Tanaji Malusare - Maratha Kesari in Gujarati Biography by MB (Official) books and stories PDF | તાનાજી માલુસરે - મરાઠા કેસરી

Featured Books
Categories
Share

તાનાજી માલુસરે - મરાઠા કેસરી

મરાઠા કેસરી – તાનાજી માલુસરે

મૂળ આલેખન: અનુજા કુલકર્ણી

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

મરાઠા સેનાનો સિંહ. એક એવો વ્યક્તિ જેણે મરાઠા સામ્રાજ્ય માટે અસંખ્ય યુદ્ધો જીત્યા હતા અને તે પોતાની મરાઠા માતૃભૂમિ માટે શહીદ થયો હતો. તેમણે મરાઠા સેનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ વીર તાનાજી માલુસરેની કથા છે. એક પ્રખ્યાત વીર યોદ્ધા. તેમણે મરાઠા સામ્રાજ્ય પર પોતાની છાપ છોડી છે. એક નામ જેને છત્રપતિ શિવાજીના સ્વરાજ્યની સ્થાપનામાં અતિશય મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ છત્રપતિ શિવાજીના સહુથી નજીકના સાથીદાર અને પરમમિત્ર હતા. તેઓ મરાઠા સિંહ તરીકે પણ ઓળખાય છે. તેમને આ નામ પણ છત્રપતિ શિવાજી મહારાજે આપ્યું હતું.

તાનાજી માલુસરેનું બાળપણ

તાનાજી માલુસરે ભારતના હાલના મહારાષ્ટ્રના સતારામાં આવેલા ગોડોલીમાં વર્ષ ૧૬૦૦ની સદીમાં એક કોળી પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ સરદાર કાળોજી હતું અને તેમની માતાનું નામ પાર્વતી બાઈ હતું. તેમને એક ભાઈ પણ હતો જેમનું નામ સરદાર સુર્યાજી હતું. આ બંને ભાઈઓના જીવનને આકાર આપવામાં માતા પાર્વતી બાઈએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ બંને ભાઈઓના જીવન પર એક બીજા વ્યક્તિએ પણ ઘણી અસર પાડી હતી અને તે હતા તેમના મામા કોન્ડાજી શેલાર. પાર્વતી બાઈ અને શેલાર મામા બંનેએ સાથે મળીને નિર્ણય લીધો કે તાનાજી અને સુર્યાજીએ મરાઠા સેનામાં જોડાવું જોઈએ અને આથી બંને પાસે શસ્ત્રો અને રણનીતિનું જ્ઞાન હોવું જરૂરી છે.

છત્રપતિ શિવાજી મહારાજ સાથેની મિત્રતા

તાનાજી છત્રપતિ શિવાજી મહારાજના સહુથી વિશ્વાસુ સાથીદાર હતા અને તેમણે સ્વરાજ્યના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બંને કિલ્લાઓ જીતવાની રણનીતિ સાથે મળીને બનાવતા હતા. તેમની મિત્રતા પાછળ એક બીજું કારણ એ પણ હતું કે તાનાજી અને છત્રપતિ શિવાજી મહારાજ એક સરખું વિચારતા હતા. બંને પોતાની માતૃભૂમિને પ્રેમ કરતા હતા અને બંને મુક્ત અને સ્વતંત્ર મરાઠા સામ્રાજ્ય સ્થાપવાની ઈચ્છા ધરાવતા હતા. ધીમે ધીમે તેમની મિત્રતા ગાઢ બનતી ગઈ અને છત્રપતિ શિવાજી મહારાજ વારંવાર તાનાજીના ઘરની મુલાકાત લેવા માંડ્યા. અને સુર્યાજી પણ છત્રપતિ શિવાજી મહારાજના સારા મિત્ર બની ગયા. તેમની મિત્રતા તેમના પરિવારો સુધી પહોંચી અને જીજાબાઇ પણ તાનાજીથી સારએવા પ્રભાવિત થયા હતા. બાદમાં તેઓ મરાઠા સેનાના એક મહત્ત્વના સ્તંભ બનીને ઉભર્યા હતા.

