અર્ધ અસત્ય.
પ્રકરણ-૨૬
પ્રવીણ પીઠડીયા
રમણ જોષી કાગડોળે કમલ દિક્ષિતનાં કોલની રાહ જોઈ રહ્યો હતો. તેણે તેને બંસરીનું કરંટ લોકેશન જાણવાની કામગીરી સોંપી હતી. તે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આ માહિતી આસાનીથી મેળવી શકે તેમ હતો. જો કે તેમાં થોડો સમય લાગવાનો હતો એ તે જાણતો હતો છતાં તેના ઉચાટમાં સતત વધારો થઇ રહ્યો હતો. અડધી રાત વિતિ ચૂકી હતી અને હજું સુધી બંસરીની કોઈ ખબર મળી નહોતી એટલે ચિંતા થવી સ્વાભાવિક હતી. બંસરી ઈન્સ્પેકટર અભય વાળા કેસ ઉપર કામ કરતી હતી. એ મામલામાં કદાચ કોઈ ’ક્લ્યૂ’ મળ્યો હોય, જેની પાછળ તે ગઈ હોય અને ત્યાં મોબાઈલ ટાવરનું સિગ્નલ મળતું ન હોય એવું બની શકે. પણ રમણ જોષી પોતાની બહેનનાં મામલામાં કોઈ રિસ્ક લેવા માંગતો નહોતો એટલે જ તે પ્રયત્નશિલ બન્યો હતો.
મોડી રાતનાં લગભગ બે વાગ્યે તેનો મોબાઈલ રણક્યો હતો અને અધિરાઇ ભેર ઝાપટ મારતો હોય એમ તેણે ફોન ઉંચક્યો. સામા છેડે કમલ દિક્ષિત હતો.
“શું થયું, કોઈ ભાળ મળી?” જબરી ઉત્કંષ્ઠાથી તેણે પૃચ્છા કરી.
“બંસરીનું લાસ્ટ લોકેશન કોસંબા હાઈવેનું જ હતું. સાંજના લગભગ પાંચ વાગ્યાંના અરસામાં તેનો ફોન ’સ્વિચ-ઓફ’ થયો હતો ત્યારે તે કોસંબા ચોકડી પાસે કોઈક જગ્યાએ હતી. એ પછી તેનું કોઈ મૂવમેન્ટ ટ્રેસ કરી શકાયું નથી. મેં એ એરિયાનાં સર્કલ ઈન્સપેકટરને કહી દીધું છે કે તે એ સમગ્ર ઈલાકામાં સધન સર્ચ આરંભે અને બને એટલી ઝડપે મને રિપોર્ટ કરે. અને હાં, તેના ફોન ઉપર લાસ્ટ કોલ કોનો હતો એ જાણવાની કોશિશો ચાલું છે એટલે જલદી એ અપડેટ્સ પણ મળશે. તું ચિંતા ન કરતો, બંસરી મારી પણ બહેન જેવી જ છે એટલે તેનું શું થયું એ જાણવામાં હું કોઇ કસર છોડીશ નહી.” કમલ દિક્ષિતે ફોનમાં રમણને કહ્યું.
“થેંક્યુ યાર, મને તેની બહું ફિકર થાય છે એટલે તને કહેવું પડયું. આઈ હોપ કે બંસરી સલામત હોય.” રમણ જોષીનો અવાજ ઢિલો પડી ગયો હતો.
“એ મારું કામ છે રમણ, એમાં હું તારી ઉપર કોઈ ઉપકાર નથી કરતો કે તારે થેંક્સ્ કહેવું પડે. અને આપણી દોસ્તી એવી છે જેમાં કોઈ ફોર્માલિટીને અવકાશ જ નથી. તું હવે નિરાંતે ઘરે જા અને બંસરીની ફિકર મારી ઉપર છોડી દે.” દિક્ષિતના સધિયારો આપતાં શબ્દો ફોનમાં ગૂંજયા એટલે રમણ જોષીને થોડી રાહત ઉદભવી હતી.
