લવ ઇન સ્પેસ
પ્રકરણ -૩
અગાઉ તમે વાંચ્યું.....
અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં એવલીન રોઝ પણ Hope ગ્રહની યાત્રાએ જઈ રહી હતી. સ્પેસમાં અણધાર્યા અકસ્માતના કારણે ભૂલથી જાગી ગયેલી એવલીન વિશાળ સ્પેસ શીપમાં એક માત્ર એવી યાત્રી છે જે સમય પેહલાં જ જાગી ગઈ છે. હવે આગળ વાંચો....
***
શીત નિદ્રામાંથી જગ્યા બાદ એવલીનને બે રોબોટો દ્વારા તેને અગાઉથી આપવામાં આવેલાં રૂમમાં પહોંચાડવામાં આવી હતી. એવલીને પોતાનાં જીવનના ૩૦ વર્ષ લાંબી શીત નિદ્રામાં વિતાવ્યા હતાં. આથી જાગવા છતાં તે હરી-ફરી શકે તેમ નહોતી.
શીત નિદ્રામાંથી જાગેલાં દરેક યાત્રીને બે-ત્રણ દિવસ રૂમમાં જ આરામ કરવું જરૂરી હતું. છેલ્લાં બે દિવસથી એવલીન પોતાનાં રૂમમાં આરામ કરી રહી હતી. તેનાં રૂમમાં એક વેન્ડિંગ મશીન લાગેલું હતું. જેમાંથી તે જાતે પોતાની દવા અને ખાવાનું લઇ લેતી. તેનાં રૂમમાં લાગેલું AI software એવલીનને જરૂરી સૂચનાઓ આપતું રહેતું.
“શીત નિદ્રામાંથી જાગ્યા બાદ શક્ય હોય તેટલો આરામ કરો. જ્યાં સુધી બેટર ફિલ ના થાય ત્યાં સુધી પ્રવાહી ખોરાક લેવાનું ચાલુ રાખો.” ત્રીજા દિવસે જાગેલી એવલીનને તેનાં રૂમમાં લાગેલા AI softwareના સ્પીકરમાંથી સૂચનાઓ અપાઈ રહી હતી.
એવલીન સુચના મુજબ શક્ય હોય એટલું પ્રવાહી પીવાનો પ્રયાસ કરતી તેમજ ખોરાકમાં છેલ્લાં બે દિવસથી મોટેભાગે જ્યુસ ઉપર જ નભતી. એવલીનના સ્વાસ્થ્યમાં સુધારો થતાં હવે તે રૂમમાંથી બાહર નીકળવા થનગની રહી હતી. જયારે એવલીને પૃથ્વી ગ્રહથી સ્પેસ ટ્રાવેલ માટે એપ્લીકેશન કરી હતી ત્યારે તેને જણાવાયું હતું Hope ગ્રહ પહોંચવાનાં ચાર મહિનાં પહેલાં તમને (બધાં યાત્રીઓને) જગાડી દેવામાં આવશે અને ત્યારબાદ ચાર મહિનાં બધાંજ યાત્રીઓ સ્પેસ ટ્રાવેલની મજા લઇ શકશે ત્યારથી એવલીન સ્પેસ શીપમાં તેની સાથે ટ્રાવેલ કરનારા અન્ય મિત્રો સાથે સ્પેસ ટ્રાવેલની મજા લેવાં તેમજ નવી દુનિયામાં નવાં મિત્રો બનાવવા થનગની રહી હતી.
જોકે એવલીન એ નહોતી જાણતી કે સ્પેસ શીપમાં તે એક માત્ર યાત્રી હતી જે જાગી ગઈ હતી. એ પણ દુર્ઘટના ને લીધે ભૂલથી. તે એવાં ભ્રમમાં હતી કે હવે Hope ગ્રહ પહોચવામાં માત્ર ચાર મહિનાજ બાકી છે.
નાહી-ધોઈને ફ્રેશ થયા પછી એવલીને બ્લેક જીન્સ અને હાલ્ફ યેલો ટી-શર્ટ પેહરી લીધી. તેનો સામાન પહેલેથી જ તેના રૂમમાં પહોંચાડવામાં આવ્યો હતો.
“છવાઈ જવા માટે તૈયાર મિસ એવલીન....?” એક શાનદાર હોટેલના suite જેવા તેનાં રૂમની દીવાલ ઉપર લાગેલાં કાંચમાં પોતાનું પ્રતિબીંબ જોતાં-જોતાં એવલીન બબડી. પોતાની સુંદરતા અંગે એવલીન પેહલેથીજ સભાન હતી. પૃથ્વી પર તેનાં અનેક બોયફ્રેન્ડ હતાં.
“જીન્સ હજી થોડું લો વેસ્ટ હોવું જોઈએ....!” માખણ જેવી ગોરી પોતાની ખુલ્લી કમર ઉપર હાથ મૂકી કાંચમાં જોતાં-જોતાં એવલીન ફરી બબડી. એવલીને પોતાનું જીન્સ તેની નાભીથી થોડું વધારે નીચે સરકાવ્યું. પેહલેથીજ ખુલ્લી તેની મખમલી કમરનો તે સુંદર પ્રદેશ હવે વધુ ખુલ્લો થયો જેને લીધે એવલીન હવે વધુ “હોટ” દેખાવા લાગી. આખરે પોતે ઘણાંને ઘાયલ કરી શકે તેવી દેખાય છે એમ ખાતરી થતાં એવલીને પોતાના રૂમની બહાર જવા પ્રયાણ કર્યું.
***
રૂમનો દરવાજો એક લાંબા મોટા કોરીડોરમાં ખુલ્યો. ત્રણ કિલોમીટર લાંબા Traveller X સ્પેસશીપનો કોરીડોર પણ ખાસો લાંબો હતો. કોરીડોરની દીવાલો ઉપર યાત્રીઓની સુવિધાઓ માટે અનેક જગ્યાએ સ્પેસશીપના મેપ લગાવેલાં હતાં. મેપમાં આખાં સ્પેસશીપમાં યાત્રીઓ માટે સ્વીમીંગ પુલ, થિયેટર, game ઝોને, વગેરે તથા સ્પેસશીપના સંચાલન માટે captainની કોકપીટ, મેડીકલ સેન્ટર તથા અન્ય જરૂરી હોય તેવો વિભાગ ક્યાં આવેલો છે, ત્યાં સુધી કઈ રીતે પહોંચવું, તેમજ અન્ય જરૂરી માહિતી દર્શાવવામાં આવી હતી. દીવાલ ઉપર અનેક જગ્યાએ અગ્નિશામકો લગાવામાં આવેલાં હતા. કોરીડોરની છતમાં દર થોડાં અંતરે પ્રકાશ માટે લાઈટો લગાવેલી હતી. આ સિવાય કોરીડોરમાં જગ્યા-જગ્યાએ સ્પીકર પણ લાગેલાં હતાં. જેમાંથી જરૂરી સૂચનાઓ પ્રસારિત થયાં કરતી.
એવલીનના રૂમની બાજુમાં પણ એક હોટેલની જેમજ અનેક યાત્રીઓના રૂમ હતા. જોકે એવલીનને નહોતી ખબર કે બધાંજ રૂમ ખાલી હતાં.
કોરીડોરની દીવાલ ઉપર લાગેલાં મેપને એવલીન થોડીવાર જોતી રહી. ત્યારબાદ એવલીન લાંબા કોરીડોરમાં આગળ ચાલતી-ચાલતી જવાં લાગી. ૩ કિલોમીટર લાંબા સ્પેસશીપનાં લાંબા કોરીડોરને પોતની આગળ ક્યાય સુધી જતાં જોતી-જોતી એવલીનને નવાઈ લાગતી હતી. તેને એવું લાગ્યું કે તે કોઈ મોંઘી હોટેલના કોરીડોરમાં ફરી રહી હોય. લગભગ ૫૦૦ મીટર જેટલું ચાલ્યા પછી એવલીનને એ વાતની નવાઈ લાગી કે આટલાં લાંબા કોરીડોરમાં તેનાં સિવાય એક પણ યાત્રી કે સ્પેસ શીપના સ્ટાફનું સભ્ય દેખાતું નથી.
થોડું વધુ આગળ ચાલ્યા પછી એવલીને કોરીડોરમાં જમણી તરફના એક રૂમના દરવાજા ઉપર “ઓડીટોરીયમ” લખેલું બોર્ડ વાંચ્યું. એવલીન જેવી તેના દરવાજા નજીક પહોંચી કે તરતજ દરવાજો આપોઆપ ખુલી ગયો. આખા સ્પેસ શીપની સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી હતી કે કોઈ પણ મનુષ્યની હાજરીમાં સ્પેસ શીપની તમામ સિસ્ટમ ઓટોમેટિક કામ કરવાનું ચાલુ કરી દેતી. આ માટે સ્પેસ શીપમાં જગ્યા જગ્યાએ body scanner લાગેલાં હતા. જેવું કોઇપણ મનુષ્ય scannerની લાઈટમાંથી પસાર થતું જે-તે સિસ્ટમ (જેવીકે માહતી આપનાર AI કમ્પ્યુટર વગેરે) ઓટોમેટિક ચાલુ થઇ જતું.
ઓડીટોરીયમનો દરવાજો પણ એજ રીતે ખુલી ગયો. એવલીનના અંદર દાખલ થતાંજ ઓડીટોરીયમ આખું લાઈટોથી ઝળહળી ઉઠ્યું. તેમજ તેની આખી સિસ્ટમ આપોઆપ ચાલુ થઇ ગઈ.
