Mahekta thor - 6 in Gujarati Fiction Stories by HINA DASA books and stories PDF | મહેકતા થોર.. - ૬

Featured Books
Categories
Share

મહેકતા થોર.. - ૬



ભાગ-૬

(આગળના ભાગમાં પ્રમોદભાઈની અત્યાર સુધીની સફર જોઈ, આ બાજુ વ્યોમ r.m.o. પાસે પહોંચ્યો.. હવે આગળ....)

r.m.o. ની સામે જઈ વ્યોમ બેસી ગયો ને પૂછ્યું, "સર, મારે શું કરવાનું છે અહીં?"

r.m.o. એ ચશ્મામાંથી નજર ઉંચી કરી વ્યોમને માપી લીધો. થોડી માહિતી એની પાસે આવી હતી કે આ વ્યક્તિની સાન ઠેકાણે લાવવાની છે, હવે તો મનમાં ગાંઠ વળાઈ ગઈ એટલે વાત પતી. એ બોલ્યા,
" તમારી આજની ડ્યુટી morgue માં રહેશે."

વ્યોમ તો ડઘાઈ ગયો. ફોર્મેલીનની વાસથી એને સખત ચીડ હતી. પણ હવે તો શું થાય. રહ્યા વિના છૂટકો જ ન હતો. આર. એમ. ઓ. એને શબરૂમ સુધી લઈ ગયા. અને ચેતવણી આપી કે કોઈ ગડબડ ન થવી જોઈએ. વ્યોમ પોતાની ડ્યુટી પર લાગી ગયો. ઊંઘવાની કોશિશ કરી પણ એમ ઊંઘ આવે. શબરૂમની બહાર તો કોઈ કઠણ કાળજાનો માણસ સુઈ શકે. ને આ તો વ્યોમ. એને ડર લાગતો હતો એવું નહિ પણ એ સગવડતામાંથી બહાર નીકળ્યો જ ન હતો. તો અહીં ઊંઘ આવવી તો અશક્ય હતી. પણ અહીં કોઈ મોટી જવાબદારી જેવું એને ન લાગ્યું એ બહુ શાંતિ હતી. બસ આમને આમ એણે આખી રાત વિતાવી. સવારે વહેલો કોઈને જાણ કર્યા વગર જ એ ઘર માટે નીકળી ગયો.

ઘરે પહોંચી ફ્રેશ થઈ સીધો કોલેજે. કુમુદને લાગ્યું કે વ્યોમ તો એક દિવસમાં જવાબદાર બની ગયો. મા મનોમન હરખાવા લાગી કે દીકરો તો સારો જ છે બસ થોડું બચપણ છે એનામાં.

કોલેજમાં ધૃતી રાહ જોઇને જ ઉભી હતી કે ક્યારે વ્યોમ આવે ને ક્યારે એની આપવીતી કહે. વ્યોમ પહોંચ્યો એટલે ધ્રુતિએ એકસામટા કેટલાય પ્રશ્નો પૂછી નાખ્યા. વ્યોમે કહ્યું,

"યાર વાત ન પૂછ, આજે તો ફોર્મેલીનની વાસ નાકમાંથી જતી નથી. પપ્પા સાથે તો વાત કરવી જ બેકાર છે, એ આ વખતે કઈ મદદ કરવાના નથી, મારે જ કઈક કરવું પડશે. મારાથી આમ એક મહિનો નીકળે એમ નથી."

ધૃતી બોલી, " પણ તું કરી પણ શું શકે, તારે ડ્યુટી તો કરવી જ પડશે, ને આ કામ બહુ સંવેદનશીલ છે, જો તું જરાક પણ ચુકી ગયો તો સીધો સસ્પેન્સ થઈ જઈશ, પછી તારી પ્રેક્ટિસનું શું થશે, તારું હોસ્પિટલ ખોલવાનું સપનું.... વ્યોમ કઈ ખોટું નહિ કરતો, તારું કરિયર બરબાદ થઈ જશે."

ધ્રુતિની ઓવર ભવિષ્યવાણીથી વ્યોમ કંટાળી ગયો. એ બોલ્યો,
" ઓય, ચશ્મિશ હવે મને વધુ ન બીવડાવ. હું કઈક કરી લઈશ, મારે આમ કઈ એક મહિનો નથી કાઢવો. તું તારું દિમાગ બહુ ન વાપર. તારે મારી અન્ડરમાં કામ કરવાનું છે, તારી સ્ટડીમાં ધ્યાન દે.."

