અર્ધ અસત્ય.
પ્રકરણ-૩૧
પ્રવીણ પીઠડીયા
એકસાથે કેટલીય ઘટનાઓ આકાર લઇ રહી હતી. અભય પૃથ્વીસિંહજીની તલાશમાં લાગ્યો હતો તેમાં હવે બંસરી નામનું નવું આશ્વર્ય ઉમેરાયું હતું. બંસરી અભયના કેસમાં રઘુભાની ગિરફ્તમાં ફસાઇ હતી અને તેને રાજસંગ નામનો પોલીસ અફસર બચાવી લાવ્યો હતો. દેવા નામના શખ્સે કોઇના કહેવાથી અભય ઉપર હુમલો કર્યો હતો જેમાં તે બુરી રીતે અસફળ રહ્યો હતો અને અભય એક પોલીસવાળો છે એ જાણીને ગભરાઇ ગયો હતો. રમણ જોષીને બંસરીની ફિકર હતી તો તેને મદદ કરનાર સુરતના એસીપી કમલ દિક્ષિત કોઇ અલગ જ ફિરાકમાં હતi. રઘુભાના તમામ અડ્ડાઓ ઉપર પોલીસે રેડ પાડી હતી એટલે તે અંડર ગ્રાઉન્ડ થઇ ગયો હતો. બીજી તરફ સુરા અને કાળીયાનાં કોઇ સગડ નહોતા. આ ઉપરાંત એક અલગ જ વિશ્વમાં સાત દેવીઓનું રહસ્ય પોતાના મનમાં ધરબીને એક દાદો દિકરો જીવી રહ્યાં હતા. આ કહાનીનું એક-એક પાત્ર પોત-પોતાના સત્ય-અસત્ય વચ્ચે અટવાયેલું હતું.
@@@
અભય ફરીથી જૂના પોલીસ સ્ટેશનના સ્ટોરરૂમમાં આવ્યો હતો. ગઇકાલે જે પોટલાઓ તેણે ચેક કર્યા હતા એ જસ પોટલાઓ આજે ફરીથી જોવાનાં હતા. કઇંક એવું હતું જે તેની નજરોએ ચડયું હતું પરંતુ ઉતાવળમાં છૂટી ગયું હતું. એ અજંપાએ આખી રાત તેને સૂવા દિધો નહોતો. તેણે ફરી પોટલાઓ ખોલ્યાં અને તેમાની ફાઇલો તેમજ કાગળોને ધ્યાનથી જોવા લાગ્યો.
@@@
ભરૂચનો એચએસઓ રાજેન્દ્ર દેસાઇ ગમ ખાઇ ગયો હતો. કમલ દિક્ષિતના શબ્દો તેને હાડો-હાડ લાગ્યા હતા. ભલે એ તેનાથી જૂનિયર પાયરીએ હોય પરંતુ આવો રૂઆબ તેને કઠયો હતો. એસીપી કમલ દિક્ષિતને તેણે કંઇ કહ્યું નહોતું પરંતુ તેના મનમાં એક ગાંઠ વળી ગઇ હતી કે હવે તે આ કેસની સચ્ચાઈ જાણીને જ રહેશે. તેણે પોતાના સૌથી અંગત અને સૌથી કાબેલ અફસર રાજસંગ રાઠોડને બોલાવ્યો અને વિગતવાર તેની સાથે ચર્ચા કરીને તેને રવાના કર્યો.
@@@
અભયની ધડકનો તેજ થઇ ઉઠી અને એક જગ્યાએ તેની નજરો સ્થિર થઇ. લગભગ અડધા કલાકથી તે પોટલા વિંખતો હતો તેમાં અનાયાસે જ તેના હાથ અટકયા હતા. એક અત્યંત જર્જરિત દેખાતી, આછા લીલા, પાતળા પૂંઠાની ફાઇલ તેના હાથમાં આવી હતી અને એ ફાઇલના પાના ઉથલાવતા જ તેની આંખોમાં અજીબ ચમકારો ઉદભવ્યો હતો. બહું જ ધ્યાનથી તે એ ફાઇલનાં એક પછી એક પાના ફેરવતો ગયો અને વાંચતો ગયો. યસ્સ… આ ફાઇલની જ તેને તલાશ હતી. ગઇકાલે જ્યારે તે આ સ્ટોરરૂમમાં દાખલ થયો હતો ત્યારે તેનો મકસદ ફક્ત અને ફક્ત પૃથ્વીસિંહજીનાં કેસ પેપર શોધવાનો હતો એટલે તેનું સમગ્ર ધ્યાન એ બાબત ઉપર જ કેન્દ્રિત થયેલું હતું. એ સિવાય બીજી કોઇ ચીજ તેને દેખાતી નહોતી. એ શોધખોળ દરમ્યાન જ આ લીલી ફાઇલ પણ તેની નજરો તળેથી પસાર થઇ હતી છતાં ત્યારે તેણે એ ફાઇલ ઉપર એટલું બધું ધ્યાન આપ્યું નહોતું કારણ કે આ ફાઇલમાં જે વિગતો લખેલી હતી એ વિગતો પૃથ્વીસિંહજીનાં કેસ સાથે ક્યાંય ’મેચ’ થતી નહોતી. પરંતુ… રાત્રે અચાનક તેને એ લીલી ફાઇલનો સંદર્ભ સમજાયો હતો અને તે વિહવળ થઇ ઉઠયો હતો. ધડકતા હદયે તેણે ફાઇલમાં લખાયેલી વિગતો વાંચવી શરૂ કરી. જેમ-જેમ તે વાંચતો ગયો તેમ-તેમ તે વધું ઉલઝતો ગયો. તે સમજી નહોતો શકતો કે આ કેસને પૃથ્વીસિંહજીના કેસ સાથે શું લેવાદેવા હશે અને કેમ અચાનક તેને આમાં રસ જાગ્યો હતો!
તેણે ફરીથી ફાઇલના જર્જરિત થયેલા પાના ઉથલાવવાની શરૂઆત કરી. એ ફાઇલ એક યુવતીનાં ’મિસિંગ’ કેસ વિશેની હતી. એક સોળ સત્તર વર્ષની ભિલ કન્યા દસકાઓ અગાઊ અચાનક ક્યાંક ગુમ થઇ ગઇ હતી તેને લગતા કેસ પેપર આ ફાઇલમાં હતા. અભયને એક ભિલ કન્યા ગુમ થઇ તેનું બહું આશ્ચર્ય નહોતું ઉદભવતું કારણ કે એવું તો લગભગ દરરોજ બનતું હોય છે. દરરોજ કોઇને કોઇ ગાયબ થતું જ હોય છે તેમાં એક ભૂતપૂર્વ પોલીસ અફસરને નવાઇ ન લાગે એ તો સ્વાભાવિક હતું પરંતુ એક વિગત, જે એ ભિલ યુવતીના ગુમશુદગીનાં રિપોર્ટમાં લખાઇ હતી તેણે તેનું ધ્યાન ખેચ્યું હતું. એ ભિલ યુવતી રાજગઢ સ્ટેટની પાછળનાં જંગલમાં આવેલા એક કબિલામાંથી ગુમ થઇ હતી. બસ આ વાત જ અભયને ખટકી હતી.
રાજગઢનું નામ કેસમાં લખાયું હતું એ બાબત તેના દિમાગમાં હલચલ મચાવતી હતી. પૃથ્વીસિંહજીના કેસ સાથે આ ભિલ યુવતીનું બીજું પણ એક કનેકશન જોડાતું હતું અને તે એ કે બન્ને એકાએક જ ક્યાંક ગુમ થઇ ગયા હતા. અભયનું માથું ઠનક્યું. આવું કેમ બની શકે? શું આ કોઇ જોગાનુંજોગ સર્જાયેલા સંજોગો હતા કે પછી ખરેખર એ બન્ને કેસનું આપસમાં કોઇ અનુસંધાન હતું? તે ઉંડા વિચારમાં પડયો. તેણે એ ફાઇલના ફોટા પોતાના ફોનમાં પાડી લીધા જેથી નિરાંતે તેનો અભ્યાસ કરી શકે. પછી સાચવીને ફાઇલને એક બાજું મૂકી અને વળી પાછો સ્ટોરરૂમમાં ખાંખાખોળા કરવા લાગ્યો.
@@@
બંસરીની નજરો અભયને શોધી રહી હતી. સુરત નિકળતા પહેલા એક વખત તે અભયને મળવા માંગતી હતી. એ જોખમભર્યું હતું છતાં કોણ જાણે કેમ પણ તેનો જીવ અભયમાં આવીને અટક્યો હતો. કંઇક એવું હતું જે અભય તરફ તેને ખેંચી રહ્યું હતું. અભયનો કેસ ઓલમોસ્ટ ખતમ થઇ ગયો હતો એ વાત પણ તેને જણાવવી જરૂરી હતી. રઘુભા અથવા સુરો, બે માંથી એક વ્યક્તિ પોલીસનાં હાથમાં આવે પછી અભયને બેગુનાહ સાબિત કરવામાં વાર લાગવાની નહોતી અને અસલી ગુનેગાર કોણ છે એ પણ સામે આવી જવાનું હતું એટલે તે અધીરી થઇ રહી હતી.
