Ravanoham Part 13 in Gujarati Fiction Stories by Jyotindra Mehta books and stories PDF | રાવણોહ્મ - ભાગ ૧૩

Featured Books
Categories
Share

રાવણોહ્મ - ભાગ ૧૩

ભાગ ૧૩

નર્મદાશંકરે પૂછ્યું, “હવે આગળ શું ઈરાદો છે?”

 

રુદ્રાએ કહ્યું, “મારું લક્ષ્ય ફક્ત એક જ છે સોમનું મૃત્યુ. પણ તું બહુ ઇન્ટરેસ લઇ રહ્યો છે?”

 

નર્મદાશંકરે કહ્યું, “તું તેને આ રીતે નહિ મારી શકે.”

 

રૂદ્રાએ પોતાના દાંત ભીચીને કહ્યું, “શું તે અમરપટ્ટો લખાવીને આવ્યો છે? તે દિવસે મારી રિવોલ્વર ભલે જામ થઇ ગઈ, પણ હવે તે છે અને મારા ચાકુની ધાર છે.”

 

નર્મદાશંકર જોર જોરથી હસવા લાગ્યો. તે એક ખૂણામાં રુદ્રાનો સમાન પડ્યો હતો તેની તરફ ગયો અને તેમાંથી તેનું ચાકુ કાઢ્યું અને તેની તરફ ફેંક્યું અને કહ્યું, “ચાલ! મારા ઉપર વાર કર અને જો ચાકુ મને અડી પણ જશે, તો હું માની જઈશ કે તું સોમને મારી શકશે.”

 

રૂદ્રાએ કરુણાભરી નજરે જોયું અને કહ્યું, “ડોસા! જાનથી જશે, એક વાર મને શું બચાવ્યો, મને કમજોર સમજવા લાગ્યો. જે ઉંમરમાં છોકરાઓ સ્કૂલમાં જતા હોય છે તે ઉંમરમાં ગેંગસ્ટર બન્યો છું અને તે પણ મારા આ ચાકુના દમ પર.”

 

નર્મદાશંકરે કહ્યું, “ખાલી વાર્તાઓ કરતા આવડે છે કે ચાકુ પણ ચલાવી જાણે છે.”

 

રુદ્રા જોશમાં આવી ગયો તે ચાકુ લઈને નર્મદાશંકર તરફ દોડ્યો, પણ નર્મદાશંકર બહુ ચપળતાથી ખસી ગયો અને રુદ્રાનો વાર ખાલી ગયો. તે ચપળતાથી પાછો ફર્યો અને ચાકુનો વાર નર્મદાશંકરની પીઠ પર કર્યો, પણ તેના આશ્ચર્ય વચ્ચે નર્મદાશંકર  હસી રહ્યો હતો.

 

તેણે હસતા હસતા કહ્યું, “શું ફૂલથી મારવાનો ઈરાદો છે?”

 

રૂદ્રાએ જોયું તો તેના હાથમાં ફૂલ હતું. તે નર્મદાશંકર તરફ જોઈ રહ્યો, જાણે તે કોઈ આઠમી અજાયબી હોય.

 

નર્મદાશંકરે કહ્યું, “તારે નિરાશ થવાની જરૂર નથી, હું તંત્રમંત્રની દુનિયાનો સાધક છું અને સોમ મારાથી પણ આગળ છે એટલે તેની સામે આ બધા હથિયાર નકામાં છે.”

 

રૂદ્રાએ કહ્યું, “તો મને પણ આ બધું શીખવાડ.”

 

નર્મદાશંકરે કહ્યું, “તારે આ બધું શીખવાની જરૂર નથી, હું જેમ કહીશ તેમ કરીશ તો તું સોમને મારી શકીશ. અત્યારે તું આરામ કર, હું થોડા સમય પછી આવીશ, ત્યાં સુધીમાં તું પોતાને મજબૂત બનાવી લે.”

 

રુદ્રા આશ્ચર્યથી નર્મદાશંકરને જતા જોઈ રહ્યો. તેને અહીં કોઈ જાતની ચિંતા ન હતી, બે સેવકો હતા જે તેના ખાવાપીવાનું ધ્યાન રાખતા હતા.

 

નર્મદાશંકર ત્યાંથી નીકળ્યો ત્યારે અસમંજસમાં હતો, તેને લાગવા લાગ્યું હતું કે તે ખોટી વ્યક્તિને લઈને આવ્યો છે. શું માતાએ આપેલી નિશાનીઓ ખોટી હતી! કે પછી તે ખોટી રીતે સમજ્યો. આ સામાન્ય ગેંગસ્ટર કેવી રીતે સોમનો સામનો કરી શકશે, તે સિવાય પણ તે છોકરાનું વ્યક્તિત્વ તેની સમજની બહાર હતું.

