પ્રકરણ – 17
અમે સાથે મળીને આ સુંદર દુનિયાને વધુ સજાવવાના હતા…
પણ….
તે વીંધાઈ ગઈ… અવનીના તીરથી….
નાના વિસ્ફોટ સાથે તે ગાયબ થઈ ગઈ અને સોનેરી કણો હવામાં વિખેરાયા…
મેઘધનુષ અદ્રશ્ય…
હું એમ જ ઊભો રહ્યો…
સ્વર્ગ પણ નહિ, નર્ક પણ નહિ…
અવકાશ….
શૂન્યતા…..
*****
“હવે જાગવું પડશે, વેદ!” જાણીતા અવાજે મને જગાડ્યો.
કોઈકે મને ઢંઢોળ્યો.
હું ઊંધો સૂતેલો છું. માથું ડાબી તરફ ફેરવેલું છે. મેં આંખ સહેજ ખોલી. સૂર્યનો સીધો પ્રકાશ આંખમાં પ્રવેશ્યો. આંખ બંધ થઈ ગઈ. જરા પટપટાવી. ખોલી. ઘણો નીચે ઊતરી આવેલો સૂર્ય બારીમાંથી પ્રકાશ ફેંકી રહ્યો છે. મારી મડખે કોઈક સૂતેલું છે. અલબત્ત, તે વ્યક્તિ ફક્ત આડી પડેલી છે. હું સંપૂર્ણ જાગૃત નથી થયો. મેં ફરી આંખ બંધ કરી.
“વેદ!” તેણે ફરી મને ઢંઢોળ્યો.
મેં આંખ જરાક ખોલી. સામે સૂતેલી, મને જગાડી રહેલી વ્યક્તિનો ચહેરો જોયો. મારી બધી સુસ્તી ઊડી ગઈ! બંને હાથના ટેકે હું ઝડપથી બેઠો થયો. તે એમ જ સુતી રહી. તે મને જગાડી રહી હતી.
“તું?” મારાથી પૂછાઈ ગયું.
“હા, હું!”કહેતી તે બેઠી થઈ.
“અત્યાર સુધી ક્યાં હતી?”
“એ બધી વાતો કરવાનો અત્યારે સમય નથી, વેદ!”
“કેમ, શેની ઉતાવળ છે?” મેં પૂછવા માંડ્યું- “પેલી રાત્રે તું કુખોઝૂ ગઈ હતી? ત્યાં શું થયું હતું? અવનીએ એ રાત્રે મને બેભાન કરી દીધો પછી શું થયું હતું? બીજા દિવસે સવારે હું જાગ્યો ત્યારે પણ તું નહોતી. છેક અત્યારે તું મળી આવી! પણ એ દિવસે મને વૃંદા મ-” ઊંડે ઊંડે એક આઘાત મેં અનુભવ્યો.
“હવે જડબું નથી દૂઃખતું ને?” તેણે પૂછ્યું.
અરે હા, જડબુ ભાંગી જાય તો માણસ આટલી સરળતાથી વાતો કરી શકે? મને જડબામાં ખાસ દુઃખાવો નથી થઈ રહ્યો. મારી સારવાર કોઈકે કરી હશે. કોણે? અવનીએ? પણ એણે ખરેખર વૃંદાને મારી નાખી?
“વૃંદા….” હું ઊભો થયો.
“વેદ, ઊભો રહે!”
“વૃંદા ક્યાં ગઈ?” કહેતો હું આ ખંડના દરવાજે આવ્યો.
હું વૃંદાના ઘરના શયનખંડમાં છું. બેઠકખંડમાં આવ્યો. ઓહ નો! કોઈકે કમ્પાઉન્ડનો ઝાંપો ખોલ્યો. પેલી રાત્રે બાઈક લઈને આવ્યો હતો, પોતાને વેદ ગણાવતો હતો તે આતંકવાદી અંદર પ્રવેશ્યો. અવળા ફરીને તેણે ઝાંપો બંધ કર્યો. તેને હજી મને નહિ જોયો હોય. હું પાછો ફર્યો. પેલો આતંકવાદી ગણતરીની ક્ષણોમાં ઘરમાં પ્રવેશ કરશે. લ્લે… વૈદેહી ક્યાં જતી રહી? અહીં જ તો હતી એ! આતંકવાદીને વતો જોઈને બારીમાંથી બહાર જતી રહી હશે.
સળિયા વિનાની બારીમાંથી હું બહાર આવ્યો.
પેલો ઘરમાં પ્રવેશી ચૂક્ય હશે. બારીની ઈચેની દીવાલને લપાઈને બેસી ગયો. આજુબાજુ નજર કરી. વૈદેહી ક્યાંય દેખાતી નથી. ક્યાં જઈ રહી આટલી વારમાં? હું એમ જ લપાતો-સંતાતો બેઠકખંડની બારી નીચે આવ્યો, જેમાંથી અવની ઘરમાં પ્રવેશી હતી.
પેલો કદાવર આતંકવાદી ઝડપથી ઘરમાં ફરી રહ્યો છે. તેના પડછંદ શરીર અને ચાલવાની ઝડપને કારણે ઘર ધ્રૂજી રહ્યું હોય એવું ભાસે છે. પગલાંની ધમધમાટિ જરા ઓછી થઈ. તે શયનખંડમાં કે રસોડામાં ગયો હશે.
તે મને અને મૅર્વિનાને શોધી રહ્યો હશે. કદાચ ગુઆન-યીન સાથે તેનો સંપર્ક લાંબા સમયથી નહિ થયો હોય એટલે તેને આ ઘરમાં શું બન્યું હતું તેની માહિતી નહિ મળી હોય. તે મૅર્વિનાને કંઈક સૂચના આપવા આવ્યો લાગે છે. હું બેભાન થયો એ પછી ગુઆન-યીન આવી હશે? જો તે આવી હોત તો હું શાંતિથી સૂતો ન હોત! ગુઆન-યીનને ઘણા સમય સુધી આ ઘરથી દૂર રાખવાની કોઈ યોજના અવનીએ બનાવી હશે. પાઠક સાહેબ ખાસ દોડી તો ન શકે. અવનીએ વાત ધ્યાનમાં રાખી જ હશે. એ શું યોજના હતી એ જાણવું મહત્વનું નથી. મહત્વનો પ્રશ્ન એ છે કે, અવનીએ વૃંદાને મારી નાંખી હશે? વૃંદા જીવતી હોવી જોઈએ.
પેલા આતંકવાદીની બૂમ સંભળાઈ-
“એ નાલાયક વેદ! મારી નાખી એણે મૅર્વિનાને! હું જીવતો નહિ છોડું એને!”
આ નહોતું થવું જોઈતું…
વૃંદા ન મરવી જોઈએ…
વૃંદા…
મારાથી ઊભા થઈ જવાયું. બારીને કૂદીને અંદર આવી ગયો હું. રસોડામાંથી બહારની તરફ પડતાં બારણા સુધી દોડી આવ્યો. કૂવામાં ડોકિયું કરતો તે ઊભો છે. હું બારણાં આગળ અટક્યો. તે પાછળ ફર્યો. મને જોયો.
આવેશમાં આવીને મેં કેટલી ભયાનક ભૂલ કરી નાખી છે તેનુ ભાન થયું.
