PARAM GNANI PAMLO in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | પરમ જ્ઞાની પમલો

Featured Books
Categories
Share

પરમ જ્ઞાની પમલો

પમલો જન્મ્યો ત્યારે રડ્યો નહિ એટલે સૂયાણીએ એને બે પગ પકડીને ઊંધે માથે લટકાવીને પાછળ બે ચાર થપાટો ઠોકેલી. અને એ વખતે એણે એવો ઘાંટો પડ્યો કે છેક ગામના છેવાડે સુતેલા કૂતરા પણ ભડકીને ભાગેલા !! ત્યારબાદ એ સાત આઠ વર્ષ સુધી ગામની શેરીઓમાં કૂતરાની દોસ્તી કરીને રખડતો રહેતો.આખા ગામમાંથી રોટલા માંગી માંગીને એ કૂતરાઓને ખવડાવ્યા કરતો.
પમલાને જોઈને આખા ગામના કુતરાઓ એની પાછળ પૂંછડી પટપટાવતા અને એના પગ ચાટીને પગમાં જ આળોટી પડતા, ત્યારે પમલાને પોતે કોઈ મહાન સંત મહાત્મા હોવાનું ગુમાન થતું અને પોતાના દરેક ભક્ત કુતરાઓ પર એ અમી દ્રષ્ટિ વ્હાવ્યા કરતો. જટાશંકર ગોર થી માંડીને નાઝા ચમાર સુધીના દરેકને પમલાની જરૂર પડતી.પમલો દરેકનું કામ દોડી દોડીને કરતો.શરૂઆતમાં એને કામનું મહેનતાણું પણ મળે એવી સમજ નહોતી.પણ જ્યારે કોઈ કોઈ એને કામના બદલામાં બક્ષિસ આપવા લાગ્યું ત્યારે એને આ આવકનો મહિમા સમજાયેલો. ત્યારબાદ એણે દરેક કામ માટે ભાવ નક્કી કરી નાખ્યા હતા.બસ સ્ટેન્ડથી ઘેર સુધી સમાન પહોંચાડવાના દસ રૂપિયા અને વજન મુજબ વધઘટ, વાડીએ અલગ અલગ કામ મુજબ અલગ અલગ ભાવ હતા. પમલો દરેક કામ કરી જાણતો. હવે મફતમાં કામ કરવાનું એણે સાવ બંધ કર્યું હતું.કારણ કે લોકો એનો ઉપયોગ કરીને એને મૂરખ ગણે છે એ વાત એને સમજાઈ ગઇ હતી.
તે દિવસે તેના ખાસ પાળેલા જાફરા કૂતરા સાથે તે સીમમાંથી ગામ તરફ આવી રહ્યો હતો ત્યારે નાથા નાનજીના ખેતરના શેઢે કમલી ઘાસનું મોટું પોટકું બાંધીને ઉભી હતી.પોટકું એટલું વજનદાર હતું કે એ એકલી તેના માથે ચડાવી શકવા સક્ષમ નહોતી.એટલે કોઈ વટેમાર્ગુ નીકળે તો આ પોટકું તેના માથે ચડાવે એવી આશાએ એ ક્યારની વાટ જોતી ઉભી હતી.પણ બપોરનો સમય હોઈ સીમમાં સાવ સુનકાર હતો. વળી નાથા નાનજીના ખેતરમાંથી બપોર વચ્ચે ચોરોછુપીથી એણે આ ઘાસ વાઢી લીધું હતું જે નાથાભાએ એમના ઢોર માટે ઉગાડ્યું હતું.એટલે એ એવા કોઈની વાટ જોતી હતી કે જે વધુ પૂછપરછ કર્યા વગર પોટકુ ચડાવીને વે'તું પડે, અને કોઈને વાત પણ ન કરે.એને આવડું મોટું પોટકું બાંધવા બદલ પસ્તાવો થતો હતો જાતે જ ઉચકીને માથા પર મૂકી શકાય એટલું જ લીધું હોત તો સારું હતું એમ વારંવાર મનમાં વિચાર આવતો હોવા છતાં એ થોડું ઘાસ પોટકામાંથી કાઢી નાખવા તૈયાર નહોતી.કારણ કે મફતમાં મળતી વસ્તુ બને તેટલી વધુ ઉપાડી લેવાની માનવ સહજ લાલચ તેને એમ કરતાં રોકી રહી હતી.
