Khel - 18 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | ખેલ : પ્રકરણ-18

Featured Books
Categories
Share

ખેલ : પ્રકરણ-18

શ્રીને કસ્ટડીમાં 15-20 કલાક થઈ ગયા હતા. તે હજુ સુધી એમ જ શૂન્ય મનસ્ક જેલના સળીયાઓને અને નાનકડી બારીને જોઈ રહી હતી. પહેલીવાર જેલમાં હતી છતાં એના ઉપર લોખંડના સળિયા કે સુની ભીંતોની કોઈ અસર થતી નહોતી. ક્યારે આ જેલમાંથી મુક્તિ મળશે ક્યારે બહારની હવા લેવા મળશે એવો કોઈ પ્રશ્ન એના મનમાં જાણે થતો જ ન હોય એમ એ દીવાલને ટેકે સળિયા ઉપર નજર રાખી બેઠી હતી. કોઈ વ્યક્તિ અવાર નવાર જેલની હવા ખાવા ટેવાયેલ હોય તો એના ચહેરા પર પણ જેલમાં હોવાનો વિષાદ હોય તે શ્રીના ચહેરા પર ન હતો. બસ તે એકીટશે સળીયાઓને જોઈ કઈક ઊંડા વિચારોમાં ખોવાયેલ હતી. કદાચ પોતાના સાથે કોઈ ટ્રેચરી થઇ છે કે કેમ એ નક્કી કરવા ગડમથલ કરી રહી હતી. પ્રેમમાં જેને દગો કહેવાય વિશ્વાસઘાત કહેવાય અથવા લવ ચીટ કહેવાય તેનાથી તે હચમચી ગઈ હતી. તેનું દિલ તૂટી ગયું હતું. તેને ખુબ આઘાત લાગ્યો હતો.

રુદ્રસિંહ રાતની ફેરીમાં આવ્યા ત્યારે નવાઈથી શ્રીને જોઈ રહ્યા. આજ પહેલા કદાચ આમ જીન્સ ટીશર્ટમાં સજ્જ પોતાની દીકરીની ઉમરની યુવતીને કાળ કોટડીના સળિયા પાછળ આરમ ફરમાવતી નહોતી જોઈ. કદાચ એક પળ માટે એમનું મન એ માનવા તૈયાર ન થયું કે એ યુવતી કોઈ ગુનેગાર હોઈ શકે!! મનમાં થયું પૂછી લઉં કોણ છે તું? તારા કોઈ જાણીતા સગા કે સંબંધીને બોલાવીલે નહિતર ઉંમર અહીં દીવાલો વચ્ચે જ પુરી થઈ જશે પણ શ્રી બેફામ બેઠી હતી એ જોઈ રુદ્રસિંહે મનનો વિચાર મનમાં જ રાખ્યો.

પોતે એને કઈ કહેવા ત્યાં રોકાયા છે એવું ન લાગે એ માટે ખિસ્સામાંથી સિગારેટનું પેકેટ નીકાળી એક સિગારેટ સળગાવી. એક ઊંડો કસ લઈ એ બહાર નીકળી ગયા.

શ્રી જેવી છોકરી, યુવાન, મોડર્ન દેખાતી, ચહેરો જોતા ઊંચા ખાનદાનની હોય એવું સ્પષ્ટ દેખાતું હતું, એવી છોકરી આ રીતે મૂંગી રહી જેલમાં શુ કામ રહે? શું જમાનો એટલો આગળ વધી ગયો છે કે આવી ફૂલ જેવી કોમળ યુવતીઓ પણ ગુના અને અપરાધ જેવા શબ્દોથી પરિચિત થઇ ગઈ છે? એ પ્રશ્ન મનમાં હતો ત્યારે રુદ્રસિંહ એ પણ ભૂલી ગયા કે પોતે સિગારેટ પીતા પીતા મનુંના ટેબલ સુધી પહોંચી ગયા હતા.

"અંકલ આ શું કરો છો તમે?" એકાએક મનુનો ઠપકો સંભળાયો ત્યારે જ રુદ્રસિંહને સમજાયું કે પોતે શુ ભૂલ કરી.

આદિત્યના મૃત્યુ પછી રુદ્રસિંહે સિગારેટ ઉપર કાબુ ગુમાવી દીધો હતો. માત્ર સિગારેટ જ નહી પણ પોતાના ખાસ્સા એવા સ્વભાવ પરથી પણ કાબુ ગુમાવી નાખ્યો હતો. જાણે એ જુનો રુદ્રસિંહ રહ્યો જ ન હોય! દિવસે દિવસે વ્યસન હાવી થવા લાગ્યું હતું પણ મનું એમને ક્યારેય સિગારેટ પીવા દેતો નહિ એટલે મનુંની ગેરહાજરીમાં એ પી લેતા.

"કઈ નહિ બેટા એમ જ...."

"ચાચું તમારી સિગારેટ પીવાથી કે વિચારવાથી મી. આદિત્ય પાછા નથી આવવાના તો શું કામ આ બધું? અમારા માટે તો સમજો તમે."

અર્જુન રેડ્ડીની ગરાજના પાછળના ભાગે ધડાકો થયો અને આદિત્ય એમાં કઈ રીતે શહીદ થયા. એમની બોડી પણ ઓળખાય એવી નહોતી રહી, રુદ્રસિંહને મી. બક્ષીએ માંડ સંભાળ્યા હતા એ દ્રશ્ય આંખો સામે તાજું થઈ ગયું.

"મનું......" નિરાશ થઈ રુદ્રસિંહ ચેરમાં બેઠા.

"ચાચું શુ થયું?" મનુએ જોયું રુદ્રસિંહ માટે વર્ષો જૂની એ ઘટના જાણે હમણાં જ થઈ હોય એટલું દુઃખ એમના ચહેરા ઉપર છવાયું. પહેલા તો થયું મી. આદિત્યની હકીકત આજે કહી જ દઉં પણ બીજી જ પળે આદિત્યને આપેલું વચન યાદ આવ્યું. પોતે વચન આપ્યું હતું કે મી. આદિત્ય જીવે છે એ વાત રુદ્રસિંહને ક્યારેય નહીં જણાવે. મનું ધર્મ સંકટમાં હતો એક તરફ જીવતા આદિત્ય માટે રુદ્રસિંહ રોજ એ ગેરેજ સુધી જતા દુઃખી રહેતા, બીજી તરફ મનું જાણતો હતો કે આદિત્ય જીવે છે છતાં એ વાત કહી શકતો નહિ એ મનમાં જ બંને તરફ પીડાતો હતો.

"ચાલ હું જાઉં છું....." રુદ્રસિંહ ઉભા થઇ ગયા.

"ચાચું સ્માઈલ પ્લીઝ." હસીને મનુએ કહ્યું પણ એનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો. રુદ્રસિંહ કઈ જવાબ આપ્યા વગર જ બહાર નીકળી ગયા.

*

ઇન્સ્પેકટર મનું ક્યાંય સુધી એ દરવાજા સામે જોઈ બેસી રહ્યો. આખરે રુદ્રસિંહને ક્યાં સુધી એમ દુઃખી રાખવા? ક્યાં સુધી એ બધું ન કહેવું? મી. આદિત્ય પણ વિચિત્ર છે.

મનું હજુ વિચારોમાં હતો ત્યાં પૃથ્વી દેસાઈ એક સૂટવાળા માણસને કોલરથી પકડીને અંદર લઈ આવ્યો. પૃથ્વીના મજબુત હાથની પકડમાં રહેલ વ્યક્તિ પૃથ્વી કરતા એક્ષટ્રા ટ્વેન્ટી પાઉન્ડ હતો એમ લાગી રહ્યું હતું કે કદાચ એ વ્યક્તિ છૂટવાનો પ્રયાસ કરે તો એ પૃથ્વીને ઓવર પાવર કરી શકે તેમ હતો. પણ કદાચ ડર માણસને પોતાની શક્તિનો પૂરો ઉપયોગ કરતા રોકી લે છે અને એ જ ડર અત્યારે એ સુટ ધારી સજ્જનના ચહેરા પર ચોખ્ખો વર્તાઈ રહ્યો હતો.

"આ છે અક્ષય ચોકસી...." મનુંના ટેબલ આગળ એને ઉભો રાખતા પૃથ્વીએ પરિચય આપ્યો. પેલો ધ્રુજતો ઉભો રહ્યો. મનુએ તેની સામે પગથી માથા સુધી નજર કરી.

"તો તમે છો મી. ચોકસી સ્ટોન હોટેલમાં રેકેટ ચલાવનાર મહાત્મા? પોતાની દીકરીને ઉમરની યુવતીઓ પાસે ઈલીગલ કામ કરાવતા તમને શરમ નથી આવતી?"

ચોકસી નીચું જોઈને અબોલ ઉભો રહ્યો.

"આને અંદર કરવાનો અર્થ નથી મી. મનું." પૃથ્વીએ કહ્યું, “એનો વકીલ આવી એને છોડાવી લેશે.”

"વકીલ તો ત્યારે છોડાવશે જ્યારે વકીલને ખબર પડશે." મનુએ કાતિલ સ્મિત વેર્યું, "ઇલીગલ રિમાન્ડ ઉપર લઈ લો એને કોઈને જાણ કરવાની જરૂર નથી."

"પણ....."

"પણ શું? મારના નિશાન? આ અધમુવો થઈ જશે તો કોર્ટમાં શુ જવાબ આપવાનો એમ?"

"હા એજ સમસ્યા છે." ખૂન્નસથી પૃથ્વી બોલ્યો. પેલો ચોકસી મનોમન રાજી થતો હતો પણ એ આ ઇન્સ્પેક્ટરને બરાબર જાણતો નહોતો બીજી જ પળે એના ચહેરો ઉતરી ગયો જ્યારે મનુએ કહ્યું, "આને રિમાન્ડ ઉપર લેવાનો અને કોર્ટમાં કહેવાનું છે મી. ચોકસી અમને આ હાલતમાં જ મળ્યા હતા, બે ત્રણ સાક્ષી જોઈશે એજ ને? આપણા ઇન્ફોરમરમાંથી કોઈને પણ સાક્ષી બનાવી લઈશું. આપણી પાસે ઘણા ખબરી છે."

ચોકસીના કાન પાસે એ શબ્દો પહોચ્યા એ સાથે જ એના ચહેરા પરના ડરના ભાવ વધુ ઘેરા બની ગયા અને તે એકાએક ગભરાઈને મનુંના પગે પડ્યો એ જ સમયે જ્યાં ચોકસી ઉભો હતો એની સામેની દીવાલ ઉપર કંઈક અથડાયું અને ધડાકો થયો.

દીવાલ પર થયેલ એ મેટલ કોલીશન અને સ્પાર્ક જોઈ મનુને સમજતા વાર ન થઈ કે શું થઇ રહ્યું હતું.

પૃથ્વી પણ જાણે એ એક દ્રશ્યમાં પૂરું ફિલ્મ જોઈ લીધું હોય એટલું જાણી ગયો. એ ઝડપથી દરવાજાની દીવાલ પાસે ચોંટી ગયો, એ જ સાથે બીજો એક તેઝ લીશોટો તે એકાદ પળ પહેલા જ્યાં હતો ત્યાંથી પસાર થયો હોય તેમ લાગ્યું. પોલીસ સ્ટેશન પર હુમલો જોઇને પૃથ્વીનું મન એ માનવા તૈયાર જ ન થયું પણ બધું તેની નજર સામે થઇ રહ્યું હતું એટલે તેને નકારવાનો પણ કોઈ અર્થ ન હતો. તેને દરવાજા પાછળ ચોટી રહીને જ જરાક બહાર ડોકિયું કર્યું. બહારના ભાગે રહેલ માણસ તેને બરાબર તો ન દેખાયો કેમ કે એ પણ પોતાની જાતને બને તેટલી કવર કરીને ઉભેલ હતો ઉપરથી તેનો ચહેરો પણ માસ્ક વડે ઘેરાયેલ હતો પણ પૃથ્વીને એટલી તો ખાતરી થઇ જ ગઈ કે હુમલાખોરના માથા પર બહુ ઓછા વાળ હતા, કમસેકમ તેને જુવાનીમાં જેટલા વાળ હોવાનું સપનું જોયું હશે તેનાથી તો ઓછા જ.

