Angarpath - 28 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ - ૨૮

Featured Books
Categories
Share

અંગારપથ - ૨૮

અંગારપથ.

પ્રકરણ-૨૮.

પ્રવીણ પીઠડીયા.

કાંબલે ભયંકર રીતે ડરી ગયો હતો. બે દિવસથી તે એક અંધકાર ભર્યાં ભંડકિયામાં લગભગ મરી જવાની અણી ઉપર પડયો હતો. બે દિવસમાં તો તે સાવ નંખાઇ ગયો હતો. ભૂખ અને તરસે તેના હાલ બેહાલ કરી નાંખ્યાં હતા. ઉપરાંત તેના જીગરમાં પડઘાતો ડરનો ઓછાયો ક્ષણે-ક્ષણ તેના હૌસલાને પસ્ત કરી રહ્યો હતો. એવામાં એકાએક ભંડકિયાનો દરવાજો ખૂલ્યો અને એક પહેલવાન જેવો વ્યક્તિ તેને લગભગ ઢસડતો હોય એમ ઉંચકીને બહાર લઇ આવ્યો હતો. બહાર નીકળતાં જ તેની આંખો અંજાઇ ગઇ. બે દિવસ કે તેથી વધું સમય અંધકારભર્યા માહોલમાં વિતાવ્યાં પછી એકાએક પ્રકાશમાં આવતાં એવું થવું સ્વાભાવિક હતું. તે વિચારી પણ નહોતો શકતો કે આખરે તેનું શું થશે? છતાં ભંડકિયામાંથી બહાર નીકળતા એક વિચાર મનમાં ઉદભવી જ ગયો કે કદાચ… તેનું અપહરણ કરનાર વ્યક્તિ તેની શરતો માનવા તૈયાર થઇ ગયો હશે.

કાંબલે માટે આ અપેક્ષા જોકે વધું પડતી હતી, અથવા તો કાંબલે કોઇ અલગ જ આત્મશ્લાધામાં વિહરતો હતો. કારણ કે જે વ્યક્તિ તેના જેવા પાવધરા અને બધી રીતે પહોંચેલા પોલિસ અફસરને બંદી બનાવી શકતો હોય એ કોઇ સામાન્ય વ્યક્તિ તો હોવાનો નથી. તેણે પણ પોતાની સુરક્ષામાં કંઇક તો વિચારી જ રાખ્યું હોય ને! એ શું હોઇ શકે તેની થોડી જ વારમાં ખબર પડી જવાની હતી.

@@@

પોતાની જાતને ગોવાનો સર્વેસર્વા સમજનારા રોબર્ટ ડગ્લાસને આજે ગોવા છોડીને પોતાના પ્રાઇવેટ રિસોર્ટમાં સંતાઇ જવું પડયું હતું એ બાબતનો જબરો મલાલ હતો. તે ધૂઆંફૂઆં થતો રિસોર્ટની લીલીછમ લોન ઉપર ચહલ કદમી કરી રહ્યો હતો. હમણા જ તે સ્વિમિંગ કરીને બહાર નીકળ્યો હતો. ફક્ત અંડરવીયર પહેરેલો તેનો ઉઘાડો કસરતી દેહ તેના શરીરમાં સમાયેલી અસિમ તાકત દર્શાવતો હતો. અર્ધ નગ્ન હાલતમાં જ તેણે કાંબલેને અહી લાવવાનું સૂચન આપ્યું હતું. તે ગુસ્સે ભરાયો હતો. પોતાની આવી નાલોશી આજ સુધી ક્યારેય થઇ નહોતી. તે એવું જ માનતો હતો કે આ ગોવા તેના બાપની જાગિર છે અને તે ધારે એ કરી શકે તેમ છે. પરંતુ હવે એકાએક બાજી પલટાઇ ગઇ હતી અને તે કોઇ પિંજરે પુરાયેલા વાઘની જેમ વિફરેલી હાલતમાં સુંવાળી લોન ઉપર ઘૂમી રહ્યો હતો. ત્યાં ઉભેલી એક ખુબસુરત યુવતીનાં હાથમાં તેનો ગાઉન હતો. તેણે એ પહેરવાની પણ તમાં કરી નહોતી.

