ઉતાવળે પગથિયાં ચડને મંદિર સામું દેખાય છે હવે આઘુ નથી..છણકો કરતા સાસુએ વહુને કહ્યું..
અરે હું જ્યારે તારી ઉંમરની હતી ત્યારે આવા કઈક ડુંગરા ચડી ગઈ તી!!
હાલ હાલ જલ્દી કર વરસાદ આવું આવું થયો છે વાદળ જોઈને લાગે છે હમણાં તૂટી પડશે.
સાસુની વાત કાને ધરી વહુએ થોડી ગતિ પગથિયાં ચડવામાં વધારી.ત્યાં વરસાદનો એક રેડો વર્ષીને અલોપ થઈ ગયો.એટલે વહુએ કીધું..
બા ઉતાવળે પગથિયાં ચડવામાં ધ્યાન રાખજો !!પગથિયાં ભીના થઇ ગયા છે લપસી પડશો તમે..અને પાછી પગની તકલીફ છે તમને વૈદ્યે તમને સાવ આરામ કરવાનું કહ્યું છે.
અરે એવા વૈદ્ય ને ડોક્ટર તો કીધા રાખે એનું માનવાનું ન હોય..જો એનું માનીએ તો ખાટલા વહુ થઈ જઈએ તું તમતારે ચાલ્યે રાખ બેફિકર થઈને મને કંઈ નથી થવાનું.બીજો રેડો વરસાદનો આવે તે પહેલાં માતાજીના મંદિરે પહોંચી જવું છે.
આજ માતાજી પરીક્ષા કરતી હોય તેમ પગથિયાં જાણે વધારતી જતી હોય તેવું લાગતું હતું.છતાં હિંમત હાર્યા વગર સાસુ વહુ બંને ધીરે ધીરે કરતા માતાજીના મંદીર પરિસરમાં પહોંચ્યા.ત્યાંજ વાદળાં મન મૂકી વરસવા મંડ્યા.
સાસુમાના પગનો દુખાવો તેના મોઢા પર સ્પષ્ટ વરતાઈ આવતો હતો એટલે
વહુએ કીધું શુ જરૂર હતી બા આટલી તકલીફ વેઠીને અહીં આવવાની માતાજીનું નામ ઘરે ભાવે લઇ લીધું હોત તોય ચાલત,માતાજી ભાવની ભૂખી છે.
વરસાદના છાંટા હળવા થતા બહાર પરિસરમાં કોઈ વાતું કરી રહ્યું છે એમ લાગતા મંદિરના સાધ્વીજીએ બહાર ડોકું કાઢ્યું.જોવે તો વહુ સાસુને મીઠો ઠપકો આપતી હતી.વાત શુ છે એ જાણવા સાધ્વીજી એ બન્ને પાસે ગયા.
સાધ્વીજી આવતા જોય બન્ને ચૂપ થઈ સાધ્વીજીને પ્રણામ કર્યા.
આવા વરસાદી વાતાવરણમાં તમેં બંને અહીં ???સાધ્વીજી વાત પૂરી કરે તે પહેલાં વહુ બોલી..
માતાજી હુંય એજ કહું છું બા ને એક તો પગની તકલીફ અને પાછો આ વરસાદ....ભાવે ઘરે બેઠા બેઠા માતાજીનું નામ લઇ લીધું હોત તો માતાજી માની ન જાત ???
સાધ્વીજી મરક મરક હસ્યાં !!
એ જોય તરત સાસુ એ વહુને કીધું તું મૂંગી મરને તને શું ખબર પડે !!આ ડુંગરા વાળી મારી મહાકાળી હાજરા હજુર છે અને જે હું આશા લઈને આવી છું એ જરૂર પુરી કરશે.
હા માડી તમારો ભાવ સાચો હશે તો જરૂર મારી માતાજી તમારી આશા પુરી કરશે.સાધ્વીજી બોલ્યા !!
પણ સાધ્વીજી!! મહાકાળી માતા ને વાત પુગાળવા માટે અમારા વતી તમારે અરજ કરવાની છે કારણ કે માતાજી તમારું તરત માની લેશે.સાસુએ કહ્યું !!
