વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 115
બીજા દિવસે મોડી બપોરે પપ્પુ ટકલાના ઘરે અમારી મુલાકાત થઈ અને ફાઈવફાઈવફાઈવ સળગાવીને તેણે અંડરવર્લ્ડકથા આગળ ધપાવી: ‘દુબઈની જેમ કરાચીમાં દાઉદ ઈબ્રાહિમની છત્રછાયા હેઠળ જુગારની ક્લબ ચલાવતો શોયેબ ખાન ઉર્ફે શોયેબ રમીવાલા હાજી ઈબ્રાહિમ ઉર્ફે ભોલુની સાથે ભાગીદારીમાં ગોરખધંધા કરતો હતો. પણ સાત લાખ ડોલર(ત્યારના ડોલરના ભાવ પ્રમાણે ત્રણ કરોડ રૂપિયાથી વધુ રકમ)ના ગોટાળાને લીધે શોયેબ ખાન અને ભોલુ વચ્ચે ઝઘડો થઈ ગયો અને બંને ભાગીદારો દુશ્મન બની ગયા. 8 જાન્યુઆરી, 1999ના દિવસે હાજી ઈબ્રાહિમ ઉર્ફે ભોલુ સમાધાન માટે કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં દાઉદના બંગલોથી થોડે દૂર શોયેબના બંગલોમાં ગયો. એ પછી ભોલુ ક્યારેય બહાર ન આવ્યો! ભોલુની હત્યાના આરોપ હેઠળ પોલીસે શોયેબ ખાનની ધરપકડ કરી.
એ ઘટનાના એક અઠવાડિયા પછી કરાચી પોલીસ શોયેબ ખાનને પોલીસ વેનમાં લઈને કોર્ટ ભણી જઈ રહી હતી ત્યારે ભોલુના સાથીદારો શોયેબ પર ત્રાટક્યા. જોખમી જણસ જેવા શોયેબની સાથે દસ સશસ્ત્ર પોલીસમેન હતા, પણ ભોલુના સાથીદારોએ અત્યાધુનિક શસ્ત્રોથી ગોળીબાર કરીને શોયેબની સાથે ચાર પોલીસમેનને પણ ઢાળી દીધા.’
‘દાઉદ ગેંગના ટોચના સાથીદારોની ગંજીફા સાથે સરખામણી કરીએ તો, જુગાર ક્લબના માલિક એવા શોયેબ ખાન અને હાજી ઈબ્રાહિમ ઉર્ફે ભોલુના કમોતથી દાઉદના બે પત્તાં ઓછી થઈ ગયા એમ કહી શકાય,’ પપ્પુ ટકલાએ કમેન્ટ કરી અને તરત જ વાતનો દોર સાધી લીધો: ‘કરાચીમાં દાઉદની ગેંગ વચ્ચે આપસમાં લડાઈ ચાલી રહી હતી ત્યારે છોટા રાજન પણ કરાચીમાં સ્થાનિક ગુંડાઓની મદદથી મોકો મળે ત્યારે દાઉદના માણસો પર હુમલો કરાવી રહ્યો હતો. સામે દાઉદ પણ બિલકુલ શાંત બેઠો નહોતો. તેણે તેના શૂટર્સને રાજનની પાછળ લગાવી દીધા હતા. દુનિયાના કોઈપણ ખૂણે જઈને રાજનને મારવા માટે પાણી જેમ પૈસા વહાવવાની છૂટ તેણે તેના ચુનંદા શૂટર્સને આપી હતી. એના કારણે જ છોટા રાજન કોઈ એક જગ્યાએ વધુ સમય રહેતો નહોતો. દાઉદ સાથે છેડો ફાડીને દુબઈથી નીકળ્યા પછી તેણે મલેશિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા અને થાઈલેન્ડ વગેરે દેશોમાં સમયાંતરે ધામો નાખ્યો હતો.
જો કે દાઉદના શૂટર્સ રાજનનો પીછો કરતા સિંગાપુર, દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં તથા મલેશિયાના કુઆલાલમ્પુરમાં પણ પહોંચી ગયા હતા. સિંગાપુરમાં અને દુબઈમાં તો રાજન દાઉદના શૂટર્સથી બાલ બાલ બચી ગયો હતો. આ દરમિયાન છોટા રાજન ઘણા સમય માટે મલેશિયાના દરિયાકિનારાથી થોડે દૂર એક વૈભવશાળી યૉટમાં પણ રહ્યો હતો.
દાઉદના શૂટર્સ છોટા રાજનનું પગેરું દબાવી રહ્યા હતા. તો બીજી બાજુ રાજને પણ દાઉદ અને છોટા શકીલ ઉપરાંત દાઉદના બીજા મહત્વના સાથીદારોની પાછળ પોતાના શૂટર્સને શિકારી કૂતરાઓની જેમ છોડી મૂક્યા હતા. વિદેશોમાં ગેંગવોરને કારણે દેહાંતદંડની સજાનો ભય હોવા છતાં એકબીજાના જીવનના દુશ્મન બનેલા ગુંડા સરદારો અને ગુંડાઓ વિદેશની ધરતી ઉપર પણ ઝનૂનપૂર્વક લોહી વહાવતા હતા.