પમલાને જોઈને એની આંખોમાં ચમક આવી.
"એ... ઇ.. પમાભઈ આ જરીક પોટકું માથે ચડાવોને ભઈલા..."
કમલીએ સાદ પાડીને કહ્યું.
પમલાએ એક નજરમાં જ તમામ પરિસ્થિતિ માપી લીધી.નાથા નાનજીના ખેતરમાથી બપોર વચ્ચે કમલીએ ઘાસનો મોટો ભારો વાઢી લીધો છે અને માથે ચડાવવા વાળાની વાટ જોવે છે.પમલાને ઘેર બાંધેલી બકરી યાદ આવી ગઈ.
"ભારો સડાવવાના પાંસ રૂપિયા અને નાથાકાકાને નો કહેવાના બીજા પાંસ.અને મારી બકરી હાટુ આઠ દહ કોળી ખડ દેવું હોય તો ભારો સડાવું.અને નો પોહાય ઇમ હોય તોય મારું મોઢું બંધ રાખવાના પાંસ તો થાહે જ, કારણ કે હું ભાળી જ્યો સુ અટલે છૂટકો નહિ તારો છોડી.." પમલાએ મેનુ જણાવી દીધું.
" લે.. વાયડીનો થા માં. ઇમ કંઈ કોઈ એકલી ઉભેલી બાઈનો લાભ નો લેવા મંડાય વળી."
"મેં ચ્યાં તારું બાવડું ઝાલ્યું સ, ભારો માથે મુકવો હોય તો ઝટ દહ રૂપિયા અને આઠ દહ કોળી ખડ દઈ દે, બાકી મારું નામ પમલો સે ઇ તો તને ખબર જ સ હસે, "
"પણ મારી કને દહ રૂપિયા ચયાંથી હોય વળી ? ભારો માથે સડાવી દે, પસી દઈ દશ " કમલી ને પમલાની વાત માનવી જ પડે તેમ હતી.
" પમલો ઉધાર રાખતો નથી ...."
"તો હાલતો થા, મારી કને ફદીયા હોવા તો જોવે ને.."
"તો ઇમ કર ગામના પાદર હુધી હું હારે હાલીશ, તારે પાદરેથી મને અડધું ખડ દેવું જોશે " પમાએ ગાળિયો મજબૂત કર્યો.
"ના, હો ગામ હુધી મારે ઉપાડવું નો પડે ? ઇમ કર્ય, આયા જ હું તને અડધું ગુડી દઉં છું બસ મારા બાપ ?" કમલીએ પમલાની ચૂંગાલ માંથી છૂટવા આખરે અડધું ખડ જતું કરવાની તૈયારી બતાવી, પણ પમલો જેનું નામ, ન માન્યો તે ન જ માન્યો. આખરે પમલાની શરત કબૂલ રાખીને કમલી ઘાસનું પોટકું માથે મૂકીને ચાલી. ગામના પાદરેથી પમલાએ રૂપિયા ન હોવાને કારણે કમલીનું અડધું ઘાસ પડાવી લીધું.
જટા ગોર પોતાને ખૂબ હોશિયાર પંડિત માનતા હતા.ગામમાં ગમે તેને ગ્રહનું નડતર બતાવીને મૂંડી લેતા. કોઈને પિતૃ નડાવતા, તો કોઈના મરી ગયેલા સ્વજનનું માંગણું ઉભું કરીને પોતાની કથાવાર્તા કરી નાખતા. પમલાએ એકવાર પોતાના લગનની વાત પૂછી તો જટાગોર પમલાનો હાથ જોઈને વદયા, " તારા ભાગ્યમાં કન્યા છે તો ખરી, પણ શનિ અને મંગળની વક્રદ્રષ્ટિ હોવાથી તારો મેળાપ થાવો અઘરો છે "
"પણ કંઈક ઉપાય તો હોય ને મારાજ ?" પમલાએ પૂછ્યું.
