ગુજરાત રાજ્યના બધા શહેરોની વાત કરીએ તો બધા શહેર ખૂબ જ સમૃદ્ધ અને ખુશાલ છે. આ બધા શહેરોમાનું એક એટલે શાંતિનગર.શાંતિનગર મા આશરે ૫૦ લાખની વસ્તી હતી. આ શહેરમાં રહેતા લોકો પણ ખૂબ જ શાંતિથી અને હળીમળીને રહેતા હતા. આ શહેરમાં તમામ સગવડતા હતી જેમ કે આધુનિક હોસ્પિટલની સુવિધા જેમાં ખૂબ જ હોશિયાર ડોક્ટર હતા. આ સિવાય શહેરમાં ઘણી બધી શાળાઓ, કોલેજો, એન્જિનિયરિંગ કોલેજો હતી. એમાંની એક એન્જિનિયરિંગ કોલેજ એટલે મહાત્મા એન્જિનિયરિંગ કોલેજ આ કોલેજ નું બાંધકામ વિશાળ જગ્યામાં થયેલું હતું. કોલેજ માં પ્રવેશવા માટે વિશાળ પ્રવેશદ્વાર હતું.ત્યાંથી સીધો રસ્તો કોલેજ બિલ્ડીંગ સુધી જતો હતો. જેની બંને તરફ ગાર્ડન અને વાહનપાર્કીંગ માટેની વ્યવસ્થા હતી. કોલેજ કેમ્પસ કે જેનું બાંધકામ ચાર માળનું કરેલ હતું. આ સિવાય કેમ્પસની પાછળની બાજુએ બોયઝ તેમજ ગર્લ્સ હોસ્ટેલ પણ આવેલી હતી. આખા શાંતિનગરમાં કોલેજ ખૂબ જ પ્રચલિત હતી. આ કોલેજમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.
પાર્થ,રાજ,કેયુર અને અંકિત પણ આ જ કોલેજમાં પોતાનું એન્જિનિયરિંગ કરતા હતા. તે હાલમાં બીજા વર્ષમાં હતા. તે બધા લગભગ ધોરણ નવ થી સાથે જ અભ્યાસ કરતા હતા. આથી તે બધા જ એકબીજાની સાથે એવી રીતે ભળી ગયા હતા જેમ કે તે બધા ભાઈઓ હોય. તે કોલેજના દરેક બાબતમાં અવ્વલ રહેતા જેમ કે ભણવામાં ટોપર, રમત-ગમતમાં, તથા મજાક મસ્તી કરવામાં પણ તે હમેશા આગળ રહેતા. આખી કોલેજમાં પ્રસિદ્ધ હતી. આ સિવાય તેના ગ્રુપમાં ત્રણ છોકરીઓ નો સમાવેશ પણ હતો. તે પણ આ બધા મિત્રો ની જેમ જ દરેક બાબતમાં અવલ્લ જ રહેતી. બીજા વર્ષના ચોથા સેમેસ્ટરની પરીક્ષાઓ આવી રહી હતી. જેથી બધા લોકો પોતાની તૈયારીઓ કરવા લાગ્યા. ખૂબ જ મહેનત ના અંતે વધારે સારી રીતે પરીક્ષાઓ આપી. આજે પરીક્ષા નો છેલ્લો દિવસ હતો. કાલથી પૂરા દોઢ મહિનાનું વેકેશન શરૂ થતું હોવાથી બધા બહુ જ ઉત્સુક હતા. રજાઓ કેવી રીતે પસાર કરવી તેની યોજનાઓ કોલેજના બધા વિદ્યાર્થીઓ બનાવતા હતા. જ્યાં જુઓ ત્યાં જ વિશે ચર્ચા થતી હતી.
“ આખરે આજે પરીક્ષા પૂરી થઈ ગઈ” પાર્થ.
“આવતીકાલથી વેકેશન પણ શરૂ થઈ જશે” રાજ.
“આ વખતે વેકેશન નો કોઈ કંઈ યોજનાઓ બનાવી છે કે પછી અહીં શાંતિ નગર ની ગરમીમાં જ વેકેશન પસાર કરવું છે” કેયુર.
