Once Upon a Time - 120 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 120

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 120

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 120

અબુ સાલેમ એક બાજુ બૉલીવુડ અને ઉદ્યોગજગતના માંધાતાઓને ખંખેરીને પૈસા બનાવી રહ્યો હતો ત્યારે બીજી બાજુ તેણે પોતાની કાળી કમાણી વિદેશોમાં એક નંબરના ધંધામાં રોકવાનું શરૂ કરી દીધું હતું. આ આઈડિયા તેણે દાઉદના એ પ્રકારના રોકાણ પરથી લીધો હતો. દાઉદ ઈબ્રાહિમે દુબઈ, પાકિસ્તાન, હોંગકોંગ, બહેરીન, ઈંગ્લેન્ડ, ભારત તથા અન્ય દેશોમાં તેની એક નંબરની મિલકતો ઊભી કરી હતી અને પાક્કા બિઝનેસમેનને છાજે એ સ્ટાઈલથી કાળી કમાણીના પૈસા ધોળા ધંધામાં નાખ્યા હતા. દાઉદે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સથી માંડીને જમીન, હોટેલ તથા કન્સ્ટ્રકશનના ધંધા ઊભા કરી દીધા હતા એ જ રીતે અબુ સાલેમે પણ જુદી-જુદી કંપનીઓ બનાવી પૈસાનું રોકાણ શરૂ કર્યું. છોટા રાજન અને અનીસ ઈબ્રાહિમ, છોટા શકીલ, ઈકબાલ મિર્ચી અને અંડરવર્લ્ડના બીજા ખેરખાંઓ પણ આ લાઈન પર ચાલી રહ્યા હતા.

ભૂતકાળમાં એ બધા ટપોરીઓની જેમ રહેતા હતા અને એવાં વસ્ત્રો પહેરતા હતા પણ બેફામ પૈસા હાથમાં આવવાને કારણે તેમનામાં સોફિસ્ટિકેશન આવી ગયું. દાઉદ પાસેથી પ્રેરણા લઈને ગુંડાસરદારો હીરાજડીત-બ્રાન્ડેડ ઘડિયાળો પહેરતા થઈ ગયા અને તેઓ ‘જ્યોર્જિયો અરમાની’ અને ‘ગુચી’ જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના વસ્ત્રો તથા ‘બાલી’ના શૂઝ અને બેલ્ટ પણ પહેરવા માંડ્યાં. અંડરવર્લ્ડમાં આવું સોફિસ્ટિકેશન સૌ પ્રથમ કરીમલાલાના ભત્રીજા સમદ ખાનમાં હતું. સમદ ખાન ફાંકડું અંગ્રેજી પણ બોલતો હતો અને હાઈ સોસાયટીની સુંદર યુવતીઓ સાથે ફાઈવ સ્ટાર હોટલ્સમાં પણ મહાલતો હતો. દાઉદે તેની હત્યા કરી એ પછી થોડાં વર્ષો બાદ દાઉદ દુબઈ જઈને સોફિ્સ્ટિકેટેડ બની ગયો. દાઉદને અનુસરીને બીજા ગુંડાઓ સરદારો પણ સોફિસ્ટિકેટેડ બનવા લાગ્યા અને અંગ્રેજી ભાષા શીખવા લાગ્યા. છોટા રાજને તો અંગ્રેજી ભાષા શીખવા માટે ખાસ એક માણસને તગડી રકમ ચૂકવી હતી. તેણે છ મહિના સુધી તેની પાસેથી અંગ્રેજી બોલવાની તાલીમ લીધી હતી. છોટા રાજનની જેમ તેના જમણા હાથ સમા ગુરુ સાટમ અને ઓ.પી. સિંઘ તથા રોહિત વર્મા પણ સફળ બિઝનેસમેનને છાજે એ રીતે જીવતા થઈ ગયા હતા. રોહિત વર્માએ બેંગકોકમાં જ્વેલરીનો બિઝનેસ શરૂ કર્યો હતો તો ગુરુ સાટમે ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ જમાવ્યો હતો.

જો કે આવા સોફિસ્ટિકેશનની સાથે એ બધાં ગુંડા સરદારોના મૂળ ‘ધંધાઓ’ તો ચાલુ જ હતા. ખંડણીઊઘરાણી, અપહરણ, કોન્ટ્રેક્ટ કિલિંગ (સુપારી લઈને હત્યા), ડ્રગ સ્મગલિંગ તથા હરીફ ગેંગના ગુંડાઓને ખતમ કરવા જેવી પ્રવૃત્તિઓ તેમણે ચાલુ રાખી હતી. છોટા રાજન દાઉદને પછાડીને તેનાથી વધુ પાવરફુલ બનવા માટે મથી રહ્યો હતો. દાઉદની જેમ જ તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે નેટવર્ક જમાવી દીધું હતુ. પણ 1999ના નવેમ્બર મહિનામાં તેને જબરદસ્ત ઝાટકો લાગ્યો. ઓસ્ટ્રેલિયામાં તેની કલ્પના બહારની એક ઘટના બની ગઈ.

છોટા રાજન આંતરરાષ્ટ્રીય સ્તરે દાઉદને ટક્કર આપી શકાય એવું નેટવર્ક ઊભું કરવા મથી રહ્યો હતો. થાઈલેન્ડ અને મલેશિયા તથા નેપાળમાં અને સિંગાપુરમાં પોતાનું નેટવર્ક જમાવ્યા પછી તેણે ઓસ્ટ્રેલિયા પર નજર ઠેરવી હતી. 1999માં તેણે થોડો સમયે જાતે ઓસ્ટ્રેલિયામાં ગાળીને ત્યાં તેની ગેંગના નેટવર્કનો પાયો નાખ્યો હતો. એ પછી ઓગસ્ટ, 1999માં તેનો અત્યંત મહત્વનો સાથીદાર ગુરુ સાટમ સાથે ઓસ્ટ્રેલિયામાં રાજન ગેંગનો બેઝ મજબૂત કરી રહ્યો હતો ત્યારે અચાનક તે ઈન્ટરપોલના હાથમાં ઝડપાઈ ગયો. મુંબઈ પોલીસે ખંડણીના એક કેસમાં ગુરુ સાટમની માટે ઈન્ટરપોલની મદદ માગી હતી અને ઈન્ટરપોલે 10 નવેમ્બર, 1999ના દિવસે ગુરુ સાટમને પકડી પાડ્યો.

ગુરુ સાટમ તેની મૂર્ખાઈને લીધે ઈન્ટરપોલના હાથમાં ઝડપાઈ ગયો હતો. સાટમ વિદેશોમાં ફરતો રહીને મુંબઈના ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેન પાસેથી ખંડણી ઉઘરાણી કરતો હતો. દાઉદ ઈબ્રાહિમ વતી છોટા શકીલ અને બીજા મહત્વના ગુંડાઓ સેટેલાઈટ ફોનથી મુંબઈના શ્રીમંતોને ધમકાવીને ખંડણી માગતા હતા એ જ સ્ટાઈલથી રાજનના ડાબા-જમણા હાથ સમા રોહિત વર્મા, ઓ.પી. સિંઘ અને ગુરુ સાટમ પણ ખંડણી માટે માલેતુજાર મુંબઈગરાઓને ધમકાવતા હતા. આવી જ રીતે સાટમે મુંબઈના એક ઉદ્યોગપતિ પાસેથી રૂપિયા બે કરોડની ખંડણી માગી અને એ રકમ પહોંચાડવામાં ન આવે તે તેને ગોળી મારી દેવાની ધમકી આપી હતી.

જો કે મુંબઈના એ ઉદ્યોગપતિ ગુરુ સાટમની ધમકીથી ગભરાઈ જવાને બદલે મુંબઈ પોલીસના શરણે ગયા. તે ઉદ્યોગપતિએ પોતાના મોબાઈલ ફોન પર જે નંબરથી ખંડણી માટે ધમકી આવી રહી હતી એ નંબર મુંબઈ પોલીસને આપ્યો. મુંબઈ પોલીસે ઈન્ટરપોલને એ નંબર આપીને સાટમની ધરપકડ કરવા વિનંતી કરી હતી. એ નંબર હતો, 0061-22785504. મુંબઈ પોલીસે આપેલા એ નંબર પરથી ઈન્ટરપોલે ગુરુ સાટમને પગેરું શોધી કાઢ્યું અને ઓસ્ટ્રેલિયાના દરિયાકિનારે લાંગરેલા એક જહાજમાંથી તેની ધરપકડ કરી.

ગુરુ સાટમની ધરપકડથી મુંબઈ પોલીસના અધિકારીઓ ઉત્સાહ આવી ગયા, પણ મુંબઈ પોલીસનો ઉત્સાહ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં.

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ સંધિ નહીં હોવાને કારણે ગુરુ સાટમને ભારત લાવી શકાયો નહીં. એ દરમિયાન મુંબઈમાં વીસ હત્યાના કેસનો તથા ડઝનબંધ ખંડણી કેસનો આરોપી ગુરુ સાટમ કાનૂની આંટીઘૂંટી અજમાવીને છૂટી ગયો અને છોટા રાજને નિરાંતનો શ્વાસ લીધો.

***

છોટા રાજન અને દાઉદ ઈબ્રાહિમ આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજાને પાછા પાડવા માટે મથી રહ્યા હતા ત્યારે મુંબઈમાં તેમના શૂટર્સ પણ સખણા બેઠા નહોતા. દાઉદ અને રાજનના શૂટર્સ હરીફ ગેંગના શૂટર્સને તથા ફાયનાન્સર્સને નિશાન બનાવી રહ્યા હતા. આ દરમિયાન અરુણ ગવળી તેના રાજકીય પક્ષ અખિલ ભારતીય સેનાનાં મૂળિયાં ઊંડાં નાખી રહ્યો હતો. ગવળીને ગેંગનો શાર્પ શૂટર સુનીલ ઘાટે ગવળીના પક્ષ વતી મુંબઈમાં મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યો અને નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યો. ગવળીએ મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટણીઓમાં તથા લોકસભા ચૂંટણીઓમાં પણ તેના પક્ષના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પણ વિધાનસભા અને લોકસભામાં ચૂંટણીઓમાં તેનો પક્ષ ખાતું ખોલાવી શક્યો નહીં. એમ છતાં ગવળીએ ધીમી છતાં મક્કમ ગતિએ તેના પક્ષની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. ગવળી ગેંગના શૂટર્સે ગેંગવોર તથા શૂટ-આઉટ્સની અન્ય ઘટનાઓમાં સંખ્યાબંધ માણસોનું લોહી વહાવ્યું હતું, પણ ગવળીએ પક્ષ બનાવ્યા પછી પોતાનું રાજકીય વજન ઊભું કરવા માટે સમાજસેવા શરૂ કરી એમાં રક્તદાન કેમ્પ પણ યોજ્યાં અને એવા રક્તદાન કેમ્પની શરૂઆત ગવળીએ જાતે લોહી આપીને કરવા માંડી! મુમ્બૈયા અખબારો એવી તસવીરો હોંશે-હોંશે છાપીને ગવળીને રાજકીય હીરો બનવામાં મદદ કરવા લાગ્યા હતા!

(ક્રમશ:)