Pal Pal Dil Ke Paas - Akshay Kumar - 2 in Gujarati Biography by Prafull Kanabar books and stories PDF | પલ પલ દિલ કે પાસ - અક્ષય કુમાર - 2

Featured Books
Categories
Share

પલ પલ દિલ કે પાસ - અક્ષય કુમાર - 2

અક્ષય કુમાર

સળંગ સોળ ફિલ્મો ફ્લોપ થયા બાદ પણ ખિલાડી અક્ષયકુમાર નાસિપાસ નહોતો થયો. તે કહે છે “બુરે વક્તમેં મુઝે મેરી માર્શલ આર્ટ કી ટ્રેનીંગ હી કામ આઈ થી. માર્શલ આર્ટકા પહેલા સબક હૈ ચાહે કિતની હી બાર ગીરો લેકિન ઉઠના જરૂર હૈ”.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલાં પણ આ અભિનેતાનો સંઘર્ષ ઉડીને આંખે વળગે તેવો છે. સત્તાવીસ વર્ષ પહેલાં જે વિશાળ બંગલાની દીવાલ પર ચડીને અક્ષય કુમારે મોડેલીંગ માટે ફોટો શૂટ કર્યું હતું અને ચોકીદારે તેને રોક્યો હતો તે જ બંગલાનો આજે અક્ષયકુમાર માલિક છે અને તેમાં જ રહે છે. અક્ષયકુમાર કહે છે “ઈશ્વર સે બડા સ્ક્રીપ્ટ રાઈટર કોઈ નહિ હૈ”.

અક્ષયકુમાર નો જન્મ તા. ૯/૯/૧૯૬૭ ના રોજ દિલ્હીમાં થયો હતો. તેનું સાચું નામ છે રાજીવ ભાટીયા. પિતા હરીઓમ ભાટીયા અને માતા અરુણા ભાટીયા. અક્ષયકુમારનું બાળપણ દિલ્હીના ચાંદની ચોકની શેરીઓમાં વીત્યું હતું. પિતા પહેલાં આર્મીમાં હતા અને ત્યાર બાદ યુનીસેફમાં હતા. મુંબઈની ડોન બોસ્કો સ્કુલમાં શાળાનું શિક્ષણ લેનાર રાજીવને ભણવા કરતા વધારે ખેલકૂદ અને માર્શલ આર્ટમાં રસ હતો. ગુરુનાનક ખાલસા કોલેજમાં માંડ એકાદ વર્ષ ભણીને તે માર્શલ આર્ટની ટ્રેનીંગ માટે બેંગકોક ગયો હતો. માર્શલ આર્ટમાં બ્લેક્બેલ્ટ મેળવનાર અક્ષયકુમારે પોતાનો ખર્ચ કાઢવા માટે એક મોટી હોટેલમાં કૂક તરીકે નોકરી કરી હતી. બેંગકોકથી પરત આવ્યા બાદ થોડો સમય કોલકત્તામાં તેણે ટ્રાવેલ એજન્ટને ત્યાં સ્પોટબોય તરીકે નોકરી પણ કરી હતી. ત્યારબાદ કુંદન જવેલર્સના દાગીના દિલ્હીથી લાવીને મુંબઈમાં વેચવાનું કામ પણ અક્ષયકુમારે કર્યું હતું. તે દિવસોમાં જ સાંજે તે પાર્ટટાઈમ માર્શલ આર્ટના ક્લાસ પણ ચલાવતો હતો. એક દિવસ તેના એક સ્ટુડન્ટના પિતાએ અક્ષયકુમારને મોડેલીંગ માટે એક એજન્સીનું એડ્રેસ આપ્યું. અક્ષયકુમાર ત્યાં પહોંચી ગયો. ફર્નિચરના શો રૂમની એડ માટે અક્ષયે મોડેલીંગ કર્યું. જયારે અક્ષયકુમારને વળતર પેટે એકવીસ હજાર મળ્યા ત્યારે તે વિચારમાં પડી ગયો. પૂરે મહીનેમે ઇતની સારી મેહનત કરનેકે બાદ ભી મુઝે સિર્ફ પાંચ હજાર મિલતે હૈ ઔર યહાં એ. સી. મેં બૈઠે બૈઠે સિર્ફ દો દિન કે ફોટો શૂટ મેં ઈક્કીસ હજાર મિલ ગયે. ત્યાર બાદ અક્ષય કુમારે તેનું ફોટો આલ્બમ લઈને મોડેલીંગ માટે પ્રયાસો ચાલુ કરી દીધા. જોકે અક્ષયનું નસીબ બે ડગલા આગળ હતું. બેંગ્લોરની એક કંપનીએ તેને મોટો કોન્ટ્રેક્ટ સાઈન કરવા માટે ત્યાં બોલાવ્યો. સાથે એરટીકીટ પણ મોકલી. સવારે છ ની ફ્લાઈટ હતી. અક્ષય સાંજની છ વાગ્યાની સમજ્યો હતો પરિણામે તે ફ્લાઈટ ચુકી ગયો. તેને ખુબ પસ્તાવો થયો ત્યારે તેના પિતાએ તેને દિલાસો આપતા કહ્યું હતું “બેટે જો ભી હોતા હૈ અચ્છે કે લિયે હોતા હૈ”. જોગાનુજોગ તે જ દિવસે સાંજે છ વાગે પિતાની વાત સાચી પડી હતી. અક્ષયની મુલાકાત પ્રમોદ ચક્રવર્તી સાથે થઇ હતી. તેમણે “દિદાર” માં નાનકડો રોલ આપીને અક્ષયને સાઈનીગ રકમનો પાંચ હજારનો ચેક પણ આપ્યો હતો. તે અગાઉ તેણે મહેશ ભટ્ટની “આજ” માં નાનો રોલ કર્યો હતો જેમાં કુમાર ગૌરવનું નામ અક્ષય હતું. રાજીવભાટિયાને અક્ષય નામ ગમી ગયું હતું તેથી તેણે પણ અક્ષયકુમાર નામ રાખી લીધું. ૧૯૯૧માં રીલીઝ થયેલી “સૌગંધ” થી અક્ષયકુમાર જાણીતો થઇ ગયો હતો પણ અબ્બાસ મસ્તાનની “ખિલાડી” વધારે સફળ રહી. ત્યાર બાદ અક્ષયકુમારની લગભગ સોળ ફિલ્મો નિષ્ફળ રહી. જોકે “મૈ ખિલાડી તું અનાડી”અને “મોહરા” એ બોક્ષ ઓફીસ પર સારો દેખાવ કર્યો હતો. ત્યાર બાદ “દિલ તો પાગલ હૈ” માં અક્ષયકુમાર નાના પણ મહત્વના રોલમાં દેખાયો હતો. નિષ્ફળ ફિલ્મોની હારમાળા દરમ્યાન જ આમીરખાન અને ટ્વિન્કલ ખન્ના સાથે તે “મેલા” નું શુટિંગ કરી રહ્યો હતો તે દિવસો યાદ કરીને અક્ષય કહે છે “મૈને ટ્વિન્કલકો બોલા થા કી અગર “મેલા’ ફ્લોપ હોગી તો હમ શાદી કર લેંગે ક્યુકી મુઝે નહિ લગતા કી મેરે પાસ શાદી કે અલાવા ઔર કોઈ કામ બચેગા. “મેલા” સુપર ફ્લોપ હુઈ ઔર હમને શાદી કર લી. ”

”ધડકન” બાદ અક્ષયકુમારની ઈમેજ એક્શન હીરોની સાથે રોમેન્ટિક અને ઈમોશનલ હીરો તરીકે પણ ઉભી થઈ ગઈ. ત્યારબાદ પ્રિયદર્શનની “હેરાફેરી” આવી. પરેશરાવલ અને સુનીલ શેટ્ટી સાથે અક્ષય કુમારે પણ આ ફિલ્મમાં કોમેડી રોલ કર્યો હતો. ત્યાર બાદ તો ફિર હેર ફેરી, વેલ કમ, હાઉસ ફૂલ, દીવાને હુએ પાગલ, ગરમ મસાલા, આવારા પાગલ દીવાના, ભાગમભાગ, ભૂલભુલૈયા જેવી અનેક કોમેડી ફિલ્મોમાં અક્ષય કુમારે ધૂમ કોમેડી કરીને દર્શકોને હસાવ્યા. દર્શકોએ વલ્ગેરીટી વગરની અક્ષયકુમારની કોમેડી ફિલ્મોને ખૂબ પસંદ કરી. ત્યારબાદ સ્પેસીઅલ છબ્બીશ, બેબી, ગબ્બર ઇઝ બેક, હોલીડે, એરલીફ્ટ, રૂસ્તમ, ટોઇલેટ એક પ્રેમ કથા તથા ગોલ્ડ જેવી ફિલ્મોમાં અક્ષયના વિવિધ પ્રકારના રોલને દર્શકોએ દિલથી આવકાર આપ્યો.

રજત શર્માના એક સવાલના જવાબ માં અક્ષયકુમાર કહે છે” મેરે સંઘર્ષ કે સમય મેં જબ રાજેશ ખન્ના સાબ કે પાસ કામ માંગને ગયા થા તબ વે “જય શિવ શંકર” ફિલ્મ બના રહે થે. ફિલ્મમેં ચંકી પાંડે કો રોલ દિયા ગયા થા. ખન્નાસાબને મુઝે આશ્વસ્ત કરતે હુએ કહા થા કી અગર મૈ કોઈ દુસરી ફિલ્મ બનાઉંગા તો તુમ્હે જરૂર યાદ કરુંગા ઉસ ટાઈમ મૈને સપને ભી નહિ સોચા થા કી ગ્યારહ સાલ કે બાદ ઇનકી હી લડકી સે મેરી શાદી હોગી. ભગવાનકી કૃપાસે આજ મેરી ખુદ કી ફિલ્મ પ્રોડક્શન કંપની હૈ”.

વર્ષમાં ચાર ફિલ્મો કરતાં બોલીવુડના આ અતિ વ્યસ્ત અભિનેતાનો પુત્ર આરવ અને પુત્રી મીશા અત્યારે અભ્યાસમાં વ્યસ્ત છે.

***