શતરંજના મોહરા
પ્રકરણ - ૭
એ રાત્રે અચાનક એના અસબાબ સાથે આવી ચડેલી દેવયાનીને જોઈ અમેય ડઘાઈ ગયેલો.
ઉપરથી દેવયાનીએ એનાં પગમાં પડી જતાં જયારે એમ કહ્યું , ' માફ કરી દે મને અમેય, ઘર છોડીને અહીંથી ચાલ્યા જવું એ મારી મોટામાં મોટી ભૂલ હતી. ' તો એ ખરેખર ચકરાઈ ગયેલો.
દેવયાનીનું આ રૂપ એને સ્વપ્નેય કલ્પનામાં ન આવત.
અધૂરામાં પૂરું દેવયાનીએ એનાં ઉપસેલા પેટ તરફ આંગળી કરતાં કહેલું, ' હું આનાં માટે પાછી ફરી છું, અમેય.. ! જયારે મેં ઘર છોડ્યું ત્યારે હું પ્રેગ્નન્ટ હતી. '
દેવયાનીના ઉદરમાં પોતાનું સંતાન પોષાઈ રહ્યું છે એ વાત જાણતા જ અમેયના પગ ગળી ગયેલાં.
અમેય સમજુ અને સીધો હતો એટલે એણે હૃદય પર પથ્થર રાખી ફરી પોતાનાં જીવનમાં દેવયાનીને સ્થાન આપેલું.
તો શું દેવયાની જોસેફને ખરેખર ભૂલી ચૂકી હતી ? રાતોરાત એનું હૃદય પરિવર્તન કેમ થયું હતું ?
જોસેફને લગ્નનું બંધન સ્વીકાર્ય ન હતું તો બાળક સ્વીકારવાની વાત તો ક્યાંથી આવે ? ખુદ દેવયાની એવા બંધન માટે ક્યાં તૈયાર હતી ?
પહેલીવાર ગર્ભપાત કરવા ગયેલી દેવયાનીને ગાયનેકે ચેતવી હતી, ' સામાન્યપણે હોય એનાં કરતાં તમારું ગર્ભાશય ઘણું નબળું છે. ક્યુરેટિંગ એટ્લે કે ગર્ભપાત તમારા માટે બિલકુલ હિતાવહ નથી. એ બાબત હંમેશ ધ્યાનમાં રાખજો. હવે જયારે કૅરી કરો ત્યારે ગીવ ધ બર્થ બેબી !'
છતાં દેવયાની આ વખતે પણ ગર્ભપાત કરાવવા તૈયાર થઇ ગઈ હતી. એ ગાયનેકની એપોઇન્ટમેન્ટ લઈને બેઠી હતી અને એને સમાચાર મળેલાં કે એનાં પિતા ' જયરાજ પરિમલ તન્ના ' નો દેહાંત થઇ ગયો છે.
જયરાજ તન્નાનું વીલ જયારે એનાં ફેમિલી સોલિસિટરે વાંચી સંભળાવ્યું તો દેવયાની ત્યારે પણ એનાં બાપને મનોમન ચોપડાવ્યા વગર ન રહી શકેલી.
જયરાજ તન્નાએ એવું વીલ કરેલું કે દેવયાનીને ત્યાં પ્રથમ બાળકના જન્મ બાદ તેમની મિલકતના પચાસ ટકા નવજાત બાળકના નામે મુકવા. ત્યારબાદ, બાકીના પચાસ ટકા દેવયાની અને એનાં પતિને મળે. સંજોગવશાત જો દેવયાનીને બાળક ન થાય તો પચાસમાં વર્ષે એ બધી મિલકત દેવયાનીને મળે.
