Premnu Aganphool - 8 - 1 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | પ્રેમનું અગનફૂલ - 8 - 1

Featured Books
Categories
Share

પ્રેમનું અગનફૂલ - 8 - 1

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મોતનો તાંડવ

ભાગ - 1

જ્યારે પ્રલય, કદમ અને ઇ.રસીદ સવારનો નિત્યક્રમ પતાવી રહ્યા હતા, ત્યારે બુધ્ધઇ ગામથી લગભગ પાંચ કિલોમીટરના અંતરે ચારે તરફ પહાડીથી ઘેરાયેલા મેદાન જે આંતકવાદી સંગઠનનું તાલીમ કેન્દ્ર અને હેટ ક્વાર્ટર હતું. તેની ચારે તરફ પહાડીઓ હતી અને મેદાનના ફરતે લગભગ દસ ફૂટ ઊંચાઇની ફરતી લોખંડના તારની ફેન્સિંગ બાંધેલી હતી. તેની એક તરફ ચાર મકાન દેખાતા હતા. મકાનોની છતને બદલે દેશી નળિયા લાગેલાં હતાં અને બાંધકામ પણ કાચું બનેલું હતું.

તે ચાર મકાન માંહેના એક મકાનમાં અત્યારે આનંદ અને દુર્ગા બંધનગ્રસ્ત હાલતમાં પ્લાસ્ટિકની ખુરશી પર બેઠા હતા. તેની સામે યમરાજને પણ શરમાવે તેવો ક્રૂર અને ખૂંખાર ત્રાસવાદીઓનો વડો અફઝલ પોતાની પૂરી ક્રૂરતા સાથે હાથમાં હન્ટર લઇને ઊભો હતો. આનંદને આગલા દિવસે જ અપહરણ કરી અહીં લાવવામાં આવ્યો હતો. તેઓએ આનંદને પકડીને જે કમરામાં દુર્ગાને રાખવામાં આવી હતી, તે કમરામાં પૂરી દેવાયો હતો.

કેટલાય સમયથી દુર્ગાને માનસિક ટોર્ચર કરવામાં આવતુ હતું.

અફઝલ તેને પોતાના ત્રાસવાદી સંગઠનમાં સામેલ કરી માનવબોમ્બ બનાવી ગુજરાત મોકલવા માંગતો હતો અને તે માટે તેને તાલીમ પણ આપવા માંગતો હતો, પણ દુર્ગા મક્કમતા સાથે તેનો ઇન્કાર કરી તેઓ સામે ઝઝૂમી રહી હતી. અત્યાર સુધી તે એકદમ મક્કમ હતી. અફઝલે છેલ્લે તેને કહ્યું હતું કે તું અમારા સંગઠનમાં સામેલ નહીં થાય તો અમારા સંગઠનના ભૂખ્યા શિયાળ જેવા ત્રાસવાદીઓના હવાલે તને કરી દઇશ. જેઓ તારી ઇજ્જત લૂંટી તને કચડી નાખશે, પછી તારા હાથ-પગ એમ એક એક અંગ તે કાપી ગીધોને ખવડાવી દઇશ. છતાં પણ દુર્ગાએ મક્કમતા સાથે કહ્યું હતું, ‘હું ભારતમાની દીકરી છું. હું ગુજરાતની સિંહણ છું. અને ગુજરાતના સપુત ‘નરેન્દ્રભાઇ મોદી’ મારા આદર્શ છે, તમારાથી જે થાય તે કરી લો પણ હું મારા દેશને મારા ‘ગરવા ગુજરાતને’ નુકસાન પહોંચે તેવું કામ ક્યારેય નહીં કરું.’ કહેતાં દુર્ગાએ પોતાના હોઠ મક્કમતા સાથે ભીંસી દીધા, જાણ ક્યારે ખૂલવા ન હોય.