"આ જટા ગોર હોય એટલે ઉપાય હોય જ દીકરા. બે કિલો ઘી અને અગિયારસો રૂપિયા દક્ષિણા દઈ દે આટલે તારા જાપ કરીને શનિ અને મંગળની દ્રષ્ટિ સીધી કરી દઉં "
"પછી મને કન્યા મળી જાશે ઇમ ?" પમલાએ શંકા રજૂ કરી.
"ઈમાં કોઈ શંકાને સ્થાન જ નથી "
"પણ મારી જેવો રખડેલ માણહ અગિયારસો રૂપિયા અને બે કિલો ઘી ચયાંથી લાવે ? કાંઈ ઓસુ નો થાય ? કન્યા ભલે કાળી હોય તોય આપડે હાલશે, પણ આ દક્ષિણામાં કાંક ઓસુ...." પમલાએ ભાવતાલ કરતા કહ્યું.
"તો એક કિલો ઘી અને પાંચસો અગિયાર દે તો મંગળને એકને ફેરવું , કન્યા જરીક ખોડખાંપણ વાળી મળશે "
"ના,ના એટલા બધા તો નો થાય."
"તો ઇમ કર્ય, ઘી નો દેતો, ખાલી પાંચસો દેજે હું શનિને થોડો હમજાવીશ "
"તમારી માસીના દીકરા સે ઇવડા ઇ બે'ય ? " પમલાની ધીરજ જવાબ આપી ચુકી હતી
"અમારી જેવા અબુધ ગામડિયાવને ઠગવા હાટુ વિદ્યા ભણ્યા સો મારાજ ? સાવ બુધી વગરના જ હમજતા હશોને ? હવે જોવ સુ તમે કેવીક કથા વારતા કરો સો ઇ. અને તમને કઈ દવ કે મારા લગ્ન તો હું ઘોડિયામાં હતો તે દિ થઈ જ્યા સે. મારી વહુનું નામ મંગુ. આવતા વરહે આણું તેડીને લાવવાનો સુ. હાલી જ નીકળ્યા સો તે "
જટા ગોરે ગાડી ટોપ ગિયરમાં નાખીને ભગવામાં જ શાણપણ જાણ્યું.
પમલો પણ ત્યાંથી જટાગોરની ચોટલી પકડીને નાક ભોંય પર અડાડવા નું પણ લઈને ચાલ્યો ગયો.બીજા દિવસથી જટાગોરનો પીછો કરવાનું શરૂ કર્યું. તેના પાળેલા ઝાફરા કૂતરાએ જટાગોર સામે જંગ આદર્યો. જટાગોરની કથા જ્યા ચાલતી હોય ત્યાં ઝાફરો અને પમલો પહોંચી જતા.
"વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સંપ્રભ.." જટાગોર શ્લોક ઉચ્ચારે એટલે તરત જ ઝાફરો આકાશમાં જોઈને જાણે કે ગણપતિને વિનવતો,
" વા..ઉ....ઉ..વા.ઊં..ઊં..હું.ઉ..ઉ.."
"શબાષ, ઝફરા શાબાષ..." પમલો જોરથી એને બુચકારતો.
"નિરવિઘ્નમ કુરમેદેવો સર્વ કાર્યએ સુ ...."
"વા..ઉ..ઉ..વા..ઉ...ઉ..હું.ઉ.ઉ...."ઝાફરો જટાગોરના સુરમાં જ ગાંગરતો. કથા સાંભળવા આવેલ સૌ કોઈને રમૂજ પડતી.કોઈ શ્રધ્ધાળુએ પમલાને ચાલ્યા જવા કહ્યું તો પમલાએ કૂતરો પરમ ગનાની હોવાની વાત કરી.
" આ કૂતરો ઓલા ભવમાં જટાગોરનો પિતરું હતો, અને ઇ હનધાય સલોક જાણે સે.."
અજ્ઞાની અને અંધશ્રધ્ધાળુ લોકોને વાત પણ ગળે ઉતરી ગઈ. કોઈએ ફૂલોની માળા ઝાફરાના ગળામાં પહેરાવી.વળી કોઈએ કુતરાને પગે લાગીને રૂપિયો દક્ષિણા મૂકી. જટાગોરની કથામાં ભંગાણ પડ્યું. પમલાને બેઠી આવક થઈ ગઈ.અને ઝાફરો જટાગોરના પિતૃ તરીકે પ્રસ્થાપિત થયો.આખરે જટાગોરે પમલાને બે કિલો ઘી , અગિયાર સો રૂપિયા રોકડા અને બે મણ બાજરો આપ્યો. અને પમલાએ ગોરના ઘેર આવીને તુલસીના પાન અને પાણી લઈને કોઈને ન છેતરવાની પ્રતિજ્ઞા લેવડાવી ત્યારે એમનો છુટકારો થયો.
