હું ગામડાં ની શાળા માં ભણતો ત્યારની વાત છે,
હવે તો એનું નામ પણ બરાબર યાદ નથી.
બચપણથી જ બહુ રુપાળી હતી, એમાં પણ બે ચોટલી વાળી રિબન નું ફૂલ બનાવી ને આવતી ત્યારે તો એ કોઈ પરી જેવી લાગતી, અને ભણવામાં પણ એટલીજ હોશિયાર, દર વખતે પહેલો નંબર તો એ જ ખાઈ જતી.
પણ ખબર નહીં કેમ એ હંમેશા છેલ્લી બેન્ચ પર જ બેસતી.
હું ભણાવામાં ઠીક ઠીક હતો, પણ બેસવાનું તો પહેલી અથવા બીજી બેન્ચ પર જ કારણકે મારા મિત્રો પણ આગળ જ બેસતા.
કોઈ પ્રશ્ન એવો ન હોઈ કે જેનો જવાબ એને ન આવડતો હોઈ. સાહેબ જ્યારે પણ પ્રશ્ન પૂછતા તેની આંગળી તો ઉંચી જ હોય.
પછીથી મેં તો આંગળી ઉંચી કરવાનું જ બંધ કરી દીધું.
એક વાર અંગ્રેજી ના સાહેબે મને ઉભો કરી પૂછ્યું.
'અલ્યા કોડા, તને એકેય સ્પેલિંગ નથી આવડતો?'
મેં કહ્યું, 'બધા આવડે છે સર'
'તો હાથ ઊંચો કેમ નથી કરતો? હાથમાં કંઈ તકલીફ થઈ ગઈ છે?' કહી એ બરાડ્યા.
'ના, સાહેબ એવું તો નથી પણ, આંગળી તો ઘણા ઉંચી કરે છે, પણ સ્પેલિંગ તો બધા પેલી જ બોલે છે, તો આંગળી ઉંચી કરી સો ફાયદો.!'
પૂરું બોલવા પણ ન દીધું અને ચાલુ પડી ગયા, ધબાધબ ધીબી નાખ્યો મને.
આ પહેલી વખત માર ખાધો એના લીધે, પછી પણ ઘણી વખત ખાધો.
એકવાર છીપકલી છત પર બરાબર તેના માથે ફરતી રહી, મારુ ધ્યાન ત્યાં જ હતું.
'ભાવલા, ક્યાં ધ્યાન છે તારું, જરા કહેશો મેં હમણાં શું સમજાવ્યું?' ટીચરે મને ઉભો કરતાં પૂછ્યું.
'સાહેબ, પેલી છીપકલી પડે નહીં તે ધ્યાન રાખતો હતો.'
તે દિવસે ફરી ધીબાણો.
અમારા ગણિત ના સાહેબ બહુ જ ગુસ્સાવાળા હતા,
એક દિવસ પેલીએ બોર્ડ પર દાખલો ગણ્યો પણ જવાબ ખોટો આવ્યો જેના કારણે સાહેબે તેના હાથ પર ફૂટપટ્ટી થી માર્યું, ફૂટપટ્ટી તો તેના હાથપર પડી પણ પીડા મને થઈ.
મને સાહેબ પર બહુ ગુસ્સો આવ્યો.
મેં કહ્યું, 'સાહેબ દાખલો તો સાચો જ ગણ્યો છે ખાલી જવાબ જ ખોટો આવી ગયો' ને આખો ક્લાસ હસી પડ્યો અને તે પણ હસતી રહી.
તે દિવસે પાછો ધીબાઈ ગયો.
આમ ધીબાવાનો સિલસિલો ચાલતો જ રહ્યો.
હવે તો હાઈસ્કૂલ માં આવી ગયાં.
ઉંમર વધતાં આકર્ષણ નું સ્થાન વિજાતીય આકર્ષણે લીધું.
મનમાં ને મનમાં તેને ચાહતો રહ્યો, પણ કહેવું કેમ!
એ સમયે ગામડાં માં છોકરીઓ સાથે વાત કરવી એ તો બહુ મોટો ગુન્હો કહેવાતો.
બે એક વખત નિષ્ફળ પ્રયત્ન કર્યો ઈશારા માં સમજાવવાનો પણ મેળ ના પડ્યો, આડકતરી ચિઠ્ઠી પણ પહોંચાડી પણ એમાં મારુ નામ લખવાની હિંમત જ ન થઈ.
પછી શું, સમય જતો રહ્યો, વર્ષો વીતી ગયાં.
ઘણી વખત પ્રયત્ન પણ કર્યો સોશ્યલ મીડિયા પર શોધવા માટે.
હવે તો કદાચ તે ક્યાંય મળી જાય તો ઓળખાય પણ નહીં.
આમ ને આમ એક નાનકળી અને એકતરફી પ્રેમકહાની નો અંત આવી ગયો. નહીં તો આજે હું તેના પર એક નવલકથા લખી શક્યો હોત.
પણ પ્રશ્ન એ છે કે જો આ જ રીતે ધીબાઈ ધીબાઈ ને મારી કહાની આગળ વધી હોત તો? નવલકથા નો અંત શું હોઈ શકે!