મારો શું વાંક ?
પ્રકરણ - 13
રહેમત બોલી.... અબ્બા! આપણે આ સગપણ એ બધાનાં ઘરે જઈને ખાનગીમાં નહીં તોડીએ. હવે ઘરવાળા બધાં વિચારમાં પડી ગયા કે રહેમત શું કહેવા માંગે છે. શકુરમિયાં બોલી ઉઠ્યા.... રહેમત! તું શું કહેવા માંગે છે? કાઇં બરોબર સમજાણુ નઈ.
રહેમત બોલી..... અબ્બા! આ રિવાજ તોડીને આપણે સમાજમાં એક દાખલો બેસાડવો જોઈએ. ગામના બીજા લોકોનેય આ કુરિવાજની કેટલી ગંભીર અસર પડે છે તેની જાણ થવી જોઈએ. જેથી બીજા લોકોય આવી રીતે નાનપણમાં સગપણ કરતાં અટકે.
રહેમત આગળ વાત વધારતા બોલી..... જેવી રીતે કોઈ તહેવાર કે ગામના કોઈ અગત્યનાં કામમાં ગામનો ઢોલી જે રીતે ગામનાં ચોરામાં ઢોલ વગાડીને બધાયને ભેગા કરીને જાણ કરે છે... તે રીતે આપણે આપણાં છોકરાંવનાં સગપણ તોડીશું. હું બધાંયની વચ્ચે ત્યાં હાજર રહીશ જેથી લોકોને ખબર પડે કે નાની ઉંમરે લગન થવાનાં કારણે મારી શું હાલત થઈ છે, મારા લગન ક્યા સંજોગોમાં તૂટ્યા છે તેની લોકોને ખબર પડવી જોઈએ. આમાં સામા પક્ષ વાળાઓનો અપમાન કરવાનો કોઈ ઇરાદો નથી. ફક્ત આ કુરિવાજ સમાજમાંથી નાબૂદ થાય અને લોકો પોતાનાં છોકરાંવના નાની ઉંમરે લગન કરતાં અટકે એટલી જ મારી નેમ છે.
શકુરમિયાં બોલ્યા... ભલે ત્યારે રહેમત.... હવે આ કુરિવાજ તૂટવાની શરૂઆત આપણાં ઘરેથી જ થાશે. એલા જાવલા! ગામનાં ઢોલીને બોલાવી આવ... અને હમણાં જ એની આગળ ગામનાં ચોરે સાદ પડાવ અને કેવડાવ કે બપોરનાં અગિયાર વાગે આખું ગામ ચોરે ભેગું થાય.... શકુરમિયાંને પોતાના ઘરનું એક અગત્યનું કામ પાર પાડવાનું છે જેમાં ગામ આખું હાજર રે એવી શકુરમિયાંની ગામ આખાને અરજ છે.
જાવેદ ભાગતા પગલે ઢોલીને બોલાવી આવ્યો અને અગિયાર વાગે ચોરે હાજર રહેવાનો સાદ પડાવી દીધો. આ સાદ સાંભળીને ગામ આખું ગામ ચર્ચાનાં ચકડોળે ચડ્યું હતું અને બધાંય અંદરો-અંદર ખુશુર-પુશુર કરવા લાગ્યા તા કે એવું તો શું થઈ ગ્યું છે કે આખા ગામને ભેગું કરે છે. કેટલાક અંદરોઅંદર વાત કરતાં તા કે... આ તો ઓલા જ શકુરમિયાંને જેનો દીકરો ગામમાં એની જુવાનજોધ ઘરવાળીને મૂકીને શહેરમાં બીજી બાયડી હારે પરણી ગ્યો છે.... તો વળી બીજો જવાબ આપતો... હા... આ એ જ શકુરમિયાં છે. જેટલા ગામવાળા એટલા બધાયનાં મોંઢે અલગ-અલગ વાતો હાલતી તી.
આખરે અગિયાર વાગતા આખું ગામ ચોરે ભેગું થઈ ગયું. જાણે કે સાતમ-આઠમનો મેળો ભરાણો હોય એમ ગામની બધી જ જાતિ અને ધર્મનાં લોકો ભેગા થઈ ગયા. બેસવાની જગ્યા તો દૂર પણ લોકોને ઊભા રેવાની જગ્યા માંડ મળતી તી... એટલી ભીડ જમા થઈ ગઈ હતી. આખું ગામ શકુરમિયાંનાં ઘરે શું નવું-જૂનું થાવાનું છે એ જાણવા આતુર હતા.
