વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 113
દિલ્હીમાં રોમેશ શર્માની ધરપકડ થઈ હતી અને છોટા રાજન દાઉદ ગેંગને નબળી પાડવા પૂરી તાકાત અજમાવી રહ્યો હતો એ દરમિયાન દાઉદ ગૅંગને વધુ એક ફટકો પડ્યો.
છોટા રાજનના શૂટર્સ દાઉદ ગેંગના મહત્વના માણસોને વીણીવીણીને મારી રહ્યા હતા. 4 નવેમ્બર, 1998ના દિવસે છોટા રાજન ગેંગના ત્રણ શૂટરે મુંબઈના બાંદરા રેલવે સ્ટેશનમાં ભરબપોરે, 12.45 કલાકે છોટા શકીલના ખાસ માણસ, દાઉદ ગેંગના ફાયનાન્સર અબ્દુલ ગુલામ રસૂલના શરીરમાં 16 ગોળી ધરબીને તેને મારી નાખ્યો. એ વખતે બાંદરા સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ટ્રેનની રાહ જોઈ રહેલા બે ઉતારુ પણ નવાણિયા કુટાઈ ગયા.
છોટા રાજન દાઉદની સામે પૂરી તાકાત અજમાવી રહ્યો હતો, પણ એનેય દાઉદ ગેંગ અને મુંબઈ પોલીસ તરફથી ફટકા પડી રહ્યા હતા.
10 નવેમ્બર, 1998ના દિવસે મુંબઈ પોલીસે ભાયખલા વિસ્તારમાં છોટા રાજન ગેંગના બે શૂટર જયર્ધન માને અને દિનેશ ઉર્ફે ડેની વિઠ્ઠલને ગોળીને દીધા તો 11 નવેમ્બર, 1998ની સાંજના 6 વાગ્યે ક્રાઈમ બ્રાન્ચના સિનિયર ઈન્સ્પેક્ટર અંબાદાસ પોટેની ટીમ અડધા કલાક સુધી વાહનોની દિલધડક રેસ પછી દાદર વિસ્તારમાં ઝંડુ ફાર્માસ્યુટિક્લ કંપનીના દરવાજા પાસે છોટા રાજન ગેંગના પાંચ ગુંડાઓને આંતર્યાં ત્યારે થયેલા એન્કાઉન્ટરમાં ચાર શૂટર માર્યા ગયા. પાંચમા શૂટર ડી.કે. રાવને પણ ત્રણ ગોળી વાગી, પણ તેની જિંદગી લાંબી હશે એટલે તે મર્યો નહીં. પોલીસથી બચવા માટે તે મરી ગયો હોય એવી ડોળ કરીને પડી રહ્યો અને અન્ય ચાર શૂટર્સની સાથે તેને પણ પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો ત્યારે ડોક્ટરોએ કહ્યું કે આ માણસ તો જીવતો છે!
મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોર શહેરના રસ્તાઓ ઉપર અને રેલવે સ્ટેશન તથા અન્ય જાહેર સ્થળોમાં પણ લડાવા લાગી હતી એથી ઉશ્કેરાયેલી મુંબઈ પોલીસ અંડરવર્લ્ડના ‘ભાઈઓ’ને તેમની જ ભાષામાં ‘સમજાવી’ રહી હતી. મુંબઈ પોલીસે 1998ના વર્ષમાં શરૂઆતના પાંચ મહિના સુધી એક પણ ગુંડાને એન્કાઉન્ટરમાં માર્યો નહોતો એનું સાટું છેલ્લા ત્રણ મહિનામાં વાળી લેવું હોય એમ મુંબઈ પોલીસે ઓક્ટોબર મહિનામાં સાત ગુંડાઓને, નવેમ્બર મહિનામાં 16 ગુંડાઓને અને ડિસેમ્બર મહિનામાં 12 ગુંડાઓને એમ કુલ 35 ગુંડાઓને એન્કાઉન્ટરમાં ઢાળી દીધાં. 1998નાં વર્ષ દરમિયાન મુંબઈ પોલીસે 48 ગુંડાઓને એન્કાઉન્ટરમાં મારી નાંખ્યા હતા એની સામે એ વર્ષ દરમિયાન મુંબઈમાં હત્યા અને ખૂનના 101 કેસ નોંધાયા હતા એ રીતે જોઈએ તો અંડરવર્લ્ડ મુંબઈ પોલીસને હંફાવી રહ્યું હતું, પણ મુંબઈ પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ હવે અંડરવર્લ્ડ સાથે લડી લેવાના મૂડમાં હતા.
મુંબઈ પોલીસે 1999ના વર્ષની શરૂઆત છોટા રાજન ગેંગના શૂટર શંકર પરમારને ગોળીએ દઈને કરી. જાન્યુઆરી, 1999 પહેલા સપ્તાહમાં મુંબઈ પોલીસે છ ગુંડાઓને ગોળીએ દીધા. પણ 7 જાન્યુઆરી, 1999ના દિવસે અબુ સાલેમે મુંબઈ પોલીસના અધિકારીઓને બેબાકળા બનાવી દીધા અને સાથે મુંબઈના લોકોમાં પણ દહેશત ફેલાવી દીધી.’
પપ્પુ ટકલા વાત કરતા કરતા નવી ફાઈવફાઈવફાઈવ સળગાવવા અટક્યો અને પછી તેની અંદર ફરી એક વાર કોઈ અવગતે ગયેલા નિષ્ફળ સ્ક્રિપ્ટ રાઈટરના આત્માનો પ્રવેશ થઈ ગયો હોય એમ તેણે એક ઘટના વિશે કહેવાની શરૂઆત કરી.
***
‘મુંબઈના મરિન લાઈન્સ સ્ટેશન બહાર ચંદનવાડી સ્મશાન પાસેના ફ્લાયઓવર ઉપરથી અને નીચેથી મુંબઈગરાઓ ઉતાવળે પસાર થઈ રહ્યા હતા. નોકરી-ધંધાના સ્થળેથી કામ પતાવીને મરીન લાઈન્સ સ્ટેશનથી વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેન પકડીને ઘરે પહોંચવા માટે હજારો મુંબઈગરાઓ સાંજના સમય દરમિયાન ઉતાવળે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. એ વિસ્તારમાં રોજ સાંજે આવું દૃશ્ય સામાન્ય હોય છે. 7 જાન્યુઆરી, 1999ની સાંજના 7-09 કલાક સુધી તો એ દૃશ્ય સામાન્ય હતુ. પણ 7-10 કલાકે એ વિસ્તારમાં અસામાન્ય દૃશ્ય સર્જાયું.
ચંદનવાડી સ્મશાન બહાર, ફ્લાયઓવરની નીચે ટ્રાફિક સિગ્નલ પાસે ઝડપી ગતિએ ચાલી રહેલી મુંબઈગરાઓ તરફ અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ થયો. બે સશસ્ત્ર યુવાનોએ અચાનક પિસ્તોલમાંથી ગોળીઓ છોડવા માંડી.
હેબતાઈ ગયેલા મુંબઈગરાઓ બીજી જ ક્ષણે જીવ બચાવવા મુઠ્ઠીઓ વાળીને જુદી જુદી દિશામાં ભાગ્યા. ચંદનવાડી સ્મશાન બહાર અંધાધુંધી ફેલાઈ ગઈ.
ગોળીબાર કરનારા એ યુવાનો અબુ સાલેમના શાર્પશૂટર્સ હતા. વિદેશી પિસ્તોલમાંથી અગિયાર ગોળી છોડીને એ બંને શૂટર નાસી છૂટ્યા. પણ તેમણે છોડેલી ગોળીઓમાંથી ચાર ગોળી એન્કર ફાર્મા કંપનીના એન્કાઉન્ટર એવા ગુજરાતી યુવાન જિતેન્દ્ર સુરા અને એક ગોળી સુનિલ રામચંદ્ર પવાર નામના મરાઠી યુવાન માટે જીવલેણ સાબિત થઈ. એ બંનેને તાબડતોબ જી.ટી. હોસ્પિટલમાં લઈ જવાયા, પણ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. એ બે યુવાન ઉપરાંત મરીન લાઈન્સ સ્ટેશન બહાર ટ્રાફિક સિગ્નલ પાસે પાણીની પરબ ચલાવતા ખીમજી ઓડર અને અન્ય ચાર મુંબઈગરાઓને પણ ગોળીઓ વાગી હતી. જો કે એ પાંચેય મુંબઈગરા બચી ગયા.
અબુ સાલેમે તેના શૂટર્સને એન્કર ફાર્માના માલિકને નિશાન બનાવવાના આદેશ આપ્યો હતો, પણ એન્કર ફાર્માના માલિકનું વર્ણન તેમની સમક્ષ કરવામાં આવ્યું હતું. એના પરથી એન્કર ફાર્માના માલિકને બદલે તેના જેવો જ શારીરિક બાંધો ધરાવતા એકાઉન્ટન્ટ જિતેન્દ્ર સુરાની તેમણે હત્યા કરી નાખી હતી. મરીન લાઈન્સ સ્ટેશન બહારની બે ઘટનાથી મુંબઈગરાઓના મનમાં ખોફની લાગણી પેસી ગઈ અને પાછળથી મુંબઈ પોલીસને ખબર પડી કે એ કારસ્તાન અબુ સાલેમનું હતું.
7 જાન્યુઆરી, 1999ની સાંજની એ ઘટના પછી મુંબઈ પોલીસ વધુ આક્રમક બની અને જાન્યુઆરી મહિનામાં બીજા સાત ગુંડાઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઢાળી દીધા.
બીજી બાજુ એ જ મહિનામાં વધુ છ મુંબઈગરા અંડરવર્લ્ડના શૂટર્સની ગોળીઓનો ભોગ બન્યા. ફેબ્રુઆરી, 1999માં પહેલાં પખવાડિયામાં જ પોલીસે વધુ પાંચ શૂટર્સને નિશાન બનાવ્યા. પણ એક પખવાડિયાના વિરામ પછી ફરી વાર અંડરવર્લ્ડના શૂટર્સ મુંબઈના રસ્તાઓ પર ઊતરી આવ્યા. છોટા શકીલ ગેંગના ગુંડાઓનો કેસ લડનાર વકીલ કિશોર રામદાસ સૂત્રાલેને તેમની ઓફિસની બહાર છોટા શકીલ ગેંગના શૂટરોએ જ ગોળીએ દીધા.
માર્ચ, 1999ની શરૂઆત અંડરવર્લ્ડની ગેંગવોરની લોહિયાળ ખેલથી શરૂ થઈ. 1 માર્ચ 1999ના દિવસે છોટા રાજન ગેંગના ચાર શૂટર્સે મુંબઈના બાંદરા સ્ટેશનની બહાર દાઉદ ગેંગ સાથે સંકળાયેલા અને સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના આરોપી એવા બિલ્ડર માજિદ ખાન તથા તેના સાથીદાર અકબર ખોશી, નિઝામ મૈનુદ્દીન ખાન અને રફીક હબીબ કુરેશીને ગોળીએ દઈને ગેંગવોરની આગમાં પેટ્રોલ રેડ્યું. આ દરમિયાન છોટા રાજને મીડિયાની મદદથી એક એવું નિવેદન કર્યું, જેના કારણે મુમ્બૈયા અંડરવર્લ્ડની ગૅંગવોર વધુ તેજ બની ગઈ!’
(ક્રમશ:)