Ravanoham Part 17 in Gujarati Fiction Stories by Jyotindra Mehta books and stories PDF | રાવણોહ્મ - ભાગ ૧૭ અંતિમ ભાગ

Featured Books
Categories
Share

રાવણોહ્મ - ભાગ ૧૭ અંતિમ ભાગ

અંતિમ ભાગ

 વિક્રાંતને ખબર હતી કે ક્યાં જવાનું છે. વિક્રાંતે ઉતારીને એક ગાડી ભાડે કરી અને જે પિરામિડમાં જવાનું હતું ત્યાં પહોંચ્યા.

 

તે પિરામિડ થોડો ઉપેક્ષિત હતો, તેમાં કોઈ પર્યટક જતું નહિ. વિક્રાંત, કાદરભાઈ અને પ્રદ્યુમનસિંહ અંદર જવા નીકળ્યા અને અંદર જતા પહેલા વિક્રાંતે જસવંતને પિરામિડની તરફ સુરક્ષારેખા દોરવાનું કહ્યું જેથી કોઈ પ્રવેશી ન શકે.

 

અંદર પ્રવેશતાં જ તેમને કોઈ પ્રાણીના ચિત્કારવાનો અવાજ સંભળાયો. વિક્રાંત પગથી માથા સુધી ધ્રુજી ઉઠ્યો. તેની છઠ્ઠી ઇન્દ્રિયે સંકેત આપ્યો કે કોઈ મુસીબત છે. તે ઝડપથી દોડવા લાગ્યો અને તેની પાછળ કાદરભાઈ પણ દોડ્યા. પ્રદ્યુમનસિંહ તેમની પાછળ દોડી શક્યા નહિ.

 

આગળ જઈને વિક્રાંતે જોયું કે એક કદાવર પ્રાણી અને એક સાધુ અંદરની તરફ જઈ રહ્યા છે. વિક્રાંત અને કાદરભાઈ તેમનો પીછો કરવા લાગ્યા.

 

તે પ્રાણી અને સાધુ એક મોટા ખંડમાં પહોંચ્યા એટલે નર્મદાશંકરે પૂછ્યું, “સોમને ક્યાં રાખ્યો છે?”

 

એટલે રૂદ્રાએ એક કોટડી તરફ આંગળી કરી અને કહ્યું, “ત્યાં છે.” અને એક બીજી કોટડી તરફ આંગળી કરીને કહ્યું, “આમાં તમારા માટે એક ભેટ છે.”

 

નર્મદાશંકરે ત્યાં રહેલ ઇપાફીસના સેવકોને કહ્યું, “પહેલા તે કોટડી ખોલો.”

 

તેમણે કોટડી ખોલી અને અંદર જોયું તો ત્યાં વિક્રાંત (સંકેત ) હતો. નર્મદાશંકરનું હૃદય ધબકારા ચુકી ગયું તેણે કહ્યું, “આ દરવાજો જલ્દી બંધ કરો.”

 

અંદરથી સંકેત બહાર આવી શકે તેના પહેલા દરવાજો બંધ થઇ ગયો. નર્મદાશંકરે રાહતનો શ્વાસ લીધો તેમણે રુદ્રા તરફ જોઇને કહ્યું, “ઇપાફીસ, આ ભેટ નહિ મુસીબત છે.”

 

પછી સેવકો તરફ જોઈને કહ્યું, “સોમ જેમાં છે તે કોટડીનો દરવાજો ખોલો.”

 

સેવકોએ મંત્ર બોલીને  તે દરવાજો ખોલ્યો, જેવો દરવાજો ખુલ્યો તેઓ એક ધડાકા સાથે ખુલી ગયો અને તે બંને હવામાં ઉડી ગયા.

 

            નર્મદાશંકરે જોયું અંદર રાવણ એક પથ્થર ઉપર બેસેલો હતો અને તેની મુદ્રા એવી હતી જાણે તે કોઈ સિંહાસન પર બેઠો હોય. તે ધીમેથી ઉઠ્યો અને રાજાશાહીની ચાલથી બહાર આવતા આવતા કહ્યું, “મારી ઈચ્છા હોત તો હું ક્યારનોય અહીંથી નીકળી ગયો હોત પણ નર્મદાશંકર હું તારી અને ઇપાફીસની રાહ જોઈ રહ્યો હતો.”