પરંતુ સાથોસાથ તેને બીજી પણ એક ફિકર સતાવતી હતી કે જો બંસરી મળી આવે અને તેને પૂછાયું કે તે ક્યાં હતી અને કયા કેસ ઉપર કામ કરતી હતી તો ઉપાધી સર્જાયા વગર રહેવાની નહોતી કારણ કે અભય ભારદ્વાજનાં કેસમાં અત્યાર સુધીમાં પોલીસ ડિપાર્ટમેન્ટની ભારે બેઈજ્જતી થઇ ચૂકી હતી અને બંસરીના કારણે જો વળી પાછો એ કેસ ઉખળ્યો તો ફરી પાછી ડિપાર્ટમેન્ટની ધજ્જીયા ઉડવાની હતી. રમણ જોષી ધ્રૂજી ઉઠયો. તે જાણતો હતો કે આના પડઘા ઘણે દૂર સુધી પડશે. તેણે તરત એ બાબતે વિચારવાનું બંધ કરી દીધું. અત્યારે બંસરી અગત્યની હતી. એ મળી જાય પછી ભલે જે થવાનું હોય એ થાય. ત્યાં સુધી તે આ સમસ્યાનો પણ કોઇ ઉકેલ શોધી જ લેશે એવો તેને વિશ્વાસ હતો.
@@@
અંકલેશ્વરથી ભરૂચ વચ્ચેનાં હાઈવે ઉપર નાઈટ પેટ્રોલિંગની જવાબદારી(ડયૂટી) અત્યારે રાજસંગ રાઠોડના શિરે હતી. ત્રિસીએ પહોંચેલો રાઠોડ તરવરિયો અને ઉત્સાહી અફસર હતો. હમણાં દસ મિનિટ પહેલા જ તેની વોકી-ટોકી ઉપર એક સંદેશો આવ્યો હતો કે કોસંબા ગામની સીમમાંથી એક યુવતી ગાયબ થઇ છે અને તેનું લાસ્ટ લોકેશન હાઇવે પરનાં ચાર રસ્તાનું હતું. તેને ત્યાં પહોંચવાનો અને એ યુવતીનો પત્તો લગાવવાનો આદેશ મળ્યો હતો એટલે જીપને તેણે કોસંબાની દિશામાં ભગાવવાનો હુકમ આપ્યો. જીપનો ડ્રાઇવર દેવીલાલ રોડ ઉપર રેળાતાં જતા હેડલાઇટના આછા પ્રકાશમાં જીપને મુસ્તેદીથી ભગાવી રહ્યો હતો. જીપમાં તે બે જ વ્યકતિઓ હતા.
“સાહેબ, અડધી રાતે ત્યાં કઇ છોકરી ઉભી હશે હેં? આ ઉપરી સાહેબો પણ ગજબ હોય છે નહી?” હમણાં જ વરસી ગયેલાં વરસાદને કારણે ભીના થયેલા રોડ ઉપર જીપની હેડલાઈટોનો એકદમ માંદો પ્રકાશ ફેલાતો હતો. એ પ્રકાશમાં આંખો ખેંચીને બહું ધ્યાનથી જોતો દેવીલાલ બોલ્યો.
“એને જ તો સાહેબ કહેવાય દેવીલાલ.” રાજસંગ હળવા સ્મિત સાથે બોલ્યો અને રિસ્ટ-વોચમાં નજર નાંખી. ત્રણને ત્રિસ… સવાર થવાને હજું ઘણી વાર હતી. દેવીલાલની વાત સાચી હતી. આ સમયે હાઈવે ઉપર કોઇ એકલી યુવતી કેવી રીતે હોઇ શકે? પણ ઓર્ડર હતો એટલે નિભાવવો જરૂરી હતો.
