જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો
પ્રકરણ - ૨
પરસ્પર - એક્મેકનું આકર્ષણ ખાળવા ઇચ્છતા કાર્તિક અને કામ્યા દિન -પ્રતિદિન વધુને વધુ નજીક આવતા જઈ રહેલાં. બેય પક્ષે બરાબર આગ લાગી હતી. ક્યારેક ખાસ સમયે, ખાસ રીતે એકબીજાને આંખો વડે સાંકેતિક રીતે ઘણું બધું કહેવાઈ જતું અને સમજાવાઇ જતું.
સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રી કે પુરુષ એમનાં જીવનસાથી પાસેથી ઈચ્છે એ બધું જ તેમનાં પાત્રમાં સુલભ હતું. પણ એ બંનેયને કંઈક અસામાન્ય ખપતું હતું. જે બીજાનાં પાત્રમાં હતું, પણ પોતાનાં પાત્રમાં નહોતું. એક ખતરનાક વળાંક પર બંનેય ઊભેલાં.
એવામાં એક દિવસ...
' જો સમ્યક, આ સતત ત્રીજું વર્ષ છે કે હું ગોવા નથી ગઈ. આ વૅકેશનમાં ગોવા ગયા વગર મને નહીં ચાલે. ' કામ્યાએ દિવાળીની રજાઓનું પ્લાનિગ કરી નાંખેલ. ગોવા કામ્યાનું પ્રિય અને પ્રથમ પસંદગીનું સ્થળ હતું.
' અરે ગ્રેટ આઈડિયા ! ગોવા તો મારે જોવાનું બાકી જ છે. શું કહે છે સૌમ્યા ?' ઉત્સાહિત થતાં કાર્તિકે, સમ્યક - કામ્યાનાં પ્રોગ્રામમાં જોડાવાની ઈચ્છા જાહેર કરી દીધેલી.
'અરે ! આ દિવાળીની સાફ-સફાઈ અને નાસ્તા બનાવામાં જ કુચ્ચા નીકળી જાય છે, ઉપરથી પાછો રખડવાનો થાક ઉમેરવો ? ના - કાર્તિક, બિલકુલ નહીં. ' સૌમ્યાએ કાર્તિકનાં ઉત્સાહ પર ઠંડુ પાણી રેડ્યું.
' લિસન સૌમ્યા, ગોવા સરસ જગ્યા છે અને રૂમમાં ક્યાં આરામ નથી થતો ? ' સમ્યકે કહ્યું.
'આ ટ્રીપ અમારા તરફથી સ્પૉન્સર્ડ છે એમ સમજો. બોલ સૌમ્યા, પછી કોઈ વાંધો ખરો ?' કામ્યાએ ટોળ કર્યો.
'સૌમ્યા, કામ્યા એવું એટલા માટે કહી રહી છે કે અમારી પાસે મહેન્દ્ર રિસોર્ટ કલબની મેમ્બરશિપ છે. અને જયારે અમે બહાર જઈએ છે, ત્યારે એનાં ભાઈની એસયુવી કાર લઈને જઈએ છે. એટલે આપોઆપ તમે અમારી સાથે જોડાવ તો તમને સ્પૉન્સર્ડ થયેલ ગેસ્ટ જેવી ટ્રીટમેન્ટ મળે. ' સમ્યકે ખુલાસો કર્યો.
સૌમ્યા વિચારી રહી. કાર્તિક પ્રવાસનો ખૂબ શોખીન. ટૂંકી આવકને લીધે ચાર વર્ષે મળતાં એલટીસી ભથ્થાની, એ કાયમ પ્રવાસ પર જવા માટે રાહ જોતો હોય. એટલે અંતે એ માની ગઈ હતી.
***
ગોવાનો દરિયાકિનારો કામ્યા-સમ્યક, કાર્તિક - સૌમ્યા અને એમનાં બાળકો વિશ્વા - ચિરાયુ અને સૂર વડે ખુંદાઈ રહેલો.
આજે તો હવે છેલ્લો દિવસ હતો ગોવામાં. પણ આગળનાં દિવસોમાં શું થયું હતું એનાંથી સૌમ્યા અને સમ્યક બિલકુલ અનભિજ્ઞ હતા.
ગોવા આવ્યાનાં બીજા દિવસે જ સૌમ્યાનુ મોઢું ઉતરી ગયેલું. કેમકે આવતાની સાથે જ નાનકડો સૂર શરદી, કફ અને તાવમાં પટકાઈ પડેલો. સૂરની નાદુરસ્ત તબિયતને લીધે બધા જયારે તાણ અનુભવી રહેલાં ત્યારે સમ્યકે એક સુઝાવ મુકેલો.
'જો કાર્તિક, ગોવા મારું તો જોયેલું છે ; જયારે તેં બિલકુલ નથી જોયું. સૂરની તબિયતનો ઈલાજ છે, માત્ર આરામ અને દવા ! આપણે બધાએ અહીં રિસોર્ટમાં બેસી રહેવાની જરૂર નથી. બાળકો કંટાળી જશે. હું સૌમ્યા અને સૂર સાથે અહીં રહું છું. તમે બધા ફરી આવો. '
' હા, અમારાં સાધુજી બરાબર કહે છે. ' કહેતાં કામ્યાએ સમ્યકનો સુઝાવ તરત સ્વીકારી લીધો હતો.
કેમ કે એ જાણતી હતી કે સમ્યકને પ્રમાણમાં પ્રવાસ - પર્યટન ઓછા ગમતાં. અલબત્ત, એને વિવિધ ધ્યાન અને યોગ શિબિરોમાં ભાગ લેવો બહુ ગમતો ; પણ એ કામ્યાને બિલકુલ નહોતું ગમતું. એટલે ઘણી વાર એ મઝાકમાં સમ્યકને 'સાધુ' કહેતી.
અંતે સૌમ્યાએ પણ આ વાતને અનુમોદન આપતા, બાળકો સાથે કાર્તિક અને કામ્યા ગોવા ઘુમવા નીકળી પડેલાં.
ખુબસુરત ગોવામાં એટલી જ ખૂબસૂરત રમણી કામ્યાના સાથમાં કાર્તિકનાં રોમેન્ટિક સ્વભાવે માઝા મૂકેલી. કાર્તિક બહેકે અને એને પણ બહેકાવે એવું ઊંડે -ઊંડે અંદરખાનેથી કામ્યા ખુદ ઇચ્છતી હતી. કાર્તિકની હળવી છેડછાડ સામે બાળકોની હાજરીમાં મર્યાદા જાળવવાની વારંવાર ટકોર કરતી કામ્યા, હકીકતે તો કાર્તિકની એષણાઓને ઑર ભડકાવી રહેલી.
'વ્હોટ ? આજે પણ કલંગુટ બીચ !' જયારે બીજા દિવસે પણ કામ્યાએ કલંગુટ બીચ પર જવાની વાત કરી ત્યારે કાર્તિકનો પ્રતિભાવ આવો હતો.
ડોના પાવલા બીચ, મીરામાર બીચ, કોલવા બીચ, રૉકી બીચ, વાઘતોરા બીચ... બધા એકએકથી ચડે એવાં રમણીય બીચમાં કામ્યાને સૌથી વધારે પસંદ 'કલંગુટ' બીચ હતો.
દરિયો ત્યાં તોફાની ગર્જના કરતો પુષ્કળ ઉછળાટ સાથે ઘૂઘવે છે. જાણે કહી રહ્યો ન હોય કે મને રોકો નહીં, ટોકો નહીં... મારી કોઈ મર્યાદા આંકશો નહીં. કામ્યાને એમ લાગતું કે અહીંનો દરિયો જાણે એનાં મનોભાવોનું પ્રતિબિંબ પાડી રહ્યો છે. એથી જ કદાચ આ એનો માનીતો બીચ હતો.
***
આજ સવારે કામ્યા કંઈક વહેલી ઊઠી ગયેલી. ઉઠીને તરત એને કલંગુટ બીચ જવાની ઈચ્છા થઇ આવી. એણે જોયું કે સમ્યક અને બાળકો ઘસઘસાટ ઊંઘી રહ્યા છે.
લગ્ન પછીનાં શરૂઆતનાં વર્ષોમાં બાળકો નહોતાં ત્યારે તે સમ્યકને પરાણે વહેલો ઉઠાડી કલંગુટ બીચ પર ખેંચી જતી. એ દરિયાકિનારે ઊભી-ઊભી સૂર્યોદયનો ઇન્તજાર કરતી. અર્ધી ઊંઘમાં એની સાથે પરાણે ખેંચાઈને આવેલો સમ્યક આરામની મુદ્રામાં રેતી પર લંબાવી દેતો. એને કામ્યાની આ ઘેલછા નહોતી સમજાતી.
કામ્યા -હળવા બ્લુ રંગની શિફોનની સાડી અને સ્લીવ એન્ડ બૅકલેસ મોર્ડન સ્ટાઇલ ચોળી પહેરી, એનાં રેશમી લહેરાતા વાળ પર બે-ત્રણ કાંસકાનાં હળવા લસરકા મારી એનાં કોટેજની બહાર નીકળી. એને ઈચ્છા થઇ કે બાજુના કૉટેજમાંથી કાર્તિકને ઉઠાડી એની સાથે આવવા કહે, પણ એણે એમ ન કર્યુ.
પણ કુદરતે આજનો દિવસ એનાં માટે વિશિષ્ટ સર્જ્યો હતો એવી એને ખુદને ખબર ન હતી. જેવી એ રિસોર્ટની બહાર નીકળી કે એનો ભેટો કાર્તિક સાથે થઇ ગયો.
વ્હાઇટ કલરની જર્સી અને વ્હાઇટ શોર્ટમાં સજ્જ એવો કાર્તિક ગોવાની તાજી હવામાં દોડી આવીને હજી રિસોર્ટમાં પ્રવેશી જ રહેલો.
બંનેય પરસ્પરને તાકતાં ઊભા રહી ગયા. પવનની ઠંડી લહેરખી દોડી આવી અને કામ્યાની લટને એનાં ચહેરા પર ફંગોળતી ગઈ. કામ્યા પ્રથમ સભાન થઇ હતી.
'ગુડ મોર્નિંગ કાર્તિક ' સ્મિત વેરતાં એ બોલી.
'વેરી ગુડ મોર્નિંગ કામ્યા. યુ લુક માર્વેલસ.. ' કહેતાં કાર્તિકે ક્ષણભરમાં એની પ્રંશસિત સરસરી નજર કામ્યાના બદન પર ફેરવી દીધી. જાણે કે કોઈ કલાકારે કૅન્વાસ પર ભીની પીંછીનો હળવો લસરકો માર્યો હોય એવી અનુભૂતિ કાર્તિકની નજરથી કામ્યાને થઇ.
'કલંગુટ બીચ ? ' કાર્તિકે પ્રશ્ન પૂછ્યો.
કામ્યાએ હકારમાં મસ્તક ધુણાવ્યું.
'વીલ યુ વેઇટ ફૉર ફાઈવ મિનિટ્સ ?' ફરી પ્રશ્ન.
આ વખતે કામ્યાએ કોઈ જવાબ ન આપ્યો. એનાં જવાબની રાહ જોયા વગર કાર્તિક ઝડપથી એની રૂમમાં જઈને ચેન્જ કરી પાછો આવ્યો ત્યારે તે ત્યાં જ ઊભી હતી, એની રાહ જોતી.
પ્રેમનાં પહેલા પ્રારંભિક તબક્કામાં રહેલાં પ્રબળ આકર્ષણનું મોજું ભલભલાને ફંગોળી દેતું હોય છે. એ તબકક્કામાં પ્રવેશી ચૂકેલા, છતાં સંયમની લગામ હેઠળ તણાયેલાં કાર્તિક અને કામ્યા આજે પહેલીવાર એકલા નીકળી ગયા હતા.
ક્રમશ :
એ દિવસે, કલંગુટ બીચ પર આખરે બન્યું શું ? અને કેવી રીતે ? એ વાંચીશું આવતા પ્રકરણ- ૩ માં...