પણ રમણ જોષી વ્યગ્ર હતો. બંસરીની તાલાવેલી તેને આવનારી મુસિબતનો સંકેત આપતી હતી. અભયના કેસની છાનબિન તેમણે છાની રીતે આરંભી હતી જેની કોઇને ખબર નહોતી. અરે, પોતાના અંગત મિત્ર કમલ દિક્ષિતને પણ તેણે એટલું જ કહ્યું હતું કે બંસરીને કોસંબાથી કોઇ કિડનેપ કરી ગયું છે અને તેને શોધવાની છે. કમલ દિક્ષિતે પણ વધું સવાલો કર્યા વગર બંસરીની તપાસ આરંભી હતી. રમણ જોષીને એ થોડું અટપટું તો લાગ્યું હતું કારણ કે એક પોલીસ અફસરના દિમાગમાં પ્રશ્નો ન ઉદભવે એ તો શક્ય જ નહોતું. છતાં તે કંઇ બોલ્યો નહોતો. પરંતુ રમણ જોષી જાણતો હતો કે તેણે જવાબ આપવો પડવાનો હતો. ત્યારે કેવી પરિસ્થિતિ ઉદભવશે એની ચિંતા અત્યારથી તેને થતી હતી. એક સિનિયર રિપોર્ટર તરીકે તે ઘણું બધું છાવરી શકે એમ હતો છતાં એના છાંટા આ કેસમાં સંડોવાયેલા બધાને ઉડવાના હતા. એટલે જ તે બંસરીને લઇને જલ્દી સુરત નિકળી જવા માંગતો હતો પરંતુ બંસરી અત્યારે અભયને મળવાની જીદ લઇને બેઠી હતી.
“તમે થોડીવાર ઉભા રહો, હું હમણાં આવું છું.” કહીને તે રમણ જોષી કંઇ બોલવા જાય એ પહેલા પોલીસ ચોકીના પગથિયા ચઢી ગઇ હતી. અંદર જઇને તેણે રાજસંગને શોધ્યો અને તેની સન્મૂખ ઉભી રહી. રાજસંગે પ્રશ્નસૂચક નજરોએ બંસરી સામું જોયું.
“હું તમને થેન્કયું કહેવા આવી છું. જો તમે ન હોત તો કદાચ અત્યારે હું જીવિત બચી ન હોત. થેન્કયું.” બંસરીના અવાજમાં ખરેખર આભાર છલકાતો હતો.
“અરે એમાં શું! એ તો મારી ફરજમાં આવે છે.” રાજસંગ બોલ્યો.
“અચ્છા, તમે મારી વધું એક હેલ્પ કરી શકો?”
“મારાથી થઇ શકે એમ હશે તો ચોક્કસ કરીશ.” રાજસંગને આ યુવતી ગમવા લાગી હતી.
“હમણાં પેલા ભાઇ હતાં ને, જેમને હું ભેટી હતી. એ અત્યારે ક્યાં હશે એ મારે જાણવું છે.” બંસરીએ કહ્યું. રાજસંગ થોડો ઓઝપાયો. જે રીતે આ યુવતી એ આદમીને ભેટી હતી એ તેને બિલકુલ ગમ્યું નહોતું પરંતુ એ કંઇ કરી શકે એમ નહોતો.
“ઓહ એ ભાઇ, એ તો તમને કિરણ પટેલ જણાવી શકશે.” તે બોલ્યો. બરાબર એ સમયે જ કિરણ પટેલ ત્યાથી પસાર થયો. “કિરણ, આ મેડમ તારા દોસ્તને મળવા માંગે છે. તું જરા જોઇ લે ને.” તે બોલ્યો અને પછી બંસરી તરફ ફર્યો. “અચ્છા તો હું જાઉં. આપણે ફરી ક્યારેક મળીશું.” અને તે ચાલતો થયો.
“તમારે અભયને મળવું છે? એ તો પાછળ જૂની પોલીસ બિલ્ડિંગના સ્ટોરરૂમમાં છે.” કિરણે બંસરીને ધ્યાનથી નિરખતા કહ્યું.
“ઓહ, તમે મને એ સ્ટોરરૂમ બતાવી શકો?”
“જરૂર, આવો.” તે બોલ્યો અને તેઓ ફરીથી પોલીસ ચોકીની બહાર આવ્યાં. રમણ જોષી હજું પણ ત્યાં ઉભો હતો. બંસરીએ ભાઈ સામે જોયું અને પછી કિરણ પટેલ સાથે ચાલી નિકળી.
(ક્રમશઃ)