વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ – 114
‘મુમ્બૈયા અંડરવર્લ્ડની ગૅંગવોરમાં એક પછી એક લાશો પડી રહી હતી એ દરમિયાન છોટા રાજને અખબારો સુધી એવું નિવેદન પહોંચાડ્યું કે ‘સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના આરોપીઓ દેશદ્રોહી છે અને મેં એમને દેશદ્રોહ માટે સજા આપવાનો નિશ્વય કર્યો છે!’ રાજનના એ નિવેદનને કારણે મુમ્બૈયા અંડરવર્લ્ડની ગૅંગવોર વધુ તેજ બની ગઈ!’
‘દાઉદ અને છોટા રાજનની દુશ્મનીનું આ પાસું આશ્વર્યજનક છે,’ પપ્પુ ટકલાએ બ્લેક લેબલ વ્હિસ્કીનો વધુ એક ઘૂંટ ભરીને ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ લીધો અને ગોળાકાર ધુમાડો છોડ્યો પછી વાત આગળ ધપાવી: ‘છોટા રાજને બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી માજિદ ખાન અને તેના સાથીદારોની હત્યા કરાવી એથી ઉશ્કેરાઈને છોટા શકીલે રાજનને વળતો જવાબ આપવા મુંબઈના ભૂતપૂર્વ મેયર અને માહિમના નગરસેવક તથા શિવસેનાના નેતા મિલિન્દ વૈદ્યની હત્યા કરવાનો આદેશ પોતાના શૂટર્સને આપ્યો. મિલિન્દ વૈદ્ય તેમની ઑફિસની બહાર શિવસૈનિકોનો દરબાર ભરીને બેઠા હતા ત્યાં છોટા શકીલ ગેંગના ચાર શૂટર એકે-ફિફટી સિક્સ ગન સાથે ત્યાં ધસી આવ્યા.. છોટા શકીલના શૂટર્સે આડેધડ ગોળીબાર કર્યો. એ ગોળીબારમાં ત્રણ શિવસૈનિકો માર્યા ગયા અને શિવસેનાના નેતા મિલિન્દ વૈદ્ય સહિત 7 વ્યક્તિને ગંભીર ઈજા થઈ.
મિલિન્દ વૈદ્ય પર હુમલા પછી છોટા શકીલે શિવસેનાના અન્ય નેતાઓ અને કાર્યકરો પર હુમલાઓ શરૂ કરાવ્યા. 16 એપ્રિલ, 1999ના દિવસે છોટા શકીલના શૂટર્સે બોરીવલીમાં શિવસેનાના શાખાપ્રમુખ મહાદેવ આત્મારામ ખાંડેકરને ગોળીઓથી વીંધી નાખ્યા. તો 8 મે, 1999ના દિવસે વિક્રોલી ઉપનગરમાં શિવસેનાના ભૂતપૂર્વ શાખાપ્રમુખ દત્તાત્રેય રામચંદ્ર સાવંતની હત્યા કરાઈ.
આ દરમિયાન મુંબઈ પોલીસ પણ આક્રમક બની હતી. 1999ના માર્ચ મહિનામાં મુંબઈ પોલીસે જુદી જુદી ગેંગના 24 ગુંડાઓને એન્કાઉન્ટરમાં મારી નાખ્યા. અંડરવર્લ્ડની જુદી-જુદી ગેંગના શૂટર્સ મુંબઈગરાઓને ગોળીઓનો શિકાર બનાવી રહ્યા હતા તો સામે મુંબઈ પોલીસના શાર્પશૂટર્સ પણ આધુનિક શસ્ત્રો સાથે અંડરવર્લ્ડના શૂટર્સને મોકો મળે ત્યાં હણી રહ્યા હતા. પ્રદીપ શર્મા, દયા નાયક, વિજય સાળસકર, પ્રફુલ ભોંસલે અને રવીન્દ્ર આંગ્રે જેવા પોલીસ અધિકારીઓ ‘એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ’ તરીકે નામના મેળવી રહ્યા હતા. 11 મે, 1999 અને 12 મે, 1999ના દિવસે તો મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ્સે દાઉદ ગેંગના ત્રણ-ત્રણ એમ કુલ છ શૂટર્સને ગોળીએ દીધા. મુંબઈ પોલીસ અને અંડરવર્લ્ડના શૂટર્સ વચ્ચે ગોળીની ભાષામાં વાત થઈ રહી હતી. અને દાઉદ અને રાજન તથા દાઉદ ગૅંગ વચ્ચે ગૅંગવોર ચરમસીમાએ પહોંચી રહી હતી ત્યારે બીજી બાજુ દાઉદ અને ગવળી ગેંગ વચ્ચે પણ એકબીજાના શૂટર્સને ખતમ કરવાની હોડ ચાલી રહી હતી.’
***
‘મુંબઈમાં અંડરવર્લ્ડ ગેંગવોર અને અંડરવર્લ્ડ પોલીસની દુશ્મનીના નવા-નવા રેકર્ડ સર્જાઈ રહ્યા હતા ત્યારે દિલ્હીમાં દાઉદના રાજકીય આધારસ્તંભ સમા રોમેશ શર્માના નવાં-નવાં કારસ્તાન બહાર આવી રહ્યાં હતાં. દિલ્હી પોલીસ અને સીબીઆઈની તપાસમાં રોમેશ શર્માના સેક્સ સ્કેન્ડલ વિશેની ચોંકાવનારી વાતો બહાર આવી હતી. રોમેશ શર્માની ‘સેવા’માં બૉલીવુડની ઘણી હિરોઈન્સ તથા હાઈ સોસાયટીની સુંદરીઓ અવારનવાર હાજર થતી હતી અને તેની શૈયાસંગિની બનતી હતી એવી માહિતી દિલ્હી પોલીસને મળી. હરિયાણાના એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાનની એક ગર્લફ્રેન્ડ ઘણીવાર રોમેશ શર્માના નિવાસસ્થાન ‘મૅફેર ગાર્ડન’માં જતી હતી. એ પછી તે તેની મોટી પુત્રી અને નાની પુત્રીને પણ શર્માના ‘તનોરંજન’ માટે લઈ જતી થઈ હતી એવી માહિતી પણ બહાર આવી હતી. બિહારના એક જજસાહેબ પણ તેમની પુત્રીને લઈને રોમેશ શર્માના નિવાસસ્થાને જતા હતા. તેઓ શર્માના બંગલોમાં નીચે ખાણી-પીણીની મહેફીલ જમાવતા અને પોતાની યુવાન પુત્રીને ઉપર રોમેશ શર્માના બેડરૂમમાં મોકલતા હતા! આ ઉપરાંત દિલ્હીની હાઈ સોસાયટીની અનેક રૂપાળી મહિલાઓ પણ રોમેશ શર્માના બેડરૂમની ‘શોભામાં અભિવૃદ્ધિ’ કરતી હતી.
પુષ્પક એવિયેશન કંપનીનું હેલિકોપ્ટર પડાવી લેવાના તથા અન્ય કેસમાં રોમેશ શર્માની ધરપકડના થોડા સમય પછી 18 જાન્યુઆરી, 1999ના દિવસે રોમેશ શર્માના ભાઈ હરીશ શર્માની પણ હેલિકોપ્ટર પડાવી લેવાના કેસમાં ધરપકડ થઈ એટલે રોમેશ શર્માને વધુ એક આંચકો લાગ્યો. રોમેશ શર્મા સામેના કેસીસની તમામ માહિતી દાઉદ કરાચીમાં બેઠાં બેઠાં મેળવતો રહેતો હતો.
આ દરમિયાન કરાચીમાં પણ ગેંગવોરનું એક નવું ચેપ્ટર શરૂ થઈ ગયું હતું. દાઉદ ગેંગમાં આંતરિક ડખા શરૂ થઈ ગયા હતા. અબુ સાલેમ અને છોટા શકીલની દુશ્મનીને કારણે સાલેમ ઓસ્ટ્રેલિયા ભેગો થઈ ગયો હતો અને એણે પોતાની આગવી ગેંગ બનાવીને ‘કારોબાર’ શરૂ કરી દીધો હતો. આવી જ રીતે કરાચીમાં પણ દાઉદના મહત્વના સાથીદારો શોયેબ ખાન ઉર્ફે શોયેબ રમીવાલા અને હાજી ઈબ્રાહિમ ઉર્ફે ભોલુ વચ્ચે બરાબર જામી પડી હતી. ઈરફાન ગોગાની દુબઈમાં હત્યા થઈ એની પાછળ શોયેબ ખાનની ઈરફાન સાથેની દુશ્મની પણ જવાબદાર હતી. ઈરફાન ગોગા શોયેબ ખાનના જુગારખાનામાં મોટી રકમ જીત્યો હતો. પણ એ રકમ ચૂકવવાની શોયેબ ખાને ના પાડી દીધી એમાંથી શોયેબ ખાનને ગોગા સાથે ઝઘડો થઈ ગયો હતો અને શોયેબે દાઉદના ભાઈ અનીસને ગોગા વિરુદ્ધ ઉશ્કેર્યો હતો. એ પછી શોયેબ ખાન થોડા સમય શાંત રહ્યો હતો. પણ થોડા સમય બાદ તેણે બીજું એક મોટું ઉંબાડિયું કરીને કરાચીમાં ગેંગવોર શરૂ કરાવી દીધી...’
પપ્પુ ટકલા કડકડાટ અંડરવર્લ્ડકથા કહી રહ્યો હતો ત્યાં અચાનક એના સેલફોનની રિંગ વાગી અને તેણે સ્ક્રીન પર ફલેશ થયેલો નંબર જોઈને કહ્યું કે ‘આપણે ફરી કાલે મળીએ. અત્યારે મારે કોઈને મળવા જવાનું છે.’
આને અડધી રાતે કોને મળવું પડશે એવો વિચાર અમને આવ્યો એ જ વખતે પોલીસ ઑફિસર ફ્રેન્ડે સૂચક નજરે અમારી સામે જોયું. અમે પપ્પુ ટકલાની વિદાય લીધી એ પછી બહાર નીકળીને પોલીસ ઑફિસર ફ્રેન્ડે કહ્યું કે ‘પપ્પુ ટકલાના બધા ફોન નંબર રેકોર્ડિંગમાં મૂકી દેવાયા છે! એ ફરીવાર અંડરવર્લ્ડમાં ઓતપ્રોત થઈ રહ્યો છે!’
(ક્રમશ:)