પણ માજી તમારો સંકલ્પ શુ છે એ તો કહો માતાજી જરૂર પૂરો કરશે.
એક ઊંડો નિસાસો નાખી માડી બોલ્યા!!માતાજી શુ વાત કરવી મારે પ્રભુની પરમ કૃપાથી અમારે ખૂબ સારું છે.બસ એક શેર માટીની ખોટ રાખી છે પાંચ પાંચ વખત આ ધરતી લીલી થઈ પણ મારી વહુ નો ખોળો લીલો થયો નહીં.કેટલાયે વૈદ્ય,ડોક્ટરો અને હકીમોના ઓટલા લિસા કરી નાખ્યાં,કેટલીયે માનતા એમને એમ થાકીને પુરી કરી નાખી.પણ નતો ભગવાન રિજો નતો દવાએ અસર બતાવી.થાકી હારીને એક સંબંધીના કહેવાથી એક ઊંડી આશાએ માતાજી તમારી પાસે આવ્યા છીએ.મહાકાળી માં ને વિનંતિ કરો કે અમારી પર કૃપા કરી.. દયા કરે....આટલું તો માંડ બોલાણુ ત્યાં અવાજ ઘૂંટાય ગયો અને આંખે દડ દડ અંશુની ધાર પાલવ પલાળવા લાગી.
વહુ તરત ઉભી થઇ પોતાની સાસુ પાસે જયને પોતાના હાથે સાસુમાના આંશુ લૂછતાં બોલી બા નાહકને ચિંતા કરો છો મારા નસીબ માં હોત તો ક્યારનુંય મળી ગયું હોત પણ નસીબમાંજ સંતાન નહી હોય એટલે અત્યાર સુધી નથી મળ્યુ બાકી મેં અને તમે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે.તમે શાંત થઈ જાવ તમારા આંશુ મારાથી નથી જોવાતા.
માંડીએ વહુનો હાથ પકડી બોલ્યા બેટા આ અંદરની વેદના ઠલવાઇ ગઈ એટલે રોવાય ગયું હવે નહિ રડું બસ તું બેસ.
વહુની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા હતા પણ કઠણ કાળજે આશુડાને એમને ડામી દીધા અને પોતાની જગ્યાએ જય માતાજીના મંદિર સામે એક આશાભરી નઝર નાખી બેઠી.
થોડી વાર વાતાવરણ શાંત થઈ ગયું.મંદિરના છાપરે ગાજતા વરસાદના છાંટા ચોખા સંભળાવા લાગ્યા.જાણે સાસુ વહુ તરફ થી માતાજીને દુઃખ દૂર કરવાની અરજી કરતા હોય. અને ઓચિંતાનું એક ઝોરદાર ઝાપટું ધરતીને ભીની કરી અલોપ થઈ ગયું.જાણે બધું દુઃખ ઠાલવી નાખ્યું હોય એમ.
સાધ્વીજી બંને ને આશ્વાસન આપતા બોલ્યા આ બધી કુદરતની માયા છે આમાં હું કે તમે કાઈ કરી શકીએ નહિ.તમને ભલે જેણે કીધું હોય તેણે પણ હું દોરા ધાગા કરતી નથી.અને કોઈને ભ્રમમાં નાખતી નથી.બસ હું મારી આ માતાની ભાવે સેવા કરું છું.અત્યાર સુધીમાં મેં કોઈને પણ કઈ આપ્યું નથી.તમે માતાજીની સાચા હૃદય થી પૂજા કરો એટલે તમારું ધાર્યું કામ પૂરું થશે.આનાથી હું વિશેષ તમને કઈ કહી ભ્રમમાં નાખવા માંગતી નથી.માતાજી તમારું કલ્યાણ કરે.
અરે માતાજી કઈક તો પ્રસાદી આપો અમને પુરે પૂરો વિશ્વાસ છે તમારા આશીર્વાદ મહાકાલીની દયા થી અમને જરૂર ફળશે.સાસુ બોલ્યાં!!
