Limelight - 47 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૪૭

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લાઇમ લાઇટ - ૪૭

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૭

સાકીર ખાનને ફસાવવામાં રસીલીએ મોટી ભૂમિકા ભજવી હતી. સાકીરની દરેક અપડેટ પર તેની નજર રહેતી હતી. બલ્કે તેના કારણે જ સાકીરના કેસમાં કેટલીક અપડેટ આવી રહી હતી. સાકીર ખાનને ડ્રગ્સના કારોબારમાં પોલીસના હાથે પકડાવ્યા પછી તે જલદી છૂટી ના શકે એ માટે રસીલી ચક્કર ચલાવ્યા કરતી હતી. પોલીસને સાકીરના રૂપમાં મોટી સફળતા મળી હોવાથી તે રસીલીની આભારી હતી. અને આ કેસમાં તે રસીલી ઉપર જ વધારે આધારિત હતી. એટલે જ રસીલીનો પીછો કરતા સાકીરના વકીલના માણસને પોલીસે તરત જ દબોચી લીધો હતો. રસીલીની મદદથી સાકીર વિરુધ્ધનો કેસ મજબૂત બની રહ્યો હતો. પોલીસ પાસે સાક્ષીઓ વધી રહ્યા હતા. રસીલી અને પોલીસને ખબર હતી કે આ કેસનો રાતોરાત ચુકાદો આવવાનો નથી. કોર્ટ કચેરીના ચક્કર લાંબો સમય ચાલવાના હતા. પણ રસીલીના આશ્ચર્ય વચ્ચે સાકીરના કેસનો ચુકાદો ગણતરીના દિવસોમાં જ આવી ગયો. રસીલી વિચારતી હતી કે આ ચુકાદો પોલીસને તો ખબર નહીં પણ પોતાને આંચકો આપી ગયો હતો. સાકીરના કેસનો નહીં પણ તેના જીવનનો ચુકાદો વિધાતાએ આપી દીધો હતો. રસીલીની એવી લાગણી હતી કે કેટલીય છોકરીઓનું જાતીય શોષણ કરી તેમનું જીવન અંધકારમય બનાવનાર સાકીર ખાન જેલની અંધારી કોટડીમાં સબડવો જોઇતો હતો. પરંતુ તે સીધો જ ઉપર પહોંચી ગયો હતો. તેને સાકીરના આટલા જલદી અને સરળ અંતની ગણતરી ન હતી. સાકીરનું ટૂંકી માંદગીને કારણે મોત થયું એ સમાચાર જાણીને તેણે ડીવાયએસપી દેવરેને ફોન કર્યો. દેવરેએ સાકીરના મોતની પુષ્ટિ કરી દીધી. દેવરે પાસેથી રસીલીને જાણવા મળ્યું કે જેલમાં ગયા પછી ઐયાશ સાકીરને રહેવાનું ફાવતું ન હતું. તે અંદરને અંદર ઘૂંટાતો રહેતો હતો. અમે જાણીજોઇને તેની વધુ સારવાર કરાવતા ન હતા. અમારી ઇચ્છા તેને કોઇ રીતે જેલની બહાર આવવા દેવાની ન હતી. અમે એની શારિરીક તકલીફોને નાની જણાવી હતી. તેને ડ્રગ્સની લત હતી. ડ્રગ્સ વગર તેનાથી જીવાતું ન હતું. જેલમાં તેના માટે ડ્રગ્સ અને સેક્સ પર પ્રતિબંધ આવી ગયો હતો. તેની બધી લત જ તેનો જીવ લઇ ગઇ. અમે તો એવો રીપોર્ટ બનાવી દીધો છે કે કોઇને આંચ આવવાની નથી. તેના જીવન પર હવે પડદો પડી ગયો છે.

રસીલીને દેવરેની વાત યોગ્ય લાગી રહી હતી. જો યેનકેન પ્રકારે સાકીર જામીન મેળવીને બહાર આવી ગયો હોત તો તે પોલીસને માટે જ નહીં તેના માટે પણ મોટી મુસીબત બની ગયો હોત. રસીલીને તેના મોતનું દુ:ખ થઇ રહ્યું હતું. તે જે પુરુષ સાથે સંકળાતી હતી તેની સાથેનો સાથ છૂટી જતો હતો. તેની સાથેના સંબંધનો જલદી ધ એન્ડ આવી જતો હતો. તે યાદ કરી રહી. સૌથી પહેલાં તેણે જેની સાથે લગ્ન કર્યા હતા અને છૂટાછેડા લીધા હતા એ શેઠ રાજવીરના જીવનનો હવે અંત આવી ગયો હતો. એ વાતને તેણે જાણે પોતાનાથી પણ છુપાવવાની કોશિશ કરી હતી. પતિને તેના શરીરમાં રસ ન હતો. પણ મજબૂરીમાં શરીરને વેચવાની નોબત આવી હતી. એ પછી પહેલી ફિલ્મ 'લાઇમ લાઇટ' ના ડાયરેક્ટર પ્રકાશચંદ્ર જીવનમાં આવ્યા હતા. તેમને પોતાના શરીરમાં રસ હતો. અને તેનાથી તે કંટાળી હતી. તે કંઇ વિચારે એ પહેલાં જ તેની પત્ની કામિનીએ તેમનું કાસળ કાઢી નાખ્યું હતું. ત્રીજો પુરુષ સાકીર ખાન હતો. પોતે એનો આર્થિક લાભ લીધો હતો. એની સામે સાકીરે શરીરનો વધુ પડતો લાભ લેવાનું શરૂ કર્યું હતું. પોતે સાકીરથી માત્ર છૂટકારો ચાહતી હતી. તેની શરીર ભૂખથી તે કંટાળી હતી. તેના શરીરની નાગચૂડમાં તે ફસાઇ જતી હતી. તેનાથી દૂર થવા માગતી હતી. ત્યારે કલ્પના ન હતી કે સાકીરથી આ રીતે જીવનભરનો છૂટકારો મળી જશે. પોતાના માટે તો આ ઘટનાના દૂરગામી પરિણામો સારા જ રહેવાના હતા. તેની એક મિલકત પોતાના નામ પર હતી. ફિલ્મોમાં કામ કરવા આવેલી એક સ્ત્રી કેટકેટલા ચક્રવ્યુહમાંથી પસાર થતી હશે એનો તેને પડદા પર જોનારાને તો અંદાજ જ આવતો નહીં હોય. દર્શક તો થિયેટરમાં ત્રણ કલાક મનોરંજન મેળવીને કે પોતાની ઇચ્છાઓને પૂરી કરીને પોતાના જીવનમાં પરોવાઇ જતો હોય છે. તેને તો મનોરંજન સાથે જ નાતો હોય છે. ફિલ્મમાં કામ કરતા કલાકારો કેવા સંજોગોમાં કેવી રીતે કામ કરીને જીવન વીતાવતા હશે એની સાથે બહુ લેવાદેવા ના હોય એ પણ એટલું જ સ્વાભાવિક છે. કલાકારોના જીવનની સુખ:દુખની વાતો કરતાં દર્શકોને તેમના જીવનની ચટપટી ખબરોમાં વધારે રસ હોય છે. રસીલીએ પોતાની વિચારધારાને અટકાવી. હવે મારે લાઇમ લાઇટમાં રહેવા અજ્ઞયકુમાર સાથેની ફિલ્મ પર જ વધારે ધ્યાન આપવું પડશે.

*

રસીલીની અજ્ઞયકુમાર સાથેની ફિલ્મ 'પતિ, પત્ની ઔર મોબાઇલ' રજૂ થતાની સાથે જ લોકોની પસંદ પર ખરી ઉતરી હતી. ફિલ્મમાં મોબાઇલને પતિ-પત્ની માટે 'વો' સાબિત કરવામાં આવ્યો હતો. તેમાં રસીલી અને અજ્ઞયકુમારનો પતિ-પત્ની તરીકેનો અભિનય લાજવાબ હતો. બંને અસલ જીવનમાં પતિ-પત્ની હોય એટલા સહજ પડદ પર લાગી રહ્યા હતા. ફિલ્મની સ્ક્રિપ્ટ એટલી ક્રિસ્પી હતી કે દર્શકોને સારું મનોરંજન મળી રહ્યું હતું. ફિલ્મએ પહેલા વીકએન્ડમાં જ રૂ.૧૦૦ કરોડની કમાણી કરી લીધી હતી. અજ્ઞયકુમારની ફિલ્મ સાથે રજૂ થનારી 'પતિ, પત્ની ઔર સોશિયલ મિડિયા'ની રજૂઆતને છેલ્લી ઘડીએ રોકવામાં આવી હતી. કોઇને ખબર ન હતી કે અજ્ઞકુમારે નિર્દેશક અખિલ વર્મા સાથે સોદો કરી લીધો હતો. અખિલને 'પતિ, પત્ની ઔર સોશિયલ મિડિયા'ની લાગતના રૂ.૨ કરોડ અજ્ઞયકુમારે આપી દીધા હતા. અખિલને એ પછી ફિલ્મ રજૂ કર્યા પછી જે કમાણી થાય તે નફો જ બનવાની હતી એટલે તે માની ગયો હતો. તેને ડર પણ હતો કે અજ્ઞયકુમાર સાથેની તેની ફિલ્મ રૂ.૧ કરોડ પણ કમાઇ ના શકે એમ બની શકે. કેમકે સોશિયલ મિડિયા પર અજ્ઞયકુમારની ફિલ્મની જ ચર્ચા હતી. તેમની ફિલ્મની નહીં. અને અજ્ઞયકુમારની ગણતરી પ્રમાણે જ બોક્સ ઓફિસ પર 'પતિ, પત્ની ઔર મોબાઇલ' તગડી કમાણી કરીને નવા રેકોર્ડ સર્જી રહી હતી. એ દિવસ પણ આવી ગયો જ્યારે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ રૂ.૩૦૦ કરોડની કમાણી પૂરી કરવામાં સફળ રહી. અજ્ઞકુમાર માટે ખુશીનું ઠેકાણું ન હતું. તેની આ પહેલી એવી ફિલ્મ હતી જેણે આટલો બધો ધંધો કર્યો હતો. ફિલ્મ માટે કરેલો પ્રચાર અને મહેનત લેખે લાગ્યા હતા. અજ્ઞયકુમારને ચારે તરફથી પ્રશંસા મળી રહી હતી. પરંતુ તેની પત્ની રીંકલ તરફથી કોઇ પ્રતિભાવ ન હતો. તેને ખબર જ હતી કે રીંકલ તેનાથી નારાજ છે.

રીંકલ મોનિશ સાથેના ખરાબ અનુભવ પછી પોતાના ઘરે પૂરાઇ ગઇ હતી. તેણે મા નતાશાને પણ આ વાતની જાણ કરી હતી અને તેની યોજના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પોતે શા માટે માની વાતમાં આવીને આવું નાટક કર્યું એ તેને સમજાતું ન હતું. સારું થયું કે મોનિશના ઇરાદાનો જાહેર મુલાકાત દરમ્યાન જ ખ્યાલ આવી ગયો. જો એકાંતમાં કોઇ જગ્યાએ મોનિશ સાથે મુલાકાત કરી હોત તો તેણે કેવું વર્તન કર્યું હોત તેની કલ્પના કરી શકતી ન હતી. રીંકલ થોડા દિવસ માટે જાહેર જીવનથી દૂર રહેવા માગતી હતી. રીંકલને અજ્ઞયકુમારની સફળતાના સમાચાર વાંચીને એકતરફ ખુશી થતી હતી તો બીજી તરફ રોષ આવતો હતો. તેનું પોતાને છોડી દેવાનું અને રસીલી સાથેના અફેરનું પગલું યોગ્ય ન હતું. તેને રાત્રે સરખી ઊંઘ પણ આવતી ન હતી. તે વિચારમાં હતી ત્યારે દરવાજાની બેલ વાગી. આટલી વહેલી સવારે કોણ હશે? એમ વિચારતી તે હોલમાં આવી અને હોલના કાચના દરવાજે પાસે પહોંચી ત્યારે કાચમાંથી આવનાર માણસનો ચહેરો જોઇ તે ગુસ્સા સાથે બોલી:"તું...."

*

'પતિ, પત્ની ઔર મોબાઇલ' ની કલ્પનાતીત સફળતાને કારણે રસીલી હવામાં ઊડી રહી હતી. તેની પહેલી ફિલ્મ 'લાઇમ લાઇટ' માટે રૂ.૧૦ કરોડની કમાણી સ્વપ્નવત હતી. જ્યારે 'પતિ, પત્ની ઔર મોબાઇલ' રૂ.૩૦૦ કરોડની ક્લબમાં આવી ચૂકી હતી. તેનું સ્ટારડમ વધી ગયું હતું. કેટલાય નિર્માતા તેનો સંપર્ક કરી રહ્યા હતા. રસીલીએ આ સ્થિતિનો લાભ લેવામાં કોઇ ભૂલ ના કરી. તેણે ત્રણ જેટલી ફિલ્મો સાઇન કરી લીધી. રસીલીને થયું કે હવે તેની કારકિર્દી સલામત છે. તે લાંબા સમય સુધી ફિલ્મોમાં કામ કરતી રહેશે અને સતત 'લાઇમ લાઇટ' માં રહેશે. તેને હવે જીવનમાં ઠરીઠામ થવાનો વિચાર આવવા લાગ્યો. તેને થયું કે હવે સારું પાત્ર શોધી લગ્ન કરી લેવા જોઇએ. લગ્ન જીવનનો સાચો આનંદ તે હજુ સુધી માણી શકી નથી. 'પતિ, પત્ની ઔર મોબાઇલ' માં કામ કર્યા પછી એક પત્નીની ભૂમિકા અસલ જીવનમાં નિભાવવા તેનું મન દબાણ કરવા લાગ્યું હતું. અને તેની આંખ સામે બે વ્યક્તિઓની છબિ પતિના રૂપમાં તરવરી રહી હતી. એક હતો અજ્ઞયકુમાર અને બીજો મોન્ટુ. બંને સાથે તે ફિલ્મો કરી ચૂકી હતી. તે બંને વિશે વિચારવા લાગી. બંને સાથે તેનું ટ્યુનિંગ સારું રહ્યું હતું. અને બંને તેના તરફ ઢળી રહ્યા હતા. બંને સાથે તેણે પ્રેમની વાતો કરી હતી. ઇન્ટીમેટ દ્રશ્યો ભજવ્યા હતા.

લાંબા વિચારના અંતે રસીલીને થયું કે પહેલાં અજ્ઞયકુમાર સાથે વાત કરવી જોઇએ. તે પતિ તરીકે વધુ યોગ્ય લાગી રહ્યો છે. બધા જ કહેતા હતા કે ઓનસ્ક્રીન જ નહીં ઓફસ્ક્રીન પણ કેમેસ્ટ્રી બહુ જામે છે. તેણે રીંકલને છૂટાછેડા આપવાની વાત કરી જ દીધી છે અને પોતાની સાથે પતિ તરીકે વર્તી જ રહ્યો છે. જો તે પોતાની સાથે લગ્ન કરવા તૈયાર થાય તો મોન્ટુ વિશે વિચારવાની જરૂર નથી. તે પોતાના પ્રેમનો એકરાર કરી ચૂક્યો છે. પણ તે હજુ એટલો પરિપકવ લાગતો નથી. પહેલાં દિલ અજ્ઞયકુમાર પર કળશ ઢોળી રહ્યું છે. રસીલીને અજ્ઞયકુમાર સાથેના કેટલાક દ્રશ્યો યાદ આવવા લાગ્યા અને તેને રોમાંચ થયો. એક દ્રશ્યમાં અજ્ઞયકુમારે રસીલીને પોતાના મજબૂત હાથમાં ઊઠાવી લીધી હતી. રસીલી બાથરૂમમાં નહાવા ગઇ અને ત્યાં નાનો વંદો દેખાતાં ચીસ પાડી ઊઠે છે. અજ્ઞયકુમાર બાથરૂમમાં ધસી જાય છે અને અર્ધ વસ્ત્રોમાં રહેલી રસીલીને પોતાના હાથમાં ઊંચકી લે છે ત્યારે રસીલી ડરથી પોતાના અંગોને સંકોરીને અજ્ઞયકુમાર પરની ભીંસ વધારી દે છે. અજ્ઞયકુમારના શરીર સાથેનો એ સ્પર્શ રસીલીને આજે પણ ગલગલિયાં કરાવી રહ્યો હતો. આવા તો ઘણા દ્રશ્યોમાં તેણે અજ્ઞયકુમારને નજીકથી સ્પર્શ્યો હતો. તેના શ્વાસ સાથે શ્વાસ પણ અથડાયા હતા. અજ્ઞયકુમાર સાથેના એ રોમેન્ટિક દ્રશ્યો તેના મનોજગત પર કબ્જો જમાવી રહ્યા હતા. રસીલીનું દિલ અને શરીર અજ્ઞયકુમારને પતિ તરીકેના બધા હક્ક આપવા મચલી રહ્યું હતું. રસીલીએ અજ્ઞયકુમાર સાથે લગ્નની વાત કરવા તેનો મોબાઇલ નંબર ડાયલ કર્યો. અજ્ઞયકુમારે તેનો ફોન કાપ્યો. રસીલીને થયું કે તે વ્યસ્ત હશે. તેણે થોડા કલાક પછી ફરી ફોન કર્યો ત્યારે તેણે ઉપાડ્યો નહીં. રસીલીએ અગત્યની વાત કરવી છે એવો સંદેશ મોકલાવ્યો ત્યારે અજ્ઞયકુમારનો જે જવાબ આવ્યો તે જોઇ રસીલીને નવાઇ લાગી.

વધુ આવતા સપ્તાહે....

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ-બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***