મારો શું વાંક ?
પ્રકરણ - 11
આ વાતની જાણ રાશીદ અને આસિફાનેય કરવામાં આવી. વાતની જાણ થતાં જાણે રાશીદ અને આસિફા ઉપર આભ તૂટી પડ્યું. રાશીદ તો એમેય નાનપણથી જ રહેમતનાં લગનને લઈને પોતાની જાતને દોષિત માનતો હતો અને આ વાત સાંભળતા તો તેને લાગ્યું કે તેની દીકરીનું જીવન તેણે જ વહેલા લગન કરીને બરબાદ કરી નાયખું છે. તે હુસેનાબાનુંનાં ખોળામાં પોક મૂકીને રોઈ પડ્યો.
ઇરફાનને લઈને આસિફાએ જે ધારણાઓ બાંધી તી કે એ આપણો જમાઈ નહીં પણ દીકરો બનીને રહેશે અને પોતાની દીકરીને ખૂબ સાચવશે એ બધી ધારણાઓ ધૂળધાણી થઈ ગઈ.
રાશીદની હારે આસિફાય પોક મૂકીને રડવા માંડી અને બોલી પડી .... અમ્મા! મારી રહેમત! બે છોકરાંવની માં છતે ધણીએ નધણીયાતી થઈ ગઈ. મને નોતી ખબર કે ઈરફાન આવો નપાવટ પાકશે નકર હું મારી છોકરીનાં એનાં હારે લગન થાવા જ નો દેત. આના કરતાં તો રહેમતને કુંવારી રાયખી હોત તો સારું થાત, ઇ મને કેતી તી કે માં મારે ભણવું છે પણ મેં એનાં નિકાહ કરાવી દીધા. એનો બાપ તો છેલ્લે સુધી કચવાતો તો પણ મેં જ એમની હાલવા નો દીધી.
મારી દીકરીનું જીવતર મેં જ બરબાદ કયરુ છે. યા અલ્લાહ! આની સજા મને આપવી તી... મારી દીકરીને શું કામ આપી? એટલું બોલીને આસિફા પોતાનાં માથે જોર-જોરથી મારવા માંડી. રાશિદે આસિફાનાં બેય હાથ પકડી લીધા અને બોલ્યો... કાલે જ જિન્નતનાં ઘરે જઈને આપણી રહેમતને એનાં બેય છોકરાંવ હારે ઘરે લઈ આવશુ. હવે હું તારી એકેય વાત નહીં માનું..... પણ સમાજ ! આસિફા બોલી.... ભાડમાં ગ્યો તારો સમાજ..... ગુસ્સા સાથે રાશીદ બોલ્યો અને ઓરડામાં જતો રહ્યો.
સવાર પડતાં જ રાશીદ આસિફાને લઈને પોતાની આપાનાં ઘરે જાવા નીકળી પડ્યો. જિન્નતબાનુંનાં ઘરે સન્નાટો છવાયેલો હતો. એક ચકલુય ફરકતું નહોતું. આખું ઘર જાણેકે માતમમાં ફેરવાઇ ગયું હતું. આડોશ-પાડોશ વાળાઓનેય જાણ થઈ ગઈ હતી પણ કોઇની પૂછવાની હિમ્મત નહોતી થાતી. આખો દાડો ધમાચકડી કરતાં છોકરાંવ એક ખૂણામાં લપાઈને બેસી ગ્યા હતા. પવનનાં કારણે રોજ ભટાભટ થતાં દરવાજનેય જાણે કે આજે પવન ખાલી હલકા હીંચકા ખવડાવતો હતો. સહેજ ખુલેલા દરવાજાને જોરથી લાત મારીને રાશીદ અંદર પ્રવેશ્યો, આસિફા એની પાછળ-પાછળ હાલતી જાતી તી.. રાશીદ બોલ્યો.... રહેમત! ક્યાં ગઈ? હાલ ફટાફટ તારા અને છોકરાંવનાં કપડાં ફટાફટ ભર.... તારો બાપ તને લેવા આવી ગ્યો છે.
ઓસરીમાં બેઠેલા જિન્નતબાનુંને જોઈને રાશીદ બોલ્યો.... આપા! તારા નપાવટે મારી છોકરીનું જીવતર ધૂળધાણી કરી નાયખું હવે એને એક મિનિટેય અયાં નહીં રેવા દવ. આસિફા રાશીદને અટકાવતાં બોલી.... આપાને આટલું બધું શું બોલો છો? એમનેય ક્યાં ખબર હતી કે આવું થાવાનું. એ તમારી આપા છે, આવી રીતે વાત નો કરાય. જિન્નતબાનું નિસાકા સાથે બોલી... ભલે બોલતો આસિફા! તું એને ના રોક, એ એની દીકરીનો બાપ છે અને મારા છોકરાંએ કામેય એવું કયરું છે કે ભલભલાને ગુસ્સો આવે.