ઓગસ્ટ, 1995માં દુબઈમાં ‘રિજન્સી’ હોટેલની બહાર દાઉદ ગેંગના સુનીલ સાવંત ઉર્ફે સાવત્યા અને તેના નેપાળી સાથીદાર મુજીબુલ્લા મુસ્સાલામાને ગોળીએ દેનારા, છોટા રાજન ગેંગના શૂટર્સ, ધનંજય રાજણ્ણા અંચન, શ્યામસુંદર સુલેશા ઐમન અને મુલ્લન કન્નુમલ દેવનંદનને 18 જુલાઈ, 1997ના દિવસે દુબઈમાં દેહાંતદંડની સજા ફટકારવામાં આવી હતી. દુબઈના સત્તાધીશોએ તેમને જાહેરમાં ગોળીએ દઈ સજાનો અમલ કર્યો હતો. 25 વર્ષીય ધનંજ્ય અંચન અને 23 વર્ષીય શ્યામસુંદર સુલેશા ઐમન સાવત્યાને મારવા માટે ખાસ મુંબઈથી દુબઈ ગયા હતા. ત્રીજા આરોપી મુલ્લન કન્નુમલ દેવનંદનનો ગુનો એ હતો કે તેણે ધનંજ્ય અને શ્યામસુંદર જેવા શૂટર્સ માટે દુબઈમાં વિઝાની વ્યવસ્થા કરી હતી. દેવનંદન દરજી હતો, પણ સરળતાથી વધારે પૈસા કમાઈ લેવાની લાહ્યમાં એ પણ 35 વર્ષની ઉંમરે કમોતે મર્યો હતો.
વિદેશોમાં કાયદાનો આવો ખોફ હોવા છતાં પરદેશી ધરતી ઉપર પણ ગેંગવોર ચાલી રહી હતી. પાકિસ્તાનમાં જોકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હિન્દુસ્તાનથી પણ ખરાબ હતી. પણ એમ છતાંય પાકિસ્તાનમાં દાઉદ માટે ‘મોસાળે જમવાનું અને મા પીરસનારી’ જેવો ઘાટ હતો. પાકિસ્તાન તેના માટે મોસાળ જેવું હતું અને આઈએસઆઈ જેવી, ભાંગફોડિયા પ્રવૃત્તિ ચલાવતી, જાસૂસી સંસ્થા તેના માટે મા જેવી બની હતી. દાઉદે કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં ભવ્ય મહેલ બનાવ્યો હતો અને આઈએસઆઈના ચુનંદા જવાનો રાઉન્ડ ધ ક્લોક દાઉદની સલામતીની જવાબદારી સંભાળતા હતા. બદલામાં દાઉદ ભારતમાં બોમ્બવિસ્ફોટ કરાવીને દહેશત ફેલાવવાથી માંડીને અબજો રૂપિયાની નકલી ચલણી નોટો ભારતમાં ઘુસાડવા માટે તેના નેટવર્કનો ઉપયોગ આઈએસઆઈને કરવા દેતો હતો. આઈએસઆઈના અધિકારીઓ દાઉદને હથેળીમાં સાચવી રહ્યા હતા. એવી સ્થિતિમાં કરાચીમાં દાઉદની હત્યા કરાવવાનું કામ લોઢાના ચણા ચાવવા સમાન હતું. પણ છતાં રાજનના શૂટર્સ દાઉદને મારવાનો મોકો શોધી રહ્યા હતા.’
***
‘દાઉદ અને રાજન એકબીજાના કાંટો કાઢી નાખવા માટે તાકાત અજમાવી રહ્યા હતા ત્યારે બીજી બાજુ મુંબઈ અને થાણેની જેલમાં પણ દાઉદ-રાજન ગેંગની દુશ્મનીના પડઘા પડી રહ્યા હતા. થાણે સેન્ટ્રલ જેલમાં છોટા રાજનના એક ગુંડાએ દાઉદ અને તેના ભાઈઓ વિશે કમેન્ટ પાસ કરી એને કારણે રાજન-દાઉદ ગેંગના ગુંડાઓ વચ્ચે જેલમાં જ ધમસાણ મચી ગયું હતું. થાણે સેન્ટ્રલ જેલ અને મુંબઈની આર્થર રોડ જેલમાં સમયાંતરે આવાં છમકલાં થતાં રહેતાં હતાં. જેલમાં ગેંગવોરની પ્રથમ નોંધપાત્ર ઘટના 29 મે, 1997ના દિવસે થઈ હતી. 29 મે, 1997ના દિવસે મુંબઈ પોલીસ છોટા રાજન ગેંગના એક ગુંડા રમેશ નગાડેને અંધેરી મેટ્રોપોલિટન કોર્ટમાં એક કેસની સુનાવણી માટે લઈ ગઈ હતી. અંધેરી કોર્ટના કમ્પાઉન્ડમાં દાઉદ ગેંગના ગુંડાઓ બાબાજાન શેખ અને સની શેખે રાજન ગેંગના રમેશ નગાડે ઉપર ચોપરથી હુમલો કર્યો. નગાડેને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને તેના પર હુમલો કરનારા બંને ગુંડાઓની પોલીસે ધરપકડ કરી.
‘એ ઘટનાના પ્રત્યાઘાત રૂપે જે ઘટના બની એની પોલીસે કલ્પના પણ નહોતી કરી!’
(ક્રમશ:)