Kathiyavadno asli havaj bhima khunti in Gujarati Biography by Alpesh Karena books and stories PDF | કાઠિયાવાડનો અસલી હાવજ ભીમા ખૂંટી

Featured Books
Categories
Share

કાઠિયાવાડનો અસલી હાવજ ભીમા ખૂંટી

૨ વર્ષની ઉંમરે બન્ને પગ ગુમાવનાર કાઠિયાાડના હાવજ ભીમાને અત્યારે વિરાટ કોહલી પણ સલામી ઠોકે છે!

લેખક:- અલ્પેશ કારેણા.

હદય સોંસરવો થઈને નાકમાંથી જો એક ઓડકાર થમસબ કે પછી કોઈ માદક પીણાનો નીકળી જાય તોય આંખે પાણી નીતરી જાય. સહેજ અમથી ઠેસ પગની માત્ર એક આંગળીએ વાગે ને તો તરત મમ્મી અને નાની યાદ આવી જાય. બે મિનિટ કોઈએ આંખ આડે પટ્ટો બાંધ્યો હોય અને પછી ખોલે તો જાણે સાત સૂર્યનો પ્રકાશ મળ્યો હોય એટલો હાશકારો અનુભવાય. તો વિચારો કે જેને આખી આખી જિંદગી આવી દિવ્યાંગતા સાથે શ્વાસ લેવાનો હોય એની કેવી હાલત થતી હશે.

વધુ ડબડબ ન કરતા સીધો વાત કરું તો આજે ૩ ડિસેમ્બર એટલે કે વિશ્વ વિકલાંગ દિવસ. આમ તો કેલેન્ડર પ્રમાણે આ દિવસ આવ્યો એટલે લેખ લખવા માટે નિમિત્ત બન્યો. ગાંધીજીનાં પોરબંદર પાસે એક બેરણ નામનું નાનકડું ગામ. એવું ગામ કે જ્યાં પકોડા બનાવવાની બ્રેડ મળવાના પણ ફાંફા હોય. એ ગામમાં લખમણ ભાઈ ખૂંટી તેમના ૫ સંતાન સાથે રહે ૨ દીકરા અને ૩ દીકરીઓ. આર્થિક પરિસ્થિતિ નબળી હતી. ૧૯૮૨ની વાત છે. ત્યારે પોલિયોની રસી અત્યારની જેમ ગામડે ગામડે પહોંચાડવામાં સરકાર અસમર્થ હતી. બે દિકરામાંથી એકનું નામ ભીમાભાઈ ખૂંટી. ભગવાન પણ પરિક્ષા લે ત્યારે કોઈનું ન ચાલે. હજુ ચાલતા શીખ્યા હતા અને ૨ વર્ષની ઉંમરે જ ભીમાભાઈને પોલિયો થઈ ગયો. બંને પગ નકામા. આખું જીવન ચાલી શકાશે નહીં એ પાક્કી વાત હતી.

હવે શરૂ થઈ હતી ભીમાભાઈની અસલી લાઇફ. ભલે પગ ચાલતા નોહતા પણ નોર્મલ સાથે જ ગામની પ્રાથમિક શાળામાં એડમિશન લીધું. પેહલેથી જ ભણવા કરતા રમવાનો વધુ શોખ. જમીન પર ઘસડાતાં ઘસડાતાં રમવાનું ચાલુ કર્યું. એ પણ બધી જ રમત. પછી ભલે ક્રિકેટ હોય, ગિલ્લી દંડા, લખોટી, કે નારગોલ. હાથ પગ છોલાય જતું છતાં રમવું એટલે રમવું. દર ૨૦ દિવસે એક કપડાંની જોડ આ ભાઈ ફાડી નાખતા. ૭ ધોરણ સુધી ગામની પ્રાથમિક શાળામાં ભણી લીધું. હવે આગળના ભણતરનો મોટો પ્રશ્ન ઉઠ્યો. આર્થિક પરિસ્થિતિ સારી નહીં અને વાહનમાં પણ બેસી ન શકે તો ગામથી દૂર અવર જવર કેમ કરવી. ત્યારે કોઈ વ્હીલ ચેર નોહતી. તો ૭ ધોરણ પછી ભણવાનું સ્ટોપ થઈ ગયું.