 

નર્મદાશંકરે અટ્ટહાસ્ય કરતા કહ્યું, “તું અમારી નહિ! તારા મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો. રુદ્રા, તારો શિકાર આ રહ્યો.”

 

તેનું વાક્ય પૂરું થાય તે પહેલાં તે એક ધમાકા સાથે હવામાં ઉડ્યો અને સામેની દીવાલ સાથે અથડાયો. ભયંકર અવાજ સાથે રુદ્રા આગળ વધ્યો ત્યાં જ વિક્રાંત તેની સામે આવી ગયો અને કહ્યું, “તારા સામે લડવા હું છું ને તેમની શું જરૂર છે?”

 

રૂદ્રાએ વિક્રાંતને એક મુક્કો માર્યો એટલે તે દૂર જઈને પડ્યો પણ તરત ઉછળીને પાછો ઉભો થઇ ગયો એટલે રુદ્રા તેની તરફ આગળ વધ્યો. બીજી બાજુ રાવણ નર્મદાશંકર તરફ આગળ વધ્યો.

 

હવે નર્મદાશંકર સાવધ હતો તે એક મંત્ર બોલ્યો અને રાવણ પર વાર કર્યો એટલે રાવણ દૂર જઈને પડ્યો. નર્મદાશંકરે અટ્ટહાસ્ય કરતા કહ્યું, “તું ભૂલી ન જા કે હું જટાશંકરનો પણ ગુરુ છું અને તેના કરતા વધારે સક્ષમ છું.”

 

રાવણે અત્યાર સુધી તેને ઓછો આંક્યો હતો પણ હવે તે સાવધાનીપૂર્વક લડવા લાગ્યો. કાદરભાઈ જુદી જુદી કોટડીઓ જોઈ રહ્યા હતા, તેઓ પાયલ અને સંકેતને  શોધી રહ્યા હતા. તે સમયે વિક્રાંત રુદ્રાના દરેક મુક્કા સાથે અહીં તહીં ઉછળી રહ્યો હતો. વિક્રાંતને વાર કરવાનો મોકો મળી રહ્યો નહોતો. જેવો તે કોઈ મંત્ર બોલવા જતો તેના શરીર ઉપર રુદ્રાનો મુક્કો પડતો. રુદ્રા શરીરને હિસાબે વધારે ચપળતા દેખાડી રહયો હતો.

 

વિક્રાંત પડતો અને ઉઠતો અને તેને ઉઠતો જોઈને રુદ્રા ચિત્કાર કરતો અને વધુ ઝનૂનથી તેની તરફ દોડતો અને તેને મુક્કો મારતો. રાવણ અને નર્મદાશંકર એક બીજા પર મંત્રોથી વાર કરી રહ્યા હતા. નર્મદાશંકરની યુદ્ધકલા જોઈને રાવણ દંગ રહી ગયો. તે અદભુત યોદ્ધા હતો તેની યુદ્ધકલા ભલભલા મહારથીઓને માત કરે તેવી હતી. તેના શરીરમાંથી નીકળતી ઉર્જા રાવણને પણ દઝાડી રહી હતી.

 

કાદરભાઈ એક કોટડીમાંથી પાયલને અને બીજીમાંથી સંકેતને શોધી લાવ્યા એટલામાં ક્યાંકથી બીલજેબ તેમની તરફ આવ્યો એટલે પાયલ સાવધાન થઇ ગઈ અને કાદરભાઈ અને સંકેતને હટાવીને ઉછળી,

 

હવામાં ઉછળેલી પાયલે બીલજેબની છાતી પર પ્રહાર કર્યો એટલે બીલજેબે તે શરીર છોડી દીધું. હવે તે એક ગોળો બનીને હવામાં લટકવા લાગ્યો. તે હવે ઉર્જા રૂપે આગળ વધવા લાગ્યો. પીરામીડમાં તેની શક્તિઓ અનેક ગણી વધી ગઈ હતી. તે ગોળા રૂપે પાયલના માથા પર પ્રહાર કરવા ગયો પણ પાયલે તે સફળતા પૂર્વક ચૂકવી દીધો.

 

દૂર પડીને ઉભા થયેલા વિક્રાંત તરફ રુદ્રા આગળ વધ્યો તે જ સમયે તેની નજર ત્યાં આવી રહેલ પ્રદ્યુમનસિંહ પર પડી અને તેના પગ થંભી ગયા. તેની આંખોમાં પ્રેમ ઉભરી આવ્યો તે ધીરેથી બોલ્યો, “બાબા!”

 

તેને યાદ હતું કે બાબા તેને રમાડતા, પ્રેમથી ખવડાવતા અને હાલરડું ગાઈને સુવડાવતાં. પ્રદ્યુમનસિંહે બાબા શબ્દ સાંભળ્યો એટલે તેમણે ઝડપ વધારી તે સમજી ગયા કે તે પ્રાણી સોમ અને પાયલનો પુત્ર છે પણ તેની આ હાલત જોઈને તે દુઃખી થઇ ગયા.

 

વિક્રાંત પણ ઉભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો. રુદ્રાની અવસ્થા વિચિત્ર થઇ ગઈ હતી અંદર રહેલી શક્તિઓ તેને વિક્રાંતની તરફ ધકેલી જયારે રુદ્રા ફક્ત પ્રદ્યુમનસિંહને નિહાળી રહ્યો હતો. એટલામાં લાગ જોઈને વિક્રાંતે પોતાના કપડામાં છુપાવેલું તીર કાઢ્યું અને મંત્ર બોલીને રુદ્રા તરફ ફેંક્યું પણ પ્રદ્યુમનસિંહ વચ્ચે આવી ગયા અને તે તીર તેમના પેટમાં પેસી ગયું. રૂદ્રાએ તેમને પડતાં પહેલા ઝીલી લીધા અને જમીન પર સુવડાવ્યા.

 

રુદ્રા બાબા! બાબા! એમ કહીને રડી રહ્યો હતો. બહુ વિચિત્ર દ્રશ્ય લાગી રહ્યું હતું કોઈ ભયંકર જીવ આ રીતે રડી શકે તેવી કોઈને આશા ન હતી. તેના રડવાના અવાજથી પિરામિડની દીવાલો પણ ધ્રુજી રહી હતી.

 

પ્રદ્યુમનસિંહને ધરાશાયી થયેલા જોઈને રાવણ ક્રોધિત થઈને જમીન પર પગ પછાડ્યો અને ચિત્કાર કર્યો એટલે ત્યાં ભયંકર વિસ્ફોટ થયો અને તેના પ્રભાવથી નર્મદાશંકર ઉછળીને દૂર પડ્યો અને બેભાન થઇ ગયો.

 

પ્રદ્યુમનસિંહે ધીમા અવાજે કહ્યું, “પાયલ, પાયલ.”

 

પાયલ ત્યાં સુધીમાં બીલજેબને બાંધી ચુકી હતી, પોતાનું નામ સાંભળીને પાયલ દોડીને તેમની પાસે આવી.

 

પ્રદ્યુમનસિંહે બહુ ક્ષીણ અવાજમાં કહ્યું, “પાયલ, હું તારો ગુનેગાર છું! તારું બીજું બાળક મૃત નહોતું જન્મ્યું તે હજી જીવે છે.”

 

પાયલને ખબર નહોતી પડી રહી કે શું કહેવું. તેણે પોતાના પર મેળવ્યો અને પૂછ્યું, “તે કોણ છે અને ક્યાં છે?”

 

પ્રદ્યુમનસિંહે રુદ્રા તરફ આંગળી ચીંધીને કહ્યું, “આ રુદ્રા, તારો અને સોમનો દીકરો છે, પણ બાબાએ આદેશ આપ્યો હતો કે યોગ્ય સમય આવે ત્યાં સુધી તમારાથી દૂર રાખવો અન્યથા અનર્થ થઇ જશે તેથી એને જન્મ સમયે જ મેં તારાથી દૂર કરી દીધો. હું સોમનો તો નહિ પણ તારો તો ગુનેગાર તો છું જ,એક માતાથી બાળકને દૂર કરવા જેવું મોટું પાપ મેં કર્યું છે.”

 

પાયલ આઘાતમાં હતી કે ખુશી વ્યક્ત કરવી કે મૃત્યુના દ્વારે પહોચેલા પ્રદ્યુમનસિંહ માટે શોક કરવો. તેણે બહુ પીઢતા દેખાડી અને કહ્યું, “આપ મનમાં કોઈ જાતનો ક્લેશ ન રાખશો, તમે જે કર્યું તે સમય અને સંજોગોને આધારે કર્યું અને બાબાએ આદેશ આપ્યો હતો, એનો અર્થ એ હતો કે બધાનું હિત તેમાં છુપાયેલું હશે.”

 

ત્યાં સુધીમાં સોમ પણ તેમની પાસે આવી ચુક્યો હતો. તેની તરફ જોઇને પ્રદ્યુમનસિંહે કહ્યું, “મારા પૌત્રનો જીવ બચાવવા મારે પાયલની મદદ લઈને આરોપ લગાવડાવવા પડ્યા, તે માટે ક્ષમા કરજે.”

 

સોમે તેમનો હાથ હાથમાં લીધો અને કહ્યું, “મને પહેલાંથી ખબર હતી કે મારા પર લાગેલા આરોપો પાછળ પાયલ અને શુક્લાનો હાથ હતો અને તે આપના ઈશારે કરી રહી છે, તે વિષે પણ મને ખબર હતી પણ મારે જાણવું હતું કે પડદા પાછળ કોણ છે, તેથી અજાણ્યા હોવાનો ઢોંગ કરવો પડ્યો. તેથી આપ મન પર કોઈ જાતનો ભાર ન રાખશો. પાયલ મારાથી ગમે તેટલું છુપાવે પણ તેની આંખો કહી દે છે, કે તે કંઈક ખોટું કરી રહી છે. કાદરભાઈએ મને બધું પહેલાંથી જ કહી દીધું હતું અને મેં આ વાત કોઈને ન કરવી તેનું વચન તેમની પાસેથી લીધું હતું.”

 

સંતોષ સાથે પ્રદ્યુમનસિંહની આંખો મીંચાઈ ગઈ. રુદ્રા નાના બાળકની જેમ રડવા લાગ્યો.

 

તે જ સમયે નર્મદાશંકરનો અવાજ ગુંજ્યો, “રુદ્રા! આ ભાવુક બનવાનો સમય નથી! તારું લક્ષ્ય નજીક છે, ઉઠાવ ખડગ અને વાર કર સોમ પર તે તારા ગુરુનો હત્યારો છે.”

 

રૂદ્રાએ રડવાનું બંધ કર્યું, તેની આંખો લાલ થઇ ગઈ. તેણે ખડગ ઉપાડ્યું અને એટલું જોરથી નર્મદાશંકર તરફ ફેંક્યું જેનાથી નર્મદાશંકરનું શરીર બે ભાગ વહેંચાઈ ગયું. મરતી વખતે નર્મદાશંકરની આંખો બંધ થવાને બદલે આશ્ચર્યથી પહોળી થઇ ગઈ હતી.

 

રુદ્રા ક્રોધમાં હતો, સોમે પ્રેમથી તેનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, “હું તારી મદદ કરું”

 

એમ કહીને તે મંત્ર બોલવા લાગ્યો પણ તેનાથી રુદ્રાની પીડા વધી ગઈ, તે ચિત્કાર કરવા લાગ્યો એટલે વિક્રાંતે કહ્યું, “રુદ્રાની મદદ હું કરું છું.”

 

એમ કહીને તેને નીચે બેસવાનું કહ્યું અને તેના માથે હાથ મુક્યો પણ તેની પીડા હજી વધી ગઈ એટલે રૂદ્રાએ કહ્યું, “તું પણ રહેવા દે!”

 

એમ કહીને તે ઉભો થયો અને બંને હાથની આંગળીઓથી શિવમુદ્રા બનાવી એટલે અંદરથી ચિત્કારના અવાજો આવવા લાગ્યા અને તેનું શરીર સામાન્ય થવા લાગ્યું.

 

પછી તેણે ઇપાફીસને ઉદ્દેશીને કહ્યું, “તારો મારા પર ઉપકાર છે એટલે તને છોડું છું, તું હવે જાતે જ બહાર નીકળ.”

 

તે સમયે તેના શરીરમાંથી એક ઓળો બહાર આવ્યો. ઇપાફીસના બહાર આવ્યા પછી પાયલે રુદ્રાને ગળે લગાડ્યો અને કહ્યું, “તું અદ્દલ સોમ જેવો દેખાય છે! કોલેજમાં હતો ત્યારે સોમ તારા જેવો જ દેખાતો.”

 

હવામાં લટકી રહેલા ઇપાફીસે સોમને કહ્યું, “શ્રીમાન, મને માફ કરી દેશો. મેં જે કંઈ પણ કર્યું તે યુદ્ધનો એક ભાગ હતો. હવે હું તમારી શરણે આવ્યો છું, તો મને અભયદાન આપો.”

 

સોમે કહ્યું, “અભયદાન તો તને રૂદ્રાએ આપ્યું છે તેથી હું તને છોડું છું પણ તું યાદ રાખજે કાળીશક્તિઓનો પ્રભાવ વધારવાની કોશિશ કરી છે, કે કોઈને હેરાન કર્યા છે તો હું તને નહિ છોડું!”

 

ઇપાફીસે કહ્યું, “હું વચન આપું છું કે તમારી વિરુદ્ધ કોઈ કારસ્તાન નહિ કરું અને મારા જુના કામ તરફ વળું છું. હું આ પિરામિડમાં રહેલ રાણીના મમીનો રક્ષક છું.”

 

  પ્રદ્યુમનસિંહના બલિદાને રુદ્રાના જીવનની દિશા બદલી દીધી હતી. તે સોમને પગે લાગ્યો એટલે સોમે તેને ગળે વળગાડ્યો પછી તે વિક્રાંતને ભેટ્યો અને કાદરભાઈના આશીર્વાદ લીધા. 

 

તે જ સમયે જસવંત બહારથી દોડતો આવ્યો બધાને એક બીજાને ભેટતા જોઈને બોલ્યો, “અરે! મારા આવ્યા વગર જ યુદ્ધ પૂરું થઇ ગયું!”

 

કાદરભાઈએ તેની પીઠ ઉપર ધબ્બો મારતાં કહ્યું, “હવે સમય આવ્યો છે કે તું પોલીસમાં ભરતી થઇ જા.” 

 

જસવંતે કહ્યું, “કેમ?”

 

કાદરભાઈએ કહ્યું, “કારણ તું અને પોલીસ હંમેશા લેટ પાડો છો.”

 

તેમના આ વાક્ય સાથે જ બધા લોકોના ચેહરા પર હાસ્ય છવાઈ ગયું.

 

કાદરભાઈએ કહ્યું, “ ચાલો! હવે બધા ઘરે જઈએ.”

 

  રૂદ્રાએ પ્રદ્યુમનસિંહની લાશ ઉપાડી લીધી અને ઇપાફીસને કહ્યું, “તું અમને ભારત પહોંચાડી દે, મારે બાબાના અંતિમસંસ્કાર કરવાના છે.” એમ કહીને એક ડૂસકું લીધું.

 

થોડા સમય પછી બધા પુણે નજીકના સ્થળે ઉભા હતા .

 

સમાપ્ત

આપને મારી આ કથા કેવી લાગી તે જરૂર કહેશો અને મારા વોટ્સ અપ પર લખશો તો વધારે આનંદ થશે મારો વોટ્સ અપ નંબર ૯૯૭૦૪૪૦૭૮૫ છે