પાંચેય છોકરાંવને ઘરે જિન્નતબાનું પાસે રાખ્યા હતા. જિન્નતબાનુંને તો ઘણું આવવું તું પણ સગપણ તોડવાના કારણે પાંચેય વેવાઈ પક્ષનો વેવાર શકુરમિયાંના પરિવાર હારે કેવો રહેશે એની જાવેદને વધારે ચિંતા હતી. કદાચ મોટો ઝગડો પણ થઈ શકે. શકુરમિયાં તો આ બધુ જીરવી શકે પણ જિન્નતબાનું એમની તબિયત ઠીક ના રહેતી હોવાના કારણે આ બધુ ના પણ જીરવી શકે એટલે જાવેદને એની અમ્માને ઘરે રાખવાનું જ વધારે અનુકૂળ લાગ્યું.
આખરે જિન્નતબાનું અને જે પાંચેય છોકરાંવનાં સગપણ તોડવાના હતા તેમના સિવાય આખો પરિવાર ગામનાં ચોરે પોગી ગયો. હકડેઠઠ ભીડ જોઈને રહેમતને પરસેવો વળી ગયો. એનાં શરીરે કંપારી છૂટી ગઈ અને હાથ-પગ થોડાક ધ્રૂજવા લાગ્યા હતા. ત્યાં જ જાવેદ અને શબાનાએ રહેમતનાં ધ્રૂજતા હાથને પકડી લીધા અને બંને જણા રહેમતનો હાથ પકડીને માં-બાપની જેમ એનો હાથ પકડીને ઊભા રહી ગયા.
હવે રહેમતની અંદર પણ નવા જોમનો સંચાર થયો હતો. પોતાનું જીવન જે જૂનાં પુરાણા રિવાજને કારણે બરબાદ થયું છે તે રિવાજને તોડવામાં તે નિમિત્ત બની રહી છે તેનો આનંદ પણ હતો પણ પોતે આ સંબંધમાં પીસાઈ ગઈ તેનું ભારોભાર દુ:ખ પણ હતું.
જાવેદ અને આખો પરિવાર ઢોલી પાસે જઈને વચ્ચોવચ ઊભા રહી ગયા હતા. જાવેદે ઢોલીને આખ ગામ સામે શું એલાન કરવાનું છે એ જણાવી દીધું હતું. અત્યાર સુધી ગામમાં આવતા તેવાર કે કોઈ મોટા પ્રસંગનો સાદ પાડીને લોકોને જણાવતો ઢોલી આજે થોડોક ગંભીર લાગતો હતો કારણકે પેલી વાર તે કોઈ સગપણ તોડવાનો સાદ પાડવા જઈ રહ્યો હતો.
જાવેદે આજુબાજુ નજર કરીને જોઈ લીધું તું કે પાંચેય વેવાઈ આવી ચૂક્યા હતા. તેણે ઢોલીને ઈશારો કરી દીધો કે એલાન કરી દે.
ઢોલી ગામનાં ચોરાની વચ્ચે ઊભો રહીને નાના લાકડીનાં દાંડિયા વડે જોર-જોરથી ઢોલ પીટવા લાગ્યો.... અને સાંભળો.... સાંભળો.... કહેવા લાગ્યો. ઢોલનાં વાગતા થડકારની સાથે રહેમતનાં હ્રદયનો થડકાર પણ વધી ગયો હતો.
“સાંભળો.... સાંભળો.... આપણાં ગામનાં શકુરમિયાં એલાન કરે છે કે.... એ એમના દીકરા જાવેદની એક છોકરી અને બે છોકરાઓ અને એમનો બીજો દીકરો ઇરફાનનો એક છોકરો અને એક છોકરીનો નાનપણમાં થયેલો સગપણ તોડે છે. નાનપણમાં થતાં સગપણનાં આ જૂના પુરાણા રિવાજને એ તોડી રહ્યા છે. જેથી એમનાં પાંચેય વેવાઈ પક્ષ શકુરમિયાં તરફથી આ સગપણને તોડવામાં આવે છે એવું છેડેચોક જાહેર કરે છે એવું સમજે. તેથી પાંચેય વેવાઈ પક્ષ આ સગપણને એમનાં છોકરાંવની ભલાઈ માટે સમાપ્ત સમજે અને આખું ગામ આ જૂના રિવાજના દૂષણને હાંકી કાઢે એવી શકુરમિયાં અને એમનાં આખા પરિવારની ગામવાળાઓને અરજ છે.... એ એલાન ફટાફટ એક જ શ્વાસે ઢોલી બોલી ગયો”.
