Aankho - 3 in Gujarati Love Stories by Parmar Bhavesh books and stories PDF | આંખો.. - 3

Featured Books
Categories
Share

આંખો.. - 3

થોમસ થોડે દુર થી જ તેને જોઈ રહ્યો.

એ પોતાના કામમાં વ્યસ્ત છે,
એ જ તૂટેલ થિંગડાં વાળાં કપડાં, એજ સ્મિત જે તે દિવસે તેના મોં પર હતું અને બાજુ માંથી પસાર થતા લોકોને ફૂલ ખરીદવા આગ્રહ કરવા ની તેની એજ રીત.

થોમસ નજીક જઇ તેની સામે જોઈ રહ્યો.
પેલી ને તેનો અણસાર આવી ગયો, તેને લાગ્યું કે તેની સામે કોઈ ગ્રાહક ઉભેલ છે, તે રટેલું બોલવા લાગી, 'આવો સાહેબ, કયા ફૂલ આપું, ગુલાબનાં કે મોગરાના? પત્ની માટે જોઈએ કે ગર્લફ્રેંડ માટે? લઇ જાવ સાહેબ જેના માટે લઇ જશો એ ખુશ થઈ જશે.

'નહીં, આજે હું ફૂલ લેવા માટે નથી આવ્યો, તમારા પૈસા બાકી હતા એ આપવા માટે આવ્યો છું.' કહી થોમસે પોતાના ખિસ્સામાંથી એક નોટ કાઢી તેના હાથમાં મૂકી, તેના હાથનો સ્પર્સ થોમસને ગમ્યો. કંઇક અલગજ અહેસાસ લાગ્યો.
પેલી એ નોટપર હાથ ફેરવ્યો અને કહ્યું 'સાહેબ આ તો પચાસ રૂપિયા છે, તમે તો તે દિવસે વિસ જ રૂપિયાના ફૂલ ખરીદેલા, એક મિનિટ.' કહી તે પોતાની કમર પર બાંધેલ થેલી જેવાં પર્સમાં હાથ નાખી પૈસા કાઢવા લાગી.

'કોઈ વાંધો નહી, પાછા નથી જોઈતા તમે જ રાખો.' કહી થોમસ ચાલવાની તૈયારી કરતો હતો ત્યાં જ પેલી બોલી, 'ના સાહેબ મહેનત થી વધારે મને ન ખપે, હું વધારે પૈસા ન રાખી શકું.' કહી બાકીના પૈસા આપવા હાથ લંબાવ્યો.
થોમસ તેની પ્રામાણિકતા જોઈ અંજાઈ ગયો.

'તારું નામ જેનિલિયા છે ને?' થોમસે પૈસા લેતાં પૂછ્યું.

'હા સાહેબ, પણ તમને કેવી રીતે ખબર પડી?' જેનિલિયા એ આશ્ચર્ય સાથે પૂછ્યું.

'તારાં પર્સ પર તો લખેલું છે.' થોમસ બોલ્યો.

અરે હા, એ તો હું ભૂલી જ ગઈ, મારાં મમ્મી એ લખી આપ્યું છે.' તે હળવાં સ્મિત સાથે બોલી.
મારુ નામ જેનિલિયા છે, પણ બધા મને માત્ર "જેની" જ કહે છે, જેનિલિયા બહુ મોટું લાગે ને એટલા માટે.' જેનિલિયા એ ઉમેર્યું.

થોમસને તેની વાતમાં રસ પડતો હતો,
બીજું તો કોઈ હતું નહીં પોતાની સાથે વાત કરવા વાળું માટે તેની સાથે વાત કરવી સારી લાગી.

તે ત્યાં બાજુમાં જ બેસી ગયો અને વાતો કરવા લાગ્યો.
જેનીએ પણ કોઈ વાંધો ન ઉઠાવ્યો, તે પણ થોમસ ના બધા સવાલ ના જવાબ આપતી રહી અને પોતે પણ તેના વિશે પૂછતી રહી.

વચ્ચે વચ્ચે કોઈ ગ્રાહક આવે ત્યારે તે અટકી ને પોતાનું કામ પણ કરી લેતી.
થોમસ ત્યાં ઘણી વાર સુધી બેસી રહ્યો અને વાતો કરતો રહ્યો.

બપોર થવા આવ્યો, જેનીનો જવાનો સમય થયો એટલે તે થોમસ ની રજા લઈ જતી રહી.

રોજનો નિત્યક્રમ બની ગયો, થોમસ સવારે કામ પર જતો, આખો દિવસ મન લગાવી કામ કરતો અને ત્યાંથી નીકળી સીધો જેની પાસે જઈ બેસતો.

હવે તો તે પણ વટેમાર્ગુઓ ને ફૂલ ખરીદવા માટે આગ્રહ કરતો થઈ ગયો અને પૈસાની લેવડદેવડ માં પણ જેનીને મદદ કરતો.
તે આખા દિવસની પોતાની વાતો કહેતો, અને જેની પણ બધી વાતો કરવા લાગી.

બંન્નેને એકબીજાં સાથે હોવું ગમવા લાગ્યું. થોમસ તેનો હાથ પકડી તેના ઘર સુધી લઈ જતો, ઘણી વખત તેને ઘરકામ કે રસોઈ માં પણ મદદ કરતો. ઘણી વખત તેની સાથેજ જમી પણ લેતો. જેનીની બીમાર માં ની સેવા પણ કરતો, તેની દવાઓ લાવી આપતો.

ક્યારેક જેની કહેતી કે 'જો તું દરરોજ આવીજ રીતે મારી મદદ કરતો રહેશે તો મને તારી આદત પડી જશે!'

'તો હું તારી પાસે જ રહી જઈશ, કાયમ માટે.' થોમસ હસતાં હસતાં કહેતો.
તેની વાત સાંભળી જેની પણ હસવા લાગતી.
આવીજ રીતે બન્નેનું મળવું, એકબીજા સાથે બધી વાતો વહેંચવી, એકબીજાની મજાક કરી માફી માંગવી બધું સાવ સામાન્ય થઈ ગયું.

ધીમે ધીમે બંન્ને વચ્ચે પાંગરેલ દોસ્તી ના છોડ પર પ્રેમના પુષ્પોની કળીઓ ખીલવાની શરૂઆત થઈ ગઈ.


**** ક્રમશઃ ****


(આ વાર્તા ના તમામ પાત્રો, સ્થળ અને નામ કાલ્પનિક છે.)

© ભાવેશ પરમાર. **આભાર**