"હેલ્મેટના હંગામા"
લેખક :- અનિલ બી. સરૈયા "અનમોલ"
આપણા દેશમાં હેલ્મેટ પહેરવાનો કાયદો આમ તો વર્ષોથી છે, અને તે જીવન રક્ષક પણ છે. પરંતુ સરકારે આ કાયદાનો અમલ ચુસ્ત રીતે થાય તે માટે હિટલરશાહીની જેમ હેવી દંડનો માર્ગ અપનાવ્યો છે, તેથી ગરીબ અને સામાન્ય વર્ગ ખૂબ જ પરેશાન છે.
તેમને થાય છે કે "રોજ રોજની બસની કતાર અને પૈસાના વ્યયથી બચવા માંડ માંડ લોન લઈને આ ટુ વ્હીલર વસાવ્યું અને હવે ન કરે નારાયણ ને તેનો દંડ થાય તો…?
આપણે તો મરી જ જઈએ.
આપણી હાલત તો 'બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી' જેવી થાય.
વળી એ પણ જાણવા મળ્યું છે કે એક ટ્રક ડ્રાઇવરને ટ્રાફિક પોલીસે ₹૬,૫૩,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે. મને થયું કે રોજના પાંચસો રૂપિયા કમાનાર આ ટ્રક ડ્રાઇવર ક્યારે આ દંડની ઉછીની કે વ્યાજે લીધેલી હશે તે ભરપાઈ કરી શકશે?
હવે આપણા ગુજરાતમાં તેનો ચૂસ્ત અમલ તા. ૦૧-૧૧-૨૦૧૯થી શરૂ થયો છે તો તેની આ બધી તકલીફોનો સામનો કરતાં કરતાં આપણે હાસ્યસભર શૈલીમાં સ્મિત સાથે હેલ્મેટના હંગામા" મમળાવીએ….
(પણ આ બધું જ કાલ્પનિક હોય કોઈએ બંધ બેસતી પાઘડી ના… ના… હેલ્મેટ ન પહેરી લેવી.)
¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤
"હેલ્મેટ...મારી હેલ્મેટ"
એક ભાઈ સ્કૂટર ઉપર જતા હતા.
પોલીસે સીટી પાડી : "હેલ્મેટ?"
"નથી."
"લાયસન્સ?"
"નથી."
"તો તમે ગાડી ન ચલાવી શકો. ગાડી મુકતા જાઓ."
"બહુ સારૂં, સાહેબ. હું ગાડી આપને આપવા જ આવતો હતો.
ત્રણ દિવસ પહેલા એક ભાઈએ અમારા ઘર પાસે સ્કૂટર પાર્ક કર્યું અને તેમાં હેલ્મેટ રાખી માર્કેટમાં ગયા. ત્યાંથી આવીને જોયું તો તેની હેલ્મેટ કોઈ ચોરી ગયું હતું.
આથી તે ભાઈ : "હેલ્મેટ… મારી હેલ્મેટ…"
બોલતાં બોલતાં પાગલ થઈ ગયાં.
અને સ્કૂટર રેઢું મુકીને ચાલ્યા ગયા.
આજે તેને ત્રણ દિવસ થઇ ગયા.
તેથી થયું, જરા પોલીસ ચોકીએ મુકી આવું. હવે તમે જ પહોંચાડી દેજો.
લ્યો આ ચાવી.."
¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤
" નવી ફિલ્મો "
હવે આપણે અમિતાભ જેવું લીવરે લીવર કે ડોનનું પોલીસને હંફાવતું અને રૂંવાડા ઉભા કરી દે તેવું ડ્રાઈવિંગ રીઅલમાં તો શું ? પણ લાગે છે કે ફિલ્મોમાં પણ નહીં જોવા મળે.
આથી હવે હિન્દી ફિલ્મોમાં કેવા ડાયલોગ હશે… જુઓ :
"ડોન હો, યા ઉસકા બાપ હો, પર ભારતીય ટ્રાફિક પુલીસસે બીના બેલ્ટ બાંધે યા બીના હેલ્મેટ પહને કોઈ નિકલ નહીં શકતા… ઔર બીના પીયુસી સે નિકલના તો નામુમકીન હૈં!"
¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤
"૨૧મી સદીનું રાવણરાજ"
એક વખત રાવણ છુપા વેશે નગર ચર્ચા માટે હોન્ડા પર નીકળ્યો.
તેને જોઈને ટ્રાફિક પોલીસે સીટી પાડી.
"એય તારા દસ માથામાં હેલ્મેટ તો એક જ છે, શું તું રાજા રાવણ તો નથી ને?"
આથી હસીને રાવણ બોલ્યો : "વત્સ, તું બરોબર ઓળખી ગયો. આમેય અધિકારીએ રાજાને તો ઓળખવા જ રહ્યાં. પણ હું અત્યારે છુપાવેશે છું, તેથી સામાન્ય પ્રજાજન જેવું જ વર્તન કરજે."
"તો પછી… ચાલો, હેલ્મેટ એક જ કેમ પહેરી છે?"
"જો વત્સ, મારૂ એકજ માથું છુપા વેશે છે, બાકીના ૯ માથા ઉપર તો સોનાનાં મુગટ છે. અને હું કંઈજ છુપાવવા માંગતો નથી, તેથી પાછળ વાંચી લે…
બધા જ સોનાના મુગટ પાછળ ISI છે. કાલે જ પાકિસ્તાનથી ઈમ્પોર્ટ કર્યા છે."
¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤
હેલ્મેટ પણ ભાડે ?
હેલ્મેટની તંગીથી તોબા પોકારી ગયેલ લોકો માટે આનંદના સમાચાર.
એક ભાઈ એ દુકાન ખોલી :-
"હેલ્મેટ ભાડે મળશે".
ભાડું કલાક ના ₹ ૧૦૦, પણ જો ૧૦ મિનિટ માં પાછી આપી જાઓ તો ફક્ત ₹ પ૦…
મેં વળી કુતુહલ થી પુછ્યું.. "ફક્ત દશ મિનિટ માટે ભાડે ? "
મને કહ્યું :- "હા, જુઓ સામે ટ્રાફિક સિગ્નલ છે. બધા લોકો દરરોજ આવી હેલ્મેટ પહેરી સિગ્નલ વટાવે છે અને ત્યાં આગળ મારા ભાઈ ની દુકાન છે તેને આપી દે છે. વળી સાંજે પાછા ફરે ત્યારે ત્યાં થી લઈ અહીં આપી દે છે. "
મને કહ્યું કે.. મારો તો માસીક કુપન કાઢવા નો વિચાર પણ છે..
મેં કહ્યું :- વાહ, છે ને ભેજાબાજ…
¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤
"ડોક્યુમેન્ટસના લાભ"
"આપણને ઉપરથી ઓર્ડર હતો કે આપણે મારફાડીયા ડોનને પકડવાનો છે, તો પછી તે તેને જાવા કેમ દીધો?"
ટ્રાફિક ઈન્સ્પેકટર હરી ઓમ્ હરી ફેઇમ હરીહરરાય સાહેબે નવા ભરતી થયેલા ટ્રાફિક પોલીસને પૂછતાં તેણે જવાબ આપ્યો : "પણ શું કરૂં સાહેબ, તેની પાસે લાઇસન્સ, આર સી બુક, વીમો, પીયુસી વગેરે હતાં અને સીટબેલ્ટ પણ બાંધેલ હતો, તો પછી શું કરૂ?"
¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤
"વિક્રમ વેતાલ"
વિક્રમે ફરી એક વાર ઝાડ પર થી મડા ને ઉંચકી ખંભે મુકી આગળ પ્રયાણ કર્યું.
તેથી મડુ બોલ્યું :-
"આજે હું એક સરસ મજાની વાત કહું છું, સાંભળ.
એક દિકરો અને તેની મોટી ઉંમરનો બાપ હિરો હોન્ડા લઈ ને જતા હતા.
દિકરો ગાડી પર બેઠો હતો અને બાપ ચાલતો આવતો હતો.
ત્યાં ઉભેલા લોકો એ કહ્યું :-" જો જુઓ તો ખરા, જુવાન જોધ દિકરો હોન્ડા ઉપર છે અને બુઢો બાપ બિચારો ચાલી ને આવે છે.
આ સાંભળી દિકરા એ બાપા ને સ્કુટર પર બેસાડ્યા અને પોતે ચાલવા લાગ્યો.
આ જોઇ લોકો બોલવા લાગ્યા :- જુઓ તો ખરા આવડા મોટા બાપ ને, દિકરા ની કંઈ દયા જ નથી. પોતે વરરાજા ની જેમ બેઠો છે અને દિકરા ને ગુલામ ની જેમ ચલાવે છે.
આ સાંભળી બાપા પણ નીચે ઉતરી ગયા.
અને બન્ને બાપ દિકરો હિરો હોન્ડા લઈ ને ચાલવા લાગ્યા.
"હે વિક્રમ, " વેતાળે પ્રશ્ન પૂછ્યો,
હિરો હોન્ડા જેવી ગાડી હતી છતાં બાપ દિકરો બન્ને સાથે બેસ્યા નહીં તેનું કારણ તું જાણતો હોય અને ન બતાવે તો તને ભારતની ટ્રાફિક પોલીસની આણ છે.
આ સાંભળી વિક્રમ રાજા એ કહ્યું :- કારણ કે તેમની પાસે ફક્ત એક જ હેલ્મેટ હતી.
"તારા હેલ્મેટ વગર ના માથા માં ખૂબજ બુધ્ધિ ભરેલી છે. " કહીને વેતાળ ફરી થી ઝાડ પર ચઢી ગયો..
¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤
"હેલ્મેટ પછી"
એક ભાઈ સાવ દુબળા પાતળા હતાં.
તે મોઢુ વકાસીને બેઠા હતા.
મેં કુતુહલતાથી પૂછ્યું : "કોણ ગયું? "
મને કહે : "ખિસ્સામાંથી ૫૦૦ ની નોટ ગઈ, તેની કાણ માંડીને બેઠો છું."
મેં પૂછ્યું : "કેમ કરતાં?"
મને કહે : "આ હેલ્મેટનો કાયદો આવ્યો છે ને…"
મેં કહ્યું : "તો હેલ્મેટ લઈ લેવાય ને?"
મને કહે : "લીધી તો ખરી. પણ હેલ્મેટથી ડોકું નીચે ગળામાં બેસી જાય છે. તેથી ન્હોતી પહેરી."
મેં કહ્યું : "ભાઈ જરા સમજો, આ કાયદો, આપણા લાભ માટે છે. કહેવત છે ને, કે શિર સલામત તો… "
આ સાંભળી મને કહે : "ભાઈ તમને ખબર છે, ભવિષ્યમાં શું થવાનું છે?"
મેં કહ્યું : "ના, હું કાંઈ જ્યોતિષી નથી."
તો મને કહે : "હવે અકસ્માત થશે અને શરીરના બધા જ હાડકાંના ભૂક્કા થઈ જશે, ત્યારે સરકાર નવો કાયદો કરશે કે હવે બધાએ બખ્તર પહેરવું ફરજિયાત છે. હવે તમે જ વિચાર કરો કે આ હેલ્મેટનું વજન મારાથી ઉપડતું નથી, તો પછી બખ્તરના વિચારથી જ મને…!"
¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤
"હેલ્મેટની કડવાણી"
આટલી હાસ્યસભર વાત પછી કડવાણી નો ડોઝ લેવાનું મન થાય છે ને? તો પછી વાંચો…
ઈમરજન્સી હોય તો કોઈ પણ માણસ પરિસ્થિતિને પહોંચી વળવા કે જલ્દી હોસ્પિટલ પહોંચી પેશન્ટને બચાવવા થ્રી-ઇડ્યિટ્સ ના આમિરખાન અને કરીના કપૂર જેવો સીન જીવનમાં ભજવવાની નોબત આવે તો પણ બી.પી.ને કાબૂમાં રાખી નીચે જણાવેલ પ્રસંગ પ્રમાણે વર્તવું પડશે…
****** પેશન્સ ********
આ કાયદાને મોટો લાભ એ થશે કે માણસ સ્થિતપ્રજ્ઞ બનશે….
કોઇ પિતાને ખબર પડે કે તેના એકના એક પુત્રને ગંભીર અકસ્માત થયેલ છે અને તે સીટી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.
તે જાણવા છતાં તે પિતા હળવેકથી ઉઠશે, કારની ચાવીની સાથે કારના કાગળીઆ (ડોક્યુમેન્ટસ) હાથમાં લેશે, પીયુસીની તારીખ ચેક કરશે.
પછી કારમાં બેસશે, સીટ બેલ્ટ બાંધશે.
ત્યારબાદ ૫૦ની સ્પીડે ટચૂક ટચૂક કરતાં તેમની "ઓડી" કારમાં હોસ્પિટલ પહોંચશે.
ત્યાંથી હોસ્પિટલમાં અંદર જઈને રિસેપ્શન પર પુત્ર વિશે પૂછીને જેવા આઈ.સી.યુ.ના દરવાજે પહોંચશે, ત્યાં જ સામેથી દરવાજો ખોલીને ડોક્ટર બહાર નીકળશે અને બોલશે : "આઇ એમ વેરી શોરી, તમે બે જ મિનિટ મોડા થયા."
આ પરિસ્થિતિ પણ જીવનમાં આવી શકે છે…!
¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤•¤
"સર્વિસ ટેક્સ"
એક ભાઈ જીએસટી ઓફિસમાં સર્વિસ ટેક્સની રકમ ભરવા ગયા. પરંતુ ભૂલથી ખોટું ફોર્મ ભરીને લઈ ગયેલ હોય ઓફિસરે નવું ફોર્મ ટોપણ માધવજી કાગદીની સ્ટેશનરીની દુકાનેથી તુરત જ લાવવા કહ્યું અને તે દિવસ છેલ્લો હોઈ, તુરત જ પૈસા ભરી જવાની તાકીદ પણ કરી.
આથી તેનો મગજ અપસેટ હતો. તે ધુંવાફુંવા થતો નીકળ્યો. અને ધુનમાંને ધુનમાં હેલ્મેટ પણ ઓફિસમાં ભૂલી ગયો.
રસ્તામાં પોલીસે સીટી પાડી અને કહ્યું : "હેલ્મેટ ક્યાં છે? ચાલો તેનો દંડ ભરો. લાવો ₹૫૦૦/-."
તેણે દંડ ભરી દિધો એટલે પોલીસે તેની પહોંચ આપી.
તે હાથમાં લઈને જોઈને તે બબડ્યો : "અરે વાહ, શું વાત છે. સરકારને આની ખબર જ લાગતી નથી. નહિતર આની ઉપર પણ ૧૮% સર્વિસ ટેક્સ…!"
"આવશે ભાઈ આવશે, ચિંતા ના કરો…"
લેખક :- અનિલ બી. સરૈયા "અનમોલ"
ટોપણ માધવજી કાગદી
ટોપણ ચોક
જામનગર - ૩૬૧૦૦૧.
મો : ૯૮૨૪૨૩૪૨૦૪.
ઈ-મેઇલ : anilanmol2828@gmail.com