પ્રેમનું અગનફૂલ
વ્રજલાલ હિરજી જોષી
જીવ સટોસટના દાવ
ભાગ - 2
વરસાદના પાણીની મોં પર પડતી વાછટ લૂછતા કદમ બોલ્યો, ‘બે આતંકવાદીનું કામ તમામ થઇ ગયું છે. હવે પુલ પાસે ચાર આતંકવાદીઓ ઊભા છે, તેને કેવી રીતે હલાલ કરશું... ?’
‘ચારેને સાયલેન્સરયુક્ત રિવોલ્વરથી ઉડાડી દઇએ...’ રસીદએ કહ્યુ.
‘ના... રસીદ ચારેને રિવોલ્વરથી ઉડાડી દેશું કે તરત પુલની સામે પારના આતંકવાદીઓ ચોંકી જશે, અને તરત તેના કેમ્પ પર આપણે તેના શસ્ત્રભંડાર પર હુમલો કર્યો છે, તે સમાચાર આપી દેશે.’
‘તો પછી મૃત્યુ પામેલ તે બે આતંકવાદીનો ઉપયોગ કરીએ.’ ચપટી વગાડતાં કદમે પૂછ્યું.
રસીદ અને પ્રલયે તેની સામે પ્રશ્નાર્થભરી નજરે જોયું.
‘પ્રલય... હું અને રસીદ તે બે મૃત્યુ પામેલા આતંકવાદીનાં વસ્ત્રો પહેરી તે જે વૃક્ષ પાસે બેઠા હતા ત્યાં બેસી જઇએ. આવા ગાઢ અંધકારમાં ત્યાં કોણ બેઠું છે. તેની તે ચોરને ખબર નહીં પડે. પછી કાંઇક તિકડમ અજમાવશું.’
‘યસ... તે ઉપાય ઉત્તમ છે. તમે બને ત્યાં બેસી જશો, પછી કોઇ તિકડમ અજમાવી તે ચારમાંના બેને તમારી પાસે બોલાવજો. બાકીનું કામ હું સંભાળી લઇશ ઓ.કે...?’
‘ઓ.કે... ચાલ રસીદ’ કહેતા કદમ અવાજ કર્યા વગર ફરીતે ટેકરીની પાછળની તરફ આગળ વધ્યો. જ્યાં તેણે તે બે આતંકવાદીને મારીના ફગાવ્યા હતા. રસીદ પણ તેની સાથે હતો. થોડીવાર પછી કદમ અને રસીદ તે બે આતંકવાદીના વેશમાં તે વૃક્ષ પાસે બેઠા હતા અને દારૂ પીતા હોય તેવું નાટક કરતા હતા.
‘હવે... ? હવે શું કરવાનું છે કદમ... ?’ રસીદએ પૂછ્યું.
‘કાંઇ નહીં આપણે બંનેએ ઝઘડવાનું છે, એટલે ત્યાં ઊભેલા ચાર આતંકવાદીઓમાંથી એક-બે આતંકવાદી આપણી તરફ આવશે.’ કહેતાંની સાથે કદમે રસીદના ગાલ પર એક થપ્પડ લગાવી દીધી.
‘હરામખોર... મને... મને.... થપ્પડ મારે છે... ?’ રસીદ ચિલ્લાયો અને પોતાના હાથમાં પકડેલો ગ્લાસ કદમ તરફ ‘ઘા’ કર્યો.
કદમ નીચો નમી ગયો. ગ્લાસ તેના માથા પરથી પસાર થઇ, એક મોટા પથ્થર સાથે ખ...ન… ન...ન… કરતો અથડાયો ગ્લાસના ભુક્કા બોલી ગયા.
‘તે મને ગ્લાસ માર્યો...’ કદમે બરાડ પાડ્યા.
અને પછી લથડતી ચાલે ઊભો થઇ રસીદ તરફ ધસી ગયો.
બીજી જ પળે બંને એકબીજાને મારવા મરવા પર ઊતરી આવ્યા હોય તેમ એકબીજાને મારતા મારતા બરાડા પાડવા લાગ્યા.
‘શું છે... ? શા માટે ઝઘડો છો... ?’
ત્યાં ઊભેલા આતંકવાદીઓમાંથી એક આતંકવાદી ચીસભર્યા અવાજે બોલ્યો, પણ કદમ કે રસીદએ તેને ઉત્તર ન આપ્યો.
‘ચાલ... અલ્લારખાના સાલ્લા બંને દારૂ પીને ઝઘડે છે. એક આતંકવાદીએ બીજા સામે જોયું અને પછી ત્યાં ઊભેલા બીજા બે આતંકવાદીને પોતાની રાયફલો પકડાવી કદમ અને રસીદ તરફ દોડ્યા.’
‘શું છે... ? કેમ ઝઘડો છો... ? સાલ્લા બંને સાથે દારૂ પીઓ છો, અને પછી ઝઘડા કરો છો. બોસને ખબર પડી તો તમારા ટાંટિયા તોડી નાખશે.’ અલ્લાખાન નામનો આતંકવાદી બોલ્યો.
બંને આતંકવાદીઓ કદમ અને રસીદની નજદીક આવી ગયા હતા.
પણ તેમને ખબર ન હતી કે ગીચ ઝાડોનાં ઝુંડમાં તેમની પાછળ પ્રલય જરાય અવાજ ન થાય તે રીતે આવી રહ્યો હતો. તેના હાથમાં લાંબો છૂરો ચમકતો હતો.
બને આતંકવાદી નજદીક આવ્યા એટલે કદમે પુલ તરફ નજર ફેરવી જોયું, ત્યાં ગીચ ઝાડી હોવાથી ત્યાં પુલ પરનું ર્દશ્ય સ્પષ્ટ દેખાતું ન હતું અને તે જ કદમ માટે લાભકારક હતું.
‘શું છે... ? શા માટે ઝઘડો છો ?’ એક આતંકવાદીએ કદમને પૂછ્યું.
‘મારી સાથે આ તરફ આવ.’ ઇશારો કરતાં કદમે તેના ખભા પર હાથ રાખી ઝાડીની અંદર લઇ ગયો. તેનો બીજો હાથ પીઠ પાછળ હતો જે હાથમાં છૂરી હતી.
પ્રલય બરાબર બીજા આતંકવાદીની પાછળ પહોંચી ગયો હતો.
આતંકવાદીને કદમ ગીચ ઝાડીમાં લઇ ગયો.
‘બોલ શું કરવું છે તારે... ?’ તે આતંકવાદીએ કદમને પૂછ્યું.
‘ભાઇ... તારે ખુદા પાસે જવાનું છે. ખુદાએ બનાવેલ આ સૃષ્ટિમાં લોકોની શાંતિ અને ચેન છીનવી લેવાનો તમારો બદઇરાદો માટે તારા પર ખુદા નારાજ થયા છે, તને બોલાવે છે.’
‘તું... તું... કોણ છો ?’ તે આતંકવાદી એકદમ ચમકી ગયો.
‘તારો કાળ યાને યમરાજ તને ખુદા પાસે તારા પાપોનું સજા અપાવા માટે લઇ જવા માટે આવ્યો છું.’ દાંત કચકચાવી કદમ બોલ્યો.
અને પછી તે આતંકવાદી કોઇ પણ જાતની પ્રતિક્રિયા કરે તે પહેલાં જ કદમે તેની ગરદન પર છૂરીને જોરથી ફેરવી દીધી અને છૂરી ફેરવતી વખતે ઝડપથી તેના મોં પર બીજો હાથ સખ્તાઇ સાથે ભીંસી દીધો. તે આતંકવાદી ચીસ પાડવાની કોશિશ કરી પણ તેનો પ્રયાસ વ્યર્થ ગયો. તેનું શરીર લથડ્યું, અને ધીરે ધીરે નીચે ધરતી પર પટકાયં. બે પળ માટે તરફડી શાંત થઇ ગયું.
પ્રલયે બીજા આતંકવાદીના બાવડા પર એકાએક હાથ મૂક્યો.ટ
તે આતંકવાદી એકદમ ચમક્યો અને ગરદન ફેરવી પાછળની તરફ નજર કરી. કાળઝાળ ક્રોધથી ભભૂકતી અંગાર જેવી પ્રલયની આંખોમાં આગના તણખા ઝરી રહ્યા હતા.
‘એય... ક... કોણ છો...?’ તેના અવાજમાં દહેશતભરી ધ્રુજારી હતી.
તેણે પાછળ ફરવાની કોશિશ કરી, પણ તે જ ક્ષણે પ્રલયનો હાથ તેના મોં પર અજગરના ભરડાની જેમ ભિડાઇ ગયો.
‘ખચ્ચ...’ અવાજ સાથે ચમકતી છૂરી તે આતંકવાદીના પેટમાં ઊતરી ગઇ અને જાણે ચીભડું કાપતો હોય તેમ ગોળ ફેરવતાં પ્રલયે છૂરીને ઠેઠ પેટના નીચેના ભાગ સુધી ઘુમાવી.
આતંકવાદીના પેટમાંથી લોહીની ધારાઓ છુટી.
તે પ્રલયના હાથમાં તરફડવા લાગ્યો.
બે-પાંચ પળો પછી તેનું તરફડતું શરીર શાંત થઇ ગયું.
પ્રલયે તેનો દેહને ઢસરડીને ગીચ ઝાડી વચ્ચે આવેલ એક ખાડામાં પધરાવી દીધો. વરસાદ એક ધારો પડી રહ્યો હતો.
થોડીવાર થઇ બે આતંકવાદીઓ પાછા ન આવતાં, પુલ પાસે રહેલા બે આતંકવાદીઓ તેની તાપસ કરવા માટે તે ઝાડી તરફ આગળ વધ્યાં.
વાતાવરણમાં સન્નાટામાં પડતા વરસાદ સાથે તેના બૂટોનો ચર... ચર... અવાજ ગુંજી ઊઠ્યો.
તેઓ ઝાડી પાસે આવી ઊભા રહ્યો.
આશ્ચર્ય સાથે ચારે તરફ જોવા લાગ્યા.
ત્યાં નીરવ સન્નાટો છવાયેલો હતો.
ચાર આતંકવાદીઓ ક્યાં ગયા તેની મૂંઝવણના ભાવ તેમના મોં પર ઊપસી આવ્યા.
અચાનક ઝાડીના ઝુંડમાં ઉપર સર...સરાટીનો અવાજ આવ્યો.
ચોંકી જઇ બંનેએ ઉપર જોયું.
તે જ પળે કદમ અને રશીદી તેઓ પર કૂદ્યા.
તે બે આતંકવાદી કશુ સમજે તે પહેલાં જ બંને કદમ અને રસીદની લાતોના માર સાથે નીચે કિચડમાં પછડાયા.
સન્નાટામાં તેની ચીસનો અવાજ ગુંજી ઊઠ્યો.
ખચ્ચ... ખચ્ચ... છૂરી મારવાનો અવાજ આવ્યો, ત્યારબાદ બંને તરફડીને શાંત થઇ ગયા.
કદમ અને રસીદ તેના દેહો પરથી ઊભા થયા.
ચીસનો અવાજ સાંભળી પુલની સામે પાર ઊભેલા ચાર આતંકવાદીઓ એકદમ ચોંકી ઊઠ્યા અને તરત પોતાની રાયફલોને હાથમાં પોઝીશનમાં લઇ પુલ પર આગળ વધવા લાગ્યા.
ટપ... ટપ... ટપ... પુલ પર તેઓના બૂટોનો અવાજ ગુંજી ઉઠ્યો.
પુલ તરફ સરકતો પ્રલય ચોંકી ઊઠ્યો.
પ્રલય પુલ તરફ સૂંતા સૂતાં કાદવમાં સરકતો આગળ વધતો હતો. પ્રલયે નાઇટવિઝન દૂરબીન આંખો પર લગાવી જોયું.
ચારે આતંકવાદીઓના હાથમાં રાયફલો પકડેલી હતી અને રાયફલો આગળની તરફ પોઝિશનમાં રાખી સતર્કતા સાથે તેઓ પુલ પર તેની તરફ આવી રહ્યા હતા.
પ્રલયે પેન્ટના ખિસ્સામાંથી બોમ્બ બહાર કાઢ્યો.
વરસાદ પડતો હોવાથી બોમ્બને તેમણે પ્લાસ્ટિકની કોથળીમાં વીંટાળી રાખ્યો હતો.
ધીરેકથી બોમ્બને કોથળીમાંથી બહાર કાઢી બીજા હાથે ગજવામાંથી લાઇટર બહાર કાઢ્યું.
લાઇટરની સ્વિચ દબાવતાં તણખા ઝર્યા, પણ લાઇટર ચાલું ન થયું.
હર ક્ષણ કિંમતી હતી. ચારે આતંકવાદીઓ તેના તરફ આગળ વધી રહ્યા હતા.
પ્રલયનાં જડબાં ખેંચાયા.
બે-ત્રણ વખતના પ્રયત્ન પછી લાઇટરની જ્યોત સળગી ઊઠી. તરત પ્રલયે બોમ્બની વાટ સળગતી જ્યોત પર મૂકી.
લાઇટરના પ્રકાશથી ત્યાંનુ ર્દશ્ય ર્દષ્ટિમાન થયું અને પુલ પર આવતા તે ચારે આતંકવાદીના પગ અટકી ગયા.
દૂરથી તેમણે પ્રકાશની દિશામાં નજર ફેરવી.
કાદવ-કિચડમાં તેમણે કાદવથી લથપથ થયેલો પ્રલયનો દેહ નજરે પડ્યો, પ્રલય બોમ્બની વાટ સળગાવતો હતો.
‘પાછા હટો... પાછા હટો...’ એક આતંકવાદી જે સૌથી આગળ હતો તે ચિલ્લાયો અને હાથ આડો ધરી પાછલા કદમે હટવા લાગ્યો. તેના ચહેરા પર વરસાદની બુંદો સાથે પરસેવાની બુંદો પણ ટપકવા લાગી.
અચાનક બોમ્બની વાટ સળગી ઊઠી.
પ્રલયના મોં પર કાતિલ સ્મિત ફરકી ઊઠ્યું.
ઝડપથી તે ઊભો થયો અને પુલ તરફ દોડ્યો.
પુલ પાસે પહોંચીને હાથની પૂરી તાકાત સાથે સળગતા બોમ્બનો પુલ તરફ ‘ઘા’ કર્યો.
વાતાવરણમાં તણખા ઝર્યા, ટપ અવાજ સાથે બોમ્બ પુલના મધ્યા ભાગમાં જઇને પડ્યો.
હજુ વાટમાંથી તણખા ઝરી રહ્યા હતા.
ચારે આતંકવાદીઓ મુઠ્ઠી વાળીને પુલની પેલી તરફ દોડ્યા, પ્રલય પણ ઝાડી તરફ ધસી ગયો.
‘ધડામ’ જોરદાર વિસ્ફોટ થશે. સૌ માની રહ્યા હતાં, સૌના દિલ ધડકી રહ્યાં હતા.
ગીચ ઝાડી પાસે પહોંચીને પ્રલયના પગ અટકી ગયા.
જોરજોરથી શ્વાસ લેવા તેણે પાછળ નજર કરી.
આ તરફ આતંકવાદીઓ પુલ પાર કરી સામેની તરફ પહોંચી ગયા અને ત્યાં ઊભા રહી બોમ્બના વિસ્ફોટની વાટ જોવા લાગ્યો.
પ્રલય ધીમા કદમે પુલ પાસે પાછો ફર્યો.
બોમ્બની સળગતી વાટમાં એક વખત સ્પાર્ક થયો અને પછી બંધ થઇ ગયો.
પ્રલયને લાગ્યું કે બોમ્બની વાટ ઓલવાઇ ગઇ છે. કેમ કે વરસાદ વરસી રહ્યો હતો.
કદમ અને રસીદ બે આતંકવાદીનું કામ તમામ કરી પ્રલય તરફ આવી રહ્યા હતા. પ્રલય ધીમા કદમે સાવચેતીપૂર્વક પુલ પર ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો.તેના મગજના ચેતાતંત્ર તેની નજર બને બોમ્બ પર મંડરાયેલી હતી.
‘પ્રલય...’ પ્રલયને પુલ પર આગળ વધતો જોઇ કદમ ચિલ્લાયો, અંધકાર હોવાથી કદમ કે રસીદને પુલની વચ્ચે પડેલા બોમ્બની ખબર ન હતી, પણ પ્રલય પુલ પર આગળ વધતો હતો અને પુલને પેલે પાર ચારે આતંકવાદી પ્રલયની સામે રાયફલ તાકીને ઊભા હતા.
‘પ્રલય...’ કદમે ફરીથી ચીસ પાડી તેનું હ્રદય આશંકા અને ડરથી થડકી ઊઠ્યું હતું, પ્રલય શું કરવા માંગે છે તે તેને ખબર ન હતી, પણ પુલની સામે પાર રાયફલો લઇને ઊભેલા આતંકવાદીઓએ પ્રલય સામે રાયફલો તાકી ઊભા હતા અને તેઓની રાયફલોમાંથી નીકળેલી ગોળીઓ પ્રલયના શરીરને ચારણીની જેમ છલ્લી કરી નાખશે, તેવી કદમને આશંકા હતી.
રસીદ બીકથી ધ્રૂજી ઊઠ્યો.
પણ... પ્રલયને ન તો કદમની ચીસનો અવાજ સંભળાઇ રહ્યો હતો, ન તો સામે રાયફલ લઇ ઊભેલા આતંકવાદીઓ દેખાતા હતા. તેનું ધ્યાન તો બસ બોમ્બ પર જ કેન્દ્રિત હતું.
પ્રલય અને બોમ્બ વચ્ચે દસ ફૂટનું અંતર હતું.
કદમ અને રસીદએ પોતના ખભામાં લટકતી એ.કે. 56 ઉતારી અને સામે ઊભેલા આતંકવાદીઓ સામે તાકી.
રસીદનું મગજ સુન્ન મારી ગયુ હતું. જ્યારે કદમ એકદમ સાવધાન હતો. આતંકવાદીઓ પ્રલય પર ગોળીબાર કરે કે તરત આતંકવાદીઓ પર ગોળીનો વરસાદ વરસાવવા તે એકદમ તૈયાર હતો.
‘ગોલી ચલાવું... ?’ એક આતંકવાદી બોલ્યો.
‘નહીં... ગોળી ન ચલાવતો તે બોમ્બની એકદમ નજદીક છે, તે બોમ્બ પાસે પહોંચે પછી તેના પર ગોળીઓનો વરસાદ વરસાવવાનો છે. જેથી બોમ્બ પણ ફાટે અને ગોલીઓ પર તેના શરીરમાં ઊતરી જાય.’ બીજો આતંકવાદી બોલ્યો.
પ્રલય અને બોમ્બ વચ્ચે લગભગ ત્રણ ફૂટનું અંતર હતું.
પ્રલયે બોમ્બનુ નિરીક્ષણ કર્યું. બોમ્બની સળગતી વાટ ઓલવાઇ ચૂકી છે, તેવું તેને લાગ્યું ત્યારબાદ પ્રલયે સામેની તરફ નજર કરી, સામે ચાર આતંકવાદીઓ તેની સામે રાયફલો તાકીને ઊભો હતા. હવે જ પ્રલયને પોતાની પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો.
તેણે ફરીથી બોમ્બ પર નજર કરી.
અચાનક ફરીથી બોમ્બની વાટમાં સ્પાર્ક થયો.
પ્રલયનું હ્રદય થડકી ઊઠ્યું, જે વાટને તે બુઝાયેલી સમજી બેઠો હતો. તે વાટ સક્રિય હતી અને કોઇ પણ ક્ષણે બોમ્બ વિસ્ફોટ થાય તે નક્કી હતું.
એક તરફ આતંકવાદીઓ તેની સામે રાયફલો તાકીને ઊભા હતા.
બીજી તરફ તેનાથી ત્રણ ફૂટ દૂર પડેલ બોમ્બ સક્રિય થતો હતો.
પ્રલયે પોતાના જડબા ભીંસ્યા. તેની આંખોમાં શેતાની ઘેલછા ભરી ચમક છવાઇ, ‘મા ભવાની શક્તિ આપજે’મા નું મનમાં સ્મરણ કર્યા બાદ એકાએક તે બોમ્બ તરફ ધસી ગયો.
ક્ષણનોય વિલંબ કર્યા વગર ઝડપથી જીવતો બોમ્બને હાથમાં ઉઠાવ્યો.
હવે જ કદમ અને રસીદને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો.
પ્રલય... કદમના મોંમાંથી કાળઝાળ ભરી ખોફનાક ચીસ સરી પડી તેનાં રૂંવાટાં ઊભા થઇ ગયા હતાં.
બોમ્બની વાટમાં તે જ વખતે સ્પાર્ક થયો.
પ્રલય બોમ્બ લઇને આગળ દોડ્યો. પછી હતી એટલી તાકાત એકઠી કરી સળગતા બોમ્બને સામે ઊભેલા ચાર આતંકવાદીઓ તરફ ‘ઘા’ કર્યો અને બીજી જ ક્ષણે તેને છલાંગ લગાવી.
હવામાં અધ્ધર તરતો પ્રલયનો દેહ નીચે ઘુઘવાટ કરતી વહેતી નદીના પાણી તરફ ધસમસતો જઇ રહ્યો હતો.
તે જ પળે બોમ્બનો જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો. વાતાવરણ બોમ્બ ધડાકાથી ધ્રૂજી ઊઠ્યું. પુલ હચમચી ઊઠ્યો.
કદમ અને રસીદએ પ્રલયના દેહને હવામાં અધ્ધર તરતો નદીના પાણી તરફ ધસમસતો જોયો. બીજી પળે જોરદાર ધડાકા સાથે બોમ્બનો વિસ્ફોટ થતો જોયો.
બોમ્બ ચારે આતંકવાદીઓની નજદીક જઇને ફાટ્યો.
ચારે આતંકવાદીના શરીર હવામાં અધ્ધર ઊંચકાયા. તેઓના હાથમાંથી રાયફલો છટકી ગઇ.
આંતકવાદીઓના ઉપર ઉઠેલા દેહ જ્યારે નીચ પછડાયા ત્યારે છિન્નવિછિન્ન થયેલી લાશોના રૂપમાં ફેરવાઇ ગયા હતા.
‘કં... કં... કડક... ભૂસ...’ ના અવાજ સાથે આતંકવાદીઓ તરફનો પુલનો ભાગ તૂટ્યો અને પછી ધમાકાભેર પૂરો પુલ તૂટીને નદીના પાણીમાં પટકાયો.
તે જ વખતે પુલ પર પગ મૂકવા જતા કદમને પોતાનો પગ પાછો લઇને પાછળની તરફ જમ્પ મારી તે જમીન પર જોરથી પટકાયો. તેના પડવાથી તેની પાછળ ઊભેલો રસીદ પણ તેનાથી અથડાઇને ઊછળી પડ્યો.
બોમ્બ ફાટવાના ભયાનક વિસ્ફોટથી ધરતી ધ્રૂજી ઊઠી.
પુલ પાણીમાં પડતાં પાણી કેટલાય ફૂટ ઉપર ઊઠ્યું.
પ્રલયના પાણીમાં પડતાં દેહ કદમની માનસપટમાં ઊભરી આવ્યો. તેના મોંમાંથી વધુ એક ચીસ સરી પડી અને ધ્રૂજતા દેહે તે ઊભો થયો. તેની આંખોમાં આંસુ છલકાયાં.
પુરપાટ વેગ સાથે વહેતા નદીના પાણીમાં પડેલ માનવનું બચવું લગભગ અશક્ય હતું.
***