પણ જ્યારે આનંદને તેના કમરામાં ધકેલી દેવામાં આવ્યો ત્યારે આનંદને જોઇ દુર્ગાને આશ્ચર્ય સાથે આઘાત લાગ્યો અને પછી તેના મક્કમ મનમાં બંધનો તૂટી ગયા. તે આનંદને ભેટી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

આનંદે તેને થોડીવાર રડવા દીધી, પછી તે બોલ્યો, ‘દુર્ગા, તું તો જગત જનની મા દુર્ગાનો સાક્ષાત અવતાર છે. દુર્ગા તે હંમેશાં આવેલાં સંકટોના હિંમતથી સામનો કર્યો છે. દુર્ગા, તું હિંમત રાખ. હું આવી ગયો છું, તને છોડાવીને ભારત લઇ જઇશ.’ આશ્વાસન બાદ દુર્ગા શાંત પડી પછી તેણે આનંદ સામે જોયું.

‘આનંદ, તમે અહીં કેવી રીતે આવી ગયા. મારા સારું તમે તમારા જાનને જોખમમાં મૂકવાની જરૂર ન હતી.’

‘દુર્ગા... આ તો પાકિસ્તાન છે, પણ કદાચ તને કોઇ પરલોકમાં લઇ જાય તોય, હું તને છોડાવવા પરલોક આવીશ. દુર્ગા, તારા માટે મને કદાચ મરવું પડશે તો આનદ થશે.’

‘આનંદ... આનંદ... એવું ન બોલ. આનંદ તારા વગર હું એક પણ પણ જીવતી નહીં રહી શકું.’ આનંદના હોઠ પર પોતાની આંગળી મૂકતાં દુર્ગા બોલી, તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી.

બીજા દિવસની સવાર પડી.

અફઝલના હુકમથી આનંદ અને દુર્ગાને અલગ અલગ ખુરશી પર બાંધવામાં આવ્યા અને પછી થોડીવાર બાદ અફઝલ શાહિત પોતાની પૂરી ક્રૂરતા સાથે તે કમરામાં આવ્યાં, તેના હાથમા હંટર પકડેલું હતું.

દુર્ગા અને આનંદ દહેશતભરી નજરે અફઝલ શાહિદને તાકી રહ્યા.

ત્યારબાદ એકાએક અફઝલ કશું પૂછ્યા વગર બોલ્યા વગર હંટરવાળા હાથને ગુમાવ્યો.

સ...સ...સ... સ્ટાક... સ્ટાક... ના અવાજ સાથે કમરામાં દુર્ગા તથા આનંદની ચીસો ગુંજી ઊઠી.

અફઝલ શયતાન બનીને દુર્ગા અને આનંદ પર હંટરનો વરસાદ વરસાવતો રહ્યો અને કમરામાં આનંદ અને દુર્ગાની ચીસો ગુંજતી રહી.

‘બોલો, અમારું કહ્યું માનવું છે નહીં, નહીંતર....’ દાંત કચકચાવતાં ગુસ્સાથી પાગલ બનેલ અફઝલ બોલ્યો.

‘નહીં...’ મક્કમતાપૂર્વક દુર્ગા બોલી, ‘નહીં... અમને મારી નાંખશો તો પણ અમે તમારી વાત માનવા તૈયાર નહીં થઇએ.’

‘તમારે જે કરવું હોય તે કરો...’ આનંદ ચિલ્લાયો.

‘રાડો ના પાડ હરામખોર...’ કહેતાં અફઝલ આનંદના બાલને પોતાના ડાબા હાથની મુઠ્ઠીમાં જોરથી પકડીને ખેંચ્યા પછી તેના નાક પર જોરથી જમણા હાથ વડે મુક્કો માર્યો.

આનંદની ચીસ ગુંજી ઊઠી. તેના નાકમાંથી લોહીની ધારા થઇ. તેને લાગ્યું કે તેના વાળ જડમૂળમાંથી ઊખડી જશે, તેના નાકની હાડકી તો તૂટી જ ગઇ હતી.

