Angat diary - Bachche Man Ke Sachche in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - બચ્ચે મન કે સચ્ચે

Featured Books
Categories
Share

અંગત ડાયરી - બચ્ચે મન કે સચ્ચે

અંગત ડાયરી
============
શીર્ષક :બચ્ચે મન કે સચ્ચે
લેખક : કમલેશ જોશી
ઓલ ઈઝ વેલ


બાળક વધુ સમજદાર કે વડીલ? આ પ્રશ્નનો જવાબ આપવો તમે ધારો છો એટલો સહેલો નથી. કેમકે વડીલના ગંભીર, ગમગીન અને માયુસ ચહેરા સામે બાળકનો ખીલ-ખીલ હસતો, નિષ્ફિકર, ખીલેલા ગુલાબ જેવો ચહેરો સરખાવીએ તો વડીલ કરતા બાળક, જીવનને વધુ માણતો-સમજતો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. એક મિત્રે ખૂબ જ સરસ અવલોકન રજૂ કરેલું : તમે જોજો, બાળક જે કંઈ પણ કરશે એ સંપૂર્ણ કરશે. તનથી, મનથી, દિલો-દિમાગથી કરશે. જીદ પૂરી નહિ થાય તો ધ્રુસકે-ધ્રુસકે રડશે, આખે-આખો ધ્રુજશે, એના રુંવાડે-રુંવાડા ઉભા થઇ ગયા હશે, હાથ-પગ પછાડશે... સંપૂર્ણ રુદન..! જયારે આપણે રડતા હોઈએ તો એવું ઘણી વાર બનતું હોય કે ભીતરે મુસ્કુરાતા હોઈએ..! જેમ કે હોસ્પિટલમાં પગે પ્લાસ્ટર બાંધીને પડેલા આપણા બોસને મળવા જઈએ, ત્યારે ભીતરી આનંદને દબાવી ચહેરા પર ગંભીરતા, આપણે માંડ-માંડ ધારણ કરી હોય. ગંભીર અવાજે કહીએ કે ‘ભારે કરી, તમારા જેવા સારા માણસો સાથે જ આવું કેમ થતું હશે?’ અને ભીતરે ‘કેમ બાકી, ઈશ્વરને ત્યાં દેર છે અંધેર નથી.. પડ્યો ને ઉંધા માથે... લેતો જા...’ એવું વાક્ય ગુંજતું હોય. બાળકમાં આવી સમજણ(કે દંભ) નથી હોતો. એ તો રડે એટલે રડે અને હસે એટલે હસે, વહાલ કરે એટલે બૂમો પાડતો ચોટી પડે અને ગુસ્સે ભરાય એટલે પ્રાણ નીકળી જાય એવી ચીસો પાડે. કિટ્ટા અને બિચ્ચાની એના જેવી સમજણ જો વડીલોમાં હોત તો અનેક પરિવારો ‘કેટલીક કડવાશ’થી મુક્ત હોત.

બાળકોના પણ પોતાના પ્લાનિંગ હોય છે.. એક વાર મારા ત્રીજું ભણતા ભાણીયાએ મારી સાથે આવવાની જીદ કરી. હું એને યુનિવર્સીટીએ મારી સાથે લઇ ગયો. અમે પાછા ફરતા હતા ત્યારે એણે મને રસ્તામાં ચારેક વખત પૂછ્યું ‘કેટલા વાગ્યા..?’ મેં કહ્યું.. ‘ચાર.., ચાર ને દસ, સવા ચાર..’ હવે અમે ઘર નજીક પહોંચ્યા હતા. ભાણીયાએ ફરી પૂછ્યું.. ‘મામા, કેટલા વાગ્યા..?’ મેં કહ્યું.. ‘સાડા ચારમાં પાંચ ઓછી...’ એ ગંભીર થઇ ગયો. મેં પૂછ્યું.. ‘કેમ કંઈ કામ હતું તારે..? વારે-વારે કેમ સમય પૂછે છે...?’ આખરે એ બોલ્યો.. ‘મામા, જો..મારે સાડા ચારે ટ્યુશન જવાનું છે... જો દસ મિનીટ મોડું થઇ જાય તો કામ બની જાય.. તો મમ્મી..મને ટ્યુશન નહીં મોકલે.. જરા ધીરે ચલાવો ને ગાડી..!’ હું ક્યાંય સુધી એના નિર્દોષ ચહેરાને તાકતો રહ્યો.

પહેલું ભણતી મારી ભાણી રાત્રે સૂતા પહેલા એની મમ્મીને કહે.. ‘કાલ હું સ્કુલે નથી જવાની’ મમ્મી કહે ‘ભલે ન જતી..’ સવારે ભાણીનો ભેંકડો મને સંભળાયો.. ‘મને સ્કૂલે ન મોકલ...’ મારી બહેને એને નવડાવી અને સ્કુલ ડ્રેસ પહેરાવી દીધો.. ‘હું સ્કુલે નહિ જાઉં..’ એ બોલતી હતી. એને તેડવા ઘર આંગણે આવેલી વાનમાં એને બેસાડવામાં આવી. રડમસ ચહેરે એ મારી સામે જોતી બોલી.. ‘નથી જવું.. સ્કૂલે..’ પણ વાન એને લઇ જતી રહી. બપોરે એ હસતી-ખીલતી વાનમાંથી ઉતરી. ઘરમાં આવતા જ મમ્મીને વળગી પડી અને બોલી... ‘આજ ભલે મોકલી.. હું કાલ સ્કૂલે નહિ જાઉં...’ અમે સૌ હસી પડ્યા એ નિર્દોષ વાક્ય પર.

હોળીના દિવસે એક મિત્રને શેરી વચ્ચે અમે પાંચ-સાત મિત્રો અબીલ-ગુલાલથી નવડાવતા હતા ત્યારે પહેલા માળની બાલ્કનીમાંથી આખી શેરી સાંભળે એમ એના ટપુડાએ બૂમ પાડેલી.. ‘પપ્પા, એ પપ્પા.. ઘરમાં આવો.. મમ્મી આજ તમારો વારો કાઢવાની છે....’ અમે સૌ પેટ પકડીને હસ્યા હતા અને એ ટપુડો અમારી સામે ખીજ ભરી ગંભીર નજરે તાકતો હતો..એ દિવસે.

મારા ચોથું ભણતા એક ભત્રીજાને હમણાં મેં કહ્યું.. ‘તું રૂપાળો છો અને હું કાળો, એટલે હવે તડકામાં રમવા તું ન જતો, તારી બદલે હું જઈશ...’ એ મારી સામે સહેજ હસીને ગંભીર થતા બોલ્યો.. ‘તમને મિની ઠેકાવણી રમતા આવડે છે..?’ મેં ‘હા’ કહી. બીજો પ્રશ્ન : ‘ક્રિકેટ..?’ મેં કહ્યું ‘હા..ફૂલ ફાવે...’ એ કહે ‘રન દોડી શકો, પાળી ઠેકી શકો?’ મેં કહ્યું.. ‘એટલું બધું ન થાય..’ એટલે એ તરત બોલ્યો.. ‘તો પછી.. બાળક બનવું એમ કંઈ સહેલું નથી...!’ હું નવાઈભરી આંખે એની સામે તાકી રહ્યો. એની આંખમાં વિજેતાની ખુમારી હતી.

ઓશો રજનીશજી કહે છે કે ‘નદીની રેતમાં શંખલા વીણતા બાળકની અને જગતના બજારમાં બે-પાંચ મકાન, દસ-બાર એફ ડી કે પાંચ-પંદર દાગીના ભેગા કરતા વડીલની ‘કૃતિ’ ભલે જુદી હોય પણ ‘વૃતિ’ તો એક જ છે...’ સાંજ ઢળશે એટલે બાળક ‘શંખલાનો ઢગલો.. કે રેતીમાં બનાવેલો બંગલો...’ મૂકી એની મમ્મી સાથે ઘરે જતો રહેશે.. અને વડીલ જેવા આપણે... એક સાંજે.. મકાન, એફડી, દાગીના બધ્ધું ત્યાગી આ દુનિયા છોડી જતા રહીશું. ફર્ક એટલો રહી જશે કે બાળક સંખલા ભેગા કરવાની રમતને મન ભરીને માણવાની કુનેહ ધરાવે છે.. જયારે આપણે...?

બાળક માટે બધું રમત છે. મારો એક શિક્ષક મિત્ર ચોથું ભણતા એના પુત્રને મહાપરાણે પરીક્ષાની તૈયારી કરાવતો હતો. ખરાં-ખોટાંમાં બાળકે શરત કરી કે "જો સાચું હશે તો હું ડિસ્કો કરીશ અને ખોટું હશે તો બારણા પાછળ છુપાઈ જઈશ." શિક્ષણનું શિક્ષણ ને રમતની રમત. શું આપણો શિક્ષણ વિભાગ પરીક્ષાની આવી નવી પદ્ધતિ અપનાવી શકે ખરો?

સ્વાધ્યાયના પ્રણેતા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી કહે છે ‘લાઈફ ઈઝ એ ગેમ, પ્લે ઈટ’. તમારા ઘરમાં કે ફળિયામાં ગીતાજીના સિદ્ધાંતોનું જીવતું જાગતું નિદર્શન કરતો કોઈ કાનુડો રમતો હશે. આજના રવિવારની ‘લાઈફ’ એ સમજદાર બાળક સાથે બાળક બની ‘રમવામાં’ ગુજારીએ તો કેવું?

(મિત્રો, આપની કમેન્ટની અમે આતુરતાથી પ્રતીક્ષા કરીએ છીએ હો...!)