લગભગ અડધા કલાક પછી તેઓ કોસંબા ચોકડીએ આવી પહોંચ્યા. ચોકડી ઉપર બનેલાં ઓવરબ્રિઝની દિવાલે સળગતી લાઇટોના પ્રકાશમાં એ આખો વિસ્તાર સાવ સૂમસાન ભાસતો હતો. દેવીલાલે જીપને બરાબર ચોકડી ઉપર ઉભી રાખી હતી અને રાજસંગે નીચે ઉતરીને ચારેકોર નજર ઘુમાવી હતી. ચોકડી ઉપર એક ખૂણે બે-ચાર રિક્ષાઓ પડી હતી. એ ઉપરાંત રોડની બન્ને સાઈડ લાઇનબંધ પતરાવાળી દુકાનો હતી જેના શટર્સ અત્યારે બંધ હતા. થોડીક લારીઓ એક જગ્યાએ વ્યવસ્થિત ખડકવામાં આવી હતી અને રાત જાણે પોતાના બાપની હોય એમ ત્યાં એકઠા થયેલા કુતરાઓ આમથી તેમ દોડી રહ્યાં હતા. રાજસંગ મુંઝવણમાં મુકાયો કે અહીં શેની તપાસ કરવી? કોને પૂછવું કે તેમણે કોઇ યુવતીને જોઈ હતી કે નહી! થોડીવાર તેણે આમ-તેમ આંટા માર્યા અને પછી ત્યાં એક લારી ઉપર માથે ઓઢીને સૂતેલા એક શખ્શને ઢંઢોળીને જગાડયો.
“જી..જી.. માય બાપ.” એ શખ્શ આંખો ચોળતો ઉભો થયો હતો અને પછી પોતાની સામે ઉભેલા પોલીસ અફસરને જોઇને ગભરાયો હતો. તેના હાથ આપોઆપ આપસામાં જોડાઈ ગયા હતા.
“તું અહીં લારી લગાવે છે?” અડધી રાત્રે પણ રાજસંગના અવાજમાં રૂઆબ છલકાતો હતો.
“જી સાહેબ. પણ કાલથી હું બીજે જતો રહીશ.” તે લારીવાળો સખત ગભરાઇ ગયો હતો. તેને એમ જ થયું કે અડધી રાત્રે આ પોલીસ અફસર રોડ ઉપર લારી રાખવા બદલ તેને ગિરફતાર કરવા આવ્યો છે.
“એની કોઇ જરૂર નથી. તું ફક્ત એટલું કહે કે આજે કોઇ છોકરીને અહી જોઈ હતી?” કેટલો વિચિત્ર સવાલ હતો એ. ખુદ રાજસંગને એ સવાલ પૂછતાં આશ્વર્ય થયું. દિવસ દરમ્યાન તો કેટલીય છોકરીઓ અહીથી પસાર થતી હશે. તેમાં આ ગરીબ લારીવાળાનું ધ્યાન એ તરફ ક્યાંથી હોય, છતાં પણ તપાસ કરવી જરૂરી હતી એટલે તેણે પૂછયું હતું.
“છોકરી, કઇ છોકરી માય બાપ?” લારીવાળો એકાએક સતર્ક થયો. આવી રીતે મોડી રાત્રે કોઇ પોલીસવાળો આવીને તેને ઉઠાડીને આવો સવાલ પૂંછતો હતો એટલે જરૂર કોઇ લોચો હશે એ તેને સમજાયું હતું. અને… અચાનક તેના મગજમાં જાણે ઝબકારો થયો હોય એમ તે બોલ્યો. “સાહેબ, એક છોકરી આવી હતી, લગભગ ઢળતી બપોરનાં સમયે. તેણે કોઈક જગ્યાનું સરનામું પૂછયું હતું. કઇ જગ્યા હતી એ…?” તેણે પોતાના મગજ ઉપર જોર લગાવીને યાદ કરવાની કોશિશ કરી. રાજસંગ આશ્વર્યથી તેને જોઇ રહ્યો. કોસંબાનાં ચૌરાહે એક લારીવાળાને તેણે ઉઠાડયો હતો અને તે પેલી છોકરીને જાણતો હતો. આ કોઇ ભયાનક આશ્વર્યથી કમ તો નહોતું જ. પરંતુ… તે નહોતો જાણતો કે બંસરીએ જે ફ્રૂટની લારીવાળાને ’માધવ ઇન્ડસ્ટ્રિઝ’ નું સરનામું પૂછયું હતું એ લારીવાળો આ વ્યક્તિ જ હતો. જોગાનું જોગ રાજસંગ બરાબર ઠેકાણે પહોંચ્યો હતો.
