પોલીસની ગાડી બરાબર નજીક આવીને ઉભી રહી. પેલી અકસ્માત થયેલી કાર અને શ્રી વચ્ચે પોલીસની ગાડી ઉભી રહી ત્યારે શ્રી મોબાઇલ નીકાળી કઈક કરતી હોય એવો ડોળ કરવા લાગી. હવે પોતે પોલીસના ચક્કરમાં ફસાય તો એને જામીન આપે એવું પણ કોઈ હતું નહીં. આડી નજરે પોલીસ ગાડીમાં થતી હિલચાલ જોવા લાગી. પોતે અર્જુનના કહેવાથી શું શું કર્યું હતું? એ બધું હવે એને બેહુદુ લાગવા લાગ્યું.
ગાડીમાંથી બે પોલીસ અફસર નીચે ઉતર્યા. એક ઊંચો, પાતળો છતા મજબૂત બાંધાનો હતો. બીજો એક વૃદ્ધ હતો, માથાના અને દાઢીના ખાસ્સા વાળ સફેદ થઈ ગયેલ હતા, છતાં ભૂતકાળમાં યુવાનીમાં એ ખડતલ હશે એવું જોનારને સ્પષ્ટ દેખાતું હતું.
પેલો થોડો યુવાન દેખાતો ઓફિસર અકસ્માત થયેલી ગાડી પાસે જઈ ઉભો રહ્યો. આગળ પાછળ જોયું. પેલા વૃદ્ધ દેખાતા ઓફિસરે પણ ગાડીની તપાસ કરી પણ કઈ સમજાયું ન હોય એમ ચૂપ રહ્યો. ફરી એકવાર દરવાજો ખોલી સીટ નીચે નજર કરી, અકસ્માતમાં સ્ક્રુ ડ્રાઈવર, પાના, અને બીજી વસ્તુઓ ત્યાં વેર વિખેર પડી હતી.
થોડીવાર બંનેએ અબોલ રહી નિરીક્ષણ કર્યું પછી પેલો યુવાન બોલ્યો,
"શુ લાગે છે રુદ્રસિંહ?"
શ્રી બધું ધ્યાનથી સાંભળી રહી, પેલા વૃદ્ધ પોલીસ અફસરનું નામ રુદ્રસિંહ છે એ પણ એણીએ સાંભળ્યું.
"પૃથ્વી, ફેક એક્સીડેન્ટ છે." રુદ્રસિંહે કહ્યું.
"સ્યોર?" પૃથ્વીએ ફરી ખાતરી કરવા પૂછ્યું.
"હન્ડ્રેન્ડ પર્સન્ટ, સો ટકા."
"મને પણ એવું જ લાગે છે." પૃથ્વીએ ફોન નીકાળી નંબર ડાયલ કર્યો. બે ત્રણ રીંગ વાગી અને સામેથી રીસીવર ઊંચકવાનો અવાજ આવ્યો એટલે એણે કહ્યું.
"પૃથ્વી દેસાઈ રિપોર્ટિંગ."
"યસ પૃથ્વી." સામેથી એક યુવા અને સખત અવાજ આવ્યો.
"કોઈ એક્સીડેન્ટ કેસ આપણા એરિયામાં નોંધાયો છે?"
"એક્સીડેન્ટ કેસ? નહિ તો, કેમ શુ થયું?"
"હું અને રુદ્રસિંહ અહીંથી પસાર થતા હતા ત્યાં કિનારે એક અકસ્માત થયેલી ગાડી જોવા મળી છે, અંદર કોઈ ડેડ બોડી નથી, કોઈ ઘાયલ નથી."
"એક્સીડેન્ટ કદાચ તાજો હોય તો એ શક્ય છે."
"યુ મીન હમણાં જ આ અકસ્માત થયો હોય અને લોકો ઘાયલને હોસ્પિટલ લઈ ગયા હોય એમ? તો પછી કોઈ ફોન કોલ કેમ નહિ?" પૃથ્વીએ કહ્યું.