આ વિકરાળ મનુષ્ય મારી શરીરયાત્રાનો અંત આણી દેવા માટે તત્પર બન્યો છે અને હું સામે ચાલીને તેની પાસે આવી ગયો છું. તે મારી સામે જંગલી પશુની માફક ઘૂરકી રહ્યો છે! તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેના પડછંદ શરીર ઉપરાંત તેની બરછટ દાઢી અને લાલ આંખો તેને વધારે ભયપ્રેરક બનાવે છે. તેણે મુટ્ઠીઓ વાળી.
કૂવામાં નજર કરવાની પ્રબળ ઈચ્છા થઈ આવી. એ ઈચ્છા અત્યારે સંતોષાય તેમ નથી. કૂવામાં વૃંદાનો મૃતદેહ પડ્યો હશે? અવની એ સાચે જ તેને મારી નાખી?
મારાથી દસ ડગલા દૂર ઊભેલા માણસને એક લાફો સુધ્ધાં મારવાની મારી પહોંચ નથી એ હું જાણું છું પણ જો મેં કંઈ ન કર્યું તો મારો જીવ લઈ લેવામાં એ જરાય વાર નહિ લગાડે.
પણ વૃંદા ખરેખર મરી ગઈ? આ આતંકવાદીને અંદાજ હોય કે વેદ આસપાસમાં જ ક્યાંક સંતાયો હશે અને મને બહાર કાઢવા માટે જ તેણે આવું નાટક કર્યું હોય એ શક્ય છે. મારે કૂવામાં જોવું જ પડશે. ચકાસણી કરવી જ પડશે. પણ આ રાક્ષસનું શું?
મને આ દરવાજે આવ્યે વધારે સમય નથી થયો. નહિંતર પેલો કોની રાહ જોતો ઊભો રહ્યો હોય! હું હમણાં જ આ દરવાજે આવ્યો છું મેં સાવ ઓછા સમયમાં કેટલું બધું વિચારી લીધું! હું આટલું ઝડપથી વિચારવા લાગ્યો છું? વાહ!
મારી તરફ આવવા માટે જેવો તેણે પગ ઉપાડ્યો કે તરત જ હું અવળો ફરી ગયો અને અમે બંને દોડ્યા….
ભૂખ્યો સિંહ પાછળ પડે અને હરણનું બચ્ચું જેમ પૂરી તાકાતથી ભાગે એમ હું ભાગ્યો. રસોડામાંથી બેઠકખંડમાં આવતાં એક જ સેકન્ડ થઈ. બારણાંની બાજુમાં પાથરેલા પલંગ પર નજર ગઈ. કંઈ કરવાનો અત્યારે સમય નથી. પલંગની બાજુમાં થઈને સડસડાટ બહાર નીકળી ગયો. બ્રૅક! બ્રૅક! બ્રૅક!
પાછળ ફર્યો. દરવાજો બંધ કર્યો અને સાંકળ ભરાવી દીધી. જેવી સાંકળ ભરાવી કે પેલો અંદરથી બારણે અથડાયો. આખુંય બારણું હચમચી ગયું. તૂટ્યું નહિ! હું ઝાંપા તરફ દોડ્યો.
કંઈ કેટલાય વિચારો વિજળીવેગે પસાર થઈ રહ્યા છે…
ઝાંપે આવીને ઊભો રહ્યો.
પેલો બારણું તોડીને આવશે? બારીમાંથી પણ આવી શકાય. તેના જેવા વિશાળ મનુષ્યને બારીમાંથી નીકળવામાં સમય તો લાગે જ! બારણું તોડવું એ કરતાં બારીમાંથી નીકળવું તેને વધુ સરળ લાગશે. હું બહાર દોડીશ તો એ કદાચ મને પકડી પાડશે અને કદાચ હું છટકી પણ શકું. પણ મારે તો કૂવામાં પણ નજર કરવી છે. મારે એને બહાર મોકલવો જોઈએ. પેલો આતંકવાદી બારીમાંથી બહાર નીકળીને ઝાંપા તરફ જ આવશે. જો તેને ઝાંપો ખુલ્લો દેખાય તો એ એમ જ માને કે હું બહાર દોડ્યો છું.
ઝાંપો અંદરની તરફ ખેંચીને હું પાછો ઘર તરફ દોડ્યો. દરવાજે કાન માંડ્યો. કોઈ અવાજ નથી આવતો. પેલો બારીમાંથી નીકળી ગયો હશે. મારા જડબામાં દુઃખાવો અનુભવાયો. ગુઆન-યીને મારું જડબું તોડી નાખ્યુ છે. દોડવાને કારણે જડબામાં ખાસુ હલનચલન થયું અને એટલે જ ત્યાં દુઃખાવો થવા લાગ્યો છે. જો આ પઠ્ઠા આતંકવાદીનો એક પણ લાફો પડ્યો તો જેણે પણ મારી સારવાર કરી હોય, બધી જ પાણીમાં જશે! હું સહેજ સાઈડમાં જઈને દીવાલને લપાઈને બેસી ગયો.
આતંકવાદી ઝાંપા પાસે આવ્યો. તેણે ખુલ્લો ઝાંપો જોયો અને અવળો ફર્યો. તેણે શું વિચાર્યું હશે એ સ્પષ્ટ છે. મારે એ જ તો મોકો જોઈએ છે! તે આમતેમ નજર દોડાવવા લાગ્યો. તે નક્કી કરી રહ્યો છે કે કઈ દિશામાં દોડવું. મારી યુક્તિ કામ કરી ગઈ…. ના… એ ફરી ઝાંપા તરફ ફર્યો... ઘડીક જોઈ રહ્યો… ઓહ, મારી ભૂલ મને સમજાઈ…
કોઈ માણસ ખૂબ જ ઝડપથી દોડતો બહાર નીકળવાનો હોય અને તે ઝાંપો પસાર કરે તો ઝાંપો બહારની તરફ ખુલ્લો હોય, નહિ કે અંદરની તરફ! મેં ઝાંપો અંદરની તરફ ખેંચ્યો છે! ને આ ઝાંપો બંને તરફ ખુલે છે એ તેને ખબર હશે. તે સમજી જ ગયો હશે કે મેં તેને છેતરવાનો પ્રયાસ કર્યો છે.
હવે શું કરું? તે કમ્પાઉન્ડમાં પ્રવેશ કરશે એ નક્કી છે. તે ઝાંપા તરફથી જ આવવાનો છે. હું બહાર તો જઈ શકીશ નહિ. અહીંયા જ રહીશ તો આ કમ્પાઉન્ડ અખાડામાં ફેરવાઈ જશે અને મારા હાડકા ભાંગશે!
હું ઝડપથી ઊભો થયો, દરવાજાની સાંકળ ખોલી અને અંદર આવ્યો. પેલો આતંકવાદી આ તરફ દોડ્યો. લોખંડના પલંગ પર મારી નજર ગઈ. પલંગની મારી તરફની બાજુ પકડી. પેલો ખૂબ જ વેગથી દોડતો આવી રહ્યો છે. તે દરવાજાથી માંડ ત્રણ ડગલાં છેટે રહ્યો કે તરત જ મેં પલંગ ખેંચ્યો અને પાછળની તરફ ડગ માંડ્યા, પલંગ દરવાજાની વચ્ચે આવી ગયો. બ્રૅક મારવાનો સમય આતંકવાદી પાસે રહ્યો નહિ. તેનાં ઢીંચણ પલંગને અથડાયાં. તેનું વજનદાર શરીર ઘણા વેગથી આવી રહ્યું હતું અને અચાનક પલંગ વચ્ચે આવી ગયો. જડત્વના નિયમ અનુસાર આગળનું પરિણામ આવ્યું. તે પલંગ પર ગુલાંટ ખાઈને નીચે પડ્યો.