એમ કરતાં કરતાં છેક ૨૦૦૧ આવી ગયું. મતલબ ૧૨ વર્ષના ભીમાભાઈ હવે ૧૯-૨૦ વર્ષ જેવા થઈ ગયા હતા. આ વચ્ચેના ૭ વર્ષ ભીમાભાઈએ આજુબાજુના ગામડામાં અને શહેરમાં ક્રિકેટ રમ્યું અને કૉમેન્ટ્રી કરી. પણ ભીમાભાઈ તેમના પપ્પા સાથે રેડિયોમાં મેચ સાંભળવાનું ક્યારેય ન ભૂલતા. એમાં પણ ખાસ વાત કે જ્યારે ભારત હારે અને એમાં કોઈ બોલર કે બેટ્સમેનની ચૂકના કારણે હાર મળી હોય તો ભીમાભાઈને એવું થયાં કરતું કે જો હું હોત તો કંઇક જલવો બતાવત.

રોજ આજુબાજુ ક્રિકેટ રમવા જવું અને કપડાં ફાડીને આવવું એનાથી ભીમાભાઈનાં પપ્પા તંગ આવી ગયા. હા, માતુ શ્રી કહેતા કે બીજા નોર્મલ છોકરા રમે તો મારા ભીમાને પણ ઈચ્છા તો થાય ને! છેવટે ભીમાભાઈનો ક્રિકેટથી પીછો છોડાવવા ગામમાં એક પાનનો ગલ્લો કરી દિધો અને કહ્યું કે અહીં બેસ અને બે પૈસા કમાઈને આપ જેથી આર્થિક ટેકો મળે. હવે ક્રિકેટ સાથે જેટલો લગાવ હતો એ તો એટલો જ રહ્યો પણ કામનાં લીધે રમવાનું ઓછું થઈ ગયું. છાસવારે જવાતું બાકી ગલ્લે બેસીને પૈસા કમાવાના.

વાતની વાતમાં ૨૦૧૪ આવી ગયું. ત્યારે ભીમાભાઈને જાણવા મળ્યું કે ભારતમાં વ્હીલ ચેર ક્રિકેટરો માટે સીધું સિલેકસન આવ્યું છે અને એ પણ આગ્રા જવાનું. સોશિયલ મિડીયા મારફતે માહિતી મળી અને મનમાં નક્કી કરી લીધું કે જવું જ છે. એક તો ભીમાભાઈનાં ત્યારે નવા નવા લગ્ન થયેલાં. ઘરે બોલાચાલી કરીને પોરબંદર શિફ્ટ થઈ ગયા. માત્ર ૩ મહિનાનો સમય વધ્યો હતો. પૂરજોશમાં મહેનત ચાલુ કરી અને રાત દિવસ પ્રેક્ટિસ કરી.

ભીમાભાઈ અને એનાં એક મિત્ર નક્કી કર્યું હતું એ પ્રમાણે આગ્રા જવા નીકળ્યા. પરિવાર અને કોઈ સંસ્થા પાસેથી પૈસાનું પીઠબળ મળ્યું અને પેહલી જ વખત ટ્રેનમાં બેસી આગ્રા પોહચી ગયા. આખા ભારતમાંથી આવેલા ક્રિકેટરોમાં પહેલા ૩૦ લોકોને સિલેક્ટ કર્યા. પછી સેકન્ડ રાઉન્ડમાં ૧૫ લોકો રાખ્યા. કાઠિયાવાડનાં ભીમાએ ડંકો તો વગાડ્યો જ પણ સીધો ભારતનો વાઇસ કેપ્ટન બની ગયો. જે ભીમાને બેરણથી પોરબંદર જવાના પણ ફાંફા હતા હવે એ વિદેશમાં ભારતનો જલવો બતાવવા માટે સક્ષમ હતો. ગુજરાતમાંથી એક માત્ર વ્હીલ ચેર ક્રિકેટર તરીકે નવી ખ્યાતિ મળી.