છત્રપતિ શિવાજી મહારાજે તેમના પિતાનો વારસો સ્વીકાર્યો અને પોતાની સેના બનાવવાનો નિર્ણય લીધો.

“તાનાજી, આપણે મિત્રો છીએ અને આપણે આપણી માતૃભૂમિ માટે એક સરખી વિચારધારા ધરાવીએ છીએ. હું મારી સેનામાં તને સેનાપતિ બનાવવા માંગું છું.”

આ સાંભળ્યા બાદ તાનાજી મરાઠી સેનામાં મળેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા બદલ અત્યંત ખુશ થયા હતા.

“રાજે, મને આનંદ છે કે તમે મને આ મહત્વપૂર્ણ ફરજ બજાવવા માટે કાબેલ ગણ્યો. હું તમને ક્યારેય નિરાશ નહીં કરું. હું મારી ફરજ જવાબદારીપૂર્વક નિભાવીશ અને હિંદવી સ્વરાજ્યની સ્થાપના માટે મારું જીવન ખપાવી દઈશ.”

અને છેવટે તાનાજીએ મરાઠા સેનામાં સુબેદાર તરીકે પોતાનું કાર્ય શરુ કર્યું. તેઓ વીર અને હિંમતવાન હતા. છત્રપતિ શિવાજી મહારાજે તાનાજી તેમજ અન્ય મરાઠા યોદ્ધાઓ સાથે અસંખ્ય લડાઈઓ જીતી હતી. ત્યારબાદ, હિંદુ સામ્રાજ્યની સ્થાપનાની શરૂઆત થઇ. રાજગઢ કિલ્લો જીત્યા બાદ મરાઠાઓ વીર યોદ્ધાઓ તરીકે ઓળખાવા માંડ્યા.

રાજગઢ બાદ મરાઠાઓએ ચકન કિલ્લા પર હુમલો કરીને તેને જીતી લીધો. છત્રપતિ શિવાજી મહારાજનું વર્ચસ્વ હવે સ્થપાઈ ચૂક્યું હતું. હવે છત્રપતિ શિવાજી મહારાજ માટે પાછું વળીને જોવા લાયક કશું જ બાકી રહ્યું ન હતું. તેમણે ત્યારબાદ મરાઠા સામ્રાજ્યમાં વધુ ૨૦ કિલ્લાઓ ઉમેર્યા. હવે છત્રપતિ શિવાજી એક વિશાળ મરાઠા સામ્રાજ્યના સમ્રાટ બની ગયા હતા. તેમની આગામી યોજના કોંકણમાં પ્રવેશ કરવાની હતી અને તે પ્રમાણે તેમણે તેમની યોજના બનાવી. તેઓ તે તરફ આગળ વધ્યા અને વધારાના ૯ કિલ્લાઓ પર વિજય મેળવ્યો.

ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજે જાન્જીરા કિલ્લા પર હુમલો કર્યો અને તેઓએ દક્ષિણ કોંકણમાં તેમનું રાજ્ય સ્થાપિત કર્યું.આ તમામ વિજયોમાં તાનાજી સહુથી મહત્ત્વના સેનાપતિ રહ્યા હતા.

તાનાજીના લગ્ન

તાનાજીએ સાવિત્રી બાઈ માલુસરે સાથે લગ્ન કર્યા હતા. સાવિત્રી બાઈ એક ખડકની જેમ તાનાજીની પાછળ રહ્યા હતા. તેમને એક પુત્ર હતો જેનું નામ હતું રાયબા માલુસરે.

પુરંદર સંધી

રાજપૂત મિર્ઝા રાજે જય સિંહ કોઇપણ ભોગે છત્રપતિ શિવાજી મહારાજને હરાવવા માંગતો હતો. રાજપૂત મિર્ઝા રાજે જય સિંહે તેની પૂરી તાકાત લડાવીને છત્રપતિ શિવાજી મહારાજ પર હુમલો કર્યો. આ સમયે સામસામું યુદ્ધ હતું અને રાજપૂત મિર્ઝા રાજે જય સિંહ જે મોગલ સેનાનો સેનાપતિ હતો તે પુરંદર પર હુમલો કરવા માટે પૂરી રીતે તૈયાર હતો. અત્યંત હિંસક યુદ્ધ ખેલાયું અને મરાઠાઓ માટે આ કિલ્લો બચાવવો મુશ્કેલ બની ગયું. છત્રપતિ શિવાજી મહારાજ યુદ્ધ હારી રહ્યા હતા અને પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ હતી. છત્રપતિ શિવાજી તાનાજીને મળ્યા અને કહ્યું,

“તાનાજી, મને હવે ચિંતા થાય છે, શું આપણી સેના જય સિંહની સેના સાથે લડી શકે તેમ છે ખરી?”