હવે?
આ રાક્ષસી માણસને બારીમાંથી નીકળવામાં તકલીફ પડશે.
હું શયનખંડમાં દોડી ગયો.
મને બીક પણ લાગી રહી છે અને મજા પણ આવી રહી છે! ગજબનો વિશ્વાસ હું અનુભવી રહ્યો છું. હા, આ કોન્ફિડન્સ ‘ઓવર-કોન્ફિડન્સ’માં નથી ફેરવાયો એ ઘણું જ સારું છે. નહિંતર શું, આ પઠ્ઠા સામે લડવા જવાય? ને હા, અત્યારે કૂવામાં નજર કરાવાનો સમય નથી. હુ કૂવા સુધી પહોંચી શકું અને અંદર ડોકિયું પણ કરી શકું. પછી? ત્યાંથી છટકવાનો કોઈ રસ્તો ન બચે! પછી મારો મૃતદેહ એ જ કૂવામાં વિસર્જન પામે! અત્યારે જીવ બચાવવો એ સૌથી મહત્વનું કામ છે. જીવતો રહીશ તો વૃંદાની તપાસ કરી શકીશ અને જો વૃંદા જીવતી હશે તો એની સાથે જીવન વીતાવી શકીશ.
એક સાચુકલો આતંકવાદી મને મારવા માટે તત્પર બન્યો છે તથા હું અને એ ભાઈ સાથે એક જ ઘરમાં છીએ! છતાંય હું કેટલું વ્યવસ્થિત વિચારી રહ્યો છું! ખૂબ સરસ, વેદ!
શયનખંડની બારી કૂદીને હું બહાર આવી ચૂક્યો છું. કમ્પાઉન્ડ તરફ દોડ્યો. આતંકવાદી શયનખંડ તરફ દોડ્યો હશે. અવની જે બારીમાંથી અંદર આવી હતી તે બારીમાંથી હું ઘરમાં આવ્યો. અત્યાર સુધીમાં આતંકવાદી શયનખંડની બારીમાંથી બહાર કૂદી ગયો હશે અને મને આ બારીમાંથી અંદર ઘૂસતો જોયો પણ હશે. આ બેઠકખંડમાં બે બારીઓ છે. એક બારીમાંથી હું પ્રવેશ્યો અને હવે બીજી, સામે જ છે તે બારી તરફ દોડ્યો. ગુઆન-યીન જે લાકડી લાવી હતી તે પડેલી જોઈ. લાકડી ઉઠાવવાનો સમય નથી. હું દોડતો એ બારી સુધી પહોંચી ગયો. આ જ સમયે આતંકવાદી પેલી બારી પર ચડ્યો, જેમાંથી અવની અંદર આવી હતી અને હમણાં હું જેમાંથી અંદર આવ્યો. આ બારી કૂદીને હું બહાર આવ્યો.
હું બહાર આવ્યો કે તરત જ આતંકવાદી આ બારી તરફ દોડ્યો તેનો અવાજ આવ્યો. હું ડાબી બાજુએ એક ડગલું દોડ્યો, જેથી પેલાને એમ લાગે કે હવે હું ડાબી તરફ ભાગ્યો છું. અસલમાં, એક ડગલું એ તરફ દોડીને હું નીચો નમીને, બારીની નીચેથી અસાર થઈને જમણી બાજુ જતો રહ્યો અને દીવાલને લપાઈને નીચે બેસી ગયો. પેલો આતંકવાદી બારી પર ચડ્યો. તેણે એમ જ ધારેલું છે કે હું ડાબી બાજુ દોડ્યો છું. તેણે કૂદકો માર્યો કે તરત જ મેં તેનો પગ પકડી લીધો અને ખેંચ્યો. તે પડ્યો.
ઝડપથી હું ઘરમાં ઘૂસી ગયો- બારીમાંથી જ! પાઠક સાહેબને પકડવા દોડી ત્યારે ગુઆન-યીન લાકડી ફેંકતી ગઈ હતી. મેં લાકડી લીધી. બારીથી થોડે દૂર ઊભો રહ્યો. લાકડી પીઠ પાછળ સંતાડી. આતંકવાદી બારી પર ચડ્યો. તેણે મને જોયો. હવે એ કૂદે એટલે એના પગમાં લાકડી ઠોકું! લ્લે, આ તો હળવે રહીને ઉતરી ગયો! હવે? દોડો!
હું ‘અવનીવાળી’ બારી તરફ અચાનક જ દોડ્યો. તે પણ પાછળ દોડ્યો જ હશે.
કાલે રાત્રે આ ભયંકર માણસ પોતાને વેદ ગણાવતો હતો અને તે રાત્રે તેણે મારા પેટમાં પગ ભરાવ્યો હતો એ મને યાદ આવ્યું. એ વખતે હું તેની પાછળ દોડી રહ્યો હતો, અત્યારે તે મારી પાછળ છે! હું ય એવું કરું? આપણો પગ ક્યાં એવો મજબૂત છે કે આ વિશાળકાય માણસને દોડતો રોકી શકે! પણ લાકડી તો છે ને!
હું બારીની છેક નજીક જઈને સહસા ઊભો રહી ગયો. ઊભા રહેતી વખતે જ મેં લાકડી પાછળની તરફ ધરી. મારી તરફનો છેડો બારીની બાજુની દીવાલને અડાડી રાખીશ, જેથી લાકડી આગળની તરફ સહેજ પણ ખસે નહિ અને તેના પેટમાં એકદમ મજબૂત રીતે ભરાય! લાકડી ‘સેટ’ કરતાં પહેલાં જ પાછળનો છેડો તેના પેટમાં ભરાઈ ગયો! આ વખતે તે ખાસું જોર કરીને દોડ્યો હશે… વધારે વાગશે! મેં લાકડી મજબૂતાઈથી પકડી રાખી. મને ધક્કો વાગ્યો. લાકડીને મારી તરફનો છેડો દીવાલને અડ્યો. લાકડી અટકી.
“આહ…..” તેનો અવાજ સંભળાયો!
એ પેટ દબાવીને, આગળની તરફ નમીને ઊભો છે. મારાથી ગુજરાતીમાં જ બોલાઈ ગયું-
“કાલે રાત્રે મને ય આવું વાગ્યું’તું, પઠ્ઠા!”
તે સીધો થવા જઈ રહ્યો છે અને મેં બળ અજમાવીને લાકડી વીંઝી. તેના ખભા પર મજબૂત પ્રહાર થયો. તે રાડ પાડી ઉઠ્યો. બસ, હવે દોડ, ભાઈ!
લાકડી લઈને હું બારીની બહાર આવી ગયો. એ બહાર તો આવશે જ. હું બંને હાથે મજબૂત રીતે લાકડી પકડીને તૈયાર રહ્યો. તે જેવો બારી પર ચડ્યો કે તરત જ પૂરું બળ લગાવીને ક્રિકેટના ‘હૂક શૉટ’ની જેમ લાકડી તેને ઠોકી. તેના મોઢા પર લાકડી વાગી અને તે રાડ નાંખતો અંદર પછડાયો.
લાકડી ફેંકીને હું ભમરાહના રહેણાંક વિસ્તાર તરફ દોડ્યો.
