Jabri vahu - (GJ-02) in Gujarati Moral Stories by Naresh Gajjar books and stories PDF | જબરી વહુ .....(GJ-02)

Featured Books
Categories
Share

જબરી વહુ .....(GJ-02)

"જબરી વહુ".....(GJ-02)


રીતસર ની તોપ ઘણઘણતી હોય અને આખાય બંગલા માં સંભળાય એમ કિચન માંથી બહાર આવતા આવતા પ્રભા બેન બોલ્યા...
"સમયસર તૈયાર થઈ જજો બધા પાછા"... અને હા "પિંટુડા તુંય પાછો" ..." બૈરાઓ ની જેમ તૈયાર થવામાં ભવ ના કાઢ્તો પછી..... ."એક તો બોલવા મા ઢીલો ને પાછો તૈયાર થવામાં ય ઢીલો."..
" અને હા ક્યાં છે તારા પપ્પા. એમને કહી દે કે આજે સુટ પહેરે".. "કહેજે કે દીકરા માટે વહુ જોવા જવાનું છે" .. "નાત ના જમણવાર ના નથી જવાનું"..."મોટું ખાનદાન છે...સમયસર પહોંચવું પડે નહિતર ઘરની વાત લઈ જશે એ લોકો."...તે વાત સમજી લેજો બધાય."...

અને પ્રભા બેન ના હુકમ ની સામે તાકાત છે તમારા પટેલ પરિવાર ના એકેય સભ્ય ની કે ચું કે ચા કરી શકે..??.તમે પ્રતીક પટેલ...ઉર્ફે પીન્ટુ...અને આ તમારું આ પટેલ પરિવાર એટલે મૂળ મહેસાણા નજીક આવેલા સમેત્રારા ગામનું વતની અને વર્ષોથી મહેસાણા શહેર માં આવીને વસેલું..અને આ મહેસાણા એટલે...GJ 02... આંકડા માં ભલે એક્કો ના આવે પણ બોલવામાં તો એક્કા... એ વાત તો સહુ એ સ્વીકારવી જ પડે...આમતો આખી પટેલ નાત ની વાત કરો તો પટેલો ને બોલવામાં કોઈ ના પહોંચે.. જેમ વાણીયાઓને લક્ષ્મી વરેલી એવું જ કંઇક.. ધાની ફૂટી એવી વાતો...હોય એમની અને બોલવાની વાત આવે તો બંદૂક ને પછી પાડે એવી તમારી નાત..
.અને હા દુનિયા ના કોઈપણ છેડે જાવ .. તમને એકાદ પટેલ જડી જાય . એટલે તમને તમારું વતન જડ્યું એવું લાગે.. અને પરોણાગત પણ કાઠિયાવાડ જેવી...
પણ હા , એક વાતનો ફરક કારણ કે કાઠિયાવાડ ની તો જીભ માં ય મીઠાસ...પણ...પટેલો ને તો તડ ને ફડ...ક્યાંય ખોટું સહેજે ય સહન નહિ કરવાનું પછી ભલેને સામે ગામનો કલેકટર કેમ ના હોય...?..અને એમાંય તો તમારો આ મહેસાણા..પંથક તો તળપદી ભાષા માં કહીએ તો "મેહોણા"..થી ઓળખાય.
પણ તમે પીન્ટુ એટલે કે પ્રતીક પટેલ. આઈટી એન્જિનિયર થઈને .લગ્ન ની ઉંમરે આવી પહોંચેલા.. એટલે જ્ઞાતિ ની જ છોકરી ઘરમાં આવે એવા ઘરના તાનાશાહી નિયમ ની સામે અવડા મોટા થયા ત્યાં સુધી કોઈ બીજી જ્ઞાતિ ની છોકરી ને સાથે પરણવાની વાત તો ઠીક. લફરું ના થઈ શકે...અને જો ખબર પડે તો નાત માં નાક વધેરાય..એવું પ્રભાબેન એટલે કે તમારા મમ્મી હંમેશા કહેતા......
અને આ અમરત ભાઇ ધનજીભાઈ પટેલ ઉર્ફે એડી એટલે કે તમારા પપ્પા..
મેટલ ઇન્ડસ્ટ્રી માં મોટું નામ ..ધીકતો ધંધો...અને આમેય ધાતુ સાથે પટેલો નો જાણે ભવેભવ નો સબંધ હોય એમ ઘણા પટેલો એ આ ધાતુ ના ધંધામાં કાઠું કાઢ્યું છે...જોકે ગમે તે ધંધો હોય પટેલો એમની સાહસવૃત્તિ માટે પણ એટલાજ જાણીતા...અદમ્ય સાહસ ધરાવતી તમારી આ કોમ...પણ તમારા પાપા ઉર્ફે એડી..એક જ વાતે ઉતરતા ..કે પ્રભાબેન ની સામે એક શબ્દ એ બોલી ન શકે. એવા ઢીલા... એટલે આખાય તમારા કુટુંબ માં પણ પ્રભાબેન...નો તાપ કેટલો
છે. બધાય સારી રીતે જાણતા.
અને તમે પ્રતીક, બિલકુલ તમારા પપ્પા પર ગયેલા ..બોલવાનું ઓછું અને સ્વભાવે પણ થોડા થીલા...એટલે પ્રભાબેન ઘણી વાર કહેતાં... "પીન્ટુ ડા, તું તો ખોટો આયો છે, આ નાત માં તારે તો કોઈ વાણિયા ને ઘેર જન્મ લેવાની જરૂર હતી "..."સાવ પોદળા જેવો ઢીલો છે".. "એટલે તારી વહુ મારે જબરી શોધવી પડશે"..."નહીતો બેય ઢીલા હશે તો લોકો જીવવાય નહિ દે."

