો ઉડતા હતા જેનાથી સ્ટોરરૂમનું વાતાવરણ ધૂંધળું બન્યું હતું. બંસરીએ હાથોથી એ રજકણોને હટાવવાની ચેષ્ઠા કરી અને અભયની તલાશમાં ચારેકોર નજર ઘૂમાવી અને થોડી અંદર ચાલી.

અભયે એ અવાજ સાંભળ્યો હતો અને તેને આશ્વર્ય થયું કે અચાનક અહી કોણ આવી ચડયું! એક લોખંડના ઘોડા પાછળ ભરાઇને તે ફાઇલો વિંખતો હતો. અવાજ સાંભીને તે ઘોડા પાછળથી બહાર આવ્યો. તેના હાથમાં એક ઉઘાડી ફાઇલ હતી. પહેલા તેણે કિરણને જોયો અને પછી તેની પાછળ હતી એ યુવતી ઉપર તેની નજર અટકી. તેની આંખોમાં આશ્વર્ય અંજાયું. આ એ જ યુવતી હતી જે હમણાં થોડીવાર પહેલા સરા-જાહેર બધાની સામે તેને ભેટી પડી હતી અને એટલું ઓછું હોય એમ એ તેને ઓળખતી પણ હતી. અભયે હાથમાં પકડેલી ફાઇલને એક ઘોડામાં મૂકી અને તેની તરફ આગળ વધ્યો. અભયે દુનિયા જોઇ હતી. તેને સમજાયું હતું કે ચોક્કસ આ યુવતી જ કિરણને અહી ખેંચી લાવી હશે. આખરે તે ચાહતી શું હતી, શું કામ તે આવી રીતે તેનો પીછો કરી રહી છે? તેણે એ બાબતની ચોખવટ કરવાનું નક્કી કરી લીધું અને બંસરી સમક્ષ આવીને ઉભો રહ્યો. કિરણ પણ કંઇક થશે એની દહેશત અનુભવતો અભયની નજીક આવીને અટકયો.

“બોલો, શું કામ છે?” વાતને ગોળ ઘૂમાવ્યાં વગર અભયે સપાટ શબ્દોમાં બંસરીને પૂછયું. બંસરીની ધડકનો તેજ થઇ. તે વગર વિચાર્યે અહીં દોડી આવી હતી. શું કામ? તે ખુદ નહોતી જાણતી. કદાચ તેનું યુવાન લોહી વધું લાગણીશીલ હતું. એક ઇમાનદાર પોલીસ અફસરને ખોટી રીતે ફસાવાયો હતો અને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો એનું દુઃખ હતું અથવા તો અભય પ્રત્યે તેને સહાનુભૂતી ઉદભવી હતી. ખબર નહીં એ કઇ લાગણી હતી જે તેને અભય તરફ ખેંચી રહી હતી. કદાચ એ તેને કહેવા માંગતી હતી કે તે બેગુનાહ છે. તેણે અસલી ગુનેહગારોને બેનકાબ કરી નાખ્યાં છે. તે અભયને એ ખુશ ખબર જાતે સંભળાવવા માંગતી હતી અને એ સમયે તેના ચહેરા ઉપર જે ખુશી છવાય એ જોવા માંગતી હતી. પરંતુ… આવું કશું તે બોલી શકી નહી. કોઇ પૂતળાની માફક તે અભય સામે ખડી હતી.

“હેલ્લો, હું તમને કંઇક પૂછું છું?” અભયે હાથ ઉંચો કરીને બંસરીના ચહેરા સમક્ષ ચપટી વગાડી.

“તમે રઘુભાને ઓળખો છો?” બંસરીએ એકાએક પૂછયું. અભયનાં કપાળે કરચલીઓ ઉદભવી. તેને બંસરીનો સવાલ સમજાયો નહી.

“રઘુભા? ક્યાંક તમે સુરતનાં રઘુભા વિશે તો નથી પૂછતાને?” તેને આશ્વર્ય ઉદભવ્યું. તે રઘુભાને સારી રીતે ઓળખતો હતો. સુરતમાં તેની કાર્ટિંગ એજન્સી હતી અને તેના ઘણાં ટ્રકો રેતી-કપચીના ફેરામાં દોડતા હતા. રઘુભા સાથે તેનો ઘણી પખત પનારો પડી ચૂકયો હતો. એ કાબો અને કોઠા-કબાડા વાળો માણસ હતો. પણ આ છોકરી અચાનક એ રઘુભા વિશે કેમ પૂછી રહી છે એ તેને સમજાયું નહી.

“હાં, એ જ રઘુભા. અત્યારે ફરાર છે અને તેના બે માણસો પણ ગાયબ છે.”

“તો?” અભય હજું સમજ્યો નહોતો. પણ ’ગાયબ’ શબ્દ સાંભળીને તે ચોંક્યો જરૂર હતો. પાછલા થોડા સમયથી આ શબ્દ જાણે તેની પાછળ પડી ગયો હતો. રોજ કોઇને કોઇ સંદર્ભમાં આ શબ્દ તેના કાને અથડાતો જ રહ્યો હતો. આ અજાણી યુવતી પણ અત્યારે એ જ શબ્દ દોહરાવી રહી હતી.

“તો કશું નહીં. મને લાગ્યું કે આ સમાચાર તારે જાણવાં જોઇએ એટલે જણાવ્યાં.” બંસરી બોલી ઉઠી. આમપણ થોડા સમયમાં અભયને આ સમાચાર જાણવા મળવાનાં જ હતા. “તું એક કામ કેમ નથી કરતો? મારા ભાઇ રમણ જોષીને મળી લે એટલે તને બધું સમજાય જશે.” એકાએક બંસરીને એક રસ્તો સૂઝયો હતો.

“રમણ જોષી? એ જ ને જેણે સૌથી પહેલા અકસ્માતનાં સમાચાર લાઈવ કર્યા હતા અને માંગણી કરી હતી કે અકસ્માતમાં જવાબદાર અફસરને તાત્કાલિક અસરથી બર્ખાસ્ત કરવામાં આવે અને તેની સામે સખત પગલા લેવામાં આવે!” એ વાત યાદ કરતાં અભયના મોઢામાં કડવાહટ ભળી હતી. સત્ય જાણ્યાં વગર એ સમયે જે સમાચાર બતાવવામાં આવ્યાં હતા એ અભયને હજું પણ યાદ હતા. તે રમણ જોષી પ્રત્યે ધ્રૃણા ભાવ ધરાવતો હતો. અને જો આ યુવતી તેની બહેન હોય તો જરૂર અત્યારે પણ પોતાનો કોઇ મકસદ પૂર્ણ કરવા આવી હોવી જોઇએ. એકાએક તે સતર્ક બન્યો. હવે કોઇ નવા ઝમેલામાં તે ઉલઝવા માંગતો નહોતો.

(ક્રમશઃ)