“હાં સાહેબ, માધવ… કે માધવ ઇન્ડસ્ટ્રિઝ… એવું જ કંઇક હતું. પણ એ અહીથી થોડાક આગળ ચાલો એટલે ડાબી તરફ નવું જ બાંધકામ થાય છે ત્યાંનું સરનામું હતું. મને બરાબર યાદ છે કે તે એ તરફ જ ગઇ હતી.” એકદમ ઉત્સાહમાં આવીને લારીવાળો બોલી ઉઠયો.
“તું અત્યારે જ ચાલ મારી સાથે અને એ કઈ જગ્યા છે એ બતાવ મને.” રાજસંગના અવાજમાં પણ જબરી ઉત્તેજના ભળી હતી. પહેલાં ધડાકે જ છોકરીનો પત્તો મળ્યો હતો એ એહસાસ તેનાં જિસ્મમાં અજીબ થનગનાટ પેદા કરતો હતો. લારીવાળો તરત જીપમાં ચઢી બેઠો અને દેવીલાલે તેણે કહ્યું એ દિશામાં જીપને ભગાવી હતી. કોસંબા ચોકડી ઉપર બનેલા ઓવરબ્રિઝનાં છેડેથી લગભગ અડધા-એક કિલોમિટર દૂર, મુખ્ય રોડને સમાંતર “માધવ ઇન્ડસ્ટ્રિઝ”નું બોર્ડ ખોડેલું હતું. જીપની હેડલાઈટોના અજવાળામાં રાજસંગને એ બોર્ડ દેખાયું અને તેના લોહીમાં તેજી ભળી. મતલબ કે લારીવાળો સાચું કહેતો હતો. એ છોકરી આ તરફ જ આવી હતી. તેણે જીપને માધવ ઇન્ડસ્ટ્રિઝનાં ગેટમાં અંદર લેવરાવી. તે આખો વિસ્તાર ખાલી હતો. ખાલી અને સૂમસાન. કેટલાય મકાનો ત્યાં અધૂરા બંધાયેલા નજરે ચડતાં હતા. ખાલી પડેલા એ મકાનો રાતનાં ભેંકાર અંધકારમાં કોઇ ભૂતિયા સ્થળ જેવા ભાસતા હતા.
“અહીં જ આવી હોવી જોઇએ એ છોકરી.” લારીવાળો બોલ્યો અને દેવીલાલે જીપ ઉભી રાખી. રાજસંગે નીચે ઉતરીને સમગ્ર વિસ્તારને એક નજરમાં આવરી લીધો. એ છોકરી પાસે એકટિવા હતું એવી ઈન્ફર્મેશન તેને આપવામાં આવી હતી એટલે જો તે અહીં આવી હોય તો ચોક્કસ તેનું એકટિવા પણ આટલામાં જ ક્યાંક હોવું જોઇએ.
“દેવીલાલ, તમે અને આ ભાઇ જીપમાંથી ટોર્ચ લઇને આ તરફ તપાસ આરંભો. હું સામેની દિશામાં જાઉં છું. જો કંઇ મળે તો તરત મને ફોન કરજો.”
“જી સાહેબ,” દેવીલાલ બોલ્યો અને લારીવાળાને સાથે લઈને તે બાજુમાં દેખાતી એક ગલીમાં ઘૂસ્યો. રાજસંગે જીપમાંથી પોતાની ટોર્ચ ઉઠાવી હતી અને સામેની દિશામાં સીધો આગળ વધ્યો. થોડીવાર બાદમાં તે ચોથી શેરીનાં નાંકે આવીને ઉભો રહ્યો. તેણે પોતાની જમણી તરફની શેરીમાં ટોર્ચનો પ્રકાશ ફેંક્યો અને… તે ચોંકી ઉઠયો. શેરીના છેક છેવાડેનાં મકાન આગળ એક સ્કૂટર પડયું હતું. ધડકતા હદયે તે એ તરફ આગળ વધ્યો.
(ક્રમશઃ)