અને ત્યારે જ ત્યાં પ્રભાબેન ની વાત કાપતા હોય એમ અમરતલાલ બડબડતા..."સાચી વાત છે પિન્ટુ...."તારી મમ્મી એના જેવી જ જબરી વહુ શોધવાની છે,તારા માટે."..અને "આમેય હવે આ તોપ જૂની થાય એટલે એકાદી નવી બંદૂક તો જોઇને ધરમાં"....
અને પ્રભાદેવ તડુક્તા..."શું બબડો છો મનમાં ને મનમા ?? મોટેથી બોલો જરા સંભળાય એમ"

ત્યારે તમે પણ
"મમ્મી કંઇ નહિ, આતો, પાપા એમ કહે છે કે મમ્મી પસંદ કરે તેવી છોકરી આવશે આ ઘરમાં...બીજું કંઈ નહીં"...
અને ત્યારે પ્રભાબેન માનતા "તો ઠીક."..

જોકે તમારા મમ્મી ની વાત કરું પ્રતીક. તો તમે નાના હતા ત્યારે ના આડોશ પડોશ માં કહેતા ફરતા ..."આ મારો પીન્ટુ ઢીલો છે..પણ એની વહુ મારે મારા કરતાં ય જબરી હોય તેવી લાવવી છે". " ઘરમાં બેય ઢીલા ના ચાલે.." આ અમારા એડી ઢીલા છે એટલે જ તો મારે બોલવું પડે છે"....
ત્યારે એક વાર પેલા આખાબોલા ચંપાબેન કહેલું કે " અલી.,....પ્રભા, ડી...જો આવનારી વહુ તારા જેવી હશે તો પછી એક મ્યાંન માં બે તલવાર કેવી રીતે રહેશે".....
ત્યારે પણ પ્રભાબેન સંભળાવી દેતા.. " જુઓ મારા થી જબરી હશે તો ચાલશે પણ ઢીલી નહિ ચાલે" અને વાતેય સાચી હતી.
ક્યારેય પ્રભાબેન અન્યાય ની સામે જુક્તા નહિ... હંમેશા કહેતા કે "ખોટું કરવું નહિ ને કોઈ કરતું હોય તો કરવા દેવું નહિ"....એ એમનો સિદ્ધાંત.....
અને પાછું એ જે બોલતા, એ કરી પણ બતાવતાં..
જ્યારે પ્રભાબેન નવા નવા પરણીને સાસરે આવ્યા ત્યારે તમારા પપ્પા એ એક નાનકડી દુકાન થી શરૂઆત કરેલી...અને પછી તનતોડ જાત મહેનત અને પ્રભાબેન ના કારણે ઘરની કોઈ ચિંતા ના હોવાને કારણે તેઓ આજે એડી તરીકે નામના ધરાવે ત્યાં સુધી ની સફર માં
પ્રભાબેન એમની સાથે ઊભા રહ્યા છે..

અને પ્રતીક પટેલ... તમે આજે પટેલ પરિવાર ના એકના એક સંતાન અને લાખો ની સંપત્તિ માં આળોટતા હોવા છતાં આઈટી ફિલ્ડ પસંદ કરી ને ગ્રેજયુએટ થયા...પણ ધંધા ને પ્રતિકૂળ એવા તમારા ઢીલા સ્વભાવ ના ને કારણે જ તમે પપ્પા ના ધંધાની તપતી ગાદી ને બદલે આકર્ષક પગાર વાળી નોકરી પસંદ કરી અને હવે પરણવાની ઉંમરે આવી પહોંચ્યા એટલે સગપણ માટે આવેલી એક માંગા ને કારણે તમારા માટે છોકરી જોવા જવાનું હતું......પ્રતીક

છોકરી વાળા ની વાત કરું તો,તેઓ ખૂબ જ ધનાઢય ..અને એમનો બિઝનેસ વ્યપાય પણ વિશ્વ માં ઘણાય દેશો માં ફેલાયેલ છે.. વળી છોકરી પણ તમારી જેમ એકની એક અને હમણાજ દાક્તરી અભ્યાસ ની ફાઈનલ પરિક્ષા પૂરી કરેલી...એ સિવાય દેખાવે કેવી હશે કેવી નહિ...એની કોઈ માહિતી તમારી કે તમારા પરિવાર પાસે નહિ... પણ હા ..એ છોકરી
તમારી મમ્મી પ્રભા બેન ની જ કોઈ નાનપણ ની અને એમના ગામની બહેનપણી રસીલાબેન ની છોકરી હતી..એવી એક માહિતી પ્રભાબેને તમને આપેલી.
હવે એ પ્રભાબેન ની એ બહેનપણી રસીલા ની છોકરી તમારી સાથે દેખાવ માં બરાબરી કરે એવી હશે કે કેમ તેની તો પ્રભાબેન ને ય ખબર નહોતી ..
હા આર્થિક સદ્ધરતા માં સામાં વાળા, તમારા કરતાં કેટલાય ગણા ચડે એ હતું તેવી જાણકારી કોઈ આ છોકરી ની વાત લઈને આવેલા તમારા કુટુંબીજને જ કરેલી એટલી ખબર.....તમને

અને આજે એ છોકરી જોવા જવા માટે નક્કી કરેલો દિવસ આવી પહોંચ્યો..આજે સાંજે તમારા માટે છોકરી જોવા નુ હતું ...પ્રતીક... ત્યાં પહોંચવામાં માડ એકાદ કલાક નો સમય લાગવાનો હતો છોકરીવાળા ને ઘેર પહોંચવામાં
એટલે ,
બપોર ના ત્રણેક વાગે તો બધા તૈયાર થઈ ગયા. પછી પ્રભાબેને ...ડ્રાઇવર ને આઉટ હાઉસ માંથી ગાડી કાઢવાનો હુકમ કરીને તમારી બંનેની સામે જોતા હોય એમ હુકમ કર્યો....
"જો પીન્ટુ....ત્યાં જઈને તારે જે પૂછવું હોય તે પૂછી લેજે" પાછો".. "અને મોઢામાં મગ ભરીને બેસી ન રહેતો"...."મારે જ વાત કરવી છે તે તો હું કરી જ લઈશ..અને તમે પણ એ ડી...સાંભળી લો. " "છોકરી ગમે કે ના ગમે, આપણે ફક્ત ચા નાસ્તો કરીને નીકળી જવાનું છે"..ત્યાં પાછા ઓળખણો કાઢવાં ના બેસી જતા"...સમજ્યા..??? "