“નૈરીતી આકાશગંગાનાં ઓડીટોરીયમમાં તમારું સ્વાગત છે..બોલો તમે શું જોવાનું પસંદ કરશો...?” એવલીનના દાખલ થયાની સાથે જ ઓડીટોરીયમમાં લાગેલાં AI કોમ્પુટરના સ્પિકરમાંથી અવાજ આવ્યો.
“wow....” અચંબિત થયેલી એવલીન ધીમા અવાજે બોલી પડી “મારે Hope ગ્રહ વિષે માહિતી જોઈએ છે....”
“Hope ગ્રહ નૈરિતી આકાશગંગાનો ચોથો ગ્રહ છે. તે પૃથ્વીથી છ ગણો મોટો છે...” એવલીનને જવાબ આપતાં AI કોમ્પુટરના સ્પિકરમાંથી ફરી અવાજ આવ્યો. ઓડીટોરીયમમાં લાગેલાં અનેક લેઝર પ્રોજેક્ટરો વડે એવલીનની જ્યાં ઉભી હતી ત્યાંજ આજુબાજુ આખી નૈરિતી આકાશગંગાની એક જીવંત વર્ચ્યુઅલ ૪ પરિમાણીય image દેખાવા લાગી. એવલીનને એવો અનુભવ થયો જાણે તે સાક્ષાત નૈરિતી આકાશગંગાની સફર કરી રહી હોય. તેને આ લેઝર શો જેવું પ્રોજેક્શન જોવાની મઝા આવી ગઈ.
એવલીન ઓડીટોરીયમમાં આજુબાજુ જોવા લાગી. તેને નવાઈ લાગી કે આટલો મસ્ત લેઝર શો જોવાંમાં પણ આખા ઓડીટોરીયમમાં તે એકલીજ હતી.
“Hope ગ્રહ વિષે હજી કઈક જણાવો...!” આખા ઓડીટોરીયમમાં એકલીજ હતી એ વાત અવગણીને એવલીને ઓડીટોરીયમના કમ્પ્યુટરને પૂછ્યું.
“Hope ગ્રહનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં બમણું છે. ત્યાના વાતાવરણમાં ઓકિસજનનું પ્રમાણ ...”
“નાં...નાં એ નહિ....” એવલીને કમ્પ્યુટરની વાત વચ્ચેથી કાપતાં કહ્યું “આપણે ચાર મહિના પછી લેન્ડ કરવાનું છે..તો તે અંગેની કોઈ જાણકારી આપો....”
“મને માફ કરજો ...! પરંતુ મારાં database પ્રમાણે આપણે હજી Hope ગ્રહ સુધી પહોચવાની સફર ઉપર છીએ....” કમ્પ્યુટરે જવાબ આપ્યો.
“હા...એ તો હું જાણું છું....” એવલીને ખભા ઉછાળીને કહ્યું “આપણ exactly કેટલાં દુર છીએ?” એવલીને પૂછ્યું.
“આપણે હજી ૯૦ વર્ષ દુર છીએ....” કોમ્પુટરે જવાબ આપ્યો.
“What.....!?” એવલીનનાં પેટમાં ફાળ પડી તેનાં ભવાં ઊંચા થઇ ગયા.
“આપણે લગભગ ૯૦ વર્ષ ૩ મહિના દુર છીએ...!” એવલીને ફરી પ્રશ્ન પૂછ્યો છે એમ માની કમ્પ્યુટરે ફરી જવાબ આપ્યો અને એવલીનની સામે પૃથ્વીથી Hope ગ્રહ સુધીની સફરનું પ્રોજેક્ટર વડે એક જીવંત લેઝર ચિત્ર ઉપસાવીને બતાવ્યું. જેમાં એવલીન જ્યાં ઉભી હતી ત્યાંથી જમણીબાજુ થોડા દુર પૃથ્વીનો ગોળો હતો અને ડાબી બાજુ Hope ગ્રહનો ગોળો. બંને વચ્ચે Traveller X સ્પેસ શીપ જતું હોય તેમ લેઝર વડે કોમ્પુટરે ઉપસાવીને બતાવ્યું. Hope ગ્રહ સિવાય બીજા અન્ય ગ્રહો પણ એવલીને પ્રોજેક્શનમાં જોયા.
“નો....નો... કઈક ગરબડ છે....આપણે પૃથ્વીથી કેટલો સમય પહેલાં નીકળ્યા હતા....!?” એવલીને ભયંકર તાણ અનુભવતા પૂછ્યું.
“૩૦ વર્ષ પહેલાં” કમ્પ્યુટરે જવાબ આપ્યો.
કમ્પ્યુટરે આપેલો જવાબ સાંભળીને એવલીનને તમ્મર ચઢવા લાગ્યા. ઓડીટોરીયમના પ્રોજેક્ટરોમાંથી પૃથ્વી, Hope ગ્રહ, વગેરેનું હોલોગ્રફીક પ્રોજેક્શન એવલીનની આજુબાજુ દેખાતું હતું તે જાણે એવલીનને તેની આજુબાજુ ફરતાં ભૂતો જેવું દેખાવા લાગ્યું. ઓડીટોરીયમ વિશાળ હોવાં છતાં એવલીનને ગુંગળામણ થવાં લાગી.
“૯૦ વર્ષ ......!” એવલીનને લાગ્યું કે જાણે તે હમણાં બેભાન થઇ જશે. તેને કશું સમજાયું નહિ કે કમ્પ્યુટર શું કહી રહ્યું છે.
“૯૦ વર્ષ લાગશે Hope ગ્રહ પહોંચતા....!? ઓહ ગોડ .....તો હું સમય પહેલાં બહુ જલ્દી જાગી ગઈ...! હે ભગવાન...!”
તે ભાગીને ઓડીટોરીયમમાંથી બહાર નીકળી. હાંફળી-ફાંફળી થતી એવલીન કોરીડોરમાં બુમો પાડતી-પાડતી દોડવા લાગી.
“હેલો.....! હેલો....કોઈ છે અહિયાં...” કોરીડોરમાં ભાગતાં-ભાગતાં એવલીન બુમો પાડતી બોલવા લાગી “હેલો પ્લીઝ....કોઈ મારી મદદ કરો....હેલો”
કોરીડોરમાં એક જગ્યાએ આવીને એવલીન ઉભી થઇ ગઈ. ક્યાં જવું? શું કરવું? કઈજ નાં સમજાતા એવલીન બધાઈને આજુ-બાજુ જોવા લાગી. તેનું આખું શરીર તપી ઉઠ્યું.
“૯૦ વર્ષ....! હું બહુ જલ્દી જાગી ગઈ...”
“૯૦ વર્ષ....! હું બહુ જલ્દી જાગી ગઈ”
બધાઈ ગયેલી એવલીન ત્યાંજ ઉભી-ઉભી બબડવા લાગી. તેનાં ધબકારા વધી જતાં તેના માથે પરસેવો બાઝવા લાગ્યો. આજુબાજુનું આખું દ્રશ્ય જાણે ગોળ-ગોળ ફરતું હોય તેવું એવલીનને લાગવા લાગ્યું.
“૯૦ વર્ષ....! હું બહુ જલ્દી જાગી ગઈ” એવલીન ફરી બબડી “હું કેવી રીતે જીવીશ એટલું બધું...? હું કેવી રીતે Hope ગ્રહ જીવતી પહોંચીશ...?”
બબડાટ કરી રહેલી એવલીનનાં મગજમાં અચાનક ઝબકારો થયો.
“મારી ક્રાયોજેનિક કેપ્સ્યુલ....હાં...” એવલીન તરતજ યાત્રીઓની ક્રાયોજેનિક કેપ્સ્યુલના ચેમ્બર તરફ ભાગી જ્યાં તેની સાથે-સાથે અન્ય યાત્રીઓની ક્રાયોજેનિક કેપ્સ્યુલો રાખવામાં આવી હતી.
ક્રાયોજેનિક કેપ્સ્યુલના ચેમ્બર તરફ ભાગીને જઈ રહેલી એવલીનનાં શ્વાસ ફૂલવા છતાં તેણે દોડવાનું ચાલું રાખ્યું. આખરે કોરીડોરમાં ૪૦૦ મીટર જેટલું દોડ્યા પછી એવલીન ક્રાયોજેનિક કેપ્સ્યુલના ચેમ્બર સુધી પહોંચી ગઈ.
૭૦૦૦ યાત્રીઓની ક્રાયોજેનિક કેપ્સ્યુલની ચેમ્બરનો વિભાગ અલગથી બનેલો હતો. વિશાળ ચેમ્બરમાં લાઈનબંધ ૭૦૦૦ કેપ્સ્યુલો ગોઠવેલી હતી. જેમાં એટલીજ સંખ્યામાં યાત્રીઓ શીત નિદ્રામાં સુતેલાં હતા. ફક્ત એવલીનને બાદ કરતાં.
હાંફળી-ફાંફળી એવલીને ચેમ્બરમાં દાખલ થતાંજ પોતાને જે કેપ્સ્યુલમાં શીત નિદ્રામાં સુવડાવાઈ હતી તે શોધવા માટે નજર દોડાવી. થોડીવાર આમતેમ જોયા તેણે યાદ આવ્યું કે તેની કેપ્સ્યુલનો નંબર ૧૯૯ હતો. તો દોડતી-દોડતી ૧૯૯ નંબરની કેપ્સ્યુલ શોધવા લાગી.
મગજ શાંત નાં હોવાનાં કારણે એવલીનને પોતાની કેપ્સ્યુલ શોધવામાં ઘણો સમય લાગી ગયો. પોતાની કેપ્સ્યુલ શોધી રહેલી એવલીનની નજર દરેક કેપ્સ્યુલની પાસે પસાર થતી વખતે શીત નિદ્રામાં સુતેલાં અન્ય યાત્રીઓ ઉપર પડતી હતી.
