Shatranjna Mohra - 6 in Gujarati Detective stories by Urvi Hariyani books and stories PDF | શતરંજના મોહરા - 6

Featured Books
Categories
Share

શતરંજના મોહરા - 6

શતરંજના મોહરા

પ્રકરણ - ૬

કોઈ ખોવાઈ ગયેલી કિંમતી ચીજ કે વ્યક્તિ પાછી મળે ત્યારે એ મળ્યાં બાદ સતત એક છૂપો ડર સતાવ્યા કરતો હોય છે કે એ પાછી ખોવાઈ તો નહીં જાયને ? એટલે પછી એનાં માટે મમત્વ વધી જાય છે. એને પહેલાં કરતા વધુ ધ્યાનથી અને પ્રેમથી સંભાળવામાં આવે છે.

આવું જ કંઇક આરઝૂ અને અમેયની પ્રેમકહાણીમાં થયેલું. હા, એક વાર ખોવાઈ ગયેલો અમેય આરઝૂને પાછો મળી ગયો હતો.

'તમન્ના, તારી સાથે એક ખાસ વાત કરવી છે- આરઝૂ માટે.... ' એવું કહેતા એ દિવસે ચોપાટી પર મળી ગયેલ નિધિ તમન્નાને થોડી દૂર લઇ ગઈ હતી.

નિધિ તમન્નાને દુર લઈ ગઇ છે, એ જોયા પછી - જયે પાછળથી અમેયને આરઝૂ સમક્ષ ઉભો કરી દીધેલો. એ બંનેયને એકલા મૂકી એ પણ ટહેલવા નીકળી ગયેલો.

'તમન્ના તારી 'દિ' માટે એકદમ પરફેક્ટ પાર્ટનર મળી ગયો છે, જો ત્યાં.... ' કહેતા નિધિએ તમન્નાને સાથે બેઠેલા આરઝૂ- અમેયને બતાવેલા.

આરઝૂ અને અમેયને સાથે બેઠેલા જોઈ તમન્નાનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઇ ગયેલો.

'રિલેક્સ.. તમન્ના ! અમેય અત્યારે સિંગલ છે. એની પત્ની દેવયાની એને છોડીને એનાં જુના બોયફ્રેન્ડ પાસે જતી રહી છે. એ બંનેય ડિવોર્સ લઇ રહ્યા છે.. ' નિધિએ તમન્નાનો હાથ હળવેથી દબાવ્યો હતો. એ - સ્પર્શ અને શબ્દોના - બેવડા ઉપયોગથી તમન્નાને ઠંડી કરી રહી.

'ઘડીક તારી 'દિ' નો ચહેરો તો જોઈ લે, એ કેટલી ખુશ દેખાય છે !' નિધિએ ઉમેર્યુ.

ખરેખર આરઝૂ પહેલાં અમેયનો અચાનક સામનો થતા ખચકાઈ હતી. પણ અમેયનો લાંબા સમયથી જાણે બિમાર હોય એવો ચહેરો જોઇ દ્રવી ઉઠેલી. ધીરે- ધીરે અમેય પાસેથી એની જિંદગીમાં હવે દેવયાની નથી રહી, એ જાણી ખુદની જાણ બહાર ખીલી ઉઠેલી.

'એ જ તો પ્રોબ્લેમ છે નિધિ કે મારી સીધી-સાદી અને ભોળી બેન અમેયને આજ સુધી ભૂલી નથી શકી. પણ એ તો બધું ભૂલીને અત્યાર સુધી લહેરથી જીવી રહેલો ને ? ' તમન્ના ઝુંઝલાઈ ઉઠેલી.

‘લિસન તમન્ના, અમેય સમજદાર યુવક છે. એને જે કરવું પડે એમ હતું - એ એણે કર્યુ. એક વાત તું સમજ કે હજી જો આરઝૂને અમેય માટે એટલો જ પ્રેમ હોય તો એની પાસે એને પામવાનો રસ્તો ખુલી ગયો છે - અમેયની જિંદગીમાં એ પત્ની બનીને બકાયદા પ્રવેશ કરી શકે છે... '

અંતે તમન્ના માની ગઈ હતી. ફરી એક વાર આરઝૂના વદન પર પ્રેમની સુરખી છવાવા લાગી હતી.

કોઈ પણ રોગ ઉથલો મારે એને ડોક્ટરો હિતાવહ નથી ગણતા, જયારે આ તો રાજસી રોગ - પ્રેમ રોગ હતો. એની પકડમાં ફરી એક વાર આવી ગયેલાં અમેય અને આરઝૂ પહેલાં કરતાંય વધુ પ્રગાઢપણે એકમેક સાથે ચુમ્બકીય રીતે જોડાઈ ગયેલાં.

બન્નેયનાં પરિવારજનો પણ ખુશ હતા. આ વખતે તો અમેયના પિતાનો જરા સરખો વિરોધ ન હતો કે નહોતી કોઈ માંગણી.

અમેય સાથે આરઝૂના લગ્ન આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા હતા. ત્યારે ફરી એક વાર આરઝૂ પછડાઈ હતી. આ વખતે ચાલ કોઈ મોહરાએ નહીં પણ ઈશ્વરે ચાલી હતી કે, એવી ચાલ કે જેનાંથી આરઝૂના જીવનની આખી બાજી ઉંધી વળી ગયેલી.

***

શનિવારે સાંજે ચોપાટી પર ભરપેટ વાતો કરી અમેય અને આરઝૂ - ફરી સવારે મળવાના કોલ સાથે છૂટા પડેલાં.

બીજા દિવસની વહેલી સવારે અમેયને મળવાની હોંશમાં આરઝૂના કદમ ચાલી નહીં, દોડી રહેલાં જાણે ! એનાં ચહેરા પર સ્મિત રમી રહેલું, કેમ કે એને અત્યારે અમેય સાથે કરેલી ગઈકાલની વાતો યાદ આવી રહેલી.

'અમેય, આજે રાત્રે કંકોત્રી આવી જવાની છે. જે સૌથી પહેલાં મારે તને બતાવવી છે.. ' અમેયના ખભે માથું ઢાળીને - એનાં હાથોમાં હાથ પરોવીને બેઠેલી આરઝૂએ કહેલું.

' ચોક્કસ, કાલે વહેલી સવારે આવી જજે. પછી મારે પણ મારાં માટે અને તારાં માટે થોડી ખરીદી કરવી છે - તારી પસન્દની. ' અમેયે કહેલું.

' હું અત્યારે તારી સાથે છું અને પંદર દિવસ પછી આપણાં લગ્ન છે - એ મને ખુલી આંખોનું સ્વપ્ન લાગે છે. એમ થાય છે કે બસ મને બધુ મળી ગયું - હવે મને કંઈ જ નથી જોઈતું. '

'પાગલ... તને કંઈ નથી જોઈતું, પણ મને એમ થાય છે કે તારાં કદમોમાં દુનિયાના તમામ સુખોનો સમન્દર ઠાલવી દઉં, એનું શું ?' કહેતા અમેયે એની આરઝૂને વધુ એની સોડમાં દબાવી હતી.

અમેયના વિચારોમાં ને વિચારોમાં એનાં ફ્લેટ સુધી આવી ચૂકેલી આરઝૂએ ઉત્સાહભર્યા હ્ર્દયે ડોરબેલ દબાવી હતી.

દરવાજો ખુલ્યો ત્યારે આરઝૂની હાલત વર્ણવી ન શકાય એવી વિચિત્ર થઇ ગયેલી. અમેયના ફ્લેટનો દરવાજો સઘસ્નાતા દેવયાનીએ ખોલ્યો હતો. દેવયાનીના ખુલ્લા લાંબા વાળ, થોક રૂપાળો ચહેરો અને ભરાયેલું બદન જોતાં જ, શરીરનું બધુ જ લોહી ચુસાઈ ગયું હોય એમ આરઝૂ ફિક્કી પડી ગઈ હતી.

દેવયાનીની આંખોમાં પ્રશ્ન હતો, જેનો આરઝૂ પાસે કોઈ જવાબ ન હતો. એનાં હોઠ માંડ એટલું ફફડી શક્યા,' અમેય... '

'અમેય ? મારાં પતિનું તમારે કામ છે ? એ તો આજે ઓફિસની પિકનિકમાં ગયા છે. હું તમને કોઈ મદદ કરી શકું છું ?' દેવયાનીનાં મ્હોએ આટલું સાંભળતા, આંખોમાં ઉભરાતા આંસુઓના સમન્દરને ખાળતી આરઝૂ નકારમાં માથું ધૂણાવતી પાછા પગલે દોડી ગઈ હતી.

કેવી વિડંબના હતી આરઝૂનાં જીવનની કે હજી જે ગઈકાલે એને એમ કહી રહેલો કે એ એનાં કદમોમાં સુખોનો સમન્દર ઠાલવવા માંગે છે, ફરી આજે એણે એને આંસુઓના સમન્દરમાં ધકેલી દીધી હતી .

***

એપાર્ટમેન્ટની બહાર નીકળેલી આરઝૂનો એ નૂરહીન અને અશ્રુસભર ચહેરો જોતાં અમેયનું હૈયું ચિરાઈ ગયેલું.

એ રોડની સામેની તરફ ઉભો હતો. એ કોઈ પિકનિકમાં ગયો નહોતો. આરઝૂનો સામનો કરી શકે એવી હાલતમાં ન હોઈ એ ઑફિસની પિકનિકનું બહાનું કરી ઇરાદાપૂર્વક ઘરની બહાર નીકળી ગયેલો.

આરઝૂને એણે ઘરે આવતા પણ રોકી ન હતી. આરઝૂ આપમેળે આ બદલાયેલી પરિસ્થિતિ સમજી જાય એમ ઈચ્છી રહેલો.

પંદર દિવસ, માત્ર પંદર દિવસ દેવયાની મોડી આવી હોત તો અમેયના લગ્ન આરઝૂ સાથે થઇ ગયા હોત અને દેવયાનીને ફરી સ્વીકારવાનો પ્રશ્ન ઉભો ન થાત.

પણ ગઈકાલે રાત્રે એક વાગે દેવયાની જે રીતે અચાનક ચાલી ગઈ હતી એ જ રીતે અચાનક એનાં અસબાબ સાથે આવી ચડેલી.

' જયરાજ પરિમલ તન્ના'ની હવે કોઈ આણ અમેયને કે દેવયાનીને પણ નડવાની ન હતી. એ નામ ભૂતકાળ બની ચૂકેલ. દેવયાનીનાં ઘર છોડયાનાં બીજા જ મહિને એનું અવસાન થયું હતું. દેવયાની સાથે ડિવોર્સ એ પહેલાં થઇ ચૂકેલા.

તો એવું તે શું કારણ હતું કે ફરી એકવાર અમેયને પોતાનાં 'પ્રેમ'નું બલિદાન આપી દેવયાનીને અપનાવવાનો નિર્ણય લેવો પડ્યો ?

ક્રમશ :

પ્રકરણ - ૭ ની રાહ જોશો.