ત્યારબાદ શરૂ થઈ ઇન્ટર નેશનલ સફર. એક નહીં પણ ચાર ચાર દેશ સામે ભારતની ટીમ રમવા પોંહચી. પેહલા મલેશિયા, પછી નેપાળ, બાંગ્લાદેશ અને દુબઈ. બધી જ જગ્યાએ ભીમાભાઈએ કાઠિયાવાડનું અને ભારતનું નામ રોશન કર્યું. નેપાળ સામે તો ભીમાભાઈ મેન ઓફ ધ સિરીઝ પણ બન્યા. સાથે જ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો કે ભીમાભાઈએ ૫ રન આપીને ૫ વિકેટ લીધી. નેપાળના ખેડીઓને દિવસે તારા બતાવી દીધા હતા.

એ સિવાય ભીમાભાઈનાં નામે એક મોટો નેશનલ રેકોર્ડ છે કે આખા ભારતમાંથી ૩ લીગ મેચમાં ત્રણ ફિફ્ટી મારનાર એક માત્ર ભારતીય વ્હીલ ચેર ક્રિકેટર છે. જ્યારે ચંદીગઢમાં ૧૨ રાજ્યની ટુર્નામેન્ટ મેચ હતી ત્યારે ભીમાભાઈએ આ કારનામું કરી બતાવ્યું. હાલમાં ભીમાભાઈ ગુજરાત વ્હીલ ચેર ક્રિકેટ ટીમના કેપ્ટન છે. રાજ્ય લેવલના અઢળક ગોલ્ડ મેડલ અને ખેલમહાકુંભમાં પણ એવો જ દબદબો હજુ ભીમાભાઈએ જાળવી રાખ્યો છે.

આટલું હાંસલ કર્યા બાદ ભીમાભાઈએ મહેનત કરવાનું છોડ્યું નથી. હાલ પોરબંદરમાં રહીને તેઓ ઘણી પ્રવુતિ કરે છે. જેમ એક પોલીસ, નેવી, એરફોર્સ, વગેરે જેવી ભરતી મારે વિદ્યાર્થીઓને ફિઝિકલ ટ્રેનિંગ આપે છે. મહિલાઓ અને બાળકોના ક્રિકેટ કોચ છે. સામાજિક કાર્યો પણ ચાલુ છે. પોતાનું એક ટયુસન ક્લાસિસ પણ છે. પોતે દોડ્યા નથી પણ આખા પોરબંદરને દોડાવે છે. એમાં પણ ઉપલબ્ધિની વાત કરીએ તો પોતાના ટ્યુસન ક્લાસિસમાથી ૩ વર્ષમાં કુલ ૫૫ વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્ટ થયા છે.

વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને બીજા અન્ય ઘણા ક્રિકેટર ભીમાભાઈનાં આ સંઘર્ષને નવાજી ચૂક્યા છે. જ્યારે ભીમાભાઈનું સિલેકસન થયું ત્યારે આનંદી પટેલે ગાંધીનગર બોલાવી સ્પેશિયલ સન્માન પણ કર્યું હતું. એ સિવાય અરવિંદ કેજરીવાલ અને પ્રવણ મુખર્જીનાં હાથે પણ ભીમાભાઈ એવોર્ડ લઈ ચૂક્યા છે. ગુજરાતમાં તો નાના મોટા સન્માન સમારોહમાં તેઓ અવારનવાર હાજરી આપતા હોય છે.

મારા આ લેખમાં તો મે બને એટલી માહિતી શેર કરી જ છે. પણ તમને જણાવવાનું થાય કે ભીમાભાઈએ પોતાની એક યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે કે જ્યાં તેઓ મોટીવેશન પૂરું પાડે છે તેમજ પોતાના જીવન અને કવનથી રૂબરૂ કરાવે છે. તો અહીં લિંક આપુ ત્યાંથી તમે ભીમાભાઇ સાથે જોડાઈ શકો છો. એક નાનકડા લેખક તરીકે એવી પણ નમ્ર વિનંતિ છે કે દિવ્યંગોને સમજો. એ લોકોમાં ઠુસી ઠુસીને ટેલેન્ટ ભર્યું છે. તક અને હૂંફ આપો. બસ અહીંયા આટલું જ, બાકીનું નવું નવું આપની સાથે શેર કરતો રહીશ.

-અલ્પેશ કારેણા.