Once Upon a Time - 123 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 123

Featured Books
Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 123

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 123

‘બબલુએ જેલમાંથી જે નંબરો પર વાત કરી હતી એવા મોબાઈલ ફોનના કોલ્સ આંતરીને ઉત્તરપ્રદેશ પોલીસે ઘણી ચોંકાવનારી માહિતી મેળવી. અને એ માહિતીના આધારે ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે કલકત્તામાં બબલુ ગેંગના ચાર ગુંડાઓને આંતરીને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા. બબલુ શ્રીવાસ્તવને મળેલી એ પછડાટને કારણે છોટા રાજનને પણ ફટકો પડ્યો.

***

ઉત્તરપ્રદેશ પોલીસ આદુ ખાઈને બબલુ શ્રીવાસ્તવની પાછળ પડી ગઈ હતી ત્યારે મુંબઈ પોલીસ પણ અંડરવર્લ્ડને બરાબર ટક્કર આપી રહી હતી. મુંબઈ પોલીસનાં શસ્ત્રો ધણધણી રહ્યા હતાં. એટલે અંડરવર્લ્ડના શૂટર્સ ઠંડા પડી રહ્યા હતા. મુંબઈમાં શૂટઆઉટ્સની ઘટનાઓનું પ્રમાણ ઓછું થઈ ગયું હતું અને મુંબઈ પોલીસ સાથે એન્કાઉન્ટરમાં મરી રહેલા ગુંડાઓની સંખ્યા વધી રહી હતી. મુંબઈમાં ગવળી અને નાઈક ગેંગનું જોર ઘટી રહ્યું હતું. તો રાજન અને દાઉદ ગેંગની પ્રવૃત્તિઓ પર પણ બ્રેક લાગી ગઈ હતી. પરંતુ, વિદેશોમાં દાઉદ અને રાજન ગેંગ વચ્ચે ધમાલ ચાલુ જ હતી. દાઉદના ગુંડાઓ છોટા રાજનને અને તેના મહત્વના સાથીદારોને ખતમ કરવાનો મોકો શોધી રહ્યા હતા. આ દરમિયાન દાઉદના જમણા હાથ સમા છોટા શકીલને ખબર પડી કે છોટા રાજનના જમણા હાથ સમા રોહિત વર્માએ થોડા સમયથી થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં અડ્ડો જમાવ્યો છે.

છોટા શકીલે રોહિત વર્મા વિશે પાકી માહિતી મેળવી લીધી. છોટા રાજનનો ખાસ માણસ રોહિત વર્મા બેંગકોકમાં માઈકલ ડિસોઝા નામ ધારણ કરીને જ્વેલર અને એક્સપોર્ટરના સ્વાંગમાં રહેતો હતો. તેણે બેંગકોકના સકુમવિત સોઈ વિસ્તારમાં એક ભવ્ય ફ્લેટ ભાડે રાખ્યો હતો અને ત્યાં જ અડ્ડો જમાવી દીધો હતો. રોહિત વર્મા બેંગકોકમાં કોઈ ફિલ્મસ્ટાર જેવી લાઈફસ્ટાઈલ સાથે દિવસો વિતાવતો હતો. છોટા શકીલને પહેલા તો એટલી ખબર પડી હતી કે રોહિત વર્મા બેંગકોકમાં છે. એટલી માહિતી મળી ગઈ એટલે શકીલે 2000ના ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં તેના વિશ્વાસુ શૂટર મહમ્મદ સલીમ અને અન્ય ત્રણ માણસોને કરાંચીથી બેંગકોક મોકલ્યા. 31 ડિસેમ્બર, 2000ના દિવસે તેઓ બેંગકોક પહોંચ્યા. મહમ્મદ સલીમ અને તેના સાથીદારોએ વીસેક દિવસ બેંગકોકમાં ગાળીને રોહિત વર્માનો પત્તો લગાવી લીધો. રોહિત વર્મા તેની હાઈ-ફાઈ લાઈફ સ્ટાઈલને કારણે બહુ ઝડપથી શકીલના માણસોને મળી ગયો. એ પછી શકીલના માણસોએ તેનો પીછો કરીને તેનું ઘર શોધી લીધું.

રોહિત વર્માના ઘરનો પત્તો મળી ગયો એટલે છોટા શકીલે બીજા ચાર શૂટર્સને મુંબઈથી બેંગકોક મોકલી આપ્યા. એ દરમિયાન બેંગકોકથી થાઈલેન્ડના વતની એવા બે ક્રિમિનલ્સને પણ આ ટોળી સાથે સામેલ કરી દેવાયા. તેમને શસ્ત્રો પૂરા પડાયા. એ દસ ખેપાનીઓની ટોળીએ બેંગકોકના સુકુમવિત સોઈ વિસ્તારમાં, જ્યાં રોહિત વર્મા માઈકલ ડિસોઝાના નામથી રહેતો હતો એ ‘ચરણ કોર્ટ’ એપાર્ટમેન્ટની બાજુમાં જ ‘એમરી કોર્ટ’ એપાર્ટમેન્ટમાં એક વિશાળ ફ્લેટ રાખ્યો. એ ફ્લેટની બારીમાંથી ‘ચરણ કોર્ટ’ એપાર્ટમેન્ટમાં મુખ્ય દરવાજો જોઈ શકાતો હતો. શકીલના શૂટર્સે એ બારીની મદદથી રોહિત વર્માની આવનજાવન પર નજર રાખી. ત્રણ દિવસ સુધી તેમણે રોહિત વર્મા પર વોચ રાખ્યા પછી ‘એક્શન પ્લાન’ અમલમાં મૂક્યો.’

પપ્પુ ટકલાએ નવો પેગ બનાવવા માટે નાનક્ડો બ્રેક લીધો અને એ અમને દરમિયાન પૂછ્યું, ‘તમારા વાચકોને રસ પડી રહ્યો છે ને આ અંડરવર્લ્ડકથામાં?’

અને પછી તેની આદત પ્રમાણે અમારા જવાબની રાહ જોયા વિના જ તેણે ફરી વાત શરૂ કરી દીધી, કોઈ સ્ક્રિપ્ટ રાઈટરની જેમ જ!

***

14 સપ્ટેમ્બર, 2000ની રાતના 9.30 કલાકે બેંગકોકના સુકુમવતિ સોઈ વિસ્તારમાં આઠ સુટેડ યુવાન એક મોટી કેક સાથે ચરણ કોર્ટના દરવાજા પાસે આવ્યા. તેમણે સિક્યુરિટી ગાર્ડને કહ્યું કે તેઓ માઈકલ ડિસોઝાના આમંત્રણથી આવ્યા છે. ,સિક્યુરિટી ગાર્ડે તેમને કહ્યું કે, “થોડીવાર રાહ જુઓ, હું ડિસોઝાના ઘરમાં વાત કરીને તમારા આગમન વિશે કન્ફર્મ કરી લઉં.” એ સાથે એમાંના એક યુવાને પિસ્તોલ કાઢીને તેનું બટ તે ગાર્ડના માથામાં ઝીંકી દીધું. એ પછી તેઓ આગળ વધ્યા. તેઓ ‘સી’ વિંગના ત્રણ નંબરના ફ્લેટના દરવાજે પહોંચ્યા. તેમાંથી બે થાઈ યુવાન કેક પકડીને દરવાજા પાસે ઊભા રહ્યા અને બીજા બે યુવાન ડોરબેલ વગાડીને બાજુમાં ઊભા રહી ગયા.

ડોરબેલ વાગી ત્યારે રોહિત વર્મા તેની પત્ની સાથે ટીવી જોઈ રહ્યો હતો. તેણે દરવાજાના લેચ હોલમાંથી જોયું તો કેક લઈને ઊભેલા બે થાઈ યુવાન તેની નજરે ચડ્યા.

રોહિત વર્માએ ફ્લેટનો દરવાજો ખોલ્યો એ સાથે જ દાઉદ-છોટા શકીલના શૂટર્સ અંદર ધસી આવ્યા. તેમણે રોહિત વર્માને ગોળીઓથી વીંધી નાખ્યો. રોહિત વર્માની પત્ની સંગીતાએ પતિને બચાવવાની કોશિશ કરી, પરંતુ એ નિરર્થક કોશિશ દરમિયાન તેને પણ એક ગોળી વાગી ગઈ. જો કે એ બયી ગઈ. રોહિત વર્મા 32 ગોળીનું નિશાન બનીને કમોતે માર્યો ગયો.

આ દરમિયાન રોહિત વર્માની નોકરાણી કમલા કિચનમાંથી બહાર ધસી આવી. બીજી બાજુ રોહિત વર્માની બે વર્ષની દીકરી પણ ગભરાઈને બેડરૂમમાંથી બહાર આવી ગઈ. છોટા શકીલના શૂટર્સે તે બંનેને ખૂણામાં હડસેલીને નોકરાણીને પૂછ્યું “વો &*%$#@ કીધર હૈ?” પણ નોકરાણીના હોઠ જાણે સિવાઈ ગયા હતા. શકીલના શૂટર્સનો મુખ્ય શિકાર રોહિત વર્મા નહોતો!

હતપ્રભ બની ગયેલી નોકરાણી કંઈ બોલી શકી નહીં એટલે તેઓ વંટોળિયાની જેમ ચાર બેડરૂમના ફ્લેટના જુદા જુદા રૂમમાં ધસી ગયા. એક બેડરૂમમાં પ્રવેશતા જ તેમણે અંધારામાં એક ઓળાને બાલકની તરફ દોડતો જોયો. બેડરૂમની લાઈટ બંધ હતી પણ એ તેમનો શિકાર જ હતો એવું શૂટર્સને સમજાઈ ગયું. તેમણે એ ઓળા તરફ અંધાધૂંધ ગોળીબાર કર્યો.

બાલકનીમાંથી કૂદી ગયેલા માણસના પેટમાં અને જાંઘમાં ગોળીઓ વાગી પણ એમ છતાં તે મરણિયો બનીને બાલ્કનીમાંથી કૂદી પડ્યો. બાલ્કનીમાંથી ભૂસકો મારીને તે એપાર્ટમેન્ટના કંમ્પાઉન્ડમાં બનાવેલા ગાર્ડનમાં પડ્યો. આ દરમિયાન ‘ચરણ કોર્ટ’ એપાર્ટમેન્ટ તથા આજુબાજુના રહેવાસીઓ શું બની રહ્યું છે એ જાણવા માટે પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. દાઉદ-શકીલના શૂટર્સ માટે હવે પછી દરેક ક્ષણ જોખમી સાબિત થઈ શકે એમ હતી. તેઓ ત્યાંથી રફુચક્કર થઈ ગયા. હુમલાખોરો નાસી ગયા છે એ ખાતરી થઈ પછી બાલકનીમાંથી કૂદી ગયેલો માણસ લોહીલુહાણ હાલતમાં ગાર્ડનમાંથી બહાર નીકળ્યો અને અત્યંત જખ્મી હાલતમાં રોહિત વર્માના ફ્લેટમાં પહોંચ્યો.

તે છોટા રાજન હતો!’

(ક્રમશ:)