તેનાથી થોડે દૂર ઊભેલો સુલેમાન મોં ફેરવી ગયો. તેના ચહેરા પર કંઇક અલગ ભાવ તરવરત હતા.

‘મોહમ્મદ,સુલતાન... મારી ગાડી અહીં ચોકમાં લઇ આવો અને આ સુવ્વરન ગાડીની પાછળ રસ્સા વડે બાંધી નાખો અને ગાડીના પાછળના ખાણિયામાં આ છોકરીને ઊભી રાખી ગાડીના પાઇપ સાથે બાંધી દો, જાવ જલદી...’ અફઝલ રાડ પાડી...

‘હુકમ... આપનો...’ કહેતાં મોહમ્મદ અને સુલતાન નામના તે આતંકવાદીઓ ઝડપથી તે કમરામાંથી બહાર નીકળી ગયા.

ત્યારબાદ થોડીવારમાં જ દુર્ગાને ગાડીના ખાણિયામાં રસ્સાથી બાંધી દેવામાં આવી અને પછી આનંદના હાથ લાંબા કરાવી પગથી હાથ સુધી રસ્સા વડે એકદમ બાંધી દીધા અને પછી રસ્સાને છેડો ગાડીના પાછળના ભાગમાં ગાડીને ટોચન કરવા માટે લોખંડનો યુ આકારનો એંગલ નીચેના ભાગમાં લગાવવામાં આવે છે, તેમાં બાંધી દેવામાં આવ્યો.

અફઝલ શાહિદ પોતાની પૂરી ક્રૂરતા સાથે આનંદની સામે ઊભો હતો. ‘આનંદ, તને ગાડી વડે ઢસડતાં ઢસડતાં અહીંથી બુધ્ધઇ ગામ લઇ જવામાં આવશે અને દુર્ગા...’ દુર્ગા સામે જોઇ તે આગળ બોલ્યો, ‘દુર્ગા... આ ર્દશ્ય તારે જોવાનું છે. ગાડીના પાછળ બાંધેલ આનંદ કે જે જમીન સાથે ઢસડતો ઢસડતો રાડો નાખતો, ચિલ્લાતો જીવતા મોતની યાતનાઓ ભોગવે છે તે તારે જોવાનું છે. જ્યાં સુધી આનંદના શરીરમાંથી ચામડીની ખાલ ઊતરી ન જાય, ત્યાં સુધી તેને ગાડી પાછળ ઢસડવામાં આવશે.’

‘નહીં... તમે એવું ન કરશો...’ દુર્ગાની ચીસ ગુંજી ઊઠી, તેની આંખોમાં આસું છલકાયાં, તેણે આંખો બંધ કરી દીધી.

‘દુર્ગા...’ આંખો ભૂલે ચૂકે બંધ ન કરતી નહીંતર તારી આંખ ઉપરની પાંપણને કાપી નાખીને પણ તને તે ર્દશ્ય જોવા માટે લાચાર કરવામાં આવશે...’

‘છોડી દ્યો... આનંદને છોડી દ્યો... તમે મને જે કહેશો તે હું કરવા માટે તૈયાર છું, પણ આનંદને છોડી દ્યો...’ દુર્ગાનો કરુણ સ્વર રેલાયો.

‘નહીં...દુર્ગા...’ આનંદ મક્કમતા સાથે આગળ બોલ્યો. ‘દુર્ગા...તું મા દુર્ગાનો અવતાર છે.... તું ભારતમાની પુત્રી છે. દુર્ગા... આ લોકોને જે કરવું હોય તે કરી લે, પણ તુ મક્કમ રહેજે, દુર્ગા... આ ભારતમાતાની શાનનો સવાલ છે. દુર્ગા, આ લોકો આપણને માનવબોમ્બ બનાવી મોકલવા માંગે છે. આપણા ગુજરાતના નાથ માટે તો તું અને હુ કુરબાન થઇ જઇશું, તોય ઓછું છે. દુર્ગા, આપણને તો આનંદ થવો જોઇએ કે આપણે ભારતની, ગુજરાતની લાજ બચાવી છે. દુર્ગા, તું તો ગુજરાતની સિંહણ છે, આવા છંછુદર સામે ક્યારેય ન ઝૂકતી. તેને જે કરવું હોય તે કરે. તને વીર ભગતસિંહ વીર... ના સોગંદ છે, તું ઝૂકજે નહીં, દુર્ગા જો હું મરી જાઉં તો તું આત્મહત્યા કરી લેજે, આ લોકોનો અત્યાચાર સહન કરી લેજે, પણ આપણી મા ભારતની લાજ બચાવજે, દુર્ગા... મા ભારતની લાજ બચાવજે...’

‘ધડામ...’ ગુસ્સે ભરાયેલ અફઝલ શાહિદ કચકચાવીને આનંદને લાત ફટકારી દીધી. બંધનગ્રસ્ત આનંદ નીચે ધરતી પર પટકાયો.

પણ દુર્ગાના મોંમાંથી ચીસ ન નીકળી ન તો આંસુ છલકાયાં.

દુર્ગાએ મન મક્કમ કરી હોઠ ભીંસી લીધાં.

‘મોહમ્મદ... સુલતાન... લઇ જાવ ભારતના આ કૂતરાને અને બુધ્ધઇ ગામની એક એક ગલીમાં તેને ઢસડતાં ઢસડતાં ફેરવજો અને તેની શુટિંગ પણ લેવાની છે અને માઇક પણ લઇ જાવ, બુધ્ધઇ ગામના હરએક સ્ત્રી-પુરુષ અને બાળકોને માઇકમાં બોલી બોલીને સંભળાવજો કે પાકિસ્તાન શું ચીજ છે, અને પાકિસ્તાનનો હક્ક એટલે કશ્મીર પાકિસ્તાન પાસેથી છીનવી લઇ ભારતના લોકોની કેવી હાલત થશે. ચિલ્લાઇ... ચિલ્લાઇને બતાવજો અને આ કૂતરાને શરીરની ચામડી પૂરેપૂરી તેના શરીરમાથી ઉખડી ન જાય ત્યાં સુધી ઢસડતા રહેજો. જાવ...’ ક્રોધથી પાગલ થઇ ગયેલો, અફઝલ બોલ્યો, તેનું પૂરું શરીર ગુસ્સાથી કાંપી રહ્યું હતું.

‘ભલે આકા... જેવો હુકમ...’ કહીને મોહમ્મદ ગાડીની ડ્રાઇવિંગ સીટ પર બેઠો, ત્યાં ઊભેલા આતંકવાદીઓએ આનંદના બંધનગ્રસ્ત શરીરને ગાડીના પાછળના ખાણિયામાં જયા દુર્ગાને બાંધેલી હતી, ત્યાં ઘઉંના બાચકાની જેમ ‘ઘા’ કરી દીધો. ત્યા સુધી એક આંતકવાદી ઝડપથી માઇક અને સ્પિકર લાવી ગાડીમાં બાંધવા લાગ્યો. એક આતંકવાદી ઝડપથી કેમેરો લઇ આવ્યો.

‘હું થોડો આરામ કરવા માગું છું...’ નમ્રતાપૂર્વક બોલતાં સુલેમાન અફઝલ શાહિદને કહ્યું.

‘કેમ...? તારાથી આ ભારતીય કૂતરાને ચિલ્લાતો, મરતો નહીં જોઇ શકાય...?’

‘ના, એવું કાંઇ નથી. તેઓ બુધ્ધઇ શહેરમાં પહોંચશે, પછી ત્યાંનો નજારો જોવા હું તમારી સાથે ચાલીશ.’ કહેતાં સુલેમાન મુશ્કુરાયો.

અચાનક ગાડીમાં બંધનગ્રસ્ત હાલતમાં પડેલા આનંદે ડોકને ઊંચી કરી.

