? આરતીસોની ?
પ્રકરણ : 14
મંજરી માટે પ્રિન્સિપાલ સાહેબે શહેરમાં ભણતા વિવેક ઉપર પસંદગી ઉતારી હતી. અમ્મા આટલાં સરસ સગપણની વાતથી રાજીના રેડ થઈ ગયાં હતાં. હવે આગળ.. સઘડી સંધર્ષની......
❣️કૂબો સ્નેહનો❣️
આ બાજુ વિરાજને શહેરના કોંક્રિટનો ભૂતાવળ માફક આવી ગયો હતો. આઈ. ટી. એન્જિનિયરીંગમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ પાસ કરી માસ્ટર ડીગ્રી પણ મેળવી લીધી હતી. તરત જ વિરાજે એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ એપ્લાય કરી હતી. પરંતુ ત્યાંથી કોઈજ જવાબ નહોતો આવી રહ્યો. એટલે એ ચિંતિત થઈ ગયો હતો અને દિક્ષાને કહ્યું, “એકવાર સારા પગાર સાથે કોઈ મોટી કંપનીમાં જૉબ મળી જાય તો.."
દિક્ષાએ વિરાજનો આત્મવિશ્વાસ વધારતાં કહ્યું,
“વિરાજ ચિંતા ન કર. તું સ્કોલરર છે અને વળી આટલા સારા પરસેન્ટેઝ વાળી તારી માર્કશીટ છે અને ઇન્ટરવ્યુમાં તારો કોન્ફિડન્સ જોતાં કોઈ કંપની તને જૉબ પર ન રાખે એવું તો બને જ નહીં.."
"યુ અંડરસ્ટન્ડ મી.. એકવાર સારી જૉબ મળી જાય તો અમ્માએ લીધેલી રકમ ફટોફટ ભરપાઈ થઈ જાય.”
"વહેલો મોડો એ કંપનીમાંથી પોઝિટિવ રિપ્લાય આવશે જ. બી કામ એન્ડ કૂલ. પેશન્સ રાખ અને ઈમેલ ચેક કરતો રહે.”
અને ખરેખર એવું જ થયું. વિરાજનું સિલેક્શન થઈ ગયું હતું, પગાર વત્તા અમુક ટકા ઈન્સેન્ટિવ આપવાનું ઇમેઇલ દ્વારા જણાવવામાં આવ્યું. આજે એ અતિશય ખુશ હતો.. વિરાજ અમ્મા સાથે વાત કરવા ઘણી વખત સ્કૂલમાં ફોન કરતો.. એણે આજે પણ અમ્માને ખુશીના સમાચાર આપવા સ્કૂલમાં ફોન કર્યો.
કોઈ વિદ્યાર્થીએ આવીને જણાવ્યું, "અમ્મા, ઑફિસમાં તમારા માટે ફોન છે."
'ચોક્કસ વિરુનો જ હશે!! બહુ દા'ડાથી એની હારે વાત નથી થઈ.' એમ મનોમન બબડી દોડ્યાં.
"અમ્મા.."
ધ્રુજતા હોઠ પર વીતેલા વર્ષો ઉડતાં રહ્યાં. અમ્માના હોઠ પરનો ફફડાટ શમ્યો પછી મોંઢેથી શબ્દ પ્રગટ્યો, "વિરુ?!"
"અમ્મા કેમ છો? ખુશીના સમાચાર આપવા ફોન કર્યો. શું ખુશી હશે કહો જોઈએ?"
"કહે..!! ઝટ્ટ કહે.."
"અમ્મા મને બહું જ મોટી એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી મળી ગઈ છે. મારો પગાર પણ પચાસ હજાર શરૂઆતથી છે, ને અલાયદી એક ચેમ્બર પણ આપવામાં આવી છે."
આ બધું સાંભળી અમ્માની ઉત્સાહની ટાંકી એકાએક ઉભરાઈને ખુશ ખુશ થઈ ગયાં હતાં.
“કાન્હો તને ‘દો ગુણી થી ચો ગુણી સફળતાઓ’ આપે. જુગ જુગ જીવે મારો લાલ. વિરુ તારું પણ ધ્યાન રાખતો રે'જે અને એ કહે કે તું કેમ છે ? તને રેહવા, ખાવા-પીવાની કોઈ તકલીફ નથી ને?”
“અમ્મા તું જરાયે ચિંતા ના કર. અહીં કેન્ટીનમાં જમવાનું સારું હોય છે અને તારી સુખડી ને બેશનના લાડું રોજેરોજ ખાવાની મજ્જા જ કઈ ઔર છે.”
અમ્માના હૈયાના ચારે કાંઠા છલકાઈ ઉઠ્યાં હતાં.
"અને હા વિરુ... મારી વાત હાંભળ.. મેલ એ બધુંયે.. મારેય તને એક મીઠા મધમધતા હમાચાર આપવાના છે.. તુંયે હાંભળીને હરખાઈ ઉઠે !!"
"એ શું અમ્મા?"
“આવતે મહિને હોળી પછી અમદાવાદના એક પ્રોફેસરના છોકરા સાથે મંજીને જોવાનું ગોઠવ્યું છે. પરિવાર સહિત છોકરાવાળા જોવા આવવાના છે. તને રજા મળી શકે એક અઠવાડિયા માટે અને આવી શકાય તો સારું!! સૌની સાથે ઓળખાણ થાય અને મંજીને પણ એકલવાયું ન લાગે.”
''અમ્મા હવે હમણાં તો નવી કંપની અને નવી નોકરી છે. છતાંયે બાૅસ છુટ્ટી આપશે તો હું આવી જઈશ અને મંજી કેમ છે? એને મારી યાદ આપજે.”
“બઉં ખુશ થશે તારો ટેલિફોન હતો સાંભળીને. 'મારો વિરુ ભઈલો… વિરુ ભઈલો..' કરીને એની જીભ થાકતી નથી.”
“અમ્મા મારે તને બીજી પણ એક ખુશી જણાવવી છે. તારા માટે સુંદર વહુ શોધી લીધી છે. મળતાવડી અને તારી સેવા ચાકરી કરે એવી છે.”
“અરે તો જલ્દી જલ્દી લઈ આવ એને, હું પણ તો જોવું.. મારા વિરુએ કેવી પસંદ કરી છે વહુ.”
ને ખુશીની મારી અમ્માની આંખો ફરીથી ટપકી પડી. એનાથી વિરાજ વગર રહેવું મુશ્કેલ હતું. દીકરાના ભવિષ્ય ખાતર કહી પણ શકતી નહોતી. દિલ પર પથ્થર રાખી બોલે રાખતી હતી.
આડી અવળી બીજી ઔપચારિક વાતો પછી ફોન મૂકાઈ ગયો. હોળી પછીના એક સારા દિવસે અમદાવાદથી દિપક અને એના પરિવાર સહિત મંજરીને જોવા આવવાનું ગોઠવાઈ ગયું હતું.©
ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 15 માં.. વિવેક અને મંજરી ને એકબીજાને પસંદ પર ઉતારશે? અને વિરાજ શહેરમાંથી આવશે કે નહીં?
-આરતીસોની ©