તે દોડી રહી છે! હરણીની જેમ...!
એવું લાગતું હતું કે બસ દોડતી જ રહેશે જ્યાં સુધી જંગલ પાર ન થાય, ચારેકોર ઘેઘૂર વનની વચ્ચે. એકલી, ન કોઈનો સાથ ન સંગાથ.
દૂર દૂરથી આવી રહેલો કોયલનો મીઠો અવાજ પણ આજે તેને કાગડાના અવાજ જેવો લાગતો હતો, એવું લાગતું હતું કે ઝડવાંઓમાં વિટાળાયેલ લીલાસૂકા વેલાઓ તેને પકડવા દોડી રહ્યા છે,
પણ આજ તેને કોઈ ન પકડી શકે!
પગમાં કોઈ પગરખું તો નથી પણ તેમાં લાગતા કાંટાઓ કે અણીદાર પથ્થરો ની તો એને કોઈ અસર જ નથી, ન તો ઝડવાંઓ પર લટકતા સાપ ની બીક ના જમીન પર ફરતા વીંછી ની, ખબર નહીં ક્યાં જતી હશે.!
બસ ચારે બાજુથી આવતા પંખીઓ ના અવાજો, સુકાઈને પડી ગયેલ વૃક્ષોના સડી ગયેલાં થડ, સુંદર મજાના પુષ્પો પર મંડરાતા ભમરા તો ક્યાંક વળી પશુઓ એ કરેલા પોદલાઓ પર બણબણતી માખીઓ પણ તેનું ધ્યાન ખેંચવા કંઈજ પર્યાપ્ત નહોતું, તે તો બસ દોડતી રહી.
એ એક વીસેક વરસ ની યુવતી હશે, ખબર નહીં મનમાં શું વિચારતી હશે, કાળી ઘાઘરી ઉપર મરૂન રંગની ચોલી અને માથે નવી નક્કોર લાલ રંગની ઓઢણીમાં એકદમ રૂપાળી લાગી રહી હતી, ઉપરથી આજે મોં પર પાઉડર અને કોઈક બહેનપણી પાસેથી માંગેલી આછા રંગની લાલી તેને વધારે રૂપાળી બનાવતાં હતાં.
પણ અહીંયા જંગલમાં તેને જોવા વાળું ક્યાં કોઈ હતું!
જરા અટકી, વિચાર્યું! કઇ બાજુ જવું?
હવે તો એક ઢાળીયો આવી ગયો જે ચડતાં ચડતાં તે હાંફી ગઈ, પણ જાણે નક્કી જ કરી લીધું છે કે ઉભું તો નથી જ રહેવું કે નથી આરામ કરવો, ચડતી રહી બસ ઉપર જ ચડતી રહી.
ડુંગરા ના ધારદાર પથ્થરોએ તેના પગ ચીરી નાખ્યા પણ હવે કેટલું લોહી વહયું તેનો ક્યાં કોઈ હિસાબ માંગવાનું હતું! બસ ચડતી રહી ઉપર ને ઉપર...
અંતે હવે તે ઉભી રહી.
ના! થાક ખાવા નહીં! થાક તો તેને લાગ્યો જ ક્યાં હતો, હજુ તો ઘણી લાંબી મુસાફરી બાકી હતી!
ઉભી એટલા માટે રહી ગઈ કે હવે અહીંથી ચાલીને જવાનો તો કોઈ રસ્તો જ ન હતો.
બધી બાજુ નજર ફેરવી, ડુંગરા ની ટોચ પર થી એક બાજુ દુર દુર દેખાતું પોતાનું ગામ અને ગામની વચ્ચોવચ એક મંદિર પર ફરકતી ધજા, બીજીબાજુ જોયું તો જાણે ડુંગરને બે ભાગમાં વચ્ચોવચથી કાપી ને બનાવી હોય એવી ખીણમાં નદી એકદમ શાંતિથી વહી જાય છે.
ફરી એકવાર એને જોયું એ ગામ તરફ કે જ્યાં તે જન્મી અને હસતાં ખેલતાં બાળપણ વિતાવ્યું, ઘણાબધા કોડ સાથે મોટી થઈ એક સુંદર યુવતી બની, પણ સુંદર હોવું ઘણી વખત મોંઘુ પડી જતું હોય છે, જેમકે હરણની સુંદરતા જ શિકારીઓ ને તેનો જીવ લેવા માટે આકર્ષે છે.
જેમ જેમ યુવાની આવતી ગઈ તેમ તે વધારે ને વધારે સુંદર બનતી ગઈ, ગામના ઘણા યુવાનો તેને જોઈ પોતાનું જ નામ પણ ભૂલી જતા. સહેલીઓ સાથે વ્રત કે તહેવારે તૈયાર થઈ નીકળતી ત્યારે તો ઘણાં યુવાનોના મનમાં તેને પામવાના કોડ ઉભરાઈ આવતા.
સરપંચનો દીકરો પણ એમાંથી એક, એટલો તો મોહી ગયેલો તેના પર કે રાત દિવસ એના સિવાય બીજું કંઈ દેખાતું જ નહીં, સરપંચનો એકનોએક દીકરો હતો, છાકટો ફરતો, દેશી દારૂ પીધા વગર એની આંખ પણ ન ખુલે, છોકરીઓ ની છેડતી કરવાનો તો જાણે એની પાસે પરવાનો હતો, તેને જોઈ યુવતીઓ રસ્તો બદલાવી નાખે.
બસ એક વાર તેને જોઈ ગયો, હવે ગમે તેમ કરી તેને પામવી એવું મનમાં ધારી લીધું, દારૂ બંધ, છેડતી બંધ, કાયમી મંદિરે જઇ બેસતો અને ક્યારેક ક્યારેક તો આખું મંદિર પાણી થી ધોઈ નાખે, તહેવારોમાં તો જંગલમાંથી જાતજાતના ફૂલ લાવી આખું મંદિર સણગારે.
ધીમેધીમે તે બધાને ગમવા લાગ્યો, સાથેસાથે એ યુવતી ને પણ જેને પામવા આ બધું કર્યું, મંદિરમાં થતી મુલાકાતો થોડી આગળ વધી અને ગામની બહાર ખન્ડેર પડેલ મકાન સુધી પહોંચી, યુવાની તો કોઈને પણ ભરમાવે એવી જ રીતે તે પણ એ જ ભ્રમમાં હતી કે તે પોતાને પ્રેમ કરે છે, પણ નહીં એ બધું તો નાટક હતું, એકવાર દારૂના નશામાં એ બધું બોલી ગયો, સાંભળીને પેલીના હોંશ ઉડી ગયા, આસમાન તૂટી પડ્યું તેના પર.
જેને પોતાનું સર્વસ્વ આપી ચુકેલી તે તો તેની સાથે દગો કરી રહેલો એ જાણી તેની પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો, ઘરમાં કહે તો બધાં દુઃખી થાય અને બીજાં કોઈને કહે તો બાપની આબરૂ જાય.
કશું ન સૂઝયું! બસ લાગી દોડવા....!
આંખો બંધ કરી માબાપની માફી માંગી ભગવાનને યાદ કર્યા, અને એક છલાંગ, થોડી વાર હવામાં રહ્યા પછી પાણીમાં એક મોટો ધુબાકાનો અવાજ આવ્યો જેમાં એક સુંદરતા ઓગળી ગઈ સાથેસાથે તેની અંદર આકાર લઇ રહેલો એક નાનકડો જીવ પણ.....!!
પાણી પર તરતી જતી એ લાલ ઓઢણી પાણી માં ઝૂકી ગયેલા એક વૃક્ષ ની ડાળખીમાં ફસાઈ અને ત્યાંથી છૂટવાનો પ્રયત્ન કરતી રહી.....!!!!
સમાપ્ત..
©. BHAVESH PARMAR. "આર્યમ્"