મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
વાનપ્રસ્થાશ્રમ
આ તમે તમે જે ત્રણ માળનું સફેદ ભવન જોઈ રહ્યા છો તેને બંસલ કુટીર કહે છે. ભાઈ, જરાય આશ્ચર્ય ન પામતા, તેના માલિક જગદીશલાલ બંસલ તેને કુટીર જ માને છે. તેમનું બાળપણ અને યુવાની ઝુંપડીમાં જ વીત્યું છે અને તેઓ ભગવાનનો ખૂબ આભાર માને છે કે તેણે તેમને બધુંજ આપી દીધું છે. અને આથીજ તેઓ પોતાના ઘરને પ્રભુની કુટીર માને છે. જગદીશલાલે જીવનભર હાડકાં ગાળ્યા છે. એક મિલ મજૂરથી શરુ કરીને એક નાનીશી મિલના માલિક બનવાની વાર્તામાં જો તનતોડ મહેનત સામેલ છે તો પ્રભુનો પ્રસાદ પણ સામેલ છે. એ સો ટકા સત્ય છે કે તેમનું અત્યારસુધીનું જીવન તેમણે ઘાણીના બળદની જેમ આંખ પર પાટો બાંધીને પોતાના પરિવાર માટે અને પોતાના પરિવારની આસપાસ ચારે તરફ ફરી ફરીને વિતાવ્યું છે. પરંતુ હવે તેઓ થાકી ગયા છે અથવાતો કદાચ તેમની આંખો પરનો પાટો સહેજ ખસી ગયો છે.
મૂળ કથા તો હવે શરુ થાય છે. આ કાલે સાંજે બનેલી ઘટના છે. લાલા જગદીશલાલ બંસલ પોતાની પત્ની, બે દીકરાઓ અને વહુઓ સાથે જમવાના ટેબલ પર બેઠા હતા.
“આજે આપણે બધા એકસાથે બેઠા છીએ. હું તમને બધાને એ પૂછવા માંગુ છું કે આ ઘર-પરિવાર વગેરે કેવું ચાલી રહ્યું છે?”
તેમણે જે કહ્યું તેને કોઈ સમજી ન શક્યું. દરેક જણ પ્રશ્નભરી નજરે તેમની સામે તાકીને જોવા લાગ્યા.
“મારો કહેવાનો મતલબ એવો છે કે શું એવું કશું બાકી રહી ગયું છે જેમાં તમારે મારી મદદની જરૂર હોય?” વાતને થોડું ખુલીને આગળ વધારતા તેમણે કહ્યું.
“તમારી જરૂર તો અમને જીવનભર રહેશે પિતાજી.” મોટા દીકરાએ જેવું આમ કહ્યું કે બાકી બધાજ તેની સામે જોવા લાગ્યા.
“ના દીકરા, હવે તમારે બધાએ સ્વનિર્ભર બનવું જોઈએ. મેં મારા અને તમારી મા ની જરૂરિયાત અનુસાર રાખીને બધું તમારા બંનેના પરિવારોને નામે કરી દીધું છે. વકીલ તમને બધું સમજાવી દેશે.” જગદીશલાલે શાંતિથી કહ્યું.
“તમે આવું કેમ કહી રહ્યા છો, આમને તો તમારી જરૂર આખું જીવન પડશે.” પત્નીએ વચ્ચે તેમને ટોક્યા.
“ના લક્ષ્મી હવે તેમણે પોતાના નિર્ણયો જાતેજ લેવાની ટેવ પાડવી પડશે. હવે આંગળી પકડીને આગળ વધવાની ઉંમર તેઓ ક્યારનીય વટાવી ચૂક્યા છે.”
“પણ કેમ? તમે હજી હયાત છો.” પત્નીને થોડું આશ્ચર્ય પણ થયું અને થોડી ચિંતા પણ થઇ.
“લક્ષ્મી, આપણે આપણી ઉંમરનો એક ખાસ પડાવ પસાર કરી ચૂક્યા છીએ. અત્યારસુધીની જિંદગી આપણે તેમના માટે જીવી છે. હવે આગળનું જીવન હું તારી સાથે ફક્ત મારા અને તારા માટે જીવવા માંગુ છું. અને બેટા, હવે હું તમને નાની-મોટી સલાહો આપવા માટે ઉપલબ્ધ નહીં રહું. હા, જિંદગીની કોઈ વિશેષ પરિસ્થિતિમાં તમે મને જરૂર યાદ કરી શકો છો.”
ત્યારબાદ જગદીશલાલ પ્રસન્નચિત્તે ભોજન કરવા લાગ્યા. પત્ની કદાચ તેમની વાત સમજી ચૂકી હતી પરંતુ દીકરાઓ અને વહુઓની નજરમાં હજારો પ્રશ્નો હતા જેના ઉત્તરો હવે ક્યારેય મળવાના ન હતા.
***