વાતાવરણને હળવું કરતા વ્યોમ બોલ્યો. ધૃતી કહે,

" જા, જા, હું કઈ તારી અન્ડરમા કામ નહીં કરું, મારું તો પોતાનું મસ્ત મોટું ક્લિનિક હશે. ધૃતી શર્મા શહેરની બેસ્ટ ગાયનેક બનવાની છે. તું તો જોતો રહી જઈશ."

ધૃતી સ્વપ્નમાં સરી પડે એ પહેલાં તો રઘલો દોડતો દોડતો આવ્યો ને બોલ્યો,
" વ્યોમભાઈ એક કામ હતું. હજાર રૂપિયા આપશો, બહુ જરૂર છે, મારી પાસે થશે એટલે આપી દઈશ."

વ્યોમનું દિમાગ કઈ હરકતમાં આવી ગયું. એણે ધૃતીને રવાના કરી ને રઘલાને કોઈ સાંભળે નહિ એમ સાઈડમાં લઈ ગયો. બંને વચ્ચે બહુ લાંબી વાત ચાલી ને પછી વ્યોમ સીધો ક્લાસમાં ગયો.

કોલેજ પુરી કરી વ્યોમ સીધો ઘરે જ ગયો. આજે કુમુદને આશ્ચર્ય થયું ક્યારેય વહેલો ન આવતો વ્યોમ આજે તો સીધો ઘરે જ આવ્યો. આ છોકરો એક દિવસમાં આટલો કેમ બદલાઈ ગયો.

વ્યોમ મા પાસે જઈને બોલ્યો, "મા આજે મારે વહેલું જવાનું છે, તો જમવાનું વહેલું છે."

કુમુદે જમવાનું વહેલું ગોઠવી લઈ વ્યોમને બોલાવ્યો. વ્યોમ ચુપચાપ જમવા લાગ્યો. માએ પૂછ્યું,
" બેટા, બધું બરાબર છે ને તને કઈ તકલીફ તો નથી ને કાલે હોસ્પિટલમાં બધું બરાબર હતું ને."

વ્યોમ બોલ્યો, "હા, મા બધું બરાબર છે, પપ્પાની મહેરબાની છે તો હવે ડ્યુટી કરવી તો પડશે,"

કટાક્ષ કરતો વ્યોમ બોલ્યો. જમવાનું પતાવી વ્યોમ સીધો બાઇક લઈ હોસ્પિટલ તરફ ગયો. સવારે ઉઠી કુમુદે જોયું તો વ્યોમ એના રૂમમાં આરામ કરતો હતો, કદાચ રાત્રે આવ્યો હશે તો થાકી ગયો હશે એમ વિચારી કુમુદે વ્યોમને ઉઠાડ્યો નહિ. પ્રમોદભાઈ ઉઠ્યા એટલે કહે,

"વ્યોમ હમણાં બહુ થાકી જાય છે, આજે હજી સૂતો છે. રાત્રે મોડો આવ્યો હશે કદાચ. કોલેજથી કઈ ફરિયાદ આવે તો સંભાળી લેજો. આજે એને ઊઠાડવો નથી ભલે સૂતો હોય."

એક મા ની ચિંતા જોઈ પ્રમોદભાઈ પણ પીગળી ગયા. થયું કે કઈ વાંધો નહિ વ્યોમની સાન ઠેકાણે લાવવા એમણે જ કોલેજમાં વાત કરી હતી. જો એ જવાબદાર બની ગયો હોય તો હવે કોઈ ચિંતા ન હતી.

વ્યોમ સૂતો હતો ત્યાં લેન્ડલાઈનની રિંગ વાગી. કુમુદે જ ફોન ઉપાડ્યો. વાત પૂરી કરી સીધી વ્યોમને ઉઠાડવા દોડી. વ્યોમને ઉઠાડી બોલી,

"વ્યોમ, તારા પિતાજીનો ફોન હતો, ગુસ્સામાં હતા. તને હોસ્પિટલમાં બોલાવ્યો છે. તે કઈ કર્યું તો નથી ને બેટા?"

વ્યોમ તાબડતોડ ઉભો થઇ ગયો. કઈ બોલ્યા વગર ઝડપથી ફ્રેશ થઈ સીધો હોસ્પિટલ માટે નીકળી ગયો, ન નાસ્તો કર્યો, ન તો કુમુદના પ્રશ્નોનો કોઈ જવાબ આપ્યો...

(વ્યોમે વળી નવું શું કર્યું ? વધુ વાત આવતા અંક માં..)

© હિના દાસા