Freedom in Gujarati Short Stories by Purvi books and stories PDF | સ્વતંત્રતા

The Author
Featured Books
Categories
Share

સ્વતંત્રતા

ઉજ્જવલભાઈએ લાવણ્યા સામે કડક શબ્દોમાં એક શરત મુકી," તારે તારા મિત્રો સાથે ક્લબમાં ગરબા રમવા જવું હોય તો તું સાહિલ સાથે જ જઈશ. હું તને પહેલીવાર આમ બહાર મિત્રો સાથે ગરબામાં જવાની પરવાનગી આપી રહયો છું." સાહિલ લાવણ્યાનો પાડોશી હતો. બન્ને ફેમેલી ફ્રેન્ડ્ઝ હતાં. બાળપણથી સાથે જ રમી મોટાં થયાં હતાં પણ બન્નેના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક હતો. સાહિલ એકદમ શાંત, સમજુ અને ઠરેલ છોકરો હતો. જમાના સાથે ચાલનારો પણ જમાનાની કુસંગતથી છેટો રાખનારો. એને સાચા-ખોટાની પરખ સારી હતી. લાવણ્યા એકદમ ચંચળ, બિનધાસ્ત અને મનમૌજીલી છોકરી હતી. કિશોરાવસ્થાની અસર એના વ્યવહાર વર્તનમાં ભારોભાર જોવા મળતી. એ હજી દુનિયાદારી સમજી શકે એવી પરિપક્વ ન હતી. સાહિલ અને લાવણ્યાને ઊભા રહે ન બનતું. "પાપા, તમે પણ શું પેલા મરચા સાથે મારો જવાનો આગ્રહ રાખો છો. હું મારી જાતને સાચવી શકું એમ છું. એ સાહિલને તો વાતેવાતે વાંધાં પડે છે અને મરચાં લાગી જાય છે. બોલવામાં તો જાણે જોર આવતું હોય એમ મ્હોંમાં આંગળીઓ નાખીને બોલાવવો પડે છે. કેટલો નિરસ અને અકડુ છે."લાવણ્યા અકળાઈને બોલી. " બસ, મેં સાહિલ વિશે તારો અભિપ્રાય નથી પૂછ્યો. મારી શરત તને માન્ય હોય તો આપણે વાત આગળ કરીએ." લાવણ્યા સમજી ગઈ કે પાપા સામે એની દાળ ગળે એમ નથી, " ઑ. કે... પણ તમે સાહિલને પૂછ્યું?" "હા, એ તને સાથે લઈ જશે. એ જે ક્લબમાં જતો હોય ત્યાં તારા મિત્રોને આવવા કહી દેજે." લાવણ્યા મ્હોં બગાડી, "ઠીક છે" કહી પગ પછાડતી ત્યાંથી જતી રહી.
"પાપા એ મારો આખો મૂડ ખરાબ કરી નાખ્યો. કેટલી જોરશોરથી નવરાત્રીની તૈયારીઓ કરી , મિત્રો સાથે રખડવાના પ્લાન કર્યાં, બધું પેલા નકામા સાહિલને લીધે ચોપટ થઈ ગયું. શી જરૂર હતી એણે 'હા' પાડવાની? મન તો થાય કે એનું ગળું દબાવી દઉ. " ગુસ્સામાં લાવણ્યા બબડી રહી હતી. રમાબેન આ બધું સાંભળી રહ્યા હતા. લાવણ્યાએ એમને જોતા જ કહ્યું," મમ્મી, આ શું છે?" "જો, મને તો તું આ વાતમાં વચ્ચે લાવીશ જ નહીં. મારો તો તને આમ બહાર મોકલવા સામે જ વિરોધ છે." રમાબેનને સ્પષ્ટ કહી દીધું. આ સાંભળી લાવણ્યા વધું ધમપછાડા કરતી બહાર જતી રહી.

નવરાત્રીની પહેલી રાતે લાવણ્યા તૈયાર થઈ બેઠકરૂમમાં આવી. સાહિલ ઉજ્જવલભાઈ સાથે સોફા પર બેસી વાતો કરતો હતો. કેસરી ઝભ્ભામાં એ 'હેન્ડસમ' લાગતો હતો. સાહિલે લાવણ્યાને જોઈ ના જોઈ કરી. "ચાલ, જઈશું?" લાવણ્યાએ સામેથી સાહિલનું ધ્યાન ખેંચવા પૂછ્યું. "હા, ચાલ.." સાહિલ બોલ્યો. બન્ને દરવાજા પાસે પહોંચ્યાં કે સાહિલ પાછળ ફરી ઉજ્જવલભાઈ ને રમાબેન સામે જોઈ બોલ્યો," અમે જઈ ને આવીએ. ચિંતા ના કરતા. અમે સાચવીને જઈશું અને બને તેટલું જલદી આવી જઈશું. "
બહાર સાહિલનાં મિત્રો એમની રાહ જોઈ ઊભાં જ હતાં.
લાવણ્યાના મિત્રો પહેલેથી જ ક્લબ પર પહોંચી ગયાં હતાં. લાવણ્યા કારમાંથી ઉતરી સીધી એમની સાથે જતી રહી. સાહિલ એની પાછળ ગયો અને લાવણ્યા ના માથા પર નાની ટપલી મારતા બોલ્યો, લાવણ્યા, તારા મિત્રો સાથે મારી ઓળખાણ તો કરાવ. પછી એણે પોતાની ઓળખાણ આપી,"હું, સાહિલ. લાવણ્યાનો પાડોશી અને બાળપણનો મિત્ર." લાવણ્યાએ ના છૂટકે એનાં મિત્રોની ઓળખાણ કરાવી. સાહિલ ત્યાંથી નીકળતા લાવણ્યા ને કહેતો ગયો," તને યાદ ના હોય તો યાદ કરાવી દઉ. આપણે અહીં ગરબા રમવા આવ્યાં છીએ." "હવે વધું વાયડો ના થા. હું ગરબા જ રમીશ."

નવલી નવરાત્રી ની રાતે, ગરબાના તાલે યૌવન મનભરી મસ્તીમાં આખી રાત ઝૂમી રહ્યું હતું. વાતાવરણમાં એક અલગ જ મિજાજ હતો. બાળકોથી લઈને વયોવૃદ્ધ આરાધ્યદેવીને સમર્પિત ગરબામાં મગન થઈ રમી રહ્યાં હતાં. સાહિલ કોઈને કોઈ બહાને લાવણ્યાનાં મિત્રોના સંપર્કમાં રહેતો હતો. એને આ મિત્રો ઠીક નહોતા લાગ્યાં. લાવણ્યા પોતાની મસ્તીમાં જ હતી. એ પહાલીવાર મળતી છૂટ અને સ્વતંત્રતાને માણી રહી હતી. એ જોકે જાણતી હતી કે સાહિલ એની પર નજર રાખી રહ્યો હતો. ઘરે પાછા ફરતા કારમાં એણે સાહિલને કહ્યું," તું શું સમજે છે મને ખબર નથી કે તું મારી પર નજર રાખી રહ્યો છે. મારામાં એટલી સમજ તો છે," "હા, ફક્ત એટલી જ છે. વધું સમજણ હોત તો તું આવા મિત્રોની સંગતમાં ના હોત.""હા બહું સારું, તને અને તારા સંસ્કારી મિત્રોને મારા નમન" કહી લાવણ્યાએ ગુસ્સામાં બે હાથ જોડ્યાં. એ બન્ને ની 'તું તું મેં મેં' આમ રોજ ચાલતી અને જોત જોતામાં આઠ દિવસ ક્યાં પસાર થઈ ગયાં ખબર જ ના પડી. જોકે આ આઠ દિવસમાં લાવણ્યાનો સાહિલ વિશેનો અભિપ્રાય થોડો થોડો બદલાવા લાગ્યો હતો. નવમી રાતે લાવણ્યા એનાં મિત્રો સાથે ક્લબના પાર્કિંગમાં બેસી ગપસપ કરી રહી હતી. સાહિલ એનાં મિત્રો સાથે વાતોમાં હતો. એ ચ્હા પીવા ગયો અને પાછા આવી જોયું તો લાવણ્યા દેખાઈ નહીં. ગરબા ગ્રાઉન્ડ અને એ દરેક સ્થળે જ્યાં લાવણ્યાની હોવાની શક્યતા હતી ત્યાં સાહિલે એને શોધી પણ એ ક્યાય ન દેખાઈ. એને થોડી ચિંતા થઈ. એ આમ તેમ લાવણ્યાને શોધતો હતો ત્યાં એની નજર લાવણ્યાના એક મિત્ર પર પડી. એ મિત્રનો પીછો કરતો કરતો સાહિલ ક્લબના પાછળ આવેલ 'વેરહાઉસ' તરફ ગયો. ત્યાં એક ખૂણામાં લાવણ્યા મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી . સાહિલને અંસાર આવી ગયો. એ લાવણ્યા પાસે ગયો અને એનો હાથ પકડી એક બાજુ લઈ ગયો. "સાહિલ, આ તો ફ્રૂટ બિયર જ છે." લાવણ્યાએ હાથમાં પકડેલો ગ્લાસ બતાવતા કહ્યું. સાહિલે એનાં મિત્રો સામે આક્રોશપૂર્વક જોયું. " અમે તો એને ના જ પાડી હતી, પણ...પણ..એણે જ જીદ કરી એટલે...." એક મિત્રએ સાહિલ સામે નજર મેળવ્યા વગર કહ્યું. બધાં નીચા મ્હોં કરી ઊભાં હતાં. સાહિલ કાંઈ જ બોલ્યા વગર લાવણ્યાનો ગ્લાસ બાજુ પર મૂકી એને લઈ ત્યાંથી નીકળી ગયો. સાહિલે કારની પાછલી સીટ પર લાવણ્યાને સુવડાવી.એ પોતે આગળ જઈ બેઠો. કારમાં બેઠા પછી એણે ઉજ્જવલભાઈએ ફોન કર્યો," અન્કલ, અમે બધાં ખાણીપીણી બજાર જઈએ છીએ એટલે આવતા મોડું થશે. ચિંતા ના કરતા."
અડધી રાત સુધી સાહિલ 'સ્ટેરીંગ' પર માથું મૂકી સૂતો રહ્યો. અચાનક પાછળથી અવાજ આવ્યો,"સાહિલ કાર કેમ ઊભી રાખી છે? શું થયું?" સાહિલ એકદમ ઝબકીને ઊઠી ગયો. પાછળ ફરી જોયું તો લાવણ્યા બે હાથે માથું દબાવી રહી હતી. સાહિલે જેવું એની સામે જોયું કે તરત જ એ બોલી," સૉરી યાર...મને તો ફ્રૂટ બિયર કહીને એમણે..." એની વાત અટકાવતા સાહિલે કહ્યું, " ફરગેટ ઈટ.આ એક અનુભવથી તને શીખ મળે તો સારું. તને આ હાલતમાં અન્કલ-આન્ટી સામે નહોતી લઈ જવી એટલે કારમાં બેઠાં છીએ." "સાહિલ, સાચુ કહું તારા પ્રત્યે નો મારો અભિપ્રાય કેટલો ખોટો હતો. આ નવ રાતોમાં આ અભિપ્રાય તદ્દન બદલાઈ ગયો છે." "પણ તારા માટે નો મારો અભિપ્રાય એ નો એજ છે. ઉંમર વધી પણ સમજણ ત્યાંની ત્યા જ છે." મજાક કરતા સાહિલ બોલ્યો. લાવણ્યાએ સાહિલને પીઠ પર ધબ્બો મારતા કહ્યું, "બધી સમજણ ઈશ્વરે તારામાં જ ઠૂસીઠૂસીને ભરી દીધી છે. પણ અગેઈન, સોરી યાર." સાહિલે એનાં ગાલ ખેંચતા કહ્યું," ધેટ્સ ઑ . કે...હવે આપ આગળ આવી જાવ તો આ ડ્રાઇવર ગાડી ચાલું કરે."
બન્ને ઘરે પહોંચ્યાં. દરવાજો ખોલતા ઉજ્જવલભાઈ બોલ્યા, "આવી ગયાં! આવો..." લાવણ્યા તરત એનાં રૂમમાં જતી રહી. સાહિલે કહ્યું " થોડું મોડું થઈ ગયું. " પછી ઉજ્જવલભાઈની રજા લઈ એ નીકળી ગયો.

સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર ઉજ્જવલભાઈ અને લાવણ્યા બેઠાં હતાં. ઉજ્જવલભાઈએ વાત શરૂ કરતા કહ્યું,"બેટા, એક વાત કહું?" "હા, પાપા ...કહોને"
"બેટા, જીવનમાં અનેક પ્રકારના મિત્રો આવતાં રહેશે, પણ આપણાં મુલ્યો અને સિધ્ધાંતોને મિત્રોની દેખાદેખીમાં ક્યારેય ન છોડવાં. અજવાળી રાતોની ચકાચૌંદ ઘણીવાર આપણી આંખોને એવી આંજી દેતી હોય છે કે આવનારી સવાર અંધકાર લઈ ઊગે છે. મિત્રો એવાં રાખવાં જે આપણને સાચા માર્ગ પર દોરી જાય, બાકી ખાડામાં ધક્કો મારનાર તો ઘણાં મળી રહેશે. મારે કશું જાણવું નથી પણ આ નવરાત્રીમાં તને જે અનુભવ થયાં હોય એને જીવન બોધ ગણી લેવાં." વાત આગળ વધારતા ઉજ્જવલભાઈએ કહ્યું,"બેટા, આ વાળ તડકામાં સફેદ નથી થયાં. તારા પાપામાં માણસને પારખવાની ક્ષમતા અનુભવથી આવી છે. ગઈકાલ રાતે તારું એ નીચી નજર કરી તારા રૂમમાં જતું રહેવું અને સાહિલનું મારી સામે નજર મેળવીને વાત કરવી ઘણું બધું કહી ગયું."

પૂર્વી