@@@

કાંબલે બહાર આવ્યો ત્યારે તેના મગજમાં એ દિવસ ઘૂમરાઇ ઉઠયો જે દિવસે તેનું અપહરણ થયું હતું. એ દિવસે તેને એકાએક જ જેકપોટ લાગ્યો હતો. ગોવાનાં કલંગૂટ બીચ ઉપર મળેલી વિદેશી યુવતીનાં મોતની તપાસ કરતાં કરતાં તેના ધ્યાંનમાં કશુંક એવું આવ્યું હતું જે જાણીને તે ચોંકી ઉઠયો હતો. એ જાણકારી તેના માટે કરોડોની લોટરીનો જેકપોટ સાબિત થઇ શકે તેમ હતી અને એ જેકપોટને વટાવવા તેણે એક ફોન ઘૂમડયો હતો. એ ફોન સીધો જ રોબર્ટ ડગ્લાસ સાથે જોડાયો હતો અને એ પછી તેના દિવસો ફરી ગયાં હતા.

ગોવામાં મૂખ્યત્વે બે પ્રકારનાં ગેરકાનૂની ધંધાઓ ફૂલ ફ્લેઝમાં ચાલતા હતા. એક ડ્રગ્સનો વ્યવસાય અને બીજો વિદેશી યુવતીઓનાં દેહ વ્યાપારનો ધંધો. આ બન્ને બિઝનેસ એવરગ્રીન હતા. તેમાં ક્યારેય કોઇ મંદી કે ઓટ આવતી નહી. ડગ્લાસ આ બન્ને ધંધાઓનો સરતાજ હતો. તેના નેટવર્ક સામે બીજું કોઇ ટકી શકતું નહી. એવા સમયે કાંબલેનાં હાથમાં અચાનક જ ડગ્લાસની ચોટલી આવી પડી હતી. તેને જાણવા મળ્યું હતું કે એ વિદેશી યુવતી જૂલીયાનાં મોતનાં છેડા ક્યાંકને ક્યાંક ડગ્લાસ સાથે જોડાયેલા છે અને… આ મામલો જૂલીયાનાં મોતથી પણ ઘણો વધું ભયંકર છે. જો તે ડગ્લાસને આ મામલે ભિંસમાં લઇ શકે તો ચોક્કસ તેના હાથમાં મોટો દલ્લો આવી શકે. તેણે તરત ફોન ઘૂમડયો હતો અને ડગ્લાસ સાથે મિટિંગ થાય એવું ગોઠવ્યું હતું. તે જાણતો હતો કે આવું કરવામાં તેના માથે જોખમ ઉભું થશે પરંતુ આંખો સામે નાંચતાં અઢળક રૂપિયાનાં બદલામાં તે પોતાની જાતને પણ વેચવા તૈયાર થાય એવો હતો.

તેના પાસા સીધા પડયા હતા અને ડગ્લાસે તેને મળવા બોલાવ્યો હતો. તે બીજા દિવસની વહેલી સવારે પોતાના ઘરેથી કોઇને કંઇ પણ જણાવ્યાં વગર નીકળી પડયો હતો અને એ સમયે જ ડગ્લાસનાં માણસોએ તેને ઉંચકી લીધો હતો. એ એટલું બધું ઝડપથી બન્યું હતું કે તેને વિચારવાનો કે રિએક્ટ કરવાનો સહેજે સમય મળ્યો નહોતો.

એ દિવસ અને આજની ઘડી, તેણે ત્યારપછી આજે અંજવાળું ભાળ્યું હતું. તેમ છતાં અત્યારે તેને ડગ્લાસ પાસે લઇ જવાતો હતો ત્યારે પણ તેના મનમાં ખયાલી પુલાવ જ પાકી રહ્યો હતો. તે હજુંપણ સોદાબાજી કરવાનાં મૂડમાં જ હતો. પરંતુ… તે જાણતો નહોતો કે આવનારી ઘડી તેના માટે કેટલી ભયંકર સાબિત થવાની છે.

@@@

અભિમન્યુએ કમિશ્નર અર્જૂન પવારનાં કમરામાં પગ મૂકયો. પવાર એક પલંગ ઉપર સૂતો હતો. તેના માથે સફેદ મોટો પાટો બાંધેલો હતો. બંડુની ગોળીએ તેનો કાન ઉડાવી મૂકયો હતો જેનું અહીનાં ડોકટરોએ સફળતા પૂર્વક પ્રત્યારોપણ કર્યું હતું. તેના કાનને સ્ટિચિઝ લઇને તેની જગ્યાએ ફરીથી સીવી લેવામાં આવ્યો હતો. કમિશ્નરે કમસેકમ દસેક દિવસ હવે અહીં જ વિતાવવાનાં હતા. અભિમન્યુ અવાજ ન થાય તેમ પલંગ નજીક પહોંચ્યો. તેના સખ્ત ચહેરા ઉપર કોઇ જ ભાવો નહોતા. કમિશ્નર પવારની આંખો બંધ હતી. લાગતું હતું કે તેઓ દવાનાં હેવી ડોઝની અસર નીચે ઘેનમાં ઉંઘી રહ્યાં છે. અભિ ત્યાં મુકાયેલી ખુરશી ઉપર બેઠો અને કમિશ્નરનાં જાગવાની રાહ જોવા લાગ્યો. કમરામાં અત્યારે તેમનાં બે સીવાય બીજું કોઇ જ નહોતું અને ચારેકોર પીન ડ્રોપ સાયલન્સ પ્રસરેલું હતું. આ ઘડી.. આ સમય, આવનારા ભવિષ્ય માટે ઘણો અગત્યનો નીવડવાનો હતો.

@@@

ઇન્સ્પેકટર કાંબલેને ઉંચકીને પેલો પહેલવાન, ડગ્લાસ જે લોનમાં હતો ત્યાં લઇ આવ્યો. ડગ્લાસ હજુંપણ લોન ઉપર ઉઘાડા ડિલે ચાલી રહ્યો હતો. કાંબલેની બૂઝાતી જતી આંખો એ દ્રશ્ય જોઇને ચમકી ઉઠી. તરસથી સૂકાતું ગળું અને સૂકાઇને ફાટી ગયેલા હોઠો ઉપર હળવી મુસ્કાન ઉભરી. તેને લાગ્યું કે આખરે ડગ્લાસ તેની સામે આવ્યો ખરો. તેના પગમાં જોમ ઉભરાયું અને તેણે ઝટકો મારીને પોતાનો હાથ પહેલવાનનાં હાથમાંથી છોડાવી લીધો. પહેલવાન ખૂન્નસભરી નજરે તેને જોઇ રહ્યો.

બ્લૂઈશ પાણી ભરેલા સ્વિમિંગ પૂલનાં કીનારે પથરાયેલી ઝિણા, કૂમળા ઘાસ મઢેલી આહલાદક ગ્રીન લોનમાં સવારનું ઝાકળ હજું સુધી ઓસર્યું નહોતું. કાંબલે ઉઘાડા પગે એ લોનમાં ઉતર્યો અને દૂર ઉભેલા ડગ્લાસ તરફ આગળ વધ્યો. તેની છાતીમાં ડર ફફડતો હતો છતાં એકાએક જ લડી લેવાનાં મૂડમાં આવ્યો હોય એવું જોમ તેના પગમાં ભરાયું હતું. તે જે જાણતો હતો એના દમ ઉપર ચોક્કસ ડગ્લાસને તે બ્લેકમેલ સુધ્ધા કરી શકવાની સ્થિતિમાં હતો. અને વળી એક પોલીસ અફસરને ડગ્લાસ ક્યારેય મારશે નહી એવો અજબ આત્મવિશ્વાસ પણ તેના જીગરમાં હતો. ભલે ડગ્લાસે તેનું અપહરણ કરીને ભંડકિયામાં પુરી રાખ્યો હોય પરંતુ અત્યારે કંઇક તો એવું બન્યું હશે જેને કારણે તેને આઝાદ કરીને અહી લાવવામાં આવ્યો હશે!