એટલે દેવયાનીને પચાસમાં વર્ષે મિલકત મળે એ વાત સ્વીકાર્ય ન હોઈ એણે પોતાની પ્રેગ્નનસી ચાલુ રાખી હતી. આવા સંજોગોમાં 'જયરાજ તન્ના'ના આવા વીલને લીધે ફરી એક વાર એને અમેય પાસે પાછા ફરવું પડેલ. દુનિયામાંથી જતાં -જતાં પણ એનો બાપ એને 'ચેકમેટ' આપતો ગયો હતો.
***
દેવયાનીનું આ રીતે અમેયના જીવનમાં પાછું ફરવું આરઝૂ માટે વજ્ઘાત સમું નીવડેલું. એ એટલી હદે વિક્ષિપ્ત થઇ ગયેલી કે એને નોકરી છોડવી પડેલ.
તમન્નાને અમેય માટે ભારોભાર ગુસ્સો અને અણગમો થઇ ગયેલો. એ બેવડાતો,જયારે આરઝૂ એની ચૂંથાઈ ગયેલી જિંદગી માટે અમેયને નહીં પણ પોતાનાં નસીબને દોષ આપતી.
***
સહજ સ્તબ્ધ હતો. તમન્ના એને શું પૂછી રહી હતી !!!
'સહજ, તું મારી 'દિ' સાથે લગ્ન કરીશ ? ' તમન્નાએ એકદમ ધડ દઈને સહજને આ પ્રશ્ન પૂછેલો.
' હું... ? ' સહજ ડઘાઈને સ્તબ્ધપણે તમન્નાને તાકી રહ્યો.
'હા, સહજ તું ! તું મને અને 'દિ' ને નાનપણથી ઓળખે છે. 'દિ' નું ચારિત્ર્ય શુદ્ધ છે. પણ એ જેને ચાહે છે એ અમેય એનાં નસીબમાં નથી. તું એને લગ્ન પછી જેટલું સમજી શકીશ, સાચવી શકીશ એટલું બીજું કોઈ નહીં કરી શકે.. '
'પણ તમન્ના, હું તને ચાહું છું... ' સહજે વચ્ચે બોલવા ચાહ્યું.
'હા, તું મને ચાહે છે એ હું જાણું છું. મને રાજી જોઈને તું ખુશ થઇસ એ જાણું છું. હું સૌથી વધારે ખુશ ત્યારે હોઈશ જ્યારે મારી દિ ને તારાં જેવો સમજનારો મળ્યો હશે... '
અંતે તમન્નાની લાગણીઓનો વિજય થયો હતો. સહજ તમન્નાની લાગણીભરી જીદને વશ થઇ આરઝૂને પત્નીરૂપે સ્વીકારવા તૈયાર તો થયો હતો, પણ મનમાં ને મનમાં ખુબ મૂંઝાઈ રહેલો.
જો કે તમન્ના બરાબર સજ્જ હતી. એ વિધાતા સામે નમવા તૈયાર નહોતી જાણે. 'ચટ મંગની પટ બ્યાહ ' ની ઉક્તિને અમલમાં મૂકી તાબડતોબ લગ્નની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત બની ગયેલી.
***
જય અને નિધિ બંનેય છ મહિના પછી એમનો જર્મનીનો પ્રોજેક્ટ પતાવીને પાછા ફરેલા. અમેયના ફ્લેટની ડોરબેલ રણકાવી, એ બંનેય અમેય અને આરઝૂને એમનાં અચાનક આગમનથી ચકિત કરી દેવાના ખ્યાલોમાં રાચતા દરવાજો ખુલવાની રાહ જોઈ રહેલા.
ધાર્યા કરતા સહજ વિલંબે દરવાજો ઉઘડેલો. અતિ ઉત્સાહમાં આવેલાં જય અને નિધિ અમેયનો લઘરવઘર દેખાવ, ચહેરા પરની ઉદાસી અને મોં પરની થકાવટ જોતા ક્ષણભર અબોલ રહ્યાં.
જય અને અમેયની પરસ્પર નજર મળી. એ બંનેય એકમેકને કશું કહે એ પહેલા જ અંદરની રૂમમાંથી કોઈ શિશુના ઝીણા ઝીણા રુદનનો સ્વર સંભળાતા અમેય અંદર દોડી ગયેલો.
જય અને નિધિ એકમેકને મૂઢ બનીને તાકી રહેલાં. એમના ગયા પછી પાછળથી શું થયું હતું ? એમની આંખોમાં પ્રશ્નો ઉછળી રહેલાં.
અમેયના દીદાર, વેરણછેરણ ઘર અને શિશુનું રુદન બધું એમના માટે અકલ્પ્ય હતું. એ લોકો તો જતા પહેલા અમેયના હાથમાં એ ઈચ્છતો હતો એવી સર્વોચ્ચ ખુશીયોભરી જિંદગી થમાવીને ગયા હતા.
તેઓ વિચારી રહ્યાં કે શું અમેયને ખુશીઓ સાથે લેણ-દેણ નહોતી કે શું ?
નિધિ શિશુને છાનું રાખવાની નિષ્ફળ કોશિશ કરી રહેલાં અમેયની મદદે આવી હતી. એણે બાળકને સાંભળીને હાથમાં લીધું. પોતાના ખભા પર બાળકનું પેટ દબાય એમ ગોઠવી હળવા હાથે તેને થાબડી રહી.
પેટ દબાતા જ એક નાનકડો ઓડકાર આવતાં શિશુ કિલકિલાટ કરી ઉઠ્યું. એ જોઈ અમેયના ચહેરા પર રાહત છવાઈ.
'આરઝૂ ક્યાં છે ?' જયે ક્યારનોય એનાં મનમાં ઘોળાઈ રહેલો પ્રશ્ન પૂછ્યો.
અમેયના હૈયેથી એક નિસાસો સરી પડ્યો. એ મૌન રહ્યો.
' આ બાળક ક્યાંથી આવ્યું ? કોનું છે ?' જયનો બીજો પ્રશ્ન આવ્યો.
'આ શીલ છે. મારું અને દેવયાનીનું બાળક છે. ' અમેયે આ વખતે જવાબ વાળ્યો.
જય અને નિધિ સાપ સૂંઘી ગયો હોય એમ સ્થિર થઇ ગયા. બે પળ રહી -જય સડપ દઈને ઉભો થઇ ગયો.
એક મિનિટ જય, મારી પૂરી વાત તો સાંભળ... ' અમેયે અનુરોધ કર્યો.
'હું તારી વાત સાંભળવા તારા અને આરઝૂના ઘરમાં બેસી શકું છું; પણ તારા અને દેવયાનીના નહીં, સમજ્યો તું ?' જયનો રોષ એનાં શબ્દોમાં છલકી રહેલો.
'પણ આ ઘર ન તો દેવયાની-અમેયનું છે કે ન તો અમેય - આરઝૂનું ! એ માત્ર શીલ અને અમેયનું જ રહ્યું છે.. '
'મને તારી એબ્સર્ડ વાતોમાં જરાય રસ નથી અમેય. તારા અને દેવયાનીના તો ડિવોર્સ થઈ ગયેલાને ? તો આ બાળક તારું અને દેવયાનીનું કઈ રીતે હોઈ શકે ? '
'પાંચ જ મિનિટ આપ દોસ્ત, હું તને બધું કહું છું. પછી તું મને કહે કે આમાં મારો શું દોષ છે ?'
ક્રમશ :
જેમાં બધા જવાબો મળશે - જેમ કે શીલ સાથે એકલા પડી ગયેલ અમેયનું આખરે શું થયું ? શીલને જન્મ આપ્યા બાદ દેવયાનીનું શું થયું ? બે વાર લગ્ન થતા - થતા રહી ગયા છે એ આરઝૂની કુંડળીમાં લગ્નયોગ છે તો ખરોને ?