Podono bhavy varso in Gujarati Travel stories by vishnusinh chavda books and stories PDF | પોળોનો ભવ્ય વારસો

Featured Books
Categories
Share

પોળોનો ભવ્ય વારસો

પોળોનો ભવ્ય વારસો



આજે હરતાં ફરતાં ગાંધીનગર થી અમે પાંચ ઈતિહાસ પ્રેમી મિત્રો જેમા હું, વિરેન્દ્રસિંહ રાઠોડ,જયુભા ઝાલા, ચેતનસિંહ ઝાલા, રમેશભાઈ કંબોયા, ગાડી લઈને નીકળી પડ્યા. વિજયનગરના પોળો ના જંગલના સ્થાપત્ય જોવા જવાનો પ્રોગ્રામ ગોઠવ્યો. ગાંધીનગર થી ૧૩૦ કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે.જે ૩ થી ૫ કિલોમીટર ના વિસ્તાર માં ફેલાયેલું છે.અહી વરસાદ ની સીઝનમાં આ જંગલની મજા બમણી થઈ જાય છે.અહી નાનો એવો ધોધ પણ છે.જે ઝરણાં રુપે વહે છે. કુદરતના સાનિધ્યમાં રહેનારા લોકો માટે આ જગ્યા એક દમ ઉત્તમ પ્રકારની કહી શકાય છે.કુદરતના ખોળે રમવાનો એક આગવો અનુભવ થાય છે.


હુ અહીં પહેલા પણ બે વખત આવેલો છું એટલે બધું જોયેલું છે.પણ અહીં દરવખતે કંઈક ને કંઈક નવું જાણવા મળશે છે.હજી પણ ઘણી વખત મુલાકાત લઈશું.આ જગ્યા જ કાંઈક એવી છે.અત્યારે તો અહીં પણ શહેર જેવી ભીડ જોવા મળે છે લોકો વિકેન્ડમાં અહીં લોકો પીકનીક મનાવવા માટે આવે છે.તેમજ ફોટોગ્રાફી, ટ્રેકિંગ, પ્રી વિડીયો શુટીંગ વગેરે માટે આવે છે. જેના કારણે અહીં ખાંસી એવી ભીડ જોવા મળે છે.જેના કારણે અહીં રીસોર્ટ પણ બન્યા છે.અહી આવવા માટે ચોમાસા તથા શિયાળામાં ખુબ જ અનુકૂળ રહેશે.હરતાં ફરતાં અમે સાબરકાંઠા જિલ્લામાં આવેલા જાણીતા સ્થળો ની અજાણીતી જગ્યાઓ તથા તેમનો ભવ્ય ભૂતકાળ ની ઝાંખી કરાવીશું કે પહેલા આ સ્થળો કેવા હતા અને અત્યારે શું હાલત છે.અમારો ઉદ્દેશ ખાલી આવી પ્રાચિન ઐતિહાસિક સ્થાપત્યો ની માહિતી આપ સહુને આપવી. તથા તે અંગે સ્થાપત્યની જાળવણી કરવી અને તેનો ભવ્ય ભૂતકાળ વાગોળી ભવિષ્ય માટે સંગ્રહી રાખવો કારણકે આજે આ સ્થાપત્યો છે. જે આવનારા ભવિષ્યમાં ના પણ હોય.

શ્રી વિરેશ્વર મહાદેવ વિજયનગર

જંગલ, ઝરણાં, પક્ષીઓ અને પર્વતોના સાનિધ્યમાં આવેલ ધામ એટલે વીરેશ્વર મહાદેવ મંદિર ચારેય બાજુ લીલીછમ હરિયાળી ટેકરીઓથી ઘેરાયેલા આ સ્થળે સુંદર મજાનું પૌરાણિક વીરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.આમંદિર ગાંધીનગર થી ૧૨૫ કિલોમીટર સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે.
પ્રાચિન વિરેશ્વર મહાદેવ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર થી આસરે ૩૦ કિલોમીટર દૂર જંગલમાં ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. થોડી ઉંચી ટેકરી પર સ્વયંભૂ વિરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.સંવત ૧૩૬૧ ની સાલમાં એટલે કે આજથી ૭૫૪ વર્ષ જુનું પુરાણું આ પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ ધરાવતું આ મંદિર છે.અહી સમગ્ર ગુજરાતમાં એક માત્ર નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે. અહીં સાક્ષાત હનુમાનજી નું મંદિર આવેલું છે. આ મંદિર ની વિશેષતા એ છે કે મંદિર ના પાછળના ભાગે ટેકરી ઉપર ઉંમરનાં ઝાડના મૂળ માથી અવિરત પાણીનો પ્રવાહ વહે છે. જેને ગુપ્ત ગંગા કહે છે.
આ પવિત્ર પાણી ૧૦૦ ટકા મિનરલ છે. આ પાણી વર્ષો સુધી બગડતું નથી જેને લઈ આ પાણીને ગુપ્ત ગંગા જી નામ આપવામાં આવ્યું છે. ૧૯૫૬ માં વિજયનગર ના મહારાજાશ્રી એ મહંત પ્રથા શરૂઆત કરી હતી.

શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર

આ મંદિર વિજયનગર ના પોળોનાં જંગલમાં આવેલું છે.અભાપુરના જંગલોમાં સોલંકી કાળનું અતિ પ્રાચીન એવું શરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.છ વીઘા જેટલી જમીન માં પથરાયેલ મંદિર કોણે બંધાવ્યું હશે તેની કોઈ માહિતી મળતી નથી.આવુ જ એક મંદિર શિરોહી પાસે નું શરણેશ્વર મહાદેવનું મંદિર સ્થાન ગણાય છે.શારણીયા કોમ તથા રાજપુતના પૂજનીય દેવ શરણેશ્વર છે. શરણેશ્વર મંદિર માં પ્રવેશ થતાં જ મંદિર ના દ્રારસાખના ડાબા હાથે લોહીના અક્ષરે લખાયેલો એક લેખ છે.કોઈ રાજા એ કદાચ અહીં કમળ પૂજા કરી હશે એવું માનવામાં આવે છે.

મંદિર ના પ્રાંગણમાં જમણી બાજુએ વિશિષ્ટ પ્રકારના પાળિયા ઉપર એક લેખ લખાયેલો છે.જેમા મહારાજા રાવભાણના ઉલ્લેખ સાલવારી સાથે છે.વિ.સં.૧૫૫૪ શક સંવત ૧૪૨૦ અને ૧૪૯૮ માં ઈડરના મહારાજા રાવભાણે કદાચ આ મંદિરનુ સમારકામ કરાવ્યું હોય તેવું પણ બને.મહારાજા રાવભાણ ઈડર સ્ટેટના એવા મહારાજ હતાં.જેમણે સર્વ પ્રથમ રાજ્યની સીમા પર સીમા ચિન્હો મૂક્યા હતા.

આ શરણેશ્વર મહાદેવનું મંદિર માંથી ૧૫ મી સદીના અવશેષો મળી આવ્યા છે. આ બહુ પ્રાચિન પૌરાણિક મંદિર છે. પ્રાકારયુકત પશ્ચિમાભિમુખ,કલાની દ્રષ્ટિએ મહત્વના આ સાંધાર પ્રકારના બે મજલાવા શિવ મંદિરમાં નંદી મંડપ છે.પીઠિકા માં ગ્રાસપટ્ટી ,બેવડી જંઘામા ભૈરવ,યમ, બ્રહ્મા, શિવ, ઈન્દ્ર, વિષ્ણુ, પાર્વતી, ઈન્દ્રાણી અને ગણેશ ના આકર્ષક શિલ્પો તેમજ વંદિકામા કંડારેલા ઉર્મિવેલ અને મંડપના વામન સ્તંભોમાં કંડારેલા હંસાવલી અને નરથર જેવું અલંકરણ આ મંદિર ની આભા છે.

પોળોનાં જંગલો થી હરકોઈ વ્યક્તિ વાકેફ હશે. આ જગ્યા ને ઘણાં બધાં લોકો જઈ આવ્યા હશે.એકદિવસ પ્રવાસ કરવાનું વિચારતા હોય તેમના માટે પણ કુદરતના સાનિધ્યમાં એપણ સોળેકળાએ ખિલેલ આહલાદક જંગલ જ્યાં તમને એકાંત ભેંકાર સાથે શાંતિ નો અહેસાસ થશે.એક દિવસ ના પ્રવાસ, પિકનિક માટે એક ઉત્તમ સ્થળ એપણ ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતું સ્થળ એટલે વિજયનગર જેને લોકો પોળોનાં જંગલો તરીકે ઓળખીએ છીએ. વિજયનગર પાસે વિરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીં ઉમરાના વૃક્ષના મૂળમાંથી "ગુપ્ત ગંગા"એટલે કે પવિત્ર પાણીનો સ્ત્રોત વહે છે.જે સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે.

હવે તમને એવું થશે કે આ જંગલ નું નામ પોળો કેમ પડ્યું છે.તો અહીં બંને બાજુએ પર્વતીય પહાડો વચ્ચે સાંકડો રસ્તો હતો અને પછી જંગલ વિસ્તારની શરૂઆત થતિ હતી તેથી આગળ વૃક્ષોના લિધે દરવાજા જેવું દ્શ્ય જોઈ શકાતું હતું.તે કારણથી જ આ જગ્યાનું નામ પોળો પડ્યું હતું. અહીં પ્રાચિન પોળો શહેર હરણાવ નદીના કાંઠે વસેલું હતું.ઈડના રાજપુત રાજવીઓ દ્વારા ૧૦મી સદીમાં સ્થાપના કરવામાં આવી હોવાનું મનાય છે.અને પછી મારવાડના રાજપુત રાજવીઓ દ્વારા ૧૫મી સદીમાં કબજે કરાયું હતું.આ સ્થળ ગુજરાત અને રાજસ્થાન ની બરોબર વચ્ચે આવેલું હોવાથી તેને દ્વારનુ પ્રતિક આપવામાં આવ્યું હોવાની લોકમુખે ચર્ચાય છે.

વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળાઓ અને ઘટાટોપ વનરાજી વચ્ચે હરણાવ નદીના નયનરમ્ય કાંઠે પોળોના પ્રાચીન મંદિરો શોભાયમાન છે. હરણાવ નદીનો ઉલ્લેખ પુરાણોમાં એક પવિત્ર નદી તરીકે થયેલો છે. આવા આ પ્રાકૃતિક વૈભવ વચ્ચે પોળોના જંગલમાં શિવ મંદિર, સૂર્યમંદિર, જૈન મંદિરો આવેલા છે. તેના સિવાય વાવ, કુંડ, કુવા, કિલ્લા વગેરેના અવશેષો જોવા મળે છે. આ મંદિરો આશરે ૧૪ મી ૧૫ મી સદીના હોવાનું મનાય છે. એનું સ્થાપત્ય અને શિલ્પો જોતા તે સોલંકી કાલી અવશેષો હોવાનું મનાય છે.

અભાપુરના જંગલમાં આવેલા મંદિરો ૧૫મી સદીની આસપાસ ના મનાય છે. આ અવશેષો તો જોતા એમ લાગે છે. કે પુરાતન કાળમાં કોઈ મોટા નગરની રચના થયેલી હશે. તેમાં સમૃદ્ધ માણસો વસતા હશે મંદિરના છૂટાછવાયા ભાગ પરથી લાગે છે. કે આ મંદિર કાતો કોઈ કુદરતી આફતો નો ભોગ બન્યા હોય કે પછી વિધર્મીઓના હુમલાઓથી નાશ પામ્યા હોય એવું માલૂમ થાય છે. કેટલાક મંદિરો કાળની સામે લડતા હજુ પણ અડીખમ ઉભા છે. લગભગ સત્તરમાં સૈકામાં સુધી વિજયનગરના રાજાઓ પોળોમાં કિલ્લામાં જ રાજધાની બનાવીને રહેતા હતા. અહીં વારંવાર થતા હુમલાઓથી આ ભાગ ઉજ્જડ બન્યો.

હિન્દુ સંસ્કૃતિના મંદિર સાથે સાથે જૈન મંદિર સ્થાપત્ય નાગરશૈલી, જગતી, મંડોવર, ગજપીઠિકા, નરથર, યક્ષણી, તોરણ જેવા મંદિરના સ્થાપત્યના હિસ્સાઓ છે. અહીં પાળિયા પણ છે ખાલી હાથી કે ઘોડા હોય તો માલિક માટે એને પ્રાણ આપ્યા હોય સુરજ ચંદ્ર તારા હોય તો 'યાવત્ચંદ્રવિકરૌ' (જબ તક સૂરજ ચાંદ રહેગા)એ વીરગતીનું અમરત્વ કોતરાયેલ હોય છે. ઘણી સંખ્યામાં શૂરવીરો ના પાળિયા આવેલા છે. પાંડવો પોતાના સમયમાં ભારતભરમાં ફરેલા પાંડવો ની જગ્યાઓ પુરાભારત માં ઠેર ઠેર જોવા મળે છે.એમ પાંચ કેડીઓ ટોચ પર જાય એવો 'ભીમખેડો' નો ડુંગર ભીમ ની ગદા પ્રહાર આવો બન્યો ? શિવ શક્તિ મંદિરો સૂર્યમંદિર, જૈન મંદિર આ બધું એક જ જગ્યાએ કેવી રીતે તે પ્રશ્ન થાય છે. અહીં ઘણા મંદિરો ખંડિત અને અપૂજ છે મુર્તિઓ હિંમતનગર જતી રહી એવું કહેવાય છે. ઘોડા ઉપર બેસેલી સુર્યમૂર્તિ અડધી સદી પહેલાં જ અહીંના પૂજારીઓ અને આદિવાસીઓએ જોયેલી જે પછીથી કોઈ ચોરી ગયું છે.

પોળોનું જંગલ પણ આ મંદિરો સિવાય માણવા જેવું છે ૪૦૦ ચોરસ કિ.મી પથરાયેલ છે. સપ્ટેમ્બરથી મિડ જાન્યુઆરી સુધી ચોમાસાને લીધે તાજુ લીલુંછમ બની જાય છે ત્યાં ૪૫૦ પ્રકારની ઔષધિઓ ૨૭૫ જાતના પંખીઓ ૩૦ પ્રકારના સસ્તન પ્રાણીઓ અને ૩૨ સરિસૃપો વસે છે રીંછ જરખ, દીપડા, સાપ અને ઉડતી ખિસકોલી,ગીધ, જોવા મળે છે. ચોમાસામાં નાનકડા મસ્ત ધોધ એમાં જોવા મળે છે. નાના-મોટા ટ્રેકસ છે વૃક્ષોથી છવાયેલા જંગલમાં તમે ચાલીને થાકો ને બહાર મુખ્ય વિસ્તાર માં આવો તો જામફળ, સીતાફળ ખાઈ લીંબુ પાણી નાળિયેર પાણી ઠંડી છાશ પીને ફ્રેશ થઈ શકો છો.

અહીં હવે તો બેસતા શિયાળો આવે એટલે પ્રવાસીઓ માટે પોળોત્સવ શરૂ કર્યો છે. ત્યાં ટેન્ટ સિટી જેવી કેમ્પ સાઇટ બની જાય છે. તે સિવાય ફોરેસ્ટ ખાતા નું ગેસ્ટ હાઉસ પણ છે બીજી પણ ઘણી બધી હોટલો અને રિસોર્ટ બની ગયા છે. એક દિવસ માટે તો સવારે જાવ આરામથી ફરી ફોટોગ્રાફી વનભોજન કરી સાંજે પાછા આવી શકો છો. તે સિવાય જો રાત્રી રોકાણની ઈચ્છા હોય તો સૂર્યોદય પછી સ્થાપત્યનું સૌંદર્ય ખીલી ઊઠે છે. શનિ-રવિ તો અહીં શહેરી લોકોના ધાળાઓ આવે છે. વન ડે પિકનિક સ્પોટ તરીકે પોપ્યુલર થતા વિકેએન્ડમા મેળા જેવો માહોલ જોવા મળે છે. પણ જો સ્થાપત્ય પ્રેમીઓ હોવ તો શનિ રવિ સિવાય આ દિવસોમાં અહીં આવવું. મન ભરીને અહીંની સંસ્કૃતિ, જંગલ, સ્થાપત્ય ને આપ માણી શકો છો. અહીં આવતા પહેલા સારો કેમેરો હોય તો અહીંની કુદરતી પળો ને કેમેરા મા કેદ કરી શકો છો. અહીં પ્રિ વેડિંગ શૂટિંગ,ફોટો શૂટ ખુબજ પ્રમાણમા થાય છે.ઘણા ખરા ગુજરાતી ફિલ્મ ના શૂટીંગ પણ થયા છે. પણ અહીં તેની સાથે સાથે પ્લાસ્ટિક નો કચરો, ઘોંઘાટ અને ગંદકી લોકો કરીને અહીં ના કુદરતી જંગલ સૌંદર્ય અને સુંદર સ્થાપત્યો ને ફોટોગ્રાફી ની આડમાં ખુબજ નુકસાન પહોંચાડી રહ્યા છે.જે અંગે જંગલ ખાતાએ અને સરકારી તંત્રએ યોગ્ય પગલાં લેવા જોઈએ.તેમજ લોકો માં પણ જનજાગૃતિ આવવી જોઈએ કે જંગલ, સંસ્કૃતિ, સ્થાપત્ય એતો આપડી એક આગવી ઓળખ છે.તેનુ જતન કરવું જોઈએ એ છે તો આપડી સંસ્કૃતિ અમર છે.આભાર