"વાળી પછી આ તોપ ઘણ ધણી"....પપ્પા કંઇક એવું બબડ્યા...એવુ તમને લાગ્યું પ્રતીક.... પણ તમે હસી કાઢ્યું...
ડ્રાઇવરે ગાડી કાઢીને બંગલા ના મેઈન ડોર આગળ પાર્ક કરી દીધી.ડ્રાઇવર ને કામ અર્થે બહાર જવાનું હોવાથી એને વહેલા ઘરે જવાની રજા અગાઉથી માંગી હોવાથી તમે ડ્રાઇવર વિનાજ જવાનું નક્કી કરેલું..
અને પ્રતીક તમે......ડ્રાઇવર સીટ પર ગોઠવાઈ ગયા. પ્રભાબેન અને તમારા પપ્પા બંને પણ ગાડીની પાછલી સીટ માં ગોઠવાઈ ગયા...ગાડી માં બેસતા વેત જ પ્રભાબેને ફરી થી એક અલ્ટીમેટમ આપી દીધુ..."જુવો..છોકરી ભલે ગમે તેટલી રૂપાળી અને તમને બંનેને ગમતી હોય "ને "ભલે મારી બહેનપણી ની છોકરી હોય, પણ મને જો છોકરી પસંદ નહિ આવે કે પછી આપણા પીન્ટુ જેવી ઢીલી લાગશે તો હું આ સબંધ માં હા નહિ ભણું"....
એતો છોકરી જોવાને બહાને બહેનપણી ને મળી લેવાશે એવું માનીશું"..
"એ ગમે તેટલી પૈસાદાર હોય એને...ના પાડતા મને શરમ નહિ આવે..." એ વાત ધ્યાન માં રાખજો.."

અને હવે તમારી ગાડી સડસડાત..તમારા ગંતવ્ય સ્થાન તરફ દોડી રહી હતી...પ્રતીક...તમે ડ્રાઈવ કરી રહ્યા હતા, છોકરી વાળા નું ઘર આવવામાં હજુ થોડી વાર હતી...વળી આગળ રસ્તો પણ થોડો ભીડભાડ વાળો હતો..તમારી ગાડી ની સ્પીડ કઈ એવી વધારે નહોતી.....
પણ ત્યા તો રસ્તા પર એક બેન પોતાની આઠ દશ વર્ષ ની દીકરી ને લઈને રસ્તો ઓળંગવાં નો પ્રયાસ કરતા હતા ને અચાનક એ આઠ દશ વર્ષ ની છોકરી એની મમ્મી ની આંગળી છોડાવીને રોડ ઉપર દોડી આવી...ને...બરાબર તમારી ગાડી ની સામે આવી ગઈ.....પ્રતીક..
અને ઓછી સ્પીડ તથા તમારી સમયસૂચકતા ને લીધે એકદમ થી રસ્તા પર ટાયર ના નિશાન પડી જાય એવી જોર થી અચાનક જ બ્રેક લગાવી....
અચાનક લાગેલ બ્રેક થી પાછળ થી આવતા વાહન ચાલકો ને પોત પોતાના વાહનો ને પણ કંટ્રોલ કરવા મુશ્કેલ થયા....અને એજ વખતે તમારી પાછળ આવતી અને મોઢે બુકાની બાંધેલી બાવિસેક વર્ષ ની લાલ રંગ નું એક્ટિવા લઈને આવતી એક છોકરીએ બરાબર પાછળ થી આવીને તમારી મોંઘી ગાડી ને એનું એક્ટિવા અથડાવી દીધી,અને આ બધું તો એટલું પલ વાર માં બની ગયું કે, કોઈને કશી ખબર ના પડી...

અને તમે પણ પ્રતીક... કંઇ સમજો એ પહેલાં તો એ એક્ટિવા વાળી છોકરી એ જાણે કે તમને ચેલેન્જ કરતી હોય તેમ આવી ને ડ્રાઇવર સાઈડનો તમારો ડાર્ક વિન્ડો ગ્લાસ ખખડાવી ને તમને વિન્ડો ગ્લાસ ખોલવા મજબૂર કર્યા...અને હજુ તો પુરો ગ્લાસ ખોલો એ પહેલા તો એ છોકરી એ વિન્ડો માંથી હાથ નાખી ને તમારા શર્ટ નો કોલર પકડી લીધો અને બોલવાનું ચાલુ કર્યું.... " એય મિસ્ટર શું સમજો છો તમારા મનમાં ,આવડી મોટી ગાડી લઈ ને નીકળી છો" ..ચલાવતા આવડે છે,કંઇ..કે પછી એમનમા જ નિકલી પડો છો..."આ આગળ નાની છોકરી તમારી ગાડી આગળ આવતા સહેજ માટે રહી ગઈ...નહિતર"..
અને પ્રતીક, તમે ગાડી ની અંદર બેઠા બેઠા જ એને ચોકવટ કરતા સમજાવા નો પ્રયાસ કરતા કહ્યું કે....
"એ નાની છોકરી ને બચાવવા માંટે જ તમે એટલી જોરથી બ્રેક મારેલી"...પણ એ છોકરી પણ કઈ સાંભળવા તૈયાર જ ન હોય તેમ તમારા શર્ટ નો કોલર પકડીને બોલવાનું ચાલુ જ રાખ્યું....પ્રતીક....એ તમારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતી
અને પછી ના છૂટકે પણ એકજ ઝાટકે એનો હાથ પકડી ને ગાડી ની અંદર બેઠા બેઠા જ તમારો કોલર છોડાવી લીધો...
પાછલી સીટ માં બેઠેલા પ્રભાબેન કે પછી તમારા પપ્પા (એ ડી) એ આખી વાત સમજે તે પહેલાં આ આખી ઘટના બની ગઇ.... .........
વાળી મોઢે દુપટ્ટો બાંધેલી હોવાથી એ છોકરી નો ચહેરો સપસ્ટ જોઈ શકાતો નહોતો..
પણ, એટલી વાર માં તો પાછળ ની સીટ ઉપર બેઠેલા પ્રભાબેન બોલી ઉઠ્યા......"અલ્યા પીન્ટુ ...જા જરા દરવાજો ખોલી ને બહાર તો નિકલ...સાવ નમાંલા ની જેમ અંદર કેમ બેસી રહ્યો છે....પેલી છોકરી જાત ઉઠીને જેમ તેમ બોલી ને તને વગર વાંકે ખખડાવે છે.."કંઇક બોલ તો ખરો" ...".સાવ ઢીલો છે...અને."નહિતર મને બહાર નીકળવા દે".....
અને પ્રતીક તમે કીધું.."પણ મમ્મી એમ રસ્તા પર જાહેર માં એ છોકરી ની સાથે હું ઝઘડવા બેસું.??
તમારા પપ્પા પણ બેઠા બેઠા જ વચ્ચે બોલી ઉઠ્યા..".સાચી વાત છે.એ છોકરી ની જાત છે"..અને તારી આ પીન્ટુ છોકરો થઈને એની જોડે હાથાપાઈ કરવા જાય.".?."મૂકો વાત હવે...આપણને પહોંચવામાં મોડું થશે".....

અને તમે પણ દરવાજો ખોલી ને બહાર નીકલો એ પહેલાં તો તો એ છોકરી પોતાનું એક્ટિવા ઊભુ કરી ને સડસડાત ત્યાંથી રવાના થઈ ગઈ.... ..પ્રતીક...
તમને પણ થોડો ગુસ્સો એ છોકરી પર આવ્યો, કારણ કે આજ સુધી કોઈ છોકરી એ તમારો કોલર આવી રીતે નહોતો પકડ્યો,તમે થોડા અપસેટ થઇ ગયા..પ્રતીક,પણ પછી

બનેલી આખી ઘટના ને ભૂલાવીને તમે પાછા સડસડાટ ગાડી દોડાવી મૂકી....પણ ગમે તો હોય પ્રભાબેન આખા રસ્તે એ એક્ટિવા વાળી છોકરીની જ વાતો કરતા રહ્યા...કે .."ભલે ગમે તે હોય પીન્ટુ...એ છોકરી હતી પાણીદાર... તારી વહુ પણ આવી જબરી હોય તેવી જ મને ગમે ."..
અને આખરે તમારી ગાડી એક વિશાળ બંગલા પાસે આવી ઊભી રહી...તમારે અહી જ આવવાનું હતું...ગેટમેને ગેટ ખોલ્યો ને તમે ગાડી એ વિશાળ બંગલા ની અંદર લઇ લીધી....
બંગલા ની અંદર પ્રવેશતા જ એની વિશાળતા જોઇને તમે, બધા ચકાચોંધ થઈ ગયા....પ્રતીક.
ખરેખર ભવ્યાતિભવ્ય બંગલો હતો એ...
એટલામાં ......
સામા પક્ષ વાળા એ આવી ને તમને આવકાર્યા પ્રભાબેન તો એમની નાનપણ ની બહેનપણી રસીલાબેન ને જોઈ ને ભેટી જ પડ્યા....સામે પક્ષે થનાર વેવાણ રસીલાબેને પણ એટલો જ ભાવ બતાવ્યો...
ટૂંક માં આ સગપણ માટે પ્રભાબેન ને મનગમતી વેવાણ મળી જશે એવું લાગ્યું.....
પણ હવે આધાર બધો છોકરી તમને ગમે અને છોકરી ને છોકરો ગમે તેના ઉપર હતો...પ્રતીક
એટલા મોટા બંગલા ના વિશાળ હોલ માં બધા સામસામે સોફા ઉપર ગોઠવાઈ ગયા....પ્રભાબેન તો વળી રસીલાબેન સાથે જ ગોઠવાઈ ગયા,
એક તરફ તમે અને તમારા પપ્પા...સામે સોફામાં છોકરીના પપ્પા, મમ્મી રસીલાબેન અને તમારા મમ્મી પ્રભાદેવી.....
થોડી વાર થઈ...અને હવે તમારું મન છોકરી નો ચહેરો જોવા આતુર હતું ...પ્રતીક...
અંતે તમારી આતુરતા નો અંત આવ્યો...." લો આ આવી ગઈ અમારી હેલી..".. રસીલાબેન બોલ્યા...નામ સાંભળતા જ તમે થોડા ચમક્યા. પણ એટલામાં તો એક નખશિખ સુંદર,બિલકુલ ગૌર વર્ણ, એકવડો બાંધાવાળી એ છોકરી હેલી ઢળેલી આંખે બિલકુલ તમારી સામે સોફા ઉપર આવીને બેસી ગઈ....
પ્રભાબેન...તરત જ બોલી ઉઠ્યા..."કેટલી રૂપાળી છે તારી દીકરી...અલી..રસીલા... ઢીંગલી જેવી છે આ...તારી હેલી"...
.
તમે પણ જાણે કે હેલી ને જોતા વેત જ એ ના મોહપાશમાં માં જકડાઈ ગયા એવું લાગ્યું....પ્રતીક....
ઈશારા ઈશારા માં માં જ પ્રભાબેન તમે છોકરી ગમે છે કે નહિ તે પૂછી લીધું.....
અને પ્રતીક હવે એટલી રૂપાળી છોકરી અને તેમાંય પછી તમારી મમ્મી ની બહેનપણી ની છોકરી એટલે અંદર અંદર ની ઓળખાણ ને લીધે પણ નાપસંદગી નો તો કોઈ સવાલ જ નહોતો ઊભો થતો....
અને તમારી મુક સંમતિ પ્રભાબેન અને એ ડી પણ જાણી ગયા.......પ્રતીક
પછી બધાએ હેલી સામે જોયું..રસીલાબેન હેલી ને કાન માં કઈ પૂછ્યું...હેલી ના શરમ ને કારણે લાલાશ વાળા ગૌર ચહરાને જોઇને બધા સમજી ગયા કે...તમે પણ હેલી ને પસંદ એવી ગયા છો...પ્રતીક..

પણ પછી તમે પ્રભાબેન સામે જોયુ તો લાગ્યું કે તેઓ કઈ ઊંડા વિચાર માં હતા..કદાચ એ તમારી થનારી વહુ ના સ્વભાવ વિશે અનુમાન લગાવતા હશે એવું તમને લાગ્યું.. અને કદાચ મન ને મનમાં વિચારતા હશે કે ભલે ગમે તેટલી રૂપાળી હોય પણ નીચી નજર કરી ને બેઠેલી એ છોકરી હેલી સ્વભાવ થી તો ઢીલી નહિ હોય ને....?
પ્રભાબેન હવે થોડા ગંભીર થયા હોય તેવુ લાગ્યુ..પણ તમે તો એ રૂપ રૂપના અંબાર જેવી હેલી ને જીવન સંગિની બનાવવા માટે ની મનો મન તૈયારી કરી લીધી હતી પ્રતીક....