આખરે લાઈનબંધ ગોઠવેલી કેપ્સ્યુલોમાંથી એવલીનને ૧૯૯ નંબરની કેપ્સ્યુલ મળી ગઈ. એવલીને જોયું કે તેની કેસ્પ્યુલના કાંચના ઢાંકણાં ખુલ્લાં હતા. કેપ્સ્યુલમાંથી એવલીનને ડીસ્ચાર્જ કરાયા પછી તેની કેપ્સ્યુલને એજ પરિસ્થિતિમાં છોડી દેવાઈ હતી.
એવલીન તરતજ પોતાની કેપ્સ્યુલમાં ગોઠવાઈ ગઈ. જોકે કેપ્સ્યુલની કોઈજ સિસ્ટમ ચાલુ નાં થઇ. એવલીને કેપ્સ્યુલમાં જે પણ બટન દેખાયા તે ઉતાવળે દાબવા લાગી.
“come on...come on ...ચાલુ થા ...ચાલુ થા...” ઘણીવાર સુધી બટનો દબાયા કરવાં છતાંપણ જ્યારે કઇ નાં થયું તો એવલીન ગુસ્સામાં આવીને બટનો ઉપર પોતાનાં હાથની મુઠ્ઠી વાળી પંચ કરવા લાગી.
એવલીનના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા, કેપ્સ્યુલ ચાલુ નાં જ થઇ. એક ડૂબતો માણસ જેમ તણખલું પકડી બચવા માટે હવાતિયાં મારતો હોય એ રીતે અડધો કલાક એવલીન કેપ્સ્યુલ ચાલુ કરવા મથી. પણ તેનાં તમામ પ્રયાસો વ્યર્થ ગયા. એવલીન પોક મુકીને રડવાં લાગી.
“મારી મદદ કરો પ્લીઝ....કોઈ મદદ કરો...” રડતીરડતી એવલીન બબડાટ કરવા લાગી અને આખરે ક્યારે થાકીને કેપ્સ્યુલમાંજ સુઈ ગઈ તેને ખબરજ નાં પડી.
***
લગભગ છ કલાક પછી એવલીન જાગી. રડી રડીને તેની આંખો સુઝી ગઈ હતી અને તેનાં ગાલ ઉપર આંસુ સુકાઈને તેનાં ડાઘા પડી ગયા હતા. થોડાં કલાકો પહેલાં સુંદર કપડાંમાં સજેલી ધજેલી એવલીનના હાલ કેટલાંય દિવસથી બીમાર હોય તેવી દર્દી જેવાં થઇ ગયા હતાં.
પોતાની બંધ પડેલી કેપ્સ્યુલમાંથી ઉઠીને એવલીન ચાલતી-ચાલતી ક્રાયોજેનિક કેપ્સ્યુલના ચેમ્બરની બહાર જવા લાગી. ચેમ્બરમાંથી બહાર નીકળીને એવલીન ફરીવાર કોરીડોરમાં આવી ગઈ. એક હારેલાં સૈનિકની જેમ ઢીલી-ઢીલી ચાલતી એવલીન અલગ-અલગ વિભાગો તરફ જતા કોરીડોરનાં રસ્તામાં જે દિશામાં મન થાય ત્યાં વળી જવા લાગી.
આમ-તેમ ઉડી રહેલી પતંગની જેમ ચાલતી-ચાલતી એવલીન સ્પેસશીપના એક દરવાજામાં દાખલ થઇ જે એવલીનના આવવાથી આપમેળે ખુલી ગયો હતો.
અંદર દાખલ થતાંજ તે રૂમની બધી લાઈટો ઓટોમેટિક ચાલુ થવા લાગી. તે વિશાળ હોલ જેવો રૂમ હતો. અને એવલીને જોયું કે તે જગ્યાએ ઉભા-ઉભા આખા સ્પેસશીપના બધાજ ફ્લોર દેખાતાં હતા.
“મિલ્કીવે હોલમાં તમારું સ્વાગત છે. સ્પેસ શીપના આ વિશળ હોલને મીલ્કીવે નામ આપણી આકાશગંગા “મિલ્કીવેની યાદમાં આપવામાં આવ્યું છે. જેને આપણે ૩૦ વર્ષ પહેલાં છોડી આવ્યાં છે.” હોલમાં લાગેલું AI કમ્પ્યુટર બોલી ઉઠ્યું જે એવલીનની સામેજ લાગેલું હતું. એક ઉભા ટેબલ જેવી જગ્યા ઉપર પ્રોજેક્ટર લાગેલું હતું. જેમાંથી હોલોગ્રફિક કોમ્પુટરની સ્ક્રીન દેખાઈ રહી હતી. આખા સ્પેસ શીપના અન્ય તમામ કોમ્પુટરની જેમજ હોલના કોમ્પુટરની સ્ક્રીન પણ હોલોગ્રફીક હતી. હોલમાં લાગેલું તે કોમ્પુટર કોઇપણ પ્રકારની માહિતી આપવા માટે મુકવામાં આવેલું સહાયક કોમ્પુટર હતું.
જીવવાની લગભગ બધીજ આશા ખોઈ ચુકેલી એવલીન કોઈ રસ વિના તે કમ્પુટર પાસે ગઈ. થોડી વાર તેની સામે જોઈ રહ્યા પછી એવલીનમાં જાણે ફરી જીવવાની આશા જાગી હોય તેમ તેનામાં નવી ચેતનાનો સંચાર થયો.
“મારે મદદ જોઈએ છે....પ્લીઝ” ઉતાવળા સ્વરે એવલીને તેની સામેના કોમ્પુટરને કહ્યું.
“હું તમારી શું મદદ કરી શકું...?” કોમ્પુટરે કહ્યું.
“શું કોઈ એવી વ્યક્તિ છે જે મારી મદદ કરી શકે....જેની સાથે હું વાત કરી શકું..!?” એવલીને ફરી ઉતાવળા સ્વરમાં કહ્યું.
“સ્પેસ શીપના મેનેજર આપની સહાયતા કરી શકશે..!” કોમ્પુટરે જવાબ આપ્યો.
“પ્લીઝ મને કહો મેનેજર ક્યાં મળશે....!?” નવી આશા જાગતાં બેબાકળી એવલીને પૂછ્યું.
“શીપના મેનેજર શીપના સ્ટાફની ક્રાયોજેનિક ચેમ્બરમાં તેમની કેપ્સ્યુલમાં શીત નિદ્રામાં સુતા હશે...” કોમ્પુટરે જવાબ આપ્યો.
“મજાક કરે છે....હું તેમની સાથે આત્યારે જ વાત કરવા માંગુ છું.” જવાબ સાંભળીને એવલીને અકળાઈને કહ્યું.
“ક્ષમા કરજો...! પરંતુ અત્યારે તેઓ શીત નિદ્રામાં સુતેલાં છે. તેઓ ૯૦ વર્ષ પછી જાગશે. જો કોઈ ઈમરજન્સી હોય તો તમે પૃથ્વી અથવા Hope ગ્રહના હેલ્પ સેન્ટર ઉપર મેસેજ મોકલી શકો છો.” કોમ્પુટરે જવાબ આપ્યો.
“Oh thank god ..!” એવલીનની આશા જીવંત થઇ હોય તેમ તેણે હાશકારો અનુભવ્યો “મેસેજ કઇ રીતે મોકવાનો....!?” એવલીને પૂછ્યું.
“Deep Laser Communication Technology વડે.” કોમ્પુટરે પોતાની ભાષામાં જવાબ આપ્યો.
“ગ્રેટ. મારો મેસેજ રેકોર્ડ કરો....” એવલીને આદેશ આપ્યો.
“વીડિઓ મેસેજ કે ઓડિયો મેસેજ..?” કોમ્પુટરે પ્રશ્ન પૂછ્યો.
“વિડીયો...” એવલીને કહ્યું.
એવલીને આદેશ આપતાંજ કોમ્પુટરનાં હોલોગ્રફિક પ્રોજેક્ટરે મેસેજ રેકોર્ડ કરવાનું શરુ કર્યું. એવલીને કેમેરા સામે જોઇને બોલવાનું શરુ કર્યું
“હેલો....મારું નામ એવલીન રોઝ છે....હું પૃથ્વીથી Hope ગ્રહ જતી અંતિમ સ્પેસ ફ્લાઈટ Traveller Xની યાત્રી છું. ..મારી સમસ્યા એ છે કે હજી....હજી ૩૦ જ વર્ષ થયા છે. એટલે કે અમારી સ્પેસ ફ્લાઈટ ૧૨૦ વર્ષે પૂરી થવાની હતી અને હજી માત્ર ૩૦ વર્ષ જ વીત્યા છે. Hope ગ્રહ સુધી પહોચવામાં હજી ૯૦ વર્ષ બાકી છે.” ગમગીન સ્વરમાં એવલીન બોલી રહી હતી. તેનો સ્વર હવે થોડો બેબાકળો બન્યો “મને નથી ખબર કે હું કેવી રીતે મારી કેપ્સ્યુલમાંથી ઉઠી ગઈ.બીજું કોઈપણ યાત્રી નથી જાગ્યું...કે સ્ટાફ પણ નહિ...હું એકલીજ છું જે જાગી હોય....પ્લીઝ મારી હેલ્પ કરો......૯૦ વર્ષ....હું કઇ રીતે...સોરી પણ..મારે મદદ જોઈએ છે..પ્લીઝ...જેટલાં જલ્દી શક્ય હોય એટલી. ૯૦ વર્ષ ...૯૦ વર્ષમાં તો હું મરી જઈશ....પ્લીઝ મારી મદદ કરો...પ્લીઝ...બસ એજ” એવલીને મેસેજ પૂરો કર્યો.