ત્યાં તો રહેમત ઓરડામાંથી બહાર આવી. રડી-રડીને સૂજી ગયેલી આંખો પૂરી ખૂલતી પણ નહોતી. જાણે કોઈ સ્ત્રીનો પતિ ગુજરી ગયો હોય અને એ વિધવા થઈ ગઈ હોય એવી રહેમતની હાલત થઈ ગઈ હતી.
રાશીદ એને વળગીને રડી પડ્યો ને બોલવા માંડ્યો.... ”મારી દીકરી મને માફ કરી દે, તારો બાપ તને લેવા આયવો છે.... હાલ તારા ઘરે”. ત્યાં તો ધીમા અવાજે રહેમત બોલી.... મારા ઘરે! કયું મારું ઘર? જે દી પયણાવી ત્યારે જ માં એ કહી દીધું તું કે હવે તારું સાસરું જ તારું ઘર. તારી ડોલી અહીંયા થી ઉઠી છે અને હવે તારો જનાજો તારા સાસરેથી જ ઊઠવો જોઈએ અને હવે પાછા તમે મને તમારાં ઘરે લઈ જવા આયવા છો. એમેય દીકરીનું ક્યાં કોઈ ઘર હોય છે? માં-બાપનાં ઘરે હોય તો પારકી થાપણ અને સાસરે હોય તો પારકી જણી. મારું એકેય ઘર છે જ નહીં, હું નિરાધાર થઈ ગઈ છું. હવે હું જીવું છું તો ખાલી મારાં છોકરાંવ સાટું, એથી હું ગમે યાં રહું મને કોઈ ફરક નથી પડવાનો.
રહેમત બોલી... એમેય ઇરફાનને બીજી હારે પ્રેમ થઈ ગ્યો છે એટલે લગન કરે છે. મારા હારે તો એમને ક્યારેય પ્રેમ થયો જ નોતો... વગર પ્રેમે જ મેં એમનાં બે છોકરાંવને જણ્યાં. જેમ પુરુષજાત પોતાનાં શરીરની ભૂખ સંતોષવા વેશ્યાવાડે જાય છે ત્યાંય ક્યાં પ્રેમ હોય છે.... બસ પૈસાથી કોઈનાં શરીરને ખરીદી લેવામાં આવે છે. ઇરફાનને જ્યારે-જ્યારે ઇચ્છા થઈ ત્યારે મારી પાસે આયવો પણ આ બધામાં પ્રેમ તો ક્યાંય હતો જ નહીં. હું જ પુરુષની માનસિકતાને ના સમજી શકી અને આને પ્રેમ સમજવાની ભૂલ કરી બેઠી.
રહેમતની વાત સાંભળીને રાશીદ જોર-જોરથી માથું કૂટવા માંડ્યો અને બોલ્યો.... રહેમત! આવું ના બોલ બેટા... હું આ બધું નથી સાંભળી શકતો. રહેમતની આવી વાતો સાંભળીને આખા ઘરનાં લોકોની આંખોમાં આંસુ વહેવા લાગ્યા.
શબાના બોલી ઉઠી... નાનકી ! આ બધું શું બોલેશ? તને આવી બધી વાતોમાં ક્યાં ગતાગમ પડતી તી? તું આટલી મોટી ક્યારે થઈ ગઈ? આવું ના બોલ મારી નાનકી... રહેમત હિમ્મત ભેગી કરીને બોલી ઉઠી... માં! અબ્બા! હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. જેમ તમે મારાં માં-બાપ છો એમ મારાં સાસુ-સસરાય મારા માં-બાપ છે. ઈરફાન ભલે એની ફરજ ચૂકી ગયો પણ હું મારી ફરજ બજાવવામાં પાછીપાની નહીં કરું. મારા છેલ્લાં શ્વાસ સુધી એમની સેવા કરીશ અને તમારાં બેય જણાનીય તે....
રહેમત બોલી... જે થાવું તું તે થઈ ગ્યું, હવે તમે મારી ચિંતા ના કરો. તમારી દીકરી મોટી થઈ ગઈ છે અને હવે હું બધું સંભાળી લઇશ. હું ખેતીકામમાં અબ્બા અને ભાઈને મદદ કરીશ અને મારા છોકરાંવનેય મોટાં કરીશ. જ્યારે-જ્યારે તમને મારી જરૂર પડશે ત્યારે હું તમારી આગળ આવી જઈશ. તમે બેય ખોટી ચિંતા મેલી દો, મારું આખું ઘર મારી હારે છે. રહેમતની આવી વાત સાંભળીને થોડું આશ્વાસન મેળવીને રાશીદ અને આસિફા વિદાય થયા.
***