અને ત્યાં તો રસીલાબેને હેલી ને ચા નાસ્તો લઈ આવવા માટે કહ્યું...
પાસે પડેલી ટીપોઇ પર નાસ્તો પીરસાય પછી દરેક ને ચા આપતા આપતા હેલી એ તમને પણ ચા આપવા માટે હાથ લંબાવ્યો....અંદરથી તો હેલી જેવી રૂપાળી જીવનસાથી મળશે એ વિચારે તમે હરખાતા હતા....
હેલી ના હાથ માંથી ચા નો કપ લેતા જ જેવી તમારી નજર એના કાંડા ઉપર પડી,પ્રતીક
તમારું મગજ ચકરાવે ચડી ગયું...ઘડીક વાર તો તમેં સૂનમૂન થઈ ગયા....
તમે તરતજ પ્રભાબેન સામે જોયું...પ્રતીક...અને એમને ઈશારો કરી ને બાજુ માં બોલાવ્યા,હજુ તો પ્રભાબેન કઈ સમજે તે પહેલા તો...તમે કહી દીધું..." ચાલો મમ્મી ..હવે અહીં એક મિનિટ પણ રોકવું નથી... અહી આપણો સબંધ નહિ થાય".....

"પણ પીન્ટુ શું વાત છે..?..કેમ અચાનક જ?
શું ખોટ છે..? છોકરી માં..?..રીતસર ની સવાલો ની ઝડી વરસાવી દીધી પ્રભાબેન...તમારી ઉપર પ્રતીક....
પણ મમ્મી...???

"પીન્ટુ,મને વાત તો કર શું થયું,બેટા..??? પ્રભાબેન અચરજ થી પૂછ્યું...

અંતે ,તમે ધડાકો કરતા હોય એવી અદાથી ચોખવટ કરતા કહ્યું....પ્રતીક કે,
"મમ્મી.... આ એ જ લાલ એક્ટિવા વાળી છોકરી છે ..કે જેણે આપણે અહી આવતા હતા ત્યારે રસ્તા માં આપણી સાથે માથાકૂટ કરી હતી...કારણકે ત્યારે એણે મારો કોલર પકડ્યો હતો તે કાંડા માં ચિતરવેલું "હેલી " ના નામનું ટેટૂ મે વાંચેલું એ મને બરાબર યાદ છે અને આ એજ હેલી છે"....
અત્યાર સુધી મૌન રહેલા પ્રભાબેન ની આંખોમાં અચાનક જ ચમક આવી ગઈ....કેમ..? તે તમે ના સમજી શક્યા...પ્રતીક.....
પણ, હવે હરખ ઘેલા બનેલા પ્રભાબેને રીતસર વિનવણી કરતા હોય એમ તમને સમજાવ્યા...."જો બેટા પ્રતીક....કળિયુગ છે આ,અને અત્યારે આ કળિયુગ માં તો સ્ત્રીઓ એ થોડા જબરા થવું પડે નહિતર આ દુનિયા સ્ત્રી ઓને જીવવા લાયક જ ન રાખે ".....અને રહી વાત સંસ્કાર ની તો હેલી મારી બહેનપણી ની છોકરી છે એટલે જ નહિ પણ મારો આટલા વર્ષો ના અનુભવો નો નિચોડ પણ કહે છે...કે "આ છોકરી એકદમ ગુણિયલ અને સંસ્કારી અને આપણા ઘર માટે એકદમ યોગ્ય છે"..... "મને તો આ છોકરી તારા માટે પરફેક્ટ લાગે છે....બાકી તારી ઈચ્છા"......
ઓછું ભણેલી તમારી મમ્મી એટલે કે પ્રભાબેન ના મોઢે આવી મોટી મોટી સ્ત્રી શકતિકરણ ની મોટી મોટી વાતો સાંભળીને તમે અચંબા માં મુકાઈ ગયા....
અને પછી...પહેલી જ નજર માં હદય માં ઉતરી ગયેલી એ હેલી સાથે સગપણ ની હસતા મોઢે સંમતિ આપી દીધી....કારણ કે...
પ્રતીક..તમને હવે ખાતરી થઈ ગઈ હતી કે હેલી, તમને ગમી એના કરતાંય તમારી મમ્મી પ્રભા બેન ને વધારે પસંદ આવી છે..........અને એનું કારણ પણ તમે સારી રીતે જાણી ગયા....

નરેશ ગજ્જર