ભાઈચંદ પારેખની હાટડી ગામના ચોરા પાસે હતી ત્રાજવાના તળિયે એમણે તોલ માં ઓછું આપવાની દાનતને કારણે લોહચુંબક ચોંટાડેલુ તે એકવાર પમલાની નજરે ચડી ગયું. પમલો એના ઝાફરાને લઈને દુકાનના ઓટલે ચડીને બેસી ગયો.જાફરાની ડોકે પમલાએ હાથ ફેરવ્યો એટલે એણે ચાલુ કર્યું
" હું..ઉ..ઉ.ઉ.. હાઉ હાઉ હાઉ...."
"અલ્યા એઇ, કપાતર તું આંય આ કૂતરાને લઈને શીદ આવ્યો છો, આમ હાલતીનો થા અહીં થી " શેઠ ગુસ્સે થઈને તાડુંક્યા.
"ઇમ નો હોય શેઠ, આ કૂતરો ગનાની છે" પમલાએ જાફરાની મહત્તા શેઠને જણાવી.
"હવે, ગનાની નો દીકરો થયા વગર હાલતીનો થા, નકર હમણે અડબોથ ભેગો ધૂળ ચાટતો થઈ જાશ, ભાઈચંદ પારેખની દુકાનનો ઓટલો તારા જેવા બે બદામના રખડેલ સાટું નથી, ઉઠ અહીંથી.."
શેઠ પમલાની કારીગીરી જાણતા નહોતા એટલે તાડુંક્યા.
પમલો શેઠની લાલ આંખ જોઈને ઘડીક ડરી ગયો.પણ શેઠના ત્રાજવા નીચે ચોંટેલું લોહચુંબક તેની વહારે આવ્યું.તેણે જાફરાને ફરી બુચકાર્યો.જાફરો પોતાનો શ્લોક બોલ્યો, " હું...ઉ..ઉ..હાઉ ..હાઉ.."
"શેઠ, જાફરો કેય સે કે તમે ઘરાકને વજનમાં ઘાલમેલ કરીને ઓછું જોખો છો .." પમલો પોતાને કહેવાની વાત જાફરાના માધ્યમથી કહેવામાં હોશિયાર થઈ ગયો હતો.શેઠને ધ્રાસકો પડ્યો.એની અસર એમના મોં પર પર થઈ. હજુ એ કંઈ ખુલાસો કરે તે પહેલાં જાફરો ફરી ગાંગર્યો..હું..ઉ..હું..ઉ..વાઉ.. વાઉ..
"શેઠ, ઇ કયે સે કે ત્રાજવા હેઠે કંઈક તમે ચોંટાડયું..."
"અલ્યા, આ કૂતરાની ભાષા તું સાચોસાચ સમજશ કે ? હાળું લાગે તો સે જાણકાર.." શેઠ પોતે પકડાયા હોવા છતાં આ કૂતરાને ઉપયોગમાં લઈ કંઈક ફાયદો કરવાની લાંબી વેતરણ મનોમન ગોઠવવા લાગ્યા.
" જાફરો જટા ગોરનો પિતરું સે, શેઠ. અને ઇ પરમ ગનાની સે.તમે તરાજવા હેઠળ ઓલ્યું લોયચમક સોટાડીને ઓસુ જોખો સો ઇમ ઇ કેય સે, હવે મને પસાસ રૂપિયા આલો અને આ જાફરાને તો શેરો કરીને ખવડાવવો જોહે નકર પંસાત (પંચાયત) માં જઈને સરપંસ ને કેવાની વાત કરે સે " પમલાએ પોતાનું "ગનાન" રજૂ કર્યું.એટલે જાફરાએ પણ શેઠ સામે ઘુરકિયું કર્યું, " હું.. હું. .હું. "
"અલ્યા, પમલા મેં પૂછ્યું ઇનો જવાબ દે ને, આ કૂતરું ખરેખર ..?"