‘એય... હરામખોર... યાદ રાખજે, હું ભારતનો છું અને એક ભારતીયને ક્યારનો કૂતરો, કૂતરો, કહે છે, પણ મારી વાત કાન ખોલીને સાંભળ.’ સુવ્વરની ઔલાદ હું ભારતીય છું. તેનો મને ગર્વ છે. રહ્યુ કૂતરાનું તો તારા પાકિસ્તાનના આકાઓને તું પૂછી લેજે કે તેઓ જ્યારે ભારત આવે છે. ત્યારે કૂતરાની જેમ જ અમારા વડાપ્રધાન પાસે પૂંછડી પટપટાવે છે. રહી કાશ્મીરની વાત તો હું તને અને પૂરા પાકિસ્તાનને કહું છું કે કાશ્મીર અમારું હતું, અમારું છે અને અમારું રહેશે. તારા જેવા કંઇક નાલાયકોએ આવાં સ્વપ્ન સેવ્યા હતા, પણ તે બધા ભારતીય લશ્કરના બહાદુર જવાનોના હાથની ગોળીઓ ખાઇ મરી પરવાર્યા છે. યાત છે ને...? હજુ કારગીલમાં તમારે નાલેશીનો સ્વાદ ચાખવો પડ્યોહતો. તેને ઘણો સયમ નથી થયો અને સાંભળ તમે જે ભારતના કાશ્મીરના ભાગને પચાવી બેઠા છો તે પણ અમે છીનવી લેશું... સમજ્યો... ક્યારનોય કૂતરો કૂતરો મને કહે છે, પણ કૂતરો તો તું છે...’ હાક થૂં... આનંદ તેની સામે થૂંક્યો.

‘લઇ જાવ...’ અફઝલ શાહિદ ચિલ્લાયો અને મારી નજરથી દૂર કરી બુધ્ધઇ લઇ જાવ. જલદી નહીંતર હું તેને ગોલી મારી યાતના વગરનું મોત આપી દઇશ. જાવ... જેટલી યાતના આપી શકો તેટલી આપજો, જરાય કચાસ રાખતા નહિં...’ અતિરીક્ત ક્રોધથી અફઝલ શાહિદ ધ્રૂજી રહ્યો હતો.

જ્યારે સુલેમાન તેના નેસડા તરફ ચાલતો થયો હતો.

‘સુલેમાન... હું એક દિવસ માટે પેશાવર જાઉં છું. તમે અહીં બધું સંભાળી લેજો.’ ચાલ્યા જતાં સુલેમાનને અફઝલ શાહિદે કહ્યું.

‘ભલે... હું ખ્યાલ રાખીશ.’ પાછળ ડોક ઘુમાવી સુલેમાને કહ્યુ.

છ આતંકવાદીઓ ગાડી સાથે બુધ્ધઇ ગામ જવા આગળ નીકળી ગયાં.

‘ગામવાસીઓ... સાંભળજો જરા...’

‘આપણા દેશનો પકડાયેલ દુશ્મનને અમે ગામમાં લાવ્યા છીએ. જેથી તમે સૌ ખુશ થાવ કે પાકિસ્તાન સાથે દુશ્મની કરનારનું કેવું પરિણામ આવે છે. ગામવાસીઓ તમે સૌ તમારાં બધાં કામ પડતાં મૂકી જલદી ખોજાચોકમાં એકઠા થાવ. સાથે તમારાં બાળકન પણ લેતાં આવો જેથી અત્યારથી જ તેઓ ભારતને તથા ભારતવાસીઓને નફરત કરતા થાય. ગામવાસીઓ આવો... જલદી...’ સુલતાન બરાડા નાખતો સ્પીકરમાં બોલી રહ્યો હતો અને બુધ્ધઇ ગામના લોકો ધીરે ધીરે એકઠા થતા જતા હતા.

ગામ લોકો એકઠા થયા કે તરત આનંદના શરીરને ગાડીમાંથી નીચે ધરતી પર પટકવામાં આવ્યું. તુરંતમાં વરસાદ પડેલા હોતા આનંદ કીચડમાં પટકાયો.

‘ચાલો ગાડીને ધીમે ધીમે જવા દ્યો...’ સુલતાન બોલ્યો કે તરત ડ્રાઇવરે ગાડી ચાલુ કરી આગળ વધારી.

ગાડી આગળ વધતાં ધરતી પર પડેલ આનંદનો દેહ પણ ગાડી સાથે બાંધેલો હોતાં સરકવા લાગ્યો.

બુધ્ધઇ ગામાના લોકોએ હુરિયો બોલાવ્યો, અને બાળકો તાળિયો પાડવા લાગ્યા.

કાદવ-કીચડમાં ઢસડાંતા આનંદના દેહ પરનાં કપડાં ધીરે ધીરે ફાટવા લાગ્યાં.

પથ્થરના ટુકડાઓ તેના શરીર સાથે ઘસડાતાં ખૂંપતા હતા. આનંદે પોતાના ચહેરો જેટલો બને તેટલો ઊંચો રાખ્યો હતો જેથી તેની આંખોમાં કાદવ-કાંકરા પથ્થર ન જાય.

‘ગામવાસીઓ જુઓ, આ છે આપણા દેશના દુશ્મન...’ પાકસ્તાનને બરબાદ કરવા માટે અહીં આવ્યો હતો. જુઓ... આપણા દેશ પર ઊંચી નજર કરનારાઓને શું સજા મળે છે. તે જુઓ...’ સુલતાન સ્પીકરમાં ચિલ્લાતો હતો. ગામના લોકો જાણે ગામમાં કોઇ મદારી આવીને ખેલ કરતાં હોય તેમ આનંદ સાથે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. કેટલાય પણ પોતના બાળકોને આનંદ પર પથ્થર મારવાનો ઇશારો પણ કરતા હતા. બાળકો હુરિયો બોલાવતાં આનંદને પથ્થરો મારવા લાગ્યા.

આનંદના કપડાંના લીરે-લીરા થઇ ગયા હતા, તેનુ શરીર છોલાવા લાગ્યું હતું. તે જોરજોરથી પીડાને લીધે ચિલ્લાવા લાગ્યો.

દુર્ગાની આંખોમાંથી આંસુઓની ધારા વહેતી હતી, પણ મા ભારતીની તે પુત્રીએ મન મક્કમ કહી હોઠને એકદમ મક્કમ કરી ચૂપચાપ આનંદને જમીન પર ઢસડતો નીરખી રહી હતી.

ટેકરીઓ પાછળ લપાતા-છુપાતા પ્રલય, કદમ અને ઇ.રસીદ બુધ્ધઇ ગામ તરફ આગળ વધી રહ્યા હતા.

તેઓને ખબર ન હતી પણ નદી કિનારે ઝૂંપડીમાં તેઓએ રાતવાસો કર્યો હતો. તેમાં રહેતો તે ફકીર પણ પ્રલય, કદમ અન ઇ.રસીદનો પીછો કરતો પાછળ આવી રહ્યો હતો.

અચાનક લાઉડ સ્પીકરમાં ગુંજતો સુલતાનનો અવાજ તે લોકોના કાને પડ્યો પછી થોડીવાર બાદ આનંદની ગુંજતી ચીસોનો અવાજ પણ આવવા લાગ્યો.

‘પ્રલય... ગામમાં કાંઇક ધમાલ ચાલી રહી લાગે છે. જો લાઉડ સ્પીકરમાં કાંઇક બોલવાનો અવાજ આવે છે અને કોઇની ચીસો ગુંજતી હોય તેનો અવાજ આવે છે.’ ચૂપચાપ ટેકરીઓ પાછળ ચાલતો કદમ બોલ્યો.

‘હા... કદમ ગામમાં કાંઇક તો ધમાલ છે. આપણે ઝડપથી ત્યાં પહોંચવુ પડશે.’ પ્રલયે કહ્યું, પછી તેણે ઇ.રસીદ સામે જોયું, ‘રસીદ શું લાગે છે, તને...?’

‘પ્રલય... જ્યારે કોઇ ભારતના આદમી પકડાય છે. ત્યારે તેને સખ્ત સજા આપવમાં આવે છે. અને બુધ્ધઇ ગામ લોકોને એકઠા કરી ભારત વિરુદ્ધ ઝેર ભરાવવામાં આવે છે. નાના બાળકોને પણ તૈયાર કરવામાં આવે છે. અને ભારત વિરુદ્ધ તેઓને ઝનૂન થાય તેવું શિખવાડવામાં આવે છે. આપણે સાવધાની રાખવી પડશે.’

ગાડી ગામની ગલી-ગલીમાં ઘુમતી હતી અને ગાડીની પાછળ બંધાયેલ આનંદની હાલત ખરાબ થતી જતી હતી. તેની ચીસોથી વાતાવરણ ખળભળી ઊઠ્યું હતું. ધીરે ધીરે તેના કપટા ફાટીને તારતાર થતા જતાં હતા અને ખુલ્લા બદન જમીન પર કાદવ, પથ્થરોમાં ઢસડાતાં લોહી-લુહાણ થતું જતું હતું. આનંદના શરીરમાં તીવ્ર કારમી પીડા ઊઠતી હતી. મોતથી પણ બદતર હાલત તેની થતી જતી હતી. છલકાતી આંખોએ દુર્ગા આનંદની દશા નિહાળી રહી હતી. તેણે મનોમન મનમાં પ્રતિજ્ઞા લીધી હતી કે આનંદની આ હાલત કરનારને પોતે તરફડાવી-તરફડાવીને મારશે, ભલે તે માટે તેને આંતકવાદોની સાથે ભળવું પડે, પોતાની ઇજજત લૂંટાઇ જાય ભલે પોતાને આંતકવાદી બનવું પડે. મનને માંડ-માંડ મક્કમ કરતાં, હોઠને દાંતો વડે દબાવી બંધ રાખી તે બંધનગ્રસ્ત હાલતમાં ગાડીની પાછલા ખાણિયામાં ઊભી હતી. દાંત વચ્ચે હોઠ દબાવવાથી લોહીની ટસરો ફૂટી, લોહી તેના હોઠની સાઇડમાંથી રેલાતુ હતું.

‘મારી નાખો... સાલ્લા કાફરને... વા... વા... સાલ્લાની ચામડી ઊતરી જાય એટલે હું ઘરેથી મચરા અને મીઠાની ભુક્કી લાવી છું. તેનો તેના દેહ પર છંટકાવ કરીશ. વા... તેને તરફડતો જોવાની મઝા આવશે. હા... હા... હા...’ એક સ્ત્રીની મુઠ્ઠીમાં મરચા મીઠાની ભુક્કીઓ હતી તે પાગલની જેમ હસી રહી હતી.

‘છોકરાઓ... પથ્થર મારો... આપણા દેશનો દુશ્મન છે. મારો, તમારામાં જેટલી શક્તિ હોય તેટલા પથ્થર ઉઠાવીને મારો...’ એક આદમી ચિલ્લાતો હતો.

અને નાસમજ, માસુમ બાળકો શર્ટને વાળી તેમાં પથ્થરા એકઠા કરી પાછી આનંદને મારતા હતા.

ચારે તરફથી તડાતડ પથ્થરોનો વરસાદ થતો હતો.

પ્રલય, કદમ રસીદ ટેકરીઓ પરથી દોડતા હતા. ચારે તરફ ફેલાયેલા જંગલી બાવળોના અણીદાર કાંટાઓ તેમના બદનમાં સોયની જેમ ખૂંપતા હતા, પણ ત્રણેમાંથી કોઇને તેની પરવા ન હતી. તેઓનાં કપડાં પણ ઠેર ઠેરથી ફાટી ગયાં હતા. દોડવાને લીધે તેઓ હાંફતા હતા.

***