એવલીનનો સંકેત મળતાંજ કોમ્પુટરે મેસેજ સેન્ડ કરી દીધો.
“મેસેજ મોકલી દેવાયો છે..” કોમ્પુટરે એવલીનને સુચના આપી.
“thank you.....” એવલીન હરખાતી હરખાતી બોલી.
“તમારો મેસેજ ૧૯ વર્ષ પછી પૃથ્વી પર પહોંચશે, તમારી કમ્પ્લેનનો જવાબ તમને ૫૫ વર્ષ પછી મળશે..” કોમ્પુટરે નવી સુચના આપી.
“wait what....!?” એવલીને આંચકો લાગ્યો “આટલો બધો સમય...!?”
“આપણે ૩૦ વર્ષ પહેલાં પૃથ્વીથી નીકળી ચુક્યા છે. સ્પેસ શીપ અંતરીક્ષમાં પ્રકાશની લગભગ ૯૦% ઝડપે પ્રવાસ ખેડે છે. એટલે કે એક સેકંડના લગભગ ૨,૭૦,૦૦૦ કિલોમીટર. આપણે પૃથ્વીથી ખર્વો કિલોમીટર દુર છીએ અને દર સેકન્ડે લાખો કિલોમીટર દુર જતાં જઈએ છે. આથી ખર્વો કિલોમીટર પૃથ્વી સુધી તમારો મેસેજ પહોચતાં લગભગ ૧૯ વર્ષ લાગશે. અને આ ૧૯ વર્ષમાં આપણે બીજા ખર્વો કિલોમીટરનું અંતર કાપી નાખ્યું હશે. આથી પૃથ્વીથી મોકલાયેલાં આપનાં મેસેજના જવાબને આપણા સુધી પહોચવામાં ૩૬ વર્ષ જેટલો સમય લાગશે. આમ ટોટલ ૫૫ વર્ષ જેટલો સમય તમારી સમસ્યાનું નિવારણ કરવામાં વીતી જશે...” એવલીનના સવાલનો કોમ્પુટરે લાંબો ગણતરીવાળો જવાબ આપ્યો.
“Oh F**k...” એવલીનની આશાઓ ફરીવાર પડી ભાંગતા તેનાં મોઢામાંથી લગભગ ગાળ નીકળી ગઈ.
“મદદ કરીને આનંદ થયો...” કોમ્પુટરે તેની હોલોગ્રફિક સ્ક્રીન ઉપર સ્માઈલી ફેસ બનાવતા કહ્યું.
***
ઢીલી થઈને એવલીન હોલમાંથી બહાર નીકળી ચાલતી-ચાલતી ગમે ત્યાં જવા લાગી. હોલના કોમ્પુટરે મેસેજ અંગેની જે વાત કહી તેનાથી તેનું મગજ ફરી ચકરાવે ચઢી ગયું. જે ઉત્સાહથી તેણે પૃથ્વી છોડી હતી એ બધો ઉત્સાહ ઓસરી ગયો હતો.
એક નવા ગ્રહ ઉપર નવું જીવન શરુ કરવાના જે સપના તેણે જોયા હતા, તે બધાં તૂટી ગયા હતા. સ્પેસ શીપમાં કોઈપણ રસ્તે ચાલતી-ચાલતી એવલીન એક બાર પાસે આવી ગઈ. બારનો વિશાળ પ્રવેશ દ્વાર ખુલ્લો હોવાથી બારની અંદરનું દ્રશ્ય દેખાતું હતું.
પૃથ્વી પરના બારની જેમજ પ્રવેશ દ્વારની સામે બાર ટેન્ડરનું લાંબુ અર્ધ ગોળાકાર ટેબલ હતું. વચ્ચે બાર ટેન્ડરની ઉભા રહીને ગ્રાહકોને દારુ વગેરે આપવાની ખુલ્લી જગ્યા અને પાછળ અનેક વિદેશી-મોંઘી શરાબની બોટલો.
નિરાશ થયેલી એવલીને પોતાના દુઃખને ભુલાવવા માટે દારુ પીવાનું વિચાર્યું અને બારમાં દાખલ થઇ.
તેનાં બારમાં દાખલ થતાંજ આખું બાર લાઈટોથી ઝળહળી ઉઠ્યું. એવલીન આજુ-બાજુ અને બારની છત વગેરે જોતી-જોતી બાર ટેબલ પાસે જવા લાગી. બારની લાઈટોના પ્રકાશમાં એવલીનને બાર ટેબલની પાછળ એક બાર ટેન્ડર દેખાયો.
જોકે એવલીન તેણે જોઇને સમજી ગઈ હતી તે એક રોબોટ છે. પરંતુ દુરથી જોનારને એવુજ લાગે જાણે તે જીવતો જાગતો મનુષ્ય છે, કેમકે તે રોબટને દેખાવે અસ્સલ મનુષ્ય જેવોજ બનાવાયો હતો. માણસ જેવી સુવાળી ચામડી, માણસની જેમ હાથ, મોઢું, આંખો, આઈબ્રો, માથાના વાળ વગેરે તદ્દન મનુષ્ય જેવું. જોકે તેને પગની જગ્યાએ પૈડાવાળી ખુરશી જેવાં વ્હીલ હતા. તેઓ કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence-AI) ધરાવતા રોબોટ હતાં આથી તેઓ મનુષ્યની જેમ જ વાત પણ કરી શકતા, વિચારી શકતા, તર્ક લડાવી કોઈ સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરી વગેરે મનુષ્ય જેવા અનેક કાર્યો કરી શકતા.
આવાં રોબોટ એવલીને પૃથ્વી પરનાં સ્પેસ સ્ટેશન ઉપર જોયા હતા. પરંતુ આ સ્પેસ શીપ કદાચ આ પહેલો રોબોટ હતો જેને એવલીને જોયો હતો.
“મને એક વ્હીસ્કી આપજો...” એવલીને બાર ટેબલની જોડે મુકેલા ગ્રાહકોના સ્ટૂલ ઉપર બેસતાંજ ઓર્ડર આપ્યો. ઓલો રોબોટ તેનાં વ્હીલ ઉપર સરકતો તેની પાછળ મુકેલી શરાબની અનેક બોટલોમાંથી એક બોટલ લાવ્યો અને વ્હીસ્કીના એક ગ્લાસમાં થોડી વ્હીસ્કી કાઢી એવલીનની સામે બાર ટેબલ પર મૂકી.
“એન્જોય....” એ રોબોટ બોલ્યો.
એના મોઢે “એન્જોય” શબ્દ સાંભળી એવલીન કટાક્ષમાં હસી પડી. તેણે પોતાની ઉપર દયા આવી ગઈ.
“તું તો રોબોટ છે....તને શું ખબર હું કેટલી મોટી મુસીબતમાં છું..?” એવલીન વ્હીસ્કી પીતાં-પીતાં બોલી.
“નોવા 9X મારું નામ ....” ઓલા રોબોટે પોતાનો પરિચય આપ્યો.
“હી .હી....તો તારું નામ પણ છે...હં...” એવલીન બોલી.
“હા 9X સીરીઝના બધાજ રોબોટનું એક યુનિક નામ હોયજ છે. મારું નામ નોવા છે....” રોબોટે કહ્યું “તમે કહ્યું તમે કોઈ મુસીબતમાં છો.....શું હું કઇ મદદ કરી શકું....?”
“મારી ક્રાયોજેનિક કેપ્સ્યુલ બગડી ગઈ....હું એક્સીડેન્ટલી જાગી ગઈ....” એવલીને ફરી એક વ્હીસ્કીનો ઘૂંટ પીધો “હજી ૯૦ વર્ષ બાકી છે Hope પહોચવામાં ....બોલ તું શું કરી શકીશ આમાં...!?”
“ઈમ્પોસીબલ.....!” નોવાએ કહ્યું “ક્રાયોજેનિક કેપ્સ્યુલ બગડવાનો તો કોઈ સવાલ જ નથી ઉઠતો.....”
“એમ...!” એવલીને કટાક્ષમાં કહ્યું “પણ હું તો તારી સામે જ છું....જીવતી જાગતી...”
“હં...તો આ તો બહુ મોટી મુસીબત છે.....!” નોવા જાણે વિચારતો હોય એમ બોલ્યો.
એવલીને કોઈ જાતની પ્રતિક્રિયા આપ્યા વિના પોતાની વ્હીસ્કી પીધી. થોડીવાર સુધી એવલીન કઇ નાં બોલી. નોવા એવલીનની સામે જોતાજોતા ચુપ ઉભો રહ્યો.
“થોડી વ્હીસ્કી આપ....!” એવલીનનો વ્હીસ્કીનો ગ્લાસ ખાલી થતાં તેણે બીજી વ્હીસ્કી માંગી. નોવાએ અડધો ગ્લાસ ભર્યો.
“સ્પેસશીપના સ્ટાફને હું કઇ રીતે જગાડી શકું...?” એવલીનના મનમાં વિચાર આવ્યો અને તેણે નોવાને પૂછ્યું.
“એ શક્ય નથી..!” નોવાએ વ્હીસ્કીની બોટલ ફરી તેની જગ્યાએ મુકતા-મુકતા કહ્યું “સ્પેસ શીપનાં સ્ટાફની ક્રાયોજેનિક કેસ્પ્યુલોની ચેમ્બરનો દરવાજો અતિ મજબુત ટાયટેનીયમ ધાતુમાંથી બનેલો છે. આ સ્પેસ શીપ ઉપર એવી કોઈ વસ્તુ નથી કે જે એ ચેમ્બરના દરવાજાને તોડી શકે...” નોવાએ સમજાવતાં કહ્યું “અને એમ પણ....જો તમે કોઈ સ્ટાફ મેમ્બરને જગાડશો તો એ પણ તમારી જેમ જ ફસાઈ જશે...૯૦ વર્ષ સુધી ...જો તે એટલું લાંબુ જીવ્યો તો...” નોવા થોડું અટક્યો અને આગળ બોલ્યો “શું તમે પોતાનાં ફાયદા માટે કોઈની સાથે એવું કરશો....?” નોવએ પ્રશ્ન પૂછ્યો.
“મને નહોતી ખબર કે રોબોટ નૈતિકતા વિષે પણ વિચારે છે..” એવલીને કહ્યું
“9X સીરીઝના બધાંજ રોબોટોને સૌથી વધુ માનવીય સંવેદનાઓ કે લાક્ષણિકતાઓ જેવીકે નૈતિકતા, કોઈની વાત ઉપર ખુશ થવું, જોક મારવા, અલગ અલગ લાગણીઓ વગેરે સાથે પ્રોગ્રામ કરવમાં આવ્યા છે. અમે ઘણું વિચારી શકીએ છે. અમારી કુત્રિમ બુદ્ધિમત્તા અગાઉની સીરીઝના રોબોટો કરતાં ક્યાંય વધુ છે...”
“એમ....” એવલીને ફરી કટાક્ષ કર્યો “તો મિસ્ટર નોવા ....મને લાગે છે કે હું આ સ્પેસ શીપ ઉપર સડી-સડીને મરવાની છું....બોલો તમારું શું કેહવું છે આ વિષે...!” એવલીને ગમગીન અવાજમાં કટાક્ષ કરતાં કહ્યું.
“વેલ....! જો એવું થવાનું હોય તો જે તમે કરી શકતા હો એ કરો...જે તમારા હાથમાં નથી તે વિચારવાનું છોડીદો” નોવાએ કહ્યું.
“હમ્મ....એટલે...? તું શે કેહવા માંગે છે....!?” એવલીને પૂછ્યું
“માનીલો કે તમે એક આઈલેન્ડ ઉપર એકલાં ફસાઈ જાઓ છો, તમારી પાસે પાછા ફરવાનો કોઈ વિકલ્પ નથી, કોઈ મદદ નથી. તો પાછા ફરવાંનાં પ્રયત્નોમાં સમય વેડફવાની જગ્યાએ જે આઈલેન્ડ ઉપર તમે ફસાયાં છો તે આઈલેન્ડની સુંદરતા માણો, તમારું બાકીનું જીવન વેડફવાની જગ્યાએ તે આઈલેન્ડ ઉપર મજાથી જીવો...” નોવાએ એવલીનને સલાહ આપી.
નોવાની વાત ઉપર એવલીન વિચારવા લાગી. એવલીનને સમજાયું કે તેની પાસે હવે અન્ય કોઈ રસ્તો નથી બચ્યો તો પછી જેટલો સમય જીવવાનું લખ્યું છે એટલું એશ કરીને જીવી લઈએ તો....? એમ પણ એ સ્પેસ શીપ ઉપર તેની રોકટોક કરવાવાળું કોઈ નહોતું.
***
નોવાએ એવલીનને સ્પેસ શીપ ઉપર યાત્રીઓ માટે મનોરંજનની જે અનેક સુવિધાઓ ઉપલબ્ધ હતી (જેનો ઉપયોગ યાત્રીઓએ Hope ગ્રહ પહોંચવાના ચાર મહિના પેહલાં ઉઠ્યા પછી કરવાનો હતો) તે અંગે ઘણી બધી જાણકારી આપી.
બાર સિવાય સ્પેસ શીપ ઉપર સ્વીમીંગ પુલ, જીમ, થીએટર, ડાંસ ક્લબ, રેસ્ટોરન્ટ વગેરે અનેક સુવિધાઓ હતી. એવલીને એક પછી એક બધી સુવિધાઓની મજા લેવાનું નક્કી કર્યું.
બીજા દિવસે સવારથી એવલીને પોતાનાં જીવનની વાસ્તવિકતા સ્વીકારીને સ્પેસ શીપમાં જ નવું જીવન શરુ કર્યું. સવારમાં સ્વીમીંગ અને જીમમાં કસરત કર્યા પછી એવલીને રેસ્ટોરન્ટમાં જઈને મસ્ત બ્રેકફાસ્ટ કર્યો. ત્યારબાદ થીએટરમાં જઈને તેને ગમતી મુવી જોઈ. ગેમ ઝોનમાં જઈ બોલિંગ વગેરે જેવી અનેક ગેમો રમી. બધી ગેમોમાં તે એકલીજ જીતતી અને જીત્યા પછી જોરજોરથી ચિચિયારીઓ પાડતી.
સાંજ પડતાંજ સ્પેસ શીપ ઉપર તેનાં એકમાત્ર દોસ્ત એવાં નોવાની જોડે પોતે આખો દિવસ કેવી રીતે વિતાવ્યો તેની વાતો કરતી અને વ્હીસ્કી પીતી. ઘણીવાર પૃથ્વી પરના પોતાનાં જીવનના ભૂતકાળની વાતો પણ કરતી.
આમ એવલીનને ધીમે-ધીમે સ્પેસ શીપ ઉપરજ પોતાના જીવનને આગળ વધારવા માટે એક રૂટીન સેટ કરી લીધું લગભગ અને અઢી વર્ષ સુધી જેમ તેમ કરીને પોતાનું જીવન આગળ વધારતી રહી.
જોકે ગેમ ઝોનમાં ગેમ રમતી વખતે દરેકવાર પોતે એકલી વિજેતા કેમ બને છે એ વાતનો એવલીનને અહેસાસ લગભગ રોજે થતો. જમવાનું હોય, શીપમાં બેસીને આમતેમ આંટાફેરા કરવાના હોય, મુવી જોવાનું હોય, એવલીન તમામે તમામ સમય એકલતાનો સામનો કરવો પડતો.
આથીજ જેમ-જેમ સમય આગળ વધતો ગયો તેમ-તેમ એવલીન વધુંને વધુ બેફામ થતી ગઈ. તે હવે નોવા પાસે વધુને વધુ વ્હીસ્કી માંગવા લાગી અને નોવા ના પાડતો તો પોતાની મેળે અઆખી બોટલ લઈને ઢીંચવા લાગતી.
અઢી વર્ષ એકલાં જીવવાનો પ્રયાસ કરી ચુકેલી એવલીન હવે લગભગ આખો દિવસ અને રાત નશામાં ધુત થઈને ફરતી. પોતાના મનમાં ઉઠતાં જાતીય આવેગોને દબાવવાનો તેણે શરુમાં ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ છ-સાત મહિના પછી તે પોતાને રોકી નાં શકી. એક પુરુષના સાથ વિના પોતાની જાતીય ઈચ્છાઓ સંપૂર્ણ ના સંતોષાતા તે વધુને વધુ બેફામ બની.
આવાજ એક દિવસે તે ડાન્સ ક્લબમાં હતી. ક્લબમાં તેનાં સિવાય કોઈ નહોતું. આથી ડાન્સરોના ડાન્સ ફ્લોર ઉપર ચડીને એવલીને એ કરવાનું શરુ કર્યું જે કરવાનું મન પૃથ્વી પર તેને હંમેશા થતું- સ્ટ્રીપ ડાન્સ.
ડાંસ ક્લબમાં વાગી રહેલાં મ્યુઝીક ઉપર તેણે એક પછી એક પોતાના વસ્ત્રો ઉતારવાનું ચાલુ કર્યું. અને ધીમે-ધીમે કરીને પોતાના તમામ વસ્ત્રો ઉતારી નાખ્યાં અને ડાન્સ ફ્લોર ઉપર માદક સ્ટ્રીપ નૃત્ય કર્યું. જો કોઈ પુરુષે એવલીનને આવું માદક નૃત્ય કરતાં જોઈ હોત તો કદાચ પોતાની જાત ઉપર કાબુ ગુમાવી બેસત. પણ એવલીનને નગ્ન જોવાવાળું ત્યાં કોઈ નહોતું.
નશામાં ધુત થઈને સ્ટ્રીપ ડાન્સ કરી રહેલી એવલીનને જ્યારે આ વાતનું ફરી ભાન થયું કે તેની સુંદરતા અને માદકતા માણનાર કોઈ પુરુષ ત્યાં હાજર નથી, તેને ઘોર હતાશા ઘેરી વળી. તે હતાશાની વમળમાં ફસાતી ચાલી ગઈ અને ડાન્સ ફ્લોર ઉપર નાચતી-નાચતી પોતાનાંજ શરીરનાં અંગો ઉપર તેનાં હાથનાં નખ મારવા લાગી. જેનાં લીધે તેનાં શરીર પર અનેક જગ્યાએ ઉઝરડાં પડી ગયા અને લોહીનાં ટીપાં બાઝી ગયા. પોતાની જાત ઉપર કાબુ ઘુમાવી બેસેલી એવલીન અનાવૃત્ત અવસ્થામાંજ ડાન્સ ફ્લોર ઉપર ઢળી પડી અને અંતે બેભાન થઇ ગઈ.
***
જ્યારે એવલીન ભાનમાં આવી ત્યારે તેનું માથું ભમી રહ્યું હતું. દારૂના નશાના કારણે તેની મગજની નસો ખેંચાતી અનુભવી. તે જે બોટલ લઈને દારુ ઢીંચ્યા કરતી હતી તે ખાલી બોટલ ડાન્સ ફ્લોર પર પડી હતી. સાથે સાથે તેનાં કપડાં, આંતરવસ્ત્રો વગેરે પણ. એવલીને કોઈ પણ વસ્તુની પરવા નાં કરી અને ઉઠીને બાર તરફ અનાવૃત્ત અવસ્થામાંજ ચાલી ગઈ.
બારમા પહોચ્યા પાછી તેણે નોવા પાસે ફરી એકવાર દારૂની બોટલ માંગી. એવલીન અનાવૃત્ત છે એ વાતની જરા પણ દરકાર કર્યા વિના નોવાએ બોટલ આપવા થોડી ઘણી આનાકાની કરી. છેવટે તેણે એવલીનને બોટલ આપી દીધી.
બોટલમાંથી દારૂ પીતી-પીતી એવલીન એજ અવસ્થામાં ક્રાયોજેનિક ચેમ્બરમાં આવી. અને પોતાની કેપ્સ્યુલ પાસે આવીને ઉભી રહી. કેપ્સ્યુલ તરફ જોઇને તેની આંખમાંથી પાણી આવી ગયું. દારુની બોટલ પોતાના અનાવૃત્ત સ્તનો વચ્ચે દબાવીને તે બાળકની જેમ રડતી-રડતી ફરીવાર કેપ્સ્યુલમાં ઊંઘી. ક્યાંય સુધી રડ્યા પછી તે કેપ્સ્યુલમાંથી ઉઠી અને પોતાના રૂમ તરફ ચાલી.
હવે તે કોરીડોરમાં હતી. ચાલતાં-ચાલતાં તે એક દરવાજા પાસેથી પસાર થઇ. એવલીનથી અનાયાસે તે દરવાજા ઉપરનું બોર્ડ વંચાઈ ગયું અને તે આગળ વધી ગઈ. જોકે થોડુંજ આગળ ચાલ્યા પછી તેનાં મગજમાં કાંઇક ઝબકારો થયો.
“મુસાફરો અંગેની માહિતી વિભાગ” મનમાં તેણે તે બોર્ડ ઉપર લખેલું લખાણ યાદ કર્યું. તરતજ એવલીન તે દરવાજા પાસે ગઈ. દરવાજામાં લાગેલા સ્કેનરમાં એવીલીનનું અનાવૃત્ત શરીર સ્કેન થયું અને દરવાજો ખુલી ગયો.
એવલીન અંદર દાખલ થઇ. રૂમની અંદર લાઈટો આપોઆપ ચાલુ થઇ. હોલની જેમજ અહીં પણ એક ટેબલ ઉપર હોલોગ્રફિક કમ્પ્યુટર લાગેલું હતું. એવલીન તેની પાસે ગઈ અને તે કમ્પ્યુટર ચાલુ થઇ ગયું.
જે વિચાર એવલીનનાં મગજમાં બોર્ડ ઉપરનું લખાણ વાંચીને આવ્યો હતો તે અંગે તેણે કમ્પ્યુટરને પ્રશ્ન પૂછ્યો
“Traveller X સ્પેસ શીપ ઉપર કેટલાં મુસાફરો છે..?”
“૭૦૦૦” કમ્પ્યુટરના સ્પિકરમાંથી અવાજ આવ્યો.
“મુસાફરોમાંથી સૌથી વધુ ભણેલું હોય તેવું કોણ છે...!?” એવલીને પૂછ્યું.
“ડો. જોય વી. મેનન -તેઓ એક ભારતીય વૈજ્ઞાનિક અને લેખક છે, Electrical Engineeringમાં Phd, Mechanical Engineering માં M.Phil, Bio-Tech.માં પણ M.Phil ધરાવે છે. એટલુજ નહિ માત્ર ૨૪ વર્ષ જેટલી નાની ઉમરે આટલી બધી ઉચ્ચ ડીગ્રીઓ ધરાવનારા તેઓ Hope ગ્રહ અને પૃથ્વી ગ્રહના એકમાત્ર યુવાન છે. આ શીપ ઉપરના તમામ યાત્રીઓમાં તેમનાં જેટલી ક્વોલીફીકેશ્ન અન્ય કોઈ પાસે નથી.” કોમ્પુટરે લાંબો લચક જવાબ આપી દીધો.
“thank you કહીને” એવલીન ત્યાંથી નીકળી ગઈ.
***
તેનાં મનમાં ઓલા બોર્ડ ઉપર લખેલાં લખાણ ઉપરથી એ વિચાર આવ્યો હતો કે તે સ્પેસ શીપના સ્ટાફને જગાડી શકે એમ નથી કેમકે સ્ટાફ ટાઈટેનીયમના મજબુત દરવાજા પાછળ શીત નિદ્રામાં સુતો હતો. અને તે દરવાજો તોડવો અસંભવ હતો. પરંતુ મુસાફરોની ક્રાયોજેનિક ચેમ્બરમાં સુતેલાં કોઈ એવાં યાત્રીને જે ખુબ હોશિયાર હોય અને technical નોલેજ ધરાવતો હોય જો તેને જગાડી દેવાય તો...? તો એવલીનનું કામ થઇ જાય. તે વ્યક્તિ એવલીનને ફરી કેપ્સ્યુલમાં સુવામાં મદદ કરી શકે તેમ હતો. જોકે આના માટે એ વ્યક્તિને જગાડ્યા પછી લાંબો ખેલ ખેલવો પડે એમ હતો જે ખેલનો પ્લાન એવલીને તેનાં મગજમાં વિચારી લીધો હતો. અને એ પ્લાન મુજબ પહેલાં એવલીન નોવા પાસે ગઈ.
***
બારમાં દાખલ થયેલી એવલીને સ્ટૂલ ઉપર બેસતાંજ વ્હીસ્કી માંગી. નોવાએ વ્હીસ્કી આપતાં જ એવલીને પોતાની વાત શરુ કરતાં બોલી
“નોવા....ધારોકે મારી ક્રાયોજેનિક કેપ્સ્યુલ કોઈ કારણસર બગડે તો તે કેવી રીતે બગડે....!?”
“મમ્મ....હું માનું છું ત્યાં સુધી કેપ્સ્યુલ બગડવાની સંભાવના ઘણી ઓછી છે.” નોવાએ કહ્યું
“કેમ...? માનીલે પાવર ફેઈલ થાય તો..!?” એવલીને કહ્યું
“નાં.....! તો પણ સ્પેસ શીપના પાવર સપ્લાય સિવાય દરેક કેપ્સ્યુલ અન્ય ત્રણ બેકઅપ પાવર સપ્લાય સાથે જોડાયેલી છે. બધાં એક સાથે ફેઈલ નાં થાય...!” નોવાએ જવાબ આપ્યો.
“હમ્મ...” એવીલને વિચાર્યું કે પાવર સપ્લાય બંધ કરીને ડો.જોયને જગાડી ના શકાય. “એમપણ જો હું એવું કરું તો પકડાઈ જાઉ કેમકે ડો.જોય Electrical Engineeringમાં Phd ધરાવે છે તેને ખબર પડી જાય કે સ્પેસ શીપમાં હું એકલી જ યાત્રી જાગેલી છું એટલે પાવર સપ્લાય છેડખાનીનું એ કામ મારુજ હોય...” એવલીને મનમાં વિચાર્યું
“મારે કઈક એવું કરવું પડે જેથી આખી ઘટના એકસીડન્ટ લાગે...જેવું મારી સાથે થયું હતું” એવલીને મનમાં વિચાર્યું અને પછી નોવાને પૂછ્યું “તો પછી મારી કેપ્સ્યુલ કઈ રીતે બગડી હશે...?”
“મારી કુત્રિમ બુદ્ધિમત્તા મને કહે છે કે તમારી કેપ્સુલ બગડવાનું કારણ તમારી કેપ્સ્યુલની સર્કીટ ઉડી જવાનું હોવુ જોઈએ....” નોવાએ જવાબ આપતાં કહ્યું.
“તો પછી હું કેપ્સ્યુલમાંથી સલામત ડીસ્ચાર્જ કઈ રીતે થઇ...!?” એવલીને શંકા કરતાં પૂછ્યું.
“કેપ્સ્યુલનું કમ્પ્યુટર ફક્ત ત્યારેજ ચાલુ થાય છે જયારે કેપ્સ્યુલની ઈમરજન્સી સ્વીચ કમાંડ આપે છે. અને ઈમરજન્સી સ્વીચ ત્યારેજ કમાંડ આપે છે જયારે કેપ્સ્યુલની સર્કીટ કોઈ અકસ્માતને લીધે બળી જાય છે” નોવાએ સમજાવ્યું પછી આગળ કહ્યું “આ સિસ્ટમ એટલે ગોઠવવામાં આવી હતી જેથી કોઈ પ્રકારના અક્સમાતને લીધે જો કેપ્સ્યુલની સીસ્ટમ ખોરવાય કે તેની સર્કીટ બળી જાય તો અંદર રહેલ વ્યક્તિને કેપ્સ્યુલનું કમ્પ્યુટર સલામતરીતે ડીસ્ચાર્જ કરી શકે...મારા વિચારથી આ વ્યસ્થા ખરેખર અદભુત છે નઈ...?”
“હાં.... સાચેજ...નહીતો હું નાં બચી હોત....!” એવલીને કુટિલ હાસ્ય કરતાં કહ્યું “તું કેપ્સ્યુલ વિષે આટલું બધું કેમનું જાણે છે....?” એવલીને આશ્ચર્ય પામતાં પૂછ્યું.
“9X સીરીઝના રોબોટોને મૂળતો યાત્રીઓને શીત નિદ્રામાંથી જગાડવાની સહાયતા કરવા માટે બનાવાયા હતા. પરંતુ Traveller X અંતિમ સ્પેસ ફ્લાઈટ હોવાથી હવે મારા જેવાં વધારે સ્માર્ટ રોબોટની જરૂર નાં રહી” નોવાએ કહ્યું
“તો એટલે એ લોકોએ તને બાર ટેન્ડર બનાવી દીધો...?” એવલીને નોવાને દુઃખદ સ્વરમાં કહ્યું.
“હાં...!” નોવા થોડું અટક્યો “પણ હું ખુશ છું કે હું અહીં છું મારા જેવાં કેટલાંકને તો ભંગારવાડે મોકલી દેવાયા.” નોવાએ થોડાં સ્મિત સાથે કહ્યું.
એવલીનને નોવાની વાતની નવાઈ લાગી. આટલાં વર્ષોમાં મનુષ્ય ક્યાંથી ક્યાં પહોચી ગયો. રોબોટ પણ ખુશ થવું, દુખી થવું વગેરે જેવી ભાવનાઓ ધરાવતાં થઇ ગયા.
“એમ પણ યાત્રીઓ ફક્ત ૭૦૦૦ જ છે. આથી જો આ સ્પેસ શીપને કઈ થઇ પણ ગયું તો ૭૦૦૦ યાત્રીઓ અને બીજા સ્ટાફ મેમ્બરના મૃત્યુ કોઈ મોટી ઘટના નથી....આમ છતાં મારા માટે ૭૦૦૦ યાત્રીઓના જીવનનું મહત્વ ઓછુ નથી...”નોવાએ કહ્યું.
એવલીન શાંત રહી. અને વિચારવા લાગી.
“આજ સુધી હજારો સ્પેસ ફ્લાઈટ થઈ છે. જેમાં કરોડો મનુષ્યો Hope ગ્રહ પહોચ્યાં છે. અને એક પણ વ્યક્તિની જાન નથી ગઈ. આ ખુબ મોટી સિદ્ધી છે” નોવાએ ઉમેર્યું.
“એવું લાગે છે તારા જેવાં રોબોટ મનુષ્ય કરતાં વધુ લાગણીશીલ છે...” એવલીને વ્હિસ્કીનો ગ્લાસ ટેબલ પર મુકતા કહ્યું. નોવાએ થોડી સ્માઈલ આપી.
એવલીને નોવાની સામે જોયું. પછી નજર નીચી નાખીને ક્રાયોજેનિક ચેમ્બર તરફ ચાલવા લાગી. અને પોતાના વિષે વિચારવા લાગી. નોવા રોબોટ હોવા છતાં મનુષ્ય જીવનનું મહત્વ સમજે છે. અને પોતે એક વ્યક્તિને શીત નિદ્રામાંથી જગાડીને તેનું જીવન છીનવા જઈ રહી છે. જો નોવા તેની જગ્યાએ હોત તો કદાચ આવું નાં કરત.
વિચારે ચઢેલી એવલીન બારના પ્રવેશદ્વાર પાસે અટકી અને પાછળ વાળીને ફરી નોવા સામે જોયું. એવલીનના ગયા પછી નોવા બાર ટેબલ ઉપર એવલીને ઢોળેલી વ્હીસ્કી સાફ કરી રહ્યો હતો. એવલીન છેલ્લાં કેટલાંય દિવસોથી નશામાં ધૂત થઈને અનાવૃત્ત અવસ્થામાંજ આખા સ્પેસ શીપ ઉપર ફરતી હતી. નોવા સામે પણ તે કપડાં પહેરવાની દરકાર નહોતી કરતી. છતાં પણ નોવાએ હમેશાં એવલીન સાથે આંખો થી આંખો મિલાવીને જ વાત કરી હતી. ક્યારેય એવલીનને કે તેનાં સુંદર શરીરને તાક્યું નહોતું. આમતો નોવા એક અતિ બુદ્ધિશાળી રોબોટ હતો તેનામાં સ્ત્રી પ્રત્યે ભલે કોઈ પણ પ્રકારની ભાવના નહોતી જાગતી પણ તે ભાવનાહીન નહોતો. તેને અનેક પ્રકરની માનવીય લાગણીઓથી “પ્રોગ્રામ” કરવામાં આવ્યો હતો. તે પોતાની જાતે મનુષ્ય જીવનનું મહત્વ વિચારી જાણતો. આમ એવલીને વિચાર્યું કે પોતાનાં કરતાં નોવા “મુઠ્ઠી ઊંચેરો રોબોટ” છે.
***
પોતાનાં વિષે અને નોવાના મનુષ્યના જીવન અંગેના વિચારોમાં ખોવાયેલી એવલીન આખરે ક્રાયોજેનિક ચેમ્બરમાં આવી પહોચી. અને ડો. જોય વી. મેનનની કેપ્સ્યુલ જેનો નંબર તેણે યાત્રીઓની માહિતી વાળા રૂમના કમ્પ્યુટર પાસેથી મેળવ્યો હતો તેની પાસે આવી.
કેપ્સ્યુલની અંદર સુતેલાં ડો. જોયને એવલીન કેપ્સ્યુલના કાંચના દરવાજાની આરપાર જોઈ રહી. તેને જગાડવો કે ના જગાડવો તે નક્કી કરવું એવલીન માટે આકરું બનતું જતું હતું. બહુ ઝાઝો સમય જો તે આમ વિચાર્યા કરશે તો કદાચ તે જોયને જગાડવાની હિમ્મત નહિ કરી શકે એવું એવલીનને લાગ્યું. આથી એવલીન ડો.જોયની કેપ્સ્યુલ પાસે ઘૂંટણીએ બેસી ગઈ અને સ્પેસ શિપના ટૂલ રૂમમાંથી જે ટૂલકીટ લાવી હતી તેમાંથી જરૂરી ઓજારો બહાર કાઢ્યા.
કેપ્સ્યુલની અને તેની સર્કીટ અંગેની બેઝીક રચનાં અંગેની જાણકારી તેણે હોલના કમ્પ્યુટર પાસેથી મેળવી લીધી હતી. જે મુજબ કેપ્સ્યુલની મેઈન સર્કીટ કેપ્સ્યુલની જમણી બાજુ નીચેની તરફ એક બોક્ષ જેવી જગ્યામાં લાગેલી હતી.
ટૂલકીટ માંથી સ્ક્રુ ડ્રાઈવર કાઢી તેની મદદથી એવલીને સર્કીટ બોક્ષનું ઢાંકણું ખોલી નાખ્યું. તેને જોયું કમ્પ્યુટરની સર્કીટની જેમજ કેપ્સ્યુલની સર્કીટમાં અનેક વાયરો, ચીપ સેટ વગેરે લાગેલાં હતા. એવલીન પોતાની સાથે લીધેલી પાણીની એક બોટલનું ઢાંકણું ખોલી કેપ્સ્યુલની ખુલ્લી સર્કીટની ચીપસેટ ઉપર પાણી રેડી દીધું.
તરતજ તણખાં ઝર્યા અને સર્કીટ બળી જતાં ધુમાડો નીકળવા લાગ્યો. એવલીને ફટાફટ સર્કીટ બોક્ષના ઢાંકણાના સ્ક્રુ વાખી દીધા. અને પોતાની સાથે તે જે પણ વસ્તુઓ લાવી હતી જેમકે, પાણીની બોટલ, ટૂલકીટ વગેરે ઉઠાવી લીધી. ડો.જોય આંખો ખોલે એ પહેલાં તેનું ત્યાંથી ત્યાંથી ભાગી જવું જરૂરી હતું. તેની હાજરીનો કોઈ પણ પુરાવો પાછળ છૂટ્યો નથી એ વાતની ખાતરી કરી એવલીન ત્યાંથી ફટાફટ ભાગી અને પોતાનાં રૂમમાં જઈને ભરાઈ ગઈ.
તેનું હ્રદય જોરશોરથી ધડકી રહ્યું હતું. તે જાણતી હતી તેણે શું કર્યું હતું. આજે એક વ્યક્તિને જગાડીને તેણે તેનું ખૂન કર્યું હતું. અંતરીક્ષમાં ખૂન કરનાર એવલીન કદાચ પ્રથમ મનુષ્ય બની ગઈ છે. એવું તે વિચારવા લાગી. અને રડવા લાગી. મનમાં અનેકવાર જોયની માફી માંગતી એવલીન ક્યાંય સુધી રડતી રહી.
***
સ્વસ્થ થયાં પછી એવલીન શાવર લેવા બાથરૂમમાં ગઈ. જે ઘૃણાસ્પદ કામ તે કરી ચુકી હતી તેનાં વિષે વિચારીને પસ્તાવાનો કોઈ અર્થ નહોતો. હવે તેનો પ્લાન આગળ વધારવો એજ એક માત્ર વિકલ્પ હતો.
“અત્યાર સુધી તો રોબોટોએ જોયને તેના રૂમમાં transfer કરી દીધો હશે....” નહાતા-નહાતા એવલીન વિચારી રહી હતી. “હજી બે-ત્રણ દિવસ તે આરામ કરશે...” “તે તેનાં રૂમમાંથી બહાર આવે એ પછી .....મારે તેનું ધ્યાન ઝડપથી મારા ઉપરજ લાવવું પડશે....”
હવે એવલીન શાવર લઈને અનાવૃત્તજ બાથરૂમમાંથી બાહર આવી. તે હજી પણ વિચારી રહી હતી. “નહીંતો એનું મન મારી જેમ ડિપ્રેશનમાં જતો રહેશે...જાગ્યા પછી જેમ હું ડિપ્રેશનમાં જતી રહી હતી તે રીતે....” .... “તેનું ધ્યાન ભટકાવવું પડશે....”
હવે એવલીન તેનાં રૂમમાં લાગેલા મોટા દર્પણ સામે ઉભી હતી. “તારું રૂપ એવલીન ....” એવલીન તેનાં શરીરના અનાવૃત્ત અંગો ઉપર માદકતાથી હાથ ફેરવતાં-ફેરવતાં વિચારી રહી હતી “તારું રૂપ જ એનું ધ્યાન તારી તરફ ખેંચી શકશે....” એવલીને પોતાની સુંદર ઘાટીલી કમર ઉપર હાથ મૂકી બે-ત્રણ વખત કમર નચાવી “એણે પોતાના જીવનમાં ક્યારેય તારા જેવી સુંદર સ્ત્રી કદી નહિ જોઈ હોય....” “તારે એવું તૈયાર થવું પડશે કે સ્વર્ગની અપ્સરા પણ તારી આગળ ફીકી પડે....” એવલીને વિચાર્યું અને બે દિવસ પછી તેણે જે કપડાં પહેરવાના હતા તે પોતાનાં વોર્ડરોબમાં શોધાવા લાગી.
***
ત્રણ દિવસ પછી.....
એવલીન બારમાંથી નીકળી અને પોતાનાં રૂમ તરફ જઈ રહી હતી. પહેલાંથી નક્કી કર્યા મુજબ તેણે “sexy” કહી શકાય તેવાં કપડા પહેર્યા હતા. જીન્સની shorty જે તેની નાભીથી છ આંગળી નીચે પહેરી હતી અને માત્ર તેનાં જાંઘોના થોડા પ્રદેશને ઢાંકતી હતી, અને વ્હાઈટ કલરની હાલ્ફ ટીશર્ટ જેના લીધે તેની કમનીય કમર મોટાભાગે ખુલ્લી રહેતી હતી. એ કપડાંમાં એવલીનના શરીરના તમામ વળાંકો અદ્ભુત દેખાતાં હતા. પોતાનાં રૂમ તરફ જઈ રહેલી એવલીન ભગવાનને મનમાં પ્રાર્થના કરી રહી હતી કે તેનો “પ્લાન” સફળ થઇ જાય અને ડો. જોય તેને આવાં માદક કપડાંમાં જોઈ જાય. જોકે એવલીને નક્કી કર્યું હતું કે હવે પછીના તમામ દિવસો એ એકથી એક માદક કપડાં પહેરીનેજ ફરશે. પુરુષનું મન કેવી રીતે ચલિત કરવું એ એવલીન સારી રીતે જાણતી હતી.
એવલીન તેનાં રૂમના દરવાજે આવી ગઈ. પરંતુ ડો. જોયનો કોઈ અત્તોપત્તો નહોતો. એવલીને ફરીવાર એકવાર જે જગ્યાએ જોયના હોવાની શક્યતાઓ હતી એ જગ્યાઓ તરફ એક આંટો મારી જોવાનું વિચાર્યું અને તે ઓડીટોરીયમ જઈ રહેલા કોરીડોરમાં વળી ગઈ.
***
એવલીને છેલ્લાં એક કલ્લાકમાં સ્પેસ શીપના ઓડીટોરીયમ, થીયેટર, જીમ વગેરે જગ્યાએ આંટા મારી લીધા પરંતુ જોયનો કોઈ પત્તો નાં લાગ્યો. એવલીનને હવે ચિંતા થવા લાગી. આટલાં વિશાળ સ્પેસ શીપમાં જોયને શોધવો કઇ રીતે...? તે ગમે ત્યાં હોઈ શકે. જે જગ્યાએ એવલીન તેને શોધી રહી હોય એ જગ્યાએથી તે બીજે પણ જતો રહ્યો હોય એવું પણ બને....?
એવલીનના માથે હવે ધીમેધીમે પરસેવાના બિંદુઓ બાઝવા લાગ્યા. ચાલતી-ચાલતી એવલીન ક્રાયોજેનિક ચેમ્બર તરફ જવા લાગી.
***
ક્રાયોજેનિક ચેમ્બર પહોચ્યાં પછી એવલીન ધીમા પગલે ચેમ્બરમાં દાખલ થઇ. ડો. જોયની કેપ્સ્યુલનો નંબર ૬૯૦ હતો. આથી એવલીન એ તરફ ચાલવા લાગી.
એવલીને ૬૯૦ નંબરની ચેમ્બર જોડે કોઈને બેઠેલો જોયો. તેની પીઠ એવલીન તરફ હતી. તે જોય હતો એ વાત એવલીનને ખબર પડી ગઈ હતી. આમ છતાં એવલીન કોઈપણ પ્રતિક્રિયા કર્યા વગર ત્યાંજ ઉભી થઇ ગઈ.
જોય પોતાની કેપ્સ્યુલનું સર્કીટ બોક્ષ ખોલીને કઇક કરી રહ્યો હતો. એવલીનના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું.
“ક્યાંક જોયને ખબર તો નથી પડી ગઈને....?” એવલીને ભય પામતાં પામતાં વિચાર્યું.
એવલીન હાલ્યાં વિના પોતાની જગ્યા ઉપરજ ઉભી રહી ગઈ. તેણે મનમાં વિચારી લીધું હતું કે તેણે શું કરવાનું છે. તે એ ક્ષણની રાહ જોવા લાગી.
થોડીવાર પછી જોય ત્યાંથી ઉભો થયો અને એવલીનની હાજરીથી અજાણ તે તેની તરફ ફર્યો. એવલીન આ ક્ષણ માટે તૈયાર હતી. જોયની આંખો એવલીન સાથે મળી.
“હે ભગવાન.....!” એવલીનને જોતાંજ જોય આશ્ચર્ય પામ્યો અને તરતજ બોલી ઉઠ્યો “મેડમ આપણે મુસીબતમાં છીએ...આપણે બહુ જલ્દી જાગી ગયા...” જોયે એવલીન સામે જોતાંજ કહ્યું.
એવલીન પોતાનાં બંને હાથ માથે મુકીને જાણે ચક્કર આવતાં હોય તેમ ઝૂમવા લાગી. જોયે એ જોયું અને એવલીનને સંભાળવા તેની તરફ દોડ્યો.
જોય જેવો એવલીનની નજીક આવ્યો, એવલીને પોતાની જાતને જોય ઉપર પડતી મૂકી દીધી. એવલીન કમરના બળે જોયના હાથ ઉપર પડી. અને જોયે સમયસર એવલીનને ઝીલી લીધી.
લગભગ અઢી વર્ષથી વધુ સમય વીત્યા બાદ આજે એવલીનનાં સુંદર શરીર ઉપર કોઈ પુરુષનો પ્રથમ સ્પર્શ થયો. એવલીનના શરીરમાંથી એક વીજળી જેવી લહેર પસાર થઇ ગઈ. જોકે તેણે બેભાન થવાની એક્ટિંગ ચાલુજ રાખી.
જોયે હવે એવલીનને જગાડવા માટે તેનાં ગાલ થપથપાવ્યા. એવલીન ઉઠી નહિ. જોયે એવલીનને પોતાની બાંહોમાં ઉઠાવી લીધી અને પોતાનાં રૂમ તરફ ચાલવા લાગ્યો. એવલીનના ઘાટીલાં સ્તન હવે જોયની કસાયેલી છાતીને સ્પર્શી રહ્યાં હતા. જોયના સ્પર્શથી એવલીનના શરીરમાં એક અલગ ઉર્જાનું જાને વહેણ ચાલુ થઇ ગયું જે એવલીન અનુભવી રહી હતી.
આખરે જોય એવલીનને તેનાં રૂમમાં લઇ આવ્યો. અને બેડ ઉપર સુવાડવા લાગ્યો. સુવાડતી વખતે જોયનો એક હાથ એવલીનની ખુલ્લી કમરને અડ્યો અને શાંત નદીમાં પથરો પડ્યો હોય એમ એવલીનનું હ્રદય હચમચી ઉઠ્યું. મહામુસીબતે એવલીને બેભાન થવાની એક્ટિંગ ચાલુ રાખી. હજી થોડો વધુ સમય “બેભાન” રહેવું પડે એમ હતું જેથી જોયનું સંપૂર્ણ ધ્યાન તેની તરફજ રહે.
એવલીનને લાગ્યું કે જોય તેનાં માદક રૂપ તરફ આકર્ષાઈને “કઈક” કરશે. એવલીનની બેભાનાવસ્થાનો ફાયદો ઉઠાવશે અને તેનાં શરીરને ક્યાંક સ્પર્શ કરવાનો ખાસ કરીને તેની ખુલ્લી, ઘાટીલી કમરને સ્પર્શવાનો ચાન્સ તો નહિ છોડે. પરંતુ એવલીનની ધારણા ખોટી પડી. તેણે જોયના પગલાં બેડથી દુર થતાં હોય એવો પગરવ સાંભળ્યો અને થોડી ક્ષણો બાદ રૂમના દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો.
“શું તે એજ કરશે જે દરેક પુરુષ ચાન્સ મળતાજ એક સુંદર સ્ત્રીની સાથે કરે...?”
“એમપણ જો તે એવું કરવાં ઈચ્છે જોયને રોકી શકે એવું સ્પેસશીપ ઉપર કોઈ નહોતું...?”
“શું જોય દરવાજો બંધ કરવા ગયો હતો.....? શું તે હજી રૂમમાં જ છે....?”
મેં જોયને જગાડીને કોઈ ભૂલતો નથી કરીને.....?” બેભાન થવાની એક્ટિંગ કરી રહેલી એવલીન વિચારી રહી હતી.
***
એવલીન સાથે શું થશે.....? તેનાં મનમાં ઉઠેલાં તમામ પ્રશ્નોનો જવાબ મેળવો હવે પછીનાં પ્રકરણ-૪ માં .....
Follow me on: twitter@jignesh_19