કુરુક્ષેત્રનું ચક્રવ્યુહ : વિશ્વનું સૌથી ખતરનાક અને બુધ્ધિશાળી મિલિટરી ફોર્મેશન!
૧૮ લાખ (અઢાર અક્ષૌહિણી)થી પણ વધુ સૈનિકોએ સતત અઢાર દિવસ સુધી કુરુક્ષેત્રનાં ૪૮x૧૨૮ કિલોમીટરનાં યુધ્ધમેદાનમાં મહાભારત ખેલ્યું. આમ જોવા જઈએ તો દ્વાપર યુગનાં અંતમાં થયેલા આ મહાયુધ્ધમાં અનેક અસ્ત્રો-શસ્ત્રો-તકનિકો તથા કાવાદાવાનો ઉપયોગ કરવામાં આવ્યો. હિંદુ વેદ-પુરાણ અને મહાભારતને એક ત્રાજવે તોલવામાં આવે તો સ્વાભાવિક રીતે જ મહાભારતનું પલડું વધુ ભારે થઈ જાય એટલી હદ્દે સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય અહીં થયો છે! કૃષ્ણનાં જન્મથી માંડીને પાંડવોનાં મૃત્યુ સુધીનો સમયગાળો અનેક પૌરાણિક રહસ્યો સંઘરીને બેઠો છે. જેને સમજવા માટેનાં ઘણા પ્રયત્નો હાલ થઈ રહ્યા છે.
મહાભારતનાં બે પ્રસંગો સૌથી વધુ ધ્યાનાકર્ષક છે. એક તો હસ્તિનાપુરની રાજસભામાં થયેલું દ્રૌપદીનું અપમાન અને બીજું ૧૮ દિવસ ચાલેલું મહાયુધ્ધ! કુરુક્ષેત્રમાં જે પ્રકારે છળકપટ અને ઉચ્ચ પ્રકારની રાજનીતિનો ઉપયોગ થયો છે તે આજે આપણા માટે સમજવી જરા પણ સહેલી નથી! અત્યારે જે વાત કરવી છે તે કુરૂક્ષેત્રમાં ઈસ્તેમાલ થયેલ ચક્રવ્યુહ પર અવલંબિત છે. ચક્ર એટલે કે ‘ફરતું પૈડું’ અને વ્યુહ એટલે ‘રચના’!
ચક્રની માફક ગોળાકાર ઘેરો બનાવી દુશ્મનને તેમાં ભૂલો પાડી દેવા માટે પ્રાચીન કાળમાં ચક્રવ્યુહનો ઉપયોગ થતો. કોઈ પણ ચક્રવ્યુહમાં મોટે ભાગે સાત ઘેરા ઉભા કરવામાં કરવામાં આવે છે. આ સાતે-સાત સ્તરનાં સૈનિકો સતત ગોળાકાર કરી પોતાની પોઝિશન બદલતાં રહે છે. જેનાં લીધે એકવાર ઘેરામાં પ્રવેશી ચૂકેલો દુશ્મન સૈનિક ક્યારેય ફરી પાછો બહાર નીકળી શકતો નથી. અર્જુનપુત્ર અભિમન્યુનાં કિસ્સામાં પણ આવું જ કંઈક થયેલું! માંના પેટમાંથી ચક્રવ્યુહ ભેદવાનું જ્ઞાન લઈને જન્મેલો અભિમન્યુ કુરૂક્ષેત્રનાં યુધ્ધમાં કમોતે માર્યો ગયો.
મોટાભાગનાં ચક્રવ્યુહને સાત સ્તરીય બનાવવામાં આવે છે. શરૂઆતનાં સ્તરોમાં અસંખ્ય પાયદળ, ઘોડેસવાર તથા રથસવારોને સૈન્યની સુરક્ષામાં તૈનાત રખાય છે જેથી કોઈ કાચોપોચો દુશ્મન ત્યાંથી જ આગળ વધતો અટકી જાય! માની લો કે દુશ્મન સૈનિક છેક સાતમા સ્તર સુધી પહોંચવામાં સફળ થઈ ગયો, તો પણ પુનઃ ત્યાંથી પરત ફરી બહાર નીકળવું તેનાં માટે અત્યંત મુશ્કેલ છે. અંદરનાં સાતમા સ્તરનાં સૈનિકો સૌથી વધુ બળવાન હોય છે. ત્યાં સુધી પહોંચીને મૃત્યુને હાથતાળી આપવાની કળા એ જમાનામાં ખૂબ ઓછા લોકો પાસે હતી. (ચક્રવ્યુહમાં મહારથ હાંસિલ કરનાર યોધ્ધાઓની યાદીમાં કૃષ્ણ, અર્જુન, દ્રોણ, ભીષ્મ, પ્રદ્યુમ્ન અને અશ્વત્થામાનો સમાવેશ થાય છે.) બહારની બાજુ રહેલા સૈનિકોનું કામ એ રહેતું કે દુશ્મનોને ચક્રમાં અંદર પ્રવેશતાં અટકાવે. અને જો કોઈ બળશાળી આવું કરી ગયો તો તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે અન્ય સૈનિકોને ચક્રવ્યુહનું છેદન કરતાં અટકાવાય છે. અંદર ઘુસપેઠ કરી ચૂકેલા યોધ્ધાને અંદરનાં બીજા કે ત્રીજા સ્તરનાં સૈનિકો સાથે યુધ્ધનો આરંભ કરવો પડે છે. દરેક સ્તરનાં મુખ ભાગમાં યુધ્ધકળામાં પારંગત એવા સૈનિકોની નિમણૂક કરવામાં આવે છે જેઓ દુશ્મન યોધ્ધાને ચક્રવ્યુહનાં અંદરના ભાગમાં જતો અટકાવી શકે. સૌથી આગળ રહેલા સૈનિકો દુશ્મન તીરંદાજને તલવાર-યુધ્ધમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરે છે, જેથી તેમને બાણ-વર્ષા માટે સમય ન મળે અને ચક્રવ્યુહને કોઈ મોટું નુકશાન પણ ન થાય!
એક પ્રશ્ન એ ઉભો થાય કે સૈનિકોને એક ચોક્ક્સ દિશામાં ગોળાકાર ઘુમી, વ્યુહ બનાવવાની ખબર કઈ રીતે પડતી હશે? જેનો જવાબ મેળવવા માટે થોડું વધુ ઉંડાણમાં જવું જોઈશે. સામાન્ય રીતે યુધ્ધનાં મેદાનમાં કેટલાક ખાસ ડ્રમ મંગાવવામાં આવતાં. જેનો ધ્વનિ ખૂબ મોટા અંતર સુધી સંભળાઈ શકે. આ ડ્રમમાં અમુક ખાસ પ્રકારની બિટ/રીધમ (તાલ) બેસાડવામાં આવતી, જે સૈનિકો માટે દિશા-સૂચનનું કામ કરતી. અમુક ચોક્ક્સ રીધમ પર તેઓ ચક્રવ્યુહમાં પોતપોતાની ગોઠવણી બદલતાં! ચક્રવ્યુહમાંના સૈનિકોને અગર દિશાહીન કરવા હોય તો ડ્રમ વગાડનાર માણસને મોતને ઘાટ ઉતારી દેવાતો. જોકે, કોઈપણ નીતિવાન યોધ્ધા શસ્ત્રહીન વ્યક્તિ પર હાથ ઉગામવાનું હિચકારૂ કૃત્ય ક્યારેય ન કરતો.
કૌરવો-પાંડવો વચ્ચેનાં ધર્મયુધ્ધમાં કુલ ત્રણ વખત ચક્રવ્યુહની રચના કરવામાં આવેલી. (૧) વનવાસનાં તેરમા વર્ષ દરમિયાન પાંડવો જ્યારે અજ્ઞાતવાસ ભોગવી રહ્યા હતાં ત્યારે ભીષ્મ પિતામહે અર્જુનને કેદી બનાવવા માટે કૌરવોની સેના સાથે મોટા ચક્રવ્યુહનું નિર્માણ કર્યુ. પરંતુ અર્જુને દિવ્યાસ્ત્રનો ઉપયોગ કરી ભીષ્મ, કર્ણ, દુર્યોધન, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, શલ્ય તથા જયદ્રથ વગેરેને એકલા હાથે માત આપી. (૨) યુધ્ધનીતિનાં પ્રખર જાણકાર ગુરૂ દ્રોણાચાર્યે યુધ્ધનાં તેરમા દિવસે યુધિષ્ઠિરને ફસાવવા માટે અક્ષૌહિણી સેનાની મદદ વડે વિશાળ ચક્રવ્યુહનું નિર્માણ કર્યુ. કમનસીબે, તે સમય પર અર્જુન બીજી જગ્યાએ યુધ્ધ લડી રહ્યો હતો. પરિણામસ્વરૂપ, અન્ય પાંડવ ભાઈઓ તથા અભિમન્યુ યુધિષ્ઠિરની વહારે આવ્યા. શ્રીકૃષ્ણ અને અર્જુનની સહાય વગર ચારેય પાંડવ ભાઈઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા કે આખરે આ ચક્રવ્યુહનું ભેદન કરવું કઈ રીતે!? સમયસૂચકતા વાપરીને અભિમન્યુએ ચક્રવ્યુહ ભેદી શકવાની પોતાની કળાનો ઉપયોગ કર્યો. ચક્રવ્યુહ ભેદીને અભિમન્યુ જેવો અંદર પહોંચ્યો કે તરત જ જયદ્રથે પહેલા સ્તરનાં સૈનિકો દ્વારા ચાર પાંડવ ભાઈઓને અંદર પ્રવેશતાં રોકી દીધા. કલાકો સુધી તેઓ ચક્રવ્યુહ ભેદવામાં નાકામયાબ રહ્યા. કારણકે જયદ્રથને ભગવાન શિવ દ્વારા એક દિવસ માટે અજેય રહેવાનું વરદાન પ્રાપ્ત થયેલ હતું. આથી તેણે પોતાના એ વરદાનનો ઉપયોગ મહાભારતનાં તેરમા દિવસ માટે કર્યો. અભિમન્યુની નબળાઈ એ હતી કે તેને સાત કોઠાને ભેદીને અંદર કઈ રીતે પહોંચવું એનો ખ્યાલ હતો પરંતુ ત્યાંથી ફરી પાછા સાત કોઠા વીંધીને બહારનો રસ્તો કઈ રીતે શોધવો તેનું કોઈ જ્ઞાન નહોતું. પરિણામસ્વરૂપ, કોઈ વ્યક્તિ અભિમન્યુની જાન ન બચાવી શક્યું. (૩) ત્રીજા વખતની ગાથા ખૂબ જ રસપ્રદ છે. અભિમન્યુને વીરગતિ પ્રાપ્ત થયા બાદ અર્જુનનાં ક્રોધની કોઈ સીમ ન રહી. તેણે પ્રણ લીધો કે ચૌદમા દિવસે તે જયદ્રથનો વધ કરશે. અર્જુનનાં ઈરાદાઓ વિશેની જાણ સમગ્ર કૌરવ-છાવણીમાં થઈ ચૂકી હતી. આથી જયદ્રથને બચાવવા માટે બીજા દિવસે ફરી ચક્રવ્યુહની રચના થઈ. સર્પવ્યુહ (સ્નેક ફોર્મેશન) અને સૂચિવ્યુહ (નીડલ ફોર્મેશન : સોયનાં આકાર સમાન)નું મિશ્રણ એવા એક સાવ નવા ચક્રવ્યુહની રચના થઈ. છતાં કૃષ્ણની સૂઝ-બૂઝ અને અર્જુનનાં દ્રઢ નિર્ધાર સામે જયદ્રથ ટકી ન શક્યો અને સૂર્યાસ્ત પહેલા મૃત્યુ પામ્યો.
મહાભારતમાં શા માટે ફક્ત બે વાર ચક્રવ્યુહનો ઉપયોગ થયો!?
ચક્રવ્યુહનાં નિર્માણ માટે ઘણી મોટી સંખ્યામાં સૈનિકોની આવશ્યકતા પડે છે. છતાં આ હકીકતને અવગણીને જ્યારે-જ્યારે સૈનિકોની અલ્પ સંખ્યા વડે ચક્રવ્યુહ રચવામાં આવ્યા છે ત્યારે તેમને પુષ્કળ માત્રામાં જાનહાનિનો સામનો કરવો પડ્યો છે. પાંડવોના પક્ષેથી અર્જુન અને કૃષ્ણ બે એવા યોધ્ધાઓ હતાં જેમની પાસે ચક્રવ્યુહ ભેદી શકવાની અદભુત કળા હસ્તગત હતી. ઉપરાંત, અર્જુન પાસે મૌજુદ દિવ્યાસ્ત્ર ખૂબ મોટા પ્રમાણમાં વિનાશ નોતરવા સક્ષમ હતું. બીજી બાજુ, કૌરવોનાં પક્ષે રહેલા દ્રોણ, ભીષ્મ અને કર્ણ પણ આ ક્ષેત્રે નિપુણ હતાં. બંને પક્ષને પોતપોતાની વાસ્તવિકતા બરાબર રીતે માલૂમ હતી. બેમાંથી કોઈ એક પલ્ટન પણ અગર ચક્રવ્યુહ નું નિર્માણ કરે છે તો તેમણે પોતાનાં જ સર્વનાશ માટેની તૈયારી રાખવી પડે એમ હતી તે હકીકતથી સૌ કોઈ બરાબર રીતે વાકેફ હતાં. આ કારણોસર જ, અભિમન્યુનો વધ કરતી વેળાએ ગુરૂ દ્રોણે ખાસ ધ્યાન રાખ્યું હતું કે અર્જુન અથવા કૃષ્ણને તેની ખબર સુધ્ધાં ન પહોંચે!!
bhattparakh@yahoo.com