“રાજે, આપણે મરાઠાઓ છીએ અને આપણે હાર કદીએ નહીં સ્વીકારીએ, આપણે આપણા છેલ્લા શ્વાસ સુધી લડીશું પણ જય સિંહે મોગલો પાસેથી મદદ લઈને પોતાનું મહત્ત્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. આપણે લડી રહ્યા છીએ પરંતુ જીતીશું કે કેમ તે કહી શકાય તેમ નથી...”

છત્રપતિ શિવાજી મહારાજને ખ્યાલ આવ્યો કે મોગલ સામ્રાજ્ય સાથે યુદ્ધ કરવું એ માત્ર મરાઠા સામ્રાજ્યને નુકશાન જ નહીં પહોંચાડે પરંતુ તેમની સેનાને પણ ભરપૂર તકલીફ પડી શકે તેમ છે. આથી તેમણે મોગલોના હાથે પોતાના સૈનિકોનો ભોગ આપવા કરતા સંધી કરવાનું બહેતર માન્યું. તેઓએ માન્યું કે યુદ્ધથી ઘણું નુકશાન થઇ શકે છે તેના કરતા મરાઠાઓના જીવન બચાવવા માટે સંધી કરી લેવી સારી. તેમણે તાનાજીને મિર્ઝા રાજે જય સિંહ પાસે જઈને પોતાનો પ્રસ્તાવ સંભળાવવાનું કહ્યું.

“મિર્ઝા રાજે જય સિંહ, છત્રપતિ શિવાજી મહારાજ યુદ્ધને લાંબુ ખેંચવા નથી માંગતા અને તેઓ તમારી સાથે સંધી કરવાની ઈચ્છા ધરાવે છે. જો તમારે આ બાબતે ચર્ચા કરવી હોય તો આપણે આગળ વાત કરીએ.”

આ સાંભળીને મિર્ઝા રાજે જય સિંહ અત્યંત ખુશ થયો. તે અત્યંત હોંશિયાર હતો અને તેણે ૨૩ કિલ્લાઓ પોતાની સેનાને સોંપી દેવાની માંગણી કરી. ઔરંગઝેબ પણ સંધીને કારણે આવેલા આ સમાચાર સાંભળીને અત્યંત ખુશ થયો અને આ સંધીને કારણે કોંધાણાનો કિલ્લો જે તાનાજીએ જીત્યો હતો તેને જય સિંહ અને તેના સમર્થકો એટલેકે મોગલોને સોંપી દેવામાં આવ્યો. પુરંદરની આ સંધી પર છત્રપતિ શિવાજી મહારાજ અને રાજપૂત મિર્ઝા રાજે જય સિંહ વચ્ચે ૧૧મી જૂન ૧૬૬૫માં હસ્તાક્ષર કરવામાં આવ્યા. છત્રપતિ શિવાજીએ તેમના ૨૩ કિલ્લાઓ આપવા પડ્યા. આ સંધીએ મરાઠા સ્વાભિમાનને હચમચાવી નાખ્યું.

આ કિલ્લાઓમાં કોંધાણા કિલ્લાની એક આગવી ઓળખ હતી. આ કિલ્લો જીજાબાઇના રૂમમાંથી દેખાતો હતો. કોંધાણાનો કિલ્લો મરાઠાઓ માટે અત્યંત મહત્ત્વનો હતો. આથી જીજાબાઇને કોંધાણાનો કિલ્લો મરાઠા સામ્રાજ્યમાં પરત જોઈતો હતો. તેમને કોંધાણાના કિલ્લા પર ભગવો લહેરાતો જોવો હતો. આથી તેમણે છત્રપતિ શિવાજી મહારાજ સાથે વાત કરી.