કાંબલેને પોતાની તરફ આવતો જોઇને ડગ્લાસ એ તરફ ફર્યો. તેનું ઉંચું, ગોરું, રાતી ઝાંય ધરાવતું પહાડી શરીર… વન-પીસ અંડરવીયરમાં ટીવીમાં આવતી કોઇ એડવર્ટાઇમાં દેખાતા મોડેલ જેવું જણાતું હતું. ઉંમરના હિસાબે તો ગજબનાક રીતે તેણે પોતાનું શરીર મેઈન્ટેઇન કરી રાખ્યું હતું. એક નજરે જોતાં જ જણાઇ આવતું હતું કે તેના કસરતી બદનમાં અસિમ તાકત સમાયેલી હશે અને ગમેતેવા શક્તિશાળી વ્યક્તિને પણ તે ફક્ત પોતાના હાથની તાકાતથી જ મસળી નાંખી શકે તેમ છે. તે કાંબલે તરફ રીતસરનો લપક્યો હતો અને તેની સાવ નજીક જઇને ઉભો રહ્યો. તેની ધારદાર નજરો કાંબલેની પીળી પડી ચૂકેલી આંખો સાથે મળી. કાંબલે પગથી માથા સુધી થથરી ઉઠયો. ડગ્લાસની આંખોમાં ધધકતી ક્રોધની જ્વાળાઓ આ ઘડીએ જ તેને બાળીને ભસ્મ કરી નાંખશે આવું જણાતું હતું. તે સહમી ગયો. તેના મનમાં જે ગણતરીઓ ચાલતી હતી એ તમામ ગણતરીઓ ક્ષણભરમાં હવામાં ઓગળી ગઇ. તેને ડગ્લાસનાં ઈરાદાઓ ખતરનાક જણાયાં. બે ડગલાં આપોઆપ જ તેનાથી પાછળ હટી જવાયું. એ દરમ્યાન ડગ્લાસ કોઇ ખૂંખાર જાનવરની જેમ તેની ઉપર નજરો જમાવીને ઉભો રહ્યો હતો.

“હલ્લો મિસ્ટર કાંબલે, કેમ છે હવે?” ડગ્લાસ અંગ્રેજીમાં બોલ્યો. તેના અવાજમાં ભયંકર ઉપહાસ ભળેલો હતો.

“આ બરાબર નથી થયું. એક પોલીસ અફસરને કેદ કરીને તું બચી નહી શકે. હવે ડબલ રકમ આપવી પડશે.” કાંબલેએ હતી એટલી હિંમત એકઠી કરીને કહ્યું. પરંતુ આવું બોલતી વખતે તેને પોતાના જ શબ્દો ખોખલા જણાયાં. તે અત્યારે કોઇપણ પ્રકારની સોદાબાજી કરવાની હાલતમાં નહોતો છતાં ઢીલું મૂકવા માંગતો નહોતો. તેની વાત સાંભળીને ડગ્લાસ ખડખડાટ હસી પડયો. હસતો હસતો જ તે કાંબલેની ઓર નજદિક સરક્યો અને તેનું માથું પોતાના બન્ને હાથની હથેળીઓ વચ્ચે પકડયું. કોઇ બાપ પોતાના નાના બાળકનાં કપાળે ચૂમ્મી લેવા માટે પ્રેમથી માથું પકડે એવી જ એ ચેષ્ટા હતી.

“કાંબલે… તું મજાક બહું કરે છે યાર.” ડગ્લાસ બોલ્યો અને એકાએક જ હસતો બંધ થયો. તેની આંખોમાં અચાનક જ ક્રોધની જ્વાળાઓ ધધકી ઉઠી. અને… બન્ને હથેળીઓનાં જોરથી જ તેણે કાંબલેની મુંડી પાછળ તરફ ફેરવી નાંખી. “કડાક”… એક કડાકો બોલ્યો અને કાંબલેની આંખોમાં ભયાનક આશ્વર્ય ઉદભવ્યું. તે સમજી ન શકયો કે ડગ્લાસે તેની સાથે શું કરામાત કરી. અને ક્ષણનાં ચોથા ભાગમાં તેનો નિશ્ચેતન દેહ કોઇ ઓગળતાં મીણનાં પૂતળાની જેમ ઢગલો થઇને સુંવાળી લોન ઉપર પથરાઇ ગયો.

એ ભયાનક હતું. ખરેખર ભયાનક.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.