શ્રી અને રુદ્રસિંહ બંને સાંભળી રહ્યા હતા. રુદ્રસિંહ થાક્યા હોય એમ જઈને જીપના બોનટ ઉપર બેસી ગયા. તેમણે શ્રી ઉપર બે ત્રણ વાર નજર કરી પણ શ્રી જાણે ફરવા આવી હોય તેમ નદી જોતી રહી.
"પૃથ્વી એ પણ શક્ય છે કે લોકો હોસ્પિટલ લઈ જાય પણ પોલીસના લફરામાં પડવા ન માંગતા હોય તો સ્ટેશન કોઈ ફોન કોલ ન કરે." સામેથી અવાજ આવ્યો.
"પણ મને નથી લાગતું કે જો કોઈ અકસ્માતમાં ઘાયલ માણસોને હોસ્પિટલ પહોંચાડે એવું પણ હોય, અને રોડ ઉપરથી અકસ્માત થયેલી ગાડી કિનારે મૂકે એવું પણ હોય. જો હોય તો પછી એને પોલીસ સ્ટેશન કોલ કરતા પણ ડર ન જ લાગે." પૃથ્વીને આ અકસ્માત કઈક વિચિત્ર લાગતો હતો.
"હેલો...."
"હેલો..... હેલો મનુ....."
"શુ થયું પૃથ્વી?" રુદ્રસિંહે પૂછ્યું.
"નેટવર્ક ગયું કાકાજી....." પૃથ્વીએ ફોન ખિસ્સામાં મુક્યો અને નજીક આવ્યો.
"અંકલ મને તો કઈક દાળમાં કાળું લાગે છે."
"લાગે તો મનેય છે." પૃથ્વી નજીક આવ્યો એટલે રુદ્રસિંહે ધીમેથી કહ્યું, "આપણે આવ્યા ત્યારની આ છોકરી અહીં ઉભી છે, પોલીસને જોઈને તો બધા ભાગવાની કરે આ હલી પણ નથી."
"હેલો મેડમ...." પૃથ્વીએ શ્રી તરફ જોઈ મોટેથી કહ્યું.
"જી સર હું?" ત્યાં બીજું કોઈ હતું નહીં છતાં શ્રીએ થોડો અભિનય કર્યો.
"જી તમે."
શ્રી નજીક ગઈ, "જી સર."
"અહીં શુ કરો છો?"
"મને નદી કિનારા અને બીચ ગમે છે, પ્રકૃતિ ગમે છે." પૃથ્વી અને રુદ્રસિંહ ગાડીના ધ્યાનમાં હતા ત્યારે શ્રીએ બધા સવાલો અને એના જવાબ મનમાં ઘડી જ લીધા હતા. જરાય ગભરાયા વગર બધા જવાબ આપવા એ તૈયાર હતી.
"વેલ, અહીં ક્યારે આવ્યા? આ ગાડી...."
"હું બસ તમારી આગળ આગળ જ આવી. મેં પણ આ ગાડી જોઈ હતી, થયું અંદર કોઈ હોય તો હેલ્પ.... પણ મને ગાડીમાં કોઈ ના દેખાયું એટલે હું મારા કામે લાગી."
શ્રીએ બધા જવાબ ગભરાયા વગર જ આપી દીધા એટલે પૃથ્વી કે રુદ્રસિંહને કઈ અજુગતું લાગ્યું નહિ. બીજું એ કે ગાડીમાં કોઈ ઘાયલ કે ડેડ બોડી પણ નહોતી એટલે ચિંતાનો કોઈ વિષય નહોતો.
"વેલ યુ કેન એન્જોય પ્રકૃતિ....." પૃથ્વીએ હસીને કહ્યું અને એ બંને નીકળી પડ્યા.
*
પોલીસ ગાડી રોડ પર પહોંચી અને પછી તેની ઝડપ વધી એ સડસડાટ આગળ નીકળી ગઈ તે સાથે જ શ્રી વિચારમાં પડી. તો આ એક્સીડેન્ટની નોંધ પોલીસ સ્ટેશનમાં થઈ નથી, કદાચ હવે થશે કે પછી ક્યારેય નહીં થાય? કદાચ આ એક્સીડેન્ટ ખરો એક્સીડેન્ટ હશે જ નહીં? કદાચ આ અર્જુનની ચાલ હશે? પૃથ્વીની વાતચીત સાંભળીને શ્રીને પણ એ જ સવાલ થયો. જો અકસ્માત રોડ ઉપર થયો હોય તો આ ગાડી અહી કોણે લાવી? જો કોઈ માણસ ગાડી અહી સુધી લાવવાની તૈયારી બતાવે તો પોલીસને એક ફોન કરતા કેટલો સમય લાગે? આ બધું શું હશે? હવે મારે શું કરવું જોઈએ?
તેને હવે બધા નિર્ણય જાતે જ લેવાના હતા. એક માત્ર પોતાનો સમજી શકાય એવો વ્યક્તિ અર્જુન પણ હવે શ્રી માટે અજાણ્યો હતો. ઘડીભર તો શ્રી સાવ ભાંગી પડી હતી પણ પછી એ ફરી સ્વસ્થ થઇ હતી. પોલીસને જવાબ આપતા એને જરાય ડર નહોતો, ન તો આ દુનિયામાં કોઈ બીજો ડર એને હવે હતો.
કહેવત મુજબ ઓરત કો કોઈ નહિ સમજ શકતા. શ્રી પણ એવી જ હતી, જ્યાં સુધી એ અર્જુનના સહારે હતી પળે પળે એ ડરતી હતી, પણ અર્જુન એક વહેમ હતો એક ખરાબ સપનું હતું એ જાણ્યા પછી એ નિર્ભય બની ગઈ હતી.
ફરી એકવાર અકસ્માતવાળી ગાડી તરફ નજર કરી શ્રી નીકળી. આછું અંધારું થવા લાગ્યું હતું. ફરી એ અટકી ગઈ. ના ટેક્સી રોકીને ક્યાં જવું છે? હવે અહીં જ સેટલ થવાનું છે મારે તો પછી શું ઉતાવળ? મને શાનો ભય? મુંબઈમાં અર્જુનના એક ઈશારે હું રાત્રે રજનીને ફસાવવા તૈયાર થઈ હતી તો આ તો નાનકડું શહેર છે અહીં શુ? મનોમન તે હસી. એકાએક ગભરુ શ્રી કેટલી હદે બદલાઈ ગઈ એ પોતે પણ નહોતી જાણતી.
રજની? એકાએક રજની દેસાઈ નામ મનમાં ઝબકયું. આ રજની કેમ ગાયબ હતો? કે પછી આ પ્લાનમાં રજની પણ સામેલ હતો? અર્જુન અને રજનીએ ભેગા મળીને મને ફસાવી હોય એવું તો નથી ને? અર્જુન મને પળે પળની ખબર આપતો હતો. મારે ક્યારે એક્ટિવા લઈને હાઇવે પહોંચવું, ક્યારે રજની વ્હાઇટ ફોર્ચ્યુનર લઈને આવશે, બગડેલી એક્ટિવા જોઈ રજનીને મારા ઉપર કોઈ શંકા પણ ન ગઈ, મારો દુપટ્ટો રજનીના ધ્યાનમાં ન આવ્યો? મને ગન બતાવી ખરા પણ રજનીએ મને કઈ કર્યું કેમ નહિ? રજનીને ખબર હતી કે ગાડીમાં કરોડો રૂપિયા છે તો પછી એ ગાડીમાં ચાવી કેમ ભૂલી ગયો? શું રજની ખરેખર મારી પાછળ બધું ભાન ભૂલી ગયો હશે કે પછી મારી સાથે એ કોઈ રમત રમાતી હતી? પણ એવું હોય તો પછી રજની ક્યાં ગાયબ થયો? એ તો બલભદ્ર સાથે રહી શકતો હતો ને? એ ભાગી જાય અને બલભદ્ર એના ઉપર શક કરે એવું કામ એ શું કામ કરે?
એક સમયે અર્જુનના પ્લાન ઉપર ગર્વ અનુભવતી શ્રી હવે એ જ અર્જુનને શકના વર્તુળમાં ફેરવવા લાગી. ધિક્કારવા લાગી અર્જુનને દુનિયાને અને પ્રેમને...!!
ઇઝ ધીસ લવ? જરા હસીને એ જમીન ઉપર થૂંકી.
તેને ફરીફરીને અનેક સવાલ થતા હતા પણ કોઈ એક વિચાર ઉપર એ અટકી શકતી નહોતી. કારણ દરેક વિચારમાં કઈકને કઈક ખૂટતું હતું. ખેર હવે મારે સાવધ રહેવું પડશે. બલભદ્ર મને શોધશે જ. અર્જુનની ખાલી ચેર જોઈ જેને શક થયો એ મારા વિશે પણ તજવીજ તો કરશે જ ને?
ઘેરું અંધારું થવા લાગ્યું હતું. ઠંડીમાં વધારો થતો હતો. પણ શ્રીને હવે ન ઠંડી લાગતી હતી, ન ભય કે ન તો પેલા પગમાં ઇજા થઇ છે એવું કઈ યાદ હતું. હવે એ એકલી હતી. માણસને જ્યારે ખબર હોય કે મારી પરવા કરવા માટે કોઈ છે ત્યારે માણસ ઢીલું પડી જાય છે. એક નાના બાળકને પણ પડવાથી નથી વાગતું એટલું પ્રેમથી વાગે છે. ઘણીવાર નાના બાળકો ચાલતા કે દોડતા પડી જાય તો આજુ બાજુ નજર કરે છે જો કોઈ ન હોય તો ઉભા થઇ ચાલવા લાગે છે પણ જો એ બાળકને એની મા પડતા જોઈ લે અને પ્રેમથી એને ઉભું કરે તો બાળક પીગળીને રડવા લાગે છે.... આ તો માનવ સ્વભાવ છે. સાવ કોમળ શ્રી પણ હવે રડવા માટે તૈયાર નહોતી. કેમ કે એ જાણતી હતી કે પોતાની ચિંતા કરવા હવે કોઈ નથી. પ્રેમ ક્યારેક માણસને મજબૂત બનાવે છે તો ક્યારેક નબળો પણ બનાવી દે છે.
શ્રીએ આજુબાજુ નજર કરી કોઈ દેખાયું નહિ એટલે ફરી પેલી ગાડી તરફ જોયું. હજુ એ વધારે દૂર નહોતી ગઈ. એકાએક કઈક યાદ આવ્યું હોય એમ એ ગાડી તરફ જવા લાગી. જઈને દરવાજો ખોલ્યો. આમ તેમ નજર કરી કઈ દેખાયું નહિ. સીટ નીચે નજર કરી ત્યાં એક સ્ક્રુ ડ્રાઇવર, પાના અને બીજી વસ્તુઓ વિખેરાયેલી દેખાઈ. સ્ક્રુ ડ્રાઇવર ઉઠાવી લઈ શ્રી એ જેકેટના ખિસ્સામાં સરકાવી દીધો. કદાચ આ સ્ક્રુ ડ્રાઈવર ક્યારેક કામ લાગે. આમ પણ માણસો ક્યાં કઈ કામના હોય છે? પાછળ ફરીને એ ત્યાંથી નીકળે એ પહેલાં જ એની કમર ઉપર કોઈ વસ્તુ સ્પર્શી. હજુ એ કઈ સમજે એ પહેલાં જ અવાજ સંભળાયો.
"જી બોસ, બીજું મહોરું પણ મળી ગયું છે."
શ્રી હલી ન શકી પણ તેનું મગજ ઝડપથી કામ કરવા લાગ્યું. એ માણસ જે પણ હોય કોઈ જોડે ફોન ઉપર વાત કરે છે. અને મહોરું મતલબ એ મારી વાત કરે છે, અને જો હું ખોટી નથી તો મારી કમર ઉપર ગન છે.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky