પ્રેમનું અગનફૂલ
વ્રજલાલ હિરજી જોષી
જીવ સટોસટના દાવ
ભાગ - 1
ધીરે ધીરે સૂર્ય ક્ષિતિજમાં ડૂબતો જતો હતો. આકાશામાં કાળા ડિબાંગ વાદળો છવાયોલાં હતાં. ક્યારે વરસાદ ફરીથી તૂટી પડશે તે નક્કી થતું ન હતુ.
દવાઓ અને ગોળીઓની અસરથી આનંદ સાંજ સુધીમાં ભાનમાં આવી ગયો હતો. તેને પીડા થતી હતી. છતાં પણ તેના ચહેરા પર સ્મિત છવાયેલું હતું. તે ફરીથી ઝૂંપડીમાં એક તરફ ફકીરબાબા બેઠા હતા. તેની બાજુમાં પ્રલય, કદમ અને ઇ.રસીદ બેઠા હતા. તેનાથી થોડે દૂર દુર્ગા આનંદનું માથું પોતના ખોળામાં લઇને બેઠી હતી.
આનંદના પૂરા શરીર પર છાલાં પડેલા હતાં અને બાબાએ શરીર પર ઓઇન્ટમેન્ટ લગાવી પોતાની પાઘડીના લીરા બનાવી પાટા બાંધ્યા હતા. તેના શરીરના ઘાવમાંથી લોહી નીકળતું બંધ થઇ ગયું હતું.
ઇ.રસીદ આનંદની દવા અને ઇન્જેક્શન સાથે સાથે ચાર પાંચ દિવસ ચાલે તેવો સુકા ભોજનનો પણ બંદોબસ્ત કરી આવ્યો હતો. સાથે દૂધનો પાવડર ચા-ખાંડ પણ લેતો આવ્યો હતો.
અત્યારે સૌ નિરાંતે બેસી ચા પી રહ્યા હતા. આનંદ ભાનમાં આવી ગયો હોવાથી સૌને નિરાંત થઇ હતી.
‘બેટા...’ સૌ સામે નજર કરી ફકીરબાબા બોલ્યા, ‘બેટા... આતંકવાદીઓના કેમ્પમાં જ ભારતીય રૂપિયા બનાવવાનું કારખાનું છે, અહીં હથિયારોના ભંડાર છે. તમારે જો આતંકવાદીઓ સામે ટક્કર લેવી હોય તો તેના ગોડાઉન પરનાં હથિયારોનો પહેલો નાશ કરો, એટલે તેના બંને હાથ કપાઇ જશે. પછી તમે આસાનીથી તેની સામે લડી શકશો.’
‘બાબા... તેના કેમ્પનો વિસ્તાર એકદમ મોટો છે. તેનાં હથિયાર ક્યાં છુપાયેલા હશે. તે પહેલાં અમારે જાણવું પડશે ને...’ કદમે પૂછ્યું.
‘બેટા... તેનાં હથિયારો તમને ક્યાં મળશે તે હું તમને જણાવીશ, પણ હથિયારો સુધી પહોંચવુ મુશ્કેલ છે અને તે પણ દિવસના નહીં, રાત્રિના જ તમારે ત્યાં જવું પડશે.’
‘બાબા.... આપ અમને જણાવો તો આજ રાતના જ અમે તેના ગોડાઉનમાં પહોંચી જઇ તેનાં હથિયારોનો નાશ કરી નાખીએ.’ પ્રલયે કહ્યું.
‘પણ હથિયારવાલા ગોડાઉનને ઉડાડવા માટે ‘ડાઇનામાઇટ’ અથવા તાકાતવાળો બોમ્બો જોઇશે જે તમારી પાસે નહીં હોય.
‘બાબા... અમે અમારી સાથે ભયાનક વિસ્ફોટ કરી શકે તેવા તાકાતવાળા ચાર બોમ્બ લાવ્યા છીએ. તમે ફિકર ન કરો. અમને રસ્તો બતાવો.’ ઇ.રસીદ બોલ્યો.
‘તો સાંભળો... અહીંથી ઉત્તર દિશા તરફ આતંકવાદીઓનો કેમ્પ છે. જે અહીંથી ચાર કિલોમીટર જેટલો દૂર છે. કેમ્પને ફરતે લોખંડના કાંટાળા તારની ફેન્સિંગ લાગેલી છે. તમારે તે કેમ્પથી થોડે દૂર ઉત્તર તરફ આગળ વધવાનું છે. ત્યાં ચારે તરફ પહાડીઓ છે, તે પહાડી પર થઇ આગળ જતાં આજ કાબુલ નદીનું વેણ આગળ ત્યાંથી પસાર થાય છે. તેના પર એક મોટા લગભગ પચાસ ફૂટનો ઝુલતો પુલ બનાવેલો છે. ત્યાં આગળ તે લોકોનો એક ચેકપોસ્ટ છે. તે પુલ પસાર કર્યા બાદ આગળ બે મોટી દીવાલ જેવી ઊભી ચટ્ટાનો વચ્ચે પસાર થઇ આગળ વધતાં ત્યાં પહાડીઓ વચ્ચે મોટું મેદાન છે. ત્યાં બે મોટા ગોડાઉન બનાવેલા છે. જેમાં એક ગોડાઉનમાં બારુદ, હથિયારની ભરેલ છે અને બીજા ગોડાઉનમાં ભારતીય ડુપ્લિકેટ રૂપિયા બનાવવાનું જબરદસ્ત કારખાનું છે. આજ રાત્રે જો તમે તેના ગોડાઉનમાંનો બારુદ વિસ્ફોટ કરી નાખો અને તે પુલ ઉડાવી નાખો તો તેઓ હથિયાર વિના વધુ સમય ટકી શકશે નહીં.’
‘બાબા એ કામ અમે આજ રાત્રિના જ કરવા માંગીએ છીએ, પણ તમારે આનંદ અને દુર્ગાનો ખ્યાલ રાખવો પડશે.’ કદમે કહ્યું.
‘બેટા, આનંદ અને દુર્ગાની તમે ચિંતા ન કરતા, જ્યાં સુધી મારા ખોળિયામાં જીવ હશે, ત્યા સુધી તેને આંચ આવવા નહીં દઉં.’ મક્કમતાપૂર્વક બાબા બોલ્યા.
‘ઠીક છે તો પછી અમે આજ રાતના જ તેના હથિયારના ગોડાઉન પર ત્રાટકશું...’ પ્રલયે કહ્યું.
કાળી કાજળ ઘેરી તે ભયાનક રાત હતી. ચારે તરફ ખોફનાક સન્નાટો છવાયેલો હતો. આકાશમાં થોડી થોડી વારે વીજળી થતી હતી અને ગર્જના ભયાનક ધમાકાથી જંગલ ખળભળી ઊઠતું હતું. પરંતુ પછી શાંત એકદમ ચિર શાંતિ છવાઇ જતી હતી. ગાઢ જંગલમાં વૃક્ષો પર પડતા વરસાદને લીધે શરીરમાં કંપન પેદા કરતો આછો ધીમો અવાજ આવતો હતો, તેને સૂર પુરાવતો દેડકા અને ચિમરીઓના અવાજ ધ્રૂજારી પેદા કરતો હતો. વરસાદ એકધારી ગતિ સાથે પડી રહ્યો હતો.
ગાઢ અંધકારમાં ભળી જતા કાળા કપડામાં સજ્જ કદમ, પ્રલય, ઇ.રસીદ મક્કમ પગલે ઉત્તર દિશામાં તરફ આગળ વધતા હતા. કદમના હાથમાં માઇક્રોટોર્ચ હતી, જે આછો અંજવાસ પેદા કરતી હતી, તેના આછા અજવાસમાં ઊંચા ઊંચા વૃક્ષો પવનમાં ડોલતાં જાણે ચારે તરફ ભૂતાવળ પેદા થઇ હોય તેવાં લાંગતા હતા.
બ્લેક કમાન્ડોના ડ્રેસમાં તેઓ આગળ વધતા હતા. કાળાં કપડાં અને માથા પર બ્લેક કમની બાંધી હતી. તેના જમણા હાથમાં મશીનગન લટકતી હતી. ઇ.રસીદના હાથમાં એક બેગ હતી, જેમા વિસ્ફોટનો સામાન ભર્યો હતો. ત્રણેના હાથમાં રિવોલ્વર ચમકતી હતી. હાલવાથી નીચે પડેલાં વૃક્ષોના પાંદડા બૂટ નીચે કચડાતાં વિચિત્ર અવાજ પેદા કરતાં હતાં.
ગાઢ જંગલમાં તેઓ વૃક્ષોના ઝુંડમાં રસ્તો કરતા ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યા હતા.
જ્યારે તેઓ આતંકવાદીઓના કેમ્પ પાસે પહોંચ્યા ત્યારે રાત્રિના બાર વાગી ગયા હતા. ચારે તરફ ઊંચી ઊંચી ટેકરીઓ વચ્ચે ઘેરાયેલું તે મેદાન હતું. મેદાનને ફરતે કાંટાળા તારની ફેન્સિંગ બાંધેલી હતી. ત્યાં બે મોટા ગોડાઉન બનેલા દેખાતા હતા.
તેઓ અત્યારે જે પહાડી પર ઊભા હતા. તે પહાડીની નીચે કાબુલ નદીનું પાણી ખળભળાટ સાથે વહેતું હતું. ઉપરવાસમાં વરસાદ વધુ હોવાથી તેમાં ઘોડાપૂર આવ્યા હતાં. ત્યાંથી પહાડી પરથી ગોડાઉનવાળા કેમ્પસ એરિયામાં જવા માટે એક મોટો ઝૂલતો પુલ બનાવેલો હતો.
કદમ, પ્રલય અને રસીદએ ત્યાં ઊભીને તે પુલ અને આગળની પહાડીનું નાઇટવિઝન દૂરબીન વડે નિરીક્ષણ કર્યું.
પુલની બંને છેડા પર ચોકીઓ બનેલી હતી. અને બંને તરફ ચાર ચાર આતંકવાદીઓ ભરેલી રાયફલ લઇ ચોકી કરતા હતાં.
‘કદમ આપણે થોડા આગળ જઇ તે ચારને ગોળીથી ઉડાડી દઇએ ત્યારબાદ ચૂપચાપ પુલ પસાર કરી સામે ચાલ્યા જઇએ.’ રસીદ બોલ્યો.
‘રસીદ તું સમજે છે એટલું સરળ નથી, આ ચારને ગોળી માર્યા પછી તેની ચીસોના અવાજ અથવા તેને નીચે પડતા જોશ એટલે સામેના ચારે સિપાઇ ચોંકી જશે.’
‘કદમ... પુલની આગળ ચાર નહીં પણ છ આતંકવાદીઓ છે. બે આતંકવાદીઓ પુલથી થોડે દૂર મોટા વૃક્ષની નીચે બેઠા છે.’ નાઇટવિઝન દૂરબીનથી નજર ફેરવતાં પ્રલયે કહ્યું.
‘એટલે કુલ દસ આતંકવાદીઓને સ્વધામ પહોંચાડ્યા પછી જ આપણે પુલ પસાર કરી ગોદામ સુધી પહોંચી શકશું બરાબર...?’ રસીદ બોલ્યો.
‘હા... અને એની શુભ શરૂઆત હું કરું છું. પ્રલય તારો છુરો મને આપ...’ કદમે ચહેરા પરથી વરસાદનું પાણી લૂછતાં કહ્યું.
પ્રલયે કમરમાં છુપાવેલો મોટો છૂરો બહાર કાઢી કદમના હાથમાં આપ્યો, કદમે છૂરાને પોતાની કમરમાં તેના કવર સાથે લગાવ્યા પછી ચાર પગે (બે પગ- બે હાથ) વડે ધીમે ધીમે જરાય અવાજ ન થાય તેની સાવચેતી રાખતાં આગળ વધવા લાગ્યો.
વૃક્ષ નીચે બેઠેલા તે બે આતંકવાદીઓ એકદમ નજદીક પહોંચી એક મોટા વૃક્ષના થડની આડમાં તે ઊભો રહી ગયો અને પછી ડોકને લંબાવી તે તરફ નજર ફેરવી.
બંને આતંકવાદીઓ ત્યાં બેઠા બેઠા શરાબ પી રહ્યા હતા. તે બંનેની વચમાં શરાબની બોટલ પડી રહી હતી. તેઓ ધીમે ધીમે વાતો કરતા હતા.
કદમ ચૂપચાપ વૃક્ષની આડમાં ઊભા રહી શુ કરવું તે વિચારતો રહ્યો, પછી ધીરે ધીરે નીચા નમી એક મોટો પથ્થર ઊંચક્યો, ત્યારબાદ પાછા ઊભા તે જ્યાં છુપાયો હતો તેની વિરુદ્ધ દિશામાં જોર લગાવી ‘ઘા’ કર્યો.
‘સનનન... ન... થડાક...’ ના અવાજ સાથે હવાને કાપતો પથ્થર એક શિલા સાથે અથડાયો.
‘બસીદ... તેં અવાજ સાંભળ્યો... ?’
‘હા... ત્યાં કંઇક કોઇના કૂદવાનો અવાજ આવ્યો.’ બસીદ નામનો આતંકવાદી બોલ્યો.
‘તુ તારો ગ્લાસ ખાલી કર, હું ત્યાં રાઉન્ડ લગાવી આવું.’ ભીની દાઢી પર હાથ ફેરવતાં તે બોલ્યો અને પછી ઊભો થયો અને અવાજની દિશા તરફ આગળ વધ્યો.
જેવો તે આગળ વધ્યો કે તુરંત કદમ ઝડપથી તે વૃક્ષની નીચે ઊભો હતો. તેના પર ચડી ગયો અને પછી ફટાફટ એક ડાળથી બીજી ડાળથી ત્રીજા ડાળ પર થઇ, જ્યાં આતંકવાદીઓ બેઠા હતા તે વૃક્ષ પર પહોંચી ગયો.
બસીદ નામનો આતંકવાદી દારૂ પીવામાં મગ્ન હતો.
તે જ્યાં બેઠો હતો તેના ઉપરથી એક મોટી ડાળ પસાર થતી હતી. કદમ તે ડાળ ઉપર સૂઇ ગયો અને ધીરે ધીરે આગળ સરકવા લાગ્યો. જ્યારે તે બસીદની બરાબર ઉપર પહોંચી ગયો, કે તુરંત કદમે બંને પગ વડે ડાળ ને આંટી લગાવી ધીરે ધીરે બંને હાથને છોડી દઇ નીચેની તરફ નમવા લાગ્યો.
અત્યારે તેનું માથું નીચેની તરફ અને પગની આંટી વડે ડાળને મજબૂતાઇથી પકડીને અધ્ધર ઊંધો લટકતો હતો. પછી ધીરે ધીરે તેણે હાથ એકદમ સીધા કર્યા.
પણ તે બાસીદથી એકાદ ફૂટ જેટલા દૂર રહ્યા.
આનાથી નીચે તે નમી શકે તેમ ન હતો, હવે શું કરવું તે વિચારમાં પડી ગયો. એક ફૂટનું અંતર ઘણું કહેવાય અને તેના હાથ આતંકવાદી સુધી પહોંચતા ન હતા.
કંઇક વિચારી કદમે છૂરાને મોંમાં ભરાવ્યો પછી જલદી પોતાની કમર પર હાથ નાખી ચામડાનો બેલ્ટને ખોલ્યો, ત્યારબાદ ઝડપથી તે કમરથી ઉંચો થયો ને તેના એક હાથથી તે ડાળ પકડી અને બીજા હાથની મદદથી બેલ્ટને તે વૃક્ષની ડાળી ફરતો બાંધી બેલ્ટની ક્લીપ લગાવી દીધી, ત્યારબાદ બંને હાથથી ડાળને પકડી વૃક્ષની ડાળમાં ભરાયેલ પગને છૂટો કરી બંને પગને બેલ્ટની અંદર ભરાવી દીધા ત્યાર પછી બંને હાથ ડાળ પરથી હટાવી તે ધીરે ધીરે શરીરને નમાવવા લાગ્યો.
બીજી જ પળે તેનું શરીર ઊંધે માથે અધ્ધર લટકતું હતું. હવે એક ફૂટનું અંતર દૂર થઇ ગયું હતું. ત્યારબાદ કદમે બીજો આતંકવાદી જે પથ્થરોની થયેલા અવાજ માટે ચેક કરવા ગયો. તે તરફ નજર કરી, તે ધબકારા ચૂકી ગયો, કેમ કે તે આતંકવાદી ઝડપથી પાછો આવી રહ્યો હતો.
કદમ પાસે હર એક ક્ષણ કિંમતી હતી.
ઝડપથી તેના બંને હાથ ઘૂમ્યા.
તેનો એક હાથ નીચે ઊભેલા આતંકવાદીની ગરદન ફરતે નાગચૂડની જેમ વીંટળાઇ ગયો અને બીજો હાથ તેનાં મોં પર દબાઇ ગયો.
આટલું કર્યા પછી ઝડપથી કદમે શરીરને ઉપરની તરફ ઊંચકવા માંડ્યું. પોતના શરીરની વજનની સાથે સાથે તે આતંકવાદીના શરીરનું વજન પણ સાથે હતું. તેના પગમાં કારમી પીડા થવા લાગી. કઇ ઘડીએ પગ બેલ્ટના બંધનમાંથી છટકી જશે તે પણ નક્કી ન હતું.
આતંકવાદી તેના હાથમાંથી છટકવા તરફડિયા મારતો હતો અને બંને હાથેથી કદમના હાથમાંની છુટવાની કોશિશ કરતો હતો.
કદમના ધબકારા તેજ ગતિ સાથે વધી રહ્યા હતા.
શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું. શરીરના સ્નાયું ખેંચાતા હતા.
શરીરની પૂરી તાકાત વાપરી કદમ અધ્ધર ઊંચો થયો અને પછી બંને હાથને અધ્ધર કરી તે આતંકવાદીને વૃક્ષની તે મોટી ડાળીની ઉપર લઇ ગયો.
હવે તે આતંકવાદીના પેટનો ભાગ તે ડાળ પર હતો. એક તરફ પગ હથા, બીજી તરફ માથું, ગરદન હતી, હજુ કદમના હાથની નાગચૂડ તેના ગરદન પર ભીંગ વધારતી હતી.
કદમ પણ તેના ગરદન પર વીંટાળેલા હાથના જોર પર પોતાનું શરીર ઢીલું છોડી દઇ હાંફતો હતો. ત્યારબાદ તેણે બેલ્ટમાં ફસાવેલા બંને પગને બહાર કાઢ્યા અને બંને પગને ઘૂંટણથી વાળી ડાળ પર ભરાવી દીધા પછી તે ધીરે ધીરે ડાળ પર માંડ માંડ બેઠો થયો. આટલું કરવામાં તેની શરીરની વધી તાકાત વુપરાઇ ગઇ હતી.
કદમે નીચે નજર કરી, બીજો આતંકવાદી તે વૃક્ષની નીચે આવી ગયો હતો અને તેના સાથી આતંકવાદીને આમતેમ નજર કરી શોધતો હતો. તેણે ઉપર નજર કરી જોયું ન હતું. નહીંતર કદમનો ખેલ ખત્મ થઇ જાત.
થોડીવાર થાક ખાધા પછી કદમે પૂરા જોશ સાથે તે આતંકવાદીની ગરદન દબાવવાનું શરૂ કર્યું.
આતંકવાદીનું શરીર શ્વાસ રૂંધાતાં ખેંચાતું હતું. તે તેના બંને હાથ વડે ગરદન છોડાવવાની કોશિશ કરતો હતો, પણ છેવટે તે નાકામયાબ રહ્યો. તેનું શરીર ધીરે ધીરે શિથિલ થતું જતું હતું. ત્યારબાદ ઝડપથી કદમ વૃક્ષની ડાળ પર ઘોડા પર સવાર બેસે તેમ બેસી ગયો અને પછી બંને પગને તે મોટી ડાળ પર રાખી ધીમે ધીમે ઊભો થયો અને ઝડપથી ઉપરની એક ડાળને જમણાં હાથેથી પકડી લીધી. ત્યારબાદ જોર કરી ડાળને નમાવી અને તેના પગ પાસે મોટી ડાળ પર બેહાશ લટકતા બસીદને એક હાથના બળથી બાવડાથી અધ્ધર ઊંચકી ધીરે ધીરે ડાળ પર આગળ સરકવા લાગ્યો.
ત્યારબાદ તે વૃક્ષની મોટી ડાળ પરથી બસીદના બેહોશ શરીરને નીચે ધરતી પર સરકાવ્યું, ધબ્બના અવાજ સાથે બહોશ બસીદનો દેહ નીચે પટકાયો.
‘બસીદ... બસીદ...’ ત્યાં પહોંચેલા બીજો આતંકવાદી ચારે તરફ નજર ફેરવતાં બસીદને શોધી રહ્યો હતો. તેને એમ થયું હતું કે કદાચ બસીદ પેશાબ માટે આજુબાજુ ગયો હતો.
‘ધબ્બ...’ના અવાજ સાથે તે ચોંક્યો અને આગળ અવાજની દિશામાં જોયું બાસીદનો દેહ ધરતી પર પટકાયો હતો. તે આતંકવાદીની આંખો આશ્ચરય સાથે ફાટી ગઇ. ‘આવુ કેમ થયું...?’ વિચારતાં નીચે પડેલા બાસીદના દેહ પાસે દોડ્યો.
‘બસીદ... બસીદ...’ ઘૂંટણિયે બેસીને બસીદના ગાલને થપ થપાવતો હતો.
અચાનક તેના ઉપરના ભાગ તરફ ખખડાટીનો અવાજ આવ્યો.
ચોંકીને તે આતંકવાદીએ ઉપરની તરફ જોયું.
તે જ ક્ષણે કદમ જમ્પ મારી તેના પર કૂદ્યો.
તે આતંકવાદી આશ્ચર્ય અને દેહશતમાંથી બહાર આવે તે પહેલાં જ તેના પર જમ્પ લગાવી કુદેલા કદમે તેને દબાવી દીધો.
કદમનો એક હાથ તેના મોં પર દબાયો અને બીજો હાથ મોંમાં ભરાવેલ છૂરાને હાથમા લઇને આતંકવાદીની ગરદન પર ફેરવ્યો.
‘ખચ્ચ....’ના અવાજ સાથે પાણીદાર છુરો તે આતંકવાદીની ગરદનમાં ખૂપી ગયો, લોહીના ફુવારા છૂટ્યા. તે આતંકવાદી કદમના હાથમાં તરફડ્યો હતો.
બે મિનીટમાં જ તેના હાથમાં તરફડતો આતંકવાદીનો દેહ ઢીલો પડી ગયો. તેનો શ્વાસ રૂંધાઇ ગયો. તે તરફડી મૃત્યુની આગોશમાં ચાલ્યો ગયો.
ત્યારબાદ કદમે ઝડપથી મૃત્યુ પામેલા આતંકવાદી અને બેહોશ પડેલા આતંકવાદીનો એક એક હાથ પકડ્યો. ત્યારબાદ બળપૂર્વક ઢસડ્યો. ત્યાં જંગલમાં આવેલી નાની-નાની ટેકરીઓની પાછળ લઇ ગયો.
બંનેના દેહને ટેકરી પાછળ છુપાવી કદમે એક મોટો પથ્થર ઉપાડ્યો અને પૂરા બળ સાથે બસીદ નામના આતંકવાદીના માથામાં માર્યો. બસીદ નામનો તે આતંકવાદી ક્ષણ બે ક્ષણ માટે તરફડ્યો. પછી શાંત થઇ ગયો. કદમે હાથ ખંખેર્યા, છૂરાને પાછો ભેઠમાં ભરાવ્યો, તેનાં કપડાં લોહીવાળા થઇ ગયાં હતા. તેની પરવા કર્યા વગર ફરીથી તે પ્રલય અને રસીદ જે સ્થળ પાસે ઊભા હતા તે તરફ ચાલતો થયો.
***