મનુંએ પેલા ચોકસીને નીચે જ દબાવી રાખ્યો, આગળનું ટેબલ આડું કરી દીધું. ચોકસી હજુ કઈ સમજ્યો નહોતો. એ બે હાથ કાન ઉપર માંડીને ટૂંટિયું વાળી ટેબલ આડે પડ્યો રહ્યો. મનુંએ ઈશારો કરી એને ચૂપચાપ ત્યાં ચત્તા સુઈ જવા કહ્યું. ડાહ્યા માણસની જેમ ચોકસીએ સૂચના મુજબ કરવા માંડ્યું.

પૃથ્વી દરવાજાની નજીક હતો અને જાણતો હતો કે તેની પોજીશન મુજબ બહાર કેટલા માણસો છે એ જાણવાની અને જણાવવાની જવાબદારી એના ભાગે આવતી હતી. કદાચ આવા હુમલા સમયે ટીમ વર્ક કોને કહેવાય તેની સાચી સમજ મળી જતી હોય છે.

પૃથ્વીએ એ જ ચાલાકી અને સાવચેતી પૂર્વક બીજી નજર ફેરવી અને એ ઓછા વાળ ધરાવતા માણસથી જરાક દુર ડાબી તરફ એક વેનને અઢેલીને ઉભેલ બીજા વ્યક્તિ પર તેનું ધ્યાન ગયું, તે વ્યક્તિનો ચહેરો પણ સંપૂર્ણ માસ્કથીં ઢંકાયેલ હતો પણ પૃથ્વીના અનુભવે તેને એક પળમાં જણાવી દીધું કે એ વ્યક્તિ પહેલા વ્યક્તિ કરતા યુવાન હતો અને કદાચ તે પહેલા વ્યક્તિ કરતા થર્ટી પાઉન્ડ લેસ હોય તો નવાઈ ન કહેવાય.

પૃથ્વીની નજરને ત્રીજા મહેમાનનું લોકેશન શોધતા પણ ખાસ વાર ન લાગી. પૃથ્વી દેસાઈની અનુભવી આંખોએ પોલીસ સ્ટેશન બહાર પાર્ક કરેલ સુમો પાછળથી ડોકિયું કરી રહેલ યુવકને અને તેની ઉમરને જાણવામાં ખાસ વાર ન થઇ. તે લેટ ટ્વેંટીનો હોય તેવું લાગ્યું, કદાચ પૃથ્વીને ચહેરો જોયા વિના જ વ્યક્તિને તેની બોડી લેન્ગવેજ પરથી જાણી લેવાનો અનુભવ હતો.

મનુએ કમર ઉપર લટકતી ગન ખેંચી ત્યાં પૃથ્વીનો અવાજ સંભળાયો, "ત્રણ દેખાય છે."

"કોની નોબત આવી હશે મરવાની?" બબડી એ પણ દરવાજાની દીવાલ સાથે ચંપાઈ ગયો.

"બધા કોન્સ્ટેબલ ક્યાં છે પૃથ્વી?" મનુ અને પૃથ્વી જયારે એકલા હોય ત્યારે એક બીજાને માન ન આપતા. બંને મિત્રો જેમ જ રહેતા. પૃથ્વી તેના કરતા ઉમરમાં ખાસ્સો મોટો હતો છતાં બંને વચ્ચે દોસ્તી હતી.

"બંધોબસ્તમાં છે..."

"તો મતલબ હુમલો કોઈએ પ્લાનીંગથી કર્યો છે?"

"મને પણ એવું જ લાગે છે, ખેર મરવાનો કોઈને શોખ હોય તો આપણે શુ કરીએ?" હસીને પૃથ્વી બાજુવાળી રૂમમાં દાખલ થયો, “હું પાછળથી જાઉં છું.”

હકારમાં માથું હલાવી મનુંએ પેલા અજાણ્યા હુમલાખોર ઉપર બે રાઉન્ડ ગોળી છોડી. મનુએ ગોળી છોડી ફરી શિલ્ડ લેવામાં જો જરા સરખી પણ વાર કરી હોત તો સામેથી આવેલ જવાબરૂપ વળતી બુલેટે તેના ચહેરાના નકશાને બદલી નાખ્યો હોત. ફરી એ જ દીવાલ પર મેટલ અથડાયાનો રણકાર અને સ્પાર્ક નજરે ચડ્યા.

પૃથ્વી અંદરના રૂમમાંથી પાછળના હોલમાં દાખલ થઈને છત ઉપર પહોંચી ગયો. ઉપરથી અંધારું હતું કોઈ પૃથ્વીને જોઈ શકે એમ નહોતું એટલે આસાનીથી પૃથ્વીએ પેલા ત્રણેય હુલખોરને જોઈ લીધા. ત્રણેયના ચહેરા ઉપર બુકાની હતી. પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરવો એ કોઈ નાની વાત નહોતી. આ રીતે માત્ર ત્રણ માણસો દ્વારા હુમલો કરવો એ નવાઈની વાત હતી પણ અત્યારે તો એ ત્રણેયને ઠાર કરવાની જરૂર હતી.

ત્રણમાંથી એક પોલીસ વેનની પાછળ હતો. એક છેક દરવાજે એક ઝાડની આડશમાં હતો અને એક સ્ટેશનની વચ્ચેની ભીત આગળ હતો. એમાંથી એકને પણ મનું નિશાન ઉપર લઈ શકે એમ ન હતો પણ પૃથ્વી એ ત્રણેયને શૂટ કરી શકે એમ હતો. છતાં એક ખોટું પગલું ભારે પડી શકે એમ હતું. ઘણું વિચાર્યા પછી પૃથ્વીએ છેક દરવાજે (ગેટ) પાસે ઉભા હુમલાખોરને શૂટ કરવાનું નક્કી કર્યું જેથી આગળના બંને એમ સમજે કે પાછળથી પોલીસે હુમલો કર્યો છે અને બહાર આવી જાય એ સમયે મનું બંનેને શૂટ કરી શકે.

પૃથ્વીએ પેલા દરવાજે ઝાડ પાછળ ઉભો હતો તે વ્યક્તિની બહાર આવવાની રાહ જોઈ. એને શૂટ કરતા પહેલા તેણે બધો અંદાજ કાઢી લીધો. મનું જ્યારે ચોકસીને ટેબલ પાછળ સેફ કરીને પોતાની નજીક આવ્યો ત્યારે મનુને કવર આપવા પોતે બે ગોળી બગાડી હતી અને હમણાં સુધી મનુએ બે રાઉન્ડ છોડ્યા હતા એટલે કે મનુંની ગનમાં હવે બે ગોળી જ બાકી હશે. જો મનુની એક પણ ગોળી ચુકી જાય તો મનું માટે ભારે થઈ પડે. આમ તો મનું બે ગન રાખતો પણ સ્ટેશનમાં કદાચ બીજી ગન ટેબલના ખાનામાં મૂકી હોય તો?

પૃથ્વીએ સાચવીને નિર્ણય કર્યો એ મુજબ પેલો ઝાડની આડશ છોડી બહાર નીકળી મનું જ્યાં હતો એ તરફ ત્રીજો રાઉન્ડ ચલાવવા ગયો ત્યારે પૃથ્વીએ ટ્રીગર દબાવ્યું અને ધાર્યા મુજબ જ એક ચીસ સાથે એ લેટ ટ્વેંટી ઢળી પડ્યો. સાથે પેલા બે એમ સમજ્યા કે પાછળથી કોઈએ હુમલો કર્યો છે એટલે એક વેન પાછળથી અને બીજો વચ્ચેની ભીત પાસેથી ખસવા લાગ્યા, એ જ સમયે વેન પાસેથી બીજી જગ્યાએ ખસતા માણસને મનુની બુલેટે ભરખી લીધો અને પેલા ભીત પાસેથી બીજી સેફ જગ્યાએ ખસવા મથતા માણસને પૃથ્વીએ શૂટ કરી દીધો.

પૃથ્વીએ જોયું તો દરવાજે એકાએક લાઈટ થઈ અને એન્જીન ચાલુ થવાનો અવાજ આવ્યો. પૃથ્વી તરત મનું જોડે પહોંચી ગયો.

"આર યુ ઓકે?"

"યસ."

મનુએ ટેબલ જોડે જઈને જોયું તો પેલો ચોકસી પડ્યો પડ્યો ધ્રૂજતો હતો. પૃથ્વીએ એને લાત ઠોકી અને બરાડ્યો, "બોલ **** આ બધા કોણ હતા? તને પકડતાની સાથે જ સ્ટેશન ઉપર હુમલો..?"

"એક મિનિટ પૃથ્વી." મનુએ પૃથ્વીને રોક્યો પેલા ચોકસીને પકડીને બાજુના રૂમમાં ધકેલી દરવાજો બંધ કરી દીધો.

આડા કરેલા ટેબલની બાજુમાં પડેલો ફોન ઉઠાવી નંબર ડાયલ કર્યો.

“હેલો ઇન્સ્પેકટર મનુ સ્પીકિંગ....”

“યસ મી. મનુ બોલો..” સામેથી કોઈ અવાજ આવ્યો.

“અહી મારા સ્ટેશન ઉપર હુમલો થયો છે મારે વધારે પોલીસની જરૂર છે.”

“વોટ? પોલીસ સ્ટેશન ઉપર હુમલો? આર યુ સીરીયસ મી. મનુ?”

“તમને શું હું જોકર લાગુ છું?” મનુ થોડો વીફર્યો.

“નહિ પણ... પણ સ્ટેશન ઉપર હુમલો થાય એ તો માનવામાં આવે તેવું નથી એટલે...”

“પણ અહી હુમલો થયો છે તમે જલ્દી એક ટીમ હથિયાર બંધ ટીમ અહી મોકલો.” મનુએ રીસીવર ક્રેડલ ઉપર મુક્યું પૃથ્વી સામે જોયું તે હજુ ગુસ્સામાં હતો. મનુએ ફરી રીસીવર ઊંચક્યું અને બીજો નંબર ડાયલ કર્યો.

“ઇન્સ્પેકટર મનુ સ્પીકિંગ મારા સ્ટેશનમાં એક એમ્બ્યુલન્સની ઈમરજન્સી જરૂર છે.” કહી એણે રીસીવર ક્રેડલ ઉપર પછાડ્યું અને ઉંધી વળેલી ખુરશી સીધી કરીને તેમાં બેઠો.

પૃથ્વી પેલા ચોકસી ઉપર વિફર્યો હતો પણ એનો અંદાજ ખોટો હતો. રેકેટ ચલાવનાર હોટેલ માલીક પોલીસ ઉપર હુમલો કરે એ શક્ય નહોતું.

"આ તું શું કરે છે મનું? એને રૂમમાં પુરવાને બદલે મારવાની જરૂર છે." કોઈ હાજર ન હોય ત્યારે પૃથ્વી ઇન્સ્પેકટર મનુને મનું જ કહેતો

"પૃથ્વી આ કામ એનું નથી આ રીતે સ્ટેશન ઉપર હુમલો કરવો કોઈ નાની બાબત નથી. હુમલાખોરને ખબર હતી કે સ્ટેશન ખાલી છે, આ પ્લાન એકાદ કલાકમાં ન ઘડાય કમસેકમ એક દિવસ લાગે." પેલું ટેબલ સીધુ કરતા મનુએ કહ્યું.

પૃથ્વીના મનમાં ઝબકારો થયો. એકાદ કલાક પહેલાં ચોકસીને એરેસ્ટ કર્યો એટલી વારમાં એના કોઈ માણસ કઈ રીતે ખાતરી કરી શકે કે સ્ટેશન ખાલી છે, પોલીસ બંધોબસ્તમાં ગઈ છે, એ બધું ખાતરી કરતા સમય લાગે. મનું ઠીક કહે છે આ કામ કોઈ બીજી વ્યક્તિનું છે.

એમ્બ્યુલન્સનું હોર્ન વાગ્યું એટલે બંને બહાર નીકળ્યા. પેલી ત્રણ ડેડ બોડી ઉઠાવી એમ્બ્યુલન્સમાં ગોઠવી, બધાની બુકાની નીકાળી ચહેરા જોઈ લીધા પછી એમ્બ્યુલન્સ રવાના કરી દીધી.

થોડીવારમાં પોલીસની એક વેન પણ આવી પહોંચી. પૃથ્વીએ સ્ટેશનના ખૂણે ખૂણે કોન્સ્ટેબલ ગોઠવી દીધા. દરેક કોન્સ્ટેબલને શુ ઘટના ઘટી છે એ જણાવી બરાબર સૂચના આપી પછી બંને અંદર પરત ફર્યા.

પૃથ્વી અને મનું બંને વિચારવા લાગ્યા. મનુની આંગળીઓ ટેબલ ઉપર ફરતી હતી. પૃથ્વી પેપર વેઇટને ગોળ ગોળ ફેરવવા લાગ્યો.

“કોણ હોઈ શકે મનુ?”

"પૃથ્વી, શહેરમાં મારા હજાર દુશ્મન છે એમાંથી કોઈ પણ હોઈ શકે." મનુએ કહ્યું.

ગોળ ગોળ ફરતા પેપર વેઇટ ઉપર હાથ મૂકી એને રોકતા પૃથ્વીએ કહ્યું, "ઇમ્પોસીબલ, કોઈ દુશ્મન આ રીતે સ્ટેશન ઉપર શુ કામ હુમલો કરે? તું દિવસ રાત એકલો ફરે છે આજ સુધી કોઈએ તારા એકલા ઉપર હુમલો કરવાની હિંમત નથી કરી તો સ્ટેશન ઉપર હુમલો કરવો એ વાત શક્ય જ નથી."

"તો કોણ હશે એ લોકો? માત્ર ત્રણ જ કેમ?"

"ત્રણ નહિ બીજા પણ હતા...."

"શુ? બીજા પણ?"

"હા મનું એક ગાડી સ્ટેશન બહાર હતી. અહીં અંદર ત્રણેયની ચીસ સાંભળી એ લોકો રવાના થઈ ગયા."

"તો આયોજન એવું હશે કે પહેલા અંદર ત્રણ શૂટર દાખલ થાય અને સ્ટેશન ઉપર કબજો કરી લે તો પછી બાકીના લોકો અંદર આવે અને જે કામ કરવું હોય....." એકાએક મનું અટકી ગયો, ટેબલ ઉપર હાથ પછાડી બોલ્યો, "માય ગોડ મતલબ અહીંથી કોઈને એ લોકો ઉઠાવી જવા આવ્યા હતા."

"પણ એવું કોણ હોઈ શકે?" પૃથ્વીને હવે મામલો વધારે ગંભીર લાગવા લાગ્યો, "એવી કઈ વ્યક્તિને ઉઠાવવા એ લોકો સ્ટેશન ઉપર હુમલો કરે? મોતનું જોખમ ઉઠાવે?"

"અહીં કાચા કામમાં કોણ કોણ છે? લિસ્ટ લાવ પૃથ્વી."

મનુએ કહ્યું એટલે તરત પૃથ્વીએ ઉભા થઇ તિજોરીમાંથી કાચા કામની સજા ભોગવતા માણસોના લિસ્ટવાળું રજીસ્ટર લાવ્યું. બંને એ રજીસ્ટર જોવા લાગ્યા.

"પણ મનું આ રજીસ્ટર તો મોટું છે એમાંથી કઈ અંદાજ મેળવી શકાય એવું મને નથી લાગતું." પૃથ્વી જાણે હળાહળ નિષ્ફળતા મળી હોય એમ ગીન્નાયો.

"પાછળના અઠવાડિયામાં થયેલી એન્ટ્રી જ જોવાની છે પૃથ્વી કેમ કે આગળની જે એન્ટ્રી થઈ છે એમાંથી પચાસ ટકા છૂટી ગયા છે અને બાકીના કેદીઓને બીજી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે."

પોતે એ વાત કેમ ભૂલી ગયો એના ઉપર મનોમન ખુદ ઉપર ચિડાઈ પૃથ્વીએ હકારમાં માથું હલાવ્યું, અને બંને છેલ્લા અઠવાડિયાની એન્ટ્રી જોવા લાગ્યા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky