Jaane-ajaane - 38 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (38)

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

જાણે-અજાણે (38)

કૌશલ જાણતો હતો કે જો રેવાની દરેક વાતની જાણ હોય તો તે દાદીમાં જ છે. અને તેનાં દરેક પ્રશ્નોના જવાબ પણ તેમની પાસેથી જ મળી શકે છે. એટલે તે ફટાફટ દાદીમાં પાસે પહોંચ્યો. કૌશલને જોઈ તેમને ભાન થઈ ચુક્યું હતું કે તે શું વાત કરવાં આવ્યો છે. " આવ કૌશલ.... હું તારી જ રાહ જોતી હતી. " હાથમાંથી સિલાઇ કરતાં કાપડને નીચે મુકી દાદીમાં બોલ્યાં. કૌશલે આસપાસ નજર ફેરવી. કોઈ હતું નહીં ફક્ત દાદીમાં પોતાનું કામ કરતાં હતાં. એટલે તેમની નજીક જઈ બોલ્યો " દાદીમાં... આ ડાયરી.... આમાં તો...." શું બોલે અને કેમનો પૂછે તે સમજાયું નહીં. " ઓહ... તો વાંચી લીધી ડાયરી એમ ને.... મળી ગયા ને જવાબ તારાં?!..." દાદીમાં એ નિર્દોષ ભાવે પુછ્યું. કૌશલે ઉતાવળે કહ્યું " ના...ના ... કોઈ જવાબ નથી મળ્યાં. અરે વધારે અસમંજસમાં મુકાય ગયો છું. તમને ખબર રેવાએ પોતાનો જીવ જોખમમાં મુકવાની કોશિશ કરી, તેને આપણાં બધાથી દૂર જવું છે. ..હા, એ તો ખબર હતી કે તે પોતાનાં પિતાને શોધવા આતુર હતી. પણ ખબર નહીં તેને શું થઈ ગયું છે કે કોઈથી સંબંધ રાખવો તેને માન્ય નથી. અને..."

" અને તે આ ગામ છોડીને જવાં માંગે છે એ જ ને..!.." દાદીમાં એ વાક્ય પૂરું કર્યું. " હા.... તમને ખબર...ખબર છે આ બધી વાત?" કૌશલે આશ્ચર્યથી પૂછ્યું. દાદીમાં એ થોડો ઉંડો શ્વાસ લઈ કહ્યું " કમનસીબે હા... ખબર છે... જે રાત્રે તેણે નદીમાં ઝંપલાવ્યું હતું ત્યારથી.." " તો બોલો ને આ બધું કેમ કરે છે તે?... તે રાત્રે તેનો સ્વભાવ મારી સાથે પણ અસામાન્ય હતો. મને પોતાની મદદ કરવાથી રોકતી હતી. અને તે પછી તો મેં તેને ઘરની બહાર પણ નથી જોઈ. અરે જે છોકરી આખો દિવસ આમતેમ ફર્યા કરતી હોય. દરેકને પોતાનાં સ્મિતથી આવકાર્યા કરતી હોય. અને તમને દરેક વાતમાં મદદ કરવાં ફરતી રહેતી હોય તે છોકરી ત્રણ દિવસથી ઘરની બહાર જ નથી નીકળી!.... તેનો અવાજ જે આખાં ગામમાં ગૂંજી ઉઠે, જેને ચુપ રાખવાં તેની પાસે આજીજી કરવી પડે તે છોકરી અચાનક શાંત થઈ ગઈ!... ના..ના... શાંત નહીં,... મૌન.... મૌન થઈ ગઈ. કેવી રીતે?... કેમ?... એવું તો શું થયું કે રેવાએ એકદમથી બધાંથી દુર ખસવા લાગી?... બોલો ને દાદી.... બોલો... મને ખબર છે તમને આખી વાતનું ભાન છે. એટલે જ તમેં તે દિવસે અનંતને ઘરમાં પણ આવવાં નહતો દીધો. તમને ખબર હતી રેવાને દવાની જરૂર હતી છતાં તમેં સાહસ કર્યું હતું. કેમ?.... " કૌશલ અધીરો બની પોતાનાં મનનાં દરેક ભાવ બહાર લાવી રહ્યો હતો. દાદીમાં ચુપચાપ નીચું માથું કરી કૌશલનાં પ્રશ્નો સાંભળી રહ્યાં. તેમની આંખોમાં આંસુ હતાં. કૌશલને આ જોઈ વધારે ગભરામણ થવાં લાગી. અને તે દાદીમાં પાસે બેસી તેમનો હાથ પકડી બસ મૌન બની તેમને જવાબ આપવાં જણાવતો રહ્યો. કૌશલની આંખોમાં રેવા માટે ચિંતા દેખાય રહી હતી. અને રેવાનાં મનમાં કૌશલ માટે નફરતની પીડા પણ ચોખ્ખી રીતે નજરે પડતી હતી. રેવા... જે જાણે-અજાણે દાદીમાંની દિકરી, તેમનો સહારો અને ધીમે ધીમે દૂનિયા બની ચુકી હતી તેનાં માટે પહેલી વાર કોઈકની આંખોમાં આટલો સ્નેહ જોયો હતો. કૌશલની આંખોમાં દાદીમાંને જે લાગણી દેખાયી હતી તે આજથી પહેલાં કોઈએ નહતી બતાવી. પણ પ્રકૃતિની કહેલી વાત જો કૌશલને ખબર પડશે તો નાનપણની અનમોલ મિત્રતા હણાય જશે અને જે એક મુઠ્ઠી કહેવાતાં હતાં તે છૂટી જશે આ વિચારી દાદીમાં કશું બોલ્યાં નહીં. પણ કૌશલનાં વારંવાર પુછવાંને લીધે તેમણે કહ્યું " શું થયું, કેમ થયું તે મહત્વનું નથી. મહત્વનું એ છે કે આ વસ્તુ ફરીથી ના બને... અને જેની ખાતરી માત્ર તું અપાવી શકે છે. એટલે જ મેં તને એ ડાયરી આપી હતી. કે તું જાણી શકે કે રેવાની ઈચ્છા શું છે. ... અને તેની ઈચ્છા, તેની ખુશી તેનાં પિતા અને પરિવારમાં છે. કૌશલ.... રેવાને તેનાં પિતાને શોધવાની ઈચ્છા એટલી તીવ્ર બની ચુકી છે કે તે પોતાનો જીવ પણ લઈ શકે છે. તું તેની મદદ કર... તેનાં પિતાને અથવા પરિવારને શોધી લાવ. અને તે માત્ર તું જ કરી શકે છે..." કૌશલ થોડીવાર વિચારમાં પડી ગયો. કશું બોલ્યો નહીં એટલે દાદીમાં એ ફરીથી કહ્યું " રેવા જેટલો વિશ્વાસ તારી પર કરે છે તેટલો કોઈ પર પણ નથી કરતી. હા તે મદદ બધાની કરે છે. પણ પોતાનાં મનની વાતો ખાલી તારી જોડે કરે છે. એ વાત સાચી છે કે પહેલાં પહેલાં તે તારી જોડે વાતે વાતે ઝઘડો કરતી, તને ગમે તેવું બોલી જતી, તને બધાની વચ્ચે ખોટો પાડતી . પણ મારો વિશ્વાસ કર રેવા એવી છોકરી નથી. એ તો તારી જોડે જ માત્ર... પણ એ પણ હવે ઓછું થઈ ગયું છે ને... ( થોડાં ઢીલાં અવાજે) અને હવે તો તેનું બોલવાનું, ઝઘડવાનું બંધ થઈ ગયું છે... રેવા ખરેખર તારી પર ભરોસો કરે છે. તેનાં આ ભરોસા માટે થઈ ને તેની મદદ કરી દે ... તું માંગીશ તે આપી દઇશ..." " ના...ના... દાદીમાં... આમ બોલી મને નાનો સાબિત ના કરો. તમારે મને વિનંતી કરવાની જરૂર નથી. રેવા મારી જોડે જેટલું પણ ઝઘડે, બોલે, મને ખોટો સાબિત કરે કે મારી વાતમાં ખોટ કાઢે તેનાથી મને કોઈ વાંધો નથી. હું જાણું છું તેનું મન કેટલું ચોખ્ખું છે. જો મારી કોઈપણ મદદ કરવાથી તેને ખુશી મળતી હોય તો હું જરૂર કરીશ... (મનમાં - તમને ખબર નથી દાદી... તે મારાં માટે શું બની ચુકી છે. તેનો હક્ક છે મારી પર તે ઇચ્છે તેટલું ઝઘડી શકે છે પણ હું તેને દુઃખી થતી નથી જોઈ શકતો) તમેં ચિંતા ના કરશો. હું કશુંક વિચારું છું કે કેવી રીતે તેનાં પરિવારને શોધી શકાય. " દાદીમાં એ થોડી રાહતનો શ્વાસ લીધો. કૌશલ ત્યાંથી ચાલવા લાગ્યો પણ અચાનક રોકાઈ પાછળ વળીને પુછ્યું " રેવા ઠીક તો છે ને?... " દાદીમાં એ આંખનાં પલકારાંથી હકારમાં જવાબ આપ્યો. અને કૌશલ ત્યાંથી ચાલ્યો ગયો. કૌશલનાં માથેં જે જવાબદારી આવી હતી તેનાથી રેવા અને કૌશલનો સંબંધ પર સૌથી વધારે અસર પડવાની હતી તે નક્કી હતું. પણ તે અસર તેમનાં જીવન સુધારી આપશે કે વધું બગાડી આપશે તે સમય પર નિર્ભર હતું.
કૌશલનું ધ્યાન હવે ફક્ત વિચારવામાં હતું કે કેવી રીતે શોધવાની શરૂઆત કરવી. તે પોતાની જાતે જ વાતો કરવાં લાગ્યો " દાદીમાં એ સાચું કહ્યું છે. મારે રેવાની મદદ કરવી જ જોઈએ. પણ કેવી રીતે?... ન કોઈ નામ, ના ગામ , કે ના કોઈ છેડો છે તેમની સુધી પહોંચવાનો. કરું તો કરું શું?... " કૌશલને પોતાનાં મગજ પર ભાર આપવાથી ચિંતાની રેખાઓ આવવાં લાગી. પણ કોઈ વિચાર નહીં. એક ઉંડો શ્વાસ ભરી તેણે વિચાર્યું " જો મારે રેવાનાં પરિવારને શોધવાં હશે તો મારે ત્યારથી વિચારવું પડશે જ્યારથી રેવા અમને મળી હતી..... એ સમયે કમોસમી વરસાદ અને તોફાની વાતાવરણ હતું. બધી જગ્યાએ પૂરની પરિસ્થિતિ આવી હતી. અરે એ સમયે તો સરકારની સહાય પણ ઘણી સંભળાતી હતી. અને ત્યાર પછી જ રેવા મને નદીમાં તણાતી મળી હતી. તેની હાલત વધારે ખરાબ હતી અને એવું લાગતું હતું કે તે ઘણે દૂરથી તણાઈ આવી હોય. અને કપડાં, ચાલ-ઢાલ પરથી જણાતું હતું કે તે કોઈ શહેરમાં રહેતી છોકરી હોય. અને બીજી વાત.... તેની ડાયરીનું લખાણ પણ ઘણુંબધું અંગ્રેજીમાં હતું એટલે એ વાત તો પાક્કી છે કે તેનું શિક્ષણ સારી રીતે થયું છે. પણ કયાં શહેરમાં?.... આસપાસ તો ઘણાબધા શહેરો છે. નાના-મોટાં ઘણાં રહેવાસીઓ છે જેનું શિક્ષણ ઉચ્ચ હોય અને ચાલ-ઢાલ શહેરી હોય. મને કેમની ખબર પડશે કે રેવા કયાં શહેરમાં રહેતી હતી!.... ( થોડું વિચારવા પર તેને રસ્તો જડ્યો) હા ... એક કામ કરી શકું છું... જો રેવા અચાનક તેનાં પરિવારથી છૂટી પડી હતી તો તેનાં પિતાએ જરૂર પોલીસની મદદ લીધી હશે. કોઈ તો રીપોર્ટ લખાવ્યો હશે. .હા... મારે આસપાસના શહેરોનાં પોલીસ સ્ટેશન માં પૂછવું જોઈએ. જરૂર ત્યાંથી મને કશુંક તો મળશે. "

કૌશલને એક રસ્તો મળ્યો હતો રેવાનાં જીવન સુધી પહોંચવાનો. પણ કૌશલ એ નહતો જાણતો કે એક એક પગલું જેમ રેવાની નિયતિ તરફ મંડાય રહ્યું છે તે કેટલાં સત્યો અને કેટલી મુસીબતોને આમંત્રણ આપી શકે છે. કૌશલની લાગણી રેવાને દરેક મુસ્કેલીથી બચાવી શકે છે પણ નિયતિનું શું?... જો રેવાથી નિયતિ બનવાનો રસ્તો ખુલશે તો રોહન નામનો પથ્થર પણ મળશે. અને જો સાક્ષી નામની ઠોકર વાગશે તો ફરીથી નિયતિને બચાવવા કોઈ નહીં મળે. કૌશલની દરેક લાગણી રેવાથી હતી.

બીજે દિવસે સવારે કૌશલે રેવાની ખુશીઓ શોધવાનો શુભારંભ કર્યો. અને એકએક કરી દરેક પોલીસ સ્ટેશનમાં તપાસ કરવાનું શરું કર્યું. પણ તેને માત્ર એક જવાબ હાથ લાગ્યો. દરેક જગ્યાએથો એક વાત કહેવામાં આવી કે " તે પૂર વખતે જેટલાં પણ લોકો ખોવાયેલાં હતાં અને શોધી નહતાં શકાયા તેમને મૃત સમજી કેસ બંધ કરી દેવાયાં છે. કેમકે પૂરનું પ્રમાણ એટલું વધારે હતું કે કોઈનું જીવતું રહેવું મુશ્કેલ હોય. અને એટલાં માટે જ તેવાં લોકોનાં પરિવારની કોઈ જાણકારી રેકોર્ડ તરીકે રાખેલી નથી. " કૌશલની પહેલી કોશિશ નાકામયાબ રહી . તે ફરીથી એ જ જગ્યાએ પહોંચી ગયો જ્યાંથી શરૂ કર્યું હતું. પોલીસ તરફથી કોઈ જાણકારી મળી નહીં. હવે તે શું કરી શકે તેમ સમજાતું નહતું.
સાંજ પડતાં તે નિરાશ બની પાછો ઘેર પહોંચ્યો. " કોઈ બીજો રસ્તો શોધવો પડશે. અને જલદી જ કંઈક કરવું પડશે.... એક તો કેટલો સમય થઈ ગયો રેવાને જોઈ જ નથી. પહેલાં તો રોજ તે સામેં મળતી હતી. હસતી - રમતી આમતેમ ફર્યાં કરતી હતી. બધાને ખુશ કર્યાં કરતી. અને હવે.. હવે તો તે જોવાં પણ મળતી નથી. એવું લાગે છે કે કેટલાં સમયથી મેં કોઈ અવાજ સાંભળ્યો જ નથી. " કૌશલને રેવાને મળવાની ઈચ્છાથી તે રેવાની ઘરની બહાર સુધી પહોંચી ગયો. પણ અંદર જવાની હીંમત નહતી એટલે તે બહાર ઉભો બારીએથી અંદર જોતો રહ્યો. " ક્યાં છે રેવા તું?.... એકવાર મને દેખાય જા. તારી દરેક વાતનો મને કોઈ વાંધો નથી. તારો પુરો હક્ક છે મારી પર... પણ તારું મૌન સહન નથી થતું. તું કંઈક તો બોલ... એકવાર વાત તો કર..." કૌશલ બારીમાંથી અંદર જોતો હતો એટલામાં રેવા નજરે પડી. તેને જોઈ કૌશલનું મન ઉત્સાહી બની ગયું. રેવાની ચાલ એકદમ ધીમી હતી. તેનો ચહેરો નિસ્તેજ બની ગયો હતો. ના કોઈ ખુશી, ના સ્મિત કે ના કોઈ જીવવાની આશા દેખાતી હતી. તેની આંખોમાં ભીનાશ અને હોઠો પર દુખનો વાસ ચોખ્ખો દેખાતો હતો. આ જોઈ કૌશલનું મન વધારે ઉદાસ બની ગયું. રેવાની હાલત જોતાં તેની આંખો પણ ભીની બની ગઈ. હવે તેને સમજાય રહ્યું હતું કે કેમ દાદીમાં તેને રેવાનાં પરિવારને શોધવાનું કહેતાં હતાં. " કેવી રીતે શોધું તારાં પિતાને રેવા... મન તો થાય છે કે કોઈપણ રીતે તારી ઉદાસી દૂર કરું. પણ..પણ તું ચિંતા ના કરીશ... હું કોઈપણ રીતે તારાં ચહેરાંની ખુશી પાછી લાવીને રહીશ. કેમકે તારી ખુશી, તારું સ્મિત અને તારી મોટી મોટી વાતો સાંભળવાનો અને સાચવવાની હક્ક છે મને. " કૌશલનાં ચહેરાં પર મક્કમતા દેખાય રહી અને તે ત્યાંથી ચાલ્યો ગયો. ધીમેથી રેવા બારીની નજીક આવી અને બહાર કશુંક જોતી રહી. પણ કોઈ દેખાયું નહીં. તેણે વિચાર્યું " મને થયું કૌશલ છે બહાર... પણ... કદાચ મારો જ વહેમ હતો. શું કામ આવશે તે અહીં. તેને શું ફર્ક પડે છે. રેવા.... તું જ વધારે ઉંમ્મીદ કરે છે બધાથી. તારી આસપાસ જેટલાં પણ લોકો છે તે માત્ર તારી મદદ કરી શકે છે તને જીવનમાં ઉમેરી નથી શકતાં. " અને રેવા ફરીથી પોતાનાં ઉદાસ ચહેરાં સાથે પાછી અંદર ચાલી ગઈ.

બીજી તરફ કૌશલની કોશિશો થાકી નહતી. પોલિસની મદદ ના મળી તો શું થયું તે પોતાની જાતે જ રેવાના પિતાને શોધવાનું શરું કર્યું. એક-એક શહેર અને શહેરોની સોસાયટીમાં તેણે જાતે પુછપરછ શરું કરી. સવારથી બપોર અને બપોરથી રાત થવાં લાગી. દરેક દિવસ એક આશાનાં કિરણ સાથે ઉગતો અને નિરાશા સાથે અંત થતો. દિવસની રાત અને રાતનાં દિવસ થવાં લાગ્યાં. એક થી બીજી સોસાયટી અને એક થી બીજા શહેર કૌશલ ભટકવાં લાગ્યો. પોતાનાં દરેક કામને બાજુએ મુકી તેને માત્ર રેવાનું તે નિસ્તેજ ચહેરો જ યાદ હતો. કૌશલનું શરીર થાકવાં લાગ્યું હતું પણ તેનાં ઈરાદા નહીં. દરેક ઘર, દરેક કોલેજ અને તેને મળતાં દરેક લોકોને એ ખોવાયેલી છોકરી વિશે પુછવાં લાગ્યો. હવે તો ધીરે ધીરે કૌશલને લોકો ઓળખવા લાગ્યાં હતાં.

દિવસો પસાર થવાં લાગ્યાં અને શહેરોની સંખ્યા ઘટતી ગઈ. મોટાં ભાગનાં શહેરોમાં કૌશલે પુછપરછ કરી લીધું હતું. " હવે માત્ર ગણતરીનાં શહેરો બાકી છે. આજ સુધી જેટલી જગ્યાએ પણ ગયો મને નિરાશા જ હાથમાં આવી છે. અને આ બાકી બચેલા શહેરોમાં પણ મને કશું નહીં મળે તો?.... હું મારાં બધાં રસ્તાં બંધ થઈ જશે. પછી હું ક્યાં શોધીશ રેવાનાં પરિવારને?... મને તો તેનું સાચું નામ પણ ખબર નથી. ભગવાન... હજું કેટલી પરીક્ષા લેશો માંરાં અને રેવાનાં ધીરજની! .. મદદ કરો મારી... કોઈ રસ્તો, કોઈ ઈશારો તો આપો. હું ક્યાં શોધું?.. મદદ કરો ભગવાન.. મદદ કરો... આજે જ્યાં પણ જઈ રહ્યો છું મને આશીર્વાદ આપજો કે ત્યાંથી મને નિરાશા ના મળે..." પણ કૌશલ નહતો જાણતો કે આજે જે મદદ તેને મળવાની છે તે સૌથી વધારે ઉપયોગી નિવળશે.
સૂર્ય આગમન સાથે સોનેરી કીરણોમાં આશાનાં ભરપૂર કિરણો રેલાય ગયાં અને કૌશલની અનંત કોશિશ શરૂ થઈ. શોધતાં શોધતાં કૌશલ એક ચા ની દુકાને ચા પીવાં ઉભો રહ્યો. તેની બાજુમાં એક કાકા બેઠાં હતાં. દેખાવમાં તેમની ઉંમર પચાસની આસપાસની હતી. તેમનો ચહેરો નિરાશામાં અને ચિંતામાં ઢીલો પડી ગયો હતો. એકલાં બેઠાં કંઈક વિચારી રહ્યાં હતાં. નામ પુછતાં તેમણે પોતાનું નામ જયેશભાઈ( રેવાનાં પિતા) જણાવ્યું.
એક અજાણી મુલાકાત કેટલી ઉપયોગી થશે?.....


ક્રમશઃ