તમન્ના, ખ્વાહિશ કે ઈચ્છા તૃપ્ત થાય તો જ જીવ્યા, બાકી ધક્કો.
ઈચ્છાઓ ક્યારેય સંતોષાતી નથી. આપણે એક ઈચ્છા પૂરી થાય કે બીજુ ઘટતું શોધવા લાગીએ છીએ. ખરેખર શોધવાની જરૂર પણ પડતી નથી તૈયાર જ હોય છે. ઘણાં પ્રવચનો, સુવિચારો, કહેવતો વગેરેમાં મોહ માયા અને ઈચ્છાઓ તથા વસાનાઓની ગુચવણ અને એમાંથી છૂટવાના ઉપાયો આપેલા કે કહેવાયેલા છે. પણ શું જીવનનો મતલબ આ મોહ માયા કે ઈચ્છાઓની તૃપ્તિ બધું છોડી કહેવાતું સત્ય શોધવાનો છે.?
સંસારમાં જન્મી સંસાર ત્યજીને સન્યાસ (!) ધારણ કરનાર સન્યાસીઓ, મહાત્માઓ, સાધુઓ આ બાબતે શિખામણ કે ઉપદેશ આપતાં બચી શકતાં નથી. ઉપદેશ, પ્રવચનો આપતાં આમના માંથી કોણે ખરેખર સંસાર છોડ્યો છે એ યક્ષ પ્રશ્ન છે. ખરેખર આ પ્રશ્નનો જવાબ આપણે આપણી વિવેકબુદ્ધિથી ઉકેલી શકીએ તેમ હોઈએ છીએ પણ આ વિવેકબુદ્ધિનો ઉપયોગ આવડવો પણ જરૂરી છે.
ઈચ્છાઓ કે તમન્નાઓ વગરનું જીવન જીવન નથી. જન્મ લઈ ને અહીંયા ધક્કો ખાધા બરાબર છે. એક ઈચ્છા પૂરી થઈ જતાં બીજી ઈચ્છા તૈયાર ન પણ હોય તો તૈયાર કરવી જોઈએ. ભાગદોડ વગરની જિંદગી સારી (?) પણ નીરસ પણ એટલી છે. ઈચ્છા માત્ર પૈસા કમાવાની જ કે કોઈ પદ પામવા માટેની ફક્ત નહીં સમજતા. ઈચ્છાઓ અને તમન્નાઓ જીવન જીવવા માટેની પ્રેરણા છે. એ આપણને જીવતાં હોવાનો અહેસાસ અપાવે છે. જીવનને સતત દિશા આપવાનું કાર્ય કરે છે આ ઈચ્છાઓ. સન્યાસી ઓનુ જીવન સંસારમાં રહેનારાઓને કદાચ આકર્ષિત લાગતું હશે. એવાં લોકોને જ સન્યાસી જીવન આકર્ષિત લાગતું હોય છે જેઓ પોતાની ઈચ્છાઓ સંતોષવામાં ઉણા ઉતર્યા હોય. એક ફિલ્મમાં કાજોલની મા એ કહ્યું છે, " સપના જુઓ પણ એ સપના પુરા થવાની શર્ત ન રાખો!" હું આ સંવાદ થી સંમત નથી. સપનાઓ જુઓ, ઈચ્છો, તમન્નાઓ જગાવો અને એ સપનાઓ પૂર્ણ કરવાની શર્ત પણ રખો. જીવન એક પ્રવાસ છે અને દિશા હિન પ્રવાસ અમુક સમયે કાંટાળાજનક બની જાય છે. જીવન જીવવાનો આનંદ લેવો હોય તો ઈચ્છાઓ જગાવતા શીખો.
ઈચ્છાઓ વિનાનો માણસ જીવતો હોય એવું જણાતું નથી. જીવિત વ્યક્તિને ઈચ્છાઓ હોવી સ્વાભાવિક છે. ઈચ્છાઓ હોવી એ જીવનની પ્રાથમિકતા છે. મૃત અવસ્થામાં તમન્નાઓ પણ શૂન્ય થાય જાય છે. એટલે જ ઇચ્છાઓનો અંત જીવનનો અંત છે. જીવનની દરેક પળે ઈચ્છાઓ જાગે જ છે. કેટલીક ઈચ્છાઓ સવ્યંભૂ હોય છે તો કેટલીક ઈચ્છાઓ પ્રેરિત હોય છે. આપણામાંના ઘણા લોકો એવા પણ હોય છે જેમને પોતાની ઇચ્છાઓની પણ ખબર હોતી નથી છતાં એ અગમ્ય ઈચ્છાઓને સંતોષવાના ભરપૂર પ્રયાસો અનાયાસ કરતાં રહેતા હોય છે.
ઇચ્છાઓની ભરમાર માણસને જીવિત રાખે છે. તમન્નાઓ વ્યક્તિને જીવનની લગભગ દરેક મંઝિલો સર કરાવવાની શક્તિ આપે છે. લોકોની પ્રાથમિક ઈચ્છા સુખી થવાની હોય છે. લગભગ દરેક વ્યક્તિને સુખી થવું હોય છે. આધ્યાત્મિકતા વાળું માનસ ધરાવતાં લોકોને સન્યાસમાં સુખ દેખાય છે જ્યારે વૈભવી માનસ ધરાવતાં લોકોને વૈભવમાં સુખ દેખાતું હોય છે. સુખી થવાની ઈચ્છા પણ એક પ્રકારની જીવનની દિશા જ તો છે. જો સુખી થવું જ હોય તો ઇચ્છાઓની પૂર્ણ થવું જરૂરી છે.
ઘણા કહેશે કે સંતોષ જ સાચું સુખ છે. ઈચ્છાઓ કે તમન્નાઓ રહિત જીવન જ સુખ અપાવે છે તેથી ઈચ્છાઓને મારી સંતોષી બનવું જોઈએ. પણ ઈચ્છાઓને મારવી ખુદને મારવા સમાન છે અને ખુદને મારી સુખી થવું ખરેખર પ્રકૃતિના વિપરીત છે. સજીવની પ્રકૃતિ કે સ્વભાવ સ્વ ને જીવિત રાખવાનો છે. અને જો આ નિયમને હસ્તક્ષેપ થાય તો વિપરીત પરિણામો આવવા નક્કી છે.
ઈચ્છાઓની તૃપ્તિ જ સુખ છે!!!. ( માનો કે ન માનો )
- મોનાર્ક