“હું તો મારા મામાને ત્યાં જઈને મજા કરવાની છું” દિયા
“હું ફરવા માટે હિલ સ્ટેશન પર જવાનો છું” અંકિત
બધા પોત પોતાનો મત રજૂ કરતા ત્યારે કૃતિએ કહ્યું કે “તેના કરતા આપણે અલગ-અલગ જવા કરતા આપણે બધા એક જ જગ્યાએ જઈએ તો આમ પણ હમણાં વેકેશન છે અને બધા શહેરમાં રહી અને ગરમીના કારણે ઘરમાં ને ઘરમાં રહીને કંટાળી જઇશું”
“વિચાર તો સારો છે” પાર્થ.
“વિચાર તો સારો જ છે પરંતુ જઈશું કઈ જગ્યાએ! કોઈની પાસે કોઈ સ્થળની માહિતી કે જ્યાં ગરમી પણ ઓછી પડે અને ફરવાનું પણ હોય” રાજ.
બધા થોડીવાર વિચારતા બેસી રહ્યા. બધાએ પોતપોતાની રીતે અલગ અલગ મત આપવાનું શરૂ કર્યું, જેમકે કોઈએ કહ્યું કે કેરળ, કર્ણાટક બાજુ જઈએ. કોઈકે ગોવા, કોઈકે લેહ લદાખ, મનાલી, કાશ્મીર વગેરે જેવા અલગ-અલગ સ્થળો ના નામ જણાવ્યા અને ઘણી ચર્ચા વિચારણા પછી બધાએ લેહ, લદાખ, મનાલી બાજુ ફરવા જવાનું નક્કી કર્યું. કોઈપણ આ પહેલા ક્યારેય ત્યાં ગયું ન હતું. તેથી બધાં તૈયાર થયા. આગળ નું આયોજન કરવા માટે બધા આવતીકાલે કોલેજની બહાર આવેલા સેલીબ્રેશન કેફેમાં મળવાનું નક્કી કર્યું. ત્યાર બાદ બધા થોડીવાર ગપ્પા મારી ત્યાંથી પોતાના ઘરે જવા નીકળ્યા.
બીજા દિવસે સાંજે ચાર વાગ્યા આસપાસ બધા ફરીથી સેલિબ્રેશન કેફેમા ભેગા થયા. ત્યા ફરવા કઈ રીતે જવું તે બધી વાત નક્કી કરવા માટે પાર્થે બધાને પૂછ્યું “મિત્રો આપણે લેહ લડાખ, મનાલી જવાનું આયોજન તો કર્યું પણ અહીંથી ત્યાં કેવી રીતે જઈશું ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરવી પડશે......”
“એ બધાનું બુકિંગ ઓનલાઇન કરી નાખીશ. તમે લોકો ખાલી એ કહો કે આપણે ત્યાં સુધી ટ્રેનમાં જવું છે કે પ્લેનમાં?” રાજે પાર્થને વાત કરતા કહ્યું.
મારા ખ્યાલ મુજબ આપણે તો ટ્રેન માં જવું જોઈએ. કારણ કે ટ્રેઈનમાં મુસાફરી કરવાની મજા જ અલગ હોય છે” કૃતિ
“પણ એ માટે તો બુકિંગ અગાઉ કરાવવું પડે”. અંકિત
હું ચેક કરી લઉં છું કે આપણને ટ્રેનમાં બુકિંગ મળે છે કે નહીં? જો મળે છે તો કયા દિવસનું મળે છે” રાજ પોતાની વાત પૂરી કરી ટ્રેનનું બુકિંગ ચેક કરવા લાગ્યો.
થોડીવાર પછી રાજે બધાને જણાવ્યું કે “આપણા બધાનું બુકિંગ સાત દિવસ પછીનું થઇ ગયેલ છે. હોટેલનું ઓનલાઇન બુકિંગ હું સાત દિવસ પછી હું કરાવી લઈશ. તમે બધા ત્યાં જવાની તૈયારી શરૂ કરી દો.”
“ઠીક છે હવે બધા છ દિવસ પોતાની તૈયારી પૂરી કરો. હવે આપણે બધા ગુરુવારે રેલવે સ્ટેશન પર મળીશું”. પાર્થ
તેમના જીવન મા આવનાર આંધી થી બેખબર બધા કોફી પી પોતપોતાના ઘરે જવા રવાના થયા. અને આગળની મુસાફરી ની તૈયારી કરવા લાગ્યા.