Pavanputra hanumanni ashtsiddhio ane maanav-rangsutroni vaividhyata in Gujarati Spiritual Stories by Parakh Bhatt books and stories PDF | પવનપુત્ર હનુમાનની અષ્ટસિધ્ધિઓ અને માનવ-રંગસૂત્રોની વૈવિધ્યતા!

Featured Books
Categories
Share

પવનપુત્ર હનુમાનની અષ્ટસિધ્ધિઓ અને માનવ-રંગસૂત્રોની વૈવિધ્યતા!

પવનપુત્ર હનુમાનની અષ્ટસિધ્ધિઓ અને માનવ-રંગસૂત્રોની વૈવિધ્યતા!

આજથી હજારો વર્ષ પહેલા કોઈ પણ જાતનાં આધુનિક ઉપકરણ કે લેબોરેટરી વગર તૈયાર થતાં રસાયણોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં થયેલો છે. અસાધ્ય ગણાતાં રોગોનાં ઉપચાર બાબતે વેદિક સંસ્કૃતિ ઘણી આગળ હતી. રામાયણનાં યુધ્ધ સમયે જ્યારે મેઘનાદ દ્વારા લક્ષ્મણ પર છોડવામાં આવેલા બાણને પ્રતાપે તેઓ મૂર્છાને વશ થઈ ગયા હતાં, તે વખતે પવનપુત્ર હનુમાને હિમાલય પરની સંજીવની જડીબુટ્ટી થકી તેમનાં પ્રાણની રક્ષા કરી હતી. આજે જ્યારે આ તમામ કથાઓ પર પુનર્દ્રષ્ટિ પડે છે ત્યારે સમજાય છે કે આ કોઈ ચમત્કાર નહી, પરંતુ શત-પ્રતિશત વિજ્ઞાનનો ખેલ હતો.

ભૂતકાળમાં એવું મનાતું હતું કે રંગસૂત્ર ફક્ત બે તંતુનાં બનેલ છે; જ્યારે થોડા વર્ષો પહેલા થયેલ અમુક જૈવિક પ્રયોગો મુજબ, તેમાં વધારાનાં દસ તંતુઓ હોવાની સાબિતી મળી આવી છે. આ એવા દસ તંતુઓ છે, જે સતત પરિવર્તનશીલ છે, બદલાયા રાખે છે. જ્યારે આ શોધ થઈ ત્યારે વૈજ્ઞાનિકોને ખાસ કશી ગતાગમ ન પડી હોવાને લીધે નવા શોધાયેલા તંતુઓને ‘જંક (કામ વગરનાં/ફાલતુ) ડીએનએ’ નામ અપાયું. તાજેતરમાં રશિયન વૈજ્ઞાનિકોએ ખોળી કાઢ્યું કે જંક ડીએનએ તે ખરેખર માણસની જૈવરાસાયણિક પ્રક્રિયાઓમાં અત્યંત ઉપયોગી પુરવાર થઈ શકે તેમ છે. તેમનાં પર અલગ-અલગ આવર્તન (ફ્રિકવન્સી) તેમજ તીવ્ર પકાશ પાડવામાં આવે તો તેઓ માનવશરીરમાં અસામાન્ય ફેરફારો કરી શકવા સક્ષમ છે. તેમનામાં અસાધ્ય રોગો પર વિજય મેળવવાની ક્ષમતા છે. ટેલિપથી, ભવિષ્યનો પૂર્વાભાસ, રૂપ બદલી શકવા જેવાં અદભુત કાર્યો ડીએનએ વડે શક્ય છે. હવે માણસગત સ્વભાવ અનુસરતાં, એવો પ્રશ્ન થવો સાવ સ્વાભાવિક છે કે અમુક ચોક્ક્સ પ્રકારની ફ્રિકવન્સી અને લાઈટનો સંયોગ કઈ રીતે ઉભો કરી શકાય જેથી માણસજાત સુપર-હ્યુમન કેટેગરીમાં પ્રવેશ મેળવી શકે!

આનો જવાબ ખૂબ સરળ છે. યાદ છે પ્રાચીનકાળમાં થતાં મંત્રોચ્ચારિત યજ્ઞો, જેમાં પાંચ-છ ઋષિ-મુનિઓ એક વર્તુળમાં બેસી હોમ-હવન અને જાપ કરતા? (હાલમાં પણ થાય જ છે પરંતુ અમુક ક્ષતિઓને કારણે તેમની અસરકારકતા અને સત્વ નાશ પામ્યા છે) આવર્તનોની વૈવિધ્યતા ધરાવતાં મંત્રો અને પ્રચંડ પ્રકાશ ધરાવતી યજ્ઞકુંડની જ્વાળા તેમનાં આખા શરીરને સમય-સમયાંતરે રોગમુક્ત બનાવી દેતી હતી. યજ્ઞનું યથાર્થ વિજ્ઞાન તેઓ જાણે પચાવી ચૂક્યા હતાં. યજ્ઞકુંડની અગ્નિમાં કેટલા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ ઉમેરવો જેથી તે નિર્ધારિત પ્રકાશ-ઉર્જા વાતાવરણને આપી શકે તેનું જ્ઞાન આપણા પૂર્વજો પાસે હતું. સમસ્યા એ છે કે બસ્સો વર્ષ સુધી રાજ કરી ગયેલ અંગ્રેજોનાં પ્રતાપે આજે આપણને આપણી મૂળ સંસ્કૃતિનાં તથ્યો પણ ચમત્કાર કે જાદુ લાગી રહ્યા છે. પુરાતન યુગમાં એવા મંત્રોનું નિર્માણ થયું હતું જેમને અમુક તીવ્રતા સાથે ઉચ્ચારાતાં શરીરનાં કોઈ નિશ્ચિત ભાગ પર પોતાની અસર દેખાડે. સ્પષ્ટ વાણી, સંસ્કૃત ભાષાનું ઉચ્ચતર જ્ઞાન તેમજ મનની શુધ્ધતાનાં પરિણામે રૂષિઓ પોતાનાં મંત્રોચ્ચાર થકી પાવરફુલ ઓરા ઉભો કરી શકતાં, જે તેમને નિશ્ચિત ફળ મેળવવામાં મદદરૂપ થતો. આજે ગાયત્રીમંત્ર, મહામૃત્યુંજય મંત્ર, ગરૂડ મંત્રની પોતપોતાની ખાસિયતો છે કારણકે આ દરેકનાં ઉચ્ચારણમાં અલગ-અલગ આરોહ-અવરોહ અને આવર્તનો જોવા મળે છે. જેનાં લીધે શરીરનાં વિવિધ ભાગો પર તેમજ રંગસૂત્રોમાં જુદી-જુદી પ્રતિક્રિયાઓ જોવા મળે છે. આ ટેકનિક વડે તેઓ મહારોગમાંથી સરળતાપૂર્વક છુટકારો મેળવી શકતા તેમજ અન્ય જીવનું પણ રૂપ ધારણ કરી શકતાં!

રામાયણમાં સીતાહરણ પ્રસંગ સમયે સોનેરી મૃગનો ભેખ ધરીને પ્રગટ થતો મારિચ રાક્ષસ આનું જ એક ઉદાહરણ કહી શકાય. તદુપરાંત, હનુમાનની અષ્ટસિધ્ધિનું વર્ણન પણ અહીં આવશ્યક બની જાય છે : (૧) અનિમા (૨) લઘિમા (૩) મહિમા (૪) ગરિમા (૫) પ્રાપ્તિ (૬) પ્રકમ્ય (૭) ઇસિત્વ (૮) વસિત્વ. એવું માનવામાં આવે છે કે આ તમામ સિધ્ધિઓ વડે પવનપુત્ર હનુમાન સંજીવની પહાડ જેવડાં વિશાળકાય તેમજ પંખીના પીંછા જેટલા હળવા બની શકતાં! આજનાં ડીએનએ લોજીક સાથે ઉપરોક્ત વાત ઘણા-ખરા અંશે મેળ ખાય છે. વૈજ્ઞાનિકો પણ હવે આ દિશામાં વિચારતાં થઈ ગયા છે. અત્યાર સુધી જે શાસ્ત્રો ફક્ત પંડિતપોથીમાં સીમિત બનીને રહી ગયા હતાં તેમનો અભ્યાસ કરવા પર વિજ્ઞાન મજબૂર થઈ ગયું છે.

તાજેતરમાં, રશિયન સંશોધકોએ ડીએનએ પર કાબુ હાંસિલ કરવા માટે, કાચિંડાનાં જીનેટિક્સનો ઉપયોગ કરીને ફક્ત પ્રકાશ (લેસર-ટીટમેન્ટ)ની તીવ્રતા વધારી-ઘટાડી દેડકાંના ગર્ભને કાચિંડામાં પરિવર્તિત કર્યો છે. દેડકા પર કોઈ જાતની ચીરફાડ, કાપકૂપ કે દવાદારૂ વગર માત્ર અસરકર્તા રંગસૂત્રને ટાર્ગેટ બનાવવાનો આ અદભુત પ્રયોગ આશ્ચર્યજનક રીતે સફળ છે. હાલતુરત એક વાત તો નક્કી છે કે આવનારું ભવિષ્ય હિંદુ સંસ્કૃતિનાં પુનરુત્થાનમાં અત્યાધિક ફાળો ભજવશે. તો મળીએ આવતાં અઠવાડિયે… ફરી એક નવા પૌરાણિક રહસ્ય સાથે!

bhattparakh@yahoo.com