રુદ્ર ની પ્રેમકહાની
અધ્યાય - 25
રુદ્રને નદીમાંથી રાજકુમારી મેઘના ની જે અંગૂઠી મળી આવે છે એને રાજા અગ્નિરાજને સુપ્રત કરવાનાં બદલામાં રુદ્ર કંઈપણ માંગણી કરતો નથી.. કુંભમેળામાં એક બેકાબુ બનેલો હાથી હડદંગ મચાવતાં હાથીથી મેઘના નો જીવ તો બચાવે જ છે પણ સાથે-સાથે ગુસ્સેલ ટોળાંથી ગજરાજ નો પણ જીવ બચાવે છે.. રુદ્ર અને મેઘના ધીરે-ધીરે એકબીજા તરફ આકર્ષાય છે.. રાજા અગ્નિરાજ નાં સૈનિકો વાનુરા નાં મેદાનમાં થનારી લડાઈ જોવાં સૌને આવવાનું આમંત્રણ આપે છે.
"એ ભાઈ આ વાનુરા શું છે..? "અગ્નિરાજ નાં સૈનિકોનાં જતાં જ શતાયુ એ એમની નજીકથી પસાર થતાં એક વ્યક્તિનો રસ્તો રોકતાં પૂછ્યું.
"વાનુરા વિશે નથી ખબર.. અરે વાનુરા એ જગ્યા છે જ્યાંની માટી નો રંગ પણ ત્યાં રેડાયેલાં રક્તનાં લીધે લાલ થઈ ગયો છે.. વાનુરા એવું યુદ્ધ નું મેદાન છે જ્યાં વીરતાની સાથે ક્રુરતાની ઝલક જોવાં મળે છે.. "એ વ્યક્તિ ઉતાવળમાં હોય એમ ફટાફટ બોલવાં લાગ્યો.
"અમારે વાનુરા જવું હોય તો ક્યાં થઈને જવાનું..? "રુદ્ર એ એ વ્યક્તિને સવાલ કર્યો.
"આમ તો વાનુરા નું મેદાન રાજા અગ્નિરાજ નો જ્યાં ઉતારો છે એની ડાબી તરફ એકાદ ગાઉ જેટલાં અંતરે આવેલું છે.. પણ તમારે એ મેદાન જવું હોય તો ચિંતા કરવાની જરૂર નથી.. કાલે સવારે સ્નાન અને આરતી પુરી થતાં ની સાથે જ હજારો લોકો એ તરફ જવાં પ્રસ્થાન કરશે તો તમારે એમની સાથે નીકળી જવાનું.. ચલો હું નીકળું રામ રામ.. "એટલું બોલતાં જ એ વ્યક્તિ ત્યાંથી ચાલી નીકળ્યો.
"ભાઈ, તું કેમ આટલો બધો ચિંતિત દેખાય છે..? "એ વ્યક્તિનાં જતાં જ રુદ્રને ઉદ્દેશીને ઈશાન બોલ્યો.
"એ તો મિત્ર.. સૂરજ માથે ચડવા આવ્યો અને હજુ સુધી મેઘના ના આવી એટલે થોડી ચિંતા થઈ રહી છે. "ઈશાન નાં સવાલ નો જવાબ આપતાં રુદ્ર બોલ્યો.
"લાગે છે આજે તમારાં હૃદય ની રાણી નહીં આવે.. કેમકે જો આવવાંનું હોત તો એ આવી જ ગયાં હોત.. માટે હવે વધુ ચિંતા કર્યા વગર જમવા માટે ચાલ અમારી સાથે.. "શતાયુ બોલ્યો.
"સારું.. "મને-કમને આટલું કહી રુદ્ર શતાયુ અને ઈશાન ની સાથે જમવા માટે ચાલી નીકળ્યો.
બપોરનું જમવાનું ગ્રહણ કર્યા બાદ રુદ્ર, શતાયુ અને ઈશાને આશ્રમમાં બીજાં લોકોને જમાડવામાં અને વાસણો ધોવામાં આશ્રમનાં અન્ય વ્યવસ્થાપકો ને જરૂરી મદદ કરી.. બપોરનો સમય વામકુક્ષી પસાર કર્યાં બાદ એ લોકો સાંજનાં સમયે જ્યારે નદી કિનારે ભ્રમણ કરવાં હેતુ નીકળ્યાં ત્યારે ત્યાં મોજુદ લોકોનાં મુખેથી વાનુરા ની લડાઈ નો ઉલ્લેખ જ સાંભળવાં મળી રહ્યો હતો.
આખરે આટલાં બધાં લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનેલ વાનુરા ની લડાઈ કેવી હશે એ જાણવાની બેતાબી સાથે રુદ્ર અને એનાં મિત્રો રાતે નિયત સમયે સુઈ ગયાં.
****
સવારે એ ત્રણેય સ્નાન કરવાં માટે નદી ઘાટ પહોંચ્યાં ત્યારે પણ ત્યાં સ્નાન કરી રહેલાં શ્રદ્ધાળુઓ વચ્ચે આજે વાનુરા નાં મેદાનમાં થનારી લડાઈ અંગેની જ ચર્ચા ચાલુ હતી.. આજે કયાં રાજા કેવાં યોદ્ધા મેદાનમાં ઉતારવાનાં હતાં એ જાણવાની તાલાવેલી એ લોકોની વાતો પરથી લગાવવી સરળ હતી.
સ્નાન બાદ સવારની આરતી પૂર્ણ કર્યાં બાદ રુદ્ર, શતાયુ અને ઈશાન હજારો લોકોની સાથે-સાથે ચાલી નીકળ્યાં વાનુરા નાં મેદાન તરફ.. રુદ્રએ જોયું કે ઘણાં બાળકો ત્યાં લડાઈ જોવાં આવવાની જીદ પોતાનાં માતા-પિતા જોડે કરી રહ્યાં હતાં પણ એમને એમ કહી ત્યાં આવવાની મનાઈ કરવામાં આવી રહી હતી કે ત્યાં જે લડાઈ થાય છે એમાં જે માર-કાપ અને હિંસા થાય છે એ બાળકો માટે જોવી શક્ય નથી અને યોગ્ય પણ નથી.
આ બધું સાંભળી રુદ્ર ની એ જાણવાની ઉત્સુકતા વધી રહી હતી કે આખરે વાનુરા નાં મેદાનમાં એવું તે શું થતું હશે જે આટલું બધું ભયંકર છે.. આખરે રુદ્ર, શતાયુ અને ઈશાન એ જગ્યાએ આવી પહોંચ્યા જેનાં બધાં વાનુરા નું મેદાન કહેતાં હતાં.. વિશાળકાય દરવાજાની ફરતે આવેલાં પથ્થરનાં સ્તંભની ઉપર રામભક્ત હનુમાન ની પાષાણ ની મૂર્તિ હતી.. હનુમાન પોતે વાનર અવતાર હતાં અને એટલે જ આ મેદાનને વાનુરા નું મેદાન કહેવાતું હશે એવું અનુમાન રુદ્ર અને એનાં મિત્રોએ લગાવ્યું.
ચારે તરફ પથ્થરની બનેલી દીવાલ અને એકસાથે સવા લાખ લોકો બેસી શકે એવું આ વર્તુળાકાર મેદાન ખરેખર ભવ્યાતિભવ્ય હતું.. આ મેદાનની મધ્યમાં માટી ધરાવતો મોટો વર્તુળ ભાગ હતો જેની માટી નો રંગ લાલ હતો.. જે જોતાં જ રુદ્રને પેલાં વ્યક્તિની વાત યાદ આવી કે અહીં લડનારાં લડવૈયાઓ નાં લોહીનાં લીધે આ ઘરા એ લાલ રંગ ધારણ કરી લીધો છે.
હજુપણ ત્યાં આવતાં લોકોનો ઘસારો અવિરત પણે ચાલુ જ હતો.. જેટલી પણ બેસવાની જગ્યા હતી એનાં કરતાં પણ વધુ સંખ્યામાં લોકો ત્યાં આવી ચુક્યાં હતાં.. થોડો સમય વીત્યો ત્યાં પ્રવેશદ્વાર ની વિરુદ્ધ દિશામાં બનેલાં દરવાજેથી ઘણાં બધાં સૈનિકો મેદાનમાં પ્રવેશ્યાં.. એ સૈનિકોનાં પહેરવેશ અલગ-અલગ હતાં જેનો અર્થ હતો કે એ બધાં રાજા અગ્નિરાજ નાં સૈનિકો તો નહોતાં જ.
સૈનિકો અંદર આવી કતારબંધ મેદાનમાં બનેલાં ઝરૂખા નાં રસ્તે ગોઠવાઈ ગયાં એ સાથે જ પૃથ્વી નાં અલગ-અલગ વિસ્તારમાંથી ત્યાંનાં રાજાઓ અને એમની જોડે આવેલાં એમનાં પરિવારનાં આગમનની પ્રક્રિયા શરૂ થઈ.. એ લોકોનાં આગમનની સાથે જ એમનો પરિચય પણ આપવામાં આવી રહ્યો હતો.
"તો આવી રહ્યાં છે પર્વતોનાં રાજા, મહા પરાક્રમી એવાં અમોલી રાજાનાં પુત્ર મહારાજ મિરાજ.. "આમ બોલતાં જ સફેદ ઉનનાં વસ્ત્રોમાં સજ્જ એક મજબૂત બાંધો ધરાવતાં રાજાએ મેદાનમાં પ્રવેશ લીધો.. અને ઝરૂખામાં ઉપર જતાં દાદર નાં પગથિયાં ચડી પોતાનું સ્થાન લીધું.
"પૂર્વ પ્રદેશમાં જેમનો ધ્વજ ફરકે છે એવાં સાહસી, તેજસ્વી અને રાજા યદુવીર નાં પુત્ર મહારાજ જયવીર અને એમની પત્ની મહારાણી કાર્તિની પધારી રહ્યાં છે.. "આ સાથે જ ઢોલ-નગારાં નાં ધ્વનિનાદ સાથે જયવીર અને એની પત્ની કાર્તિની નો પ્રવેશ થયો.
ત્યારબાદ જંગલરાજ હુબાલી અને એમનાં સેનાપતિ માનસિંહને પૂરાં માન-સન્માન સાથે વાનુરા નાં મેદાનમાં આવકારવામાં આવ્યાં.. એ પછી રાજા અગ્નિરાજ નાં સાળા કે જે રાણી મૃગનયની નાં પિતરાઈ ભાઈ થાય એવાં રાજા શશીધર નાં નાના ભાઈ સુધાકર નાં દીકરા ગુરુરાજ, ગુરુરાજ ની પત્ની સ્નેહલતા અને પુત્ર દિવ્યરાજનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.. આ સાથે જ પંચરાજ માં રાજા અગ્નિરાજ સિવાય નાં ચારેય રાજાઓ અને એમનાં વારસદારોને ઝરૂખા પર માન-સમ્માન સાથે સ્થાન અપાયું.
વર્ષો પહેલાં સમગ્ર પૃથ્વીલોક પર પંચરાજ નું શાસન હતું.. પણ હવે અમુક-અમુક નાના-મોટાં રાજ્ય પણ પંચરાજનાં શાસન પ્રદેશમાંથી અલગ પડી અસ્તિત્વમાં આવ્યાં હતાં.. આવાં જ રાજ્યોમાં પૂર્વ દિશામાં વિસ્તરેલાં રાજ્ય પૂર્વાચલ, ઉત્તર પશ્ચિમમાં બનેલાં રાજ્ય કુશ પ્રદેશ અને વિંધ્યાચલ થી લઈને નર્મદા સુધી બનેલાં નવાં વિસ્તાર ઈન્દ્રપુરનો સમાવેશ થતો હતો.. આ બધાં પ્રદેશનાં રાજાઓને પણ ત્યાં આવકારવામાં આવ્યાં.
ભલે આ નવાં વિસ્તારનાં રાજાઓનો પ્રદેશ પંચરાજ નાં શાસન ધરાવતાં વિસ્તારમાંથી જ અસ્તિત્વમાં આવ્યો હતો પણ આ માટે એ રાજાઓની પંચરાજ નાં કોઈ રાજાઓ સાથે લડાઈ થઈ નહોતી.. કેમકે એ લોકોએ જ્યાં પોતાનું આધિપત્ય જમાવ્યું એ વિસ્તાર ભલે પંચરાજ નાં શાસન નીચે આવતાં હતાં પણ ખૂબ જ મોટાં વિસ્તારનાં અધિપતિ હોવાથી આ એવાં પ્રદેશો હતાં જ્યાં પંચરાજમાંથી કોઈ રાજા પૂરતું ધ્યાન નહોતો આપી રહ્યો.. કેમકે એમને મન આ બધાં પ્રદેશો કોઈ કામનાં નહોતાં.
રાજા અગ્નિરાજ પોતાનાં પિતાજી રત્નરાજની માફક એક ઉત્તમ શાસક હતો એટલે એ હંમેશા એવું ઈચ્છતો કે સત્તા ની લાલસા માં માનવો નું લોહી રેડાવું ના જોઈએ.. આમ પણ આટલાં અલગ-અલગ રાજાઓ હોવાં છતાં છેલ્લો નિર્ણય પોતાનાં હાથમાં રહે અને પોતાની સર્વોપરિતા બની રહે એ હેતુથી અગ્નિરાજે આ નવાં બનેલાં રાજાઓને પણ ગળે લગાવી લીધાં.
આમ છતાં રાજા અગ્નિરાજ અને રાજા ગુરુરાજ નાં શાસક પ્રદેશ વચ્ચે પોતાનો એક અલગ વિસ્તાર બનાવીને ત્યાંનાં લોકોની પ્રગતિ અને સુખાકારી ની કોશિશો દ્વારા એક વિકસતું રાજ્ય ઈન્દ્રપુર બનાવનારાં રાજા મહેન્દ્રસિંહ નું ઘણું નામ હતું.. મહેન્દ્રસિંહને ખૂબ જ ટૂંકા ગાળામાં રાજા અગ્નિરાજ સાથે સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થઈ ચૂક્યો હતો.. એટલે જ રાજા મહેન્દ્રસિંહ ને સપરિવાર અહીં પધારવાનું ભાવભર્યું આમંત્રણ રાજા અગ્નિરાજ તરફથી મળ્યું હતું.
અન્ય રાજાઓનાં આગમન પછી આખરે ઉદઘોષક દ્વારા એની ઘોષણા કરવામાં આવી જેનો ત્યાં મોજુદ બધાં લોકો આતુરતા સાથે રાહ જોઇને બેઠાં હતાં.
"મહા પરાક્રમી, ઉદાર, દયાવાન એવાં રાજાધિરાજ અગ્નિરાજ પોતાનાં પત્ની મહારાણી મૃગનયની અને રાજકુમારી મેઘના સાથે પ્રવેશી રહ્યાં છે.. "
આ ઉદઘોષણા સાથે જ વાનુરા નાં મેદાનમાં હર્ષોલ્લાસનું મોજું ફરી વળ્યું.. લોકોની ચિચિયારીઓ અને રાજા અગ્નિરાજનાં જયઘોષ સાથે રાજા અગ્નિરાજનું સપરિવાર વાનુરાનાં મેદાનમાં આગમન થયું.. જ્યાં સુધી રાજા અગ્નિરાજ, રાણી મૃગનયની અને રાજકુમારી મેઘના ઝરૂખામાં પોતાનાં સ્થાને જઈને ના બેઠાં ત્યાં સુધી વાનુરાનાં મેદાનમાં હાજર જનમેદની નો પ્રચંડ ધ્વનિ વાતાવરણમાં પડઘાતો રહ્યો.
રાજા અગ્નિરાજે સસ્મિત બધાં જ લોકોનું અભિવાદન ઝીલી હાથનાં ઈશારાથી શાંત રહેવાનું કહ્યું.. લોકોનાં શાંત થતાં જ અગ્નિરાજ અને એમનાં પરિવારે પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યું.
રાજા અગ્નિરાજનાં સ્થાન લેતાં ની સાથે જ ઉદઘોષક કે જેનું નામ ભરત હતું એનાં દ્વારા આગળનાં કાર્યક્રમ અંગે ઊંચા અવાજે જાહેરાત કરવામાં આવી.
"તો હવે તમને લોકોને જેની આતુરતા સાથે રાહ જોઈ રહ્યાં છો એવી વાનુરાનાં મેદાનની ત્રણ શતાબ્દીથી પણ વધુ જુની ભવ્ય પ્રતિસ્પર્ધા નો પ્રારંભ કરી રહ્યાં છીએ.. "
ઉદઘોષક ની આ જાહેરાતે પુનઃ ત્યાં હાજર જનમેદની નો અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો.
"એ બધાં નાં શાંત થતાં ની સાથે જ ઉદઘોષક દ્વારા આજનાં કાર્યક્રમ નાં પ્રથમ યોદ્ધા ને મેદાનમાં ઉતારવા જઈ રહ્યાં છીએ.. આ જે યોદ્ધો છે તમારી સૌ ની કલ્પના થી અલગ જ છે.. જંગલરાજ હુબાલી દ્વારા આ યોદ્ધા ને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યો છે.. આ યોદ્ધા ને જોઈ તમે સમજી જ જશો કે એ કેટલો ખૂંખાર છે.. તો તમારી સમક્ષ મેદાનમાં આવી રહ્યો છે જીવતા જાગતાં દૈત્ય સમો 'અસુરા'.. "
આટલું બોલતાં જ ઉદઘોષક દ્વારા મેદાનની મધ્યમાં મોજુદ સૈનિકોને સાંકેતિક ભાષામાં કંઈક ગર્ભિત ઈશારો કરવામાં આવ્યો... એ સાથે જ મેદાનની મધ્યમાં મોજુદ સૈનિકો ફટાફટ મેદાનમાંથી પ્રેક્ષકો ની વચ્ચે ઊંચાઈ વાળી જગ્યાએ આવી ગયાં.
એમનાં સલામત સ્થાને પહોંચતાં ની સાથે જ ત્યાં છેલ્લે મોજુદ સૈનિકો દ્વારા લોખંડની સાંકળો ને ખેંચવામાં આવી.. આ સાંકળો ખેંચતાં જ મેદાનની દિવાલની નીચેનાં ભાગમાં બનેલાં લોખંડનાં જે દરવાજા હતાં એમાં નો એક દરવાજો ખુલવા લાગ્યો.. જેવો એ દરવાજો અડધાં જેટલો ખુલી ગયો એ સાથે જ એ સાંકળ ખેંચતાં સૈનિકો પણ વિજળીવેગે દોડીને દીવાલની ઉપર પહોંચી ગયાં.
આ સૈનિકો નાં ચહેરા પર રહેલો ડર જોઈ મેદાનમાં હાજર જનમેદની સમજી ચુકી હતી કે આ અસુરા નામનો યોદ્ધો મહાબળિયો હોવો જોઈએ.
લાખો લોકોની સાથે રુદ્ર, શતાયુ, ઈશાન અને ઝરૂખામાં બેસેલાં બધાં જ વ્યક્તિઓ અસુરા આખરે છે કોણ અને કેવો છે..? એ જોવાં દરવાજા તરફ મીટ માંડી રહ્યાં હતાં.. !!
★★★
વધુ નવાં અધ્યાયમાં.
કોણ હતો અસુરા..? આ વનુરા નું મેદાન શું હતું અને ત્યાં કોની કોની વચ્ચે લડાઈ થવાની હતી..? રુદ્ર અને મેઘના ની પ્રેમકહાની કઈ દિશામાં આગળ વધશે..? શું રુદ્ર અને એનાં મિત્રો મનુષ્યો અને નિમલોકો વચ્ચેની સંધિ ક્યાં રાખવામાં આવી છે એ જાણી શકશે. ? રુદ્ર કોઈ નવી મુસીબતમાં તો નહીં ફસાઈ જાય ને..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થઈ શકશે? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન
The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન. આર. પટેલ (શિવાય)
***