(આગળ ના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને સુરજ બંને એકબીજા ના જ વિચાર કરતા હતા. સંધ્યા સુરજને શોધવા માટે ક્લાસરૂમની બહાર આવે છે.પરંતુ થોડા વિચારો કર્યા બાદ પાછી ક્લાસરૂમમાં ચાલી જાય છે.હવે જોઈએ આગળ.)
સંધ્યા અને સુરજ બંને એકબીજા ના વિચારો માં ખોવાયેલા હોય છે.સંધ્યા ને સુરજને મળવાની ઈચ્છા હોય છે.પરંતુ, કોઈ સંબંધ ના હોવાથી તે એવું કરતા અચકાય છે.આમ,જ કોલેજ નો ફરી એક દિવસ પૂરો થાય છે.સંધ્યા પોતાની એકટીવા પર મીરાંને તેની ઘરે છોડીને પોતાની ઘરે જાય છે.
ઘરે પણ સંધ્યા સુરજના જ વિચારો કરતી હોય છે.આખરે તે સુરજને મળવાનું વિચારી જ લે છે.થોડી ઉલઝન અને વિચારો સાથે સવાર પડી જાય છે.
સંધ્યા પોતાની એક્ટિવા પર મીરાંને લેવા જાય છે.મીરા સંધ્યા ની રાહ જોતી બહાર જ ઊભી હતી.સંધ્યાને વહેલી આવેલી જોઈ મીરાં ને આશ્ચર્ય થાય છે.
"તુ આજે આટલી વહેલી આવી ગઈ?"પ્રશ્નાર્થ ભરી નજરે મીરાં સંધ્યાને કહે છે.
"હા.તને હું વહેલા આવુ તો પણ વાંધો.મોડા આવું તો પણ વાંધો."સંધ્યા ખોટો ગુસ્સો કરતા મીરાંને કહે છે.
"અરે બાબા, ગુસ્સો ના કર.હુ તો એમ જ પૂછતી હતી."સંધ્યાને શાંત કરતા મીરાં કહે છે.
"હા તો હવે તારૂં પત્યું હોય તો કોલેજ જઈએ?"સંધ્યા મીરાંને પૂછે છે.
"હા.ચાલો મેડમ.તમને આજ થોડી વધુ જ ઉતાવળ લાગે ભણવાની."મીરાં સંધ્યાને ચીડવતા કહે છે.
સંધ્યા મોઢું મચકોડીને એકટીવા કોલેજ તરફ ભગાવે છે.થોડીવારમા બંને કોલેજ પહોંચી જાય છે.સંધ્યા એકટીવા પાર્ક કરી આમતેમ જોતી હોય છે.આજે તેને સુરજ ની જીપ દેખાતી નથી.તે હજુ કાઈ વિચારે એ પહેલાં જ મીરાં તેને પૂછે છે,"તું આજ ક્યાં વિચારોમાં ખોવાઈ છે.કેમ કાંઈ બોલતી નથી"
એટલામાં જ સુરજ અને તેના મિત્રો સુરજની જીપ માં કોલેજના ગેટ માં પ્રવેશે છે.સંધ્યા તે તરફ એકીટશે જોતી હોય છે.સંધ્યાને આમ જોતા જોઈ મીરાંને આશ્ચર્ય થાય છે.
"તારા મનમાં હવે શું નવું ચાલી રહ્યું છે?"મીરાં સંધ્યા સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ ને પૂછે છે.
"કાંઈ ચાલી નથી રહ્યું.એ તો બસ એમ જ."એટલું કહી સંધ્યા વાત ટાળી દે છે,અને મીરાં નો હાથ પકડી ક્લાસરૂમ તરફ ચાલવા લાગે છે.બંને ક્લાસરૂમમાં પોતાની જગ્યાએ બેસે છે. ત્યાં જ સુરજ અને તેના મિત્રો આવે છે.રોજની જેમ સુરજ અને કાર્તિક પાછળ જઈને જ બેસે છે.સંધ્યા બસ સુરજ સામે જ જોયા કરે છે.એટલામા સર આવી જાય છે.બધાનુ ધ્યાન એ તરફ હોય છે.પણ, સંધ્યા આજ સુરજ ઉપર જ નજર રાખી ને બેઠી હતી.
સુરજ પણ આજ શાંત હોય એવું લાગતું હતું.તે પોતાની આદત મુજબ એક લેક્ચર જ ભરીને કેન્ટીન માં જાય છે.
સંધ્યા પણ એ જ રાહ માં હતી કે સુરજ ક્યારે બહાર જાય.જેવો સુરજ બહાર જાય છે.સંધ્યા પણ તેની પાછળ પાછળ જાય છે.સંધ્યા ના મનમાં અનેકો સવાલ હતાં.જેનો જવાબ માત્ર સુરજ પાસે હતો.પણ,એક મોટો સવાલ એ હતો કે સુરજ સાથે વાત કેમ કરવી.સંધ્યા હિંમત કરીને સુરજ પાછળ જાય તો છે.પણ,વાત શું કરવી એ હજુ સુધી તેને સમજાતું નથી.
સુરજ કેન્ટીન માં જઈ એક ટેબલ પાસે ચેર પર બેસી જાય છે.સંધ્યા પણ સુરજ થી થોડે દૂર એક ટેબલ પર બેસે છે.પરંતુ,સુરજ પાસે જઈને શું વાત કરવી એ બાબત તેને પરેશાન કરતી હતી.આખરે હિંમત કરી તે સુરજના ટેબલ પાસે જાય છે.ત્યા જઈ ધીમેથી સુરજને પૂછે છે," હું અહીં બેસી શકું?"
સુરજ થોડીવાર તો વિચાર માં પડી જાય છે.પછી બધા તેની સામે જોતા હોવાથી વધુ વિચાર્યા વગર ડોકું ધુણાવી હા પાડી દે છે.સંધ્યા થોડીવાર ચૂપ રહે છે.પણ,વાતની ક્યાંક થી તો શરૂઆત કરવાની જ હતી.તો આખરે કંટાળી એ કોફી ઓર્ડર કરે છે.સુરજને પણ કોફી માટે પૂછે છે.પરંતુ,તે ના પાડી દે છે.
થોડીવારમાં એક છોકરો કોફી લઈને સંધ્યા ને આપી જાય છે.સુરજ હજુ સુધી એક શબ્દ પણ નહોતો બોલ્યો.આખરે સંધ્યા કંટાળી ને પોતે જ બોલવાનું ચાલુ કરે છે.
"તારી સાથે કોઈ બેઠું છે.જે તારી સાથે વાત કરવા માંગે છે.તને એટલું પણ નહીં સમજાતું?"સંધ્યા સુરજને કહે છે.છતા સુરજ હજુ ચૂપ જ હતો.
"ઓય,તને કહું છું. સાંભળતો નથી કે શું?"સુરજ કાંઈ બોલે એ આશાએ સંધ્યા વાત આગળ ચલાવતા કહે છે.
સુરજને બોલવાની ઈચ્છા ના હોવા છતાં સંધ્યા તેને બોલવા માટે કહેતી હતી.જેથી સુરજ ગુસ્સે થાય છે,અને ત્યાંથી ઊભો થઈ ચાલવા લાગે છે.પરંતુ,સંધ્યા પણ જીદ્દી હતી.તે સુરજ નો હાથ પકડી તેને રોકે છે.સંધ્યા ના સ્પર્શ થી સુરજને એક અજીબ પ્રકારની લાગણી મહેસૂસ થાય છે.તે ગુસ્સે હોવા છતાં બેસી જાય છે,અને સંધ્યા સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોવા લાગે છે.
(સંધ્યા ના આગ્રહ થી સુરજ સંધ્યા સાથે બેસી તો જાય છે.પરંતુ,શું સંધ્યા એટલી આસાનીથી સુરજના મનની વાતો જાણી શકશે?તમારા આ સવાલ નો જવાબ તમને આગળ ના ભાગમાં જ મળશે.તો વાંચતા રહો મારી પ્રેમકથા, નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ.)