દ્રઢ વિશ્વાસ માડીનો તૂટે નહિ એ માટે સાધ્વીજી ઉભા થઈ ધુણા પાસે ગયા અને થોડી ભભૂતિ કાગળમાં બાંધી માડીને આપતા બોલ્યા તમારા દીકરા અને વહુને આમાંથી ચપટી ચપટી પીવરાવજો જાવ તમારી ઈચ્છા માતાજી પુરી કરશે.અને આવતા વરસના વરસાદે તમે દીકરો લઈને દર્શને અહીં આવજો.
આટલા આશીર્વાદ મળતા સાસુ વહુ ખૂબ ખુશ થયા અને સાધ્વીજીનો ખૂબ ખૂબ પાળ માનતા હરખમાં ક્યારે પગથિયાં નીચે ઉતરી ગયા એમની ખબર ન રહી પગનો દુખાવોય માડીનો ગાયબ થઈ ગયો.સાસુ માનો હરખ જોય વહુ પણ રાજી થઈ અને મનમાં માતાજી નું નામ લઇ બોલી હે.... માં મારી સાસુમાં નો ભરોસો ન તોડતી એટલી દયા રાખજે.
હરખાતા હૈયે સાસુ અને વહું ઘરે પહોંચ્યા ...
આ લે બેટા આ સંભાળી યોગ્ય જગ્યાએ મૂકી દે જ્યારે મારો દીકરો આવે ત્યારે સાથે માં ની પ્રસાદી આરોગી લેજો માવડી સૌ સારા વાના કરશે...
ભલે બા!!
હવે તમે થાક્યા હશો થોડો આરામ કરી લ્યો..
હું સાચવીને મૂકી દાવ છું તમે ચિંતા ન કરો !!
એટલું બોલી વહુ પોતાના ઓરડામાં યોગ્ય જગ્યાએ ભભૂતિ મૂકી પોતાના ઘર કામમાં લાગી ગઈ..
સાંજે પોતાના પતિને જમાડતા જમાડતા પત્નીએ બધી વાત કરી જે એ નિરાંતે સાંભળતો હતો..
બસ તમેં જમી લ્યો એટલે આપણે બંને પ્રસાદી લઈ લઈએ..
હા સારું જા લઇ આવ એટલે લઈ લઈએ ..
ભભૂતિ લેવા હરખભેર એ પોતાના રૂમમાં ગઈ..
થોડી વાર લાગતા પતિએ અવાજ માર્યો શુ થયું આવે છે કે નહીં????
પ્રત્યુત્તર ન મળતા તે ઉભો થઇ પોતાની પત્ની પાસે ગયો ..
શુ થયું ???
જ્યાં ભભૂતિ મૂકી હતી ત્યાં નથી..
કાઈ વાંધો નહીં મળી જશે !!!
શુ મળી જશે ??? કેટલી મહેનતથી બા અને હું ભભૂતિ લાવ્યા હતા દુઃખી થતા થતા બોલી..
હવે જે થયું એ....બા ને કહેજે ભભૂતિ આપણે આરોગી લીધી બાકી ખૂબ દુઃખી થશે..
ખરેખર મારા નસીબમાં સંતાન સુખ નથી બાકી આમ ન થાય ..
પોતાની પત્નીને દુઃખી થતા જોય પતિ બોલ્યો દુઃખી ન થા જે થાય છે એ સારા માટેજ થાય છે..ચાલ ઉભી થા જાણે કાઈ બન્યું ના હોય એમ ...
ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા એમાં એક સવારે માજીના કાને ઉબકા સાંભળ્યા ખુશ થતા થતા જોવા ઉભા થયા જ્યાં જુવે ત્યાં નાના દીકરાની વહુ...
થોડી વારમાં મોટી વહુ પણ આવી ગઈ અને સાસુ વહુ બધી પરિસ્થિતિ પામી ગયા.
જા બેટા કપડાં બગળ્યા છે બદલાવી લે ..સાસુ બોલ્યા !!
નાની વહુ ગઈ એટલે મોટી વહુ બોલી લ્યો બા માતાજીએ આપણી અરજી સાંભળી લીધી હવે આપણા ઘરમાં ટૂંક સમયમાં કિલકારીયું ગુંજસે.જે ઉણપ હતી એ પુરી થશે.
હા એ બધું સાચું પણ આમાં તારે ખૂબ સહન કરવું પડશે કરણ તારી પેહલા તારી દેરાણીનો ખોળો ભરાણો એટલે !!!તારું માન ઘટી નાની વહુનું માન વધી જશે..સાસુ બોલ્યા !!
બા તમે ચિંતા ન કરો તમે મારી સાથે છો એટલે હું બધું સહન કરી લઈશ માતાજીને જેટલી પરીક્ષા કરવી હોય એટલી ભલે કરી લ્યે હું તૈયારજ છું..
વાહ બેટા વાહ વહુ હોય તો તારા જેવી ખરેખર હું ધન્ય થઈ ગઈ એમ કહી સાસુએ વહુને બાથ ભરી લીધી
સમય સમયનું કામ કરતો ગયો નાની વહુંના ખબર અંતર પૂછવા આવતા મહેમાન મોટી વહુનું મેણા ટોણા મારી દિલ દુઃખડવાની ખૂબ કોશિશ કરતા પણ જરાય જો મોટી વહુના સ્વભાવમાં ફેર પડે તો એ તો ઉલટાનું પોતાનું કામ ધગશથી કર્યે જાય અને દેરાણીનું ધ્યાન નાની બેનની જેમ રાખતી જાય...
ડિલિવરી માં હવે જાજો સમય નહતો દિવસો ગણાતા હતા.એકવાર દેરાણી બોલી..
મોટી બેન તમાંરી આ નિખાલસ સેવાનું ઋણ હું કઈ રીતે ચૂકવીસ..આ બધાય જે આવે એ કેટલું તમારું દિલ દઝાડે છે છતાંય તમારા માં કાઈ ફેર નથી પડતો ખરેખર તમે ખૂબ કઠણ છો હો !!
બેન અમુક સમયે માતાજી આ બધું સહન કરવાની હિંમત આપી દયે છે બાકી જે મારા નસીબમાં નથી એ મને મળવાનુજ નથી જે સહન કરવાનું લખ્યું છે એને સહન કર્યેજ છૂટકો ..તું દુઃખી ન થા આવા સમયે બાળક ઉપર અસર થશે તું તારી અને બાળકની ચિંતા કર બાકી બધા સારા વાના થઈ જશે !!!
દેરાણી પોતાની જેઠાણીનું મોઢુજ જોતી રહી ગઈ. બેન તમે ઠેઠ સુધી મારી ભેગાજ રહેજો તમને જોય મને ખુબ હિંમત આવી જાય છે..વાત પૂરી કરી ત્યાં દુખાવો ઉપાડ્યો ચેહરાની રેખા બદલાણી જેઠાણી તરત ઉભી થઈ દવાખાને લઈ જવાની વ્યવસ્થા કરવા માટે..ત્યાં
દેરાણીએ હાથ પકડ્યો જોજો હો બેન તમે મારાથી દુર ન થતા !!!
હા હું અહીંયાંજ છું તું ચિંતા ન કર ભગવાનના નામ લે હમણાં હું દવાખાને જવાની વ્યવસ્થા કરી આવુ..
જેની કેટલા સમયથી આતુરતાથી રાહ જોવાતી હતી આખરે એ સમય આવ્યો આવનારા મહેમાનને આવકારવા બધા ખડે પગે હોસ્પિટલમાં હાજર છે ક્યારે નર્સ કે ડોક્ટર આવી સારા સમાચાર આપે એની રાહ જોવાય રહી છે બધા ખુશ છે સામે ચિંતા પણ છે શું થશે??છ છ વર્ષ થી જેની રાહ જોવાતી હોય એમાં શું ઘટતું હોય ...
ઓપરેશન થિએટરનો દરવાજો ખુલ્યો બધાની નઝર એક સાથે ત્યાં ગઈ જુવે તો નર્સ... બધા સામે ચાલીને તેની પાસે ગયા હજી ઘરના કાઈ બોલવા જાય એ પહેલાજ
નર્સ બોલી ખૂબ ખૂબ અભિનંદન બાળકમાં ફૂલ જેવો દીકરો જન્મ્યો છે.અને માં દીકરા બન્નેની હાલત સારી છે..
માસી ઓ માસી ખવરાવો પેડા નર્સ બોલી...
માજી હરખાતા હૈયે બેટા ખવરાવવાનાજ હોય ને હમણાં આવી જાય એટલે મોઢું મીઠું કરાવું હો બેટા !!
પણ એ પહેલાં આલે એમ કહી નર્સ ના હાથમાં પાંચસો રૂપિયાની નોટ મૂકી..ચાલ હવે મારા દીકરાનું મોઢું બતાવ ચાલો ચાલો માજી એમ કહી માજી અને નર્સ અંદર ગયા પછી ધીરે ધીરે બધા સભ્યો વારા ફરતી અંદર જય બાળકને જોઈ ને આવ્યા ..
બેટા હવે તું ખબર અંતર પૂછતી આવ મોટી વહુને સાસુએ કીધું.
હા બા હવે હું જાવ છું એમ કહી મોટી વહુ અંદર ગઈ. પોતાની જેઠાણીને અંદર આવતા જોય દેરાણી થોડું ઉભું થવા ગઈ ત્યાં ઝડપથી હાલી જેઠાણીએ એને સંભાળી અરે બેન આ શું કરશો ??આરામ કરવાનો છે તારે!!
ક્યાં મારો દીકરો ???
આ રહીયો ઘોડિયામાં !!
ઘોડિયામાં નઝર નાખી જેઠાણી બોલી ખરેખર બેન તે અમને આ એક અનમોલ ભેટ આપી છે તારા થકી આજે બહાર ઉભેલા તમામ વ્યક્તિ ખૂબ ખુશ છે.આનું ઋણ કોઈ કાળે અમે ચૂકવી શકીશું નહીં....
દીકરાને હાથમાં લઈ જેઠાણી રમાડવા લાગી અને બાળક પણ જાણે મોજમાં આવી કિલકારીયું કરવા લાગ્યું.આખો ઓરડો કિલકારીથી ગુંજવા લાગ્યો.
દરવાઝો ખુલવાનો અવાજ આવતા રમાડવામાં થોડો વિક્ષેપ પડ્યો નઝર નાખી દરવાઝા પર તો બંને વહુના સાસુ ..
બા તમે જોયું કેવો રમે છે એ મારી પાસે મોટી વહુ બોલી..
હા બેટા તું મોટી માં જો રહી..સાસુ બોલ્યા !!
મોટી માં નહીં"માં"બોલો બા...નાની વહુ બોલી !!
હા બસ"માં"તું કેમ એમ બસ ...સાસુ બોલ્યા !!
ના એમ નહીં બા અત્યાર સુધીમાં મારુ જેટલું મેં ધ્યાન નથી રાખ્યું એટલું વિશેષ મારા જેઠાણી એવા મોટી બહેને ધ્યાન રાખ્યું છે..અને આ બાળક એમનાજ ભાગ્યનું છે મેં તો એમની પાસેથી છીનવી લીધું..
અને બા છીનવેલું કેટલી ઘડી મારી પાસે રહેશે..
એટલે શું કહેવા માંગે છે ??એ કે તારા નસીબનું હતું ને તને મળ્યું..એમાં છીનવી લેવાની ક્યાં વાત છે બેટા ..સાસુ બોલ્યા !!
બા તમને યાદ છે ભાભી માટે લાવેલ ભભૂતિ !!
હા યાદજ હોયને !!કેટલી મહેનત થી લાવ્યા હતા માતાજી પાસેથી પણ હજુ સુધી ક્યાં એમનું ફળ મળ્યું...
સાધ્વીજીએ અમારું માન રાખવા ભભૂતિ આપી દીધી બાકી એમને તો કહ્યુંજ હતું કે હું કઈ અંધવિશ્વાસ ફેલાવતી નથી કોઈ સારા ડોક્ટરને બતાવો..
એ સાચા હતા જો ને કાઈ પરિણામ ન આવ્યું એક ઊંડો નિસાસો નાંખી માડી બોલ્યા...
બા સાધ્વીજી થકિજ માતાજીની કૃપા થઈ આ બાળક ભભૂતિનું પરિણામ છે ..નાની વહુ બોલી !!
મોટી વહુ અને માડી બન્નેની નઝર એક હારે નાની વહુ પર ગઈ...
એટલે તું શું કેવા માંગે છે ??????માડી બોલ્યા...
બા માતાજીની પ્રસાદી ભભૂતિ મેં ખાઈ લીધી હતી..એટલે ક્યાંથી મળે ભાભીને !!મને એમ હતું કે હું ભાભી પેહલા જો માં બની જાવ તો મારુ વર્ચસ્વ ઘરમાં વધી જશે પણ એ મારી મોટી ભૂલ હતી..મને સમજાણું પણ ત્યાં ખૂબ મોડું થઈ ગયુ હતું.
બા હું તમારી પાસે માફી માંગુ છું મારા જેઠાણીને મળવાનું ફળ મેં છીનવી લીધું એટલે બન્ને મને માફ કરજો !!
અને આ બાળક હું મારી મા ગણો તો ભલે,મોટી બહેન ગણો તો ભલે એવા મારા જેઠાણીને આપું છું આજથી તમામ જવાબદારી આ બાળકની મોટા બેન તમારી રહેશે....
આટલું માંડ બોલાણું ત્યાં આંખના ખૂણેથી દડ દડ કરતા આંશુ ખરી પડ્યા જાણે હર એક આંશુ પસ્તાવો કરતા હોય..
સાસુ અને મોટી વહુ આ સઘળી ઘટના જોય સ્તબ્ધ રહી ગયા..બાળક મોટી વહુના ખોળામાં જોર જોર થી કિલકારી કરતું હતું જાણે સઘળું મળી ગયું હોય તેમ..
બેન હું તને મારી નાની બેનજ ગણું છું મારી નાની બેનની ખુશી મારાથી આમ નો છીનવાઈ ભલે જે તે ભૂલ કરી પણ આ તારા ખોળે જન્મ્યો છે અને તારો છે એ હકીકત છે....કદાચ ભભૂતિ તારા માટે આવી હોય !!જેઠાણી બોલી !!!
ના મોટા બેન મેં ચોરી કરી છે માટે આ બાળક તમને આપી પશ્ચયાતાપ કરવા માગું છું.
તમે હવે કાઈ બોલો તો તમને આ તમારી આ નાની બેનના સમ છે બસ !!!!!!
જેઠાણી પોતાના સાસુ સાથે હરખાતા હૈયે બાળક સાથે બહાર નિકળી ગયા જ્યાં દરવાજા પાસે પોતાનો દેર ઉભો હતો જેણે સમગ્ર ઘટના જાણી લીધી હતી ...પોતાની ભાભી અને માં બહાર જતા તે પોતાની પત્ની પાસે ગયો.
આ શું કર્યું તે ???
મને એ વાત નું દુઃખ નથી કે આપણું બાળક તે ભાભીને આપી દીધું!!
પણ તે ભાભી માટે આપેલ પ્રસાદી ચોરી કરીને ખાધી એ વાતનું દુઃખ છે...
મેં ભભૂતિ નથી ખાધી !!!
શુ??????
પતિ પોતાની પત્ની સામે તાકી જોતો રહ્યો !!
અને બહાર જાણે કુદરત પણ ખૂબ ખુશ થઈ ધોધમાર વરસાદના છાંટાએ પ્રેમ વરસાવી ધરતીને ભીંજવી એક ફોરમ અને છાપ છોડી ગયો..
જય માતાજી..........!!