 

તે પોતાના પૂજાઘર તરફ ગયો અને માતાનું આવાહન કર્યું.

 

માતાએ પૂછ્યું, “શું થયું પુત્ર, મારુ શું કામ પડ્યું તને?”

 

“માતા આપે આપેલી નિશાની મુજબનો છોકરો તો મેં શોધી કાઢ્યો, પણ તેને મળીને મારા મનમાં ગડમથલ ઉભી થઇ છે. તેનું વ્યક્તિત્વ મારી સમજમાં નથી આવતું, તે ક્રોધી છે, લાલચુ છે તે સોમનો સામનો કેવી રીતે કરી શકશે? અને કોઈ પણ જાતની દુશ્મની વગર તેના મનમાં સોમ પ્રત્યે આટલો બધો ક્રોધ કેમ છે?”

 

માતાએ કહ્યું, “તેની સોમ સાથેની દુશ્મની આ જન્મની નથી, પૂર્વજન્મની છે. રુદ્રા પાછલા જન્મમાં તારા શિષ્ય જટાશંકરનો સેવક હતો અને તેનું નામ મહાકાલ હતું.”

 

મહાકાલનું નામ સાંભળીને નર્મદાશંકરની આંખો ચમકી, તે તેને જાણતો હતો.

 

માતાએ આગળ કહ્યું, “જટાશંકરને તે ખુબ પ્રિય હતો તેના બધા મહત્વના કામો મહાકાલ કરતો. જયારે વીર (સોમનો પૂર્વજન્મ) સાથે  યુદ્ધ થયું ત્યારે સોમ જટાશંકરને તો ન મારી શક્યો પણ મહાકાલ પર ઘાતક વાર કર્યો, જેથી તે મૃત્યુ પામ્યો. ઘણા વર્ષો સુધી તેની આત્મા નર્કની અગ્નિમાં તડપતી રહી, પણ તેની આત્મા સાથે તે સ્મૃતિ જોડાયેલી રહી અને સૌથી અચરજની વાત એ છે કે તેનો જન્મ પાયલના કૂખેથી થયો છે, જેને તેને પાછલા જન્મમાં બહુ દુઃખો આપ્યા હતા. રુદ્રા સોમ અને પાયલનો પુત્ર છે અને આ વાત પાયલ અને સોમ પણ જાણતા નથી. બાબાના કહેવાથી પ્રદ્યુમનસિંહે રુદ્રાને તેના જન્મ વખતે પાયલથી અલગ કરી દીધો અને તેની જગ્યાએ મૃત બાળક મૂકી દીધું, જેનાથી પાયલને એમ લાગે કે તેને મૃત બાળક જન્મ્યું. મને લાગે છે કે બાબાને ખબર પડી ગઈ હશે કે જે બાળક જન્મવાનું છે તેની આત્મા સોમની દુશ્મન છે. પ્રદ્યુમનસિંહે રુદ્રાને બે વરસ સુધી સાચવ્યો અને પછી બાબાના આદેશ પ્રમાણે તેને અનાથાશ્રમમાં મૂકી દીધો.”

 

નર્મદાશંકર આશ્ચર્યમાં પડી ગયો, તેણે કહ્યું, “માતા, વાત બહુ અચરજની છે.”

 

માતાએ કહ્યું, “આ કુદરત પણ અજીબ ચીજ છે, તે કોઈ દિવસ આ ધરતી પરથી કાળી શક્તિનો પૂર્ણ રીતે વિનાશ નહિ થવા દે તેથી જ સોમના મારનારને તેના ઘરે જન્મ આપ્યો.”

 

નર્મદાશંકરે પૂછ્યું, “માતા, મારા માટે શું આદેશ છે? હું શું કરું જેનાથી સોમનો વિનાશ થઇ શકે, કારણ જો તેને નહિ રોક્યો તો તે આખા જગતમાંથી કાળી શક્તિનો વિનાશ કરી દેશે અને તેના જેવો એક પણ શક્તિમાન યોદ્ધા મારી પાસે નથી.”

 

માતાએ કહ્યું, “તું રુદ્રાને ઓછો ન આંક! તે અત્યારે ભલે સાધારણ લાગતો પણ તેનો જન્મ એવા સંયોગોમાં થયો છે કે તેનું શરીર એક સાથે અનેક આત્મા અને શક્તિઓને ધારણ કરી શકે. પણ તે માટે તેની પૂર્વજન્મની સ્મૃતિઓ પાછી આવવી જરૂરી છે, કારણ શક્તિઓ ધારણ કરવા મહાકાલની વિદ્યાઓની જરૂર છે. પણ તારા કામમાં એક અડચણ છે સોમનો જ્યેષ્ઠ પુત્ર. રુદ્રા તેનો સામનો નહિ કરી શકે.”

 

નર્મદાશંકરે કહ્યું, “ઠીક છે, માતા હું ધ્યાન રાખીશ કે તેમનો સામનો ન થાય. અત્યારે બધું મારી યોજના પ્રમાણે ચાલી રહ્યું છે અત્યારે સોમ અને પાયલને ઇપાફીસ અને બીલજેબે  કેદ કરી લીધા છે અને એક વાર રુદ્રાની પૂર્વજન્મની સ્મૃતિઓ જાગૃત થાય એટલે સોમનો અંત નિશ્ચિત!” એટલું બોલીને ઉપર જોઇને પાગલની જેમ હસવા લાગ્યો.

 

           થોડીવાર પછી નર્મદાશંકર ત્યાંથી નીકળ્યો અને બહારની તરફ ગયો, ત્યાં બે વ્યક્તિઓ તેની રાહ જોઈ રહી હતી, તેમાંથી એકે પેન્ટ શર્ટ પહેર્યું હતું અને બીજાએ ધોતિયું અને ઝભ્ભો પણ નર્મદાશંકર તેમને ઓળખી ગયો. 

 

તેણે કહ્યું, “સ્વાગત છે! ઇપાફીસ અને બીલજેબ. આ કોના શરીર છે?”

 

ઇપાફીસે કહ્યું, “અમને આ શરીર પસંદ પડ્યા એટલે આમાં ઘુસી ગયા.”

 

નર્મદાશંકરે કહ્યું, “હું તમારાથી નિરાશ છું! તમને આટલી મહેનતથી બચાવીને લાવ્યો પણ તમે મારું સામાન્ય કામ ન કરી શક્યા!”

 

ઇપાફીસે ઘરઘરાતી અવાજમાં કહ્યું, “કોઈ જાતનો ઉપકાર દેખાડવાની જરૂર નથી, હું કંઈ તારો નોકર નથી અને હું તેને કેદ કરી શક્યો, તે પણ મોટી સિદ્ધિ છે. મેં તેને મારવાનો પ્રયત્ન કર્યો પણ તેની આજુબાજુમાં જે સુરક્ષાકવચ છે તેને ભેદી ન શક્યો અને આશ્ચર્ય છે કે તેની પત્નીની આજુબાજુમાં પણ તેવું જ સુરક્ષાકવચ છે. બાકી અમે બંનેએ જે કારનામા કરી દેખાડ્યા, તે બીજા કોઈનાથી શક્ય નથી. તેને કેદ તો કરી લીધો છે પણ હવે આગળ શું?”

 

“તેને વધુ સમય કેદમાં પણ નહિ રાખી શકાય. તે અતિ ભયંકર યોદ્ધા છે, તેણે પહેલાના સમયમાં પણ અતિભયંકર પરાક્રમો કર્યા છે. તે વિશ્વવિજેતા છે.”

 

નર્મદાશંકર સમજી ન શક્યો તેણે પૂછ્યું, “શું?”

 

ઇપાફીસે કહ્યું, “હમ્મ! ક્યાંથી સમજી શકે? તારી ઉંમર બહુ નાની છે, હું હજારો વર્ષોથી જીવી રહ્યો છું જેને કેદ કર્યો છે, તે શક્તિશાળી યોદ્ધા છે. તેણે આખી પૃથ્વી પર હાહાકાર મચાવ્યો હતો અને હું જ્યાં હતો તે પ્રદેશ પણ તેની એડી તળે હતો અને અમે બધા તેના સેવક હતા.”

 

નર્મદાશંકરે આશ્વસ્ત આપતા અવાજમાં કહ્યું, “જયારે કોઈ યોદ્ધા જન્મે છે, ત્યારે તેને મારનાર પણ જન્મે છે અને તું ચિંતા ન કર, તેના મારનારને હું શોધી ચુક્યો છું એટલે તેને વધુ સમય કેદમાં રાખવાની જરૂર નહિ પડે.”

 

ઇપાફીસે કહ્યું, “હું તેને ત્યાં સુધી જ કેદમાં રાખી શકીશ, જ્યાં સુધી તેના મનમાં આત્મગ્લાનિ છે, જ્યાં સુધી તેના મનમાં પાપનો ભાર છે. મેં તેની આત્મગ્લાનિને એટલી વધારી દીધી છે કે અત્યારે તે કંઈ પણ કરવા અક્ષમ છે.”

 

“ઠીક છે, તારું બીજું એક કામ છે પણ તે માટે હું તને પછી બોલાવીશ.” એટલું કહીને નર્મદાશંકર ત્યાંથી નીકળી ગયો અને ઇપાફીસ અને બીલજેબ  હવામાં ઓગળી ગયા.  

 

ક્રમશ: