Once Upon a Time - 112 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 112

Featured Books
Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 112

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 112

‘દાઉદના મજબૂત રાજકીય આધારસ્તંભ સમા રોમેશ શર્માને દિલ્હી પોલીસ પકડી પાડ્યો હતો. રોમેશ શર્માએ મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ પછી એ કેસના ઘણા આરોપીઓ તથા દાઉદ ઈબ્રાહિમની બહેન અને માતાને દિલ્હીમાં પોતાના નિવાસસ્થાનમાં આશરો આપ્યો હતો એવી માહિતી પોલીસને મળી હતી આ ઉપરાંત મલેશિયામાં એરક્રાફ્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતા અને દિલ્હીમાં ઘર ધરાવતા રમેશ મલિક નામના માણસે પણ રોમેશ શર્મા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. રમેશ મલિકે દિલ્હીના જોઈન્ટ પોલીસ કમિશનર અમોદ કાંતને કહ્યું હતું કે તેણે પોતાનું ઘર પોતાના એક કઝિનને રહેવા આપ્યું હતુ, પણ જ્યારે એ ઘર ખાલી કરવા માટે તેણે તેના કઝિનને કહ્યું ત્યારે તેના કઝિને ઘર ખાલી કરવાની ઘસીને ના પાડી દીધી અને બીજા દિવસે રોમેશ શર્માએ ફોન કરીને તેને ધમકાવ્યો હતો કે તારું ઘર હવે તારા કઝિનની માલિકીનું છે એ પાછું મેળવવાનું સપનામાં પણ ન વિચારતો.

આ ઉપરાંત રોમેશ શર્મા પર દુબઈથી દાઉદ, દાઉદના ભાઈ અનીસ તથા દાઉદના ખાસ માણસ અને બોલીવુડને ધ્રુજાવનાર અબુ સાલેમના ફોન પણ આવતા હતા. નેપાળમાં મિરઝા દિલશાદ બેગની હત્યાથી રોષે ભરાયેલા અબુ સાલેમે એકવાર રોમેશ શર્માને એવો પણ ફોન કર્યો હતો કે બબલુ શ્રીવાસ્તવને ખતમ કરવા માટે હું મારા શૂટર્સને મોકલું છું. બબલુને દિલ્હીની કોર્ટમાં હાજર કરવામાં આવે ત્યારે મારા શૂટર્સ તેને ખતમ કરી નાખશે. પણ રોમેશ શર્માએ તેણે કહ્યું કે શૂટર મોકલવાની જરૂર નથી. બબલુ શ્રીવાસ્તવને ઉત્તરપ્રદેશમા નકલી એન્કાઉન્ટરમાં પતાવી દેવાની ગોઠવણ હું કરી લઈશ. આ દરમિયાન સીબીઆઈ પણ રોમેશ શર્મા પર નજર રાખી રહી હતી.

રોમેશ શર્માના ફાર્મહાઉસમાં પુષ્પક એવિયેશનનું હેલિકોપ્ટર જપ્ત કરવામાં આવ્યું એ જ દિવસે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે શર્માના ઘરમાં દરોડો પાડીને લાયસન્સ વિનાના શસ્ત્રો રાખવા માટે, ઘરમાં ચિત્તા અને દિપડા જેવાં પ્રાણીઓને રાખવા માટે અને બીજા અનેક આરોપ હેઠળ શર્મા સામે કેસ રજિસ્ટર કરીને શર્માની ધરપકડ કરી.

રોમેશ શર્માની ધરપકડથી દિલ્હી પાવર લોબીમાં ખળભળાટ મચી ગયો. દાઉદને કરાચીમાં આ સમાચાર મળ્યા ત્યારે તે પણ અપસેટ થઈ ગયો. રોમેશ શર્મા સાથે સંબંધ હોવાનો દાવો કરીને શર્ટના કોલર ઊંચા કરતા ઘણા ખેપાનીઓ રોમેશ શર્માના નામથી પણ દૂર ભાગવા માંડ્યા. મિરઝા દિલશાદ બેગની હત્યા પછી દાઉદ માટે આ બીજો ઝટકો હતો.

રોમેશ શર્માની ધરપકડથી ધૂંધવાઈ ઊઠેલા દાઉદને કલ્પના નહોતી કે થોડા દિવસમાં દુબઈમાં પણ તેને ઝટકો લાગે એવી ઘટના બનશે. 10 નવેમ્બર, 1998ના દિવસે દાઉદ ગેંગના ચાર ગુંડા ઈરફાન ગોગાના ઘરે પહોંચી ગયા. એ ગુંડાઓએ કોઈ એક્ઝિક્યુટિવને છાજે એવાં વસ્ત્રો પહેર્યાં હતાં.

તેમણે ઈરફાન ગોગાને પોતાની સાથે આવવા કહ્યું. ઈરફાન ગોગા એ ચાર ગુંડાઓને પહોંચી વળે એમ નહોતો એટલે ચૂપચાપ તેમની સાથે ચાલી નીકળ્યો. ઈરફાન ગોગાની પત્ની હેબતાઈ ગઈ. તેની નજર સામે જ તેના પતિનું અપહરણ થયું હતું.

ઈરફાન ગોગાને દાઉદના ગુંડાઓ ઉઠાવી ગયા એ પછી ગોગાની પત્નીએ દુબઈ પોલીસને ફરિયાદ કરી કે મારા પતિનું અપહરણ થયું છે.

ઈરફાન ગોગા વર્ષો સુધી દાઉદનો અત્યંત વિશ્વાસુ માણસ રહ્યો હતો, પણ થોડા સમયથી તેણે છોટા રાજન સાથે હાથ મિલાવી લીધા હતા અને રાજન સાથે મળીને તે દાઉદ ગેંગને નુકસાન પહોંચાડી રહ્યો હતો.

ઈરફાન ગોગાને પાંસરો કરવા માટે તેને તેના ઘરમાંથી ઉઠાવી અજ્ઞાત સ્થળ લઈ જવાયો. દાઉદના ભાઈ નૂરા અને અનીસે અબુ સાલેમ, શરદ શેટ્ટી અને અસલમ તલવાર સહિત દાઉદ ગેંગના અન્ય ગુંડાઓની મદદથી ગોગા પર થર્ડ ડિગ્રી અજમાવી. સતત ત્રણ દિવસ સુધી તેના પર અત્યાચાર કર્યા પછી તેમણે 14 નવેમ્બર, 1998ના દિવસે ઈરફાન ગોગાને મારી નાખ્યો અને તેની લાશનો નિકાલ કરી દીધો. દુબઈ પોલીસ ગોગાને જીવતો તો ન શોધી શકી, પણ તેની લાશ સુદ્ધાં દુબઈ પોલીસને મળી નહીં.

જો કેસ સાંયોગિક પુરાવાઓને આધારે દુબઈ પોલીસે દાઉદ ભાઈ નૂરા અને અનીસ તથા અબુ સાલેમ અને શરદ શેટ્ટી સહિત દાઉદ ગેંગના બાવન જણાને લોકઅપમાં ધકેલી દીધા. દુબઈ પોલીસના એ પગલાથી દાઉદ ગેંગમાં સોપો પડી ગયો. દાઉદે પોતાના ભાઈઓને અને સાથીદારોને છોડાવવાની મથામણ શરૂ કરી દીધી.

***

મુમ્બૈયા અંડરવર્લ્ડ ગેંગવોર વિદેશોની ધરતી ઉપર અવારનવાર લોહી વહાવી રહી હતી. દુબઈમાં ઈરફાન ગોગાની હત્યા થઈ એ અગાઉ 1997ના જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં કરાચીના ગુલશન-એ-ઈકબાલ વિસ્તારમાં દાઉદના ખાસ માણસ અને ડ્રગ માફિયા એઝાઝ પઠાણની હત્યાનો પ્રયાસ થયો હતો. રસપ્રદ વાત એ હતી કે એઝાઝ પઠાણની હત્યાની કોશિશ દાઉદના જ બીજા ખાસ માણસ છોટા શકીલે કરી હતી. એઝાઝ પઠાણ દાઉદની બહુ નજીક પહોંચી ગયો હતો અને એક તબક્કે તે છોટા શકીલથી પણ વધુ ‘હેવીવેઈટ’ થઈ ગયો હતો. દાઉદ ગેંગમાં પોતાનુ વર્ચસ્વ ટકાવી રાખવા માટે છોટા શકીલે એઝાઝ પઠાણની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. ટૂંકમાં, છોટા શકીલ અને એઝાઝ પઠાણ વચ્ચે દાઉદ ગેંગમાં નંબર ટુનું સ્થાન મેળવવાની એ લડાઈ હતી.

જાન્યુઆરી, 1997માં શકીલે કરાંચીમાં એઝાઝ પઠાણ પર હુમલો કરાવ્યો એ વખતે એઝાઝ પઠાણને આઠ ગોળી વાગી, પણ તેના સાથીદારોએ તેને તાત્કાલિક કરાચીની જિન્નાહ હોસ્પિટલમાં દાખલ કરીને તેને બચાવી લીધો હતો. એઝાઝ પઠાણને એક મહિના સુધી સારવાર લેવી પડી. એ પછી વળી 8 ઓકટોબર, 1997ના દિવસે એઝાઝ પઠાણ કરાચીના ગુલશન-એ-ઈકબાલ વિસ્તારમાં તેના ઘરેથી તેના પાંચ વર્ષના દીકરા શાહ હુસેન અને પોતાના બોડીગાર્ડસ સાથે બહાર નીકળ્યો ત્યારે છોટા શકીલના શૂટર્સે તેના પર ગોળીબાર કર્યો. એઝાઝ પઠાણના સાથીદારોએ વળતો ગોળીબાર કરીને છોટા શકીલના બે શૂટર્સને ઢાળી દીધા. એ ઘટનામાં એઝાઝ પઠાણ અને તેના પુત્ર શાહ હુસેનને ઈજા પહોંચી હતી.

છોટા શકીલે એઝાઝ પઠાણ પર બે વાર હુમલો કરાવ્યો એથી દાઉદ ચિડાયો હતો અને તેણે છોટા શકીલને ઠપકો આપ્યો હતો. થોડા સમય માટે શકીલ અને દાઉદ વચ્ચે પણ ખટરાગ જેવી સ્થિતિ સર્જાઈ. અબુ સાલેમ અને છોટા શકીલને કારણે પણ ક્યારેક છમકલાં થતાં રહેતાં હતાં. આ દરમિયાન દાઉદનો ભાઈ અનીસ પણ દાઉદના અવગણના કરીને ઘણાં કામ પોતાની રીતે કરતો થઈ ગયો હતો. દાઉદની સામે ફરી એકવાર આફતો બટેલિયનમાં આવી ચડી હતી. નેપાળમાં મિરઝા દિલશાદ બેગની હત્યા થઈ ગઈ. દુબઈમાં અનીસ અને નુરાએ ઈરફાન ગોગાની હત્યાનું ઉંબાડિયું કર્યું હતું. છોટા શકીલ અને એઝાઝ પઠાણ તથા અબુ સાલેમ અને છોટા શકીલ વચ્ચે દુશ્મની વધી રહી હતી, દિલ્હીમાં રોમેશ શર્માની ધરપકડ થઈ હતી અને છોટા રાજન દાઉદ ગેંગને નબળી પાડવા પૂરી તાકાત અજમાવી રહ્યો હતો.

આ દરમિયાન દાઉદ ગૅંગને વધુ એક ફટકો પડ્યો.

(ક્રમશ:)