બચી ગયો!
સાંજ પડી ગઈ છે. સૂરજ ડૂબી ગયો છે.
વૃંદાના ઘરથી ઘણે દૂર આવીને અટક્યો. જડબામાં દુઃખાવો વધી ગયો છે. ગુઆન-યીનનો ગુસ્સો… વૃંદા… એ દ્રશ્ય આજીવન યાદ રહેશે. વૃંદાનું શું થયું હશે? ને આ વૈદેહી ક્યાં જતી રહી? આવાં તો અનેક પ્રશ્નો છે. એક પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ અનિવાર્ય છે; હું અત્યારે ક્યાં જાઉં? ગુઆન-યીન અને બીજા બે આતંકવાદીઓ મને શોધવાનો પૂરો પ્રયત્ન કરશે. તેઓ માને છે કે મેં મૅર્વિનાને મારી નાખી. બોલો, જે ન મરવી જોઈએ એમ હું પ્રબળપણે માનું છું એની હત્યાનો આક્ષેપ મારા પર લગાવાય છે!
ભમરાહમાં હું ત્રણ સ્થળોથી પરિચિત છું; વશિષ્ઠકુમારનું ઘર, વિનયકુમારનું ઘર અને કુખોઝૂ. આ ત્રણેય સ્થળોએ આતંકવાદીઓ ઘણો સમય આવ-જા કરી ચૂક્યા છે. હું એ ત્રણમાંની કોઈ પણ જગ્યાએ ન જ જઈ શકું, જો મરવું ન હોય તો!
“ક્યા સોચ રહે હો?”
અવાજની દિશામાં મેં જોયું. એક મોટા કમ્પાઉન્ડના ઝાંપા પાસે ઊભેલા આધેડ ઉંમરના પુરુષે મને પ્રશ્ન કર્યો છે. પોશાક પરથી તે ભમરાહનો માણસ લાગે છે ચહેરા પરથી કોઈ ફિલ્મનો હિરો! કથ્થાઈ રંગનું પેન્ટ અને કાળું ખમીસ પહેરીને ઊભેલા આ માણસનો ચહેરો એકદમ નાજુક અને ગોરો છે. તેનું શરીર મજબૂત બાંધાનું લાગે છે. તેણે પૂછ્યું-
“ક્યા નામ હૈ તુમ્હારા?”
“મૈં વેદ. આપ કૌન?”
“તુમ્હારા અંત!”
“જી?”
“વેદાંત!”
“વાહ!”
“કુછ પરેશાન લગ રહે હો!” તેઓ મારી નજીક આવ્યા.
“જી….” મેં વાર્તા બનાવી- “મૈં એડવૅન્ચર-ટ્રીપ પર આયા થા. જંગલ મેં ઘૂમ રહા થા. થકા હુઆ હું.”
“રાત કહાં બીતાઓગે? કોઈ પ્રબંધ કીયા હુઆ હૈ?”
“નહિ!”
“ચાહો તો હમારે ઘર મેં રહ શકતે હો.”
“જી?”
“હમે પરેશાની નહિ હોગી!” તેમણે હસીને કહ્યું- “અચ્છા લગેગા હમે!”
“ધન્યવાદ.” મેં કહ્યું- “રાત રુકને કે ઔર ભોજન કે પૈસે મૈં દે દુંગા આપકો.”
“શહર કે લગતે હો!” કહીને તેઓ ખડખડાટ હસ્યા અને મારા ખભે થાપટ મારી- “કભી સંબંધ સે ભી જી લો!”
હું હચમચી ગયો. મારી સ્વીકૃતી સંબંધપૂર્વક જીવવામાં હોય છે એ હું જાણું છું. તો અત્યારે મારા મોઢેથી રૂપિયાની વાત કેમ નીકળી ગઈ? હું હજીય ક્યાંક અટવાયેલો છું!
“ચલો!” તેઓ મને લઈને ચાલ્યા.
આ બધું શું થઈ રહ્યું છે? મારે શું કરવું જોઈએ? વૈદેહી બે દિવસથી ગાયબ છે. વનિતામાસી ગાયબ થયે તો વીસ દિવસ કરતાં પણ વધુ સમય થઈ ગયો. હમણાં મને વૈદેહી મળી હતી. તે ક્યાં જતી રહી? તે અત્યારે શું કરી રહી છે?
આતંકવાદીઓ કયા હેતુસર આ બધું કરી રહ્યાં છે? અહીં, ‘આ બધું’ એટલે શું? અર્થાત્, તેઓ શું કરી રહ્યાં છે? કેટલી સંખ્યામાં આતંકવાદીઓ અહીં હાજર છે? ગુઆન-યીન, પઠ્ઠો, પોપટની ચાંચ જેવા નાકવાળો અને મૅર્વિના. પાંચમું છે કોઈ? કદાચ, હવે તો ચાર નહિ, ત્રણ જ આતંકવાદીઓ છે. મૅર્વિના તો મરી જ ગઈ છે, વૃંદા મરી છે કે નહિ તે ખબર નથી.
વળી, વશિષ્ઠકુમાર અને વિનયકુમારનું લક્ષ્ય શું હતું? તેઓ શું શોધી રહ્યાં હતા? અત્યારે તેઓ ક્યાં છે? શું કરી રહ્યાં છે? તેમની શોધ સફળ થઈ છે? ગઈ રાત્રે પઠ્ઠા સાથે આવેલ માણસ વિનયકુમાર જ કે ‘પાંચમો’ આતંકવાદી? વૃંદા કહેતી હતી કે વિનયકુમારના કાનની બુટ પર તલ છે એ વાત તો હવે હું ખોટી જ માનું છું. તો, એ વિનયકુમાર જ હતા? તેઓ પઠ્ઠા સાથે કેમ આવ્યા હતા?
હમણાં ગુઆન-યીનને તગેડવા માટે અવનીએ પાઠક સાહેબને મોકલ્યા હતા. તેઓ ઓ.ડી.આઈ. બોલ્યા હતાં અને ગુઆન-યીન તેમની પાછળ દોડી હતી. ઓ.ડી.આઈ. શું છે? જો અવનીએ ખરા સમયે આ પગલું ન ભર્યું હોત તો? આ સમયે અવની અને પાઠક સાહેબ ત્યાં પહોંચી ગયા એ સંયોગ હતો કે આયોજન હતું? મૅર્વિનાને મારવાનું આયોજન હતું?
….ઓહ! પ્રશ્નોનો કોઈ પાર નથી! મારે કંઈક કરવું જ પડશે. આ પ્રશ્નોના નિરાકરણ માટે મારે કંઈક સાહસ કરવું જ રહ્યું. હવે મને એમ નથી લાગતું કે હું વૈદેહીની મદદ કરવા આવ્યો છું, લાગે છે કે આ બધી મારી જ સમસ્યાઓ છે. મારે કંઈક કરવું જ પડશે. પણ શું? એ વિચારવુ પડશે. અત્યારે તો હું આ અજાણ્યા ઘરમાં રાતવાસો કરવા જઈ રહ્યો છું…..લ્લે, ઘર કદી અજાણ્યું હોય?
કમ્પાઉન્ડમાં પ્રવેશતાંની સાથે જ ભીની માટીની સુગંધથી મન ઝૂમી ઊઠ્યું. વાડીમાં હમણાં જ પાણી અપાયું હશે. એ સુગંધના નશામાં હું આગળ વધ્યો. વેદાંતભાઈની પાછળ મેં ઘરમાં પ્રવેશ કર્યો. સાંજ પડી ગઈ છે એટલે ઘરમાં જરા અંધારું લાગી રહ્યું છે. આ ઘરની રચના જરા અલગ છે. ઘરમાં બે જ ખંડ છે. અમે જ્યાં ઊભા છીએ એ બેઠકખંડ છે કે શયનખંડ એ કહી શકાય તેમ નથી. વૈદેહીના ઘરમાં જ્યાં રસોડું અને શયનખંડ અલગ પડે છે ત્યાં આ ઘરમાં ફક્ત રસોડું જ છે. આ ઘર જરા નાનું છે…. અર્થાત્ મકાન નાનું છે!
“અ ગયે, ભૈયા?” રસોડાની પાછળના ભાગેથી કોઈકને પાતળૉ અવાજ આવ્યો- “કોઈ મહેમાન ભી હૈ?”
“હા, વેદ નામ હૈ ઈનકા.” વેદાંતભાઈ રસોડામાં પ્રવેશ્યા. અહીં એક સ્ત્રી લોટ બાંધી રહી છે. તેમની સામે જોઈને વેદાંતભાઈએ કહ્યું- “આજ રાત યહીં રુકેંગે.”
“સ્વાગત હૈ!” તેમણે મને કહ્યું.
“નમસ્તે, ભાભીજી!” મેં હાથ જોડ્યાં.
“યે મેરે ભાભીજી હૈ.” વેદાંતભાઈએ મને કહ્યું.
શરૂઆતમાં મને નવાઈ લાગી. પછી ધ્યાન ગયું કે ભાભીના શરીર પર કોઈ ઘરેણું નથી. સાડી સફેદ તો નથી પણ જૂની છે.
“રૂપા….” વેદાંતભાઈએ રસોડાની પાછળ પડતા દરવાજે બૂમ ફેંકી, જ્યાંથી હમણાં અવાજ આવી રહ્યો હતો.
મેં એ બારણે નજર કરી.
રૂપા બારણે આવીને ઊભી રહી. અદ્દલ ગામડાની છોકરી. કથ્થાઈ વાન, સોટા જેવું શરીર, ઘણા સમયથી પહેરાતી હોવાને લીધે આછા પડી ગયેલા કલરવાળી અને કામ કરવામાં નડે નહિ એટલે દુપટ્ટો ન નખાયેલી તથા માટીના ડાઘવાળી સલવાર-કમીઝ, તાજા છાણ સાથે કામ કર્યું હોવાથી બગડેલાં અને તેનાથી કપડાં ન બગડે એટલે સહેજ પહોળા રખાયેલા હાથ, ઓળ્યા વિના જ જેમતેમ ભેગા કરીને રિબનમાં ભરાવી દીધેલાં વાળ અને અંગેઅંગમાંથી નીતરી રહેલી પ્રસન્નતા એટલે ગામડાની યુવાન કન્યા… એટલે કે રૂપા.
“ભૈયા શહર કે લગતે હૈ!” મારી વેશભૂષા જોઈને તેણે કહ્યું.
“જી!” મેં સહેજ હસીને કહ્યું.
“જંગલ ઘૂમને આયે થે?”
“હાં, સોચા થોડી શુદ્ધ સાંસ લે લી જાય!” મેં કહ્યું.
“અચ્છા, વો લોગ ભી આપ કે સાથે હૈ ક્યા?”
“કૌન?”
“કુછ દો યા તીન લોગ હૈ. એક ગોરી ઔરત હૈ, છોટી-છોટી આંખોવાલી ઔર દો આદમી હૈ.”
“નહિ…” હું સહેજ ગભરાયો- “મૈં નહિ જાનતા ઉનકો. ક્યો?”
“વો લોગ કાફી દિનો સે ઈધર-ઉધર ઘૂમ રહે હૈ. પતા નહિ ક્યા ઢૂંઢ રહે હૈ!”
“વો લોગ યહાં આતે હૈ ક્યા?” મારાથી પૂછાઈ ગયું.
“કહાં, ઘર પર?”
“હં.”
“નહિ!”
“છોડો, હોંગે કોઈ!” મેં કહ્યું.
“લેકિન આપકા સામાન કહાં હૈ, ભૈયા?”
અરે! મારી બૅગ! વિનયકુમારના ઘરે જ પડી હશે ને?
“ઉનકો આરામ કરને દે!” ભાભી બોલ્યા- “બાજરે કા આટા ગૂંદ દીયા હૈ, રોટી બના દે! દૂધ દોહ લિયા હૈ, બેટા?”
“હાં.” જવાબ આપીને રૂપાએ મને પૂછ્યું- “ભૈયા, આપ દૂધ કે સાથ બાજરે કી રોટી ખાતે હૈ? શહર કે લોગો કો ઐસા ભોજન પસંદ નહિ આતા હોગા ના?”
“મૈં ખાતા હું ઐસા ખાના.” મેં કહ્યું.
“બઢિયા!” સહેજ હસીને તેણે કહ્યું- “વરના હમકો કુછ ઔર સોચના પડતા!”
“તો, યે ભાભીજી કી બેટી હૈ.” વેદાંતભાઈએ કહ્યું- “સોલહ સાલ કી હો ગઈ. મેં પરિચય કરાને કે ઈંતેજાર મેં કબ સે ખડા થા પર રૂપા કહાં મૌકા દેતી હૈ બોલને કા!”
“આપ મેરી બાત કાટતે તો મુઝે બૂરા નહિ લગતા, ભૈયા!”
“બહુત બોલતી હૈ યહ!”
“ઈતના ભી નહિ!”
“રોટી બનાયે?” ભાભીએ પૂછ્યું.
“કાલીને ગોબર કીયા થા.” રૂપાએ તેના ગંદા હાથ દેખાડીને કહ્યું- “હાથ ધો લેતી હું.”
તે બહાર ગઈ. વેદાંતભાઈએ ભાભીને કહ્યું- “મુઝે આધા ઘંટા બાહર જાના પડેગા.” મારી સામે ફરીને બોલ્યા- “તુમ ભાભી ઔર રૂપા કે સાથ બેઠો. રૂપા કે સાથ તુમ્હારા આધા ઘંટા યું નીકલ જાયેગા! ઉસકી બાતે બિલકુલ ફિઝુલ કી ભી નહિ હોતી, અચ્છી બાતેં કરતી હૈ! પર થોડી જ્યાદા! ઔર ઉસકો-”
“વેદાંતભૈયા,…” બહારથી રૂપાનો અવાજ આવ્યો- “આપકો જલ્દી હૈ તો આપ જા શકતે હો! મેરે બારેમેં કુછ રાય બનાનેમેં વેદભૈયા કો સ્વતંત્ર રહને દીજીએ! આપ અપની માન્યાતાએં ઉન પર મત થો-”
“જા રહા હું!” વેદાંતભાઈ ચાલતાં થયા!
ભાભી સહેજ હસ્યાં. રૂપા હમણાં જે બોલી તેમાં અમુક એવાં શબ્દો તેણે વાપર્યાં હતાં કે જે શબ્દો ભમરાહના લોકોના મુખેથી અપેક્ષિત ન હોય! આ લોકો મૂળ ભમરાહના છે? રોટલા કરવાની સામગ્રી લઈને ભાભી ઊભા થયા. અમે બહાર આવ્યા. રૂપાના પપ્પા અવસાન પામ્યા હશે. રૂપાના મમ્મીને વેદાંતભાઈ ભાભી કહે છે. એનો અર્થ એ થયો કે રૂપાના પપ્પા વેદાંતભાઈના મોટાભાઈ થાય. તો વેદાંતભાઈ રૂપાના કાકા થાય. રૂપા એમને ‘ભૈયા’ કેમ કહે છે?
કાલી નામની ભેંસ અને તેનું સંતાન અને જોઈ રહ્યાં. આ કમાઉન્ડમ પણ મોટું છે. આ કમ્પાઉન્ડમાં ભેંસ માટે એ ઝાંપો છે, જે વૈદેહીના અને વિનયકુમારના ઘરમાં નથી. એક ઈંટ પર હું બેઠો.
હું ક્યાં સુધી આતંકવાદીઓથી ભાગતો ફરીશ? ક્યાં સુધી આ ઘરમાં સંતાઈ રહીશ? જો આતંકવાદીઓને કોઈ પણ રીતે જાણ થઈ ગઈ કે હું અહીંયા છું તો વેદાંતભાઈએ, ભાભીએ અને રૂપાએ હેરાન થવું પડશે. શું કરું? ભમરાહ જ છોડી દઉં? હા, આતંકવાદીઓ કંઈ પોલીસની જેમ મારી તપાસ ન કરી શકે! યસ, જે કંઈ જોખમ છે એ ભમરાહમાં જ છે. ભમરાહમાંથી બહાર નીકળ્યા પછી તો… પણ આયોજક… એટલે કે અવની… મને જવા દેશે?
અરે… અવની એકલી આયોજક નથી. વૃંદા અને અવનીએ મળીને આયોજન કર્યું હતું. તો અવનીએ વૃંદાને મારી કેમ નાખી? અવનીએ અત્યાર સુધી વૃંદાનો ઉપયોગ કર્યો? હવે તેની જરૂર ન રહી એટલે પતાવી દીધી? તો તો અવની સાવ…. ના, યાર… અવની એવી નથી લાગતી. આ બધીય માથાકૂટમાં અવની શું કામ ભાગ લઈ રહી છે એ જ સમજાતું નથી. વૈદેહી અને તેના પરિવાર સાથે કંઈક ખરાબ ઘટના બને કે ન બને એમાં અવનીને શું પંચાત? એમ તો… મારેય શું પંચાત? તો અવની પણ નિઃસ્વાર્થપણે આવા ભયાનક કાર્યક્રમમાં સહભાગી થઈ છે? હવે જુઓ, એક પક્ષ છે વૈદેહીનો, બીજો પક્ષ છે વૃંદાનો, વૈદેહી અને વૃંદા એકબીજાનાં દુશ્મન છે, હું થર્ડ-પાર્ટી છું અને અવની….? વૈદેહી પણ અવનીની વાત માને છે, વૃંદા પણ અવનીની વાત માને છું અને હું તો એના આદેશ અનુસાર જ ચાલુ છું! અવની છે શું, યાર?? અવની… અવની… અવની! ત્રાજવાની એક બાજુ વૈદેહી, વશિષ્ઠકુમાર, વનિતાબેન, વિનયકુમાર, વીણાબેન અને ત્રણેય આતંકવાદીઓને લગતાં રહસ્યો મૂકો અને બીજી બાજુ ફક્ત અવનીને લગતાં રહસ્યો મૂકો તો ત્રાજવું સંતુલિત રહે!
આ ઘરમાં હું મારી મરજીથી રહ્યો છું? હાસ્તો! એ તો શંખેશ્વરથી નીકળ્યો ત્યારે પણ મને તો એમ જ લાગતું હતું ને કે હું મારી મરજીથી જઈ રહ્યો છું! હવે સમજાય છે કે આ બધી તો અવનીની લીલા હતી! એ શક્ય નથી કે અવનીના કહેવાથી વેદાંતભાઈ મને અહીં રાખતા હોય? મારે વૃંદા પાસેથી અવની અંગે કંઈક માહિતી મેળવવી જોઈતી હતી. દયાની દેવીને એ જ સમય મળ્યો દર્શન દેવાનો?! એ જે થયું એ… વૃંદા મરી ગઈ હશે તો? એ ન જ મરવી જોઈએ…. મારે હવેનું જીવન એની સાથે વીતાવવાનું છે….
“અભી ના જાઓ છોડકર કી દિલ અભી ભરા નહિ…” રૂપાએ ગાયું અને ધ્રૂજી ઊઠ્યો. એવું લાગે છે કે હું એ ગીત વૃંદા માટે ગાઈ રહ્યો છું.
એ જૂનું ગીત રૂપાએ મધુર અવાજે ગાવાનું ચાલું રાખ્યું- “અભી ના જાઓ છોડકર કી દિલ અભી ભરા નહિ…. અભી અભી તો આઈ હો અભી અભી તો…. અભી અભી તો આઈ હો… બહાર બન કે છાયી હો… હવા જરા મહક તો લે… નજર જરા બહક તો લે…. યે શામ ઢલ તો લે જરા…. યે દિલ સંભલ તો લે જરા… મેં થોડી દેર જી તો લૂં…. નશે કે ઘૂંટ પી તો લૂં…. અભી તો કુછ કહા નહિ, અભી તો કુછ સૂના નહિ…. બુરા ના માનો બાત કા, યે પ્યાર હૈ ગિ-”
“રૂપા!” મારે તેને અટકાવવી પડી, નહિંતર, હું રોઈ પડત- “અરે, તુમ તો બાત કરને કી જગહ ગાને લગી.”
“આપ કુછ સોચને મેં વ્યસ્ત થે તો મૈંને ગાના શુરૂ કર દીયા!”
“વૈસે યહાં તો ગાનેં સુનને કી કોઈ સુવિધા હૈ નહિ. તુમ કહાં સુનતી હો ગાનેં?” મેં પૂછ્યું.
“યે ગાના તો વેદાંતભૈયા ગાતે રહતે હે.” એણે કહ્યું.
“ઉન્હોને કહાં સૂના?”
“પતા નહિ!”
વૃંદા વિશે વિચારતો હતો અને રૂપાએ આ ગીત ગાવાનુ શરૂ કર્યું… જાણે કંઈક પીગળવા લાગ્યું હોય મારી છાતીમાં અને ગૂંગળામણ થવા લાગી હોય…
હવે મારું ધ્યાન ગયું કે રૂપાએ ચૂલા પર તપતી માટીની તાવડી પર એક રોટલો મૂકી દીધો છે અને બીજો રોટલો થપથપાવી રહી છે. ચૂલો ભડભડ બળી રહ્યો છે. ચૂલાની નજીક બેઠેલી રૂપાથી થોડે દૂર એક ઈંટ પર હું બેઠો છું અને ભાભી રસોડાના દરવાજે બેઠા છે. અંધારું થઈ ગયું છે.
“ક્યા સોચ મેં ડૂબ જાતે હો, ભૈયા?”
“લોગ આતંઅવાદી ક્યોં બનતે હોંગે?” મેં પૂછી નાખ્યું- “ક્યોં આતંક ફેલાતે હોગે?”
મેં પૂછી તો નાખ્યું પણ પછી થયું કે ભમરાહની સોળ વરસની છોકરી આ પ્રશ્નનો શું જવાબ આપશે? વાત બદલું….
“આપ જંગલ ઘૂમને ક્યોં આયે થે, ભૈયા?” તેણે પૂછ્યું.
“મજા કરને!” મેં કહ્યું.
“હમને આપ કો ભોજન ક્યોં કરા રહે હૈ?”
“માનવતા.”
“ઉસ સે હમ કો ક્યા મિલેગા?”
“તૃપ્તિ.”
“મજા ઔર તૃપ્તિ ક્યા હૈ?”
“સુખ.”
“ધરતી કા હરેક માનવ જો કુછ ભી કરતા હૈ, ક્યોં કરતા હૈ?”
“સુખી હોને કે લિયે.”
“કુછ લોગ આતંકવાદ ક્યોં ફેલાતે હૈ?” તેણે મને પૂછ્યું.
“…..”
“મુઝ સે લે કર દેશ કે પ્રધાનમંત્રી તક સબ કી એક હી તો પ્યાસ હૈ, ભૈયા- સુખી હોના.”
“ઈસસે જ્યાદા કુછ ચાહિએ નહિ ઔર ઈસસે કમ મેં કુછ ચલતા નહિ!” ભાભીએ કહ્યું.
“ઇસી લિયે કુછ લોગ આતંક ફૈલાતે હૈ.” રૂપાએ કહ્યું.
“પણ એમાં શું… સોરી! ઉસ મેં ક્યા સુખ?” જાણે જિજ્ઞાસુ બાળકે એની જનેતાને પ્રશ્ન કર્યો!
બંને હાથ વડે થપથપાવીને ‘સ્ટાન્ડર્ડ સાઈઝ’ કરતાં અડધી સાઈઝે પહોંચાડેલો રોટલો ડાબા હાથમાં રાખીને તાવડી પરનો રોટલો જમણા હાથ વડે ઉલટાવ્યો. અંધારું થઈ ગયું છે અને ઠંડી જામી રહી છે. સહેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ભડભડતા ચૂલાના અજવાળે દેખાતી રૂપા કોઈ દેવીથી ઓછી નથી લાગતી.
“આપ કો શરાબ પીને મેં સુખ દીખતા હૈ?” તેણે પૂછ્યું.
“બિલકુલ નહિ!”
“અચ્છા હૈ! લેકિન શરાબી કો તો ઉસ મેં પરમ સુખ દીખતા હૈ ના, ભૈયા?”
“માના હુઆ સુખ!”
“બઢિયા!”
“સબ કો સન્માન ચાહિએ કી નહિ, બેટા?” ભાભીએ પૂછ્યું.
રૂપા ચૂપ રહી. તેના જવાબની રાહ જોતો હું બે ક્ષણ બેસી રહ્યો.
“વેદ, મૈં તુમ કો પૂછ રહી હું, બેટા!”
આ સ્ત્રીએ મને બેટા કહીને બોલાવ્યો… હા, હું રૂપાથી પાંચેક વર્ષ જ મોટો છું. રૂપા મારી નાની બહેન સમાન છે અને આ સ્ત્રી મારી માતા સમાન….
“જી, સબ કો સન્માન ચાહિએ.” મેં જવાબ આપ્યો.
“છોટે બચ્ચે કો ભી જબ ઘર મેં ડાંટતે હૈ તો વો ઔર જ્યાદા હલ્લા મચાકર અપના વિરોધ પ્રદર્શિત કરતા હૈ કી નહિ?”
“હાં!”
“તો બતાઓ, લોગ આતંકવાદી ક્યોં બનતે હૈ?”
“….” અત્યારે થયેલો સંવાદ, પોપટની ચાંચ જેવા નાકવાળા આતંકવાદી થયેલી થોડી વાતચીત અને વૃંદા સાથે આ જ મુદ્દા પર થયેલા સંવાદ વિશે થોડો સમય વિચારીને મેં કહ્યું- “સમાજ મેં સન્માન ન મિલને પર ઔર શોષિત હોને પર વો લોગ આક્રમક હો જાતે હૈ. તબ હમ ઉન કે સાથ સન્માન ઔર સ્નેહ સે બાત કર કે બદલે મારપીટ કરતે હૈ. વો લોગ જ્યાદા હિંસક બનતે હૈ ઔર હમ ભી જ્યાદા બલ અજમા કે ઉન કો દબાને કા પ્રયાસ કરતે હૈ. યહ સિલસિલા ચલતા રહતા હૈ ઔર ઈસકા નતીજા યહ આતા હૈ કિ હમ કુછ માનવો કો રાક્ષસ બના દેતે હૈ, જિન કો વર્તમાન ભાષા મેં આતંકવાદી કહતે હૈ. ઈસ સ્થિતિ મેં પહુંચને પર હમ તો ભૂલ હી જાતે હૈ કી વો ભી માનવ હૈ. હમ ઉન લોગો ખત્મ કરને કે અલાવા ઔર કુછ સોચતે હી નહિ. અબ ઉન કો યહ લગને લગતા હૈ કી યહ દુનિયા બહુત બૂરી હૈ ઔર હમ નયે વિશ્વ કી રચના કે લિયે લડ રહે હૈ. આખિર, ઉન કા લક્ષ્ય ભી તો સુખ હી હૈ!”
“બહુત ખૂબ, બેટા!” ભાભીએ કહ્યું.
આટલાં વર્ષો સુધી ભણ્યો એમાં મને લગભગ દરેક શિક્ષક તરફથી ઘણી વખત શાબાશી મળી છે પણ ભાભીએ હાલ જે શાબાશી આપી એની અનુભૂતિ અગાઉની શાબાશીઓના સરવાળા કરતાં પણ વધુ સુખદાયક છે!
“આતંકવાદ સે મુક્તિ કા ઉપાય ક્યા?” મેં આગળ પ્રશ્ન કર્યો.
“ભૈયા, કીસી સમસ્યા કો હલ કરને કે લિયે વો સમસ્યા જહાં સે પૈદા હુઈ વહાં કામ કરના ચાહિએ યા સમસ્યા કે પરિણામોં પર?”
“મતલબ….” મેં કહ્યું- “સમાજ મેં અવ્યવસ્થા કી વજહ સે કુછ લોગો કા શોષણ હુઆ ઔર વો આતંકવાદી બને, તો સમાજ મેં વ્યવસ્થા કો સુનિશ્ચિત કરના ચાહિએ, નહિ કે આતંકવાદીઓ કા ખાત્મા કરને નીકલ પડે!”
મમ્મી સામે જોઈને રૂપા બોલી-
“ભૈયા કાફી તેજ હૈ!”
“અચ્છા સમજ રહે હો, બેટા!” ભાભીએ કહ્યું.
મને એટલો આનંદ થઈ રહ્યો છે કે જાણે પરમજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું ન હોય! ‘B.Sc. With Physics’નો બધો જ ફાંકો ઊતરી ગયો!! લગભગ ‘અભણ’ કહી શકાય એવા આ મા-દીકરી કેટલું સમજ્યા છે! ને તે બંને કેટલાં સરળ અને સહજ છે! હું તેમનાં માટે સાવ અજાણ્યો જ છું, મારા નામ સિવાય એ લોકો કંઈ જ જાણતા નથી મારા વિશે તો પણ કેટલાં સ્નેહથી મારી સાથે સંવાદ કરી રહ્યાં છે! હું ઊભો થયો. ભાભી પાસે જઈને તેમને પગે લાગ્યો. રૂપા પાસે જઈને તેને પણ પગે લાગ્યો.
“મૈં આપ સે છોટી હું, ભૈયા!” કહીને રૂપા હસી.
“કૈસે સમજી ઈતના?”
“આપ કો સ્કૂલ-કોલેજમેં કિતાબેં પઢના શીખાયા હૈ ના? અમ્માને મુઝે સીધા પ્રકૃતિ કો પઢના શીખાયા હૈ.”
“લેકિન આતંકવાદ કે બારે મેં કૈસે જાનતે હો?”
“મેરે પિતાજી કો આતંકવાદીઓ ઔર મિલિટરી કી લડાઈને હી તો મારા થા, ભૈયા.” રૂપા એકદમ ગંભીર અવાજે બોલી.
“બેટા, હમ લોગ પહલે પીલવાઈ નામ કે એક શહર મેં રહતે થે.” ભાભીએ કહ્યું- “હમારી શાદી કો પાંચ સાલ હી હુએ થે. રૂપા તબ સાઢે તીન સાલ કી થી. કુછ આતંકવાદી હમારે ગાંવ મેં છીપે હુએ થે. ઉસ વક્ત તો પૂરે ગાંવ મેં કીસી કો કુછ પતા નહિ થા. એક દિન કી બાત હૈ, જબ મેરી અમ્મા કા દેહાંત હુઆ થા તો મૈં મેરે માયકે મેં થી. રૂપા મેરે સાથ થી. એક રાત કો મિલિટરી આ ગઈ ઔર હમલા બોલ દીયા. ઉસ રાત ક્યા હુઆ વો તો પતા નહિ પર હમારે ઘર મેં ધમાકા હુઆ. રૂપા કે પિતાજી ઔર મેરે સાસ-સસુર નહિ બચ પાયે. એકાદ મહિને મેં સબ ક્રિયા-કરમ હો જાને કે બાદ મૈં રૂપા કો લે કે યહાં આ ગઈ.”
“.......” શું બોલવું એ મને સમજાયું નહિ.
વેદાંતભાઈ આવ્યા. જમવાનું તૈયાર થઈ ચૂક્યું છે. ભાભી રસોડામાં જઈને દૂધનું તપેલું લઈ આવ્યા. રૂપાએ તાવડી ચૂલા પરથી ઉતારી લીધી પણ ચૂલો બળતો રાખ્યો, જેથી જમવામાં અંધારું ન પડે. વેદાંતભાઈ હાથપગ ધોઈને રસોડામાં ગયા અને સામાન્ય કરતાં મોટી થાળી લઈ આવ્યા. રૂપાએ એમાં રોટલાં મૂક્યાં. અલગ અલગ વાટકીમાં દૂધ પીરસાયું. અમે એક જ થાળીમાં જમવાનું શરૂ કર્યું. આ દ્રશ્ય મને જીવવની અંતિમ ક્ષણ સુધી યાદ રહેશે. જ્યારે પણ હું આ દ્રશ્ય યાદ કરીશ ત્યારે ધીમા પવન સાથેની આ ઠંડી, ચૂલાનું આછું અજવાળું, ચૂલાની જ્વાળાઓની હૂંફ, ભોજનનો સ્વાદ, વેદાંતભાઈની નિખાલસતા, ભાભીની સમજણ અને આખેઆખી રૂપાને સાક્ષાત અનુભવી શકીશ.
રોટલો ચાવવાને કારણે તૂટેલું જડબું દુઃખાય છે. આજે આખા દિવસ દરમિયાન થોડા નૂડલ્સ સિવાય કંઈ ખાધું નહોતું. સખત ભૂખ લાગી છે. કોઈકે મારા જડબાની સારવાર કરી હશે. નહિંતર અત્યારે તો હું એક શબ્દ બોલવાને લાયક પણ ન હોત. એ સારવારની અસર ઘણી ઝડપથી થઈ રહી છે. અમુક કલાકોમાં જ દુઃખાવો ઘણો ઘટી ગયો છે. છતાં રોટલા ચાવવાનું સાહસ ન કરાય. મેં દૂધ વધારે પીધું.
જમી રહ્યા.
ચૂલો હોલવી નાખ્યો. થાળી અને અન્ય વાસણો ધોવા માટે પ્રકાશ જોઈશે. વેદાંતભાઈએ ટૉર્ચ શરૂ કરી. જાણે ટૉર્ચનિ પ્રકાશ સીધો મારી ભીતર પથરાયો- ‘આજે રાત્રે કંઈક સાહસ કરું.’ હું ઘણી યુક્તિઓ વિચારવા લાગ્યો. ઘણા વિકલ્પો છે. ખૂબ જ બારીકાઈથી દરેક વિકલ્પનું વિશ્લેષણ કરવા લાગ્યો. મને નવાઈ લાગી રહી છે કે હું આ રીતે વિચારી રહ્યો છું!
દરેક વ્યક્તિની પથારી પથરાઈ ગઈ ત્યારે વેદાંતભાઈએ ટૉર્ચ બંધ કરી. તેમણે ટૉર્ચ ક્યાં મુકી છે એ મેં જોઈ લીધું. અમે પોતપોતાની પથારીમાં પડ્યા. થોડો સમય વાતો ચાલી પછી તે ત્રણેય સૂઈ ગયા. હું જાગતો રહ્યો. આવી ઠંડીમાં પણ મને ગરમી લાગવા માંડી. મેં નિર્ણય કરી લીધો છે. આજે રાત્રે હું એ કામ કરીને જ રહીશ.
મારે આ લોકોને તકલીફ નથી આપવી. તેઓ સૂઈ જાય ત્યારે હું ટૉર્ચ લઈને નીકળી પડીશ અને સવાર પડતા પહેલાં પાછો આવી જઈશ. હું લગભગ એક કલાક સુધી પથારીમાં પડ્યો રહ્યો. આ લોકો ઘસઘસાટ સૂઈ ગયા છે. મારી આંખો અંધારાથી ટેવાઈ ગઈ છે. હું બેઠો થયો. રૂપા, ભાભી અને વેદાંતભાઈ પર નજર નાખી લીધી. ત્રણેય ઘસઘસાટ સૂતાં છે. હું ઊભો થયો.
મને ઓઢવા અપાયેલો કામળો શૉલની જેમ ઓઢ્યો. પેલા ખૂણામાં ટૉર્ચ મુકાઈ છે.
પગ જ ઉપડતા નથી. જાણે સો મણ વજન મારા પગ સાથે બંધાઈ ગયું હોય એમ લાગે છે.
મારે આ કામ કરવું છે કે નહિ? મારે રહસ્યોનો તાગ મેળવવો છે કે નહિ?
હા.
તો ચાલો…
હું એ ટોર્ચ તરફ ચાલ્યો. જરા પણ અવાજ ન થાય એ રીતે ચાલી રહ્યો છું. એક ડગલું ચાલવામાં બે-ત્રણ સેકન્ડ લાગે છે. ટોર્ચ હાથમાં આવી ગઈ. હવે આવી જ સાવચેતી સાથે દરવાજા તરફ ચાલ્યો. દરવાજો ખોલતા લગભગ દસ સેકન્ડ થઈ પણ અવાજ જરાય ન થવા દીધો. બહાર આવ્યો. દરવાજો આડો કર્યો.
ટૉર્ચ ઓન કરી.
ચાલ્યો.
(ક્રમશઃ)