"પેલા મારા પસાસ અને જાફરના શેરા માટે બીજા પસાસ દઈ દો પસી બીજી વાત.." પમલાએ પોતાની ફી માંગી.
ભાઈચંદ શેઠે તરત જ સો ની નોટ પમલાને આપી દીધી. "લે, મૂંગો મરજે, અને આ કૂતરાને લઈને રાતે દુકાનના પાછળના ભાગે આવેલી આપણી ગોદામમાં (ગોડાઉન) આવજે, હાલ નીકળ હવે આંય થી, હમણે તારો ડોહો કોક આવશે તો મારી પોલ ખુલશે, ઉપડ હાલ્ય, અને રાતે ભૂલતો નઈ.."
પમલો સો ની નોટ ખિસ્સામાં નાખીને જાફરાને લઈને ત્યાંથી ચાલ્યો ગયો.
અડધી રાતનો સમય વિત્યે પમલાએ શેઠની ગોદામના નળિયાં ઉપર કાંકરી નો ઘા કર્યો એટલે તરત જ શેઠે ડેલી હળવેથી ઉઘાડીને જરાક પણ અવાજ ન થાય તેમ પમલાને અને જાફરાને અંદર લીધા.
"જો, પમલા, તારી બધી જ કરામત હું જાણું છું એટલે તું મારી આગળ તારી હોશિયારી ર'વા દેજે હમજ્યો. આ તો મારે તારા જેવા ચાલક માણસનું કામ છે એટલે તને આવા સમયે બોલાવ્યો છે તારું અને મારું બેયનું કામ થાય અને બેયને લાભ થાય. બાકી આ તારા કૂતરાની પાછળ પેટ્રોલનું પોતું લગાડીશને તો ગામની બજારમાં ઠાઠું ઢહડી ઢહડી ને મરી જાય, અને તાલુકાના ફોજદાર ભીમા ભૂતને ઈશારો કરું ને તો તારી પૂંઠ પણ બેહવા લાયક તો નો જ રે હું હમજ્યો ?" ભાઈચંદદાસે ભાઈગીરી ચાલુ કરતા કહ્યું.
" તે ઇમ કરો શેઠ, પેટ્રોલનું પોતું લેતા આવો, હું જાફરાને પકડી રાખું , તમારી માં એ સવા શેર સુંઠ ખઈ ને તમને જનમ દીધો હોય તો અખતરો કરી જોવો, પસી તમે સવો અને જાફરો સે " પછી જાફરાને બુચકારીને ઉમેર્યું, " આવડી રાતે આ હાટુ આંય કણે (અહીંયા) મને બોલાવ્યો સ ?"
પમલાને બગડેલો જોઈ ભાઈચંદ શેઠે બાજી સાંભળી લેતા કહ્યું, "અરે ભલા માણસ તું તો ખોટું લગાડી બેઠો. હું તો અમથો જ કહું છું, સાંભળ વાત ઇમ છે કે તારે બે પૈસા કમાવા હોય તો બોલ "
"હું બે પૈહા કમઉ તો તમે ચાર કમાહો ખરું ?" પમલો પણ સાવ બુદ્ધિ વગરનો નહોતો જ.
" તે ઇ તો ઇમ જ હોય, તું તારા બે પૈસાનો વચાર કર્ય ને ભાઈસાબ, બહુ દોઢડાયું થયા વગર.." ભાઈચંદને પણ ગુસ્સો આવતો હતો.ડફોળ ધારેલો માણસ જ્યારે હોશિયાર નીકળે ત્યારે સ્વાભાવિક રીતે જ એની સાથે કામ પાડવા બદલ મનોમન પસ્તાવો થતો જ હોય છે.ભાઈચંદને પણ આ છછૂંદર સાથે કામ પાડવા બદલ પસ્તાવો થતો હતો.પણ લાલચ બુરી ચીજ છે ને ! પમલા જેવો રાત દિવસ રખડનારો અને આખા ગામની સીમના ખૂણે ખૂણાનો જાણકાર પોતાનો ચાકર બની જાય તો એ ધારદાર હથિયાર જ સાબિત થાય તેમ હતું. અને પમલાને બે પૈસાની લાલચ આપીને પોતાનું હથિયાર બનાવવાની યોજના ભાઈચંદે ઘડી હતી.પમલો એવું હથિયાર બની શકે તેમ હતો કે જે ગમે ત્યારે અને ગમે તેની ઉપર વાર કરી શકે.એટલે પમલાની મનમાની અને ઉદંડ સ્વભાવ શેઠને ચલાવી લેવો પડે તેમ હતું.
"તો બોલો શેઠ, ચ્યાં કણે ( કઈ જગ્યાએ) ખાતર પાડવાનું સે ?, અને માલમાં મને ચેટલાં ટકા દેહો ?" પમલાને જાણે કે શેઠની યોજનાની ગંધ આવી જ ગઈ હતી.
" વાહ, મારા વાલીડા વાહ, તું તીયાર છો ને ?"
" પહેલા ચોખવટ કરો "
"જો, સવજી ભગતની વાડીમાં કપાસ વીણવા જેવું છે, આજ રાતે તું બેચાર જણ ને લઈને પડ, બબ્બે મણ વિણશો તોય આઠ મણ કપાસ પરોઢિયે આપડી ગોદામમાં પોગાડી દેશો" ભાઈચંદે યોજના સમજાવી.
"તો ઇમ વાત છે ! આઠ નઈ શેઠ વીહ મણ પૂરો વીણી લેવી અમે. પણ પકડાઈ ગયા તો ? ઇ જોખમના રૂપિયા ચેટલાં દેશો ?"
"પચાસ પચાસ ટકા રાખીએ, શુ છે કે મારે પણ ચોરીનો માલ સંઘરવાનું જોખમ લેવાનું ને હે હે હે '' શેઠ હસી પડ્યા.
"તો શેઠ આવા જોખમ લેવા ઇના કરતા ભગવાને આપ્યું છે ઈમાં રાજી રેવી તો ?"પમલાએ એકાએક બાજી ફેરવી.
"હેં ? તું ચોરટો ઉઠીને મને જ્ઞાનના પાઠ ભણાવીશ ઇમ ? "
"શેઠ , ચોરટો હું નથી. ભલે હું ગામમાં રખડી ખાવ છું, પણ કોઈનું મફતમાં પડાવી નથી લેતો. મારી મહેનતના જ રૂપિયા લઉં છું. તરાજવા હેઠળ લોઈચુંમક ચોંટાડીને હું કોઈનું લોઈ નથી ચૂસતો. અમારી જેવા પેટનો ખાડો પુરવા સાટું કદાચ કોઈનું કાંઈ લઈ લેતા હશે એટલે તમે મને પણ એવો જાણ્યો.પણ હું તો જટાગોર જેવા જુઠ્ઠા અને તમારી જેવા લુચ્ચા માણસોને જ નડું છું હો.તમે તમારી જાતને પૂછી જોજો આપણા બે માંથી કોણ મોટો ચોર સે,ભગવાન ભૂખ્યો જગાડે સે પણ કોઈ દી ભૂખ્યો સુવાડતો નથી હમજયા ? તમારી તિજોરીમાં તાણ નથી તોય અડધી રાતે તમે કોકની મહેનતનો માલ ચોરી લેવાના કારહા કરો સો. હું ના પાડીશ તો તમે કોક બીજો પમલો પકડશો, પણ તમને તમારા કરમ નઈ છોડે, હાલ જાફરા ઘર ભેગો થા. નકર આ શેઠ સિકણી વાતું કરીને આપણને લપસાવીને પાપના ખાડામાં પાડહે " પમલો લાંબુ " ભાસણ" આપીને ડેલી બહાર નીકળી ગયો.
ગોદામમાં સળગતા ફાનસના પીળા અજવાળામાં ભાઈચંદ શેઠને
પોતાના ગુરુની યાદ આવી ગઈ. "ભગવાને આપ્યું છે ઈમાં જ રાજી રે'વી તો ?" પમલો જાણે કે પૂછી રહ્યો હતો.
શેઠે દુકાનમાં જઇ ત્રાજવા નીચે ચોંટાડેલું લોહ ચુંબક ઉખાડીને ફેંકી દીધું.એ રાત્રે એમને કદી ન આવી હોય તેવી સરસ મજાની ઊંઘ આવી.