ઘડીભર તો આ સાંભળીને ગામ આખાને જાણેકે સાંપ સૂંઘી ગયો હોય તેવો માહોલે સર્જાયો. બધાય અંદરો-અંદર વાતું કરવા માંડ્યા કે સંબંધ તોડવો તો એમાં આખા ગામને શું કામ બોલાયવા? શું શકુરમિયાંને એમના વેવાઈની ફજેતી કરવી તી ને એમને નીચું દેખાડવું તું? એવી તો કઈ દુશ્મની હતી? હજાર મોંઢાંની હજાર વાતો થાતી તી...
ત્યાં તો જાવેદનાં બેય છોકરાં અને ઇરફાનનાં છોકરાં આદમનો જેની સાથે સગપણ કરવામાં આવ્યા હતા તે ત્રણેય છોકરીઓનાં બાપ ગુસ્સામાં જાવેદ તરફ ધસી આવ્યા અને બોલવા માંડ્યા...
“કપાતરના પેટનાંવ...... તમે તમારી જાતને હમજો છો શું? આખા ગામની હામે અમારી ફજેતી કરો હો. ઈરફાનનાં વેવાઈએ જાવેદનો કોલર પકડી લીધો અને ગુસ્સો જાણેકે લોહી બનીને તેની આંખોમાં ધસી આવ્યો.... અને એ બોલી ઉઠ્યો... મારી દીકરીનું આ રીતે સગપણ તોડીને જીવન બગાડવું તું તો એની હારે પહેલાથી સગપણ નક્કી નોતું કરવું ને.... હવે એની હારે આગળ કોણ લગન કરશે? ત્યાં તો જાવેદનાં બેય વેવાઈઓ પણ એમાં સૂર પૂરાવવા માંડ્યા કે.... અમારી દિકરીઓ હારે હવે લગન કોણ કરશે”?
રહેમતની નસોમાં હવે જાણેકે લોહીને બદલે આ જૂનો રિવાજ તોડવાની હિમ્મત નસોમાં વહી રહી હોય એટલી સ્ફૂર્તિથી એ જાવેદની તરફ દોડી અને પોતાનાં આદમનાં હવે નહીં થનારા સસરા કે જેણે જાવેદનો કોલર પકડી રાખ્યો તો... તેના હાથને રહેમતે પકડીને જોરથી જટકા સાથે હવામાં ફંગોળયો.
આખા ગામનાં લોકો ફાટી આંખે રહેમતને જોઈ રહ્યા... અને પાછા ગુપચુપ કરવા લાગ્યા કે.... જુઓ તો ખરા..... એક બાઈમાણસની આટલી હિમ્મત... અને પાછી અજાણા આદમીનો હાથ પકડે છે.... શકુરમિયાંનાં દીકરાની વહુને કોઈ શરમ લાજ છે કે નહીં? વહુને એમણે બોવ માથે ચડાવી છે.
ત્યાં તો શકુરમિયાં ગુસ્સામાં લાલચોળ થઈ ગયા અને બોલ્યા.... ખબરદાર જો કોઈ મારી દીકરી વિશે કઈં બોલ્યું તો.. બંધ કરો તમારા બધાયનો બકવાસ.... નકર એકેએકનાં ટાંટિયા ભાંગી નાખીશ....
તમે સગપણ તોડી નાખ્યું હવે આગળ મારી છોકરી હારે કોણ લગન કરશે? એ વાત સાંભળીને રહેમત વિચારમાં પડી ગઈ અને અચાનક બોલી ઉઠી.... ફક્ત તમારી છોકરી? અમે અમારી બે છોકરીઓનાં સંબંધેય તોડ્યા જ છે ને... અને એનો અમને કોઈ અફસોસ નથી, ના અત્યારે અને ના ભવિષ્યમાં ક્યારેય થાશે .... મારા ભાઈ! અમારી વાત સમજો.... અમે આ આપણાં છોકરાંવનાં સારા માટે કર્યું છે. મોટાં થઈને એમને એમનાં અનુરૂપ સારા પાત્રો મળી જ રહેશે.
રહેમત વધારે બોલી... કેમ અહીં કોઈ દીકરાનાં બાપને એનાં સગપણ તૂટવાની ફિકર નથી? કેમ કોઈ દીકરાના માં-બાપ કાઇં બોલતા નથી? શું ફક્ત દીકરીઓનાં જ આગળ જઈને લગન નહીં થાય, દીકરાઓના થઈ જાશે? તમે દીકરીઓને આટલી સસ્તી કેમ બનાવી દીધી છે? તમે લોકો કેમ ભૂલી જાવ છો... આપણાં મહાન પયગંબર સાહેબનું વંશજ દીકરી થી જ આગળ ચાલ્યું છે અને એમને એમની દીકરી કેટલા વ્હાલા હતા એ તમે બધા સારી રીતે જાણો જ છો... છતાં પણ તમે લોકો દીકરી અને દીકરા વચ્ચે આટલો બધો ભેદભાવ રાખો છો.
રહેમત હવે તીવ્ર અવાજે આક્રંદ સાથે બોલી.... છોકરીનાં નાની ઉંમરે નિકાહ પઢાવીને તેનું ભણવાનું બંધ કરાવી દેવામાં આવે છે... જ્યારે છોકરો ભલે ને પાંચ છોકરાંવનો બાપ બની જાય તોય ભણવાનું ચાલુ રાખે છે અને એની મરજી પડે એમ કરે છે. ભણીગણીને શહેરમાં નોકરી કરવા માંડે છે ત્યારે ગામડામાં રહેલી તમારી અભણ છોકરી એમને ભોટ લાગે છે. શહેરમાં પોતાની ઘરવાળીને લઈ જતાં એમને શરમ આવે છે. એટલે એમને શહેરમાં બીજી ભણેલી હારે પ્રેમ થઈ જાય છે અને લગન પણ કરી લે છે.
રહેમત હવે રીતસરની રડવા માંડી હતી. રડતાં રડતાં એ બોલી... એ અભાગણી બીજી કોઈ નહીં પણ હું છું... શું તમે બધા આગળ તમારી છોકરી કે છોકરાં સાથે આવું કઈં થાય એવું ઇચ્છો છો? શું તમારી છોકરીનો ઘરવાળો બીજી બાયડી કરશે એ બધુ તમે જીરવી શકશો? રહેમત હાથ જોડીને ગામવાળા સમક્ષ ઊભી રહી ગઈ અને બોલી.... જો આવું તમારા છોકરાંવ હારે નથી ઇચ્છતા તો મહેરબાની કરીને..... તોડી દો આ નાનપણમાં સગપણ અને લગન કરવાનો જૂનો રિવાજ...
મારાં માં-બાપે આ રિવાજ ના તોડ્યો અને મને ભણાવી નહીં અને એમાં હું પીસાઈ મરી. આ બધામાં મારો શું વાંક હતો? એટલો જ કે મારાં અને ઇરફાનનાં નાનપણમાં લગન થઈ ગયા જેનો ભોગ ફક્ત હું એકલી જ બની. શું તમારી દીકરી મારી જગ્યાએ આવીને ઊભી રહેશે એ તમને બધાંને ગમશે? નહીં ગમે ને..... તો પછી ફરીથી કહું છું તોડી નાખો આ રિવાજ..... અને નાનપણમાં તમારા છોકરાંવના કરેલા સંબંધો તોડી નાખો અને એમને એમનું બાળપણ માણવા દો, એમને આવા બંધનમાં ના બાંધો...... એટલું બોલીને રહેમત ચૂપ થઈ ગઈ.
શકુરમિયાં એમનાં પાંચેય હવે નહીં રહેલા વેવાઈ અને આખા ગામ સમક્ષ હાથ જોડીને બોલ્યા.... આ બધું અમે આપણાં છોકરાંવ અને આવનારી પેઢીના સારા ભવિષ્ય માટે પગલું લીધું છે. આશા રાખું છું તમે અમારાં પરિવારને સમજશો અને સહકાર આપશો અને મારાં તરફથી મારાં પાંચેય પોતરાં-પોતરીનો સંબંધ રદ્દ છે અને અમે આ સગપણ તોડીએ છીએ એની ગામ આખું નોંધ લે. એટલું કહીને આત્મવિશ્વાસભેર શકુરમિયાં અને તેનો પરિવાર પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો.
***