Khel - 21 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | ખેલ : પ્રકરણ-21

Featured Books
Categories
Share

ખેલ : પ્રકરણ-21

મનુ જીપમાં વળતા જવાબની રાહ જોઈ બેઠો હતો. થોડીવારે પ્રાઇવેટ નંબર ઉપરથી વળતો મેસેજ આવ્યો. તેણે સ્ક્રીનમાં જોયું, મેસેજ ઓપન કરતા જ એની આંખો પહોળી થઇ ગઇ. મેસેજ હતો : ફોટોમાં જે વ્યક્તિ છે એ એક ક્રિમિનલ છે. તેનું નામ ઉદય ઠાકુર છે. અને અત્યારે મુંબઇ ઝેલમાં છે.

વોટ ધ હેલ ઇઝ ધીસ? મનું મોબાઈલ સામે જોઈને મનમાં જ સમસમી ઉઠ્યો. મુંબઈ જેલમાંથી એ માણસ બહાર કઈ રીતે આવ્યો? અને એની લાશ અહીં? આ સવાલના જવાબ હવે એ છોકરી જ આપશે. સ્ટિયરિંગ ઉપર હાથ પછાડી મનુએ ચાવી ઘુમાવી અને ઘર તરફ રવાના થઈ ગયો.

*

રુદ્રસિંહે લક્ષ્મી અને સિદ્ધાર્થને રાત્રે જે બન્યું એની વાત કરી. લક્ષ્મીએ કોઈ વિરોધ બતાવ્યા વગર જ શ્રીને ઘરમાં રહેવાની પરવાનગી આપી દીધી. રુદ્રસિંહ સવારની ચા લઇ શ્રીના રૂમમાં જતા હતા ત્યાં મનું ઘરમાં પ્રવેશ્યો.

"મનું આવી ગયો તું? આજે મેં એકલા જ ચા પી લીધી." મનુને જોતા જ રુદ્રસિંહે કહ્યું. પણ તેનો ચહેરો જોઇને તે આગળ ન બોલ્યા.

"ચાચું શ્રી ક્યાં છે?"

"કેમ શુ થયું? આટલો ગંભીર કેમ છે?”

"શ્રી ક્યાં છે ચાચું? મારે કામ છે એ છોકરી સમજે છે શું એની જાતને?"

"આ રૂમમાં..." દરવાજા તરફ ઈશારો કરતા રુદ્રસિંહે કહ્યું એ સાથે જ મનું અંદર ધસી ગયો.

શ્રી જાગીને બેઠી હતી. રૂમમાં લાગેલા અદિત્યના ફોટા સામે જોઈ રહી હતી. વડોદરામાં કિડનેપર ગેંગનું એન્કાઉન્ટર કરવામાં એ શહીદ થયા હતા એના સમાચાર શ્રીએ સાંભળ્યા હતા અને તસ્વીર પણ જોઈ હતી. સફાળો મનું અંદર આવ્યો એટલે શ્રીની નજર મનું ઉપર ગઈ.

"કોણ છે તું?"

"શ્રી."

"તું એમ નહી માને... તારી જાતને ખેલાડી સમજે છે ને?" કહી મનુએ ગન ખેંચી કાઢી, "બોલ કોણ છે તું? હું તારો જીવ બચાવવા અહીં લઈ આવ્યો અને તું કઈ કહેવા તૈયાર નથી? કઈ ગેંગની છે તું?"

"ગેંગ? આ તમેં શુ બોલો છો ઇન્સ્પેકટર મને કંઈ સમજાતું નથી." શ્રી પણ ગંભીર થઈ ગઈ. મનુનો ઉંચો અવાજ સાંભળી સૂરજ અને લક્ષ્મીબા દોડી આવ્યા પણ રુદ્રસિહે તેમને ઈશારામાં જ સમજાવીને પાછા વાળ્યા.

"આ નાટક બહુ જોઈ લીધા સાચું બોલ કઈ ગેંગની છે તું? કેટલા મર્ડર કર્યા છે તે? અને એ ઉદય ઠાકુર કઈ ગેંગનો હતો?"

"મર્ડર? કોણ ઉદય ઠાકુર?" શ્રીને હજુ ખબર નહોતી કે મનુને પેલી ડેડબોડી મળી ગઈ છે.

"છેલ્લી વાર પૂછું છું કોણ છે તું? જો જવાબ નહિ મળે તો તને શહેરમાં છોડી દઈશ અને એ લોકો તને શોધી લેતા વાર નહિ લગાવે, તને ક્યાં લઈ જશે અને તારી સાથે શુ કરશે એની કલ્પના પણ તું નહિ કરી શકે... બોલ સાચું હજુ હું તારો જીવ બચાવી શકીશ...."

"મનું....." ક્યારનાય ચૂપચાપ સાંભળતા રુદ્રસિંહ આખરે મનું સામે ઊંચા અવાજે બોલ્યા, "એને બોલવાનો સમય તો આપ! તું ગુંડાની જેમ વાત કરીશ તો એ તને જવાબ આપવા માંગશે તો પણ નહીં આપી શકે...."

રુદ્રસિંહ શ્રી નજીક ગયા. એની પાસે બેઠા. શ્રીનો હાથ પકડી તેના માથામાં બીજો હાથ ફેરવ્યો, "દેખ બેટા આ સ્ટેશન ઉપર હુમલો થવો એ કોઈ નાની વાત નથી, તને અહીં કેટલા દિવસ રાખી શકાય? જે લોકોએ હુમલો કર્યો છે એ અહીં પણ આવી જશે એક દિવસ."

શ્રીએ રુદ્રસિંહની આંખમાં જોયું અવાજ કોઈ પોલીસ અફસર જેવો જરાય નહોતો.

રુદ્રસિંહે ફરી કહ્યું, "પોલીસ તરીકે નથી કહેતો બેટા સાચું બોલી જા, જે હોય તે બધું મનુને કહી દે. એ બધાના ભલા માટે કહે છે, એના અવાજ કે શબ્દો ઉપર નહિ જા..."

"આ કઈ માને તેમાંની નથી ચાચું..." મનુ સામેની ચેરમાં બેસતા બોલ્યો. તેનો ગુસ્સ્સો હજુ ઓસર્યો ન હતો, “મને ચા મળશે?”

“હા દીકરા હમણાં લઈ આવું....” કહી રુદ્રસિહે લાવેલો કપ શ્રીને આપ્યો અને મનુ માટે બીજો કપ લઈ આવ્યા. મનુને કપ આપી તે શ્રી સામે ખુરશીમાં બેઠા. ચશ્માં લગાવ્યા.

"અંકલ હું શ્રી જ છું મારુ નામ જયશ્રી, હું મુંબઈમાં એક વકીલ જોડે એકાઉંટિંગની પ્રેક્ટિસ કરતી હતી કોઈ ક્રિમિનલ નથી કે કોઈ ગેંગ વિશે મને કઇ ખબર નથી." રુદ્રસિંહે એક પિતા જેમ પૂછ્યું, ઘરમાં પનાહ આપી એ જોઈ શ્રી ફરી ઢીલી પડી ગઈ. ફરી એ જ ડરપોક લાગણીશીલ શ્રી બની એ રડી પડી.

"તો પછી તું અહીં કેમ આવી? તારી પાછળ એ માણસ કેમ આવ્યો? તે ખૂન કેમ કર્યું?" મનુએ પૂછ્યું.

"ખૂન? તે ખૂન કર્યું છે?" રુદ્રસિંહને નવાઈથી શ્રી સામે જોઈ રહ્યા.

"હા પણ મેં એનું ખૂન નથી કર્યું એણે મારી ઉપર હુમલો કર્યો હતો. તમે જ્યારે પેલી અકસ્માત થયેલી ગાડી પાસે આવ્યા મારી પૂછપરછ કરીને ગયા પછી એક માણસે મને કિડનેપ કરવાની કોશિશ કરી અને એમાં એ માણસ મારા હાથે...." એટલું બોલતા જેલના સળિયા દેખાવા લાગ્યા. એની આંખમાંથી પાણી ધસી આવ્યું.

"પણ તું ત્યાં શુ કરતી હતી?" રુદ્રસિંહે પૂછ્યું.

"એ કહાની લાંબી છે અને માની ન શકાય એવી છે."

મનુએ ચેર થોડી આગળ લાવી, તેની આંખોમાં જોઇને કહ્યું, "કહાની લાંબી હોય માની ન શકાય એવી હોય એ સાંભળવાનું કામ છે અમારું."

મનુએ કઈક એવા ભાવે કહ્યું કે શ્રી અવાચક બની ગઈ. આંસુ લુછી તેણીએ શરુઆત કરી.

"હું વકીલ જોડે એકાંઉન્ટીગનું કામ કરતી હતી ત્યાં અર્જુન મારી સાથે હતો. વકીલને ત્યાં બલભદ્ર નાયક નામના એક માણસની ફાઇલ હતી જે રાજીવ દીક્ષિતે મને સોંપી હતી, કદાચ એ ફાઇલ રાજીવ દીક્ષિતે અર્જુનને પણ બતાવી હશે. બલભદ્ર નાયક પાસે કેસમાં બ્લેકમની હતું અને એ જોઈ અર્જુનને થયું એ પૈસા ઉઠાવી લઈએ તો લાઈફ બની જાય. અમે બંનેએ ગરીબીમાં અને એકલતામાં જવાની સુધીની સફર કરી હતી."

"અર્જુન અને તું એ પૈસા ઉઠાવી દૂર જઇ વસી લેવા માંગતા હતા." મનુએ વચ્ચે પૂછ્યું.

"હા, અને એ માટે મેં બલભદ્રના ડ્રાઇવર રજની દેસાઈને ફસાવ્યો.........." શ્રી એ છેક પોતે નદી કિનારે કઈ રીતે આવી ત્યાં સુધીની બધી હકીકત કહી સંભળાવી.

રુદ્રસિંહ અને મનું બંને વિચાર કરવા લાગ્યા પણ શ્રી આગળ વાત કહેવા લાગી.

"ત્યાં એ માણસે મારી ઉપર હુમલો કર્યો અને મારા હાથે એ મરી ગયો. પોલીસના ડરથી મેં એને પાણીમાં ફેંકી દીધો, એની ગન એનો મોબાઈલ બધું પાણીમાં ફેંકી દીધું. એ પછી હું હોટેલમાં ગઈ પણ મને ખબર નહોતી કે આ હોટેલમાં રેડ પડશે અને હું ત્યાંથી જેલમાં આવી." તેણીએ પોતાની કહાની પુરી કરી.

મનું ઉભો થઇ બહાર ગયો, રુદ્રસિંહને બહાર બોલાવી લીધા.

"શુ થયું મનું? મને લાગે છે છોકરી સાચું કહે છે."

"સાચું જ કહે છે પણ એક મોટી સમસ્યા એ છે કે શ્રીની પાછળ જે માણસો છે એનું ગજું ઊંચું છે."

"મતલબ શ્રી સેફ નથી?"

"ના આ ઘરમાં પણ એ સેફ નથી. જે માણસને શ્રીએ માર્યો છે એ એની હાજરી અત્યારે મુંબઈ જેલમાં બોલે છે."

"વોટ? મતલબ પોલીસ પણ આમાં ભેગી જ છે?"

"હા મને એવું લાગે છે કે શ્રીએ જે પૈસાની વાત કરી એમાં કઈક બીજું પણ હોવું જોઈએ, જો મારો અંદાજ સાચો છે તો મારા ઉપર ફોન આવશે, હું સ્ટેશન જાઉં છું પૃથ્વીને અહીં મોકલું છું તમે સાવધ રહેજો.”

રુદ્રસિહ પાસે કોઈ બીજો ઉપાય બચ્યો નહિ એ આમ છોકરીને ક્યાય મૂકી પણ શકે તેમ ન હતા ન એ કાઈ જાણતા હતા. મીનીટો સુધી એ પૃથ્વીની રાહ જોતા બહારના હોલમાં વિચારતા રહ્યા.

“લક્ષ્મી...” મોટા અવાજે બુમ પાડી એ રસોડા તરફ ધસ્યા અને ચા બનાવવા કહ્યું.

*

મનું સ્ટેશન પહોંચ્યો. સીધો જ તે અંદર ગયો.

“અરે મનુ શું થયું છે આખી વાત મને કહીશ?” તેને જોતા જ પૃથ્વીએ સવાલ શરુ કર્યા.

“પૃથ્વી.... તું અહી બેસ..” મનુએ તેને ખુરશીમાં બેસાડ્યો. પોતે બીજી ખુરશી નજીક લાવીને તેની પાસે બેઠો. બધી વાત તેને સમજાવી. મુબઈ જેલમાં જેની હાજરી બોલતી હોય તે માણસ શ્રીને મારવા જેલ બહાર આવે તે વાત પરથી મનુએ એમ ધારી લીધું હતું કે તેમાં મુંબઈ પોલીસ ભળેલી હશે. મનુનો અંદાજ સાચો હતો આ આખીયે પળોજણમાં પોલીસ હતી જ પણ ઉદય ઠાકુરને પોલીસે નથી મુક્યો તેને મોકલનારી પાર્ટી કોઈ જુદી જ હતી.

“એટલે મનુ છોકરી પાછળ ઘણા મોટા માથા છે?”

“ઇક્જેક્ટલી, તદ્દન સ્પસ્ટ વાત છે પૃથ્વી એ સિવાય તો સ્ટેશન પર હુમલો થવો શક્ય નથી.”

“પણ તો એ લોકો લીગલી પણ શ્રીની માંગણી કરી શકોતને?”

“એ કરી શકોત પણ શ્રીના કહેવા મુજબ પૈસા મુંબઈના કોઈ બલભદ્ર નામના બદમાસના ઉઠાવ્યા છે એટલે એ લોકો બને ત્યાં સુધી પોતાની ઓળખ જાહેર ન કરે.”

“હમ...” પૃથ્વી વિચારે ચડી ગયો. એ બસ એટલું જ બોલ્યો.

“પણ હવે એ લોકો લીગલ એક્શન લેશે વિથ ઈલીગલ મોરલ.”

“આર યુ સ્યોર મનુ?”

“હન્ડ્રેડ પરસન્ટ. સો ટકા એ લોકો પોલીસનો હાથ આ વાતમાં હવે નાખશે કારણ ઇલીગલી એ લોકો શ્રીને ઉઠાવી જવામાં ફાવ્યા નથી.”

“પણ મનુ ધાર કે કદાચ તારા અનુમાન મુજબ મુંબઈ પોલીસ અહી આવે અને શ્રીને આપણે ન સોપીએ તો એ કાનુન હાથમાં લેવા જેવું થાય ને? એ છોકરીએ ખૂન કર્યું છે.”

“ઓહો પૃથ્વી, તું આવી બકવાસ વાતો કરે છે મને માન્યામાં નથી આવતું. ન્યાય આંધળો છે યાર. એ ખૂન નથી વધ છે.”

“વેલ ઠીક છે હું જાઉં છું.” કહી પૃથ્વી ઉભો થયો અને ચાવી લઇ નીકળી ગયો.

મનુ વિચાર સાથે રાહ જોવા લાગ્યો.

*

અર્ધા કલાકમાં એનો ફોન રણક્યો. ધારણા મુજબ ફોન આવ્યો. મનુએ શુ બોલવું એ બધું નક્કી કરેલું જ હતું.

"હેલો ઇન્સ્પેકટર મનું હિયર....."

"મી. મનું બોમ્બેથી ડી.એસ.પી. ભાગવત બોલું છું."

મનુને આંચકો લાગ્યો. પોતે કોઈ ક્રિમિનલનો ફોન ધાર્યો હતો પણ અહીં તો ખુદ ડી.એસ.પી.નો ફોન આવ્યો.

"જી સર." તરત સ્વસ્થ થઈ મનુએ કહ્યું, "બોલો સર."

"મી. મનું તમારી કસ્ટડીમાં શ્રી નામની એક ક્રિમિનલ છે એની સોંપણી અમને કરવાની છે."

"શ્રી?"

"હા પૂરું નામ જયશ્રી."

"પણ સર એ પોસીબલ નથી."

"મી. મનું મને કાયદો ન શીખવો તો સારું છે." ભાગવતે કડક અવાજે કહ્યું.

"સર કાયદો નથી શીખવતો પણ શ્રી અમારી જોડે હોય તો તમને સોંપી શકું ને? કાલે રાત્રે જ સ્ટેશન ઉપર હુમલો થયો હતો અને એ હુમલાખોર શ્રીને ઉઠાવી ગયા, સર કદાચ એ શ્રીના માણસો હોય અથવા એના દુશ્મન પણ હોય." મનું જાણતો હતો કે હુમલો કરીને ફાવ્યા નથી એટલે હવે કાનૂની રીતે દાવપેચ કરે છે. પણ મનુએ જવાબ એવો આપ્યો કે ભાગવત કઈ કહી શકે એમ નહોતો.

"મી. મનું એની તપાસ કરો, મળે તો મને જાણ કરજો." કહી ભાગવતે ફોન મૂકી દીધો.

ધત્ત તેરીકી અહીં તો મામલો કઈક અલગ જ છે. માત્ર પાંચ કે દસ કરોડ રૂપિયા માટે ડી.એસ.પી. સુધી આ કેસમાં રસ લે એ શક્ય નથી. મામલો કઈક અલગ છે અને જો એવું છે તો શ્રીને હવે અહીં રહેવા જેવું નથી. એ છોકરીને ચોક્કસ આ લોકો જીવતી નહિ છોડે. તેણે ટેબલ ઉપર હાથ પછાડ્યો.

તેણે ફરી ફોન નીકાળી પૃથ્વીનો નંબર મેળવ્યો. જેવો પૃથ્વીએ ફોન રિસીવ કર્યો તરત તેણે કહ્યું, "જેક મેં જે કહ્યું એ જ થયું પણ ક્રિમિનલને બદલે પોલીસ વડાનો ફોન આવ્યો હતો."

"વોટ ધ હેલ..!!!"

"નોટ હેલ.... હવે મજા આવશે પણ એને હવે અહીં રાખવી શક્ય નથી ઘરે ગમે ત્યારે હુમલો થઈ શકે."

"તો ક્યાં મોકલીશું હવે?"

"જેક એવી કઈ જગ્યા છે જ્યાં ભૂત પણ ન જઇ શકે?" મનુએ હસીને કહ્યું.

"એજન્ટ એ...."

"હા એજન્ટ એ જ હવે શ્રીને બચાવી શકે છે."

"પણ હું એજન્ટને કઈ રીતે શોધી શકું?"

"તમારે એમને શોધવાની જરૂર નથી, શહેર બહાર નીકળતા સુધી એ તમને શોધી લેશે. ધ્યાનથી સાંભળો આંટી અને સૂરજને લેખકના ઘરે મોકલી દો અને રુદ્રસિંહને તમે સાથે લઈ જજો એમ પણ એજન્ટ એ જીવે છે એ વાત રુદ્રસિંહને કહેવાની હવે જરૂર છે."

"ઠીક છે, બીજું કઇ?"

"યુનિફોર્મ ન પહેરતા તમે કોઈ, તમારા બધાના ફોન ફેંકી દેવાના છે."

"ફોન તો ખબર છે પણ યુનિફોર્મ કેમ?" પૃથ્વીને યુનિફોર્મમાં કઈ સમજાયું નહીં.

"જેક સરકારનું એક સિક્રેટ છે જે કોઈને ખબર નથી માત્ર એજન્ટ એ જાણતા હતા તેમણે મને કહ્યું હતું કે પોલીસના બેલ્ટ અને સ્ટારમાં ટ્રેકર હોય છે. નાઉ કમોન ફાસ્ટ નીકળો તમે, મારી ફિકર ન કરતા હું જેલમાં હોઈશ અથવા ફરાર...."

એ સાથે મનુએ ફોન કટ કરી દીધો. તરત પેલો પ્રાઇવેટ નંબર મેળવી ફોન લગાવ્યો.

"હેલો એજન્ટ એમ. બોલું છું."

"જી સર." સામેથી અવાજ આવ્યો.

"એજન્ટ એ માટે એક મેસેજ છે, વડોદરા સીટી બહાર મારા માણસો આવે છે. એમની પાછળ કદાચ પોલીસ પણ હશે અને ગુંડા પણ હશે. એ લોકો પકડાઈ જાય એ પહેલાં મારા માણસોને સેફ કરવાના છે."

"ડન...." કહી સામેથી રીસીવર મુકવાનો અવાજ આવ્યો.

મનું ફરી સ્ટેશને કોઈ તપાસ કરવા આવે એની રાહ જોતો ત્યાં બેસી રહ્યો. બધી કડીઓ મળી ગઈ હતી પણ મનુંને હજુ એ ખબર નહોતી કે આ બધું માત્ર થોડાક પૈસા માટે નથી થઈ રહ્યું.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky