અમેરિકાના મિશિગન સ્થિત બેન્ટન હાર્બર, કોમલનું ખુબ પ્રિય સ્થળ હતું. પોતાના સુખની ઉજવણી કરવા કે વિષાદની બોઝિલ પળો થી છુટકારો મેળવવા માટે તે આ સ્થળે આવતી. ખુશીની ઉજવણીઓમાં તે તેના કુટુંબી જનો અને મિત્રોને સામેલ કરતી જયારે પોતાના દર્દનો ભાર હળવો કરવા તે એકલી જ આ સ્થળે આવી જતી. આ સ્થળ એટલે તેના માટે માતાના ખોળા બરાબર હતું. જયારે કોઈ ગંભીર નિર્ણય લેવો હોય ત્યારે કોમલ કલાકોના કલાકો આ સ્થળે એકલી બેસીને વિચારો કર્યા કરતી.
કોમલ છેલ્લા ત્રણ દિવસથી રોજ સાંજે આ સ્થળે આવીને બેસતી હતી. તે જીવનના એક એવા મોડ પર આવીને ઉભી હતી જ્યાંથી જે માર્ગ તેને દેખાતો હતો તે એકદમ ધૂંધળો હતો. તેને હવે કોઈ મકકમ નિર્ણય લેવો જરૂરી હતો. તેના જીવન વિષે એક મહત્વનો નિર્ણય લેવા માગતી હતી પરંતુ કોઈ ચોકકસ નિર્ણય લઇ શકાતો ન હતો.
હાર્બર પરથી આવતા પવનના સુસવાટા તેના શરીરને ઝકઝોડી રહ્યા હતા પરંતુ તેના કરતાં વધારે તેજ તોફાન તેના હૃદયમાં ઉઠ્યું હતું. અમેરિકાના વસવાટને લગભગ પચ્ચીસ વર્ષ થવા આવ્યા હતા. તે ભૂતકાળમાં સરી પડી.
શાળા જીવનથી કોલેજ સુધીના શિક્ષણમાં કામિની, સુગંધા, રેણુકા અને કોમલ પોતે એમ ચાર બહેનપણીઓ ખુબ પાકી દોસ્તી ધરાવતી હતી. કિશોરાવસ્થા પૂરી થઇ ત્યારથી આ ચારે બહેનપણીઓએ અમેરિકામાં લગ્ન કરવાના ઓરતા સેવ્યા હતા. કોમલ સૌથી વધારે દેખાવળી, ઉંચી અને મજબુત બાંધાની હતી એટલે બાકીની બહેનપણીઓ કહેતી કે કોમલને તો એક થી એક ચઢીયાતા એન.આર.આઈ. મુરતિયા મળી રહેશે. પણ થયું તેનાથી ઉલટું. કામિની, સુગંધા અને રેણુકા ગ્રેજ્યુએશન પૂરું કરી તરત એન.આર.આઈ. મુરતિયાઓને પરણી અમેરીકા ચાલી ગઈ. કોમલે માસ્ટર્સ કર્યું ત્યાં સુધીમાં ઘણા એન.આર.આઈ. મુરતિયા કોમલને જોવા આવ્યા પરંતુ કોઈની સાથે તેનો મેળ ન પડ્યો. કયાંક જન્મ કુંડળી નડી તો કયાંક એન.આર.આઈ. મુરતિયાના સગાઓએ યુક્તિઓ કરી તેમની દીકરીઓનું ગોઠવી લીધું.
કોમલના માતા પિતાએ તેને લાયક પોતાની જ્ઞાતિમાં ઘણા ભારતીય મુરતિયા કોમલને બતાવ્યા પરંતુ તેણે તેના મા બાપને કહી દીધું કે મારે અમેરીકા સેટલ થવું છે માટે મારા માટે કોઈ એન.આર.આઈ. મુરતિયો જ શોધજો. તેણે તેની એન.આર.આઈ. બહેનપણીઓને પણ તેના લાયક કોઈ મુરતિયાઓ હોય તો જોઈ રાખવા ભલામણ કરતી હતી. તેમ છતાં તેનું નશીબ થોડું કઠણ નીકળ્યું. બીજું એક વર્ષ પસાર થઇ ગયું. હવે તે પચ્ચીસ વરસની થવા આવી હતી. તેના મા બાપ તેને ભારતીય મુરતિયા સાથે પોતાનું જીવન જોડી દેવા દબાણ કરતા હતા. હવે કોમલની પણ ધીરજ ખૂટતી જતી હતી. તેવામાં તેને જોવા માટે એક એન.આર.આઈ.મુરતિયાના મા બાપ આવ્યા. તેમને કોમલ ગમી ગઈ. બીજા દિવસે મુરતિયો પણ તેને જોઈ ગયો. મુરતિયા કમલેશે પણ કોમલને પસંદ કરી લીધી. કોમલે તરત તેની બહેનપણીઓને જણાવી દીધું કે તે પણ હવે અમેરીકા આવી રહી છે.
સુગંધાએ જયારે જાણ્યું કે કોમલની સગાઇ કમલેશ સાથે થઇ છે ત્યારે તેને અચંભો થયો. તે કમલેશને અને તેના કુટુંબને ખુબ નજીકથી ઓળખતી હતી. કમલેશ દેખાવડો જરૂર હતો પરંતુ તેની બુદ્ધિનો આંક ખુબ નીચો હતો. કમલેશ ભોળો યુવાન હતો. તેજ તર્રાર કોમલ માટે તે યોગ્ય મુરતિયો ન હતો. તેણે કોમલને કમલેશની વિગતોથી માહિતગાર કરી પરંતુ કોમલને અમેરીકા જવાનું ભૂત સવાર થયું હતું તેથી તેણે સુગંધાની વાતને ગંભીરતાથી ન લેતાં લગ્નની તૈયારીઓમાં પરોવાઈ ગઈ.
ફક્ત એક જ મહિનાના ટૂંકા ગાળામાં તેના લગ્ન ઉકેલાઈ ગયા. કમલેશ અમેરીકન સીટીઝન હતો માટે જેમ બને તેમ જલ્દી કોમલને અમેરીકા બોલાવી લઈશું તેવું જણાવી કમલેશનું કુટુંબ અમેરીકા પરત ફરી ગયું.
લગ્ન પછી કોમલને કમલેશ સાથેના એક અઠવાડીયાના સહવાસે જણાયું કે કમલેશ બુધ્ધુ હતો. તે ભલે યુવાન હતો પરંતુ હજુ તે એક યુવકના સ્તરનું મસ્તિષ્ક ધરાવતો નહતો. તેને સુગંધાની ચેતવણી યાદ આવી ગઈ. વિદેશના આંધળા મોહમાં સુગંધાની ચેતવણી ધ્યાને લીધા વિના કરેલા લગ્ન બાબતે તેને હવે અફસોસ થવા લાગ્યો. પરંતુ અમેરીકા જઈ કમલેશને સુધારી દેવાનો સંકલ્પ કરી તે નિશ્ચિંત થઇ ગઈ.
એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં કોમલ અમેરીકા પહોચી ગઈ. તેનું સાસરું અમેરિકાના મિશિગનમાં હતું. અહીં આવ્યા પછી કોમલને જાણવા મળ્યું કે કમલેશ જયારે ખુબ નાનો હતો ત્યારે તેને મગજનો તાવ આવવાના કારણે તેના કુમળા મગજની કેટલીક કોશિકાઓ સુકાઈ ગઈ હતી જેથી તેના મગજનો વિકાસ યોગ્ય પ્રમાણમાં થતો ન હતો. જેમ જેમ તેની ઉંમર વધતી ગઈ તેમ તેમ તેની બુદ્ધિનો વિકાસ થવાના બદલે તે વધુ ને વધુ સાયકીક થતો ગયો. કમલેશના કુટુંબે આ વાત કોમલના માતા પિતાથી છુપાવી હતી. કોમલને ખુબ આઘાત લાગ્યો તેમ છતાં તેણે જેવું તેનું નશીબ તેમ માની મન માનાવી લીધું.
કમલેશનું કુટુંબ પૈસે ટકે ખુબ સુખી હતું તેમ છતાં તેમને પૈસાનો ખુબ લોભ હતો. તેમનો પોતાનો ધંધો હોવા છતાં તેમણે કોમલને એક મોલમાં નોકરી અપાવી દીધી. તેઓ તેને મોલમાં ઓવર ટાઈમ નોકરી કરાવતા. તે થાકી પાકી ઘરે આવી હોય તો ય તેની પાસે ઘર કામ કરાવતા. પોતાના પતિ તરફથી પણ તેને કોઈ સધિયારો મળતો ન હતો વળી તે માવડીયો હતો. જ્યાં સુધી સહન થયું ત્યાં સુધી કોમલ સહન કરતી રહી. ધીમે ધીમે કોમલે તેના સાસરીયાઓ સામે બંડ પોકારવાનું શરુ કરી દીધું. તેની સાથે મોલમાં એક ગુજરાતી યુવાન શૈલેશ સોની નોકરી કરતો હતો. બંને એક જ સેકશનમાં હોવાથી બંને એક બીજાથી પરિચિત હતા. કોમલે કૌશિકને તેની આપવીતી જણાવી એટલે કૌશિકે કોમલને અમેરિકાના કાયદાની જાણકારી આપી કમલેશથી છુટાછેડા મેળવી લેવા જણાવ્યું. કોમલે કહ્યું, “ શૈલેશ, છૂટાછેડા પછી મારે અમેરીકામાં ક્યાં રહેવું અને એકલા કેવી રીતે જીવન પસાર કરવું તે વિકટ પ્રશ્ન થઇ પડશે.”
શૈલેશે કહ્યું “ કોમલ, તેની ચિંતા છોડી દે, તું સુંદર અને કમાતી છોકરી છે માટે તને તરત કોઈ ગુજરાતી યુવાન પરણી જશે.” છતાંય કોમલ હિંમત ન કરી શકી.
થોડાક દિવસ પછી એકાએક કમલેશે તેના મા બાપની ચઢવણીથી કોમલ સાથે ઝઘડો કર્યો. કોમલને સહન ન થવાથી તેણે શૈલેશની મદદથી એક અંગ્રેજ વકીલ સેમ્યુઅલને હાયર કરી કમલેશથી છુટાછેડા મેળવવા કેસ દાખલ કર્યો. કમલેશની દિમાગી હાલત સારી ન હોવાની વાત પુરવાર થતાં કોમલને સરળતાથી છૂટાછેડા મળી ગયા. છુટાછેડા પેટે કમલેશના કુટુંબ તરફથી કોઈ વળતર આપવામાં ન આવ્યું એટલે કોમલે તેને લગ્ન વખતે ચઢાવેલા પચાસ તોલા સોનાના દાગીના તેની પાસે રાખી મુક્યા. તે માટે કમલેશના કુટુંબે કોમલ સાથે ખુબ મોટો ઝગડો કર્યો પરંતુ કોમલે પોલીસ બોલાવવાની ધમકી આપી એટલે તે ચુપ થઇ ગયા.
કોમલનો વકીલ સેમ્યુઅલ એક આધેડ ઉમરનો અને ભલો માણસ હતો. તેણે કોમલની નાની ઉંમર જોઈ તેને કોઈ લાયક યુવાનને પરણી જવાની સલાહ આપી. તેણે કહ્યું કે એક પલ્લવ નામનો ગુજરાતી છોકરો ખોટી રીતે એક અમેરીકન યુવતીના મોહમાં ફસાઈને અમેરીકા આવી ગયો હતો જેના ગયા મહિનેજ મેં છુટાછેડા કરાવી આપ્યા છે. તે હાલ ન્યુજર્શી માં જોબ કરે છે. હું તમારી બંનેની મુલાકાત કરાવી દઈશ. જો તને પલ્લવ યોગ્ય લાગે તો તેની સાથે લગ્ન કરી લેજે. તે છોકરો ખુબ સારો છે. સેમ્યુઅલે થોડાક દિવસોમાં પલ્લવ અને કોમલની મુલાકાત કરાવી દીધી. બંનેએ એક બીજાને પસંદ કરી લગ્ન કરી લીધા.
પલ્લવ ન્યુજર્સીમાં જોબ કરતો હતો એટલે કોમલ મિશિગનથી ન્યુજર્સી શિફ્ટ થઇ ગઈ. થોડા સમય પછી તેમને ત્યાં એક પુત્રી અવતરી. તેનું નામ જાનકી રાખ્યું. જાનકી તેમની છત્ર છાયામાં ઉછેર પામવા લાગી.
જાનકીએ પોતાનું શિક્ષણ પૂરું કર્યું એટલે તેના લગ્ન કરાવી દઈ પલ્લવ અને કોમલ નિશ્ચિંત થઇ ગયા. તેઓ પાછા મિશિગન શીફ્ટ થઇ ગયા, થોડાક દિવસ પછી જયારે પલ્લવ એક સ્ટોરમાં નાઈટ ડયુટી પર હતો ત્યારે કેટલાક મેક્ષિકન યુવકો સ્ટોરમાં દાખલ થઇ લુંટ ચલાવી જેનો પલ્લવે પ્રતિકાર કર્યો એટલે એક મેક્ષિકન યુવકે તેના પર પિસ્તોલથી ફાયર કર્યો જેમાં પલ્લવ મૃત્યુ પામ્યો. કોમલ નોંધારી થઇ ગઈ.
તેની દીકરી જાનકી તેના પતિ સાથે ન્યુઝીલેન્ડ શિફ્ટ થઇ ગઈ હતી. વતનમાં તેના માતા પિતાનો સ્વર્ગવાસ થઇ ગયો હતો પરંતુ ભાઈ હયાત હતો.
આ પરિસ્થિતિમાં અમેરિકામાં રહેવું અથવા ઇન્ડિયા આવી ભાઈ પાસે રહેવું તેનો તે નિર્ણય લઇ શકતી ન હતી તેવામાં એક દિવસે તેનો ભેટો તેના પૂર્વ પતિ કમલેશ સાથે થઇ ગયો. તે થોડી ડરી પણ ગઈ. કોમલ કામલેશથી બચી આગળ નીકળી જાય તે પહેલાં કમલેશે તેની સામે જોઈ એક પરિચિતતાનું સ્મિત વેર્યું. કમલેશ તેની સાથે એક સજ્જન પુરુષની જેમ વર્ત્યો. તેણે તેના પતિ પલ્લવના મૃત્યુ અંગે ખરખરો પણ કર્યો. કોમલ કમલેશના વર્તનથી ખુબ પ્રભાવિત થઇ. કમલેશે કહ્યું “ કોમલ હવે હું મારી બીમારીથી સંપૂર્ણ સાજો થઇ ગયો છું. મારા કુટુંબે અને મેં તારી સાથે જે દુર્વ્યવહાર કર્યો હતો તેના માટે હું માફી માગું છું.”
થોડી વાર રોકાઈ તે બોલ્યો, “કોમલ, હું તને હજુ ય એટલોજ પ્રેમ કરું છું. મેં તે માટે બીજા લગ્ન પણ કર્યા નથી. જો તું સંમત થાય તો હું તારી સાથે લગ્ન કરી તને સુખી કરી ભૂતકાળમાં તને કરેલા અન્યાયનો ભલો બદલો આપી પ્રાયશ્ચિત કરવા ઈચ્છું છું. તું જાણે છે તેમ હવે મારા માતા પિતા પણ હયાત નથી માટે હવે તને કોઈ કનડગત થશે નહી.”
કોમલે કોઈ જવાબ ન આપ્યો એટલે કમલેશે ફરીથી તેનો સ્વીકાર કરી લેવા આજીજી કરી. કોમલે તેને વિચારવા માટે થોડોક સમય આપવા કહ્યું.
“ ઓકે, યુ મે ટેક યોર ઓન ટાઈમ” કહી કમલેશ ત્યાંથી ચાલ્યો ગયો.
છેલ્લા ત્રણ દિવસથી કોમલ તેની આ પ્રિય જગ્યા બેન્ટન હાર્બર પર આવી કમલેશના પ્રસ્તાવ પર વિચાર્યા કરતી હતી. પરંતુ હજુ તે અનિર્ણિત હતી. આજે તો કોઈક નક્કર ફેસલો કરી ઉભા થવાનું તેણે નક્કી કર્યું હતું.
તે દૂર દેખાતી લાઈટ સામે તાકીને પોતાના વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે કોઈક તેની પાછળ આવી ઉભું હોવાનો તેને ભાસ થયો એટલે તેણે પાછળ વળી જોયું તો પાછળ કમલેશ સ્મિત વેરતો ઉભો હતો. થોડીક વાર સુધી બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહિ. થોડીક વાર પછી કમલેશ બોલ્યો “ કોમલ હું જાણું છું કે આ સ્થળ તને ખુબ પ્રિય છે. મેં અહી સામે જ બે વર્ષ પહેલાં સી ફૂડની રેસ્ટોરન્ટ ખરીદી લીધી છે. મેં તને પ્રપોઝ કર્યું ત્યાર પછી છેલ્લા ત્રણ દિવસથી તને અહી આવી કોઈ ઘહન વિચારો કરતી હોવાનું હું રોજ તને જોવું છું. હું તને ડીસ્ટર્બ કરવા નથી માંગતો પરંતુ હું એ જણાવવા આવ્યો છું કે જો તને મારી પ્રોપોઝલ માન્ય ન હોય તો તું બેધડક નકારી શકે છે. મને તેનાથી માઠુ લાગશે નહિ. જો તું ઈચ્છશે તો આપણે આજીવન સારા મિત્રો બની રહીશું.“ પોતાની વાત પૂરી કરી કમલેશ કોમલના જવાબની રાહ જોયા વિના ત્યાંથી ચાલ્યો ગયો.
કમલેશનું આજનું વર્તન એક ભદ્ર માણસને છાજે તેવું હતું. કોમલ કમલેશથી આજે ખુબ પ્રભાવિત થઇ. કમલેશના ગયા પછી કોમલે કમલેશની પ્રપોઝલ વિષે અને ભાવી જીવન વિષે ખુબ વિચાર કર્યો. તેણે વિચાર્યું હજુ તેણે હમણાં જ તેની પચાસમી વર્ષગાંઠ ઉજવી છે. અમેરિકાના શુદ્ધ વાતાવરણના કારણે હજુ સુધી તે નીરોગી અને તંદુરસ્ત છે. હજુ તેના સામે ઘણો લાંબો જીવનપથ પડેલો છે. અમેરીકામાં આ ઉમરે પુન: લગ્ન કોઈ અચરજની વાત ન હતી. વળી અહિયાં સિંગલ મેન કે વુમનને પુન: લગ્ન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે માટે પુનર્લગ્ન માટે વિચારવું ખોટું નથી તેમ વિચારી તેણે ફરીથી તેના હૃદયના ઊંડાણમાં શું પડ્યું છે તે જોવાની કોશિશ કરી. તેને લાગ્યું કે ભૂતકાળમાં કમલેશના માબાપે તેની સાથે દગો કર્યો હતો જેના માટે કમલેશને દોષિત ગણવો ઉચિત નથી.
ખુબ ગડમથલ પછી તેણે કમલેશ સાથે ફરીથી લગ્નગ્રંથીથી જોડાવાનો નિર્ણય કરી સીધી કમલેશની સી ફૂડ રેસ્ટોરન્ટે ગઈ અને કમલેશને મળી તેના નિર્ણયની જાણ કરી. કમલેશ ખુબ રાજી અને ભાવ વિભોર થઇ ગયો અને તેણે કોમલનો આભાર માન્યો.
થોડા દિવસમાં કોમલ અને કમલેશના પુન: લગ્ન થઇ ગયા. હજુ તેમના લગ્નનો લિગલ અગ્રીમેન્ટ કરવાનો બાકી હતો. તેમનો નવો સંસાર ધીરે ધીરે થાળે પડતો જતો હતો. એક દિવસે કોમલ બેડરૂમમાં તેના કપડાં અવેરતી હતી ત્યારે કમલેશ આવી પહોંચ્યો અને કોમલને મદદ કરવા લાગ્યો. કોમલ ના ના કહેતી રહી તેમ છતાં તે કોમલના કપડાં તેના વોર્ડરોબમાં ગોઠવવા માંડ્યો. એકએક તેની નજર કોમલના આભૂષણો પર પડી. તે જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો તે મોકો તેને આજે મળી ગયો. તે કોમલના દાગીનાના બધા બોક્સ લઇ તેના રૂમમાં દોડી ગયો. અને અંદર જઈ દરવાજો બંધ કરી દીધો. કોમલને નવાઈ લાગી.
કોમલે કમલેશને તેના દાગીના પાછા આવી દેવા કહ્યું તો કમલેશ ખંધુ હસી બોલ્યો, “ કોમલ તને ખબર છે મારા પચાસ તોલાના સોનાના દાગીના તારી પાસેથી પાછા લેવા માટે મેં તારી સાથે પ્રેમનું નાટક કરી તારી સાથે પન:લગ્ન કર્યા છે. મને તારા માટે કોઈ પ્રેમ બ્રેમ નથી. હું તને સખત નફરત કરું છું. હું તને કોઈ કાળે દાગીના પરત કરીશ નહિ.” તેની વાત પૂરી કરી તે અટ્ટહાસ્ય કરવા લાગ્યો. તેના પર સાયકીક એટેક આવ્યો. કમલેશ પોતાના પરનો કાબુ ખોઈ બેઠો. તેના કમરાનો દરવાજો ખોલી તે એકએક બહાર આવ્યો અને તેણે છરી વડે કોમલ પર ખતરનાક હુમલો કર્યો. કોમલ પોતાની જાત બચાવી ઘરની બહાર નીકળી ગઈ. કમલેશે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દીધો. કોમલ આખી રાત કડકડતી ઠંડીમાં બહાર પોર્ચમાં પડી રહી.
બીજા દિવસે કોમલે તેને ઘરમાં દાખલ થવા દેવા કમલેશને ખુબ કાલાવાલા કર્યા પરંતુ માનસિક વિકૃતિ ધરાવતા કમલેશે દરવાજો ન ખોલ્યો. છેક સાંજે કમલેશે અડધો દરવાજો ખોલી કોમલના તમામ ડોકયુમેન્ટ્સ અને તેના કપડાં બહાર ફેકી દીધા. કોમલે કમલેશને તેના પચાસ તોલાના સોનાના દાગીના તેની પાસે રહેવા દઈ કોમલના અંગત પચીસેક તોલાના સોનાના દાગીના પાછા આપી દેવા વિનંતી કરી જેના જવાબમાં કમલેશે કહ્યું કે અત્યારસુધી મારા દાગીના તે તારા કબજામાં રાખ્યા તેના વ્યાજ પેટે હવે તમામ દાગીના મારી પાસે રહેશે. કહી ફરીથી તેણે અટ્ટહાસ્ય કર્યું. કોમલ તેના અટ્ટહાસ્યથી ભયભીત થઇ. તેની પાસે કમલેશને કોર્ટમાં ખેંચી જવા અને તેની સામે મુકદ્દમો માંડવા કોઈ લિગલ આધાર નહતો તેથી તેણે તેનો માલસામાન એકઠો કર્યો અને ઉદાસ થઇ ત્યાંથી રવાના થઇ ગઈ.
તે સાંજે કોમલ ફરીથી તેના પ્રિય સ્થળ બેન્ટન હાર્બર પર છેલ્લી વાર માટે ગઈ. તેણે આજે હાર્બરના પાણી પર વહેતી હવામાં ખુબ બોજ મહેસુસ કર્યો. કમલેશે પોતાની રેસ્ટોરન્ટની બારીમાંથી કોમલને હાર્બર કાંઠે ઉભેલી જોઈ એક વિકૃત અટ્ટહાસ્ય વેર્યું જે કોમલના કાનો પર અથડાયું. કોમલે એક ઊંડો શ્વાસ ભરી અમેરિકાને કાયમી વિદાય આપી સ્વદેશ પરત ફરવા માટેનો મક્કમ નિર્ણય કરી એરપોર્ટ તરફ જવા ડગલાં ભર્યા.