“શિવબા, કોંધાણાનો કિલ્લો એ મરાઠા સામ્રાજ્યના અતિશય મહત્ત્વના કિલ્લાઓમાંથી એક છે અને આથી તારે તેને ફરીથી જીતવો જ રહ્યો.”

છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઇની અધીરાઈ સમજી શકતા હતા પરંતુ તેમને એ પણ ખ્યાલ હતો કે આ કિલ્લાને ફરીથી જીતવો એટલું સહેલું ન હતું.

“આઈ સાહેબ, હું તમારી ચિંતા સમજી શકું છું. પરંતુ કોંધાણાનો કિલ્લો જીતવો ખરેખર મુશ્કેલ છે. ઘણા લોકોએ તેને જીતવાની કોશિશ કરી પરંતુ તેઓ પરત આવી શક્યા નથી.

છત્રપતિ શિવાજીની આ વાત સાંભળ્યા બાદ જીજાબાઇ બિલકુલ ખુશ ન હતા અને છત્રપતિ શિવાજી તેમના માતાને ક્યારેય દુઃખી જોઈ શકતા ન હતા. આથી તેમણે કોંધાણાને મરાઠા સામ્રાજ્યમાં ફરીથી ભેળવી દેવાની યોજના બનાવવી શરુ કરી દીધી. છત્રપતિ શિવાજી મહારાજે આ જવાબદારી કોને સોંપવી જોઈએ તે અંગે વિચારવાનું શરુ કર્યું અને માત્ર એક જ નામ તેમના મનમાં આવ્યું અને તે નામ હતું તાનાજી માલુસરે. તાનાજી અત્યંત વીર હતા અને તેમણે છત્રપતિ શિવાજીને દરેક યુદ્ધમાં સાથ આપ્યો હતો. છેવટે છત્રપતિ શિવાજી મહારાજે આ જવાબદારી તાનાજી માલુસરેને આપવાનો નિર્ણય કર્યો. છત્રપતિ શિવાજી મહારાજ જાણતા હતા કે તેઓ ખૂબ મજબૂત છે અને છત્રપતિ શિવાજી મહારાજને ખ્યાલ હતો કે તાનાજી તેમની ફરજ બજાવીને જ રહેશે.

પરંતુ આ જ સમયે તાનાજીના દીકરા રાયબાના લગ્નની તૈયારીઓ ખૂબ જોરશોરથી ચાલી રહી હતી. લગ્નની તારીખ નજીક આવી રહી હતી અને તાનાજીએ છત્રપતિ શિવાજી મહારાજ અને જીજાબાઇને રાયબાના લગ્ન માટે આમંત્રણ આપવાનું વિચાર્યું. આથી તેઓ અને શેલાર મામા છત્રપતિ શિવાજી મહારાજ પાસે ગયા.

“શિવા, હું તમને અને જીજાબાઇને મારા પુત્ર રાયબાના લગ્ન માટે આમંત્રણ આપવા આવ્યો છું.” તાનાજીએ અત્યંત ખુશ થઈને કહ્યું. છત્રપતિ શિવાજી મહારાજ આ સમાચાર સાંભળીને અત્યંત ખુશ થયા. પરંતુ તેમણે તાનાજીને કહ્યું,

“તાનાજી, આ સારા સમાચાર છે. તું રાયબાના લગ્નનો આનંદ ઉઠાવ પરંતુ હું આ લગ્નમાં હાજરી નહીં પુરાવી શકું કારણકે હું કોંધાણાનો કિલ્લો પરત લેવા માટે જઈ રહ્યો છું.” છત્રપતિ શિવાજી મહારાજે આ પ્રમાણે કહ્યું...

તાનાજીએ છત્રપતિ શિવાજી મહારાજે જે કહ્યું એ સાંભળ્યું. તાનાજીની પહેલી વચનબદ્ધતા માતૃભૂમિ પ્રત્યે હતી અને એક પળનો પણ વિચાર કર્યા વગર તાનાજીએ છત્રપતિ શિવાજી મહારાજને કહ્યું, “आधी लागीन कोंदयांचे मग माझा रायबाचे” (હવે પહેલા હું કોંધાણા જીતીશ પછી જ મારા પુત્ર રાયબાના લગ્ન થશે)

તાનાજીની કોંધાણાની લડાઈ

તાનાજીએ તરતજ કોંધાણા તરફ કુચ કરી. આ લડાઈ જીતવી લગભગ અશક્ય હતી, પરંતુ તાનાજીનો નિશ્ચય તેને જીતવાનો હતો જે અફર હતો. કોંધાણાના કિલ્લામાં મિર્ઝા રાજે જય સિંહે રાજા ઉદયભાણ રાઠોડને કિલ્લાના મુખ્ય ચોકીદાર તરીકે નિયુક્ત કર્યો હતો. ઉદયભાણ અંગત સ્વાર્થ ખાતર મોગલોની સેનામાં દાખલ થયો હતો. કોંધાણાના કિલ્લાની સુરક્ષા અત્યંત મજબૂત હતી અને આ કિલ્લાને જીતવો લગભગ અશક્ય હતું. કોંધાણાનો કિલ્લો અત્યંત મહત્ત્વની જગ્યાએ સ્થિત હતો અને છત્રપતિ શિવાજી મહારાજ માટે તેને જીતવો અતિઆવશ્યક હતો. પરંતુ આ કિલ્લાને ઉદયભાણના નેતૃત્ત્વ હેઠળ ૫૦૦૦ મોગલ સૈનિકો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી હતી.

માત્ર એક જ જગ્યા પર કોઇપણ પ્રકારનો ચોકી પહેરો ન હતો અને આ જગ્યા હતી કિલ્લા પર ઝળુંબી રહેલો એક ખડક. તાનાજીએ નિર્ણય કર્યો કે તેઓ આ ખડક પર ચડશે. તાનાજી સાથે એક પાળેલી પાટલા ઘો હતી. પાટલા ઘો ગરોળી જેવી હોય છે પરંતુ તેનાથી ઘણી લાંબી હોય છે. પાટલા ઘોને જો જોરથી ક્યાંક ફેંકવામાં આવે તો તે એ જ જગ્યા પર ચોંટી જતી હોય છે અને તે કોઇપણ વ્યક્તિનું વજન સહન કરી શકતી હોય છે. તાનાજીએ આ પાટલા ઘોનું નામ યશવંતી રાખ્યું હતું.

યશવંતીએ અગાઉ પણ તાનાજીને ઘણી વખત સમસ્યાઓથી બચાવ્યા હતા અને તેમને ક્યારેય તેણે નિરાશ નહોતા કર્યા. આથી તાનાજીને યશવંતી પર અખૂટ વિશ્વાસ હતો. તાનાજીએ એક દોરડામાં યશવંતીને બાંધીને તેને પેલા ખડક પર ફેંકી પરંતુ તે ખડક પર ચોંટી શકી નહીં અને નીચે પડી ગઈ. તાનાજીએ ઘણીવાર કોશિશ કરી પરંતુ યશવંતી તમામ વખતે સફળ ન થઇ. સુર્યાજી અને શેલાર મામાએ વિચાર્યું કે આ અપશુકન છે અને તાનાજીને તેમણે પરત જવાની સલાહ આપી.

પરંતુ તાનાજી પોતાના નિર્ણય પર હજીપણ અફર રહ્યા હતા. તેમના મનમાં એક જ વસ્તુ ઘર કરી ગઈ હતી કે કોઇપણ ભોગે કોંધાણાનો કિલ્લો ફતેહ કરવો.તાનાજીએ ફરીથી કોશિશ કરી અને યશવંતીને તેમણે ખડક ઉપર ફેંકી. આ વખતે યશવંતીએ તાનાજીને નિરાશ ન કર્યા અને તે ખડક પર ચોંટી ગઈ. યશવંતી ખડક પર સજ્જડ ચોંટી ગઈ હતી અને તાનાજીએ તેનો સહારો લીધો અને ખડક પર ચડ્યા. તેમની જેમ જ મરાઠા સૈનિકો પણ ખડક પર ચડી ગયા. ૩૦૦ સૈનિકો ખડક પર ચડી ગયા હતા પરંતુ હજીપણ ૭૦૦ સૈનિકો જમીન ઉપર જ હતા અને તાનાજીએ ૫૦૦૦ મોગલ સૈનિકો વિરુદ્ધ લડવાનું હતું. આ અત્યંત મોટો પડકાર હતો. મરાઠા સૈનિકોએ અસંખ્ય મોગલ સૈનિકોને માર્યા પરંતુ એવી જ રીતે તાનાજીના પણ ઘણા બધા સૈનિકો માર્યા ગયા. અત્યંત હિંસક લડાઈ થઇ રહી હતી.

છેવટે મોગલ સેનાપતિ ઉદયભાણ તાનાજી સાથે લડવા માટે આવ્યો. તાનાજી એક યોદ્ધા હતા અને મરાઠા સામ્રાજ્યના સિંહ હતા, આથી તેમણે નીડર થઈને ઉદયભાણ સાથે યુદ્ધ કર્યું. એક લાંબી લડાઈ બાદ તાનાજીની ઉર્જા ઓછી પડવા માંડી કારણકે તેઓ ઘણા સમયથી લડી રહ્યા હતા. તેમના પર થયેલા સંખ્યાબંધ હુમલાઓ બાદ તેઓ જમીન પર બેભાન થઈને પડી ગયા. ઘાયલ થયેલા, ભૂખ્યા અને તરસ્યા અને થાકેલા એવા તાનાજીએ છેવટે મૃત્યુ સામે પોતાની હાર સ્વીકારી લીધી પરંતુ તેઓ એક યોદ્ધાની માફક મૃત્યુ પામ્યા. જ્યારે મરાઠા સૈનિકોને તાનાજીના મૃત્યુની ખબર પડી તેમને ખૂબ મોટો આઘાત લાગ્યો અને મરાઠા સેનાને થયેલા આ મોટા નુકશાનને કારણે તેઓ અત્યંત દુઃખી પણ થયા. મરાઠા સેનામાં નિરાશા વ્યાપી ગઈ પરંતુ સુર્યાજીએ આ સૈનિકોને લડવા માટે ફરીથી ઉત્સાહિત કર્યા.

“આપણા સિંહે પોતાની જિંદગી કુરબાન કરી દીધી અને હવે તમે લડવાને બદલે ભાગી જવા માંગો છો? આ જ સમય છે કે આપણે બધા તાનાજીના મૃત્યુનો બદલો લઈએ... આપણે લડીએ અને આ કિલ્લાને જીતી લઈએ...”

આ શબ્દોએ મરાઠા સૈનિકોના મનમાં અને શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર કર્યો. શેલાર મામા અને સુર્યાજીએ સૈનિકોને સમજાવ્યા કે તાનાજી કેવા શૂરવીર પુરુષ હતા. તાનાજીએ છેલ્લા શ્વાસ સુધી લડાઈ કરી અને તેણે મરાઠા સેનાને પ્રેરણા આપી. મરાઠા સેનાએ યુદ્ધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. આ નવી ઉર્જા મળ્યા બાદ મરાઠા સેનાએ મોગલો પર અત્યંત આક્રમક હુમલો કર્યો અને મરાઠા સેનાએ વિશાળ મોગલ સેનાને ઢાળી દીધી. મોગલ સેનાપતિ માર્યો ગયો અને કિલ્લો ફતેહ કરવામાં આવ્યો. મરાઠાઓએ એક મોટી જીત હાંસલ કરી અને લીલો ઝંડો ઉતારીને હવે ભગવો ઝંડો ઉંચો કરવામાં આવ્યો.

ગઢ આલા પણ સિંહ ગેલા

કોંધાણાનો કિલ્લો તો જીતી લેવામાં આવ્યો પરંતુ તાનાજીએ પોતાના જીવનની કુરબાની આપી દીધી. મરાઠાઓએ તેમના મહાન યોદ્ધાને ગુમાવ્યો. આથી મરાઠા સેનામાં કોઇપણ પ્રકારનો આનંદ કે ઉત્સાહ જોવામાં આવ્યો નહીં. કોંધાણાના યુદ્ધ માટે જતા અગાઉ છત્રપતિ શિવાજી મહારાજે તાનાજીને કહ્યું હતું કે કિલ્લો જીતી લીધા બાદ તેઓ ત્યાંથી તેમને કોઈ સંકેત કરે. છત્રપતિ શિવાજી મહારાજના આ આદેશનું પાલન કરતા હવે સૈનિકોએ એ સંકેત કર્યો. જીજાબાઇ કોંધાણાથી એ સંકેત આવવાની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે તેમણે એ સંકેત જોયો તો તેઓ અત્યંત ખુશ થયા.

જ્યારે છત્રપતિ શિવાજી મહારાજને વિજયના સમાચાર મળ્યા તો તેઓ કોંધાણાના કિલ્લા તરફ દોડી પડ્યા. તેઓ તાનાજીને જાતે મળીને તેમને વિજયના અભિનંદન આપવા માંગતા હતા. જ્યારે તેઓ કોંધાણાના કિલ્લા પર પહોંચ્યા તેમણે જોયું કે શેલાર મામા અને સુર્યાજી અન્ય સૈનિકો સાથે ત્યાં હાજર છે પરંતુ તાનાજી જોવા નથી મળતા.

છત્રપતિ શિવાજી મહારાજે તાનાજી વિષે પૂછપરછ કરી, “ક્યાં છે મારો સિંહ? હું તેને અભિનંદન આપવા માંગું છું...” પરંતુ તેમને કોઈજ જવાબ ન મળતા તેઓ સમજી ગયા કે તાનાજીએ યુદ્ધ કરતા કરતા પોતાના જીવનું બલીદાન આપી દીધું છે.

આથી તેઓ અત્યંત દુઃખી થયા અને તેમણે કહ્યું, “ગઢ આલા પણ સિંહ ગેલા” અર્થાત “ગઢ તો જીતી લીધો પરંતુ મારો સિંહ જતો રહ્યો!”

જ્યારે જીજાબાઇને પણ આ સમાચાર મળ્યા ત્યારે તેઓ પણ અત્યંત દુઃખી થઇ ગયા. તાનાજીના મૃત્યુ બાદ છત્રપતિ શિવાજી મહારાજ ઊંડા દુઃખમાં ડૂબી ગયા અને તેઓ લાંબા સમય સુધી તાનાજીને ભૂલી શક્યા નહીં. ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજે કોંધાણાના કિલ્લાને નવું નામ આપવાનો નિર્ણય કર્યો અને તાનાજી માલુસરેની યાદગીરી રૂપે કિલ્લાનું નામ બદલીને સિંહગઢ રાખવામાં આવ્યું. છત્રપતિ શિવાજી મહારાજે જ તાનાજીને સિંહનું ઉપનામ આપ્યું હતું અને આ કિલ્લો સિંહ દ્વારા ફતેહ કરવામાં આવ્યો હતો આથી તે કિલ્લાનું નવું નામ સિંહગઢ આપવામાં આવ્યું.

ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજે તમામ ૨૩ કિલ્લાઓને ફરીથી જીતી લીધા અને તેમની વીરતાનું પ્રમાણ ફરીથી સામે આવ્યું. તેમણે મરાઠા સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને તેમને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપવામાં આવ્યું. તાનાજી માલુસરે સદા છત્રપતિ શિવાજીના સહુથી મુશ્કેલ સમયમાં પણ સાથે રહ્યા હતા. તેઓ મરાઠા સેનાના આદ્ય હતા અને તેઓ સદાય તેમની વીરતા માટે યાદ રાખવામાં આવશે.

મરાઠા સેનાનો સિંહ – તાનાજી માલુસરે!

ડિસ્ક્લેમર: આ માહિતી ઓનલાઈન મેળવવામાં આવી છે અને બાદમાં તેને એક વાર્તારૂપે પરિવર્તિત કરવામાં આવી છે. જો આ વાર્તામાં કોઈ ભૂલ હોય તો ક્ષમાપ્રાર્થી છું. અહીં કોઈની પણ લાગણીને ઈજા પહોંચાડવાની ઈચ્છા નથી.

અનુજા કુલકર્ણી